રેડલાઇટ બંગલો
રાકેશ ઠક્કર
પ્રકરણ-૨૧
બુલેટની ટક્કરથી ઇજા પામેલા હરેશભાઇ નહેરમાં દર્દથી કરાંજતા હતા. તેમણે પોતાના પગને હાથ લગાવ્યો તો હાડકું તૂટ્યું હોવાનો ભાસ થયો. કમર સુધીનો ભાગ બચી ગયો હતો પણ નીચેના ભાગમાં ઇજાઓ પહોંચી હતી. તે પોતાને બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. પણ ભરબપોરે રસ્તો જ નહીં આખી સીમ સૂમસામ હતી. ગામ એકદમ જંપી ગયું હતું. અગનગોળા જેવા સૂરજનો એ પ્રભાવ હતો. હરેશભાઇને શરીરમાં દર્દ વધી રહ્યું હતું. તેની સાથે મનમાં બુલેટ કોની હતી અને કેમ આવો અકસ્માત થયો તેના વિચારો પણ ચાલી રહ્યા હતા. તેમના મનમાં લાલજીનું નામ ચમકી ગયું. તેણે આપેલી ધમકી "તને છોડીશ નહીં" ની યાદ આવી ગઇ.
ત્યાં દૂરથી મોટરકારનો અવાજ સંભળાયો અને તેમનામાં જોશ વધી ગયું. તે વધારે જોરથી બૂમો પાડવા લાગ્યા. હરેશભાઇ રોડની બાજુની ઊંડી નહેરમાં પડ્યા હતા એટલે જલદીથી નજરે આવે એમ ન હતા. કારમાં બેઠેલા તેમનો અવાજ સાંભળી શક્યા નહીં. બંધ કાચવાળી કાર તેમની બાજુમાંથી પસાર થઇ ગઇ. તે હતાશ અને નિરાશ થઇ ગયા. થોડીવાર પછી તેમણે ફરી કાર નજીક આવવાનો અવાજ સાંભળ્યો. જોયું તો પસાર થયેલી કાર રીવર્સમાં આવી રહી હતી. કાર સાયકલ પાસે આવીને ઊભી રહી. અને તેમાંથી એક શેઠ જેવા માણસ નીકળ્યા. હરેશભાઇનો અવાજ સાંભળીને તેમણે મોં ફેરવ્યું એટલે ખ્યાલ આવી ગયો કે એ હેમંતભાઇ હતા. ગામના મોટા ખેડૂત અને અનાજના વેપારી હતા. હરેશભાઇનું મોટાભાગનું અનાજ એ જ ખરીદતા હતા. હરેશભાઇને થયું કે અન્નદાતા આજે દેવતા બનીને આવી પહોંચ્યા હતા.
"અરે હરેશ, અહીં કેવી રીતે પડી ગયો?" હેમંતભાઇએ નવાઇ સાથે ચિંતાથી પૂછ્યું.
"અત્યારે વધુ વાત કરવાનો સમય નથી શેઠ. મને વૈદ્ય પાસે લઇ જાવ. પગમાં અને આ થાપામાં ભયંકર પીડા થાય છે. પણ મને બહાર કેવી રીતે કાઢશો?" હરેશભાઇ એક સાથે બોલી ગયા.
હેમંતભાઇનો ડ્રાઇવર બહાર આવ્યો. તેણે પણ હરેશભાઇને જોયા. અને પોતાનો હાથ લંબાવી જોયો. નહેર એટલી ઊંડી હતી કે તેનો હાથ હરેશભાઇને અડ્યો પણ નહીં. હવે કેવી રીતે હરેશભાઇને બહાર કાઢવા તેનો વિચાર કરવા લાગ્યા. નહેરમાં પાણી ઓછું હતું એટલું સારું હતું. હરેશભાઇને પગમાં વાગ્યું હતું એટલે તે ચાલી શકે એમ ન હતા.
હેમંતભાઇના ચહેરા પર એકદમ ચમક આવી ગઇ અને તે બોલ્યા:"એક મિનિટ, વસંત પેલું દોરડું કાઢને."
ડ્રાઇવર વસંતને ખ્યાલ આવી ગયો હોય એમ તે તરત જ ડીકી ખોલીને મોટું જાડું દોરડું લઇ આવ્યો.
હેમંતભાઇ કહે:"બે દિવસ પહેલાં નાળિયેરી પરથી નાળિયેર ઉતારવા નવું દોરડું લાવ્યો હતો. એ કામ આવી જશે."
હેમંતભાઇ અને વસંતે નહેરમાં દોરડું નાખી હરેશભાઇને પકડી લેવા કહ્યું. બંનેએ દોરડું ખેંચ્યું. હરેશભાઇએ દોરડું મજબૂત પકડી રાખ્યું હતું એટલે તેમને ઊપર ખેંચ્યા. શરીર ઘસાતું હોવા છતાં દર્દ સહન કરી લીધું. થોડી મુશ્કેલી પછી હરેશભાઇ ઊપર આવી ગયા. અને હાંફતા ઘૂટણ પર ઊભા રહ્યા. વસંતે કારમાંથી પાણીની બોટલ લાવી તેમને ધરી. પાણી પીધા પછી તેમણે વૈદ્યને ત્યાં લઇ જવા કહ્યું. હેમંતભાઇ અને વસંતે તેમને સહારો આપી પાછળની સીટ પર સુવડાવી દીધા.
હરેશભાઇ વૈદ્યની સારવાર લઇ હેમંતભાઇની કારમાં ઘરે આવ્યા ત્યારે બહાર હરેશભાઇને જમવાનું આપવા રાહ જોઇને બેઠેલા વર્ષાબેન ચોંકી ગયા.
હેમંતભાઇ અને વસંત હરેશભાઇને બંને બાજુથી હાથ પકડીને કારમાંથી ઊતારી રહ્યા હતા. હરેશભાઇના પગમાં પાટા બાંધેલા હતા. તેમના ચહેરા પર દુ:ખ અને દરદ છલકાતા હતા.
"આ શું થયું દિયેર?" વર્ષાબેન ગભરાઇ ગયા.
"એક બુલેટની ટક્કરથી ઘાયલ થયા છે. વૈદ્યની સારવાર અપાવી છે એટલે આરામથી સારું થઇ જશે." હેમંતભાઇએ વર્ષાબેનને કહ્યું.
ત્રણેય હરેશભાઇના ઘરમાં આવ્યા. હરેશભાઇને ખાટલા પર આડા સુવાડ્યા. પગમાં અને થાપામાં વાગ્યું હોવાથી ચત્તા સૂઇ શકે એમ ન હતા. હરેશભાઇને થયું કે લાલજીની નજર લાગી ગઇ.
"આ તો હેમંતભાઇ ભગવાન થઇને પ્રગટ્યા. નહીંતર કોણ જાણે ક્યારે સારવાર મળી હોત. અને મારું શું થયું હોત." હરેશભાઇ અહોભાવથી હેમંતભાઇને જોઇને બોલ્યા.
વર્ષાબેન હેમંતભાઇને ઓળખતા હતા. પતિ સોમલાલ સાથે હતો ત્યારે તે હેમંતભાઇને ત્યાં પોતાનું અનાજ વેચવા જતી હતી. પછી તો હરેશભાઇ જ બધું સંભાળતા હતા એટલે જવાનું ઓછું થયું હતું.
"આ તો કારમાં પસાર થતાં મેં રસ્તામાં સાયકલ પડેલી જોઇ એટલે શંકા પડી. આટલી બપોરે કોઇ આવી રીતે સાયકલ રસ્તામાં પડી ન હોય. પહેલા મને થયું કે કોઇ દારૂડિયો પીને નહેરમાં નહાવા પડ્યો હશે. પણ પછી થયું કે આટલી બપોરે કોઇ દારૂ ના પીવે. એટલે વસંતને ગાડી પાછી લેવા કહ્યું. ચાલો આફત ટળી ગઇ છે. અને જીવ બચી ગયો છે. થોડા મહિનામાં હરેશભાઇ ફરી ચાલતા- દોડતા થઇ જશે. અને વર્ષાબેન, તમે ચિંતા ના કરતા. કોઇ પણ જરૂર હોય મને જણાવશો. ખેતીનું કામ હું કરાવી દઇશ... લો ચાલો હું નીકળું." કહી હેમંતભાઇ ઊભા થયા.
વર્ષાબેન હેમંતભાઇને બહાર સુધી મૂકવા ગયા.
ત્યારે હેમંતભાઇએ કહ્યું:"કોઇ વાતની ચિંતા ના કરશો. હરેશભાઇની ખેતી હું મારા માણસો પાસે કરાવી લઇશ. પાકને બગડવા નહીં દઇએ. તમે ફક્ત રોજ આવીને ધ્યાન આપજો."
"તમારો બહુ આભાર શેઠજી." કહી વર્ષાબેન હાથ જોડી ઊભા રહ્યા.
"આ તો મારી ફરજ છે. ચાલો ત્યારે મળ્યા." કહી હેમંતભાઇ કારમાં રવાના થઇ ગયા.
વર્ષાબેન જમવાનું લઇને ગયા. હરેશભાઇ થોડું જ ખાઇ શક્યા.
હરેશભાઇ પાણી પીને બોલ્યા:"બુલેટવાળો ભૂલથી ટક્કર મારી ગયો કે તેનો એવો ઇરાદો હતો એ મને હજુ સમજાતું નથી. મને તો લાલજી પર શંકા જાય છે."
વર્ષાબેન નવાઇથી હરેશભાઇ તરફ જોઇ રહ્યા.
"પોલીસ ફરિયાદ કરવાનો પણ અર્થ લાગતો નથી. બુલેટનો રંગ તો શું નંબર કયો કે કોણ બેઠું હતું એ પણ જોઇ શક્યો નથી. શંકાના આધારે ફરિયાદ કરવામાં શહેર સુધી પોલીસના ખોટા ચક્કર કાપવાનું બરાબર લાગતું નથી." હરેશભાઇ પોતાના મનના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા.
વર્ષાબેનને પણ લાલજી પર તો શંકા ઊભી થઇ હતી. લાલજી તેને પામવા અધીરો બન્યો હતો. તે દિવસે મોંમાં આવેલો કોળિયો છીનવાઇ ગયો હતો. હરેશભાઇ આવી જતાં તેના તનની મુરાદ મનમાં જ રહી ગઇ હતી. વર્ષાબેનને ત્યારે જ થયું હતું કે લાલજી હવે ભડકવાનો છે. પણ તે લાલજી વિરુધ્ધ હમણાં કંઇ બોલવા માગતી ન હતી. એટલે વાત બદલીને બોલી:"અર્પિતાને જાણ કરી દઇએ...?"
"ના....ના... એને જાણ ના કરતી. એ અહીં આવશે તો એનું ભણવાનું બગડશે. અને બહુ વધારે સમસ્યા નથી. એક કામ કર આપણા પેલા મજૂર લાલુને કહી દે કે હમણાં ખેતરે ના જતો. અહીં જ મારી સાથે રહેજે. એ મને દરેક કામમાં મદદ કરશે. તું હેમંતભાઇના સંપર્કમાં રહી ખેતીનું કામ કરાવજે." હરેશભાઇએ આયોજન કરી દીધું.
હરેશભાઇ હવે નિરાશ અને લાચાર બની ગયા.
"આ હેમંતભાઇ આવી ગયા તો સારું થયું. એમણે ખેતી પણ કરી આપવાનું કીધું છે." વર્ષાબેન હેમંતભાઇથી પ્રભાવિત થઇ ગયા હતા.
"હા, પણ તારે તકલીફ વધશે. મારે તો કેટલા મહિને આ પાટો છૂટશે એની ખબર નથી." હરેશભાઇને આ રીતે ખાટલો પકડવાનું ગમતું ન હતું.
વર્ષાબેન હરેશભાઇને ચિંતા ન કરવાનું કહી ઘરે આવ્યા.
હરેશભાઇને ખબર પૂછવા લોકો આવી રહ્યા હતા. મોડી સાંજે લાલજી પણ દેખાયો. વર્ષાબેન તેને જોઇને ચોંકી ગયા. આ શું કામ અહીં આવ્યો હશે. એને ખબર છે કે હરેશભાઇ તેને પસંદ કરતા નથી. તો શું એ દાઝ્યા પર નમક નાખવા આવ્યો છે?
લાલજી હરેશભાઇના ઘરમાં ગયો ત્યારે પાટાને લીધે તે ઊંધા પડીને સૂતા હતા. લાલજીને એની મજબૂરી પર મનમાં હસવું આવી ગયું.
"હરેશભાઇ, કેવું છે?" લાલજીએ પૂછ્યું એટલે હરેશભાઇ અડધું પડખું ફર્યા અને તેને જોઇ રોષથી કહ્યું:"તારા કાળજે તો ઠંડક થઇ ગઇ હશે ને? મને આ સ્થિતિમાં જોઇ આનંદ મનાવવા આવ્યો લાગે છે."
લાલજીને હરેશભાઇની વાતથી દિલમાં થોડો ચચરાટ થયો પણ તેમણે સંયમ રાખ્યો.
"જો ભાઇ, હું તો માનવતાની રીતે તારી ખબર પૂછવા આવ્યો છું. અને મારા લાયક કંઇ કામકાજ હોય તો જણાવજે એમ કહેવા આવ્યો છું. આખરે તમે બધા અમારા ગ્રાહક છો."
"આ બધી વાતો હવે તારા મોંએ શોભતી નથી લાલજી. મને આ હાલતમાં જોઇ તું ખુશ થવા આવ્યો છે..." હરેશભાઇને તેના પર રોષ આવી રહ્યો હતો.
લાલજીને નવાઇ લાગી રહી હતી.
આખરે હરેશભાઇએ પોતાની શંકા વ્યક્ત કરી જ દીધી:"લાલજી, એવું તો નથી ને કે મને ખાટલો પકડાવવામાં તારો હાથ છે...?"
"અરે! હરેશભાઇ તમે આટલું મોટું આળ કેવી રીતે મૂકી શકો? તમને મુસીબતમાં મૂકીને મને શું લાભ થવાનો હતો? તમને ગેરસમજ થઇ લાગે છે. મારી પાસે કે કોઇ ઓળખીતા પાસે બુલેટ નથી કે તમને પાડી દેવા કહું. એવું હોય તો પોલીસ ફરિયાદ કરોને... ખબર પડી જશે. ન્યાય માટે પોલીસ અને કોર્ટના દરવાજા ખુલ્લા છે. અને આમ તમે મારા પર સીધો આક્ષેપ મૂકો એ ખોટું કહેવાય. હું કંઇ તમારો દુશ્મન નથી."
લાલજીની વાત સાંભળી હરેશભાઇને તેમના પરનો શક ઓછો થઇ ગયો.
જો લાલજી ખરેખર ના હોય તો પછી કોણ હશે? કે ખરેખર એક અકસ્માત જ હતો? હરેશભાઇનું મન કહેતું હતું કે આ અકસ્માત ન હતો. નક્કી કોઇનું કાવતરું છે.
લાલજી હરેશભાઇની ખબર જોઇ બહાર નીકળ્યો ત્યાં વર્ષાબેન જમવાનું લઇને આવી રહ્યા હતા. તેમને જોઇ કહ્યું:"કંઇ કામકાજ હોય તો જણાવજો.... હા, મારું કામ તો બાકી છે..."
નફ્ફટ લાલજીએ કંઇક યાદ કરાવ્યું પણ વર્ષાબેન કંઇ બોલ્યા વગર હરેશભાઇના ઘરમાં જતા રહ્યા.
હરેશભાઇ કહે:"લાલજીઆવ્યો હતો. તેની વાત પરથી તો લાગે છે કે તેણે કંઇ કરાવ્યું નથી. તો કોણ હોઇ શકે?"
"તમે હવે નકામી ચિંતા કરી શરીરને કષ્ટ ના આપો. પછી બધું જોયું જશે. જે થવાનું હતું તે થઇ ગયું છે. મન અને શરીરને આરામ આપો." કહી વર્ષાબેન જમવાનું પીરસવા લાગ્યા.
હરેશભાઇનું મન વિચાર કરતાં અટકતું ન હતું. તેમની આંખો સામે એ દ્રશ્ય વારંવાર આવી રહ્યું હતું. પોતે રસ્તો ખુલ્લો કરી આપ્યો હતો અને એકદમ રસ્તાની ધાર પર સાયકલ ચલાવતા હતા. બુલેટને વધારે જગ્યાની જરૂર પણ ન હતી. અને બપોરે તો ગામમાં કોઇ દારૂ પીતું નથી. એટલે સંતુલન ગુમાવવાનો પ્રશ્ન ન હતો. અને જો અકસ્માત હોત તો બુલેટવાળો ઊભો રહ્યો હોત. ગામડામાં તો માનવતા મરી પરવારી નથી. હેમંતભાઇ કેવા ઊભા રહી ગયા હતા. તો બુલેટવાળો કેમ ભાગી ગયો? તપાસ તો કરવી જ પડશે. કારણ જાણવા નહીં મળે ત્યાં સુધી ચેન નહીં પડે. તેમનું વર્ષાબેન સાથે લગ્ન કરવાનું સપનું અત્યારે રોળાયું તેનું દુ:ખ વધારે હતું.
***
રચનાને કોલેજક્વીન સ્પર્ધા માટે તૈયાર કરી અને રાજીબહેનને લાભ સમજાવી તેમની પાસેથી સંમતિ લીધા પછી અર્પિતાને થયું કે તેનું અડધું કામ તો થઇ ગયું છે.
"અર્પિ, સમય બહુ ઓછો છે હું કેવી રીતે તૈયારી કરી શકીશ?" રચનાને ચિંતા થઇ.
"જો કાલે તું નામ નોંધાવી દે. પ્રિંસિપલ સાહેબ આપણાને મદદ કરશે." અર્પિતાએ તેને નચિંત બનાવી અને પૂછ્યું:"ગયા વર્ષે કેવી રીતે સ્પર્ધા યોજાઇ હતી એનો અનુભવ તો કહે. મને પણ ખ્યાલ આવેને."
"જો, રવિકુમાર તને તૈયારી કરાવી જ રહ્યા છે એ જનરલ નોલેજના પ્રશ્નો સૌથી છેલ્લે આવશે. સૌપ્રથમ આપણે પરિચય આપવાનો. પછી કેટવોક કરવાનું. કોઇ એક ગીત પર ડાંસ કરવાનો. અને બે-ત્રણ અલગ-અલગ ડ્રેસ પહેરીને અદા બતાવવાની. બસ બીજું શું કરવાનું?" રચનાને મન આ સ્પર્ધા સરળ હતી.
પણ અર્પિતાએ તેને ચેતવી:"મેં જાણ્યું છે કે આ વખતે છ-સાત છોકરીઓ નામ નોંધાવી ચૂકી છે. અને એમાંથી બે-ત્રણને તો મોડેલીંગમાં રસ છે એટલે બહુ મહેનત કરી રહી છે. વળી એ પૈસાદારની છોકરીઓ છે. તેમને ટક્કર આપવાનું સહેલું નહીં હોય."
"તું ચિંતા ના કરતી. રાજીબહેન આપણા પર પાણીની જેમ પૈસા ખર્ચશે. અને રવિકુમારની મદદ મળવાની જ છે." રચનાને રાજીબહેન અને રવિકુમાર પર ભરોસો હતો.
રચના ગઇ એટલે અર્પિતાએ મોબાઇલ હાથમાં લીધો. અને કોઇની સાથે વાત કરીને મનોમન ખુશ થઇને બોલી:"કોલેજક્વીન સ્પર્ધામાં આ વખતે મજા તો આવશે!"
***
હરેશભાઇને બુલેટની ટક્કર લાગી એમાં ખરેખર લાલજીનો હાથ ન હતો? અને લાલજીનો હાથ ન હતો તો શું કોઇનું કાવતરું હતું? અને કાવતરું હતું તો કોણે કર્યું અને કેમ કર્યું? બીજી તરફ અર્પિતા કોલેજક્વીન સ્પર્ધા માટે કઇ બાજી ગોઠવી રહી હતી? એ જાણવા હવે પછીના રસપ્રચૂર પ્રકરણ વાંચવાનું બિલકુલ ચૂકશો નહીં.