Batmi books and stories free download online pdf in Gujarati

બાતમી

બાતમી

સોલી ફીટર

ટ્રીન ટ્રીન.. ટેલીફોનનાં કર્કશ ધ્વનિએ બપોરનાં સમયનાં થાણાનાં શાંત વાતાવરણમાં ભંગ પાડ્યો, ઈન્સ્પેક્ટર જસવંતની આરામથી પોઢેલી આંખો એક ઝાટકે ખૂલી ગઈ. આરામમાં ખલેલનાં કારણે અથવા કોઈ નવા કેસનાં આગમનનાં એંધાણે એણે કંઈક અણગમાથી રિસીવર ઊઠાવ્યું, “યસ, જસવંત ગલોરિયા સ્પીકીંગ.”

બીજે છેડે એનો ખાસ બાતમીદાર અમજદ હતો, એનો અવાજ સપાટ હતો, “સાહેબ, મારાથી મારી બીવીનું ખૂન થઈ ગયું છે, મારા ઘરે આવી મને ગિરફતાર કરી લો.”

“ભે… દ, શું બકવાસ કરે છે, બેવકૂફ?” ભાગ્યે જ ગાળ બોલતો જસવંત બરાડ્યો, પરંતુ અમજદે ફોન મૂકી દીધો હતો. રિસીવરને ક્રેડલ પર પછાડી ફરી એ બરાડ્યો, “અબ્દુલ, જીપ નિકાળ… આશુતોષ, નિમેષ, ઘનશ્યામ ગેટ રેડી ઈઅર્લી, રહેમતનગરમાં એક મર્ડર થયું છે.” ટીમ તૈયાર થાય એટલી વારમાં એણે ફોન કરી એમ્બ્યુલન્સ, ફોટોગ્રાફર અને ફિંગરપ્રિન્ટ એકસપર્ટને એડ્રેસ સમજાવી ઘટનાસ્થળે પહોંચવાનો હુકમ કર્યો.

***

પોલીસ જીપ સડસડાટ રસ્તો કાપી રહી હતી, એથી બમણી ગતિથી જસવંતનું મસ્તિષ્ક દોડી રહ્યું હતું. અમજદે ઘણા અટપટા કેસ સોલ્વ કરવામાં એની મદદ કરી હતી. એની બાતમી પાક્કી રહેતી, એનાં માટે એક બાહોશ ખબરી સાબિત થયો હતો એ. ક્રાઈમ બ્રાંચમાં એની નિયુક્તિને પાંચ વર્ષ જેટલો સમયગાળો થયો હતો, અમજદ અને વરૂણનાં કારણે આ વિસ્તારમાં એનો દબદબો હતો. ગમેતેવો ગૂંચવણ વાળો કેસ હોય, એ બંને માંથી કોઈ એક ગણતરીનાં દિવસોમાં જ એનો નિવેડો લાવતી બાતમી ખોળી કાઢતાં. એમાં પણ વરૂણ તો ખબરીથી વધુ જાસૂસ બની ગયો હતો! પણ એ બંનેનાં બાતમીદાર હોવા વિશે થાણામાં પણ કોઈને ખબર નહોતી, ઈવન કે બંને એકબીજાને ઓળખતા પણ નહોતાં! જેની જયાં જરૂર પડે, એક જ કૉલથી એ ધંધે લાગી જતો, બંને ખૂબ ધગશથી કામ કરતાં અને સંપૂર્ણ વફાદાર હતાં, ઘણીવાર પોતે ચેક પણ કર્યું હતું. પણ સાલું આ અમજદીયાને શું થયું કે બાયડીને જ પતાવી દીધી? એક-બે વાર જોઈ હતી, રૂપાળી હતી, વાણી-વર્તન પણ વ્યવસ્થિત હતાં. બે દિવસ પહેલાં પોતે એને ત્યાં જમ્યો પણ હતો, નોનવેજ ખાવાની ઈચ્છા થઈ, એની બાયડીએ ફટાફટ બધું બનાવી નાખ્યું અને બનાવ્યું પણ અફલાતૂન હતું યાર! અરે, બંને કેવા હસી હસીને વાતો કરતા હતાં, પોતે જમતાં જમતાં દરવાજાનાં પરદાનાં હલનચલનથી એ પણ જોયું હતું, તો અચાનક એને શું થયું?!?

હજી ગયા મહિને જ તો એક હાઈપ્રોફાઈલ મર્ડર કેસમાં એણે જ તો એ પતિને ગાળો આપી હતી, જેણે પોતાની પત્નીને જબરદસ્ત ગેમપ્લાન બનાવી પતાવી હતી! એ અમજદીયો જો એ મહત્વની કડી ન ખોળી શક્યો હોત તો હજી એ કેસ ફાઈલમાં જ પડી રહ્યો હોત! એ કાવતરાબાજને એરેસ્ટ કરી જ્યારે ઘરે પહોંચ્યો હતો, તે સમયનાં ફોનમાં આક્રોશપૂર્વક બોલાયેલા અમજદનાં શબ્દો હજી પણ એનાં કાનમાં ગૂંજી રહ્યા હતાં, “સાહેબ, એ ચૂ..યાને સજા આપવા પહેલા બરાબરનો ઠોકજો, અપ્સરા જેવી દેખાતી પત્નીની સાલાએ નિર્દય બનીને ઠોકી દીધી, સાલા એ ભે.. દોમાં કંઈક દયા જેવું હોતું હશે કે નહિ?

***

અમજદનાં ઘરની આસપાસ જમાં થયેલ ભીડને હટાવી આશુતોષ અને ઘનશ્યામ સાથે જસવંત ઊતાવળે અંદર દાખલ થયો. પોલીસનાં આગમનથી અંદર થતો કોલાહલ શમી ગયો અને બહાર ઊભેલી ભીડમાં ખૂસર-પૂસર થવા લાગી. અમજદની બીવીની લાશ દરવાજાની સંમાતરે જ ચત્તી પડી હતી અને અમજદ થોડે દૂર હિંચકા પાસે જમીન પર માથે હાથ દઈને બેઠો હતો. એક પળ માટે જસવંત પણ ચોંક્યો, જ્યારે એણે એનાં ડાબા હાથ પાસે રિવોલ્વર પડેલી જોઈ! આ એ જ રિવોલ્વર હતી, જે એને સેલ્ફ ડિફેન્સ માટે પોતે આપી હતી, જો કે એ ગન અનધિકૃત હતી અને પોતે આપી છે એનો કોઈ પુરાવો પણ ન હતો, છતાં પોલીસ લોકઅપમાં ભલાભલા મૂંગા રીઢા ગુનેગાર પોપટ બની બોલવા માંડે છે,એનો અનુભવ પોતાનાથી વધુ કોને હોય! “ બેવકૂફ મરાવશે મને!” બબડતો એ ઔપચારિક વિધિ માટે લાશનું નિરિક્ષણ કરવા લાગ્યો.

એનો બબડાટ સાંભળીને કોન્સ્ટેબલ ઘનશ્યામ પૂછી બેઠો, “ કોણ મરાવશે સર?”

“કંઈ નહિ, અહીં હાજર બધાનાં બયાન લેવા માંડો અને મને ફોન કોણે કર્યો હતો?” તદ્દન અજાણ બનીને એણે ચારેબાજુ નજર ફેરવી, સામેનાં રૂમ પાસે લપાયેલા ચાર- પાંચ જણ માંથી એક જણે બેઠેલા અમજદ તરફ ગભરાતા ગભરાતા હાથ બતાવ્યો.

“ ઓહ તો આ સાહેબ છે, જે બાયડીનું ખૂન કરી હવે માતમ મનાવવા બેઠા છે! એય ઘનશ્યામ, આ ચૂ.. યાને હથકડી પહેરાવ, અને એય આશુતોષ, તું બયાન લેવાનું સ્ટાર્ટ કર.” હંમેશા શાલીનતાથી વાત કરવા ટેવાયેલા સાહેબને આજે વાતે વાતે ગાળાગાળી કરતા જોઈ હવાલદારો અચંબામાં પડી ગયા હતાં. જીપમાં પણ આખા રસ્તે વિચારોમાં ખોવાયેલા અને વ્યાકુળ જોઈ ઘનશ્યામને તો દાળમાં કાળું નહિ! પણ દાળ પૂરી જ કાળી લાગી રહી હતી! છતાં સાહેબનાં મૂડને કારણે એ ચૂપ રહ્યો.

અમજદે પોતાનો ગુનો કબૂલ કરી આસાનીથી સરેંડર કરી દીધું, હત્યાનો મોટિવ જણાવવાનો એણે ઈન્કાર કર્યો! બસ એક જ રટણ હતું કે “ હું ગુનેગાર છું, મને ફાંસીએ ચડાવી દો.” રિવૉલ્વર વિશેની પૂછપરછમાં એ બોલ્યો, “ હું નાની મોટી ચોરીઓ કરૂં છું, કોઈક જગ્યાએથી ચોરી હતી, ક્યાંથી, એ યાદ નથી!” એ શું કરે છે, કોઈ જાણતું નહોતું. એનાં જવાબથી જસવંતનો જીવ હેઠો બેઠો.

હાજર રહેલ લોકોનાં બયાન પરથી પણ ખૂન શું કામ થયું હતું, એ કળાતું નહોતું, અમજદની માં પોતાનાં કમરામાં આરામ કરતા હતાં, એની બાયડી આસિયાં કપડા ધોઈ રહી હતી, બાજુમાં રહેતી નસીમા અને બાજુનાં ગામથી આવેલ આસિયાંનો મામાનો છોકરો ઈકરામ, જે અત્યારે જ આવ્યો હતો, અને બીજા કમરામાં સામાન ગોઠવતાં નસીમા સાથે વાતો કરી રહ્યો હતો, એટલામાં ગોળીનો અવાજ આવતાં બંને બહાર દોડ્યા હતાં! જોયું તો આસિયાં ચત્તીપાટ પડી હતી, માથામાંથી લોહી વહી રહ્યું હતું અને સામે દરવાજાની વચ્ચે કાળ જેવો અમજદ હાથમાં રિવૉલ્વર સાથે ઉભો હતો, એનાં નાળચા માંથી ધૂમાડો નીકળી રહ્યો હતો. ઈકરામ સામે ગોળી છોડવાની તૈયારી જ કરતો હતો, અચાનક અટકી ગયો અને મોં વકાસીને જોવા લાગ્યો, પછી શું થયું ખબર નહિ પણ માથે હાથ દઈને બેસી ગયો અને રડવા લાગ્યો! થોડી વારે પોતે જ ઉઠીને પોલીસને ફોન કર્યો.

ફોટોગ્રાફી, ફિંગરપ્રિંટ અને પંચનામાની વિધિઓ આટોપી જસવંતની ટીમ આરોપીને લઈ થાણે પહોંચી. જસવંત પોતાનાં વફાદાર બાતમીદાર સાથે એકાંતમાં હકીકત જાણવા ઉત્સુક હતો, સાંજનો સમય વીતી ચૂક્યો હતો, અમજદને લોકઅપમાં બંધ કરવાનો હુકમ અને જરૂરી સૂચનો આપી એ ઘરે ફ્રેશ થવા ગયો, આમ પણ આજથી એની નાઈટ ડ્યુટી હતી.

***

અમજદની આપવીતી સાંભળી જસવંત પણ હક્કો બક્કો રહી ગયો, " સાહેબ, મારા પરએક નનામો ફોન આવ્યો, “અમજદમિંયા, લોગોકી ખબર બહોત રખતે હો, કભી અપને ઘરકી ખબર ભી રખ્ખા કરો મિંયા! આપકે ઘર પર કૌન આતા હૈ, કૌન જાતા હૈ? ધ્યાન દો ભાઈ… આપકી બીવી ભાઈ બહોત બનાતી હૈ, ઔર આપ સાલે! ઔર વો દોનો ભાઈ બહન મિલકર આપકો મામૂં બના રહે હૈ મિંયા! અભી દેખો, થોડી દેરમેં આપકા એક સાલા આનેવાલા હૈ, લાઈવ શૂટિંગ દેખના હો તો પહુંચો અપને ઘર! અચ્છા લગે તો દેખના વરના નારાજ મત હોના!” એ જે કોઈ હતો, પરંતુ એની વાતો સાંભળીને મારૂં મગજ તપી ઊઠ્યું, કામ અત્યારે ઠંડુ જ છે, નહિ તો હું આપને જાણ પણ કરત… મારતી બાઈકે હું તાત્કાલિક મહોલ્લામાં આવતો હતો, પણ પેલાની વાતની ખરાઈ કરવા માટે મેં બાઈકને ગ્રાઉન્ડની બીજી બાજુ ઉભી રાખી લપાતો-છૂપાતો આગળ વધ્યો. હજી હું ગ્રાઉન્ડમાં જ હતો અને દૂરથી મને ઈકરામ મારા ઘરનો દરવાજો ખખડાવતો દેખાયો, એટલે હું નાળિયેરીની પાછળ સંતાયો. આસિયાંએ દરવાજો ખોલી એને હસતાં હસતાં આવકાર આપ્યો, પેલાની વાતમાં મને દમ લાગ્યો, એટલે થોડી રાહ જોઈને બંનેને રંગે હાથે પકડીને ઠોકવાનાં ઈરાદા સાથે મેં રિવૉલ્વર હાથમાં લીધી, પાંચ મિનિટ પછી મેં દરવાજો ખખડાવ્યો, દરવાજો ખોલવામાં ઘણી વાર લાગી અથવા મને ગુસ્સાને કારણે એવું લાગતું હતું! દરવાજો આસિયાંએ જ ખોલ્યો, એનાં કપડાં અસ્તવ્યસ્ત હતાં, મને જોઈને એ (ગભરાઈને) બોલી, “તમે? અત્યારે?” મેં આજુબાજુ નજર ફેરવી, પેલો દેખાયો નહી, “ઓહ.. તો એને સંતાડીને આવી છે!”

“કોની વાત કરો છો તમે? કોણ?”

“એ જ તારો મુંહબોલો મામાનો છોકરો!”

“ઓહ ઈકરામ! એ તો અંદર બેઠો છે” એ હસીને બોલી! એનાં આ નફ્ફટ જવાબ પર મેં પિત્તો ગુમાવ્યો, કોઈ વધુ ખુલાસો કર્યા વિના મારો રિવૉલ્વર વાળો હાથ સીધો થયો, અને બે ગોળી સીધી એની છાતીમાં પેસી ગઈ. ધડાકાનાં અવાજથી ઈકરામ રૂમની બહાર આવ્યો, હું એને પણ ખલાસ કરવા જ જતો હતો, ત્યાં જ એની પાછળ રૂમની બહાર આવેલી મારી પડોશણ નસીમાને જોઈ, મારા ગાત્રો થીજી ગયા! એક જ ક્ષણમાં મને સમજાઈ ગયું કે મને કોઈએ ગેરમાર્ગે દોર્યો હતો. સાહેબ, પાંચ વર્ષથી આપને ચકાસી-ચકાસીને દરેક બાતમી પહોંચાડતો હું અવ્વલ દર્જાનો બેવકૂફ એક ખોટી બાતમીનાં કારણે મારી વફાદાર આસિયાંને મારી નાખી!” રાતનાં સન્નાટામાં એનાં ઘ્રૂસકે ઘ્રૂસકે રડવાનાં અવાજથી લોકઅપ ગૂંજી ઊઠ્યું અને જસવંત અવાચક બની એને જોઈ રહ્યો!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED