નો-રીટર્ન-૨
ભાગ-૨
“ એભલા...! પેલી છોકરી મળી કે નહિ...? ” એભલસિંહનાં કાનમાં અવાજ ગુંજ્યો. છ- હાથ પુરો એભલસિંહ એ અવાજ સાંભળીને ધ્રુજી ઉઠયો. કાને રાખેલો મોબાઇલ બે-સેકન્ડ માટે હટાવ્યો અને મહા-મહેનતે થૂંક ગળા હેઠે ઉતાર્યુ. “ તને પુંછુ છું હરામખોર, બેરો થઇ ગયો કે શું...? ”
“ ના...ના..માલિક...! ”
“ તો ફાટતો કેમ નથી...! એરુ સુંઘી ગયો લાગે છે...? જો એભલ, કાન ખોલીને સાંભી લે...! તને બે દિવસની મુદ્દત આપુ છું. બે દિવસમાં એ છોકરી મને મારી સામે હાજર જોઇએ અને સાથે એ જે કંઇપણ લઇને ભાગી હતી એ ચીજ પણ જોઇએ. જો બે દિવસમાં તારાં હાથમાં એ છોકરી ન આવી તો પછી તું વિચારી લેજે કે તારા શું હાલ થશે. તને ઉભે-ઉભો ચીરીને એમાં હું મીઠું ભરી દઇશ.” ફોનમાં ગુંજતા પહાડી અવાજનાં એક-એક શબ્દે એભલસિંહ થથરી રહયો હતો. તે જાણતો હતો કે ફોન કરનાર વ્યક્તિ જે કહી રહયો હતો એ કરતાં તેને ક્ષણભરનો પણ સમય લાગશે નહી. હવે જો તેણે સહી-સલામત જીવતું રહેવું હુ તો પાતાળમાંથી પણ એ છોકરીને શોધવી જરૂરી હતી.
“ જી...જી...માલિક...! ” તે બોલ્યો, તેનાથી માંડ એટલા શબ્દો જ બોલાયા. વધું બોલીને તે પોતાનાં માલિકનો ખૌફ વહોરવા માંગતો નહોતો. એક તો પહેલાં જ તેનાંથી એક ભૂલ થઇ ચૂકી હતી અને હવે વધુ બોલીને બાજી બગડી જાય એવું તે બીલકુલ ઇચ્છતો નહોતો. એક બે-બદામની છોકરી તેનાં હાથમાંથી શું છટકી ગઇ... કે માલિકે કેટલો તેને ખખડાવી નાંખ્યો હતો. મનોમન તેણે એ છોકરીને બેતહાશા ગાળો ભાંડી લીધી. સામેથી કંઇપણ કહયાં વગર ફોન “ કટ ” થયો. આવી રીતે ફોન કટ થવાનો મતલબ તે સારી રીતે સમજતો હતો. હવે તેણે કોઇ પણ ભોગે એ છોકરીને પાતાળમાંથી શોધી લાવવી જરૂરી હતી.
“ કમબખ્ત..! હાથમાં આવે એટલી વાર છે. મસળી ન નાંખુ તો મારું નામ એભલ નહીં. ” ધુંધવાતા અવાજે ફરી વખત તે ગાળ બોલ્યો અને ફોનને કાનેથી હટાવી પેન્ટનાં ખિસ્સામાં સરકાવ્યો. રાત્રે સારી પેઠે ટટકાવેલા દેશી દારૂનો નશો તો કયારનો ઉડન-છૂ થઇ ગયો હતો, તેમાં સવાર-સવારનાં પહોરમાં આવેલા માલિકનાં એક ફોને ફરી તેની દારૂની તલબ જગાવી દીધી હતી. દારૂ પીધા વગર તેનું દિમાગ બરાબર ચાલતું જ નહી, અચાનક તેને પોતાનું ગળું સુકાતું હોય એવું અનુભવ્યું.
પગમાં પહેરેલી રાજસ્થાની મોજડીઓને તેણે ચમચમાવી, થોડુંક ચાલ્યો અને પોતાનાં જીવથી પણ વહાલાં જર્જરીત થઇ ચૂકેલા બુલેટ ઉપર સવાર થયો. દાઝમાં જ, દાંત ભીંસીને તેણે બુલેટને એક જોરદાર કીક મારી. દુનીયાભરનો ઘોંઘાટ કરતું તેનું ખખડધજ બુલેટ શરું થયું. અત્યારે તે થરાદ ગામની બહાર નીકળતાં રસ્તે આવેલા આઝાદ પાન એન્ડ ટી પાર્લર પાસે ઉભો હતો. હવે તેની આગળની મંઝીલ થરાદમાં આવેલા એક દારૂનાં પીઠા તરફ હતી. એક વખત તેની હોજરીમાં થોડો દારૂ ઠલવાય પછી આપોઆપ તેનું દિમાગ આગળ શું કરવું એ અંગે વિચારી શકશે એવું તેનું માનવું હતું. ભયાનક અવાજ કરતા બુલેટને તેણે લીવર આપ્યું. બુલેટનાં એકઝોસ્ટ પાઇપમાંથી કાળા ધુમાડાનાં ગોટ નીકળ્યા અને બુલેટને તેણે થરાદ મેઇન બજાર તરફ ભગાવ્યું.
***
હોસ્ટેલ રૂમની દિવાલે લટકતી ઘડીયાળનાં કાંટા મધરાત્રીનાં અઢી વાગ્યે સ્થિર થયાં. હું મારા ટ્વીન બેડનાં પલંગમાં એકલો સુતો હતો. મારો સાથીદાર પાછલાં ત્રણ દિવસથી તેનાં ઘરે ગયો હતો. પરીક્ષાઓ હજું હમણાં જ પુરી થઇ હતી એટલે ઘણાખરાં વિધ્યાર્થીઓ પોત- પોતાનાં ઘરે ચાલ્યાં ગયા હતાં. અડધી હોસ્ટેલ લગભગ ખાલી પડી હતી. હોસ્ટેલમાં સૂનકાર ભાસતો હતો. મારે એવું કંઇ નહોતું. આટલા વર્ષોમાં હું કયારેય મુંબઇ, અમારા ઘરે ગયો જ નહોતો. જવાની ઇચ્છા પણ થતી નહોતી. મને એકલા રહેવું ગમતું એટલે પાછલાં ત્રણ દિવસથી એમ સમજોને હું જન્નતમાં રહેતો હોંઉ એવું અનુભવી રહયો હતો. દિવસનાં અજવાળામાં જે વિચારોને હું અમલમાં મુકતા ગભરાતો એ વિચારોને સપ્નાઓમાં હું પુરા કરતો. અત્યારે પણ એવા એક સુહાના સપનામાં હું વિચરી રહયો હતો.
ઇન્દ્ર રાજાનો દરબાર ભરાયો હતો. ઇન્દ્રનાં ભવ્ય સિંહાસન ઉપર હું ખુદ ઇન્દ્ર રાજા તરીકે બિરાજમાન હતો. દરબારમાં હર્ષ-ઉલ્લાસ અને ગીત-સંગીતની મહેફીલ જામેલી હતી. સ્વર્ગ લોકની અપ્સરાઓ અતી માદક અદાઓમાં નૃત્ય દ્વારા દેવોનું મનોરંજન કરતી હતી અને સાથે મદીરાપાન કરાવતી જતી હતી. મારી એકદમ નજીક, સિંહાસન પાસે રંભા અતી કામુક અદામાં નૃત્ય કરતી હતી. તેનાં ચહેરા ઉપર વિલાસીતતાનાં ભાવો છવાયેલા હતા. એકદમ ઉત્તેજીત અવસ્થામાં તે પોતાનાં શરીરને ડોલાવી રહી હતી. તેનાં થીરકતા પગ, ઉછળતા નિતંબો, વળ ખાતી કમર, નૃત્યનાં કારણે ઝડપથી ચાલતા શ્વાસોશ્વાસથી ધડકતાં કંચૂકીબંધમાં સમાયેલા તેનાં ઉન્નત ધવલ ઉરોજો મને બેહાલ કરી રહયા હતાં. તેનાં અધબિડાયેલા નેત્રો એક પડકાર સમું આહવાહન આપી રહયા હતા જેનાં કારણે મારી રક્તવાહિનીઓમાં દોડતું લોહી ગરમ થઇ ઉંફાળા મારવા લાગ્યું હતું. રંભા રાજ નર્તકી હતી. રૂપ-રૂપનાં અંબાર સમી સંગેમરમરની કોઇ પુતળી જ જોઇ લો. તેનાં બદનમાંથી ઉઠતી ખુશ્બુ અને તેનાં નેત્રોનાં બાણથી કોણ બચી શકે....! જ્યારે આજે, અત્યારે તો હું સાક્ષાત ઇન્દ્ર હતો. બધા દેવોનો સર- સેનાપતી હતો. આ ઇન્દ્રલોક મારું હતું. આ સિંહાસન જેનાં ઉપર હું બેઠો હતો એ એક પદ હતું જેનો હું અધીપતી હતો. આ તમામ દેવો, તમામ અપ્સરાઓ મારે આધીન હતી. અત્યારે તો સકળ સૃષ્ટીનો એક માત્ર રાજા હોઉં એવો ગર્વ મારામાં ઉદ્દભવ્યો હતો. એ ગર્વે મને બહેકાવ્યો... હાથમાં રહેલાં મદીરા પાત્રમાંથી મદીરાનો એક મોટો ઘૂંટ ભરીને હું ઉભો થયો અને નૃત્ય કરતી રંભા તરફ આગળ વધી તેની એકદમ નજીક જઇને ઉભો રહયો. નૃત્ય કરતાં-કરતાં જ તેણે હાથ મારી તરફ લંબાવ્યો. તેનાં લંબાયેલા હાથને મેં આસક્તિથી પકડયો અને ખેંચ્યો. એક મઘમઘતો બગીચો આવીને મારી બાંહોમાં સમાઇ ગયો. તેનાં પ્રશ્વેદભીના બદનનાં સ્પર્શથી મારા રોમ- રોમમાં ઉત્તેજના વ્યાપી ગઇ. દેવલોકની સૌથી સુંદર અને કામણગારી સ્ત્રી મારી બાહુપાશમાં હતી એ વિચારે જ મને મદહોશ બનાવી મુકયો હતો. તેણે માથું મારી છાતી ઉપર ઢાળ્યુ... તેનાં રેશમ જેવા મુલાયમ વાળમાંથી અદ્દભૂત ખુશ્બો વિખેરાઇ રહી હતી. મને એ ખુશ્બુનો નશો ચડયો. સર્વ દેવગણ પણ મારી જેવી જ હાલતમાં હતાં. સમગ્ર દેવસભામાં જાણે ઉલ્હાસીતતા અને ઉત્તેજનાનું વાવાઝોડું ફુંકાયું હતું. આવો અનેરો અવસર કોઇ ગુમાવવા માંગતું નહોતું. સભા મંડપનાં મધ્યમાં નૃત્ય કરતી અન્ય અપ્સરાઓ તેમની પૂર્ણ કુશળતાથી નાચી રહી હતી. સેંકડો પુષ્પોનાં અર્કમાંથી બનાવવામાં આવેલા અત્તરની ભીની આહલાદ્દક ખુશ્બુથી સ્વર્ગ લોકનું વાતાવરણ તરબતર થઇ ખીલી ઉઠયું હતું. ચો- તરફ વૈભવતા અને વિલાસીતતા તેની ચરમસીમાઓ ઓળંગવા તત્પર બની હતી. સ્વયં ઇન્દ્રદેવ, એટલે કે હું.. મારા હોશો- હવાસ ખોઇ રહયો હતો. જે સુખનો અનુભવ કરવાનું જાગ્રત અવસ્થામાં હું ક્યારેય વિચારતો પણ નહીં એ સુખ... હું મારા સ્વપ્નમાં સદેહે માણી રહયો હતો. રંભાને મેં મારી બાહુપાશમાં જકડી રાખી હતી. તે મીઠી આનાકાની કરતાં મારી પકડમાંથી છૂટવાની કોશિષ કરતી હતી છતાં મારાંથી દુર જવાની ઇચ્છા હોય એવા કોઇ ભાવ તેનાં ચહેરા ઉપર દેખાતા નહોતાં. તેની સુંદરતમ આંખોમાં, તેનાં ભર્યા-ભર્યા લાલ હોઠોમાં, તેનાં તેજ ગતીથી ચાલતાં શ્વાસાશ્વાસમાં મને એક આહ્વાહન દેખાતું હતું. તેની ઉન્નત-ધવલ ટેકરીઓ મારી મજબુત છાતી સાથે સખ્તાઇથી ભીસાતી જતી હતી. હું થોડો નીચો ઝૂકયો અને તેનાં પરવાળા-સા મુલાયમ હોઠો તરફ આગળ વધતો જ હતો કે... એકાએક સભામાં મંડપમાં કંઇક વિક્ષેપ સર્જાયો હોય એવો કોલાહલ મારા કાને અથડાયો. મારા ધગધગતા હોઠ રંભાનાં હોઠોથી માત્ર એકાદ ક્ષણની દુરી પર હતા કે એ કોલાહલને કારણે મારે આગળ વધતાં અટકી જવું પડયું. રંભાની કમર ઉપર પકડ ઢીલી કરીને માથું ઉંચકાવી એ કોલાહલ શેનાં કારણે વ્યાપ્યો છે એ જોવા મેં નજર સભામંડપમાં ઘુમાવી.
સભામંડપમાં ચાલતું નૃત્ય થંભી ગયું હતું. મારી જેમ અન્ય દેવોગણોની નજરો પણ અચાનક શું- થયું એ જાણવા સભામંડપનાં દ્વાર તરફ મંડાઇ હતી. સભાગૃહનાં દ્વારે કોઇક આવ્યું હતું. કોઇ હતું જેનાં લીધે રાજદરબારમાં ચાલતી ગતીવિધીમાં વિક્ષેપ સર્જાયો હતો. ઇન્દ્રનાં દરબારમાં આવી રીતે વિના આમંત્રણે આવી ચડવું એ એક અક્ષમ્ય અપરાધ સમાન હતું. દેવોનાં રાજા ઇન્દ્ર હોવાનાં નાતે મારી આંખોમાં ક્રોધ છવાયો. રંભાને મેં મારાથી અળગી કરી, ભારે ક્રોધમાં હું બે-ડગલા એ તરફ આગળ વધ્યો અને સભાગૃહની બરાબર વચ્ચે આવી ઉભો રહયો.
“ કોણ છે એ ગુસ્તાખ... ? કોનું મોત તેને આમંત્રણ આપી રહયું છે...? ” ગુસ્સાથી થથરતા અવાજે ગૃહનાં આગમન દ્વારે ઉભેલા આંગતુકને મેં પુછયું. અહીથી તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નહોતો એટલે મારો સ્વર જરૂર કરતાં ઉંચો થયો. મારી એ દહાડથી સમગ્ર સભામાં સોપો પડી ગયો. બધાંને લાગ્યુ કે હવે દ્વારે આવનાર એ આંગતુક સીધો જ યમસદનનો મહેમાન બની જશે. આતંકીત નજરે બધા એ તરફ જોઇ રહયા. પણ...એ વ્યક્તિ ઉપર જાણે મારા ક્રોધની કોઇ અસર જ ન થઇ હોય એમ હજુ પણ એ ત્યાં સ્થિરતાથી ઉભો હતો.
“ કોણ છે...? સામે આવો...” મેં ફરીથી ત્રાડ નાંખી. ભયંકર ક્રોધથી મારું શરીર કાંપી ઉઠયું. દ્વાર પર આવેલો એ આગંતુક તેનાં હાથમાં પકડેલી છડીને સભાગૃહની ફર્શ ઉપર પછાડતો દમામથી આગળ વધી ગૃહની અંદર પ્રવેશ્યો. સભાગૃહમાં ફેલાયેલા પ્રકાશમાં તેનો ચહેરો ઝળહળી ઉઠયો. મારી આંખો પહોળી થઇ.
“ દાદા...! તમે....! ” મારા ગળાની ફાટેલ સ્વરપેટીમાંથી ઘોઘરો અવાજ નીકળ્યો. વીરસિંહ જોગી.. એટલે કે મારા દાદાને અહી સ્વર્ગનાં સભામંડપમાં જોઇને મને દુનીયાભરનું આશ્વર્ય ઉદ્દભવ્યું.
“ ત..ત..તમે...અહી કયાંથી...? ” ગેંગેં- ફેંફેં થતાં હું એટલું જ બોલી શક્યો. મારી નજરો આપોઆપ નીચી ઢળી ગઇ હતી. મને આવી કઢંગી હાલતમાં જોઇને જરૂર તેમને દુઃખ થતું હશે. જોગી ખાનદાનનાં વારસને આવી આપત્તીજનક સ્થિતીમાં જોવાની કલ્પના સૃધ્ધા તેમણે ક્યારેય કરી નહી હોય.
“ દીકરા....! તારે જ્યાં હોવું જોઇએ ત્યાં તું નથી... એટલે જ્યાં મારે ન હોવું જોઇએ ત્યાં આવવું પડયું... ” એકદમ સૌમ્ય અવાજે તેઓ બોલ્યાં.
“ હેં...! શું કહયું તમે... ? અત્યારે કયાં હોવું જોઇએ મારે...? ” અપરંપાર આશ્વર્યથી હું મારા દાદાને તાકી રહયો.
“ આપણાં રાજ્યમાં...! ”
“ આપણા રાજ્યમાં....? ” હું કંઇ જ સમજતો નહોતો. મારી બુધ્ધી જાણે બહેર મારી ગઇ હતી.
“ હાં...! આપણા રાજ્યમાં. “ ઇન્દ્રગઢ ” ને તારી જરૂર છે, આ “ ઇન્દ્રસભા ” ને નહી. ” દાદા મારી વધું નજીક આવ્યા. ” અને અત્યારે જ જો તું “ ઇન્દ્રગઢ ” નહી પહોંચે તો હું આ છડીથી તને ઠમઠોરીશ, સમજ્યો..! “ અચાનક જ દાદાએ તેમનાં હાથમાં પકડેલી મજબુત સીસમની છડી હવામાં ઉઠાવી અને ગુસ્સાભર્યા સ્વરે મારા પર ઉગામતા બોલ્યાં.
( ક્રમશઃ- )
લેખકઃ- પ્રવિણ પીઠડીયા.
આપને નો-રીટર્ન-૨ કેવી લાગી એ પ્રતીભાવ ૯૦૯૯૨૭૮૨૭૮ પર લેખકને વોટ્સએપ કરી શકો છો. અથવા તેમની સાથે ફેસબુક પેજ Praveen Pithadiya સાથે જોડાઇ શકો છો.
આ ઉપરાંત મારી અન્ય નવલકથાઓ..
નો- રીટર્ન.
નસીબ.
અંજામ.
નગર.
આંધી..વગેરે માતૃભારતી પર વાંચી શકો છો.
ધન્યવાદ.