અવકાશ અને ચંદ્ર અંગે તે સમયની અમેરિકન માન્યતાઓ
પ્રકરણ ૬
બાર્બીકેનની દરખાસ્તનો સમગ્ર દેશમાં જબરો પડધો પડ્યો. લોકો તાત્કાલિક અવકાશ વિજ્ઞાનના તથ્યો અંગે અભ્યાસ કરવા લાગ્યા અને તે પણ પૂરેપૂરી એકાગ્રતાથી. લોકોએ જાણેકે ચંદ્રને પોતાના જીવનમાં પહેલી વખત જોયો હોય એવો ઉત્સાહ છવાઈ ગયો હતો. ચંદ્ર અંગે જે કઈ પણ માહિતી મળે લોકો એકઠી કરવા લાગ્યા હતા પછી ભલેને ચંદ્ર ઉપર બનેલા વર્ષો જૂના ટુચકાઓની ચોપડી પણ કેમ ન હોય. અમેરિકનો પર ચંદ્રનું જાણેકે ભૂત સવાર થઇ ગયું હતું જે તેમને છોડવા તૈયાર ન હતું.
દેશભરની સાયન્ટીફીક જર્નલ્સમાં પણ આ ઘટના છવાઈ ગઈ ખાસ કરીને ગન ક્લબ દ્વારા પૂછવામાં આવેલા સવાલો અને ત્યારબાદ કેમ્બ્રિજની વેધશાળા દ્વારા તેમને આપવામાં આવેલા તમામ જવાબો તેમણે છાપી દીધા. આ ઉપરાંત તેમણે આ તમામ જવાબો પર પોતાની રીતે ટિપ્પણીઓ પણ કરી દીધી.
અત્યારસુધી જે લોકો પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના અંતર વિષે સાવ અજાણ હતા તેમણે પણ પોતપોતાની રીતે નક્કી કરવાનું શરુ કરી દીધું કે ખરેખર આ પ્રોજેક્ટ કેવી રીતે સફળ જઈ શકે. તેમણે ચંદ્ર પૃથ્વી તરફ કેવી રીતે લટકી રહ્યો છે તેના અજીબોગરીબ ઉદાહરણો પણ આપ્યા. ચંદ્ર અને પૃથ્વી એકબીજા સામે કેવી રીતે ઉભા છે તે અંગે લીટીઓ દોરી દોરીને સમજાવવાની કોશિશો કરવામાં આવી. જ્યારે તેમની આ પદ્ધતિ કેટલી સાચી છે એવો સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે આમ તો ચંદ્ર સાબિત થયા અનુસાર ૨, ૩૪, ૩૪૭ માઈલ જ દૂર છે પરંતુ ભૂલ થવાના સંજોગોમાં સિત્તેર માઈલ આમ કે તેમ ચાલી જાય તેવું છે.
જે લોકોને ચંદ્રની ગતિ વિષે કોઈજ ગતાગમ પડતી ન હતી તેઓએ પણ એમ સમજાવવાની કોશિશ કરી કે ચંદ્ર કેવી રીતે પોતાની ધરી પર ફરતા ફરતા પૃથ્વીની પ્રદક્ષિણા કરતો રહે છે અને આવી એક પ્રદક્ષિણા પૂરી થતા સત્યાવીસ અને એક તૃત્યાંશ દિવસ લાગતા હોય છે.
ચંદ્રની પોતાની ધરી પર ફરવું એ જ દિવસ અને રાત્રીને જન્મ આપતા હોય છે. આમ થવાથી દર મહીને એક દિવસ અને એક રાત્રી બચે છે. દરેક મહિનો ત્રણસો ચોપન દિવસ અને એક ત્રત્યાંશ કલાક લાંબો હોય છે. પૃથ્વી તરફ ચંદ્રની જે સપાટી છે એ લગભગ ચૌદ ચંદ્રમાં જેટલું અજવાળું ધરાવે છે અને ચંદ્રનો એ હિસ્સો જે આપણને દેખાતો નથી તેના પર ત્રણસોને ચોપન કલાકની સંપૂર્ણ રાત્રી હોય છે. પણ હા તેના પર કેટલાક નબળા તારાઓનો પ્રકાશ જરૂરથી પડતો હોય છે.
કેટલાક સારા આશયવાળા પરંતુ જીદ્દી લોકો એ બાબત સમજાવી શકતા ન હતા કે ચંદ્ર કેવી રીતે એક જ સપાટી પૃથ્વી સમક્ષ રાખીને તેની આસપાસ ચક્કરો મારતો રહેતો હોય છે? પણ તેમ છતાં તેઓ કઈક આવી રીતે તેને સમજાવતા. “પહેલા તો તમે તમારા ડાઈનીંગ રૂમમાં જાવ. પછી તમારા ડાઈનીંગ ટેબલના કેન્દ્ર તરફ જોતા જોતા તેની આસપાસ ચક્કર લગાવો. જ્યારે તમે આવું એક વખત કરશો ત્યારે તમે ચંદ્રની જેમ જ તેની એક પરીકમા પૂરી કરી કહેવાશે. તમારો રૂમ એ અવકાશ છે, તમારું ટેબલ પૃથ્વી છે અને તમે ખુદ ચંદ્ર છો. આવું સમજાવીને આ લોકોને ખૂબ આનંદ થતો અને તેઓ ત્યાંથી જતા રહેતા.
તો એક વાત તો નક્કી થઇ ગઈ હતી કે ચંદ્ર પોતાની એક તરફની જ સપાટી પૃથ્વીવાસીઓને દેખાડતો હોય છે. અહીં એ નોંધવું આવશ્યક છે કે ચંદ્રમાં થતી ઉત્તર-દક્ષીણ અને પૂર્વ-પશ્ચિમની વધઘટ તેમાં કેટલાંક કંપનો પેદા કરતા હોય છે. આ ઉપરાંત ચંદ્ર આપણને તેની સાત પંચમાંશ સપાટી જ દેખાડે છે નહીં કે સંપૂર્ણ.
પરિસ્થિતિ એવી ઉભી થઇ હતી કે હવે અજ્ઞાનીઓ પણ ચંદ્ર વિષે વેધશાળાના ડિરેક્ટર જેટલું જ જ્ઞાન ધરાવતા હોવાનો દાવો કરવા માંડ્યા હતા. અધૂરામાં પૂરું તેમને વિચારવા માટે ચંદ્રની પૃથ્વીની આસપાસની પરિક્રમા વિષે વીસ વૈજ્ઞાનિક શોધ પેપરોએ મદદ કરી દીધી. આ પરથી તેમને ખ્યાલ આવ્યો કે ચંદ્રની ધરી એક મોટી ઘડિયાળના ડાયલ જેવી છે અને તે પોતાની જ ધરી પર ફરે છે. ચંદ્રની ગતી જ પૃથ્વીવાસીઓને સાચા સમયની માહિતી આપતી હોય છે. એક બીજી અત્યંત મહત્ત્વની હકીકત પણ આ તમામને એ જાણવા મળી કે ચંદ્રના આકારમાં જે કોઇપણ ફેરફાર થાય છે તે પૃથ્વીને આભારી છે. ખરેખર તો ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવેલી હોવાથી પૃથ્વીના ખસવાને કારણેજ ચંદ્ર કોઈ વખત આખો, તો કોઈ વખત અડધો તો કોઈ વખત બીજના ચંદ્રમાંનો આકાર આપતો હોય છે.
ક્ષિતિજની ઉપર ચંદ્રની પરિસ્થિતિ અંગે તો વેધશાળાએ ચોખ્ખી સૂચના આપી હતી કે પૃથ્વીની દરેક જગ્યાએ ચંદ્રની ક્ષિતિજ પરની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. આનું કારણ જુદાજુદા અક્ષાંશ છે. પૃથ્વીની બરોબર વચ્ચે એક વિષુવવૃત નામની રેખા દોરવામાં આવી છે અને આવીજ રીતે આખા ગોળામાં કુલ અઠયાવીસ જુદાજુદા અક્ષાંસ જ દોરવામાં આવ્યા છે. આથી વેધશાળાએ ગન ક્લબને એવી સલાહ આપી હતી કે એવી જગ્યા પસંદ કરજો જેનાથી તેમનું ઉપકરણ કાટખૂણે મૂકીને તો છોડવામાં આવે જ પરંતુ તે બને તેટલું જલ્દી પૃથ્વીનો ગુરુત્વાકર્ષણ વિસ્તાર છોડી દે તેનું પણ ધ્યાન રાખે. વેધશાળાની આ ખાસ સૂચનાએ પણ લોકોનું ધ્યાન દોર્યું હતું અને તેના વિષે તેઓ ખાસ્સી ચર્ચા પણ કરી રહ્યા હતા.
ચંદ્રનો પૃથ્વીની આસપાસ ફરવાનો રસ્તો વેધશાળાએ એમ કહીને દર્શાવ્યો હતો કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ત્રાંસો ફરતો હોય છે અને તેનું એક સંપૂર્ણ ચક્કર પણ ગોળાકાર નથી હોતું પરંતુ અંડાકાર હોય છે જે પૃથ્વીવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં એમ પણ સમજાવવામાં આવ્યું હતું કે ચંદ્રનું મધ્યબિંદુ પૃથ્વીથી સૌથી દૂર હોય છે અને તે પૃથ્વી તરફ સરકવાની સતત પ્રક્રિયા કરતું રહેતું હોય છે.
વેધશાળા દ્વારા આ અંગે એટલું બધું જ્ઞાન આપવામાં આવ્યું હતું કે દરેક અમેરિકન પાસે હવે તે આવી ગયું હતું અને કોઇપણ વ્યક્તિ આ અંગે અજ્ઞાન ધરાવે છે એવું જાહેર કરવાથી પણ ડરતો હતો. જો કે ઘણાબધા સિદ્ધાંતો ભૂલોને લીધે તૂટી ફૂટી પણ ગયા હતા અને આથી જ લોકોમાં પ્રવર્તી રહેલા કાલ્પનિક ભયને નાબુદ કરવા એમ સરળ ન હતા.
ઉદાહરણ તરીકે કેટલાક ડાહ્યા માણસોએ એવી માન્યતા ઉભી કરી હતી કે ચંદ્ર એક પુરાણકાળનો ધૂમકેતુ છે જે લાંબા સમયથી સૂર્યની આસપાસ ફરતો રહ્યો છે અને સમય આવે તે પૃથ્વીની નજીક પણ આવતો હોય છે. આ બધા ડ્રોઈંગરૂમ અવકાશવિજ્ઞાનીઓએ એક બળીને કુથ્થો થઇ ગયેલી માન્યતા સ્વીકારી લીધી હતી કે સૂર્યની ભયંકર ગરમીને લીધે એક ઘટના બની જેને લીધે ચંદ્ર એક ધૂમકેતુ બની ગયો હતો. જ્યારે આ તમામ લોકોને એવું યાદ દેવડાવવામાં આવે કે દરેક ધૂમકેતુને પોતપોતાનું વાતાવરણ હોય છે જ્યારે ચંદ્રને નથી હોતું ત્યારે આ તમામ પાસે કોઈજ જવાબ નથી હોતો.
તો બીજી તરફના કેટલાક લોકો ઉચ્ચવર્ગના લોકો કરતા જૂદી માન્યતા અથવાતો ડર ધરાવતા હતા અને આ ડર ચંદ્રની સ્થિતિ અંગે હતો. આ બધાએ ખલીફાના સમયમાં સાંભળેલી માન્યતાઓ પર આધાર રાખીને એમ કહી રહ્યા હતા કે ચંદ્રની પોતાની ધરી પર ફરવાની ગતી થોડાક અંશે વધી ગઈ છે. આથી આ લોકોનું એવું કહેવું હતું કે ગતી વધી ગઈ હોવાથી હવે ચંદ્ર અને પૃથ્વી પરનું અંતર ઘટી ગયું છે જેને ધ્યાનમાં લેવું જોઈએ અને આથી જ ચંદ્ર પર ચડાઈ કરવા માટે એક દિવસ ઓછો ગણવો જોઈએ. પરંતુ આ તમામને લાપ્લેસની ગણતરી બતાવીને શાંત કરી દેવામાં આવ્યા જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ચંદ્રની પોતાની ધરી પર ફરવાની ગતી વધે તો પણ તેના અને પૃથ્વી વચ્ચેના અંતરમાં કોઈ ખાસ ફેર પડતો નથી અને આવું યુગો સુધી શક્ય બની શકે છે.
એક ત્રીજો વર્ગ પણ હતો જે પોતાના નામ પ્રમાણે જ થર્ડકલાસ માન્યતાઓ એટલેકે અંધશ્રદ્ધા ધરાવતો હતો જેને બાકીના તમામ લોકોએ પૂરી રીતે અવગણી દીધો હતો. તેમની માન્યતાઓ એવી હતી જે સાચી હોવા માટે વિચારી પણ ન શકાય પરંતુ તેમછતાં તેઓ એમ માનતા હતા કે તેમને ચંદ્ર વિષે ઉપરના બંને વર્ગો કરતા વધારે તેમજ પહેલેથી જ ખબર છે. આ વર્ગમાં એક પેટા વર્ગ એવો હતો જે એમ કહી રહ્યો હતો કે ખરેખરતો ઉપર એક હજાર ચંદ્ર છે અને તેમાંથી પણ નવસો પચાસ ચંદ્રોને લીધે પૃથ્વી પર રોગચાળો, ધરતીકંપ કે પછી અન્ય હોનારતો આવતી હોય છે. આ ઉપરાંત આ લોકો એવું પણ માનતા કે કોઈ ભેદી શક્તિ ચંદ્ર અને પૃથ્વીને કન્ટ્રોલ કરે છે વગેરે વગેરે. પરંતુ બહુમતી લોકો આ માન્યતાઓમાં વિશ્વાસ ન કરતા હોવાથી આ થર્ડકલાસ લોકોના વિચારોને ફગાવી દેવામાં આવ્યા. યાન્કીઝ માટે તો હવે એક જ મહત્ત્વાકાંક્ષા હતી અને એ હતી કે અવકાશમાં રહેલી આ અજાયબી એટલેકે ચંદ્ર પર કબજો જમાવવો અને તેના પર યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું નામ સુવર્ણ અક્ષરે લખવું.