નો રીટર્ન-૨ ભાગ-14 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-14

નો-રીટર્ન-૨

ભાગ-૧૪

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇન્દ્રગઢનાં રાજમહેલમાં રોકાયેલા વિદેશી મહેમાનોની અસલીયત ખરેખર તો કંઇક અલગ જ હોય છે. તેઓ એક મકસદ લઇને અહીં આવ્યા હોય છે. તેમનો એ મકસદ ઘણો ખતરનાક હતો....બીજી તરફ પવન જોગી અને અનેરી પાલીવાલની સાવ અનાયાસે જ એક રેસ્ટોરન્ટમાં મુલાકાત થઇ જાય છે. હવે આગળ...)

અનેરીએ બહું સમજી- વિચારીને એક અજાણ્યા યુવાનને પોતાનાં ટેબલ ઉપર બેસવાની પરવાનગી આપી હતી. તેમાં તેનો એક મકસદ હતો... મકસદ એ હતો કે તેણે વિનીતને અત્યારે અહી ડીનર માટે મળવાનું ગોઠવ્યું હતું. જે રીતે આજે બપોરે તે અચાનક તેની રૂમે આવી ચડયો હતો એ તેને બિલકુલ ગમ્યું નહોતું. તે પોતે જે કામને અંજામ સુધી પહોંચાડવાની કોશિષમાં લાગી હતી એ કામ ઘણું ખતરનાક હતું. એમાં કોઇપણ સમયે કંઇપણ દુર્ઘટના ઘટી શકે એ વાતથી તે સંપૂર્ણપણે વાકેફ હતી અને એટલે જ વિનીત આ મામલાથી દુર રહે એમાં તેની સલામતી હતી. આ ઉપરાંત બીજુ પણ એક કારણ હતું. તે જાણતી હતી કે વિનીત તેને પસંદ કરવા લાગ્યો છે. વિનીત તેનો બાળપણનો મિત્ર હતો. તેનું વ્યક્તિત્વ એવું હતું કે એ કોઇપણ છોકરીને તુરંત પસંદ આવે, ખુદ તેને પોતાને પણ વિનીત ગમતો હતો.... પરંતુ હાલનાં સંજોગો એવા હતા કે તે આવી કોઇ બાબતો વિશે ગંભીરતાથી વિચારી શકે તેમ નહોતી. એક મકસદ લઇને તે અહી ઘૂમી રહી હતી. એ મકસદમાં વિનીતની લાગણીઓ જરૂર અડચણરૂપ બને. નો- ડાઉટ કે પોતાના કાર્યમાં તેણે વિનીતની મદદ લેવી પડી હતી, પરંતુ એ મદદ ફક્ત એક જ કામ પુરતી સિમીત હતી. હાલનાં સંજોગોમાં તે વિનીત કે બીજા કોઇને પણ પોતાની સાથે રાખી શકે તેમ નહોતી. અને એટલે જ અત્યારે હમણાં જ્યારે વિનીત અહી. આવે ત્યારે એક અજાણ્યા ઇસમને તેની સાથે બેઠેલો ભાળી(જોઇ) જરૂર તે ખચકાય. તેનાં મનમાં જે ભાવો ઉદ્દભવ્યા હોય એને અનેરી સમક્ષ વ્યક્ત કરવાનો તેને મોકો ન મળે એવું વિચારીને તેણે એક અજનબી યુવાનને પોતાની સાથે બેસવા દીધો હતો.

“ તમે શું લેશો...? ”તેનાં કાને શબ્દો અફળાયા એટલે અચાનક તે સજાગ થઇ. સામે બેસેલો યુવાન તેને કંઇક પુછી રહયો હતો.

“ જી...! શું કહ્યું તમે...? ” તેને સમજાયું નહી એટલે તેણે એ યુવાનની આંખોમાં ઝાંકતા પુંછયું.

“ આપ શું લેશો એવું પુછું છું... ”

“ જુઓ મિસ્ટર.... ”

“ પવન...! પવન જોગી.... નામ છે મારું. ” હું તુરંત બોલ્યો.

“ હાં તો મિસ્ટર પવન જોગી, હું અહી કોઇની રાહ જોઇ રહી છું. માટે પ્લીઝ તમે કંન્ટીન્યૂ કરો... ” તે બોલી. તેનો અવાજ થોડો ભારે હતો. જાણે ગળામાંથી ઘસાઇને આવતો હોય એવો. થોડોક અલગ પ્રકારનો. મને એ અવાજ ગમ્યો.

“ અરે એવું થોડું ચાલશે...! તમારા મહેમાન આવે ત્યાં સુધી કંઇક મંગાવીએ...! સમથીંગ લાઇક અ સ્ટાર્ટર....ઓર અ સૂપ....? ” મેં વાતનો તંતુ છોડયો નહી. એક અજાણી યુવતી સમક્ષ આટલા શબ્દો બોલ્યો એની હેરાની મને ખુદને થઇ રહી હતી. સામાન્ય રીતે આવી પરિસ્થિતીમાં હું ગુંચવાઇ જતો હોઉં છું. અજનબી લોકો સાથે વાત કરવાનો ભાગ્યે જ મેં પ્રયત્ન કર્યો હશે. પરંતુ ખબર નહિ કેમ, અત્યાર હું ભારે આશ્વર્ય સાથે આત્મવિશ્વાસ અનુભવી રહયો હતો. કદાચ જે યુવતીને જોવાની, મળવાની અજબ તાલાવેલી મારા મનમાં હતી એ જ યુવતી અત્યારે મારી નજદીક, મારી સામે બેઠી હતી એની તે અસર હશે.

“ જુઓ મિસ્ટર...! એવી કોઇ ફોર્માલીટીની જરૂર નથી. આ તો જસ્ટ, રેસ્ટોરન્ટમાં બીજે કયાંય જગ્યા નથી એટલે મેં તમને અહીં બેસવા દીધા. તમે એનો બીજો કોઇ મતલબ ન વિચારતા ઓ.કે...! ” તે બોલી ઉઠી.

“ અરે...! મેં તો જસ્ટ, આભારવશ તમને પુંછયું. એમાં તમે ગુસ્સે થઇ ગયા. જાણું છું કે આપણે બંને એકબીજાને નથી ઓળખતા પણ અજનબીઓ વચ્ચે આવી રીતે જ તો ઓળખાણો થતી હોય છે...” હું બોલ્યો. મને ખુદ મારા શબ્દોથી હેરાની થતી હતી અને તમે સાચું નહી માનો પરંતુ અચાનક મને મજા આવવા લાગી હતી. અનેરી કદાચ સેલ્ફ કોન્શિયસનેસ અનુભવી રહી હતી.. એક સાવ અજાણ્યા યુવક સાથે વાત કરવાનો ડર તેનાં જહેનમાં ઉદ્દભવ્યો હશે એવું મને લાગ્યું.

“ પણ મને તમારી સાથે એવી ઓળખાણ વધારવામાં કોઇ જ રસ નથી. ” આખરે તે અકળાઇ ઉઠી.

“ તો પછી તમે મને અહી બેસવાની પરવાનગી શું કામ આપી...? ”

“ કહ્યું તો ખરું...! બીજું કોઇ ટેબલ ખાલી ન હોવાથી તમારી ઉપર દયા દાખવીને તમને અહી બેસવા દીધા. અને હવે તમે એનો ગેરફાયદો ઉઠાવી રહયા છો... ”

“ એક્સકયૂઝ મી મોહતરમાં...! આ ટેબલ ઉપર કયાંય તમારું નામ લખેલું છે...? કે પછી ટેબલ રિઝર્વ્ડ છે એવું બોર્ડ મુકેલું હતું...? હું અંદર આવ્યો ત્યારે ઓલરેડી આ ટેબલ ખાલી હતું. સ્વાભાવીક છે કે ટેબલ ખાલી જોઇને હું અહીં બેઠો એમાં મેં શું ખોટું કર્યું....? અને તેમ છતાં જો આપને મારી કંપની પસંદ ન આવતી હોય તો તમે બીજી વ્યવસ્થા કરી શકો છો... ” હું પણ ગાંજ્યો જાઉં એમ નહોતો.

“ બીજી વ્યવસ્થા કરી લો એટલે...? બીજી વ્યવસ્થા તમે કરો મિસ્ટર. આ ટેબલ મારા નામે ઓલરેડી બુક છે જ. યુ જસ્ટ ગેટઅપ એન્ડ ગો અવે...! ” અચાનક તે ગુસ્સે થઇ ગઇ. તેનો ભારે અવાજ વધુ ઉંચો થયો. કદાચ તેને ધરમ કરતાં ધાડ પડી હોય એવું ફીલ થઇ રહયું હતું.

“ હેલ્લો મિસ...! પ્લીઝ કુલ ડાઉન. તમે મેનેજરને બોલાવો. હવે તો હું ય જોઉં કે અહીંથી કોણ બહાર જાય છે...! અને શું નામ કહયું તમારું...? ” મને તેને છેડવાની ખરેખર મજા આવતા હતી. એ બહાને તેની સાથે વાતો લંબાઇ રહી હતી. એક મોકો મળ્યો હતો એનો ભરપૂર ફાયદો ઉઠાવવાનું મેં નક્કી કરી લીધું હતું. ગુસ્સે થવાને કારણે તેનાં ચહેરા ઉપર લોહી ધસી આવ્યું હતું... એ રતુંબલ ચહેરા ઉપરથી હું નજર હટાવી શકતો નહોતો.

“ અનેરી...! અનેરી પાલીવાલ....! અને તમને મારા નામ સાથે શું મતલબ...? તમે તો જસ્ટ, નીકળો અહીંથી...! ” તેનો અવાજ ઉંચો થયો હતો એટલે અમારી આજુ- બાજુ જમતાં બે-ત્રણ પરીવારોનાં ધ્યાન આ તરફ ખેંચાયાં હતાં.

“ નામ જ વિચિત્ર છે પછી તો આવું જ હોય ને...! અનેરી...! હ્હ્... ” મેં જાણી જોઇને છણકો કર્યો. ઓલરેડી હું તેનું નામ જાણતો જ હતો છતાં અત્યારે તેની સમક્ષ અજાણ્યા બનવાનું નાટક કર્યુ. એ જરૂરી પણ હતું. જો તેને ખ્યાલ આવી જાય કે હું આજે બપોરથી તેનો પીછો કરી રહયો છું તો ચોક્કસ એ તેનો ગલત મતલબ સમજે, અને આ તબક્કે એવું કંઇ થાય એવું હું ઇચ્છતો નહોતો.

“ વોટ ધ હેલ...! ” અચાનક તે ઉભી થઇ ગઇ. “ તમને મારી સાથે કોઇ મતલબ નથી છતાં તમે મારી મજાક ઉડાવો છો....! આઇ કાન્ટ બિલીવ કે કોઇ વ્યક્તિ આટલી નફ્ફટ હોઇ શકે...! મેનેજર...! ” તેણે ઉંચા સાદે મેનેજરને હાકલ મારી. તેનો ખુબસૂરત ચહેરો ગુસ્સાથી તમતમી ઉઠયો હતો અને તેનાં વર્તનથી ભરચક રેસ્ટોરન્ટમાં અચાનક એક “ સીન ” ક્રિએટ થયો હતો. અહીં બેઠા હતાં એ તમામની નજરો અમારી તરફ મંડાઇ ચૂકી હતી. લોકો માટે એક કૌતુક સર્જાયું હતું. મને પણ ઘડીભર માટે લાગ્યું કે આ ઠીક નથી થતું, પરંતુ પછી જે થાય એનો આનંદ ઉઠાવવાનું મન બનાવ્યું. મારા તરફથી તો જસ્ટ આ એક ટીખળ જ હતી.

પરંતુ એ સમય દરમ્યાન રેસ્ટોરન્ટનો મેનેજર દોડતો અમારી નજીક આવ્યો હતો અને અનેરી સમક્ષ ઉભો રહયો... “ જી મેમ...! ”

“ વોટ... જી મેમ....! તમે આ વ્યક્તિને કહો કે તે અહીંથી ચાલ્યો જાય. તમે એને બહાર કાઢો...! ”

“ બટ....મેમ. તમે જ તો તેને પરમીશન આપી હતી. મેં ના કહી હતી છતાં તમે એને બેસવા દીધા હતાં....”

“ એ મારી ભુલ હતી, બટ હવે હું જ કહું છું કે તમે આને ઉઠાડો અહીથી....! ”

“ અરે એમ કેવી રીતે તમે બહાર કાઢશો મને....! ભૂલ આ મેનેજરની પણ છે. તેણે અહી ટેબલ રીઝર્વ્ડ છે એવું ટેગ રાખવું જોઇએને....! એક શરીફ ઇમાનદાર વ્યક્તિને આવી રીતે હેરેસ કરવા બદલ હું આ રેસ્ટોરન્ટ ઉપર અને આ મેનેજર ઉપર કેસ ઠોકી દઇશ... ” હું મારા મોં માં જે શબ્દો આવે એ ભરડયે જતો હતો. પેલો મેનેજર મારી વાત સાંભળીને સાવ ઠરી ગયો. મારા પહેરવેશ અને વર્તન ઉપરથી હું કોઇ સામાન્ય વ્યક્તિ તો નહીં જ હોંઉ એટલું તે સમજી ચુકયો હતો. તેની સ્થિતી અચાનક સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ હતી. શું બોલવું એ ઘડીક તો તેને પણ સમજાયું નહીં. અમારા ઝઘડાનાં કારણે તેનાં રેસ્ટોરન્ટની બદનામી થશે એ હકીકત હતી એટલે ભારે ઠંડકથી તેણે સમજદારીપૂર્વક કામ લેવાનું વિચાર્યું...

“ પ્લીઝ...! જુઓ, આપ બંને પોત- પોતાની રીતે સાચા છો. રીઝર્વ્ડ ટેબલ ઉપર બોર્ડ મુકતાં ભૂલાઇ ગયું તેમાં આ ગલતફેમી ઉદ્દભવી છે એ બદલ હું આપ બંનેની ક્ષમા ચાહું છું. મેમ પ્લીઝ....! હમણાં જ એક ટેબલ ખાલી થાય છે. આપ ત્યાં જતા રહો... ” મેનેજર બોલ્યો. આ તેની બીજી ભૂલ હતી. મને એ સમજાયું અને એકાએક મારા ચહેરા ઉપર હાસ્ય છવાયું. અનેરીએ મને હસતા જોયો અને ફરી વખત તેનો મગજ ગયો. મેનેજરે અનેરીને બદલે મને બીજા ટેબલ પર જવાનું કહયું હોત તો એવું ન થાત. તેને એમ જ લાગ્યું કે બંને પુરુષો ભેગા મળીને તેનો ઉપહાસ કરી રહયાં છે....!

“ આ ટેબલ મેં બુક કરાવ્યું છે. ” દાંત ભીંસીને મેનેજરને ખખડાવતા તે બોલી. “ તમે આ વ્યક્તિને બીજા ટેબલ ઉપર બેસાડો. હું અહીંથી કયાંય જઇશ નહી. સમજ્યા તમે...! ”

મેનેજર ખાસિયાણો પડી ગયો. મામલો જરૂર કરતાં વધુ ખેંચાતો જતો હતો અને રેસ્ટોરન્ટમાં પણ અજીબ કૌતુક ફેલાયું હતું. જો જલ્દી આનો નિવાડો નહી નીકળે તો જરૂર તેની નોકરી ખતરામાં પડશે એ સ્પષ્ટ જણાતું હતું. સાવ દયામણું મોં બનાવાને તેણે મારી સામે જોયું....! તમે નહી માનો પરંતુ હું ભરપુર મનોરંજન પામી રહયો હતો. આજ પહેલાં આટલો આનંદ મને કયારેય આવ્યો નહોતો. ચોક્કસ આ વાતને મેં લાંબી ખેંચી હોત, પરંતુ પછી અચાનક મને પેલા મેનેજરની દયા આવી. અમારા કારણે જો તેણે નોકરી ગુમાવવી પડશે તો એ ઠીક નહી ગણાય. અને.... બરાબર એ જ સમયે વિનીતે પણ રેસ્ટોરન્ટમાં પગ મુકયો હતો. રેસ્ટોરન્ટનાં કાચનો દરવાજો ધકેલીને તેને અંદર દાખલ થતાં જોયો એટલે જાણી જોઇને મેં પીછેહઠ કરી.

“ ઓ.કે...ઓ.કે....! હું જ જાઉં છું. મેનેજર...સર, કયા ટેબલ પર મારે બેસવાનું છે...? ” મેનેજર તરફ ફરતા મેં પુંછયું. તેને પણ એકાએક હાશ થઇ. તેને એમ જ હતું કે આટલી આસાનીથી હું વાત છોડીશ નહી.

“ સર....! આપ આ તરફ આવો. ” ભારે સૌજન્યતા દાખવતો વિનમ્રતાથી તે બોલ્યો અને હમણાં જ ખાલી થયેલા એક ટેબલ તરફ મને દોરી ગયો. એ દરમ્યાન ખતરનાક ગુસ્સાભરી નજરે અનેરી મને તાકી રહી હતી અને તેનાં હોઠ કંઇક અષ્ટમ- પષ્ટમ બબડતાં હતા. તે ફરી વખત ખુરશી ઉપર ગોઠવાઇ. બરાબર એ સમયે જ વિનીત ત્યાં પહોંચ્યો અને તેની સામે જઇને ઉભો રહયો.

“ હાય...” અનેરી તરફ જોઇ તે બોલ્યો. હમણાં અહીં શું નાટક ભજવાઇ ગયું એનાથી તે સાવ અજાણ હતો એટલે અનેરીને મળવાનાં ઉત્સાહમાં તે છલકાતો હતો.

***

સૌથી પહેલા એ ફોટોગ્રાફ્સ રીધમ પટલે જોયા. કેનન કંપનીમાં કામ કરતો તેનો મિત્ર સાવ ભંગાર હાલતમાં એક રોલ ડેવલપ કરવા તેને સોંપી ગયો હતો. આવું કામ હવે ભોગ્યે જ આવતું. ડિઝિટલ યુગમાં આવા કચકડાનાં રોલ તો કયારનાં બજારમાંથી ગાયબ થઇ ગયા હતાં. હવે બધુ મોબાઇલ ફોન અને કોમ્પ્યુટરમાં સમાઇ ગયું હતું એટલે જ્યારે આ રોલ તેનાં હાથમાં આવ્યો ત્યારે સૌ પ્રથમ તો તેને શંકા ઉદ્દભવી કે આ રોલમાં પાડેલા ફોટા સહી- સલામત હશે કે કેમ....? પરંતુ તેની એ શંકા નિરાધાર નિવડી...! રોલમાં પાડેલા પીકચર્સ ડેવલપ થયાં હતાં અને અત્યારે તેની સામે ટેબલ ઉપર પડયા હતાં. સાવ નવરાઇ હોવાથી બે દિવસમાં થનારું કામ એક જ દિવસમાં થઇ ગયું હતું.

બત્રીસ ફોટાનાં રોલમાંથી લગભગ વીસેક ફોટા બરાબર આવ્યા હતાં. બાકીનાં બાર ચિત્રો સાવ બ્લેંક હતાં. કેમેરાથી પીકચર ખેંચનારની ભૂલનાં કારણે અથવા તો કેમેરો ખરાબ હશે એટલે એ બાર પીકચરો ખેંચાયાં જ નહોતાં. રીધમ પટેલે એ ફોટોગ્રાફ્સ હાથમાં લીધા અને એક પછી એક ફોટાને જોવા લાગ્યો. જેમ-જેમ એ ફોટોગ્રાફ્સ જોતો ગયો તેમ-તેમ તેનાં ભવાં સંકોચાતાં ગયાં.

“ શું છે આ બધું...? ” બધા ફોટો જોયાં પછી તેનો ઘા ટેબલ ઉપર કરતાં તે બોલ્યો. પછી ફોન ઉઠાવીને તેનાં દોસ્તને લગાવ્યો.

“ અરે પેલો રોલ ધોવાઇ ગયો છે. સાંજે આવે ત્યારે લઇ જજે...” તેણે કહયું અને ફોન મુકયો. તેને એમ હતું કે રોલમાં કોઇનાં જુનાં સમયનાં પારીવારીક ફોટા હશે, પરંતુ અહીં તો કંઇક અલગ જ માજરો જણાતો હતો. ભારે તાજ્જૂબી અનુભવતા ફરીવાર એ ફોટા તેણે ઉઠાવ્યા અને એક પછી એક ફોટોને ધ્યાનથી જોવા લાગ્યો. આશ્વર્ય કે નવાઇ પમાડે એવું કંઇ જ નહોતું તેમાં, તેમ છતાં કોણજાણે કેમ, પણ એક પ્રકારની મનહૂસીયત ફોટામાંથી ટપકતી હોય એવો ભાસ તેને થયો. ફોટા જોતા- જોતા કોઇ જ દેખીતા કારણ વગર એક ઉદાસીનતા તેને ઘેરી વળી. આવું કેમ થયું એ તે પોતે પણ સમજી શક્યો નહી.

પહેલા જ ફોટામાં એક વિશાળ, ભવ્ય, તાજેતરમાં જ તેનાં ઉપર રંગો- રોગાન કરવામાં આવ્યું હોય એવી બે માળ ઉંચી ઇમારત દ્રશ્યમાન થતી હતી. જાણે કોઇ પુરાતન કાળનાં રાજાનો ભવ્ય મહેલ હોય એવી જાજરમાન દેખાતી એ ઇમારતની બાંધણી પોર્ટુગીઝ શાસનકાળમાં બંધાયેલી ઇમારતો જેવી હતી. રીધમ પટેલને સમજાયું નહીં કે આ ઇમારત કયાં આવેલી હશે...! ત્યારબાદનાં ફોટોગ્રાફ્સ કોઇ મ્યુઝીયમનાં હતાં. મ્યુઝીયમની અંદર કાચની પેટીમાં વ્યવસ્થિત રીતે સચવાયેલા કોઇ અગત્યનાં દસ્તાવેજનાં એ પીકચર્સ હતાં. એ ઉપરાંત પણ બીજા ફોટોગ્રાફ્સ હતા જે તેની સમજમાં આવતા નહોતાં. બે- ત્રણવાર એ ફોટોગ્રાફ્સને તે ઉલટાવી- સુલટાવીને જોઇ ગયો. પછી આખરે તે થાકયો અને “ મારે શું...? ” એવા કંટાળાનાં ભાવ સાથે ફરી વખત તેણે એ ફોટાઓનો ઘા ટેબલ ઉપર કર્યો.

પરંતુ... કોઇ જ કામનાં ન જણાતા એ ફોટાઓ આવનારા નજીકનાં ભવિષ્યમાં ભયાનક રણસંગ્રામ મચાવવાનાં હતા. એક હૈરતઅંગેજ સફર ઉપર લઇ જવાનાં હતા. ભારે ખૂના-મરકી અને તબાહી ફેલાવવાનાં હતાં. એની જાણ અત્યારે કોઇને નહોતી.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી.

નો રીટર્ન.

પણ વાંચજો.

નસીબ અને નો રીટર્ન હાર્ડ કોપીમાં પણ ઉપલબ્ધ છે.