નો રીટર્ન-૨ ભાગ-૧૧ Praveen Pithadiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

નો રીટર્ન-૨ ભાગ-૧૧

નો-રીટર્ન-૨

ભાગ-૧૧

( આગળનાં પ્રકરણમાં આપણે વાંચ્યુઃ - પવન જોગી અનેરીની પાછળ- પાછળ હોટલ “ ગેલેક્ષી ” સુધી આવે છે અને ગેલેક્ષીમાં જ રૂમ રાખી ઉતરે છે. સદ્દભાગ્યે તેને અનેરીનાં કમરાની બરાબર સામેની જ રૂમ મળે છે. અનેરીને કેવી રીતે મળવું અને તેની સાથે શું વાત કરવી એવા પ્લાન બનાવતો તે પોતાનાં કમરામાં પ્રવેશે છે. હવે આગળ વાંચો...)

અનેરી પાલીવાલ રાજસ્થાની યુવતી હતી. કમસેકમ તેની સરનેમ ઉપરથી એટલું અનુમાન તો થઇ શકતું હતું. અમારું રજવાડું ઇન્દ્રગઢ, ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર વસેલું છે. જો તે ઇન્દ્રગઢથી અહી આવી હોય તો ઇન્દ્રગઢ સાથે જરૂર તેનું કોઇ કનેકશન હોવાનું. જે રીતનું તેનું વર્તન હતું એ ઉપરથી એક વિચાર મારાં જહેનમાં ઉભરતો હતો કે કદાચ પેલો કેમેરા રોલ પણ તે ત્યાંથી જ લઇ આવી હોવી જોઇએ. એ શક્યતાને હું નકારી નહોતો શકતો. ખરેખર જો એવું હોય તો એનાં ઘણાં બધાં સૂચીતાર્થો નિકળતા હતાં. આખરે કોણ છે આ માયાવી યુવતી...? અને તેનો મારા રાજ્ય ઇન્દ્રગઢ સાથે શું સંબંધ છે...? એ જાણવાની મારી ઇંતેજારી ઉત્સૂકતાની હદ સુધી વધી ગઇ હતી. પાછલા થોડા કલાકોમાં જે ઘટનાઓ બની હતી તેનાં સંદર્ભમાં મને ખુદને મારું રાજ્ય “ ઇન્દ્રગઢ ” હવે રહસ્યમય લાગવા માંડયું હતું. ગઇરાત્રે આવેલા સપનાની યથાર્તતા આપોઆપ હવે સમજમાં આવતી હતી. મારા દાદાએ મને કહયું હતું કે મારી જરૂર અત્યારે ઇન્દ્રગઢને વધુ છે, એ હવે ફક્ત એક વાક્ય કે એક સામાન્ય સ્વપ્ન કે મારા મનનો કોઇ વહેમ નહોતો. જરૂર એવું કંઇક ઇન્દ્રગઢમાં હશે જે મને તેની તરફ ખેંચી રહયું હતું.

હોટલનાં સુંવાળા ગાદલા ઉપર પડયો- પડયો હું ઘણું બધું વિચારી રહયો હતો. બરાબર એ જ સમયે સામેનાં કમરાનો બેલ વાગ્યો હોય એવું મારા કાને સંભળાયું. ૨૦૧ નંબરનાં દરવાજે કોઇક આવ્યું હતું જેણે બેલ વગાડયો હતો. હું મારા કમરાનો દરવાજો અધૂડો ખૂલ્લો રાખીને જ સૂતો હતો એટલે એ બેલનો અવાજ સ્પષ્ટ રીતે મારા કાને અથડાયો. હું બેડ પરથી સફાળો ઉભો થઇ ગયો અને સાવધાનીથી મારા કમરાનાં દરવાજાની આડાશે ઉભા રહીને બહાર નજર કરી. તે વિનીત હતો... તેણે પહેરેલા મરુન રંગનાં શર્ટનાં લીધે સેકન્ડોમાં હું તેને ઓળખી ગયો. અનેરીનાં રૂમનો દરવાજો ખુલવાની રાહે લોબીમાં આમ- તેમ નજર ઘૂમાવતો તે ઉભો હતો. તેને અહીં આવેલો જોઇને મને આશ્વર્ય ઉદ્દભવ્યું હતું કારણ કે રેલ્વે પ્લેટફોર્મ ઉપર તેની અને અનેરી વચ્ચે થયેલી વાતચીત મેં સ્પષ્ટ સાંભળી હતી. અનેરીએ ચોખ્ખા શબ્દોમાં વિનીતને જણાવ્યું હતું કે જ્યાં સુધી રોલ ડેવલપ થઇને તેનાં હાથમાં ન આવે ત્યાં સુધી તેણે તેનો સંપર્ક કરવો નહીં. અને મને ખબર હતી કે રોલ ડેવલપ થવામાં હજુ બે દિવસ લાગવાનાં હતાં, તો પછી તે અત્યારે અહીં શું- કામ આવ્યો હશે...?

“ વિનીત...! ઓહ ગોડ, તું.....! અત્યારે, અહિં...? તને મેં નાં કહી હતીને મળવાની..? શું પેલા ફોટોગ્રાફ્સ્ આવી ગયા...? ” અનેરીએ જ દરવાજો ખોલ્યો હતો અને વિનીતને બારણે ઉભેલો જોતા તેણે પ્રશ્નોનો મારો ચલાવ્યો. તેને કદાચ આશ્વર્ય ઉદ્દભવ્યું હતું. હું ઝડપથી મારા દરવાજા પાછળ ભરાયો કારણકે અનેરીનો ચહેરો આ તરફ જ હતો. જો તે મને જોઇ જાય તો ઉપાધી થયા વગર ન રહે. હું સાવધાની વર્તતો તેમની વચ્ચે થતી વાતચીત સાંભળવા લાગ્યો.

“ અનું....! મને તારી સખત ચિંતા થતી હતી એટલે તે નાં પાડી છતાં મારાથી રહેવાયુ નહી....” વિનીત બોલ્યો.

“ ઓહ ગોડ વિનીત...! તું સમજતો કેમ નથી....! તું જા અત્યારે અહીથી. જો કોઇ તને મારી સાથે જોઇ જશે તો નાહકની ઉપાદી સર્જાશે...?” અનેરીનાં અવાજમાં થડકારો સ્પષ્ટ વર્તાતો હતો.

“ તો તું મને ખુલાસાથી કહેતી કેમ નથી કે આખરે તું કઇ ફિરાકમાં છે...! બની શકે કે હું કોઇ મદદ કરી શકું.”

“ બધું જ કહીશ....! પણ પહેલાં તું અહીંથી જા. અને જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી તું મને મળવા આવવાની ભૂલ કયારેય ન કરતો. હાં...પેલા ફોટોગ્રાફ્સ્ આવી જાય તો મારા મોબાઇલ નંબર ઉપર મારો કોન્ટેક કરજે. પછી હું જ્યાં કહું ત્યાં તું એ ફોટોગ્રાફ્સ્ લઇ આવજે...” અનેરીએ વિનીતને અહીથી લગભગ ટાળવાનાં ઇરાદાથી કહ્યું.

“ તું મને અંદર આવવાનું પણ નહીં કહે...? તને ખબર છે કે અમદાવાદમાં હું પણ તારી જેમ અજાણ્યો જ છું. તું આ હોટલમાં રોકાઇ છો, મારે હજું એ સગવડતા કરવાની પણ બાકી છે. ”

“ હે ભગવાન...! તું સાચ્ચે જ પાગલ વ્યક્તિ છો. ” અનેરી બોલી. તેઓ હજુ ત્યાં જ ઉભા રહીને વાતો કરતાં હતાં. અનેરીનાં અવાજ ઉપરથી સ્પષ્ટ વર્તાતું હતું કે તે વિનીતને કોઇપણ સંજોગોમાં અંદર આવવા દેવા માંગતી ન હતી. “ તું એક કામ કર, આ જ હોટલમાં કોઇ કમરો બુક કરાવી લે. જો કે મને એ બિલકુલ યોગ્ય લાગતું નથી છતાં તું આટલી જીદ કરે છે તો હું તને સાંજે મળવા આવીશ. પણ ભાઇસાબ, પ્લીઝ અત્યારે તું અહીંથી જા...! ”

“ ઓ.કે...! પણ સાંજે તારે મને મળવું પડશે. અને આ શું ઝમેલો તે ઉભો કર્યો છે એ સ્પષ્ટ શબ્દોમાં જણાવવું પડશે તો જ હું અહીંથી જઇશ, બોલ મંજૂર છે...? ” વિનીત લગભગ હઠે ભરાયો હતો.

“ હાં બાબા...! જણાવીશ બસ...! પણ કોઇ તને મારી સાથે અહી ઉભેલો જોઇ જાય એ પહેલાં તું અહીંથી જા...” અનેરીનાં અવાજમાં હવે ખરેખર ગભરાહટ વર્તાતો હતી. અને પછી દરવાજો બંધ થવાનો અવાજ આવ્યો. વિનીત ત્યાંથી હટયો કે નહી એની પરવા કર્યા વગર તેણે દરવાજો બંધ કરી દીધો હોય એવું મને લાગ્યું. મારા અધખુલ્લા બારણામાંથી મેં બહાર ડોકું કાઢયું. મારું અનુમાન સાચું નીકળ્યું. વિનીત હજું ત્યાં જ ઉભો હતો. તેની પીઠ મારી તરફ હતી એટલે તેનાં ચહેરાનાં ભાવો તો હું જોઇ શકતો નહોતો પરંતુ એક વાત સમજાતી હતી કે ચોક્કસ તે આશ્વર્ય અનુભવી રહયો હશે. ઘડીક તે એમ જ ત્યાં ઉભો રહયો અને પછી શિથીલ પગલે કોઇ હારેલા યોધ્ધાની જેમ ત્યાંથી લીફ્ટ તરફ ચાલ્યો ગયો. મને તેની બોડી લેંગ્વેજ ઉપરથી ખ્યાલ આવતો હતો કે તે ચોક્કસ અનેરીનાં પ્રેમમાં ગળાડૂબ છે, અને અનેરી અત્યારે જે રીતે તેને ઇગ્નોર કરી રહી છે એનો સખત આઘાત એ છોકરાનાં દિલ ઉપર લાગ્યો છે. મને તેની હાલત સમજાતી હતી. અનેરીને એક જ વખત જોઇને હું તેની પાછળ રીતસરનો ઘેલો થઇ અમદાવાદની આ હોટલમાં કોઇ જ દેખીતા મકસદ વગર રોકાઇ શકતો હોઉં તો વિનીત તો એનો જૂનો મિત્ર હતો. એક મિત્ર હોવાનાં નાતે અનેરીનાં સહવાસમાં રહયાં બાદ જો તે એના પ્રેમમાં ન પડે તો જ નવાઇની વાત કહેવાય.

મને તો વિનીત અત્યારે મારો પ્રતિસ્પર્ધી જણાઇ રહયો હતો. અનેરીનાં કારણે જરૂર અમારી વચ્ચે ધમાસાણ ધીંગાણું ખેલાશે એવા આસાર અત્યારથી જ મને દેખાઇ રહયા હતાં. અને જો એવું થયું તો મારી હાર નિશ્વિત જણાતી હતી. વિનીત બધી રીતે મારાથી ચઢીયાતો હતો. દુરથી જ મને તેનાં શર્ટ હેઠળ છૂપાયેલા કસરતી બદનનો અંદાજ આવ્યો હતો. જો અમારી વચ્ચે ખૂલ્લા હાથની બાથં- બથ્થી થાય તો ચાક્કસ બે જ મિનીટમાં તે મને ધૂળ ચાંટતો કરી નાંખે એ મીનમેખ વગરની વાત હતી. અને અનેરી પણ વિનીતનો જ પક્ષ લેવાની એ તો દિવા જેવી સ્પષ્ટ હકીકત હતી. ભારે નિરાશાથી મેં માથું ધુણાવ્યું અને કમરાનો દરવાજો બંધ કરી રૂમમાં પાછો ફર્યો. કોઇની સાથે લડયા વગર જ અત્યારે તો મેં મારી હાર સ્વીકારી લીધી હતી.

***

લગભગ સાંજનાં સમયે હું નીચે ઉતર્યો હતો. મારું માથું ભમતું હતુ અને બધું ભારે- ભારે લાગતું હતું. બપોરે વિનીતનાં ગયા બાદ કયારે મને ઉંઘ આવી ગઇ હતી એનો પણ ખ્યાલ રહયો નહોતો. જાગ્યો ત્યારે સાંજનાં સાત વાગવા આવ્યાં હતાં. જાગીને ઝડપથી ફ્રેશ થઇ મેં કપડાં બદલ્યાં. બેગી ટાઇપનું ખૂલતું પેન્ટ અને તેની ઉપર સફેદ શર્ટ ચડાવ્યું. પછી કમરામાં લાગેલા આદમકદનાં અરીસામાં મેં મારી જાતને નિહાળી. આ કપડામાં હું કોઇ ટુરીસ્ટ વ્યક્તિ જેવો દેખાતો હતો જે પોતાનું વેકેશન ઉજવવા દેશ-દુનિયાની સફરે નીકળ્યો હોય. મને કકડી ને ભૂખ પણ લાગી હતી. સવારે હોસ્ટેલથી નીકળ્યા બાદ લગભગ કશું જ મારા પેટમાં ગયું નહોતું એટલે સૌથી પહેલા પેટ પુજા કરવાનું મન બનાવીને હું કમરાની બહાર નીકળ્યો. મને હવે અનેરીની કોઇ ફિકર નહોતી. જ્યાં સુધી પેલા ફોટોગ્રાફ્સ જોવા ન મળે ત્યાં સુધી મેં તેની નજરોથી દુર જ રહેવાનું મન બનાવી લીધું હતું. તેનું ઇન્દ્ગગઢથી અહીં આવવું ચોક્કસ મને અચંભિત કરી રહયું હતું પરંતુ અત્યારે એ વિશે કોઇ અનુમાન લગાવવાનું કે વિચારવાનું માંડી વાળ્યું હતું. પહેલાં હું સંપૂર્ણ રીતે પ્રિપેર થઇને તેની સમક્ષ જાઉં તો વધુ ઠીક રહેશે એવું મન કહેતું હતું એટલે હાલ- ફિલહાલ તો મેં દુરથી જ તેની ઉપર નજર બનાવી રાખવાનું નક્કી કરી લીધું.

લિફ્ટમાં બેસી હું નીચે રિસેપ્શન એરીયામાં આવ્યો. સાંજની રોશનીનો ઝગમગાટ વાતાવરણને વધુ જીવંત અને વધુ રોમાન્ટીક બનાવી રહયો હતો. રિરેપ્શન હોલની સામે આવેલા રેસ્ટોરન્ટમાં અત્યારે ખાસ્સી ચહલ-પહલ વર્તાતી હતી. હું એ તરફ ચાલ્યો અને કાચનો દરવાજો ધકેલી રેસ્ટોરન્ટમાં દાખલ થઇ ચો-તરફ નજર ઘુમાવી. લગભગ બધાંજ ટેબલ ઉપર માણસો ગોઠવાયેલાં હતા. સામે... કોર્નરમાં એક ટેબલ ખાલી દેખાતું હતું. એ તરફ ચાલી હું ત્યાં જઇને ખુરશીમાં ગોઠવાયો. વેઇટર આવીને પાણીનાં ગ્લાસ અને જગ મુકી ગયો. બરાબર એ જ સમયે સામેથી એક વ્યક્તિ મારી તરફ ચાલતો આવ્યો. તેનાં પહેરવેશ ઉપરથી તે આ રેસ્ટોરન્ટનો મેનેજર હોય એવું જણાતું હતું. તે એકદમ મારી નજદીક આવીને ઉભો રહયો અને ભારે આદરપૂર્વક બોલ્યો.

“ એક્સકયૂઝમી સર...! આ ટેબલ રિઝર્વેડ છે. આપ અન્ય કોઇ ટેબલ પર બેસી શકો છો...! આ ટેબલનાં મહેમાન હમણા આવતાં જ હશે...”

“ ઓહ સોરી...! જો કે તમને નથી લાગતું કે એ બાબતનું કાર્ડ તમારે ટેબલ ઉપર મુકી રાખવું જોઇએ...? ”

“ સોરી સર...! ઇટ્સ બાય મિસ્ટેક. બીજી વખત ધ્યાન રાખીશું. ” મેનેજરનાં સ્વરમાંથી જાણે મધ ટપકતું હતું. મને અહીંથી ઉભાં થવું રૂચતું તો નહોતું પરંતુ એ સિવાય બીજો કોઇ છૂટકો પણ નહોતો. બેઠા- બેઠા જ બીજા કોઇ ખાલી ટેબલને શોધવા મેં રેસ્ટોરન્ટમાં નજર ઘુમાવી. લગભગ બધાજ ટેબલ્સ્ ભરેલા હતાં. મેનેજર મારી અગવડતા સમજતો હતો પરંતુ તે કંઇ કરી શકે તેમ નહોતો. ક- મને હું ઉભો થયો. અહીંથી બહાર જઇ ટેબલ ખાલી ન થાય ત્યાં સુધી રાહ જોવા સિવાય મારો છૂટકો નહોતો. હું જે ખુરશી ઉપર બેઠો હતો તેને ખસેડી જેવો હું ઉભો થવાં ગયો કે અચાનક જ હું થંભી ગયો. મારું શરીર સ્થિર થયું અને આંખો રેસ્ટોરન્ટનાં અંદર તરફ ખૂલતા દરવાજા તરફ મંડાણી… હાં...! એ તે જ હતી. સિંગલ-પીસ ભૂખરા રંગની ફૂલોની પ્રીન્ટવાળી મેક્ષીમાં સજ્જ અનેરીએ કાચનો દરવાજો ખોલ્યો હતો અને અંદર પ્રવેશી હતી. મારી જેમ ત્યાં જમતાં અન્ય લોકોની નજરો પણ એકાએક દરવાજા તરફ ખેંચાઇ હતી. મને ખ્યાલ આવ્યો કે એ લોકો પણ અનેરીની સુંદરતાથી આકર્ષાયા હશે જ...!

અનેરી અંદર દાખલ થઇને થોડીવાર ત્યાં જ ઉભી રહી. તેની નજરો કશુંક શોધી રહી હતી. અચાનક મારી બાજુમાં ઉભેલો મેનેજર હરકતમાં આવ્યો અને તે એ તરફ ચાલ્યો. અનેરીની એકદમ નજીક જઇ તેણે કશુંક કહ્યું અને પછી મારી તરફ હાથ લંબાવ્યો. અનેરીએ નજર ઉઠાવી મારી તરફ જોયું અને પછી ચાલતા તેઓ આ તરફ આવ્યાં.

“ એક્સકયૂઝમી સર...! ટેબલ આ મેડમે જ બુક કરાવ્યું છે....! ” મેનેજર બોલ્યો. તેનાં શબ્દો મારા કાને અથડાયા પરંતુ મારી નજરો તો અનેરીનાં બેહદ ખૂબસુરત ચહેરા ઉપર સ્થિર થઇ ચુકી હતી. યસ...! તે એકદમ મારી નજીક...મારી નજરો સમક્ષ ઉભી હતી. કાલુપુર રેલ્વે સ્ટેશને દૂરથી અલપ- ઝલપ જોયેલો તેનો ચહેરો અત્યારે એકદમ મારી સમીપ દ્રશ્યમાન હતો. એ સમયે તેણે આંખો ઉપર ગોગલ્સ પહેર્યા હતાં જ્યારે અત્યારે એવું કોઇ આવરણ અમારી નજરો વચ્ચે નહોતું. તેની ભૂખરી- તપખીરીયા રંગની કીકીઓ મારી તરફ મંડાયેલી હતી. બે સેકન્ડ... બસ, બે જ સેકન્ડમાં હું એ તપખીરીયા રંગની કીકીઓની ગહેરાઇમાં ડૂબી ગયો. “ માય ગોડ...! કેટલી ગજબનાક છે તેની આંખો.. “ પેલો મેનેજર શું કહી રહયો હતો અને અત્યારે મારે શું કરવું જોઇએ એનું ભાન પણ કદાચ હું ભૂલી ગયો હતો. હું તો બસ... અપલક દ્રષ્ટીએ મારી નજરો સામે ઘૂઘવતા ભૂખરા દરિયાની ભીનાશમાં ડૂબતો ચાલ્યો ગયો. બે જ મિનીટમાં કદાચ મને ત્યાં ઉભા- ઉભા જ સમાધી લાગી ગઇ હતી. હું ખુદ મારા કહ્યામાં નહોતો રહયો. મારું હ્દય જોર- જોરથી ધડકી રહયું હતું.

વધું આવતા અંકે..

( ક્રમશઃ)

મિત્રો...આપનાં રીવ્યુ મારા માટે અતી કિંમતી છે. પ્લિઝ.. માત્રૃભારતી પર રીવ્યુ જરૂર લખજો. ધન્યવાદ.

લેખકઃ- પ્રવિણ પીઠડીયા.

આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.

ધન્યવાદ.

આ ઉપરાંત લેખકની અન્ય નવલકથાઓ જેવી કે..

નસીબ.

અંજામ.

નગર.

આંધી. પણ વાંચજો.