કૂખનો ભાર Heena Hemantkumar Modi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂખનો ભાર

કૂખનો ભાર

ઋજલબેન લગભગ સાત વર્ષથી પથારીવશ જીવન વિતાવી રહયા છે. પ્રાજકતા હસતા મુખે, થાકયા વિના સતત ઋજલબેનની સેવાસુશ્રૂષા કરી રહી છે. પ્રાજકતા દસ વાગ્યે ઓફિસ જવા નીકળે એ પહેલાં સાસુ ઋજુલબેનને નવડાવી, ચા-નાસ્તો, દવા વિગેરે સવારની દૈનિક ક્રિયા પોતાનાં હાથે જ પતાવીને નીકળે. અને, આખા દિવસની માહિતી બાઈ શશીને સોંપીને જાય.

આજે ઓફિસમાં જન્માષ્ટમી નિમિત્તે રજા હોય પ્રાજકતા ઘરમાં હતી.પતિ હિયાને કહયું “પ્રાજકતા ! આપણે સાપુતારા ફરવા જઈએ. તું પણ ઘર અને ઓફિસની જવાબદારીમાંથી થોડી રિલેકસ થઈ શકે.” પ્રાજકતાએ પતિ હિયાન અને પુત્ર પ્રસન્નને પ્રેમથી સમજાવ્યું “મને મમ્મા સાથે રહેવાનો સમય ખૂબ ઓછો મળે છે. આખો દિવસ મમ્મા એકલાં – એકલાં એક રૂમમાં કંટાળી જતાં હશે. હું તો મારી રજાની મજા મમ્મા સાથે સેલીબ્રેટ કરીશ. પરંતુ પ્રસન્ન અને પપ્પા સાથે ફરી આવો પપ્પાને પણ થોડો ચેઈન્જ મળી જશે. પરંતુ પ્રાજકતાની સાથે પપ્પા શુભાંગભાઈ, હિયાન અને પ્રસન્ન ત્રણેયે મીનીવેકેશન ઋજુલબેન સાથે ઘરમાં જ એન્જોય કરવાનો લાગણીસભર નિર્ણય લીધો.

પ્રાજકતા અને હિયાને ઋજલબેનને સરસવના તેલથી માલીશ કરી સરસ નવડાવી-ધોવડાવી નવું ગાઉન પહેરાવ્યું. બે ઓશીકાનાં ટેકે બેડ પર બેસાડયા. પ્રાજકતાએ જાણે જન્માષ્ટમીનાં દિવસે લાલાને ભોગ ધરાવતી હોય એટલાથી પ્રેમથી પોતાનાં હાથે બનાવેલ ઋજલબેનને અતિ પ્રિય એવી ગોળવાળી ભાખરીનો ટુકડો પોતાનાં હાથે ઋજલબેનનાં મોં મા મૂકયો. ઋજ્લબેનની આંખમાંથી ચોઘાર આંસુઓ વહી પડયા અને હદયમાં દાબીને રાખેલ બંધ તૂટી પડયો.ધ્રુસકે – ધ્રુસકે રડતાં-રડતાં પોતાનો ધ્રુજતો હાથ વહુ પ્રાજકતાનાં માથે મૂકતાં બોલ્યાં “બેટા! પ્રાજકતા, હિયાન, પ્રસન્ન આજે મારે તમને મારા આખા આયખાની કહાની કહેવી છે. “આમ તો, દીકરી પ્રશંસા અમારું પહેલું સંતાન અને એમાંયે વળી દીકરી હોવાને કારણે એને ખૂબ જ લાડ-કોડમાં ઉછેરી. તારા પપ્પાને તો જાણે ‘પ્રશંસા એટલે શ્વાસ અને શ્વાસ એટલે પ્રશંસા’ એ બધાંયેની ખૂબ વ્હાલડી એટલે એની જ મનમાની ઘરમાં ચાલે. પ્રશંસાને સૌ કોઈ ‘પારેવડી’નાં હુલામણાં નામથી બોલાવતા. દરેકનું દિલ જીતી લેવાની આવડત પણ એનામાં ખરી. એનાં રણકા અને છણકાથી આખું ઘર - ગામ જાણે ગૂંજતું રહેતું. પ્રશંસાનું મોટા ઘરેથી માંગુ આવ્યું અને કોઈપણ જાતનાં વિઘ્ન વિના દીકરીનું વેવિશાળ નક્કી થઈ ગયું. અમારા સૌનો આનંદ સમાતો ન હતો. આખો દિવસ જે કોઈ સામે મળે અને ફોન પર પણ હું ચાર નહિં ચારસો પાંદડીએ ખીલેલ પ્રશંસાનાં નસીબની વાત કરતી અને કહેતી હું તો રીતસરની આનંદઘેલી થઈ ગયેલી. મારા સાસુ-તારા દાદીમા હંસાબા ઘણીવાર મને ટોકતાં એ ખરાં “અરે ! હરખપદુડી ઋજલડી ! જરા ધીરી પડ. ગાંડાવેળા કર મા. દીકરીનું સારા ઘરમાં નક્કી થાય એ હુંધાયે માં-બાપ માટે રાજીપાની વાત છે પણ તું તો ઘા-ઘા કરી રહી છે.” ચાર ગજ છાતી ફૂલાવી હું બાને વળતો જવાબ આપતી “બા ! જયારથી પ્રશંસાનું નક્કી થયું છે ત્યારથી તમારા મોં પર પણ તો લાલી આવી ગઈ છે. તમે પણ જાણે ૫૦ વર્ષનાં હોય એવાં સ્ફૂર્તિલા દેખાવા મંડયા છો” બા પણ ડોકું ધૂણાવી મારી વાતમાં હંકારો પુરાવતા અને હું ચાર હાથે અને ચાર પગે ઉત્સાહભેર લગ્નની તૈયારીમાં મંડી પડતી. હું બેન્ક જઈ લૉકરમાંથી આખો ડબ્બો લઈ આવી. અને બધું જ પ્રશંસાને કન્યાદાનમાં આપી દેવાની યોજના બનાવી. હંસાબા અને તારા પપ્પા મને ટોકતાં, ઠપકો ય આપતાં કહેતાં – “ઋજુ ! તારો હરખ અમે સમજીએ છીએ. આપણે નસીબદાર છીએ કે આપણી દીકરી માટે સામેથી સારાં ઘરનું માંગુ આવ્યું. પણ ...ઋજુ ! તું કંઈક વધારે પડતી જ દીકરી પાછળ ઢોળાય રહી છે. બસ! મારી દીકરી પ્રશંસાની વાત આવે એટલે હું કિતાબ ખોલી ગાણાં ગાવા બેસી જતી. “મારી પ્રશંસા એટલે મારી પ્રશંસા. એની પ્રશંસા કરે એટલી ઓછી. એ મારા કાળજાનો કટકો નહિં પણ મારું આખેઆખું કાળજું જ છે. હું એને સાસરે સધ્ધર મોકલીશ તો સાસરામાં એનું વજન રહેશે. પિયરથી ઘણુંયે લાવી છે એવું સાસરિયાપક્ષમાં દેખાશે તો એ ત્યાં માથું ઊંચું કરીને જીવી શકશે.” વરસોથી દીકરીને કરીયાવર આપવા ભેગું કરી રહી હતી એ જોઈ - જોઈને હરખાતી. હજી શું - શું આપી શકાય! એનું લીસ્ટ તો લંબાયે જતું હતું. હું મારી જાતને પોંસવારતી અને બોલતી “ઘરમાં સૂકી રોટલી ખાઈશું તો હાલશે. ભડકું પીને સૂઈ જાશું તો કોઈ જોવા નથી આવવાનું પણ દીકરીને તો ગાડા ખૂટે એટલું કરીયાવર આપીએ તો પણ ઓછું” મારા આવા આંધળા પુત્રીપ્રેમ જોઈ બધા સગાસંબંધીઓએ સલાહ આપવાનું બંધ કરી દીધું.

હંસાબા! પથારીમાં સૂતાં-સૂતાં નિ:સાસો નાંખતા અને કહેતાં “આ ઋજ્લડીને કોણ સમજાવે? એ ગાંડા કાઢી રહી છે. પ્રશંસા મારે મન પણ હૈયાનો હાર છે. એ સાસરે જશે તો સૌથી વધુ સુની હું થઈ જઈશ. રાત-દિ’ સૂતાં-સૂતાં એના કલરવથી હું જીવું છું. હું યે જાણું પંખી વિનાનો આ માળો – આ ઘર સૂનું- સૂનું થઈ જશે. મારી કબૂતરી વિના, એનાં ઘૂ-ઘૂ વિના તો હું યે જીવી નહિ શકું. પણ- મને આ ઋજલડીની ચિંતા કોરી ખાઈ છે.” પરંતુ હું પુત્રીપ્રેમમાં આંધળી હતી. બસ! મારો એક જ ધ્યેય દીકરીનું સાસરામાં સારું દેખાય. પ્રશંસાનાં સાસરે વાળા પણ ખૂબ વખાણ કરતાં અને કહેતાં અમારાં વેવણ એમનાં ગજા બહારનો વહેવાર કરે છે. પ્રશંસા અને એનાં સાસુ મારી આ નબળાઈ પારખી ગયેલા પછી તો એમને ય ટેવ પડી ગયેલી બધાં જ વહેવાર સવાયા કરાવતા. પ્રશંસાને તો જાણે આદત પડી ગઈ જરા – જરા અમસ્તાં નાના-મોટાં, સારાં-નરસાં પ્રસંગે ફોન કરી કહેતી “મમ્મી ! આટલો તો વહેવાર કરવો જ પડશે નહિં તો અમારા કુટુંબમાં મારે નીચું જોણું થાય.” બસ, આમને આમ વ્યવહાર લંબાતા ગયા. તારા પપ્પા રીટાયર્ડ થઈ ગયા. ઘરમાં આવક ઘટી. ક્યારેય મારી કૂખ જણી દીકરીને વિચાર આવતો નહીં કે માં કેવી રીતે આટલાં વહેવાર કરતી હશે? એનાં વહેવાર સાચ્ચે જ મને ભારે પાડવા લાગ્યા. હંસાબા તો હરીધામ સીધાયા પણ એમની સલાહ જાણે મારે માથે ટકોરાં મારતી. ઘરમાં આવક ઘટી છે. પપ્પાના પેન્શનમાં ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ છે. હવે તો તું પણ બે છોકરાની મા બની ગઈ છે જયારે અમારાથી થતું હતું ત્યારે જરૂર કરતાં પણ વધારે અમે તારું કર્યું જ છે. હવે વહેવારનાં નામે તારી ડિમાન્ડ ઓછી કર.” પણ સાસુ આગળ ‘વ્હાલીદવલી’ થવા કુટુંબમાં વટ પાડવા એનાં વહેવાર વધ્યે જ જતા હતા. અમને ઘરમાં ખેંચ પડવી શરૂ થઈ. હજુ હિયાનનું ભણતર ચાલું હતું. એને માસ્ટર્સ કરવા એબ્રોડ મોકલવો હતો એ પણ પૈસાની ખેંચને કારણે પડતું મૂકવું પડયું. પણ મારી કૂખ જાણીને કયારેય મારી દયા આવતી નહિં. હું મનોમન ખૂબ પસ્તાવો કરતી. આ અમારા અતિ લાડ-પ્યારનું પરિણામ અમારે જ ભોગવવું રહયું.

બેટા પ્રાજકતા! હદ તો હવે શરૂ થઈ. તમે બંને ઓફિસ ગયા હોય એવાં ટાણે જ એનો ફોન આવે. મારાં ખબર-અંતર પૂછવાની વાત તો દૂર. પણ મને કહે “મમ્મી ! હવે તું બહાર કયાંય જઈ શકતી નથી. તે તારા દાગીના એમ જ પડી રહયા છે એ મને આપી દે. મારુ સાસરામાં પલ્લું ઊંચું રહે હું દેરાણી-જેઠાણીની સામે સધ્ધર દેખાઉં. અને જો જો હો મમ્મી! વીલ કરવાનું તો ભૂલીશ નહિં. પપ્પા પાસે બધુ કામ પાકે પાયે કરાવજે. તું નહિં હોય ત્યારે ભગવાન જાણે પપ્પા અને ભાઈ-ભાભી મને શું આપશે? હવે તો પિયરની મિલકતમાં દીકરીનો પણ સરખો ભાગ થાય છે એ વાત પપ્પાને બરાબર સમજાવશે. ભગવાને મને ચાર હાથે ઘણું આપ્યું છે. મને કશી લોભ-લાલચ નથી. મારે કશું વધારાનું નથી લેવું પણ તું તારાં જીવતે-જીવ આ કામ પતાવીને જાય તો પછી મારે કોઈ માથાકૂટ નહીં રહે. તારી તબિયત જોતાં વિચાર આવે છે કે ”તારું તેડું ભગવાનનાં ઘરે ગમે ત્યારે આવી શકે.” હું તો એવી વાત સાંભળીને હતપ્રત બેબાકળી થઈ જાઉં છું. મારી કૂખે પેદા થયેલી મારી દીકરી અને લોહી પાણી એક કરીને ઉછેરી મારી દીકરી મને કયારેય પૂછતી નથી મમ્મી ! તને કેટલી પીડા થાય છે??? મમ્મી ! તારી દવા, સેવા-સુશ્ર્રૂષોના ભાઈ પર કેટલો ખર્ચ આવતો હશે??? ભાભી એકલાં હાથે તારી સેવા કેવી રીતે કરતાં હશે???

બેટા પ્રાજકતા! બેટા હિયાન! પથારી-પથારીમાં પડયાં-પડયાં મને વિચાર આવે છે કે માં-બાપની મિલકતમાં દીકરીનો સરખો ભાગ એ સારી વાત. પણ માં-બાપની ઘડપણની જવાબદારી દીકરીએ પોતાનાં હિસ્સાની નહિં નિભાવવાની હોય???

દીકરી હોય કે દીકરો જાંઘ ફાડીને જન્મ આપતી વખતે માં ને પીડા અને વેદના એકસરખી જ થતી હોય. એ વાત મારી પોતાની પેટ જણી દીકરી કયારેય નહિં સમજી શકી.

બેટા પ્રાજકતા ! મારી દીકરીએ મારી લાગણીનો દૂરપયોગ કર્યો. જીવનની બધી બચત મેં એની પાછળ ખર્ચી નાંખી. બેટા પ્રાજકતા! તને આપવા માટે હવે મારી પાસે કશું બચ્યું નથી સિવાય કે આશીર્વાદ. બેટા પ્રાજકતા! મને માફ કર. તારી એકલીનાં માથે ભારરૂપ થવું મને ખૂબ અકળાવે છે.” ઋજલ ફરી ધ્રુસકે - ધ્રુસકે રડી પડી.

જે સ્તનથી દીકરીને સ્તનપાન કરાવ્યુ હતું એ દીકરીને માની ચિંતા ન થઈ પરંતુ સમજણી પ્રાજકતા સાસુ ઋજલમમ્માને ભેટી પડી જાણે બે સ્તનની આરપાર પ્રાજકતાનો સ્નેહ ઋજલબેનનાં હદયને સંવેદી ગયો. પ્રાજકતા સાસુની આંસુની ધાર લૂંછતા બોલી ! “મમ્મા! તમે મને હિયાન જેવો સમજુ અને લાગણીશીલ પતિ આપ્યો છે. પ્રસૂતિની વેદના વેઠીને તમે મારા માટે જીવનસાથીને જન્મ આપ્યો. મને જીવનનું તમામ સુખ આપનાર એક સાચા અર્થમાં માણસ કહી શકાય એનું સર્જન કરનાર સર્જનહાર એવી મા તમે મારા માટે ભગવાનથી ઉચ્ચ શિખર પર બિરાજમાન છો. હું રોજ ભગવાનને પ્રાર્થના કરું છું. “મને દર જન્મે સાસુનાં રૂપમાં ઋજલ મમ્મા જ આપજો. જે મારા માટે સુશીલ,સંસ્કારી પતિને જન્મ આપી શકે. પ્રાજકતાની સમજણ અને સંવેદના પર ઋજલ બેન અને એમનાં પતિ શુભાંગભાઈ વારી ગયા. ઋજલબેન અને શુભાંગભાઈ એક તરફ પારકી પણ પોતાની થઈ ચૂકેલ પ્રાજકતાનાં સંવેદના, સંસ્કાર અને સ્નેહ પર ધન્યતા અનુભવી રહયા હતા તો બીજી તરફ બંને એકમેકને આંખનાં ઈશારે પોતે જન્મ આપેલ વ્હાલી દીકરી પ્રત્યે કૂખનો ભાર વર્તાતો હોય એવો કટુ અહેસાસ અનુભવી રહયા હતા અને એકી સાથે બંને ના હાથ પ્રાજકતાનાં માથાને પોંસવારી રહયા.

હિના મોદી

99256-60342