Zeharna Ropa books and stories free download online pdf in Gujarati

ઝેરના રોપા

ઝેરના રોપા

આજકાલનો જમાનો એટલે તીવ્ર – ગળા કાપ-શ્વાસરુંધતી હરીફાઇઓનો જમાનો.પહેલાં પણ હરીફાઈઓ થતી હતી.. ના નહી. પણ એની ગતિ ધીમી હતી. એને આજના મોબાઈલ-નેટ યુગનો ‘સ્પાર્કલીંગ સપોર્ટ’ નહતો. એ યુગ એટલે 15 પૈસાનું પોસ્ટકાર્ડ 4-5 દિવસે માંડ પહોંચતો ટપાલ યુગ. જ્યારે આજનો યુગ તો સુપરફાસ્ટ. દુનિયાના કોઈ પણ દેશમાં ઇમેલ થકી મીનીટોમાં વાત થઈ જાય, વીડીઓ ચેટ થઈ જાય, કોમ્પ્યુટરના વિવિધ સોફ્ટવેર દ્વારા નવા નવા પ્રેઝંટેશનો થઈ જાય, 2ડી થ્રી ડી ઇમેજીસ બની જાય, ફોટો..વીડીઓ ડાઊનલોડ –અપલોડ..બધું જ બહુ આંગળીના ટેરવાની કરામતથી ખૂબ જ સરળ અને ફાસ્ટ. ટેકનોલોજીના આ ધરખમ સપોર્ટથી બધા રાતોરાત સ્માર્ટ બની ગયા હોય એવું લાગે છે.જે પણ નવું સોફ્ટ્વેર કે મોબાઈલના નવા નવા એપ્સ હોય લોકો તરત જ એને સાનુકૂળ થઈ જવા લાગ્યા છે, પોતાના જીવનમાં એનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય એ વિચારવા લાગ્યા છે.

પહેલાં દર 20 વર્ષે પેઢી બદલાતી હતી ત્યારે આજે એ 5-5 વર્ષના ગાળામાં ફેરવાઈ ગઈ છે. પહેલાં 40 વર્ષનો બાપો એના દીકરાને કહેતો કે ‘અમારા જમાનામાં તો આમ થતું ને તેમ’ત્યારે આજે 10 વર્ષનો નાનો ભાઈ એના 15 વર્ષના મોટા ભાઈ કે બેનને કહેતો નજરે પડે છે કે,

‘રહેવા દો, બહુ માથુ ના મારો. તમને અમારી પેઢીની વાતમાં કંઈ સમજ ના પડે.તમારા જમાનાની વાત તો અલગ હતી !!’

આ બધી સ્થિતીમાં માણસ જીવનમાં આગળ વધવા માટે, પોતાના સ્વપ્ના પૂરા કરવા માટે હંમેશા એક ભીડમાં ઉભો હોય એમ અનુભવે છે..ચારેબાજુ એના જેવા ઢગલો માણસોનું ‘માણસિયારું!’ આ બધાને હરાવીને આગળ કેમ વધી શકાય ? માનવીનું મગજ સતત એના વિચારોમાં જ ગુમ. એને બરાબર ખ્યાલ છે કે આજકાલ વફાદારી અને નિષ્ઠાથી કામ પૂરું કરી લેવું એકલું મહત્વનું નથી..એની સાથે સાથે કામ ‘યોગ્ય જગ્યાએ યોગ્ય સમયે યોગ્ય રીતે’ પ્રેઝન્ટ થાય એ પણ અતિમહત્વપૂર્ણ કાર્ય છે.

આજના લાગણીવિહીન જમાનામાં તમારી પ્રામાણિકતા- નિયમીતતા જેવા મૂલ્યોની કોઇ કદર નથી. થોડા સમયમાં સહેજ પણ વપરાશ ના હોવાના કારને ‘નમકહરામી કે નમક હલાલી’ જેવા શબ્દો ડીક્ષનરીમાંથી નીકળી જાય તો કોઇ નવાઈને સ્થાન નથી. લોકોને બધ્ધે બધું સ્માર્ટ અને ફ્રેશનેસની ફ્લેવર ધરાવતું વર્ક ગમે છે. થોડું પણ આડુંઅવળુ કામ રેઢિયાળપણામાં ખપી જાય. અણી ચૂક્યા અને તમારું પત્તું કટ. કારણ..માંગ કરતા ઉત્પાદન વધારે.ઇકોનોમિક્સની થીયરી યાદ છે ને ? એક ભૂલ અને આઊટ. કોઈ જ ‘ટાઇમ પ્લીઝ’ ની ફેસીલીટી ના મળે એમાં તરત જ ‘નેક્સ્ટ’ બોલાઈ જાય અને તમારી જગ્યાએ બીજો કોઇ આવીને ઉભો રહી જાય.

પરિણામે માનવીએ સફળ થવા માટે તનતોડ મહેનત ઉપરાંત પોતાનાથી આગળનાની પારાવાર દાદાગીરી..આડોડાઈ સહન કરવી પડે છે. પાછ્ળનાથી સાચવવાનું – એનાથી વધુ સ્માર્ટ –વધુ અપડેટ રહેવાનું અને આગળનાને ફ્લેક્સીબલ થઈને સહન કરતા જવાનું. ચોતરફથી અથડાતો કૂટાતો કધોણા પોતાની જેમ તાર તાર થઈ જાય છે. પરિણામે માનવીમાં ધીમે પગલે ‘જડતા – મતલબીપણું ‘ જેવા અવગુણો પેદા થતા જાય છે. એની બધી સારાઈ..બધા ગુણો અકળામણની ભઠ્ઠીમાં શેકાઈને વરાળ બનીને હવામાં છૂ..ઉ..ઉ !

બધીય તકલીફોના પહાડ સફળતાથી પસાર કરીને આખરે હજારોમાં એક માઈનો લાલ સફળતાને ચૂમી શકે છે. માનસિક –શારિરીક પ્રતાડના સહન કરીને મક્કમ મનોબળ સાથે પોતાની મનધારેલ ઊંચાઈએ પહોંચી જાય છે. હવે એને થોડો પોરો ખાવાનો સમય મળે છે. આ જગ્યાએ હરીફાઈ ઓછી હોવાથી એને થોડી સ્પેસ વધારે મળે છે. એની પાછ્ળ એને ધક્કો મારીને એની જગ્યા પચાવી પાડવા એની વિરુધ્ધના કાવાદાવાઓ રચનારું કોઈ હરીફ લગોલગ અડીને નથી ઉભું હોતું.

હાશ ! પોરો ખાઈને ઉભો થયેલો માણસ હવે સાવ બદલાઈ જાય છે.ફેફસામાં હાશકારાનો શ્વાસ ભરતા ભરતા પોતે ભોગવેલી યાતનાઓની રીલ એની નજર સમક્ષથી પસાર થતી જાય છે..દાંત પર દાંત ભીડાઈ જાય છે. આખી દુનિયા સામે બદલો વાળવાની તીવ્ર ઇચ્છાનું મોજું એના તન–બદનમાં ફરી વળે છે.

પછી..પછી શું ?

એ જ વિષચક્ર ચાલુ..ફક્ત પાત્રો બદલાઈ જાય છે.. હરીફાઈમાં પીસાતો માનવી લાખોની જનમેદનીને વીંધીને મોખરે આવીને ઉભો છે. કાબેલિયત – કવીકનેસ ના બતાવી શકનારને પળનાય વિલંબ વિના એની જગ્યાએથી ખસેડી શકીને ‘નેક્સ્ટવન’ બોલી શકવાની મહાન સત્તા એને મળી ચૂકી હોય છે. પીડાની જે તીવ્રતા પોતે ભોગવી ચૂક્યો છે એનું બધું ય ખુન્નસ અજાણતા સામેવાળા પર જ નીકળી જાય છે… મેં બહુ સહન કર્યુ છે ત્યારે આ લેવલે પહોંચ્યો છું…હવે મને પણ હક્ક છે કે મારે મારાથી નીચેના જોડે એ જ પ્રમાણે વ્યવહાર કરવો.

અતિબુધ્ધિશાળી અને સફળ માનવી એ નથી વિચારતો કે આમ તો એ પોતાના જેવો જ બીજો ઝેરીલો માનવી ઉભો કરી રહ્યો છે. એને એક સામાન્ય વાત નથી સમજાતી કે એણે જે સહન કર્યુ..જે ઝેર પીધું એનું મંથન કરીને અમૃત કાઢવાની વિચારસરણી અપનાવવી જોઇએ. પોતે જે ભોગવ્યુ એ તકલીફો બીજાના નસીબમાં લખીને એનો ભાગ્યવિધાતા બનવાની કોશિશ શું કામ કરવાની ? એની સફળતની દોડમાં ‘હર્ડલ’ઉભા કરવાને બદલે મજબૂત રોલર બનીને એનો રોડ ‘સ્મૂધ’કરવાની હકારાત્મકતા કેમ ના વિકસાવી શકાય? ક્યાં સુધી આમ એક્માંથી બે..બેમાંથી બસો..બસોમાંથી બે હજાર..ઝેરના છોડની વાવણી કર્યા જ કરવાની? એના બદલે એ ઝેરને પોતાની અંદર જ પચાવીને એમાંથી અમ્રુત બનાવવાની હામ કેમ ના ભીડી શકાય.ઝેર પીને અમીના ઓડકાર કેમ ના ખાઈ શકાય ?

આવું થાય તો આ બધા જ ઝેરના રોપા રોપણી થતા પહેલા જ બળી જશે અને એક સ્વસ્થ –હકારાત્મક સમાજ રચાશે. તંદુરસ્ત વાતાવરણમાં અમૃતના મીઠા સરોવરો રચાશે એવી સમજ – અક્ક્લ આજના કહેવાતા મોર્ડન માનવીઓને ક્યારે આવશે ?

ભગવાન દરેકને સદબુધ્ધિ આપે.

-sneha patel

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED