ઠ્ક… ઠક… ઠકાક... Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠ્ક… ઠક… ઠકાક...

'ઠ્ક… ઠક… ઠકાક...'

ત્રણ રુમ ધરાવતા ફ્લેટની રસોડાની બહાર આવેલી ચોકડીમાંથી અવાજ આવી રહ્યો હતો. રુપા - શહેરમાં સ્થાયી થવાના અરમાનો સાથે એના એક ના એક પુત્ર અને પતિ સાથે ગામડાંની તાજગીભર્યુ વાતાવરણ છોડીને આવેલી અને અહીં આવીને પતિ કાળુને પૈસા કમાવામાં મદદરુપ થવાના હેતુથી થોડા ઘરના વાસણ - ક્પડાં ધોવાનું કામ કરતી હતી. આ ત્રણ રુમની માલકિન પૂર્વી ફોન પર કોઇની સાથે વાત કરતાં કરતાં ઘરના બીજા કામ આટોપી રહી હતી. રુપા એના અસ્સલ લહેંકામાં કોઇ ગામઠી ગીત ગણગણતી હતી અને કપડાં ધોવાનું કામ કરી રહી હતી. કપડાં ધોકાવતી હતી અને ત્યાં જ એના કાને પૂર્વીનો અવાજ અથડાયો,

'રુપા, જરા ધીમેથી ધોકા માર. આમ ને આમ તો કપડાં ફાટી જશે.'

અને રુપાની મસ્તીમાં ખલેલ પડી.

'આ બેનને તો કાયમ દરેક વાતમાં કચકચ જ હોય. વળી હું ક્યાં એમના કપડાં રોજ ધોઉં છું ? એમણે ક્યાં આ કામ બંધાવ્યું છે ? આ તો એમનું વોશિંગ મશીન બગડયું છે ને મને આજીજી કરી એટલે સમય ન હોવા છતાં મેં એમનું આ કામ કરી આપવાનું સ્વીકાર્યું હતું, પણ મૂઉ આ શહેર - અહીં કોઇને સમય સાચવ્યાંની કદર જ ક્યાં છે ? બધી વાતો પૈસાથી જ થાય છે.' અને અચાનક રુપાના જમણાં હાથનો છેલ્લી આંગળીનો નખ ધોવાઈ રહેલ બ્લ્યુ જીન્સના કાપડમાં ફસાઇ ગયો. પાણીમાં પલળવાથી થોડો પોચો થઈ ગયેલ નખ તરત જ તૂટી ગયો અને રુપાના મોઢામાંથી એક 'હાય' નીકળી ગઈ. સાબુવાળું પાણી હોવાથી તરત બળવા લાગ્યું. એણે ફટાફટ હાથ ધોઇને નખને સાચવીને દાંત વડે કાપી નાંખ્યો અને ગેલેરીમાં થૂંકી દીધો. પૂર્વી પ્રત્યેની બધી કડવાશ પણ એમાં થૂંકાઈ ગઈ અને ફરી પાછી રુપા પોતાની મસ્તીમાં આવી ગઈ, પેન્ટ પર સાબુ લગાવવા લાગી. અચાનક એનો હાથ અટકી ગયો અને આ પેન્ટ પહેરનારા ઘરના માલિકનો ચહેરો એની નજર સમક્ષ તરવરવા લાગ્યો.

નાજુક નાક નકશાવાળો સ્વસ્તિક ! કાલે કામ કરવા આવતી જ હતી અને લિફ્ટમાં માલિક એની સાથે થઈ ગયા હતાં. આખી લિફટમાં સ્વસ્તિકના બોડીસ્પ્રેની સુગંધ તરતી હતી. રુપાએ નજરની કિનારીએથી જ સ્વસ્તિકની સામે જોયું તો એ એની મસ્તીમાં મસ્ત થઈને ઉભો હતો.વારે ઘડીએ એની નજર ઘડિયાળમાં જતી હતી. રુપાથી સભાનપણે એક અંતર જાળવેલું જેથી કરીને એના કપડાંને પણ ના અડકી જવાય. રુપા એના ગોરા ચિટ્ટા અને એમાં કાળી કાળી દાઢીથી ભરેલ પૌરુષથી ભરેલા ચહેરાંને જોતી જ રહી ગઈ. સ્વસ્તિકનું ઇસ્ત્રી ટાઈટ ફુલ સ્લીવનું વ્હાઈટ શર્ટ જોઇને એની ક્રીસ પર હાથ ફેરવવાનું મન થઈ ગયું. પોતાની આખી જીંદગીમાં રુપાએ આવા ઇસ્ત્રીટાઈટ્ કપડાં નહતાં જોયાં. સલૂકાઈથી શર્ટના કોલરના બટન પણ બંધ કરેલા હતાં અને છેક ઉપરનું બટન પણ બંધ કર્યું હતું, કદાચ એ ટાઈ પહેરવાનું વિચારતા હશે. ટાઈવાળા શર્ટના બટન છેક સુધી બંધ હોય એવું એને હમણાં હમણાંથી થોડું ખબર પડી રહી હતી. વ્હાઈટ શર્ટ અને નીચે લાઈટ સ્કાય બ્લ્યુનુ જીન્સ એ છ ફૂટના વ્યક્તિત્વને અદભુત ઓપ આપતો હતો. ત્યાં જ લિફ્ટ ખચાક દઈને ઉભી રહી ગઈ. બે ય જણ લિફ્ટમાંથી નીકળીને પોતપોતાની મંઝિલ તરફ વળી ગયાં. રુપાના મગજમાં હજી પેલી બોડીસ્પ્રેની સુગંધ તરી રહી હતી. આજી એ જ બ્લ્યુ ડેનિમનું જીન્સ એના હાથમાં હતુ. અચાનક રુપાના મગજના અમુક કીડાં સક્રિય થઈ ગયાં.

'સ્વસ્તિક.'

કેટલું સરસ નામ અને સ્વભાવ પણ કેવો સરસ ! માલકિણ અને એમની દીકરીને કેવાં હાથમાં ને હાથમાં રાખે છે ! ક્યારેય એમના મોઢામાંથી ઉંચો કે ક્ડવો અવાજ નથી સાંભળ્યો. ગયા મહિને માલકિણ એની બે રજાનો પગાર કાપવા જતી હતી ત્યારે એમણે માલકિણને ટોકી હતી અને કહેલું કે,

'જવા દે ને પૂર્વી, આ બિચારીએ બે રજા જ તો પાડી છે, બાકીન અઠ્ઠાવીસ દિવસ તારા એ કેવા પ્રેમથી સાચવી લે છે. વળી એ પણ માણસ છે ને, આખો મહિનો એકધારા કામના ઢસરડાં..'

'આ તમે પુરુષો શું સમજો ઘરની વાતો ? આમ ને આમ આ લોકોને માથે ચડાવીએ ને તો એક દિવસ આંગળી આપતાં પહોંચો પકડી લે. તમે કંઈ બોલશો નહીં' અને પૂર્વીએ ધરાર એની બે દિવસના પૈસા કાપી લીધાં હતાં. રુપાનું મોં પડી ગયેલું. એ જ્યારે ઘરની બહાર નીકળી ત્યારે પૂર્વી બેડરુમમાં આડી પડીને કોઇ પુસ્તક વાંચી રહેલી. સ્વસ્તિક ધીરેથી ઉભો થઈને રુપાની પાસે ગયો અને ચૂપચાપ એને સો રુપિયાની નોટ પકડાવી દીધી હતી. મોઢા પર આંગળી મૂકીને ચૂપચાપ એને નીકળી જવા આંખથી જ આદેશ આપી દીધેલો. બે પળ શું કરું - શું ના કરું ની દ્વિધામાં અટવાયેલી રુપા તરત જ સભાન થઈ ગઈ અને આંખોથી જ સાહેબનો આભાર માનીને ત્યાંથી નીકળી ગઈ.

'સાહેબ.'

અને રુપાનો હાથ જીન્સ પર ફરવા લાગ્યો. જીન્સના પાંયચા, ઢીંચણ આગળથી થોડું સફેદ થઈ ગયેલ કાપડ, કમરની બે બાજુના એક ખીસાની અંદર બીજું નાનું ખીસું, જાડી અને મોટી પિત્તળની મજબૂત ચેન..આ બધા પર સાબુવાળો હાથ હતો કે બીજુ કંઈક..રુપાનું મન લપસવા લાગ્યું. જાણે જીન્સ નહીં જીન્સનો માલિક સાક્ષાત ત્યાં હતો. આંખો ઘેરાવા લાગી હતી. મગજમાં બધું સૂન્ન થઈ જતું હતું. પોતાનો રુખ્ખો હાથ જીન્સને વાગી ના જાય એમ ધીમે ધીમે ફેરવતી હતી.અને

'રુપા.'

અચાનક પૂર્વીના અવાજથી એની તંદ્રા તૂટી ગઈ.

'જી..જી ભાભી..'

'આ મારું વોશિંગ મશીન રીપેર થઈ ગયું છે. હવે કાલથી તું કપડાં ના ધોઇશ. ફકત કચરાં પોતાં અને વાસણ. તારા આટલા દિવસના કપડાં ધોવાના જે પૈસા થતા હોય એ લઈ જજે.'

અને રુપાના દિલમાં એક ધ્રાસકો પડ્યો.

'બેન, આટલો મહિનો ધોવડાવી દો ને કપડાં.'

'અરે, મારે શું કામ ખાલી ખાલી તને પૈસા આપવાના ? વળી બ્રશ અને ધોકા મારી મારીને તેં મારા કપડાંની જો હાલત કરી છે એ. ના બાબા ના..તું તારે આજનો છેલ્લો દિવસ કપડાં ધોઇ લે. તમારા લોકોની આ જ તકલીફ છે. કામ બંધાવો એટલે છોડાવીએ ત્યારે દાદાગીરી જ કરી ખાઓ...' આગળ પણ કેટલું ય બોલી ગઈ પણ રુપાના કાને રોજની જેમ એની કચકચને કાનમાં ઘૂસવા જ ના દીધી અને કામે વળગી.

ડ્રોઇંગરુમમાં પૂર્વી ફોનમાંથી એનું ગમતું ગીત શોધીન કાનમાં ઇયરપ્લગ ભરાવીને આંખો બંધ કરીને સોફામાં આડી પડી ગઈ.

રુપાનો જીવ કળીએ ને કળીએ કપાતો જતો હતો. ચોકડીમાં સામે હજી પેલું જીન્સ પડ્યું હતું, એની સામે જાણે અટ્ટહાસ્ય કરીને એની મજાક ઉડાવી રહ્યું હતું.

'મૂઆ આ વોશિંગ મશીનની શોધ કોણે કરી હશે ? આવા રુપાળા જીન્સને સ્પર્શવાનો આજે છેલ્લો દિવસ !'

અને રુપાની આંખમાં બોર બોર જેવડાં આંસુ ઉભરાઈ ગયાં. પાણી નાંખીને જીન્સમાંથી સાબુ કાઢ્યો અને વધારાનો સાબુ નીકળી જાય એ હેતુથી બીજું પાણી નાંખીને વધારાનો સાબુ કાઢવા હેતુ હળવા હાથે ધોકો મારવા લાગી.

'ધબ..ધબ...ધબા..ધબ..'

'અલી, કપડાં જરા ધીરેથી ધોકાવતી હો તો. આમ ને આમ મારા કપડાં ફાડી કાઢીશ.'

અને અચાનક રુપાના મગજમાં શું ભૂત ભરાયું ખબર નહીં એ ધોકો લઈને ઉભી થઈ. જોયું તો ઘરનો મુખ્ય દરવાજો બંધ હતો, મોઢા પર હિંમત વધી ગઈના ભાવ સ્પષ્ટ થયાં અને હતી એટલી બધી તાકાત ભેગી કરીને એણે સોફા પર આંખો બંધ કરીને ગીતો સાંભળતી પૂર્વીના માથામાં ઉપરા ઉપરી ચાર પાંચ ઘા કરી દીધા.

-Sneha patel.