પ્રકરણ ૩ – પ્રમુખના ભાષણની અસરો
પ્રમુખના ભાષણના છેલ્લા શબ્દોનું ઉચ્ચારણ થયું ત્યારબાદ ત્યાં બેસેલા લોકો પર તેની જે અસર થઇ તેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. તાળીઓનો ગડગડાટ, લોકોની હર્ષમાં આવી જઈને પડેલી બૂમો, સૂત્રોનો અવાજ. હુર્રે નો એક સાથે જયઘોષ, અને અમુક એવા શબ્દો જેને માત્ર અમેરિકન ભાષા સમજતો વ્યક્તિ જ સમજી શકે એ પણ જોરજોરથી ઉચ્ચારવામાં આવ્યા. હોલમાં તો લગભગ અફરાતફરી મચી ગઈ. લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને સાથે સાથે જમીન પર પોતાના પગ પણ પછાડી રહ્યા હતા. એવું લાગી રહ્યું હતું કે ગન ક્લબના મ્યુઝીમમાં મુકવામાં આવેલી તમામ તોપો જો ભેગી કરીને પણ એકસાથે ફોડવામાં આવે તો પણ તે આ અવાજને તે હરાવી શકે તેમ ન હતી. અને આમ જો થાત તો પણ તેનાથી કોઈએ આશ્ચર્ય પામવાની પણ જરૂર ન હતી કારણકે આ બધા એ જ વ્યક્તિઓ હતા જે આ બધી તોપોમાંથી અવાજ કરાવી શકતા હતા આથી તેમનો આટલો બધો અવાજ કરવો એ બિલકુલ શક્ય હતું.
આ તમામ ઘોંઘાટ વચ્ચે બર્બીકેન એકદમ શાંત લાગી રહ્યા હતા. તેમને કદાચ થોડા વધારે શબ્દો બોલવા હતા પરંતુ તેમણે બે ત્રણ વખત પોતાનો હાથ ઉચો કરીને લોકોને શાંત થવાની જે અપીલ કરી તે નિષ્ફળ ગઈ. આ દરમિયાન પ્લેટફોર્મ પર તેમની સાથે બેસેલા વ્યક્તિઓએ તેમની સાથે સતત હાથ મેળવ્યા. આ તમામ પણ બાકીના લોકોથી જરાય ઓછા ઉત્સાહિત ન હતા.
અમેરિકનોને કોઇપણ વસ્તુ ભયભીત કરી શકતી નથી. ‘અશક્ય’ શબ્દ તેમના માટે અજાણ્યો છે. જ્યારે ડીક્ષનરીમાં પણ તેઓ આ શબ્દ વાંચે છે ત્યારે તેઓ નવાઈ પામતા હોય છે. અમેરિકનો માટે બધું જ ‘ઇઝી’ એટલેકે સરળ છે અને તેમના કાર્યમાં કોઇપણ મીકેનીકલ તકલીફો આવવાની હોય તેઓ તેના આવવા અગાઉ જ એનો રસ્તો કાઢી લેતા હોય છે. આથી બાર્બીકેનના વિચાર અને તેના અમલ વચ્ચે જે તફાવત હતો કે સાચા યાન્કી માટે કોઈજ તકલીફ આપનાર ન હતો. તેમના માટે તો આ કાર્ય હવે બને તેટલું ઝડપથી પતી જાય એની વ્યવસ્થા કરવાની હતી.
પ્રમુખના ‘વિજયી ભાષણ’ની ઉજવણી તે આખી સાંજ ચાલતી રહી. જે રીતે કાયમ બનતું હોય છે એમ આજે પણ મશાલ સરઘસ નીકળ્યું હતું અને તેમાં મેરીલેન્ડમાં રહેતા આઈરીશ, જર્મન, ફ્રેન્ચ, સ્કોટ અને એ તમામ જાતી અને ભાષાના લોકો પોતપોતાની બોલીમાં સુત્રો બોલી રહ્યા હતા જેમાં ‘વિવા’, ‘હુર્રા’ અને ‘બ્રાવો’ એકબીજા સાથે મિશ્ર થઇ જતા હતા. આ બધુંજ એક અવર્ણનીય ઉત્સાહને કારણે થઇ રહ્યું હતું.
આ તમામ સુત્રોચ્ચાર અને સરઘસો વચ્ચે આકાશમાં ઉગેલો ચન્દ્રમા પોતાનો નિર્મળ પ્રકાશ રેલાવી રહ્યો હતો અને શહેરની શેરીઓને ચમકાવી રહ્યો હતો. યાન્કીઝ પણ સતત આ ચન્દ્રમાને જોઈ રહ્યા હતા. કેટલાક તેને નીચેથી જ ઉડતાં ચુંબનો આપી રહ્યા હતા તો કેટલાક તેને પોતપોતાના મનગમતા નામોથી બોલાવી રહ્યા હતા. સાંજે આઠ વાગ્યાથી માંડીને મોડી રાત્રે એક વાગ્યા સુધીમાં તો જહોન્સ ફોલ સ્ટ્રીટમાં આવેલા એક ચશ્માંવાળાએ ઓપેરા ગ્લાસીસ વેંચીને ભરપૂર કમાણી કરી લીધી હતી!
મધ્યરાત્રી પણ પસાર થઇ ગઈ હતી પરંતુ લોકોના ઉત્સાહમાં કોઈજ કમી આવી ન હતી. શહેરના તમામ નાગરિકો, દુકાનદારો, વેપારીઓ, પૈસાદાર હોય કે ગરીબ બધા જ જાણેકે એકસાથે કોઈ ઉત્સવ મનાવી રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. છેક દરિયાકિનારે આવેલી બોટમાં લોકો વ્હીસ્કી પી ને એકબીજા સાથે મસ્તી કરી રહ્યા હતા, વિવાદ કરી રહ્યા હતા કે પછી ઝઘડી પણ રહ્યા હતા. શહેરના તમામ દારૂના પીઠાં આજે ભરાઈ ચૂક્યા હતા અને તેમાંથી મોટાભાગના લોકો એવા હતા જેમને અત્યારે કોઈજ હોશકોશ ન હતા.
સવારે લગભગ ચાર વાગ્યે લોકોનો ઉત્સાહ શમવા લાગ્યો. પ્રેસિડેન્ટ બાર્બીકેન પણ પોતાના ઘરે માંડમાંડ તેમની ઈજાઓ સાથે પહોંચ્યા કારણકે રસ્તામાં તેઓને લોકો વારંવાર ઘેરી લેતા અને તેમને કચડી નાખતા. કદાચ હર્ક્યુલીસ પણ આટલું બધું દબાણ સહન ન કરી શક્યો હોત. શહેરની ગલીઓ અને ચોક હવે ધીમેધીમે શાંત થવા લાગ્યા હતા. ફિલાડેલ્ફીઆ, વોશીંગ્ટન, હેરીસબર્ગ અને વ્હીલીંગથી રોજ સવારે આવતી ચાર ટ્રેનો ગન ક્લબના બાકીના સભ્યોને લઈને અમેરિકાના ચારેય ખૂણે ઉપડી ગઈ ત્યારે છેક બાલ્ટીમોર શહેરમાં સંપૂર્ણ શાંતિ છવાઈ.
બીજા દિવસે ટેલીગ્રામની સુવિધા હોવાને લીધે અમેરિકાના લગભગ પાંચ હજાર અખબારો, જર્નલ્સ, અઠવાડિક, સાપ્તાહિક અને દ્વિમાસિક મેગેઝીન્સ આ તમામે ગન ક્લબની મીટીંગ વિષે સમાચારની નોંધ લીધી. આ તમામે ગન ક્લબની ચંદ્ર પર જવાની જાહેરાતને તેમની રીતે ઉપરાંત તે અવકાશ વિજ્ઞાન, હવામાન વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, નૈતિક, રાજકીય તેમજ નાગરીકશાસ્ત્રના નિયમો અંતર્ગત કેવી રીતે શક્ય છે તેના પર ચર્ચા કરી. તેમણે એ પણ ચર્ચા કરી કે ચંદ્ર પર હવે કોઈ શોધખોળ કરવાની જરૂર છે કે નહીં. આ ઉપરાંત ચંદ્રને લગતી તમામ માહિતીઓ એકઠી કરીને ત્યાં પહોંચવાની શક્યતા માટે ગઈકાલે થયેલી જાહેરાત પાછળ કયા પ્રકારની મહેનત લાગી શકે છે અને તે ક્યારે શરુ થઇ શકે છે તેના વિષે વિષદ છણાવટ કરવામાં આવી. આ તમામ વિદ્વાનોએ એમ પણ સલાહ આપી કે ચંદ્ર પર પહોંચવાનું ઉપકરણ બનાવતા પહેલા તેના પર ખૂબ બધા પ્રયોગો પણ કરવા પડશે, પરંતુ એક દિવસ જરૂર આવશે જ્યારે અમેરિકા આ રહસ્યમય ગ્રહ વિષે કોઈ માહિતી લઇ આવવામાં સફળ થશે. આ ઉપરાંત એક વિષય એવો પણ ચર્ચવામાં આવ્યો કે આમ થવાથી અમેરિકાના યુરોપ સાથેના સંબંધોમાં કોઈ ખલેલ પહોંચશે કે કેમ.
અહીં એક બાબત ખાસ નોંધવા જેવી હતી અને એ એમ હતી કે આ તમામ અખબારો, પેમ્ફલેટ, જર્નલ્સ કે પછી વૈજ્ઞાનિક, સાહિત્યિક કે ધાર્મિક સંસ્થાઓ દ્વારા રજુ કરવામાં આવેલા મંતવ્યોમાંથી કોઇપણ જગ્યાએ આ પ્રોજેક્ટના નિષ્ફળ જવાની શક્યતાઓ વિષે કોઈ વાત જ કરવામાં નહોતી આવી. બધાએ તેના લાભ વિષે જ ચર્ચા કરી હતી. ધ સોસાયટી ઓફ નેચરલ હિસ્ટ્રી ઓફ બોસ્ટન, ધ સોસાયટી ઓફ સાયન્સ એન્ડ આર્ટસ એલ્બાની, ધ જીઓગ્રાફીકલ એન્ડ સ્ટેટીસ્ટીકલ સોસાયટી ઓફ ન્યૂયોર્ક, ધ ફિલોસોફીકલ સોસાયટી ઓફ ફિલાડેલ્ફીઆ અને ધ સ્મિથસોનિયન ઓફ વોશિંગ્ટન આ તમામ સંસ્થાઓએ ગન ક્લબને માત્ર અભિનંદન આપતા પત્રો જ ન લખ્યા પરંતુ ક્લબને જ્યારે તેમની મદદ કરવાની, જેમાં આર્થિક મદદ પણ સામેલ હતી, કરવાની ઓફર સામેથી આપવામાં આવી હતી.
મીટીંગના બીજા જ દિવસથી ઈમ્પી બાર્બીકેનની ગણના અમેરિકાના સૌથી મહાન નાગરિકોમાં થવા માંડી હતી. તેમને વિજ્ઞાનના જ્યોર્જ વોશીંગ્ટન કહેવામાં આવી રહ્યા હતા. તેઓ એક એવા વ્યક્તિ બની ગયા હતા જેમના માત્ર એક વિચારે આખા દેશના લોકોને અદભુત પ્રેરણા આપી હતી.
ગન ક્લબની આ યાદગાર મીટીંગના થોડા જ દિવસો બાદ એક ઈંગ્લીશ કંપનીએ બાલ્ટીમોરના થિયેટરમાં એક નાટક ભજવ્યું જેનું નામ હતું ‘કોઈ ખાસ કારણ વગર કરવામાં આવેલી ધાંધલ’ (Much Ado About Nothing). લોકોને નાટકનું આ શીર્ષક બર્બીકેનના પ્રોજેક્ટનું અપમાન કરતું લાગ્યું આથી તેઓએ થીયેટરમાં ઘૂસીને તેની બેન્ચો તોડી નાખી અને નાટકના ડિરેક્ટરને તેના નાટકનું નામ બદલી નાખવાની ફરજ પાડી. આથી એ સમજદાર વ્યક્તિએ લોકોની લાગણી સમજીને નાટકનું નામ બદલીને ‘તમને ગમે તે’ (As You Like It) કરી નાખ્યું અને પછી તેનું નાટક ઘણાબધા અઠવાડિયા ચાલ્યું અને તે ચિક્કાર નાણા પણ કમાયો.