તારી યાદમાં Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારી યાદમાં

તારી યાદમાં

વિરલ ચૌહાણ

“જાનુ”,,

તું કેમ છે, મારી યાદ આવે છે ખરી ?? મને તો ઘણા દિવસથી હેડકી આવી જ નથી અને તારી યાદોના મોજા મારા સ્મરણો રૂપી દરિયામાં એવો તો તરખાટ મચાવે છે અને હમણાં થોડી પળો પહેલા જ એક મહાકાય મોજાએ મારા વિશ્વજગતમાં જાણે સુનામી સર્જી દીધી!! બસ પછી તો કહેવું જ શું, હાથમાં કલમ અને પત્ર આપોઆપ આવી જ ગયા.

તું હંમેશા ફરિયાદ કરે છે કે ઓ લેખિકા મહાશય તારી પાસે તો મારી માટે સમય નથી, હંમેશા પોતાને લખવામાં જ વ્યસ્ત રાખે છે. આજે મેં તને લખ્યો છે; આજે મેં તને મારા શબ્દો થકી કેદ કર્યો છે; તને લખીને તને અમર કર્યો છે!! એક તો લેખન મારુ સર્વસ્વ અને લેખનનો મુદ્દો પણ તું જ હોય તો વિચાર મને કેવી મજા પડી ગઈ હશે ??!!

પ્રેમીઓનો સોનેરી દિવસ વેલેન્ટાઈન આવું આવું થઇ રહ્યો છે અને હું તને મળવા ઝંખી છું, પણ સંજોગો જ એવા છે કે આપણું મળવું શક્ય જ નથી. વેલેન્ટાઈન ડે પર તને મળવું જ એવું હું નથી માનતી બસ તને મળું એ જ દિવસ મારી માટે વેલેન્ટાઈન હશે !!! આ પત્ર લખતી વખતે મને એવી લાગણી થાય છે કે શું સાચે આપણી વચ્ચે અંતર છે ?? ના ના સાચે કહું તો તું તો મારા અંતરમાં છે !!!! જયારે હું તારી યાદોના તોફાનમાં ખોવાય જાવ છું ત્યારે હું મારી જાતથી હારી જાવ છું, કોઈ કામ કરવામાં મન ના લાગે; બસ ત્યારે અપલક નેત્રે આસમાનના ચંદ્રને નિહાળતી બેસી રહું છું. નાનપણમાં મમ્મીએ શીખવાડેલું કે ચંદ્રને ચાંદામામા કહેવાય, પણ જ્યારથી તારો સંગાથ થયો છે જાણે કે એ ચંદ્ર સાથે મારો સંબંધ જ બદલાઈ ગયો.... મને તેમાં તારી તસ્વીર નજરે પડે છે !!! અને અમાસની રાત તો જાણે મારી સોતન હોય તેવી લાગે. મને મારા પિયુંથી દૂર કરી મૂકે.....

સાચો પ્રેમ તો એ જ છે જે જોજનો દૂર રહ્યા પછી પણ એકબીજાની સુખદ અનુભૂતિ કરાવે. સ્થૂળ દ્રષ્ટિએ મારા નયનોની આસપાસ તું ભલે ના હો પણ મારી સૂક્ષ્મ દ્રષ્ટિ સતત તારા જ દર્શન કરી રહી છે. જયારે તને જોઉં છું ત્યારે શરમથી આંખો ઝૂકી જાય છે અને અત્યારે તને દૂરથી મહેસુસ કરી રહી છું તો હૃદયના ધબકારા તેજ થતા જણાય છે શું તું પણ એ જ અનુભવી રહ્યો છે?

આમ તો તું મારા રૂંવે રૂંવે વસે છે, આંખોમાં હંમેશા તારી જ છબી હોય છે, હૃદય પણ તારા નામે જ ધબકે છે, તારી યાદ જ મારા દિમાગમાં ઘુમરાતી હોય છે. છતાંયે મને તારી કમી ખૂંચે છે…… એક ના કહી શકાય તેવી ગુંગણામણ થાય છે. મારા શૃંગાર વખતે, પકવાન બનાવતી વખતે મારુ મન બસ તને જ ઝંખે છે. મારુ અચેતન મન હંમેશા તારા નામની માળા જપતું રહે છે. અદ્દલ તેમ જેમ સીતાના હરણ થયે શ્રીરામ બહાવરા બનીને વન ઉપવનને શોકમય અને ઉદ્વેગથી પૂછતાં હતા, “ તમે મારી સીતેને જોઈ ? તમે તો સાક્ષી હતા ને ?? તેના તમે અહીં જ હતા જયારે સીતા સાથે અણબનાવ થયો મને કહો મારી સીતા ક્યાં ગઈ કઈ દિશાએ ગઈ.”

એક દરિયામાં જેટલી જલરાશિ હોય તેટલો અઢળક પ્રેમ હું તને કરું છું. સામાન્યપણે પ્રેમી તેની પ્રેમિકાને એવું કહેતા હોય છે કે હું તારી માટે આકાશમાંથી ચાંદ તારા તોડીને લાવી આપીશ પણ હું કહીશ કે હું આકાશના વસતા જેમ અસંખ્ય તારા છે તેટલી જ માત્રામાં તને પ્રેમ કરું છું!!! જેમ પવન દેખાતો નથી પણ તેને અનુભવી શકાય છે બસ તેમ જ હું તને હંમેશા મારી આસપાસ અનુભવું છું. પણ હું ભક્ત કવિ મીરાંબાઈ જેવી મહાન નથી કે તને કલ્પનામાં જ પ્રેમ કરું. નથી રાધા જેટલી પ્રેમની ઊંડાઈ કે તને એકવાર પામીને ઝીંદગીભર દૂર રહીને પ્રેમ કરી શકું પણ હું સીતા જેવી ચોક્કસપણે છું આપણી વચ્ચે ચાહે ગમે તેટલી દુરી આવે હું તારી આતુરતાથી પ્રેમપૂર્વક વાટ જોઇશ અને તને મેળવીને જ જંપીશ.

દરેક વ્યક્તિ તેના પ્રેમીમાં પોતાની દુનિયા જોતી હોય છે અને પ્રેમીના દૂર જવાથી તેની દુનિયા વેરાન છેરણ થઇ જાય છે. મને પણ પુરી ખાતરી છે કે તને પણ મારી આવી જ ખોટ સાલે છે, પણ તને તો ઘડી ઘડીકમાં કામમાં ડૂબી જવાની આદત છે પણ મને તારા પ્રેમની ઓટ વર્તાય છે જયારે જયારે હું એક યુગલને જોઉં છે ત્યારે ત્યારે તારી તીવ્ર ખોટ સાલે છે.

તું મારી જાન છે, તારી વગર હું મારુ વિશ્વ કલ્પી જ ના શકું. તારા પ્રેમમાં હું એ હદે પાગલ થઇ ગઈ છું કે ઊંઘમાં હોવ કે જાગૃત અવસ્થામાં બસ મારુ મન તો તારી આસપાસ જ હોય. એક દિવસ હું આપણે મળીએ છીએ તે બગીચામાં ગઈ હતી. ઘણા બધા યુગલો ત્યાં બેઠા હતા, હું આપણે જ્યાં હંમેશા બેસીયે છીએ તે બાંકડા પાસેથી પસાર થઇ અને અચાનક જ મારો દુપ્પટો એ બાંકડાના ખૂણા સાથે ભરાઈ ગયો અને તે મારા હૃદયમાં સોંસરવું ઉતરી ગયું. શું એ બાંકડાએ પણ પણ આપણા પ્રેમને વધાવી લીધો હશે જ ને?

સાચે જ મને જાતજાતના રંગીન ગ્રીટિંગ કાર્ડ્સ ખરીદવાનું લગીરે ગમતું નથી. વળી કોઈએ લખેલા તેમાંના મીઠા વચનો તું વાંચે તેના કરતા તો આ સફેદ સાદા અને કોરા કાગળમાં પડતા કાળા રંગના શબ્દો તને શું મારા ગોરા એવા ડાબા ગાલ પરના કાળા તલની યાદ નથી અપાવતા ? મારા મરોડદાર અક્ષર તને મારા દેહના વળાંકોની યાદ નથી અપાવતા ? આ પત્રની સળ ઉકેલતા તને મીઠી એવી સુવાસ આવી તેણે મારા સાનિધ્યની તલપ ઝગાડી તે તું એમ ના સમજતો કે મેં કોઈ અત્તર છાંટ્યું છે એ તો ઊંઘ આવતા અધૂરો પત્ર તકિયા નીચે મૂકી દીધો હતો!!!! અને પછી સ્વપ્નમાં તું આવ્યો. સ્વપ્નમાં હું ગણપતિ બાપ્પાના મંદિરે જતી હતી રસ્તામાં તું મળી ગયો અને તે મને લાલ રંગનું પુષ્પ આપ્યું મેં શરમાઈને પણ સ્વીકારી લીધું ચાલો આજે યાદ તો છે કે વેલેન્ટાઈન્સ ડે છે અને તે મારી ગિલ્લી ઉડાડી આ તારી માટે નથી આ તો ગણપતિ બાપ્પા માટે છે તેમને લાલ પુષ્પ બહુ જ પ્રિય હોય છે ને !!!! અને હું મોં મચકોડીને પગ પછાડીને ત્યાંથી જતી રહી.

તારા ચહેરાના હાસ્યને જોયે જાણે એક અરસો વીતી ગયો છે પણ તે આપેલા આલિંગનની ઉષ્મા હું આજે પણ અનુભવી રહી છું . હું એ જાણું છું કે તું કેટલો અધીરો અને ઉછાંછળો છે કે ફક્ત શબ્દોની તારા પર અસર થવાની નથી. શબ્દો તો માત્ર વાક્યની શોભા છે સાહેબ સમજવાવાળા તો કોરો કાગળ અને મૌન પણ સમજી જાય છે. તારા વગર મારુ મન પણ હવે વિહ્વળ બન્યું છે, તારી સ્નાયુબદ્ધ ભુજામાં જકડાઈ જવા અધીરી બની છું, તારા દેહની ખુશ્બુ વગર જાણે મારા શ્વાસ અટકી રહ્યા છે…

તું સારી રીતે જાણે છે કે મારી કલમને લગામ નથી પણ બસ તારા રસને ધ્યાનમાં રાખીને અહીં હું મારી લેખનકલાનો અંત આણું છું અને પત્રના જવાબના તારા સત્વર દર્શનની અપેક્ષા રાખું છું.

લિ. આ જન્મ માટે તો ફક્ત તારી અને તારી જ થવા માંગતી આરઝૂ

***