ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 21 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 21

પ્રકરણ ૨૧

ફ્રેન્ચમેને કેવી રીતે એક સમસ્યા સાથે કામ પાર પાડ્યું

એક તરફ આ યુદ્ધના નિયમો પ્રમુખ અને કેપ્ટન વચ્ચે નક્કી કરવામાં આવ્યા હતા – આ ભયાવહ, જંગલી યુદ્ધ જેમાં કોઈએક યોદ્ધો એક માનવીનો શિકારી બનવાનો હતો – માઈકલ આરડન તેના વિજયના થાકને આરામ આપી રહ્યો હતો. જો કે તે યોગ્ય પથારી પર આરામ નહોતો ફરમાવી રહ્યો કારણકે અમેરિકનો માટે પથારી એટલે પથ્થર જેવી સખ્તાઈ ધરાવતી ભૂમિ જેવી હતી.

આરડન ઉંઘી રહ્યો હતો, અત્યંત ખરાબ રીતે, એ પણ તેના કપડા વચ્ચે પડખાં ફરતા ફરતા, અને તે જ્યારે ગોળાની અંદર સંકોચાઈને કેવી રીતે બેસશે એ સ્વપ્ન જોઈજ રહ્યો હતો ત્યારે કેટલાક ડરામણા અવાજોએ તેના સ્વપ્નમાં ખલેલ નાખી. એવા પડઘા જેણે દરવાજા હલાવી દીધા. આ અવાજો કોઈ લોઢાના સાધનથી આવી રહ્યા હોવાનું લાગી રહ્યું હતું. આ બધા અવાજોમાં એક મોટી વાતચીત પોતાનો અલગ અવાજ ધરાવતી હતી જે વહેલી સવારે કશુંક કહી રહી હતી. “દરવાજો ખોલો”, કોઈકે ચીસ પાડી, “ભગવાનને ખાતર!” આરડને જોયું કે આવી ખતરનાક માંગણીને સન્માન આપવાનું કોઈજ કારણ ન હતું. જોકે તે ઉભો થયો અને તેણે એ અડગ મુલાકાતી વધુ એકવાર દરવાજો ખખડાવે તે પહેલા તેને ખોલ્યો. ગન ક્લબના સેક્રેટરી રૂમમાં ધસી આવ્યા. આટલા મોટા અવાજે રૂમમાં બોમ્બ પણ ન ઘુસી શક્યો હોત એટલો મોટો અવાજ તેમણે તેમના પ્રવેશ સમયે કર્યો.

“ગત રાત્રીએ”, જે ટી મેટ્સને ચીસ પાડી, “અમારા પ્રમુખનું જાહેરમાં અપમાન થયું. તેમણે પોતાના વિરોધીને ઉશ્કેર્યો, તે બીજો કોઈ નહીં પરંતુ કેપ્ટન નિકોલ હતો! તેઓ આ સવારે સ્કેર્સનોના જંગલમાં લડી રહ્યા છે. મને બાર્બીકેનના મુખેથી બધીજ હકીકતો જાણવા મળી છે. જો એ મૃત્યુ પામ્યા તો આપણી યોજના પૂરી થઇ ગઈ સમજો. આપણે તેમનું યુદ્ધ બંધ કરાવવું જોઈએ, એક જ માણસ પાસે બાર્બીકેનને રોકવા જેટલો પ્રભાવ છે અને એ વ્યક્તિનું નામ છે માઈકલ આરડન.”

જ્યારે જે ટી મેટ્સન આ બધું બોલી રહ્યો હતો, માઈકલ આરડને તેને રોક્યા વગર ઉતાવળે કપડા પહેરી લીધા અને બે મિનિટની અંદર અંદર તો આ બંને મિત્રો ટેમ્પા ટાઉનના રસ્તાઓ પર લાંબા ડગલા માંડી રહ્યા હતા.

રસ્તામાં મેટ્સને આરડને આ આખો કિસ્સો સમજાવ્યો. તેણે તેને કહ્યું કે બાર્બીકેન અને નિકોલ વચ્ચેની દુશ્મનીનું કારણ શું હતું, તે કેટલી જૂની હતી અને શા માટે તે દુશ્મની ઉદભવી, કેટલાક મિત્રોને લીધે પ્રમુખ અને કેપ્ટન જે અત્યારસુધી મળ્યા ન હતા અત્યારે એકબીજાની સમક્ષ આવીને ઉભા છે. તેણે જણાવ્યું કે એ દુશ્મની માત્ર લોઢાની પ્લેટ અને ગોળીના કારણસર ઉભી થઇ હતી અને સભામાં જે કાઈ બન્યું તે નિકોલ માટે જૂની દુશ્મનીની કિંમત ચુકવવાની લાંબા સમયની ઈચ્છાપૂર્તિ માત્ર હતું.

અમેરિકામાં ખાનગી દ્વંદ્વ થી વધારે ત્રાસદાયક બીજું કશુંજ હોતું નથી. બંને દુશ્મનોએ એકબીજા પર જંગલી જાનવરોની માફક હુમલાઓ કર્યા. તેઓ આ સમયે ઘાસના જંગલોમાં રહેતા રેડ ઇન્ડિયન્સ પાસે રહેલી કેટલીક ખાસ ક્ષમતાઓ પોતાની પાસે હોવાની ઝંખના કરી રહ્યા હતા જે હતી તેમની ખુદની હોશિયારી અને દુશ્મનની વાસ પારખવાની ક્ષમતા. એક ભૂલ, એક મિનિટની આનાકાની, એક ખોટું પગલું મૃત્યુનું કારણ બની શકે એમ હતું. આવા સમયે યાન્કીઝ તેમના કુતરાઓ સાથે આવતા હતા અને કલાકો સુધી યુદ્ધ કરે જતા હતા.

“તમે લોકો તો રાક્ષસ જેવા છો!” જ્યારે તેના સાથીદારે જુસ્સાભેર દ્રશ્યનો ચિતાર આપ્યો ત્યારે માઈકલ આરડને ચિત્કાર કર્યો.

“હા અમે એવા જ છીએ,” જે ટી મેટ્સને જવાબ આપ્યો; “પરંતુ આપણે ઉતાવળ કરવી જોઈએ.”

જો કે માઈકલ આરડન અને તેણે ઘણો રસ્તો કાપી લીધો હતો પરંતુ તેઓ હજી પણ ઝાંકળથી ભીંજાયેલા હતા અને તેમણે ખાડીઓ અને ચોખાના ખેતરોનો ટૂંકો રસ્તો લીધો હતો પરંતુ તેઓ સ્કેર્સનો સાડાપાંચ કલાક પહેલા પહોંચી શકે તેમ ન હતા.

બાર્બીકેને સરહદ એક કલાક અગાઉ પસાર કરી દીધી હશે.

એક વૃદ્ધ આદિવાસી અહીં કામ કરતો હતો જે વૃક્ષો કાપીને લાકડા વેંચતો હતો અને પોતાની કુહાડી સાથે જીવન જીવતો હતો.

મેટ્સન તેની તરફ દોડ્યો અને બોલ્યો, “શું તમે કોઈ વ્યક્તિને જોયો છે જે પોતાની રાઈફલ સાથે જંગલમાં ગયો હોય? પ્રમુખ બાર્બીકેન, મારા ખાસ મિત્ર?”

ગન ક્લબના અમુલ્ય સેક્રેટરીએ વિચાર્યું કે તેના પ્રમુખને આખી દુનિયા ઓળખતી હશે પરંતુ પેલો આદિવાસી તેને સમજી શક્યો હોય એવું લાગ્યું નહીં.

“શિકારી?” આરડને કહ્યું

“શિકારી? હા.. હા” આદિવાસીએ જવાબ આપ્યો

“કેટલો સમય થયો?”

“એક કલાક થઇ ગયો.”

“બહુ મોડું થઇ ગયું કહેવાય.” મેટ્સને બુમ પાડી.

“તમે ગોળીબાર સાંભળ્યા?” આરડને પૂછ્યું.

“ના!”

“એક પણ નહીં?”

“ના એક પણ નહીં! મને તો પેલો શિકારી કેવી રીતે શિકાર કરવો તે જાણતો હોય એવું પણ લાગતું નથી!”

“હવે શું કરીશું?” મેટ્સને પૂછ્યું.

“આપણે જંગલમાં જવું જોઈએ, કોઈ એક ગોળી જે આપણા માટે નથી બની તેનાથી આહત થવાના ભય સાથે.”

“આહ!” મેટ્સને એવો અવાજ કાઢ્યો જેનો કોઈજ ખોટો મતલબ કાઢી શકાય એમ ન હતો.” હું મારા શરીરમાં બાર્બીકેન માટેની એક ગોળી સામે બીજી બાવીસ ગોળીઓ ખાવા તૈયાર છું.”

“તો પછી આગળ વધો,” પોતાના સાથીદારનો હાથ દબાવતા, આરડને કહ્યું.

અમુક ક્ષણો બાદ બંને મિત્રો ઝાડીઓમાં ખોવાઈ ગયા. આ ઝાડીઓ ગાઢ હતી જેની વચ્ચે સરુ, ચિનાર, તુલીપ, ઓલીવ, આમલી, ઓક અને મેગ્નોલીયા જેવા મોટા વૃક્ષો ઉગ્યા હતા. આ તમામ અલગ પ્રકારના વૃક્ષોની શાખાઓએ એકબીજા સાથે ભળી જઈને એવી મજબૂત ભુલભુલામણી ઉભી કરી હતી કે તેમની બીજી તરફ બિલકુલ જોઈ શકાય તેમ ન હતું. માઈકલ આરડન અને મેટ્સન એકબીજાની સાથે આ ઉંચા ઘાસમાંથી ચાલી રહ્યા હતા અને વેલમાંથી પોતાનો રસ્તો બનાવી રહ્યા હતા, ઝાડીઓ તરફ તેમની નજર હતી અને થોડીથોડી વારે ગોળીબારના અવાજની આશા રાખી રહ્યા હતા. બાર્બીકેન જે જંગલના આ માર્ગેથી નીકળ્યા હોય તેના કોઈજ સંકેતો દેખાઈ રહ્યા ન હતા, આથી તેઓ રેડ ઇન્ડિયન્સ દ્વારા દુશ્મનોને પકડી પાડવામાં આવેલા હોય એવા દ્રશ્યમાન રસ્તે આગળ વધી રહ્યા હતા જેના પર મોટી માત્રામાં પાંદડાઓ પથરાઈ જઈને તેને ઢાંકી દીધો હતો.

એક કલાકના નિષ્ફળ પીછા બાદ બંને તીવ્ર ચિંતા સાથે રોકાયા.

“બધું પૂરું થઇ ગયું,” નિરાશ મેટ્સને કહ્યું. “બાર્બીકેન જેવો વ્યક્તિ ક્યારેય પોતાના દુશ્મન સાથે છળકપટ ન કરે કે પછી તેને જાળમાં પણ ન ફસાવે કે પછી કોઈ દાવપેચ પણ ન રમે! તે અત્યંત ખુલ્લા હ્રદયના છે, અત્યંત હિંમતવાન છે. તે સીધા જ ભય તરફ ગયા હશે અને આદિવાસીની વાતથી કે તેણે કોઈજ ગોળીબાર સાંભળ્યો નથી હવે કોઈજ શંકા રહી નથી.”

“પણ હવે જ્યારે આપણે જંગલમાં આવી ગયા છીએ,” આરડને જવાબ આપ્યો, “આપણે તો એ અવાજ સાંભળવો જોઈએને!”

“અને જો આપણે ખૂબ મોડા પહોંચ્યા હોઈએ તો?” મેટ્સને નિરાશાના સૂરમાં કહ્યું.

પહેલીવાર આરડન પાસે કોઈજ જવાબ ન હતો, તે અને મેટ્સન મૂંગામૂંગા પોતાનો રસ્તો કાપવા લાગ્યા. અલબત્ત વચ્ચે વચ્ચે તેમણે જોરજોરથી બુમો પાડી અને બાર્બીકેન અને નિકોલને બોલાવ્યા, પરંતુ બંનેમાંથી એકપણે તેમની બુમોનો વળતો જવાબ ન આપ્યો. ફક્ત પક્ષીઓ આ અવાજથી જાગી ગયા, કેટલાક તેમની પાસેથી પસાર થઈને શાખાઓ પર બેસી ગયા, તો કેટલાક ડરીને દૂર ભાગી ગયા.

શોધ એક વધારાના એક કલાક માટે ચાલુ રહી. જંગલનો મોટાભાગનો હિસ્સો જોવાઈ ચુક્યો હતો. અહીં યુદ્ધ કરનારાઓની હાજરી અંગે કશુંજ ન હતું. આદિવાસીની માહિતી શંકાસ્પદ હતી, આરડને તેમનો નકામો પીછો બંધ કરવાનો પ્રસ્તાવ મુક્યો અને ત્યારે છેક મેટ્સન રોકાયો.

“અરે!” તે બોલ્યો, ‘ત્યાં કોઈક છે!”

“કોઇક?” માઈકલ આરડને પડધો પાડ્યો.

“હા; એક માણસ! લાગે છે બેભાન છે. તેની રાઈફલ તેના હાથમાં નથી. એ શું કરી રહ્યો હશે?”

“શું તું એને ઓળખે છે?” આરડને પૂછ્યું, તેની નબળી આંખો આ પ્રકારના સંજોગોમાં કામે લાગી શકે તેમ ન હતી.

“હા! હા! તે આપણી તરફ ફરી રહ્યો છે,” મેટ્સને જવાબ આપ્યો.

“અને એ કોણ છે?”

“કેપ્ટન નિકોલ!”

“નિકોલ?” માઈકલ આરડને બુમ પડી જે દર્દની ભયંકર વેદના અનુભવી રહ્યો હતો.

“નિકોલ શસ્ત્ર વિહોણો છે! આથી તેને પોતાના દુશ્મનનો કોઈજ ડર નથી!’

“ચાલો આપણે તેની પાસે જઈએ,” આરડને કહ્યું, “અને સાચી માહિતી મેળવીએ.”

પરંતુ તે અને તેનો સાથીદાર હજી પચાસ પગલા પણ માંડ ચાલ્યા હતા જ્યારે તેમણે કેપ્ટનને વધારે ધ્યાનથી જોયો. તેઓ તેને એક લોહીતરસ્યા વ્યક્તિ જે બદલો લેવા માટે ખુશ હતો તેની આશા રાખી રહ્યા હતા.

તેને જોયા પછી તેઓ મુર્ખ બન્યાનો અનુભવ કરી રહ્યા હતા.

એક જાળી જે બે વિશાળ તુલીપના ઝાડ વચ્ચે બાંધવામાં આવી હતી, અને આ જાળીની વચ્ચે પોતાના ફસાયેલા પંખ સાથે એક ગરીબડું પક્ષી બંધાયેલું હતું જે દયાજનક અવાજો કાઢતું હતું અને અહીંથી ભાગી જવા માટે સંઘર્ષ કરતું હતું. આ જાળ બિછાવનાર શિકારી કોઈ માણસ ન હતો પરંતુ એક ઝેરી કરોળીયો હતો, જે આ વિસ્તારમાં ખાસ જોવા મળતો હતો, જેનું શરીર કબૂતરના ઈંડા જેટલું હતું અને તેના પંજા અત્યંત વિશાળ હતા. આ કદરૂપા જાનવરે પોતાના શિકાર પર હુમલો કરવાને બદલે અચાનક જ પીછેહઠ કરી અને તુલીપના ઝાડની ઉપરની શાખાઓમાં રક્ષણ મેળવ્યું કારણકે તેનો દુશ્મન મજબુત હતો જેનાથી તેને ખુબ ભય લાગી રહ્યો હતો.

તો અહિયાં નિકોલ, જેની બંદુક જમીન પર પડી ગઈ હતી, જે ભયથી નિશ્ચિંત હતો, તેને પોતાના પીંજરામાંથી પેલો કરોળીયો મુક્ત કરવા માંગતો હતો. છેવટે એમ બન્યું અને તે ખુશી ખુશી દૂર જતો રહ્યો.

નિકોલે પ્રેમપૂર્વક પેલા પક્ષીને મુક્ત કરી તેને ઉડી જતાં જોયું અને જ્યારે તેણે તેનો અવાજ સાંભળ્યો ત્યારે તેને એમ લાગ્યું કે તેને એ એમ કહી રહ્યું છે કે:

“તું ખરેખર એક વીર પુરુષ છે.”

તે પાછળ ફર્યો માઈકલ આરડન તેની સમક્ષ ઉભો હતો તેણે ઉપરનું વાક્ય અલગ સૂરમાં પૂર્ણ કર્યું:

“અને નિર્મળ હ્રદયનો ઇન્સાન છે!”

“માઈકલ આરડન!” કેપ્ટને બુમ પાડી. “તું અહિયાં શા માટે આવ્યો?”

“તારી મદદ કરવા નિકોલ અને તને બાર્બીકેનની હત્યા કરતા રોકવા અને તેમના દ્વારા તારી હત્યાને રોકવા.”

“બાર્બીકેન!” કેપ્ટને જવાબ આપ્યો. “હું છેલ્લા બે કલાકથી એને નિષ્ફળતાથી શોધી રહ્યો છું. એ ક્યાં સંતાયો છે?”

“નિકોલ!” આરડને કહ્યું, “આ વિવેક નથી. આપણે આપણા દુશ્મનનું સન્માન કરવું જોઈએ; એ બાબતની ખાતરી રાખજે કે જો બાર્બીકેન હજી સુધી જીવતા હશે તો આપણે તેમને આસાનીથી શોધી કાઢીશું; કારણકે એ તારી જેમ પંખીઓને મુક્ત નહીં કરતા હોય, એ તનેજ શોધતા હશે. અને જ્યારે એ મળી જશે ત્યારે માઈકલ આરડન તને જણાવશે અને તમારા બંને વચ્ચે કોઈજ યુદ્ધ નહીં થાય.”

“પ્રમુખ બાર્બીકેન અને મારી વચ્ચે” નિકોલે ગંભીરતાથી જવાબ આપ્યો, “એવી દુશ્મની છે જેમાં એકનું મૃત્યુ નિશ્ચિત છે---“

“પૂહ...પૂહ!” આરડન બોલ્યો, “તું ખરેખર વીર છે! તારે લડવું ન જોઈએ!”

“હું લડીશ મહાશય!”

“કેપ્ટન,” જે ટી મેટ્સન પૂરી ભાવનાઓ સાથે બોલ્યો, “હું પ્રમુખનો મિત્ર છું, તેમનું બીજું સ્વરૂપ, બીજો બાર્બીકેન, જો તમારે ખરેખર કોઈને મારવો હોય તો મને ગોળીએ દઈ દો, તમને ન્યાય મળી જશે!”

“મહાશય,” પોતાની રાઈફલ ઘુમાવતા નિકોલે જવાબ આપ્યો, “આ બધા ટુચકાઓ---“

“આપણો મિત્ર મેટ્સન ટુચકો નથી કહી રહ્યો,” આરડને જવાબ આપ્યો.”હું તેના પોતાના મિત્રને બચાવવાના હેતુસર પોતાને મારી નાખવાના વિચારને પૂરી રીતે સમજી શકું છું. પરંતુ કેપ્ટન નિકોલની ગોળીથી એ અથવા બાર્બીકેન કોઈજ નહીં મરે. મારી પાસે એક આકર્ષક યોજના છે જે આ બંને દુશ્મનોને એક કરે અને બંને તેને સહર્ષ સ્વિકારી લે.”

“એવું તે શું છે?” નિકોલે ભરપૂર અવિશ્વાસ સાથે પૂછ્યું.

“શાંતિ રાખો!” આરડને જવાબ આપ્યો. “હું તેને બાર્બીકેનની હાજરીમાં જ કહીશ.”

“તો ચલો એને શોધીએ.” કેપ્ટને રાડ પાડીને કહ્યું.

ત્રણેય તરતજ ચાલવા લાગ્યા; કેપ્ટને તેની રાઈફલ પોતાના ખભે મૂકી અને મૂંગા થઈને ચાલવા લાગ્યા. બીજો અડધો કલાક નીકળી ગયો અને શોધખોળનું કોઈજ પરિણામ ન મળ્યું. મેટ્સનના દિમાગમાં વિચિત્ર અને દમનકારી ભવિષ્યવાણી આવી રહી હતી. તેણે નિકોલ સામે ડરતા ડરતા જોયું અને જાતને પૂછ્યું, શું કેપ્ટનનો બદલો પૂરો થઇ ગયો હશે? અને બદનસીબ બાર્બીકેનનું શરીર એ ગોળી ખાઈને રસ્તામાં ક્યાંક લોહીના ખાબોચિયામાં ન પડેલું મળે. કદાચ આ જ વિચાર આરડનને પણ આવ્યો હોય એવું લાગ્યું; અને બંને નિકોલ સામે પ્રશ્નાર્થભરી નજરે થોડી થોડી વારે જોતા રહ્યા અને અચાનક મેટ્સન થોભ્યો.

લગભગ વીસ ફૂટ દૂર હલનચલન કર્યા વગરનું એક માનવીય શરીર એક વિશાળ કટાપ્લા વૃક્ષને ઢળીને ઉભું હતું જે ઝાડીઓથી અડધું ઢંકાઈ ગયું હતું.

“શું તે હશે?” મેટ્સન બોલ્યો.

બાર્બીકેન જરાય હલ્યા નહીં. આરડને કેપ્ટન સામે જોયું, પરંતુ તે ડગ્યો નહીં. આરડન આગળ વધ્યો અને જોરથી બોલ્યો:

“બાર્બીકેન! બાર્બીકેન!”

કોઈજ જવાબ નહીં! આરડન દોડીને તેના મિત્ર તરફ ગયો પરંતુ તેમનો હાથ પકડવા જતા તે પહેલા જ રોકાઈ ગયો અને ચકિત થઇ ગયો.

બાર્બીકેનના હાથમાં પેન્સિલ હતી અને તે મેમોરન્ડમ બુકમાં કેટલીક ભૌગોલિક આકૃતિઓ બનાવી રહ્યા હતા, જ્યારે તેમની અનલોડેડ રાઈફલ તેમની બાજુમાં જમીન પર પડી હતી.

પોતાના અભ્યાસમાં મગ્ન, બાર્બીકેનને પાછળ ચાલી રહેલી ચર્ચાથી અજાણ હતા અને તેમણે કશુંજ જોયું કે સાંભળ્યું ન હતું.

જ્યારે આરડને તેમનો હાથ પકડ્યો ત્યારે તેમણે ઉંચે જોયું અને આ મુલાકાતીને આશ્ચર્યભરી નજરે જોવા લાગ્યા.

“ઓહ! તો આ તમે જ છો!” છેવટે તેણે બૂમ પાડી. “મેં તમને શોધી લીધા, મારા મિત્ર, મેં તમને શોધી લીધા!”

“શું?”

“મારી યોજના!”

“કેવી યોજના?”

“ગોળાને છોડતી વેળાએ મળનારા ધક્કાની અસરને પહોંચી વળવાની યોજના!”

“ખરેખર?” માઈકલ આરડને પોતાની આંખોના ખૂણેથી કેપ્ટનને જોતા જોતા કહ્યું,

“હા! પાણી! માત્ર પાણી, જે ફૂવારાનું કામ કરશે—ઓહ મેટ્સન,” બાર્બીકેન જોરથી બોલ્યા, “તું પણ આવ્યો છે?”

“હું પોતે,” આરડને જવાબ આપ્યો; “અને મને આ જ સમયે અમુલ્ય કેપ્ટન નિકોલની ઓળખાણ કરવાની અનુમતી આપો!”

“નિકોલ! બાર્બીકેને જોરથી બૂમ પાડી અને કુદ્યા, “મને માફ કરી દેજો કેપ્ટન, હું ભૂલી ગયો હતો – હવે હું તૈયાર છું!”

બંને દુશ્મનોને વધુ કશું કહેતા રોકવા માટે માઈકલ આરડન વચ્ચે પડ્યા.

“ભગવાનની દયા છે!” તે બોલ્યો. “સારું થયું કે તમે બંને વીર પુરુષો વહેલા આમને સામને ન થયા! નહીંતો અત્યારે અમે તમારા બંનેમાંથી એક માટે શોક વ્યક્ત કરતા હોત. પરંતુ પ્રભુનો ધન્યવાદ કે તે વચ્ચે પડ્યા અને ચિંતાની હવે કોઈજ વાત નથી. જ્યારે કોઈ વ્યક્તિ મશીનો અને કરોળિયાની જાળમાં પોતાનો ગુસ્સો ભૂલી જાય ત્યારે સમજવું કે ગુસ્સો ભયજનક નથી રહ્યો.”

માઈકલ આરડને પછી પ્રમુખને જણાવ્યું કે કેવી રીતે તે કેપ્ટનને મળ્યો.

“હું હવે આ નિર્ણય તમારા પર છોડું છું,” તેણે વાત પૂર્ણ કરતા કહ્યું, “તમે બંને સારા માણસો છો અને તમે એકબીજાને ગોળી મારીને એકબીજાની ખોપરી તોડી નાખવા માંગતા હતા?”

આ પરિસ્થિતિમાં કશુંક એવું નકામું, કશુંક એવું અનપેક્ષિત હતું; માઈકલ આરડને તેને પારખી લીધું અને તેણે સંધી કરાવવાનું નક્કી કરી લીધું.

તેણે પોતાના સૌથી મોહક સ્મિત સાથે કહ્યું, “મારા મિત્રો, આ ગેરસમજ સિવાય બીજું કશુંજ નથી, કશુંજ નહીં! ચાલો! તમારા વચ્ચે બધુંજ સમાપ્ત થઇ ગયું છે તેને સાબિત કરવા હું તમને જે દરખાસ્ત કરવા જઈ રહ્યો છું તેને તમે નિખાલસતાથી સ્વીકારી લો.”

“બતાવો,” નિકોલ બોલ્યો.

“આપણા મિત્ર બાર્બીકેન માને છે કે તેમનો ગોળો સીધો જ ચન્દ્ર પર જશે?”

“હા, ચોક્કસ,” પ્રમુખે જવાબ આપ્યો.

“અને આપણા મિત્ર નિકોલની એ જીદ છે કે તે તરતજ પૃથ્વી પર પડી જશે?”

“મને તેની ખાતરી છે,” કેપ્ટને ચીસ પાડી.

“સરસ!” આરડન બોલ્યો. “હું તમને બંનેને સહમત થવા આગ્રહ તો ન કરી શકું; પરંતુ હું એક મંતવ્ય આપું છું; મારી સાથે ચાલો અને જુઓ કે આપણે આપણી સફરમાં ક્યાં અટકીએ છીએ.”

“શું?” જે. ટી મેટ્સને મૂર્ખતાપૂર્ણ ચહેરા સાથે પૂછ્યું.

અચાનક આવી ચડેલી આ દરખાસ્ત અંગે બંને દુશ્મનોએ એકબીજા સામે જોયું. બાર્બીકેન કેપ્ટનના જવાબની રાહ જોવા લાગ્યા. નિકોલને પ્રમુખના નિર્ણયની રાહ હતી.

“તો!” માઈકલ બોલ્યો. “હવે તો ધક્કો લાગવાનો પણ ડર નથી!”

“મંજૂર છે!” બાર્બીકેન જોરથી બોલ્યા.

તેઓ જેટલી ઝડપથી આ શબ્દો બોલ્યા, નિકોલ પણ તેમનાથી બિલકુલ પાછળ ન હતો.

“હુર્રા!! વાહ વાહ! હીપ! હીપ! હુર્રા! માઈકલે બુમો પાડી અને પોતાના બંને હાથ બંને દુશ્મનો સામે ધર્યા. “તો હવે જ્યારે બધું સરખું થઇ ગયું છે, મને તમને બંનેને ફ્રેન્ચ ફેશનથી સન્માન આપવા દો. ચાલો આપણે બ્રેકફાસ્ટ કરીએ!”

***