ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 4 Jules Verne દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફ્રોમ ધ અર્થ ટુ ધ મૂન - 4

પ્રકરણ ૪ – કેમ્બ્રિજની વેધશાળાનો જવાબ

લોકોના આટલા બધા ઉત્સાહની વચ્ચે પણ બર્બીકેન એક ઘડી માટે તેમનું લક્ષ્ય ભૂલ્યા ન હતા. તેમણે પહેલા તો તેમની ગન ક્લબના બોર્ડ મેમ્બર્સને ભેગા કરીને સાથે ચર્ચા કરી અને તેમાંથી એવો નિષ્કર્ષ આવ્યો કે પહેલાંતો અવકાશ વિજ્ઞાનના જાણકારો પાસેથી આ બાબતે સલાહ લેવી અને ત્યારબાદ મીકેનીકલ ભાગ પર ધ્યાન આપવું. આ મહાન પ્રયોગના મિશનને સફળ બનાવવામાં કશું પણ રહી ન જાય તેની ખાતરી કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું.

એક ખાસ નોટ બનાવવામાં આવી જેમાં ખાસ પ્રશ્નો લખવામાં આવ્યા હતા અને તેને મેસેચ્યુસેટ્સમાં આવેલી કેમ્બ્રિજ વેધશાળાને મોકલવામાં આવી. આ એજ શહેર હતું જ્યાં અમેરિકાની સૌથી પહેલી યુનિવર્સીટી સ્થાપવામાં આવી હતી અને અહીં અવકાશવિજ્ઞાનને જાણતા કેટલાક મોટા પંડિતો ભેગા થતા અને પોતાના ટેલીસ્કોપ દ્વારા રોજ ચંદ્ર અને તેની વિવિધ કળાઓનો અભ્યાસ કરતા રહેતા હતા. આથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે ગન ક્લબ દ્વારા નક્કી કરવામાં આવેલા મહાન વિચાર પર અવકાશવિજ્ઞાનને લગતું પ્રથમ મંતવ્ય આપવા માટેનું સન્માન આ જ સંસ્થાને આપવામાં આવે. કેમ્બ્રિજ વેધશાળાને સવાલોની નોટ મોકલ્યા બાદ પ્રમુખ બાર્બીકેન પાસે માત્ર બે જ દિવસમાં તેમનો જવાબ આવી ગયો.

આ જવાબ નીચે પ્રમાણે હતો:

કેમ્બ્રિજ વેધશાળાના ડિરેક્ટર તરફથી ગન ક્લબ બાલ્ટીમોરના પ્રમુખને સાદર.

કેમ્બ્રિજ, ૭ ઓક્ટોબર

અમારી કેમ્બ્રિજ વેધશાળાના સભ્યોને સંબોધીને મોકલેલા બાલ્ટીમોર ગન ક્લબના સભ્યોનો પત્ર અમને આ ૬ તારીખે મળ્યો છે અને ત્યારબાદ અમે તાત્કાલિક એક મીટીંગ બોલાવી અને મીટીંગમાં થયેલી વિષદ ચર્ચા બાદ અમે નીચે પ્રમાણેનો યોગ્ય જવાબ આપવાનું નક્કી કર્યું છે.

ગન ક્લબ દ્વારા અમને પૂછવામાં આવેલા સવાલો આ પ્રમાણે છે...

૧. શું કોઈ ઉપકરણને ચંદ્ર પર મોકલવો શક્ય છે?

૨. પૃથ્વીથી ચંદ્રનું સાચું અંતર કેટલું છે?

૩. કોઇપણ ઉપકરણને ચંદ્ર સુધી પહોંચાડવા કેટલી ગતી જોઈએ અને એવી કઈ ક્ષણ છે જ્યારે આ ઉપકરણને ધરતી પરથી છોડાય તો તે ચંદ્ર પર પહોંચી શકે?

૪. ચંદ્ર પર ઉપકરણને પહોંચવા માટે કોઈ યોગ્ય સમય ખરો કે જેથી ચંદ્ર તેનો સ્વીકાર કરી શકે?

૫. ઉપકરણ ને આકાશની કઈ જગ્યાએ તાંકી શકાય જેથી એ તેના યોગ્ય સ્થાને પહોંચી શકે?

૬. ઉપકરણને છોડવા સમયે ચંદ્ર આકાશમાં કઈ જગ્યાએ સ્થિત હશે?

તમારા પ્રથમ પ્રશ્ન “શું કોઈ ઉપકરણને ચંદ્ર પર મોકલવો શક્ય છે?”

જવાબ: હા એ શક્ય છે અને તમે કહેલી ૧૨૦૦ યાર્ડ્સ પ્રતિ સેકન્ડની ગતી પણ તેના માટે યોગ્ય છે. પરંતુ અહીં કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલી બાબત તો એ કે જેમ જેમ તમારું ઉપકરણ ઉપર જતું જશે તેમ તેની ગતી ઓછી થતી જશે. બીજું, ગતી ઓછી થવાની સાથે વાતાવરણમાં પ્રવેશતા તેનું વજન પણ ઓછું થવા લાગશે. પૃથ્વીના વાતાવરણ અને ચંદ્રના વાતાવરણમાં ઘણો ફરક છે આથી એક વખત જ્યારે તે ચંદ્રના વાતાવરણમાં પ્રવેશ કરશે ત્યારે તેનું વજન શૂન્ય થઇ જશે. મહત્ત્વની બાબત એ છે કે ઉપકરણ ચંદ્રના વાતાવરણમાં પહોંચવું જોઈએ, જ્યારે એમ બનશે ત્યારે તે આપમેળે જ ચંદ્રના આકર્ષણબળને કારણે તેના પર ગબડી પડશે. સૈદ્ધાંતિક રીતે તો આમ થવું શક્ય છે પરંતુ આ બધું તમારા એન્જીનની શક્તિ પર પણ આધારિત છે.

તમારા બીજા સવાલ પૃથ્વીથી ચંદ્રનું સાચું અંતર કેટલું છે? અંગે...

જવાબ: આમ તો આ અંગે ઘણાબધા સંશોધનો થયા છે પરંતુ જો અમે અવકાશ વિજ્ઞાને કરેલા છેલ્લા સંશોધનની વાત કરીએ તો ચંદ્ર પૃથ્વીથી ૨, ૪૭, ૫૫૨ માઈલ દૂર છે, પરંતુ ચંદ્રની પૃથ્વીથી સૌથી નજીકની ધરી માત્ર ૨, ૧૮, ૬૫૭ માઈલ જ દૂર છે. આથી આપણે એમ કહી શકીએ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના સમગ્ર અંતર કરતાં તેની ધરી પૃથ્વીથી ૧/૯ જેટલી નજીક છે આથી આપની ગણતરીમાં આપ પૃથ્વીથી ચંદ્રની ધરીને જ ગણતરીમાં લેશો.

આપનો ત્રીજો સવાલ હતો, “કોઇપણ ઉપકરણને ચંદ્ર સુધી પહોંચાડવા કેટલી ગતી જોઈએ અને એવી કઈ ક્ષણ છે જ્યારે આ ઉપકરણને ધરતી પરથી છોડાય તો તે ચંદ્ર પર પહોંચી શકે?”

આ સવાલનો જવાબ કઈક આ રીતે આપી શકાય. જો ઉપકરણ તેના ચંદ્ર તરફ છોડવાના સમયની ગતી એટલેકે ૧૨, ૦૦૦ યાર્ડ્સ પ્રતિ સેકન્ડ્સની જાળવી રાખે તો તેને ચંદ્ર સુધી પહોંચવા માટે નવ કલાકથી સહેજ વધારે સમય લાગે, પરંતુ આ ગતી ઉપર જતા જતા ઓછી થતી જાય છે આથી આ સમય ૩, ૦૦, ૦૦૦ સેકન્ડ્સ એટલે કે ૮૩ કલાક અને ૨૦ મિનીટ જેટલો થઇ શકે છે પરંતુ તે પણ એ જગ્યા સુધી જ્યાં પૃથ્વી અને ચંદ્રનું વાતાવરણ ભેગું થાય છે. પરંતુ ચંદ્રની સપાટી પર તેને પહોંચતા ૫, ૦૦, ૦૦૦ સેકન્ડ્સ એટલે કે ૧૩ કલાક ૫૩ મિનીટ અને ૨૦ સેકન્ડ્સ લાગી શકે છે. આથી ઉપકરણના ચંદ્ર સાથેના મેળાપની જે જગ્યાએ પહોંચવા માટે તમે જે સમય નક્કી કર્યો હોય તેનાથી લગભગ ૯૭ કલાક ૧૩ મિનીટ અને ૨૦ સેકન્ડ અગાઉ તમારું ઉપકરણ મોકલવાનું લક્ષ્ય રાખી શકાય છે.

આપના ચોથા સવાલ ચંદ્ર પર ઉપકરણને પહોંચવા માટે કોઈ યોગ્ય સમય ખરો કે જેથી ચંદ્ર તેનો સ્વીકાર કરી શકે? ના જવાબમાં ઉપરોક્ત જવાબ સાથે એમ ઉમેરી શકાય કે ચંદ્ર પર આપના ઉપકરણને પહોંચાડવા માટેનો સૌથી યોગ્ય સમય ત્યારે જ હોઈ શકે જ્યારે ચંદ્ર બે શરતો પૂરી કરતો હોય. એક તો ચંદ્ર તેની ચરમસીમાએ હોય અને બીજો તે પૃથ્વીની સૌથી નજીક હોય.પરંતુ તકલીફ એ છે કે આવું વારંવાર ન થતા કોઈક જ દિવસે થતું હોય છે. આવનારા મહિનાઓમાં ચોથી ડિસેમ્બરે આ ઘટના બરોબર મધ્યરાત્રીએ બનવા જઈ રહી છે આથી આપ આ દિવસને ધ્યાનમાં રાખી શકો છો.

તમારો પાંચમો સવાલ ઉપકરણ ને આકાશની કઈ જગ્યાએ તાંકી શકાય જેથી એ તેના યોગ્ય સ્થાને પહોંચી શકે? હતો. એના માટે એવી સલાહ આપી શકાય કે ઉપરના તમામ જવાબોનો યોગ્ય અભ્યાસ કર્યા પછી જ આ કાર્ય હાથમાં લેવું જોઈએ. આમ તો તમારા ઉપકરણને જેનાથી પણ ઉપર છોડવામાં આવે તે કાટખૂણે હોય તે વધારે યોગ્ય છે પરંતુ ૦ થી ૨૮ અક્ષાંસવાળું સ્થળ સર્વથા યોગ્ય રહેશે. અહીં એક બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ અંગે જરાક જેટલી પણ ભૂલ તમારા પ્રયોગને બાધિત કરી શકે છે.

છઠ્ઠો સવાલ ઉપકરણને છોડવા સમયે ચંદ્ર આકાશમાં કઈ જગ્યાએ સ્થિત હશે? માટે અમે એટલુંજ કહી શકીએ કે આપે આ માટે ચંદ્ર ની પરિસ્થિતિ ઉપરાંત પૃથ્વીની પોતાની ધરી પર જ ગોળગોળ ફરવાની ગતિને પણ ધ્યાનમાં રાખવી પડશે. આથી આપ જે કોઇપણ ઉપકરણ અવકાશમાં ઉપર આપેલા તમામ જવાબોને પણ ધ્યાનમાં રાખીને છોડો ત્યારે આ નાની પરંતુ અત્યંત મહત્ત્વની બાબતની નોંધ લેવાની ભૂલશો નહીં.

અમને મળેલા ગન ક્લબના સવાલોના આ વિગતવાર જવાબ હતા. તેમ છતાં જો અમારે ટૂંકસાર જણાવવો હોય તો અમે આટલું કહી શકીએ.

૧. તમારી ઉપકરણ છોડવાની તોપ એવી જગ્યાએ હોવી જોઈએ જે ૦ અને ૨૮ અક્ષાંસ વચ્ચે આવ્યું હોય.

૨. ચંદ્રની ચરમસીમાએ આવેલી જગ્યા તરફ તેનું નાળચું ગોઠવાયું હોય.

૩. ઉપકરણ શરૂઆતમાં ૧૨, ૦૦૦ યાર્ડ્સ પ્રતિ સેકન્ડની ગતિએ ઉપર જવું જોઈએ.

૪. આવનારી પહેલી ડિસેમ્બરે સવારે ૧૦ વાગીને ૪૬ મિનીટ અને ૪૦ સેકન્ડે તેને છોડવામાં આવે.

૫. આ ઉપકરણ ૪થી ડિસેમ્બરની મધ્યરાત્રીએ ચંદ્ર પર પહોંચશે જ્યારે ચંદ્ર તેની ચરમસીમા પસાર કરી રહ્યો હશે અને તે ધરતીથી સૌથી નજીક હશે.

ગન ક્લબના સભ્યોને જાણ થાય કે હવે કોઇપણ પ્રકારની રાહ જોયા વગર આ પ્રોજેક્ટ પર કામ કરવાનું શરુ કરી દે અને અમે જે સમય કહ્યો છે ત્યાંસુધીમાં તેને પૂરો પણ કરી દેવામાં આવે કારણકે જો તમે ૪ ડિસેમ્બરની તારીખ ચૂકી જશો તો હવે ચંદ્ર તેની ચરમસીમા પર અને પૃથ્વીની સૌથી નજીક એમ બંને સ્થિતિમાં અઢાર વર્ષ અને અગિયાર દિવસ બાદ આવશે.

કેમ્બ્રિજ વેધશાળાનો આખો સ્ટાફ તમારા કોઇપણ અવકાશ વિજ્ઞાન અંગેના પ્રશ્નનો જવાબ આપવા માટે સદાય હાજર રહેશે અને તેઓ પણ અમેરિકાના શ્રેષ્ઠ નાગરિકોને આ પ્રયોગ માટે તેમની શુભેચ્છાઓ આપી રહ્યા છે.

અવકાશ વિજ્ઞાનીઓના સ્ટાફ વતી,

જે. એમ બેલફાસ્ટ

નિર્દેશક, કેમ્બ્રિજ વેધશાળા