નો રીટર્ન-૨ ભાગ-13 Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-13

નો-રીટર્ન-૨

ભાગ-૧૩

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ- ઇન્સ. ઇકબાલ ખાન એમ્બ્યુલન્સ માટે થયેલા કોલનું પગેરું દાબે છે અને એ કોલ કોણે કર્યો હતો તેની વિગત મંગાવે છે.… એભલસીંહ શબનમની ખોલીએ પહોંચે છે.… અને ઇન્દ્રગઢમાં અમેરિકાથી આવેલા પ્રોફેસરો મહેમાન નિવાસમાં આરામ ફરમાવી રહયાં હોય છે...હવે આગળ વાંચો...)

રોગને ક્લારા સામું જોયું. ક્લારા એકદમ તલ્લીનતાથી જમતી હતી. ક્લારા લગભગ સાંઇઠે પહોંચવા આવેલી બુઢ્ઢી ઔરત હતી. તેનાં માથાનાં વાળ વિચિત્ર રીતે ઓળેલા હતાં. જાણે કોઇ સૂઘરીએ તેના માથે માળો બાંધ્યો ન હોય એવો તેનો દેદાર હતો. અડધા ભૂખરા અને અડધા સફેદ વાળની લટો જમતી વખતે તેનાં ચહેરા ઉપર આવતી હતી જેને એક હાથે હડસેલી બીજા હાથે તે કોળીયો મોં માં નાંખતી હતી. સરેરાશ ભારતીય હાથેથી જે રીતે જમતો હોય એવી રીતે જમવાની ક્લારા ચેષ્ટા કરતી હતી. એ જોઇને રોગનને હસવું આવતું હતું. તેને ખુદને પણ હાથેથી જમતાં તકલીફ પડતી હતી તેમ છતાં ભારતમાં બે અઠવાડિયાથી વધું સમય રહયાં બાદ થોડું- ઘણું તે શીખી ગયો હતો. એ ત્રણેયને ધીમે- ધીમે ભારતીય જીવનની ઘરેડ પડતી જતી હતી.

“ રોગન...! જમવામાં ધ્યાન આપ. ” રોગનને એકધારું ક્લારા સામું જોતાં જોઇને પ્રો.જોસેફ થોમ્પસને તેને ટકોર્યો.

“ એ જ તો કરું છું...! ” કટાણું મોંઢું કરતાં તે બોલ્યો. “ ક્લારાને કહે કે તેનાં વાળ સરખા કરાવે. કોક દી તે આપણને ઉપાધીમાં મુકશે...”

તેની એ વાત ઉપર ક્લારાએ માથું ઉંચુ કરી રોગન સામું જોયું અને પછી પોતાનાં એંઠા હાથ વડે જ વાળ સરખા કર્યા અને ફરી પાછી જમવા લાગી. રોગન અને પ્રો.થોમ્પસન તેની એ ચેષ્ટા જોઇ રહયાં.

“ આ છોકરી આપણને મરાવશે એક દિવસ...! ” રોગન બોલ્યો.

“ હા...હા...હા...! ” પ્રોફેસર ઠહાકા મારીને હસી પડયો. રોગને જાણે કોઇ જોક્સ સંભળાવ્યો ન હોય, “ તને ક્યા એંગલથી એ છોકરી જેવી લાગે છે...? તે એક બુઢ્ઢી ઔરત છે. સાવ બુઢ્ઢી.… સમજ્યો....! ”

“ તો પછી તેણે પેલા એભલને ડરાવવાની શી જરૂર હતી...? આણે શાં માટે તેની સામું જોયું...? એ તો સીધેસીધો લાઇબ્રેરીની બહાર જઇ રહયો હતો તો પછી નાહકનો તેનાં મનમાં શક પેદા થાય એવું શું કામ કરવું જોઇએ...?”

“ અરે એ બુધ્ધીનો લઠ્ઠ આદમી છે. કદાચ તે આપણને ઓળખી જાય તો પણ કોઇ ફરક પડવાનો નથી. અને આમ પણ એક દિવસ તેને આપણી સચ્ચાઇ જણાવવી તો પડશે જ ને...! આપણે જ તેને પેલી છોકરી પાછળ લગાડયો છે એ જણાવ્યા વગર છૂટકો પણ નથી. એક એવા ભરોસે તેને કામ સોપ્યું હતુ કે અહીંનો તે સ્થાનીક રહેવાસી છે એટલે આ કામ બહુ સરળતાથી પાર પાડશે...! પણ એ સદંતર નિષ્ફળ ગયો. છોકરી તો તેનાં હાથમાંથી છટકી જ ગઇ પણ કમબખ્ત ખરા ટાઇમે જ તે લાઇબ્રેરીનાં સ્ટોરરૂમમાં આવી ચડયો. ક્લારાની જગ્યાએ કદાચ હું હોંઉ તો મને પણ તેના ઉપર ગુસ્સો આવ્યો જ હોત...! અરે આવ્યો હોત શું કામ, ઓલરેડી હું ગુસ્સે છું જ. એભલસીંહ આપણા કામમાં મદદરૂપ થવાને બદલે મુશ્કેલીઓ વધારી રહયો છે. કાલે સવારે ફોન કરીને તેનો હિસાબ ચૂકતે કરી ફારગત કરવો પડશે...” પ્રોફેસરે લાંબું- લચક ભાષણ ઠોકી દીધું. આ તમામ વાતો તેઓ અંગ્રેજીમાં જ કરી રહ્યા હતા જેથી કદાચ અહીંનો કોઇ નોકર તેમની વાતો સાંભળી પણ જાય તો તેને ખ્યાલ ન આવે કે તેઓ શું બાલી રહયા છે.

“ પણ... હવે શું....? જે કામ માટે આપણે અહી આવ્યા છીએ એ કામ તો થયું નહીં. નાહકનો સમય વેડફાઇ રહયો છે. અને ઉપરથી પેલો લાઇબ્રેરીયન છોકરો નવી ઉપાધી સર્જશે એ અલગ. ભાનમાં આવશે કે તરત એ આપણા ત્રણેય વિશે અહીની પોલીસને જણાવી દેશે...”

“ તું ભૂલે છે રોગન, કે તેણે આપણને નહીં... બીજા કોઇકને જોયા છે...! ” આ શબ્દો બોલતી વખતે પ્રોફેસરની આંખોમાં વિશીષ્ટ ચમક ઉભરી આવી હતી. રોગન અને ક્લારા, બંનેને ખ્યાલ આવ્યો કે પ્રોફેસર શું કહેવાની કોશીશ કરતા હતાં. ભાનમાં આવ્યા બાદ રાજન બિશ્નોઇ જ્યારે પોલીસ સમક્ષ તેનાં ઉપર હુમલો કરનારા ઇસમોનો હુલીયો બયાન કરશે ત્યારે જરૂર મોટી ગરબડ ઉભી થવાની હતી, કારણ કે રાજને જે લોકોને જોયા હતાં એ લોકો યુવાન વયની વ્યક્તિઓ હતાં. જ્યારે પ્રોફેસર અને તેનાં સાથાદારો તો બુઢ્ઢા હતાં. મતલબ સાફ હતો કે તેમણે રાજન ઉપર હુમલો કર્યો નહોતો. એટલે તેમને એ બાબતે ડરવાની બિલકુલ જરૂર નહોતી. પ્રોફેસરની દલીલમાં દમ હતો એટલે એ સાંભળીને રોગન થોડો શાંત પડયો, પરંતુ તેનાં મનમાં વ્યાપેલો ઉચાટ સંપૂર્ણપણે દૂર થયો નહોતો.

“ છતાં આ ઠીક નથી થયું. આપણો મકસદ કંઇક અલગ છે. શું આપણે આ બધી ભાંજગડ કરવા અહી આવ્યા છીએ...? જે ચીજ ખોજવા માટે આપણે આટલી બધી મહેનત કરી રહયા છીએ એ ચીજ વિશે જરા સરખો અંદેશો પણ હજું સુધી આપણને મળ્યો નથી. આવું તો કેમ ચાલશે...? પ્રોફેસર..., તમે જલ્દી કંઇક વિચારો, નહીં તો હું મારો રસ્તો અપનાવીશ. અને તમે જાણો છો કે એ રસ્તો તમને પસંદ નહી આવે.” રોગન બોલ્યો. તેનાં અવાજમાં એકાએક પલટો આવ્યો હતો. તે ગુસ્સે ભરાયો હતો....અને પ્રોફેસર થથરી ઉઠયો. તે રોગનને અને તેનાં કામ કરવાનાં તરીકાથી ભલી ભાંતી વાકેફ હતો. રોગન ખતરનાક વ્યક્તિ હતો. જો તેણે આ મામલો પોતાનાં હાથમાં લઇ લીધો તો પછી તેનું પરીણામ ભયંકર આવશે એ તેમને સમજાતું હતું. રોગનની વાતથી કમરામાં ખામોશી છવાઇ ગઇ. ત્રણેય વ્યક્તિઓ જમવામાં વ્યસ્ત બનવાનો ડોળ કરવા લાગ્યા, પરંતુ હકીકત એ હતી કે તેમના મનમાં ભયંકર ઝડપે વિચારોનું ધમાસાણ મચ્યું હતું. મામલો જરૂર કરતાં વધુ ખેંચાતો જતો હતો અને તેનું કોઇ પરીણામ આવતું દેખાતું નહોતું. આખરે મામલો હતો શું...?આ ત્રણેય બુઢ્ઢા પ્રોફેસરો કંઇ વસ્તુની પાછળ લાગ્યા હતાં...? શું ખોજવા(શોધવા) તેઓ અમેરીકાથી છેક ભારત સુધી ખેંચાઇ આવ્યા હતાં...?

મામલો કંઇક આ પ્રમાણે હતો...

આજથી બરાબર એક વર્ષ પહેલાંની વાત છે, પ્રોફેસર થોમ્પસન અમેરીકાનાં પૂરાતન ઇતિહાસ વીશે કશુંક સંશોધન કરતાં હતાં ત્યારે તેમનું ધ્યાન એક અજીબ બાબત પ્રત્યે ખેંચાયું હતું. અને તેઓ એ બાબત વિશે વધુ જાણકારી મેળવવા બ્રાઝીલનાં રીઓ-ડી-જેનરો શહેરમાં પહોંચી ગયા હતા. પ્રોફેસર થોમ્પસન તેમનાં સમકાલીન ઇતિહાસવિદોમાં બહું આદરણીય અને ઉચ્ચ સ્થાન ધરાવતાં હતાં એટલે તેમની અચાનક થયેલી બ્રાઝીલની સફર વિશે તેમનાં સાથીઓમાં કુતુહલતાં ફેલાઇ હતી. તેઓ એક વાત બહું સારી રીતે સમજી ગયા હતા કે પ્રોફેસરની આ યાત્રાનો જરૂર કોઇ ખાસ મકસદ હશે, નહિતર તેઓ આમ અચાનક પોતાનું સમગ્ર કામ છોડીને, બધા પ્રોગ્રામો રદ્દ કરીને બ્રાઝીલ દોડી ન જાય...! પ્રોફેસરનાં આ પગલાંએ ઘણા લોકોને સતેજ કર્યા હતા અને તેઓ પ્રોફેસરની બ્રાઝીલ યાત્રાનો હેતું જાણવા તેમની પાછળ લાગી ગયા હતાં. પ્રોફેસરને પણ ખ્યાલ હતો કે આવું કંઇક ચોક્કસ બનશે, પરંતુ તેઓ પેલી બાબત(જાણકારી)ને લઇને એટલા તો ઉત્સુક બન્યા હતાં કે આવી તમામ વાતોની તેમણે અવગણના કરી હતી.

તેઓ બ્રાઝીલની ભૂતપૂર્વ રાજધાની રીઓ-ડી-જેનરોનાં એરપોર્ટથી સીધા જ ત્યાંના પૂરાતત્વ અભિલેખાગાર( હિસ્ટ્રી મ્યૂઝીયમ) આવી પહોંચ્યા હતાં અને વર્ષોથી ત્યાં સચવાયેલો એક દસ્તાવેજ તેમણે બહું દિલચશ્પીથી ચકાસ્યો હતો. એ દસ્તાવેજ આ મ્યૂઝીયમમાં ઇ.સ.૧૭૩૪ નાં રોજ મુકવામાં આવ્યો, અને એનો ક્રમાંક નંબર ૫૧૨ હતો. પ્રોફેસર જેમ- જેમ એ દસ્તાવેજ વાંચતા ગયાં તેમ- તેમ તેમની આંખો પહોળી થતી ગઇ હતી અને તેમનાં મનમાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી. આ પહેલાં કયારેય તેઓ આટલા રોમાંચીત થયાં નહોતા જેટલા અત્યારે એ દસ્તાવેજમાં લખાયેલા લખાણને વાંચીને થઇ રહયા હતાં. પ્રોફેસર અત્યંત મેઘાવી બુધ્ધિમત્તા ધરાવતા વ્યક્તિ હોવા છતાં આખરે તેઓ પણ એક મનુષ્ય જ હતા, તેમની અંદર પણ એક સામાન્ય મનુષ્યમાં હોય એવી તમામ પ્રકારની એષણાઓ મોજૂદ હતી. ઇ.સ.૧૭૩૪ નો એ દસ્તાવેજ વાંચતાં જ તેમની એ માનવ સહજ એષણાઓ સળવળી ઉઠી હતી અને ત્યાં જ, બ્રાઝીલનાં રીઓ-ડી-જેનરોનાં હિસ્ટરી મ્યૂઝીયમનાં એક નાનકડાં કમરામાં તેમનાં મનમાં એક યોજનાએ આકાર લીધો.

એ યોજના હતી દસ્તાવેજમાં લખાયેલા તથ્ય સુધી પહોંચવાની...! સદીઓથી ગુમનામ રહેલા એક સત્યને દુનિયા સમક્ષ ઉજાગર કરવાની....! કરાળ કાળની થપાટો વચ્ચે ગુમનામ અંધકારમાં ઢબૂરાયેલી એક હકીકતને શોધવાની...! પ્રોફેસરે ત્યાંજ મન બનાવી લીધું હતું કે જો આ દસ્તાવેજ માં લખેલી બાબતો સત્ય હશે તો તેઓ એ બાબતો દુનિયા સમક્ષ ઉજાગર કરીને જ જંપશે. તેઓએ ત્યાંથી પોતાને જરૂરી લાગતી બધી વિગતો એકઠી કરી લીધી. પેલા દસ્તાવેજનાં ફોટા પણ પાડયા હતા અને દસ્તાવેજનાં અનુસંધાનમાં જેટલા પણ ડોક્યૂમેન્ટસ્ હતાં એ તમામનો વિગતવાર અભ્યાસ કરીને તેની નોંધો પોતાની ડાયરીમાં ટપકાવી પાછા અમેરિકા આવી ગયા હતાં.

અમેરિકા પાછા ફર્યા બાદ તેમણે ફરીથી એ તમામ વિગતોનો તલસ્પર્શી અભ્યાસ આદર્યો. અને પછી આ કાર્યમાં પોતાની એક અત્યંત મેધાવી સહ કાર્યકારીણી યુવતી ક્લારાને સામેલ કરી હતી. પ્રોફેસર પોતે શું કરવા માંગે છે એ તેમણે સ્પષ્ટ પણે ક્લારાને જણાવી દીધું હતું જેથી તે એ બાબતમાં ક્લિયર રહે. અને એ તમામ વિગતો જે તેમણે એકઠી કરી હતી એ ક્લારાને દેખાડી હતી. પ્રોફેસરની જેમ ક્લારા પણ એ વિગતો વાંચી અભિભૂત બની ગઇ હતી. હજુ તે માંડ ચોવીસ વર્ષની હતી, તે આ ફિલ્ડમાં કંઇક કરવા માંગતી હતી. પોતાનું એક વિશિષ્ટ નામ, વિશિષ્ટ ઇમેજ બનાવવા માંગતી હતી. એ તમામ ઇચ્છાઓ પ્રોફેસરની આ ખોજમાં પરીપૂર્ણ થતી તેણે અનુભવી એટલે તે પણ ગંભીરતાથી તેમાં ઇન્વોલ્વ થઇ હતી.

એ જરી- પુરાણા રહસ્યમય દસ્તાવેજનાં અભ્યાસ દરમ્યાન ઘણી ચિત્ર- વિચિત્ર બાબતો અને જાણકારીઓ તે બંનેનાં ધ્યાનમાં આવી. દસ્તાવેજની ભાષા અને તેનો નિચોડ સ્પષ્ટ હતો પરંતુ તેમાંથી આગળ વધવાની સ્પષ્ટ દિશા મળતી નહોતી. ઘણી બધી વિગતો અધુરી હતી જે મેળવવી અત્યંત જરૂરી હતી. એ અધુરી ખૂટતી વિગતો મળે ત્યારબાદ જ કોઇ ચિત્ર સ્પષ્ટ રીતે ઉભરે તેમ હતું. દસ્તાવેજનાં સંદર્ભમાં આગળ વધવા માટે એ તમામ અધૂરી વિગતો કોઇ એક સ્થળેથી મળે તેમ નહોતી. તેનાં માટે દુનિયાનાં વિવિધ ભૂખંડોની મુલાકાત લેવી અત્યંત જરૂરી હતી અને તેમાં સૌથી મહત્વપૂર્ણ દિશા ભારત તરફની હતી. ભારતનાં ગુજરાત રાજ્યમાં આવેલા “ઇન્દ્રગઢ” નામનાં સ્થળે કંશીક એવી માહિતી સંગ્રહાયેલી હતી જે તેમનાં હાથમાં આવે તો જ આગળની રાહ સ્પષ્ટ થાય. આ જાણકારી એવા શબ્દોમાં લખાઇ હતી જે ફક્ત એક ઇતિહાસના પ્રોફેસર કક્ષાનાં વ્યક્તિને જ સમજાઇ શકે....અને પ્રોફેસર જોસેફ થોમ્પસનને એ બરાબર સમજાયું હતું. તેમણે ભારતનાં “ઇન્દ્રગઢ” આવવાનું નક્કી કર્યું હતું. અને, હવે અત્યારે તેઓ છેલ્લા પંદરેક દિવસથી અહીંની મહેમાનગતી માણી રહયા હતાં.

પણ... તેમની આ સફરમાં રોગન પણ જોડાયો હતો. રોગન માલ્ટા...! તે ક્લારાનો બોયફ્રેન્ડ હતો અને તે બહું ખતરનાક માણસ હતો. તેનો ભૂતકાળ અનેક ગુનાહિત પ્રવૃતિઓથી ખરડાયેલો હતો. ક્લારા અને પ્રોફેસર, બંનેને તેની જાણ હતી. એટલેજ તેઓ રોગને હમણાં જે કહયું તેનાથી થથરી ઉઠયા હતાં. જો રોગન આ મામલાને તેનાં હાથમાં લે, તો પછી સર્વનાશ થયા વગર રહે નહી. મરવા અને મારવા સીવાય બીજી કોઇ બાબતમાં તેનું ભેજું ચાલતું નહી. ક્લારા અને પ્રોફેસરે તેને સમજાવીને માંડ-માંડ શાંત કર્યો હતો.

આ ઉપરાંત પણ બીજા ઘણા ખતરાઓ તેઓની માથે મંડરાઇ રહયા હતાં. અગાઉ જણાવ્યું એમ, પ્રોફેસરે એકાએક બ્રાઝિલ જવાનો પ્લાન ઘડયો ત્યારે ઘણાંનાં ધ્યાન તેમની તરફ ખેંચાયા હતાં. તેમાં સૌથી વધુ દિલચશ્પી એક વ્યક્તિને જાગી હતી....અને તે હતો બ્રાઝિલનો માફિયા ડોન કાર્લોસ મોસ્સી. કાર્લોસ મોસ્સીએ પ્રોફેસરનાં બ્રાઝિલ આગમન બાદ પોતાનાં ચક્રો ગતીમાન કર્યા હતાં અને તે સતત પ્રોફેસરની પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખી રહયો હતો. પ્રોફેસર કયાં જાય છે...? શું કરે છે...? જેવી તમામ જીણામાં જીણી વિગતો તેણે મેળવી હતી અને પછી એક પ્લાન તેણે પણ અમલમાં મુકયો હતો.

તમામ વ્યક્તિઓ પોત- પોતાની રીતે પ્લાન ઘડી રહયા હતાં, અને એ તમામની ઉપર એક સર્વ શક્તિમાન ઇશ્વર કંઇક અલગ જ પ્લાન સાથે આ બધા લોકો ઉપર ત્રાટકવા તૈયાર હતો. ફાંટેબાજ કુદરતનાં રહસ્યોનો તાગ મેળવવો એ કંઇ ખાવાનાં ખેલ નથી. ભયાનક અથડામણો અને ભયંકર ઝંઝાવાતોનો સામનો કરવો પડે છે, કંઇ કેટલીય જીંદગીઓની કુરબાનીઓ અપાયા બાદ પણ જો કુદરત રીઝે તો જ એ રહસ્ય ઉજાગર થઇ શકે છે અન્યથા સદીઓ ઉપર સદીઓ વિતવા છતાં સમયનો એ કાળખંડ, એ રહસ્ય એક ગહેરા અંધકારભર્યા ભૂતકાળમાં હંમેશને માટે દફન જ રહે છે. કાળા માથાનો માનવી લાખ પ્રયત્ન કરે છતાં જો કુદરત ન ચાહે તો એ રહસ્ય કયારેય ઉજાગર થતું નથી.

***

સમય થંભી ગયો હતો. એરકંન્ડિશનની વહેતી ઠંડી હવામાં વિક્ષેપ સર્જાયો હતો. આંખો પલક ઝપકાવવાનું ભુલીને સ્થિર, એકટશ...એક દિશામાં તાકી રહી હતી. અને હ્રદય...! એ તો જાણે કંઇક અલગ જ અનુભૂતિ કરી રહયું હતું. એવું લાગતું હતું જાણે હ્રદયનાં પોલાણમાં અચાનક એક મધમધતો બગીચો લહેરાઇ ઉઠયો છે. હજ્જારો રંગબેરંગી પતંગિયાઓ એ બગીચામાંથી ઉડીને સમગ્ર દેહમાં અહીં- તહીં ભટકી રહયા હોય એવી આહલાદ્ક અનુભૂતિ મને થઇ રહી હતી. અનેરી મારી નજરોની સામે હતી અને હું કોઇ બાઘા વ્યક્તિની જેમ એકધારું તેને તાકયે જતો હતો. તે રેસ્ટોરન્ટનાં મેનેજરને કંઇક કહેતી હતી. એ શું કહેતી હતી એ થોડીવાર બાદ મને સમજાયું હતું. સમગ્ર રેસ્ટોરન્ટમાં અત્યારે આ એક જ ટેબલ ખાલી હતું જે તેનાં નામે રિઝર્વ્ડ હતું. સ્વાભાવિકપણે તે ઇચ્છે તો મારે અહીથી ઉભા થઇને હાલ પૂરતું તો વેઇટીંગ લોંજમાં ચાલ્યા જવું પડે. પરંતુ તેણે એવું કર્યું નહી. તે એકલી હતી અને ટેબલ ફરતે ઓલરેડી ચાર ખુરશીઓ ગોઠવાયેલી હતી, કોણ જાણે કેમ, પરંતુ તેણે મેનેજરને સમજાવ્યુ હતું કે તે મને અહીં બેસવા દે. એમાં તેને કોઇ પ્રોબ્લેમ નથી.

મારા માટે તો ભાવતું હતું અને વૈધે કહયું એવો ઘાટ થયો. અનેરીનાં સાનિધ્યમાં બેસવાનો અનન્ય લહાવો મળતો હોય એ અહેસાસ સાતમાં આસમાન પર વિહરવા બરાબર હતો, અને એ મોકો ગુમાવું એવો હું મુરખ પણ નહોતો. અનેરી તેનો વિચાર બદલે એ પહેલા ઝટપટ હું ખુરશી ઉપર ગોઠવાઇ ગયો. મેનેજરે મારી સામું જોયું. કદાચ આ વાત તેને રુચતી નહોતી પરંતુ તે મજબુર હતો. જેનાં નામે ટેબલ બુક હોય એ વ્યક્તિને ખુદને જ કોઇ એતરાજ ન હોય ત્યારે તેનાથી કંઇ થઇ શકે નહી. ક- મને, પણ તેણે બહાર તરફ ચાલતી પકડી હતી. તે ગયો એટલે મને હાશ થઇ. મેં અનેરીની સામું જોયું અને હાસ્ય વેર્યું. એ પણ મુસ્કુરાઇ. તેણે પહેરેલી મેક્ષીને બંને હાથે પાછળથી સંકોરી તે બરાબર મારી સામેની ખુરશીમાં ગોઠવાઇ. મને ખરેખર આ સ્વપ્ન જેવું લાગતું હતું. પરંતુ... ત્યારે મને જાણ નહોતી કે અનેરીએ બહું સમજી- વિચારીને મને અહીં બેસવા દીધો હતો.

( ક્રમશઃ)

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી.

નો રીટર્ન.

પણ વાંચજો.

નસીબ અને નો રીટર્ન હાર્ડ કોપીમાં પણ ઉપલબ્ધ છે.