Tran Laghukathao books and stories free download online pdf in Gujarati

ત્રણ લઘુકથાઓ

1 - એપ્રિલ_ફૂલ

"ભાભી, સાંપ!" પડોશમાં રહેતી કામિનીની રાડથી રચનાએ પાછળ જોયું, એ ગભરાઈને દૂર હટી ગઈ! ભાભી ચીસ પાડશે એ ધાકથી કામિની જલ્દીથી બોલી, "એપ્રિલ ફૂલ.. સોરી ભાભી, એ પ્લાસ્ટિકનો છે!" રચના આંખો ફાડીને એ રમકડાંને જોઈ રહી હતી, "એપ્રિલ ફૂલ" સાંભળી એણે જોરથી બરાડો પાડ્યો, અને શિકારથી બચવા માંગતી ગભરૂ હરણીની જેમ ઓરડામાં ભરાઈને જોરથી રડવા લાગી! મૌલિકે ઘણી સમજાવી, સાંપ હાથમાં પકડીને રમકડું હોવાની ખાતરી પણ કરાવી, છતાં રચનાનું રૂદન બંધ ન થયું! લગ્ન પછી એક જ વારમાં એપ્રિલ ફૂલ બનાવવાથી રચનાની જે હાલત થઈ હતી, એ પછી બીજા ચાર વર્ષમાં એણે એ સાહસ કર્યું ન હતું, પરંતુ આજે કામિનીએ ઊંધું માર્યું! એ બિચારાને શું ખબર હતી કે વાંક કામિનીનો ન હતો, "એપ્રિલ ફૂલ" શબ્દો સાંભળીને રચનાને એ સાંપમાં ચાર હેવાનોનાં ચહેરા દેખાયાં હતાં!

સાત વર્ષ પૂર્વે બર્થડે પાર્ટીનાં બહાનાથી બોલાવી રોનકે ત્રણ દોસ્તો સાથે મળી રચનાને એપ્રિલ ફૂલ બનાવી એની જીંદગીમાં કાંટા વાવી દીધાં હતાં! એ નરાધમોનાં દાંત, નખનાં ઉઝરડાનાં નિશાન તો ધોવાઈ ગયાં, પરંતુ હ્દયમાં લાગેલો એ ઘા કેમેય કરીને ધોવાતો ન હતો! એને ઘણી વાર મૌલિકને બધું કહીને મનથી હલકા થઈ જવાનો વિચાર પણ થતો, પણ એનાં તરછોડી દેવાની બીકે અને વિધવા માનાં આપેલાં સોગંદે એનું મોઢું સીવાઈ જતું!

મૌલિક એની ખૂબ સંભાળ રાખતો, ઘણીવાર એને સૂનમૂન બેઠેલી જોઈ એ પણ વ્યથિત થઈ જતો, એનાં એપ્રિલ ફૂલ બનાવવા પછી એ બોલી હતી, "આઈ હેટ એપ્રિલ ફૂલ!" આજે એની વ્યથા જોઈ મૌલિકથી બોલી જવાયું, "આ એપ્રિલ ફૂલ તો હોવું જ ન જોઈએ!"

***

2 - અપરિચિત

"બે દિવસ પહેલાં જ હું અમેરિકાથી આવી. " રૂમાલથી પસીનો લૂંછતા રૂચિતાએ કહ્યું, "ધવલ તો મારી સાથે વાત કરવા જ રાજી ન હતો, કેટલો સમજાવ્યો ત્યારે માંડ કહ્યું કે સુચિત્રાબેન.. મારો રોશન તમારી પાસે છે. એની કાયમની કચ-કચથી કંટાળી ગુસ્સામાં હું ઘર છોડી ચાલી ગઈ, પરંતુ આજે મને મારી ભૂલ સમજાઈ રહી છે, મારી લાઈફ સ્ટાઈલનો પણ વાંક હતો. જોબ અને કિટીપાર્ટીમાં બીઝી રહીને મેં ઘર પ્રત્યે ધ્યાન જ ન આપ્યું. પણ તમે જોયું જ હશે સુચિત્રાબેન કે કસૂરવાર તો ધવલ પણ મારા જેટલો જ છે, એણે પણ મારા કે રોશન પર ક્યાં ધ્યાન આપ્યું હતું? પેલી ચૂડેલ સાથે ફરીને કેવો ઈતરાતો હતો! હવે એને છોડીને બીજીને પકડી છે, સાલી પુરૂષની જાત જ એવી, બ્લડી રાસ્કલ્સ સાલા!" એકીશ્વાસે બોલતી રૂચિતાની વાક્ધારા હેમલભાઈનાં ખોંખારો ખાવાથી તૂટી, એનાં મુખ પર છોભીલું સ્મિત આવી ગયું.

એ આગળ બોલવા જતી હતી પરંતુ હેમલભાઈનાં શબ્દોએ એને ફરીથી અટકાવી," માફ કરજો રૂચિતાબેન, ધવલભાઈની વાત છોડો.. પરંતુ રોશન પર ધ્યાન તમે પણ ક્યાં આપ્યું હતું? એ બિચારો છોકરો તો તમારા ઘરમાં આયાનાં હાથમાં મોટો થયો હતો, તમારા ગયા પછી ધવલભાઈએ તમારો બધો ગુસ્સો એ માસૂમ પર ઉતારવાનું શરૂ કર્યું હતું. છી.. પોતાનાં સંતાનને એવાં શબ્દો કોઈ પિતા બોલે? એ તો કુદરતનો આભાર કે મેં ત્યાં પહોંચી એ માસૂમને તમારા જંગલી પતિનાં હાથમાંથી બચાવ્યો. હવે આટલાં વર્ષો પછી તમને છોકરો યાદ આવ્યો? અરે.. તમારા જેવા મા-બાપ હોવું, એ ન હોવા બરાબર છે.

"યુ આર રાઈટ હેમલભાઈ, સાચું કહું તો મને રોશનની યાદ એટલાં માટે આવી કે મેં સેકન્ડ મેરેજ એક બીજવર સાથે કર્યા છે, એને ઓલરેડી ચાર બાળકો છે, એ પણ મોટા થઈ ગયા, એને હવે બાળક નથી જોઈતું, અને મારી મમતા હવે જાગી છે! જો રોશન મારી સાથે.... ઓહ.. માય સન, માય બેબી!" દરવાજામાંથી પ્રવેશ કરી રહેલ પંદર વર્ષનાં ખૂબસૂરત બાળક તરફ રૂચિતા દોડી, પરંતુ એની આંખોમાં પોતાનાં માટે અપરિચિતતા જોઈ પગને બ્રેક લાગી ગઈ!

"હુ આર યુ? સોરી આન્ટી, આઈ એમ નોટ યોર સન! માય ફાધર એન્ડ મધર ઈઝ હીયર, આઈ થિંક.. યુ હેવ સમ મિસઅન્ડરસ્ટેન્ડીંગ!" રૂચિતાને પોતાનાં તરફ ઘસી આવતી જોઈ થોડો દૂર ખસીને આશ્ચર્ય સાથે આટલું કહી હેમલભાઈ અને સુચિત્રાબેન તરફ એક મીઠું સ્મિત આપી રોશન સ્કૂલબેગ સાથે એક રૂમમાં ઘૂસી ગયો. આઠ વર્ષ પછી મમતા ભર્યું હ્દય લઈ પારેવાંની જેમ ઉડતી આવેલ રૂચિતાનાં પગ ઘોર નિરાશા સાથે દરવાજા તરફ વળી ગયાં! રૂમની બારીમાંથી સામેનાં બંગલા સામે જોઈ રહેલ રોશનની આંખમાં એક ન ગમે તેવું સંભારણું સળવળીને ખોવાઈ ગયું!

***

3 - ગર્વ

ટોલનાકું..!

તેનાં અને તેનાં જેવા બીજાઓની આવક માટેનું ઉત્તમ સ્થળ એટલે એ ટોલનાકું. .

ટોલ ભરવા માટે ગાડીની લાઈનની લંબાઈ અને તેનાં, તેમ જ તેનાં જેવા 'બીજાઓ'ના ફાયદાને એક સીધો સંબંધ હતો. આ 'બીજાઓ' જ હવે તો એનાં દોસ્ત, સખી, કે પછી પરિવારજન હતા. તેની દુનિયા હવે તો બસ, તેમનાં પૂરતી જ સીમિત થઈને રહી ગઈ હતી, કારણ..

કારણ બહારની દુનિયામાં તો એ, ન તો પુરૂષમાં ગણાતો, કે ન તો સ્ત્રીમાં ! એ સમાજમાં તો બસ હાંસીપાત્ર જ હતાં એ, અને એનાં જેવા બીજાઓ. કોઈ છક્કો કહીને તુચ્છકારતું, તો કોઈ કુતૂહલવશ જોયા કરતું. કેટલાક તો અજાણ્યા ભયથી વિન્ડોનો ગ્લાસ સુદ્ધાં ન ખોલતાં !

ઘણાં વર્ષોથી તેણે ઘર છોડી દીધું હતું. છોડ્યું નહોતું, બલ્કે છોડવા મજબુર થવું પડ્યું હતું. ભાઈએ મારીને રીતસર ઘરમાંથી કાઢી જ મૂક્યો હતો, કારણ ભાઈને લાગ્યું કે એની બોલવા-ચાલવાની ઢબને કારણે એનાં કુળનું નામ ખરાબ થતું હતું.

બે વર્ષ થઈ ગયા એ વાતને. શરૂઆતમાં થોડો સમય એ આ બીજાઓ સાથે તાળીઓ પાડવામાં અને હાકોટા પાડવામાં શરમ અનુભવતો, પણ હવે તેમની સાથે એ સંપૂર્ણ રીતે સેટ થઈ ચૂક્યો હતો. ટેક્સ ચૂકવણી માટે ઉભી રહેતી ગાડીઓ પાસેથી પોતાનો ય ટેક્સ ઉઘરાવી લેવામાં હવે એ મહારત કેળવી ચૂક્યો હતો !

મધ્યરાત્રિ થઈ ચૂકી અને આજનો ધંધાનો સમય પૂરો થયો. આરામ માટે છ કલાક હતાં. એણે પોતાના ઠેકાણાં તરફ ચાલવા માંડ્યું. થોડે દૂર ઝાડીમાંથી કંઈક સળવળાટ થયો, એટલે એનું ધ્યાન અવાજ ભણી દોરાયું. ઉતાવળા પગે ત્યાં પહોંચી જોયું, તો એક નાની આઠેક વર્ષની બાળકી અત્યંત બિભત્સ અને નિઃસહાય હાલતમાં જમીન પર પડી હતી, અને શ્વાસ સાવ ધીમી ગતિએ ચાલી રહ્યો હતો. નજર ઊંચે કરી તેણે આસપાસ ફેરવી તો દૂર એક બાઈક ઊભેલી દેખાઈ, અને એ દિશામાં જતો એક યુવાન પાછળ ફરીને જોતો નજરે પડ્યો !

એણે પણ દુનિયા જોઈ જ હતી. ક્ષણવારમાં સમજાઈ ગયું કે આ માસૂમને પીંખવાનું અધમ કૃત્ય એ નપાવટનું જ છે. જોરથી હાકોટો પાડતો એ પેલા યુવાનની તરફ દોડ્યો. એને દોડતો જોઈ અને એનાં હાકોટાથી ગભરાઈને પેલો બે વાર તો પડતા બચ્યો, પણ ત્રીજી વારમાં તો એક ખાડામાં ગુલાંટીયું ખાતો ઝીંકાયો.

એણે અને એનાં સાથીદારોએ મળી પેલાને ખાડામાંથી બહાર કાઢ્યો અને મારી મારીને અધમુઓ કરી નાખ્યો. ખેંચીને-ઉંચકીને મારતા મારતા એ લોકો પેલાને એ બાળકી પાસે લઈ આવ્યાં. એટલીવારમાં તો ત્યાં ગાડીઓનો કાફલો અને સ્ત્રી-પુરૂષોનું ટોળું વળી ગયું. કેટલાંક પેલાં યુવાનને, તો કેટલાંક બાળકીને જોઈ રહ્યાં હતાં. એણે પરસેવાથી નીતરતાં બ્લાઉઝમાંથી મોબાઈલ કાઢ્યો અને વારાફરતી એમ્બ્યુલન્સ અને પોલીસને કોલ કરી ઘટનાની જાણકારી આપી. હવે બધા એને જ જોઈ રહ્યાં હતાં. કદાચ એની કોઠાસૂઝને મૂંગી દાદ આપતાં હશે, પણ એણે તો એક તુચ્છકારભરી નજરથી જ ટોળા સામે જોયું અને કોઈની ય મદદની રાહ જોયા વિના બાળકીને ઉંચકી લીધી.

આજે પહેલીવાર, મનમાં કાયમી ઘર કરી ગયેલી હિણપતથી એે મુક્ત થયો હતો. પોતાની જાત પર આજે એને ગર્વ થયો કે પોતે જેવો છે એવો, પણ આ ટોળાનાં તમાશાભૂખ્યા સ્ત્રી-પુરૂષો જેવો, કે પેલા બળાત્કારી યુવાન જેવો તો નહોતો જ !

સોલી_ફિટર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED