Tapeli ni Yatra books and stories free download online pdf in Gujarati

તપેલી ની યાત્રા

તપેલી ની યાત્રા

(એક રમૂજ કથા)

ભર ઉનાળાના દિવસો ચાલતા હતા. ઉનાળો છે તો ઉકળાટ તો રહેવાનો જ અમારી સોસાયટીમાં વેહલી સવાર થી જ ચહેલ પહેલ ચાલુ થઇ જતી. બધી સ્ત્રીઓ ઘરનું કામ બપોર નો તડકો તપે એના પહેલા પતાવવા કોશિશ કરતી.

આજે પણ એવોજ કંઇક માહોલ હતો કોઈ ઘર નું આંગણું ધોઈ રહ્યું હતું, કોઈ કપડા સૂકવી રહ્યું હતું, તો કોઈ કામ પતાવીને ગપ્પા મારી રહ્યું હતું. આજે મારો રજાનો દિવસ હતો. બહાર થોડો પવન હતો એટલે હું છાપું લઈને મારા ઘરની બહાર લોબી પર બેઠો હતો. હજુ પેપરમાં માંથું નાખ્યું જ હતું કે એકદમ થી ધડામ દઈને એક તપેલી ઉડતી આવી મારા પગ પાસે. પહેલા તો હું ડરી ગયો અને મારા પગ ઊંચા કરી લીધા. પછી મેં એ તપેલી હાથમાં લઈને આજુ બાજુ નજર કરી તો અમારા ઘરની બિલકુલ સામેવાળા યશોદાબેન હાથમાં વેલણ લઈને ઉભા હતા અને થોડીજ વારમાં આજુબાજુ વાળી બધીજ બહેનો ની નજર મારા પર પડી અને હું કોઈ પ્રતિક્રિયા કરું એના પહેલાંજ બધી બેહનો જાણે મેં કોઈ અપરાધ કર્યો હોય તેમ મારી પર પ્રશ્નોના વાર ચાલુ કર્યા.

‘શું થયું મહેશભાઈ? શું થયું યશોદાબેન?’

‘આ તપેલી કોની છે?’

‘મહેશભાઈ તમે આ તપેલી લઈને ક્યા જાઓ છો?’

‘યશોદાબેન આ વેલણ હાથમાં કેમ પકડ્યું છે?’

‘કોઈ ઘુસી આવ્યું છે તમારા ઘર માં?’

હું તો બસ કંઇજ સમજ્યા વગર એક હાથમાં તપેલી અને બીજા હાથમાં પેપર લઈને ઉભો જ હતો. અમારી સ્વર્ગ જેવી સોસાયટીમાં મારા ઘર ની બિલકુલ સામે યશોદાબેન નું ઘર. ઘરમાં આધેડવય ના યશોદાબેન એમના પતિ અને એમના સાસુબા આટલા જ જણ. એમનો બીજો પરિવાર અને છોકરાઓ બધા ફોરેનમાં સેટલ થઇ ગયા હતા. યશોદાબેન ના સાસુબા આટલી મોટી ઉંમરે પણ ઘર નું બધું કામ કરી જાણતા પણ યશોદાબેન ને એમના સાસુબાનું કરેલું કામ ગમતું નહિ. પણ ગઈકાલે બન્યું એવું કે સાંજે જમવામાં મોડું થઇ ગયું અને બીજું કામ પણ બાકી હતું એટલે યશોદાબેને કમને વાસણ ઘસવા એમના સાસુબા ને બેસાડી દીધાં. સાસુબાને તો બસ કામ જ જોઈએ. હજુ તો યશોદાબેન ઘરનું બીજું કામ પતાવે એના પેહલા તો બધા વાસણો ઘસી ને રસોડામાં ગોઠવી ને બહાર હોલમાં આવી સાસુબા ટીવી સામે બેસી ગયા. યશોદાબેન રસોડામાં જઈને સાસુબા નું કામ જોઇને પોતાની જાત સાથે જ કંઇક બોલ્યા.‘આ ડોશી ક્યારેય નહિ સુધરે કેટલી વાર કહ્યું છે કે બધા વાસણ એકદમ સુકાઈ જાય પછીજ આ ઘોડા પર ગોઠવવાના. આ ભીને ભીના વાસણ ગોઠવી નાખ્યા..!’

બહાર ટીવી પર પોતાની મનપસંદ સીરીયલ ચાલુ થઇ ગઈ હોવાથી યશોદાબેન થોડું મો બગાડીને પણ બધું ચલાવી લીધું ને બહાર આવી ગયા. ટીવી સીરીયલમાં ચાલતી ધમાચકડી માં બંને સાસુ વહુ મશગુલ થઇ ગઈ અને આખા દિવસ નો થાક, ગુસ્સો બધું પળવારમાં ગાયબ થઇ ગયુ. આ જોતા લાગે કે આપણી સમાજમાં આ સીરીયલો એ ગણી સાસુ વહુઓ ને તલવારો ખેચતા બચાવી લીધી છે અને એકબીજા ની સહેલીઓ બનવામાં પણ બહુ મોટી ભૂમિકા ભજવી છે..!

‘અરે, ના ના કોઈ નથી ઘુસી ગયું અમારા ઘર માં. આતો બસ, કાલે બાએ ભીના વાસણો ગોઠવી નાખ્યા હતા ને એટલે આ બંને તપેલીઓ એકબીજામાં ચોટી ગઈ છે. અને એ ખોલવા જતાં જરા છટકી ને એ ત્યાં જતી રહી.’

યશોદાબેન એ પેલા પ્રશ્નોના વાર સામે જાણે મારું રક્ષણ કર્યું હોય તેમ પોતાનું મૌન તોડ્યું.મેં જયારે મારા હાથમાં રહેલી એ તપેલી પર નજર કરી ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો એક નહિ પણ બબ્બે તપેલીઓ એક સાથે ચોટેલી હતી. મેં એ તપેલીઓ યશોદાબેન ને પરત કરી. યશોદાબેન ત્યાં બહાર જ એ તપેલીઓ ને છુટ્ટી પાડવા બેસી ગયા. પહેલા તો કોઈ કંઇ ના બોલ્યું પણ જેવી બીજી વખત છટકી ને એ તપેલીઓ ઉછળીને શેરીમાં ગોળ ગોળ ફરવા લાગી ત્યારે જાણે બધાને કંઇક અલૌકિક મળ્યું હોય તેમ કુદી પડ્યા રણમેદાન માં..! અને ચાલુ થઇ ‘તપેલી ની યાત્રા’..!

સૌથી પહેલા યશોદાબેનની એકદમ અડી ને રહેતા જીવીબેન જે પોતાનું આંગણું સાફ કરવાનું છોડીને એ તપેલી તરાપ મારીને લઇ આવ્યા અને પોતાના ભીના હાથેજ એ તપેલીઓ ને છૂટી પાડવા લાગ્યા. આંગણું (પાણી થી) ધોઈ રહ્યા હતા એટલે હાથ ભીના હતા તેથી તપેલી વારંવાર લપસી જતી હતી. એટલે એમણે તપેલી ને પોતાના બંને પગ વચ્ચે ભરાવીને પહેલા પોતાના બંને હાથ સાડીના પલ્લું થી કોરા કર્યા અને ફરી થી હોઠ બીડીને એ તપેલીઓ ને નોખી કરવા લાગ્યા. જોર બહુજ કર્યું પણ કંઇજ વળ્યું નહિ અને એકદમથી જોર કરવાના કારણે ક્યાંક થી કોઈ અજુગતો અવાજ આવ્યો અને પછી જીવીબેને શરમાઈને એ તપેલી બાજુમાં ઉભેલા એમના પતિદેવ ને આપી દીધી. જીવીબેનના પતિ જે નાહવા જતા જતા બનિયાન અને લુંગી પહેરીને બહાર આવ્યા હતા એમને આ બધું શું ચાલે છે એ ખબર નહોતી પણ જેવી આ તપેલી હાથમાં આવી કે ખ્યાલ આવી ગયો કે આ બધા જે ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવા આવ્યા છે એ ગોલ્ડ મેડલ આ જ છે, અને એમને પણ પોતના હાથની આંગળીઓ બંને તપેલીઓ ની ધાર વચ્ચે ઘુસાડીને ખુબ જોર લગાવ્યું. પણ કંઇ ના થયું. ઊલટાની એમની લુંગી ઢીલી થઇ ગઈ અને લુંગી ઉતરી જવા ના ડર થી એમના હાથ માંથી એ તપેલી છૂટી ગઈ અને ફરતી ફરતી સામે ઉભેલા રમીલાબેન પાસે ગઈ. રમીલાબેન તો હરખ ઘેલા થઇ ગયા. જાણે કોઈ નવા સવા ક્રિકેટરને રણજી માંથી ડાયરેક્ટ ઇન્ટરનેસનલ ટીમમાં રમવા મળી જાય અને કેવો હરખાઈ જાય એમ હરખાયા. તપેલીઓ પકડીને સૌથી પહેલા તો એમને આજુબાજુ જોયું તો શેરીમાં લગભગ બધા બહાર આવીને આ ‘તપેલી ખોલો’ ગેમ માં સામેલ થઇ ગયા હતા. યશોદાબેન, એમને અડીને જીવીબેન અને લુંગી-બનિયાનધારી એમના પતિદેવ, ચંપાબેન અને એમની નવી નવેલી વહુ, હું પોતે (મહેશભાઈ), અમારી બાજુવાળા મોટા દાંતવાળા કોકીલાબેન (કોકીલાબેન ના આગળના બે દાંત મોટા હોવા થી બહાર દેખાતા), રમીલાબેન પોતે અને વેકેશનની મોજ માણતા છોકરાઓ. હવે, જાણે આ તપેલીઓ ને છૂટી પાડવી એ બધાને માટે કોઈ ગોલ્ડ મેડલ જીતવા બરાબર હતું. અને તપેલી કદાચ રમીલાબેનના હાથમાં પડી પડી વિચારી રહી હતી કે જાણે પોતે કયા જન્મમાં એવું પુણ્ય નું કામ કર્યું હશે કે આજે એને અમારી આ સ્વર્ગરૂપી સોસાયટીમાં વગર ઈચ્છાએ યાત્રા કરવા મળવાની હતી! પણ, એ તપેલીને ક્યાં ખબર હતી કે આ યાત્રા કેટલી કષ્ટદાયક નીવડશે!

રમીલાબેન તપેલી લઈને આ બધા તરફ એકવાર નજર નાખી. અને કંઇક લેવા પોતાના ઘરમાં ઘુસ્યા અને તરત બહાર આવી ગયા. એક હાથમાં તપેલી અને બીજા હાથમાં સાણસી લઈને આવ્યા. તપેલી મનમાં તો મુંજાતી હતી પણ એ શું બોલવાની. ખેર, એ તપેલીઓની મનોસ્થિતિ હું બરાબર સમજી શકતો હતો. રમીલાબેને શેરીમાં રમતા એક છોકરાને બોલાવ્યો અને એ તપેલી બરાબર પકડવા કહ્યું.

‘જો લાલુ તું આ તપેલીને ખાલી આ બાજુ થી પકડ હું એને અહિયાં કાંઠે થી હમણાજ આ સાણસી ઘુસાડીને ખોલી નાખું.’ બે તપેલી ના કાંઠા વચ્ચે થોડી જગ્યા હતી એમાં સાણસી નું મો બંધ રાખી ને જ ઘુસાડ્યું અને ધીરેધીરે રમીલાબેન એ સાણસીનું મો ખોલવા લાગ્યા જેમજેમ સાણસીનું મો ખુલે તેમ તેમ પોતાનું મો પણ ખુલતું જાય. છેવટે તપેલી ખુલ્લી તો નહિ જ પણ બિચારી તપેલીના કાંઠા એટલા ભાગ થી વળી ગયા અને જાણે કોઈએ તપેલી ના કાન જોર થી ખેચ્યા હોય તેમ એકબાજુ થી એ તપેલીઓ વળી ગઈ. આ જોઇને રમીલાબેન થોડા મુંજાયા અને બીજી બાજુ એ સાણસી ઘુસાડવા કોશિશ કરી, પણ એના પહેલાજ યશોદાબેન થી બુમ પડી ગઈ ‘નહિ રમીલા તું રેહવા દે મારી તપેલી ફાટી જશે.’ અને ગભરાઈને રમીલાબેન ના હાથમાંથી સાણસી અને તપેલી બંને છૂટી ગયા અને હવે તપેલીની યાત્રા શરુ થઇ ચંપાબેન તરફ. પગથીયા માંથી રડતી રડતી તપેલી પોતાને હવે એ ચંપાબેન અને એની નવી નવેલી વહુ તરફ જતા જોઈ રહી એક બાજુ પડી ગયેલા ગોબાએ એ એની દિશા થોડી ફેરવી પણ તોય એ તપેલી પોતાને ચંપાબેન ના હાથમાં આવતા રોકી શકવાની ન હતી. વિવશ તપેલીઓને એ ચંપાબેન અને એની વહુ જાણે કોઈ યમદુતો તીક્ષ્ણ હથીયારો લઈને કોઈનું વધ કરવા તત્પર હોય એવા લાગ્યા..!

તપેલીને પગથીયા પર થી આવતા જોઈ ચંપાબેન સજાગ થઇ ગયા કે હવે એમનો વારો આવવાનો જ છે, અને આ તપેલીઓ ને છૂટી પાડવાનું યસ તો એમના નામે જ લખાસે એવો ભરોષો બેઠો. એટલે જાણે સાસરે વળાવેલી દીકરી પહેલીવાર ઘરે આવતી હોય અને કેવી હરખ અને ઉમળકો હોય એવા ઉમળકાભેર તપેલી ને વધાવવા તૈયાર થયા. એની નવી નવેલી વહુ જે પલ્લું પકડીને ઉભી હતી એ ઝટ દોડીને પોતાની સાસુના પગ પાસે આવેલી એ તપેલી તરત ઉપાડી લીધી, પણ જેવી એના સાસુ ની નજર પડી કે નવી વહુએ એ તપેલી ઢીલા મોંએ સાસુ ચંપાને આપીં દીધી. તપેલી મનોમન આ યાત્રા હવે ક્યારે પૂરી થશે એની રાહ જોઈ રહી હતી અને એની બીજી બહેનપણી જે પોતાની સાથે ચોટેલી હતી એને સમજાવતી હતી કે ‘અલી એ નાનકી તું જલ્દી થી છૂટી પડી જા નહીતર આપણી આ યાત્રા ઘરે ઘરે અને આખી સોસાયટી અને પછી કદાચ આખા ગામ માં જઈને પૂરી થશે. અને એમાય વળી ઘરે આવીને પોતાની જાત ને અરીશામાં જોઈશું તો આપણે પોતાની જાતને પણ નહિ ઓળખી શકીએ એવા ઘાટ ઘડાઈ જશે..!’

આ બંને તપેલીઓ પોતાની સાથે આ વાતો કરતી હોય એ બીજા ને ક્યા ખબર પડવાની અને એમના દુખ કે તકલીફો પેલા ચંપાબેન ને થોડી ખબર પડવાના હતા! એ તો હવે પોતાનો વારો પૂરો કરીને જ ઝંપવાના હતા.

‘વહુબેટા અરે, ઓ વહુ બેટા, જરા રસોડા માંથી પેલો ખાંડણી નો દસ્તો લઇ આવો તો’ ચંપાબેને જોર થી બધાને સંભળાય તેમ જરા નેણાં ઊંચા કરીને પોતાની નવી વહુ ને આદેશ આપ્યો.

ખાંડણી-દસ્તો સાંભળીને તપેલીઓ ગભરાઈ અને યશોદાબેન પણ ગભરાયા..!

‘કેમ દસ્તો શું કરશે...? એનાથી તો મારી તપેલીઓ ગોબાઈ જશે..!’ યશોદાબેન ગભરાઈને બોલ્યા.

પણ હવે યાત્રા પર નીકળેલી આ તપેલીઓ એમની રહી નથી. અને ચોટી ગયેલી આ તપેલીઓને છૂટી પાડવા નો હક જાણે હવે જેમની પાસે એ તપેલીઓ જાય એમનો છે એવી રીતે ચંપાબેન સામે થયા.‘કેમ યશોદાબેન બધાનો વારો પતી ગયો એટલે..!? મને વારો પૂરો કરવા નહિ આપવાનો? શું મારા થી આ તપેલીઓ છૂટી નહિ પડે..? અરે, આવી તો કેટલીએ શીધી કરી નાખી જુવો તમ તમારે મારી કમાલ.!’‘અરે વહુ દસ્તો મળ્યો કે નહિ? પેલો અલ્યુમિનીયમ નો લાંબા હાથાવાળો લાવજે.’ વળી પાછા ચંપાબેન જોશ માં આવ્યા.

નવીનવેલી વહુ બિચારી ફટાફટ સાસુની વાત માનીને બધું લઇ આવી. નાના મોટા બધા દસ્તા અને કહ્યા વગર કપડા ધોવાનું ધોકેણું પણ લઇ આવી અને પોતાની હોશિયારી નોધાવી. આ જોઇને બિચારી તપેલીઓ તો અંદરો અંદર ગભરાઈ અને બહાર સાઈડવાળી તપેલી બિચારી રોવા લાગી કે જીંદગીમાં પેહલીવાર મારી ધુલાઇ આ કપડા ધોવાના ધોકેણા થી થવાની છે. અને બિચારી અંદરની સાઈડ રહેલી તપેલી તો મુક બન્નીને પેલા એલ્યુમીનીયમ ના લાંબા હાથવાળા દસ્તા ને જોઈ રહી અને વિચારવા લાગી કે કયા પાપ ની સજા આજે મળી રહી છે..!?

ચંપાબેન પોતાના હથિયાર લઈને બેસી ગયા પોતાના આંગણામાં. એમની મદદ માટે એની નવીનવેલી વહુ પણ ત્યાં હાજર ઉભી રહી. તપેલીને પગના અંગુઠા સાથે ફસાવીને એક હાથ માં દસ્તો અને એક હાથમાં તપેલીની ધાર પકડીને ચંપાબેને તો ચાલું કર્યો મેથીપાક દે ધબાધબ..! ક્યારેક જીણો તો ક્યારેક જાડો અવાજ આવતો પણ કોઈને તપેલી ની ચીસ ક્યાં સંભળાતી હતી. એમાય વળી આજુબાજુ વાળા બધા જેવો ઘા પડે કે એની સાથે રીધમ મિલાવવા હમમમ...હમમમ...નો અવાજ કરતા. તપેલીઓ અંદરો અંદર બિચારા યશોદાબેનના સાસુની ભૂલના લીધે આજે આ પીડાઓ ની યાત્રા કરતી હતી એની વાતો કરવા લાગી.‘અલી, એ મોટકી મેં તને કહ્યું હતું કે થોડીવાર રહી જા મને સુકાઈ જવા દે પણ તું માની નહિ ને આવી બેઠી મારા ઉપર જો હવે હું ફસાઈ ગઈ તારામાં અને તું ફસાઈ ગઈ આ ચંપાબેન ના ચંગુલમાં લે ખા માર હવે..!’‘અરે, નાનકી વાત તો તારી સાચી પણ આ ડોશીએ એની સીરીયલ ના ચક્કરમાં આપણને ફસાવી નાખ્યા. આ યશોદાબેન પણ આવ્યા’તા તો ખરા રસોડામાં પણ બધું બરાબર ચેક ના કર્યુંને એટલે આ બધું સહન કરવાનું થયું! બરી એ ડોશી હવે કેવી પેલા ખાટલે બેઠી બેઠી બધું જોઈ રહી છે મને તો થાય છે કે એની બત્રીશી ભાંગી નાખું.’

‘ઓ...માડી. મોટકી...’

‘ઓ રે...!! ઓ બાપ રે...નાનકી આ ચંપાબેનને કે હવે રેહવા દે..!! એને સમજાવ કે આ પાણી સુકાઈ જશે

એટલે આપણે આપો આપ છૂટી પડી જઈશું...!!’

‘ઓ માડી...ઓ માં...મોટી મારું તો કોઈ સાંભળતું જ નથી. લાગે છે હવે તો આ નગર યાત્રા પૂરી થશે પછીજ છુટકારો થશે..!!’

બિચારી બંને તપેલીઓ ચંપાબેન ના હાથે માર ખાતી જાય અને પોતાના રોદડા રોતી જાય.મને થોડીવાર માટે તો થયું કે હમણાજ આ ચંપાબેન ના હાથમાંથી આ દસ્તો ને ધોકેણું લઇ લઉં અને આ તપેલીઓ ને મોક્ષ આપવું પણ વળી થયું કે આ તો સ્ત્રી સ્વભાવ એમનો ઈગો હર્ટ થઇ જાય ને નહિ નહિ ને વાત ફરીને મારા પર આવી જાય અને મારો આ રાજા નો દિવસ બગડે એટલે મેં બધું ભગવાન ભરોસે છોડી દીધું અને હું પણ પેલી તપેલીઓની જેમ વેદના ને દબાવી ને હવે શું થશે એની રાહ જોવા લાગ્યો. ‘અરે, ઓ યશોદાબેન કાલે શેના થી ધોઈ’તી આ તપેલીઓ ફેવિકોલ થી કે શું..?’ હાંફતા હાંફતા ચંપાબેન બોલ્યા.

‘અરે, આ અમારા બા. ના કહું તોય બધું કામ કરવા તલપાપડ થાય. જો હવે એ બેઠા બત્રીસી લઈને ખાટલે છે એમને કોઈ પીડા છે? આ તો હું ચા બનાવા ગઈ ત્યારે ખબર પડી આ તપેલીઓ કાલે ભીને ભીની ભેગી કરીને ઘોઠવી નાખી’તી..!!’

બધાને ખુલાસો આપતા હોય તેમ યશોદાબેન જોર થી બોલ્યા.

ચંપાબેનની નવી નવેલી વહુ પોતાના કોમળ હાથે તપેલીને પકડી ને થાકી ગઈ’તી એટલે થોડીવાર થાક ખાવા તપેલી છોડીને બંને હાથ ની ચંપી કરવા લાગી. જેવી એ વહુ થોડી દુર થઇ કે બધા ને એ તપેલીઓ પર થયેલા ઝુલ્મોનો અહેસાસ થયો બિચારી જે તપેલી ઉપરની સાઈડ હતી એના પર ગણા નાના મોટા ગોબા પડી ગયા હતા અને અંદર વાળી તપેલી નો કાંઠો લગભગ બધી બાજુ થી વળી ગયો હતો. જાણે કોઈ જુવાન છોકરીના દાંત બધા પડી જાય ને મોઢું કેવું બોખું થઇ જાય તેવું મો બની ગયું હતું. આ જોઇને યશોદાબેન તો ઠીક પણ બાજુમાં ઉભેલા કોકીલાબેન પણ ઉકળી ઉઠયા.

‘ઓ, ચંપાબેન. તમે રહેવા દો હવે. આ તપેલીઓ સાજી રાખવાની છે..! એવી રીતે કોઈ વસ્તુ છૂટી ના પડે’‘લો, બળ્યું ત્યારે મારે શું? લો આ પડી. તમે રાજી બસ. બાકી થોડીવાર માં તો એ ખુલી ગઈ હોત.!’ચંપાબેન પણ જાણે પોતે થાક્યા હતા અને કોઈ એમની પાસે થી આ તપેલીઓ લઇ લે એવું ઇચ્છતા હતા. એટલે તરત વળતો જવાબ આપતા તપેલીઓ કોકીલાબેન તરફ મોકલવા વહુ ને ઈસારો કર્યો.બંને તપેલીઓ દસ્તા અને ધોકેણાના માર ખાધા પછી નવીનવેલી વહુ ના કોમળ હાથોમાં આવી ત્યારે લાગ્યું જાણે રણમાં કોઈ તરસ્યાને પાણી મળ્યું હોય. પણ આ કોમલ હાથો ની ઠંડક વધુ સમય રહી નહિ અને ફરી પાછી બંને તપેલીઓ ફરતી ફરતી કસાયેલા હાથોમાં આવી એવું લાગ્યું અને નજર ઉપર કરીને જોયું તો આગળના બે દાંત બહાર નીકળેલા અને હમણાજ કંઇક ખાધેલું હોઠ ના બંને છેડે થી બહાર નીકળવા કોશિશ કરતુ હોય એવા ખૂણેથી જરા ભરાયેલા હોઠ સાફ કરતા કરતા કોકિલાબેન નજરે પડ્યા. તપેલીઓ ને એ ચેહરો બહુ અજાણ્યો ન લાગ્યો કેમ કે આંતરે દિવસે આ બંને તપેલીઓ ને એમના ઘરે ક્યારેક દૂધ તો ક્યારેક છાસ લઈને ફરવા જવાનું થતું. આમ આ ચહેરો ભલે ડરામણો હતો પણ એ હાથોની ઓળખાણ આ બંને તપેલીઓ ને થઇ ગઈ અને હવે બહુ દુખ નહિ પડવા દે આ અનુભવી હાથ એવો અહેસાસ થયો.

‘કોકીલાબેન, એક રૂમાલ કે દોરી ફસાવી ને ખેંચો એ તપેલીઓને એટલે ખુલી જશે..!’

‘ના..ના.. કોકીલાબેન થોડું પાણી રેડો એટલે ઢીલી પડી જશે..!’

‘પાણી નહિ પાણી નહિ, પણ ડીસમીસ ભરાવો. ડીસમીસ..!’

આવા તો કેટ કેટલાય સુજાવો હજુ કોકિલાબેન આ તપેલીઓને ગોળ ફેરવીને જુવે એ પેહલા આવી ગયા. પણ કોકીલાબેન અનુભવી અને હોશિયાર પણ ખરા એટલે કંઇજ બોલ્યા વગર તપેલીઓ લઈને રસોડામાં ગયા. થોડીવારમાં બંને તપેલીઓ ને છૂટી પાડી ને પોતાના બંને હાથ ઊંચા કરતા કરતા આવ્યા. કોકિલાબેન ના બંને હાથ હવામાં અને બંને હાથમાં એક એક તપેલીઓ હતી. બિચારી મોટી તપેલી બહાર થી ગણી બધી જગ્યાએ થી ગોબાઈ ગઈ હતી અને નાની તપેલી ના જાણે હોઠ આડા અવળા થઇ ગયા હતા એનો ચહેરો કોઈ ઊંટ ના ખુલેલા મોં જેવો લાગતો હતો. બંને તપેલીઓ ને છૂટી પાડીને જાણે બહાદુરી નું કામ કર્યું હોય તેમ કોઈ વિજેતાની જેમ કોકીલાબેન રસોડા માંથી બહાર આવી રહ્યા હતા અને બેકગ્રાઉન્ડમાં જાણે પેલું બાહુબલી વાળું મ્યુસિક વાગતું હોય તેવું લાગી રહ્યું હતું. શેરીમાં જેવા આવ્યા કે છોકરાઓ અને અમે બધા ઉભા થઈને એમનું અભિવાદન કરવા લાગ્યા. છોકરાઓ તો રીતસર ની ચીસો પાડવા લાગ્યા. યશોદાબેન ની આંખોમાં હર્ષના આંશુ આવી ગયા. આ બધા થી બેખબર દુર ખાટલામાં બેઠેલા એમના સાસુબા છીકણીની ડબ્બી સાથે પોતાની જાતમાં મશગુલ હતા.

પેલા જીવીબેન ના લુંગીધારી પતિદેવ પોતાની ખુલી ગયેલી લુંગીને છોડી ને તાલિયો પાડવા જતા લુંગી જરા નીચે સરકી ગઈ એ તો બાજુમાં ઉભેલા જીવીબેને સંભાળી લીધું..!

‘અરે, શું તમે હજુ અહિયાં ઉભા છો લો પકડો આ તમારી લુંગી સરખી કરો અને જાઓ નાહવા’

કોકીલાબેન ના હાથમાંથી બંને તપેલીઓને લઈને યશોદાબેને પહેલા તો પોતાનો હાથ ફેરવ્યો બંને તપેલીઓ પર અને પછી બંને ને ચૂમી લીધી.

‘હાશ.. મારી તપેલીઓ છૂટી પડી ગઈ..!’

અને તપેલીઓ ને પણ લાગ્યું કે જાણે કોઈ મહાન યુદ્ધ જીતીને એ પાછી પોતાના ઘરે હેમખેમ આવી હોય!આ બધું એક પળમાં થઈ ગયું હતું અને મને આ બધા માં બીજા કોઈની વાતો નો કે હરકતો નો અહેસાસ ના થયો પણ મને તો બસ યાદ રહી ગઈ આ બંન્ને તપેલીઓ ની આ સોસાયટીના એક ઘર થી બીજા ઘર માં થતી યાત્રા. ધીરે ધીરે પેલું બેકગ્રાઉન્ડ વાળું મ્યુસિક પણ બંધ થઇ ગયું અને બધા પોત પોતાના કામ માં પરોવાઈ ગયા. યશોદાબેન પેલી બંને તપેલીઓ ને લઈને જઈ રહ્યા હતા ત્યારે મેં એ તપેલીઓ તરફ નજર નાખી તો જાણે એ બંને તપેલીઓ ખુબ ખુશ હોય તેમ એકબીજા સામે જોઇને પોતાની પીડાઓને અવગણીને હસી રહી હતી અને હું પણ એ બંને ને છૂટી પડેલી જોઈ ખુશ થયો. તપેલીઓની એ સુખમય યાત્રા પૂર્ણ થઇ એનો આનંદ થયો. પણ હજુ પેલા ખાટલે બેઠેલા યશોદાબેન ના સાસુબા ને જોઇને મારું મન પેલી તપેલીઓ ઉપરાંત બીજા એક સરખાં વાસણો માટે હવે ભવિષ્યમાં શું થશે એની ચિંતા માં પડી ગયું. એમને દુર થી જ હાથ જોડી ‘જય શ્રી કૃષ્ણ’ કરીને હું ઉભો થઇ ફટાફટ ઘરમાં ઘુસી ગયો..!!

(હવે ઉનાળો છે તો ઉકળાટ તો રહેવાનો જ)

- સુરેશ પટેલ (S.Kumar)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED