ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 9 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - પ્રકરણ 9

પ્રશ્ન પાઉડરનો

પ્રકરણ ૯

હવે જે બાકી હતું તે પાઉડરનો પ્રશ્ન હતો. પ્રજા હવે અંતિમ નિર્ણયની રાહ જોઈ રહી હતી. તોપગોળો અને તોપની લંબાઈ નક્કી થઇ ગઈ હતી, પરંતુ જરૂરી ધડાકા માટે પાઉડર કેટલો જોઇશે તેની હજી કોઈને ખબર પડી ન હતી.

એક સામાન્ય માન્યતા અનુસાર ચૌદમી સદીમાં ગન પાઉડરનો આવિષ્કાર મોન્ક શ્વાર્ત્ઝે કર્યો હતો અને તેને આ અદભુત શોધ માટે ચિક્કાર નાણા પણ મળ્યા હતા. પરંતુ બાદમાં એમ જાણવા મળ્યું કે આ વાર્તા તો એ સમયના કેટલાક લોકોએ ઉપજાવી કાઢી હતી. ખરેખર તો ગન પાઉડર કોઈએ શોધ્યો ન હતો તે તો ગ્રીક ફાયરનું એક સુધારેલું સ્વરૂપ માત્ર હતો અને સલ્ફર અને પોટેશિયમ નાઇટ્રેટને ભેળવીને બનાવવામાં આવતો હતો. કેટલાક લોકોએ મીકેનીકલ ગન પાઉડર પણ બનાવ્યો હતો અને આથી જ કમિટી સમક્ષ ઉભા થયેલા આ પ્રશ્નનો જવાબ મેળવવા માટે આ અંગે લાંબો વિચાર કરવાની જરૂર હતી.

એક લીટર ગન પાઉડરનું વજન લગભગ બે પાઉન્ડ જેટલું હોય છે અને જ્યારે તેને સળગાવવામાં આવે છે ત્યારે તે ચારસો લીટર ગેસ ઉત્પન કરે છે. જ્યારે આ ગેસને 2400 ડીગ્રી પર તપાવવામાં આવે છે ત્યારે તે લગભગ ચાર હજાર લીટર જેટલી જગ્યા રોકે છે અને આથી જ જ્યારે પાઉડરનો જથ્થો જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે તે એક થી ચાર હજાર લીટર જેટલી જગ્યા રોકી શકે છે તે બાબત ધ્યાનમાં લેવી અત્યંત જરૂરી હતી. આથી જ્યારે ધડાકો કરવામાં આવશે ત્યારે તે ચાર હજાર લીટર જેટલી જગ્યા રોકશે તે નક્કી હતું. અલબત આ બધું કમિટીના જાણકાર મેમ્બર્સને ખબર જ હતી અને એટલેજ તેઓ પછીની સાંજે ફરીથી ભેગા થયા.

આજના પ્રથમ વક્તા મેજર એલ્ફીસ્ટન હતા કારણકે યુદ્ધ દરમિયાન તેઓ ગન પાઉડર ફેક્ટરીના ડિરેક્ટર હતા.

“સજ્જનો, હું મારી પાસે રહેલા કેટલાક આંકડાઓથી શરૂઆત કરીશ જે મેં જાતે ગણ્યા છે. આપણો જૂનો ચોવીસ પાઉન્ડનો ગોળો સોળ પાઉન્ડ પાઉડરથી ફોડવામાં આવતો હતો.”

“શું તમે આ આંકડો બરોબર સમજ્યા છો?” બાર્બીકેન વચ્ચે બોલ્યા.

“જી બિલકુલ, આર્મસ્ટ્રોંગ તોપ આઠસો પાઉન્ડના ગોળા માટે માત્ર પંચોતેર પાઉન્ડનો પાઉડર વાપરે છે અને રોડમેન કોલમ્બિયાડ અડધા ટનના ગોળા માટે માત્ર એકસોને સાઈઠ પાઉન્ડ જેટલો પાઉડર વાપરે છે અને તેનાથી છ માઈલનું અંતર કાપી શકાય છે. આ હકીકત પર કોઈજ પ્રશ્ન થઇ શકે તેમ નથી કારણકે શસ્ત્ર કમિટી સમક્ષ એક સમયે મેં જ આ પ્રકારનો વાંધો ઉઠાવ્યો હતો.”

“એકદમ સાચું.” જનરલ બોલી ઉઠ્યા

“તો, આ આંકડા એવું સાબિત કરે છે કે ગોળાનું વજન વધવાથી પાઉડરનો જથ્થો વધારવાની જરૂર પડતી નથી. આથી જો બીજા શબ્દોમાં કહીએ તો દરેક ગોળાના વજનના લગભગ બે તૃત્યાંશ જેટલો પાઉડર વાપરવો જરૂરી બને છે. જો કે આ પ્રમાણ કાયમ લાગુ નથી પડતું, પરંતુ તમે જોઈ શકો છો કે ત્રણસોને તેત્રીસ પાઉન્ડના ગોળા માટે એકસોને સાઈઠ પાઉન્ડથી વધારે પાઉડર જોઈતો નથી.”

“તો પછી તમે શું નક્કી કર્યું?” પ્રમુખે સવાલ કર્યો

“ચાલો આપણે અત્યંત લાંબુ વિચારીએ પ્રિય મેજર, તો શું એમ સમજવું કે તોપનો ગોળો જો ખૂબ મોટો હોય તો તેને ગન પાઉડરની બિલકુલ જરૂર જ ન પડે?” જે ટી મેસ્ટ્ન બોલ્યો.

“આપણા મિત્ર મેસ્ટ્ન કાયમ ગંભીર ચર્ચામાં પણ મજાક કરવાનું ભૂલતા નથી, નહીં? પરંતુ હવે તમે બધા શાંતિથી મારી વાત સમજો. હું અત્યારે માત્ર આંકડાકીય રીતે જે શક્ય છે તેના તરફ જ તમારા બધાનું ધ્યાન દોરી રહ્યો છું. અત્યારસુધી આપણે માત્ર એ જ બાબત પર ધ્યાન આપ્યું છે કે સામાન્યરીતે ગોળાના વજનના પ્રમાણમાં આપણને કેટલો પાઉડર જોઈતો હોય છે. મેં મારા યુદ્ધ દરમિયાનના અનુભવે એ જાણ્યું છે કે જેટલી તોપ મોટી એટલી ગન પાઉડરની જરૂરિયાત ઓછી પડતી હોય છે. આથી એને જો આંકડામાં ફેરવીએ તો ગોળાના વજનના દસમાં ભાગ જેટલો પાઉડર સામાન્યરીતે જોઈતો હોય છે.”

“તદ્દન સાચું. પરંતુ પાઉડરનો જથ્થો નક્કી કરતા અગાઉ એ વાત પણ ધ્યાનમાં રાખવી જોઇશે કે ધડાકા વખતે તોપને કેટલો ધક્કો લાગશે...” મોર્ગને કહ્યું.

“આપણે મોટા દાણાદાર પાઉડરનો ઉપયોગ કરવો પડશે કારણકે તેનાથી આગ જલ્દીથી લાગશે જે નાના દાણાદાર પાઉડરમાં શક્ય નથી.” મેજરે જવાબ આપ્યો.

“એમાંતો શંકાને કોઈ સ્થાન જ નથી, પરંતુ એ ભારે વિનાશક પણ બની શકે છે, તે પોતાના દબાણથી તોપના નાળચાને મોટું બનાવીને તેના ટુકડા પણ કરી શકે છે.” મોર્ગને જવાબ આપ્યો.

“સ્વીકારી લીધું, પણ એતો જૂની તોપને લાગુ પડે છે આપણી કોલમ્બિયાડ ગન્સને નહીં. આપણી એ તોપ ધડાકા વખતે કોઈજ ભયમાં નહીં હોય અને આપણા પાઉડર માટે પણ એ જરૂરી છે કે તે ઝડપથી આગ પકડે જેથી કરીને તેની યોગ્ય મીકેનીકલ અસર મળી શકે.”

“તો પછી આપણી તોપમા ઘણાબધા ટચ હોલ્સ પણ હોવા જરૂરી છે જેથી ઘણીબધી જગ્યાએથી એકસાથે આગ લગાવી શકાય.” મેસ્ટ્ને ઉપાય બતાવ્યો.

“એતો બરોબર છે, પરંતુ તેના લીધે ગોળા માટે તકલીફ ઉભી થઇ શકે છે. હું મારી મોટા દાણાદાર પાઉડરની થીયરી પર પરત આવું છું જેને કારણે આ બધી તકલીફોનો અંત આવશે. કોલમ્બિયાડમાં રોડમેને એક વખત ચેસ્ટનટ જેટલા મોટા દાણાવાળો પાઉડર વાપર્યો હતો જેને લાડકાના કોલસાથી બનાવવામાં હતો અને કાસ્ટ આયર્નના વાસણોમાં તેને સૂકવવામાં આવ્યો હતો. આ પાઉડર અત્યંત મજબૂત અને ચળકતો હતો અને તેનાથી હાથ પણ ખરાબ નથી થતા હોતા. ઓક્સીજન અને હાઈડ્રોજનનું મોટું પ્રમાણ હોવાને લીધે તેમાં આગ ઝડપથી લાગી હતી અને અત્યંત વિનાશક હોવા છતાં તોપના ગોળાનું મોઢું પણ સલામત રહ્યું હતું.”

ચર્ચાના આ બિંદુ સુધી બાર્બીકેન એકદમ મૂંગા રહ્યા હતા. તેઓ મૂંગા રહીને અન્યોને બોલવા દીધા હતા અને જાણેકે અચાનક જ તેમને કોઈ આઈડિયા આવ્યો હોય તેમ તેઓ બોલી પડ્યા, “તો મારા મિત્રો, પાઉડરનો જથ્થો તમારા વિચાર પ્રમાણે કેટલો હોવો જોઈએ?”

કમિટીના બાકીના સભ્યો થોડો સમય એકબીજા સામે જોવા લાગ્યા.

“બે લાખ પાઉન્ડ.” છેવટે મોર્ગન બોલ્યા.

“પાંચ લાખ પાઉન્ડ.” મેજરે ઉમેર્યું.

“આઠ લાખ પાઉન્ડ.” મેસ્ટ્ન જોરથી બોલ્યો.

એકસાથે ત્રણ દરખાસ્ત આવ્યા બાદ ફરીથી રૂમમાં શાંતિ પથરાઈ ગઈ જેને છેવટે પ્રમુખે જ તોડી.

“સજ્જનો, હું એક જ સિદ્ધાંતને અનુસરું છું કે આપણી તોપની સહનશક્તિ અમર્યાદિત રહેશે. હું મારા મિત્ર મેસ્ટ્નને આશ્ચર્યચકિત કરવા માંગું છું કે તેની દરખાસ્ત સૌથી ઉંચી હોવા છતાં તેણે એ ડરી ડરીને આપી હોય એવું મને લાગે છે, આથી હું તેની આઠ લાખ પાઉન્ડની દરખાસ્તને ડબલ કરી દેવાની દરખાસ્ત કરું છું.”

“સોળ લાખ પાઉન્ડ?” મેસ્ટ્ન બૂમ પાડીને પોતાની ખુરશીમાંથી ઉભો થઇ ગયો.

“હા લગભગ એટલું જ. આપણે બધાએ મારા અડધા માઈલની તોપના આઈડિયા પર પરત થવું જોઈએ. જુઓ ૧૬૦૦૦૦૦ પાઉન્ડની તોપ લગભગ વીસ હજાર ક્યુબીક ફૂટની જગ્યા રોકશે જ્યારે તમારી તોપનો ગોળો ચોપન હજાર ક્યુબીક ફીટથી વધારે જગ્યા નથી રોકતો, આથી તે અડધી ખાલી રહેશે. ઉપરાંત તોપનું નાળચું એટલું લાંબુ નહીં હોય જે ગોળાને પૂરતો ધક્કો આપી શકે. કશો વાંધો નહી, હું પાઉડરના મેં જણાવેલા જથ્થાના અનુમાન પર કાયમ રહું છું પણ, સોળ લાખ પાઉન્ડનો પાઉડર ૬૦૦૦૦૦૦૦૦૦ લીટર ગેસ ઉત્પન કરશે, તમે સમજ્યા હું શું કહી રહ્યો છું?”

“એટલે આપણે કરવાનું શું છે?” જનરલે સવાલ પૂછ્યો.

“બહુ સરળ કામ કરવાનું છે. પાઉડરનો જથ્થો ઘટાડવાનો છે પરંતુ તેની મીકેનીકલ શક્તિને જરાય આંચ આવવા દેવાની નથી.”

“સરસ, પણ એનો મતલબ શું થયો, ખરેખર શું કરવાનું છે?

“હું કહું તમને...” બાર્બીકેને એકદમ શાંતિથી જવાબ આપ્યો.

“આ મોટા જથ્થાને તેના ચોથાભાગ સુધી ઘટાડવું અત્યંત સહેલું છે. તમને ખબર છે કે શાકભાજીની પેશીઓની રચના માટે એક ખાસ કોષ જવાબદાર હોય છે. આ પ્રકારનો કોષ બીજી ઘણીબધી જગ્યાએ પણ હાજર હોય છે ખાસકરીને રૂ માં જે કપાસના બીજમાંથી જ ઉત્પન્ન થયેલું હોય છે. હવે રૂને જો નાઈટ્રીક એસીડ સાથે ભેળવી દેવામાં આવે તો તે એક એવી વિશેષતા પામે છે જે પીગળતું નથી, જલદ હોય છે અને તેનાથી વિસ્ફોટ પણ કરી શકાય છે. બ્રાકેનોટ નામના એક ફ્રેન્ચ વિજ્ઞાનીએ ૧૮૩૨માં આની શોધ કરી હતી જેને આપણે ઝાયલોડાઈનના નામે ઓળખીએ છીએ. ૧૯૩૮માં એક અન્ય ફ્રેન્ચમેન પેલુઝે આના પર વધારે સંશોધન કર્યું અને છેવટે ૧૮૪૬માં બેલ યુનીવર્સીટીના કેમિસ્ટ્રીના પ્રોફેસર શોનબેઇને યુદ્ધમાં ભાગ લેવા માટે અરજી કરી હતી અને તેમણે એક પાઉડર શોધી કાઢ્યો હતો જેને પેરોક્સાઈલ કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં તેને જુસ્સાવાળું રૂ પણ કહેવામાં એ છે. તેને તૈયાર કરવા માટે માત્ર પંદર મિનીટ લાગે છે, માત્ર રૂ ને નાઈટ્રીક એસીડમાં બોળી રાખવાનું છે અને પછી તેને પાણીથી ધોઈ નાખવાનું અને બાદમાં જ્યારે તે સુકાઈ જાય ત્યારે તેને તરતજ વાપરી શકાય છે.

“આનાથી સરળ તો બીજું શું હોઈ શકે?” મોર્ગન બોલ્યા.

“આપણા માટે ફાયદાકારક બાબત એ છે કે પેરોક્સાઈલને ક્યારેય ભેજ લાગતો નથી અને આપણને તોપ બનાવવા માટે લાંબો સમય લાગવાનો છે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે. વળી તે ૨૪૦ ની જગ્યાએ ૧૭૦ ડીગ્રીએજ સળગી જાય છે અને તે એટલું ઝડપથી સળગે છે કે સામાન્ય ગન પાઉડર તો તેની સામે કશુંજ નથી.”

“આ એકદમ યોગ્ય રહેશે.” મેજર બોલ્યા.

“બસ, એ મોંઘુ ખૂબ છે.”

“તો શું થઇ ગયું?” મેસ્ટ્ન બૂમ પાડી ઉઠ્યો.

“છેલ્લે કહું તો તે તોપના ગોળાને ગન પાઉડર કરતાં ચારગણી ઝડપ આપશે. હું એમ પણ ઉમેરીશ કે જો આપણે તેમાં તેના જથ્થાના આઠમાં ભાગનું પોટેશિયમ નાઈટ્રેટ ઉમેરીએ તો આ ઝડપ ઘણીબધી વધી શકે છે.”

“શું એમ કરવું જરૂરી છે?” મેજરે સવાલ કર્યો.

“ના, મને નથી લાગતું. આથી ૧૬૦૦૦૦૦ પાઉન્ડ ગન પાઉડરની જગ્યાએ આપણે ૪૦૦૦૦૦ પાઉન્ડ જુસ્સાવાળું રૂ વાપરીશું. અને આપણી તોપની લંબાઈ એટલીબધી છે કે આપણે તેમાં આટલું રૂ તો આસાનીથી સમાવી શકીશું, કારણકે તે કોલમ્બિયાડના નાળચામાં ૧૮૦ ફૂટથી વધુ જગ્યા નહીં રોકે. આ રીતે આપણા ગોળા પાસે ૭૦૦ ફૂટની લંબાઈ હશે અને તેની પાસે ૬૦૦૦૦૦૦૦૦૦ લીટર જેટલાજ ગેસની શક્તિ પણ હશે જે તેને ચંદ્રની સફરે લઇ જશે.”

આ સમયે જે ટી મેસ્ટ્ન પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યો અને પોતાના પૂરતા બળ સાથે બાર્બીકેનને ભેટી પડ્યો. બાર્બીકેન જો એક મશીન હોત તો જ મેસ્ટ્નનો ધક્કો સહન કરી શક્યા હોત.

આ ઘટનાએ કમિટીની ત્રીજી મીટીંગનો અંત આણ્યો.

બાર્બીકેન અને તેમના હોંશિયાર મિત્રો, જેમના માટે કશું પણ અશક્ય ન હતું તેમણે ગોળો, તોપ અને પાઉડર જેવી વિકટ સમસ્યાનો ઉકેલ લાવી દીધો હતો. એક યોજના હવે તૈયાર થઇ ચૂકી હતી બસ હવે તેને કેવી રીતે અમલમાં મુકવી એ જ નક્કી કરવાનું બાકી હતું.

“યોજના તો ફક્ત નક્કી જ કરવાની છે ને, એમાં કોઈ ખાસ વાત નથી.” જે ટી મેસ્ટ્ન બોલી ઉઠ્યો.