સંવેદનાનો ખરખરો Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંવેદનાનો ખરખરો

કદાચ પૃથ્વીએ એની ધરી પર ફરવાની સ્પીડ વધારી લીધી લાગે છે.ચારેબાજુ દોડતી જનમેદની પોતાની આયુનો લગભગ પોણો ભાગ તો દોડવામાં જ ગાળતી હશે અને બાકીનો પા ભાગ હાંફતા હાંફતા ઉભા રહીને શ્વાસ લેવામાં ! શ્વાસ – ઉચ્છવાસની આ પળોજળને પહોંચી વળવા માનવીએ એના દિમાગની ધારને સતત તેજ કરતા રહેવું પડે છે. દિમાગના ચાલતા જબરદસ્ત વર્ચસ્વ નીચે એને પોતાના દિલની વાત સાંભળવાનો..સમજવાનો સમય જ નથી મળતો. ‘ખાટલે મોટી ખોટ’ પાછી એ કે દિલ એ ‘ફાસ્ટ ફૂડ’ના ગુણધર્મો નથી ધરાવતું કે જે બે મીનીટમાં સમજાઈ જાય. એના માટે ધીરજ, પ્રેમ, સમજણ બધાં મસાલાની ભરપૂર જરુરિયાત રહેલી છે.

દિલની નાજુક લાગણી એટલે સંવેદના. તકલીફો બધી આ સંવેદનાની જ તો છે. હાડમારીભરેલ ધમાલિયા જીવનમાં આજનો માનવી બેધ્યાનપણે એની સંવેદના ગુમાવતો જાય છે. ‘ફૂલોનું ઉગવું ને ખરી પડવું’ તો હવે જૂનું થયું એક ‘આખે આખો પોતીકો માણસ ઉગી જાય ને ખરી પડે’ તો પણ વર્ષો સુધી જાણ નથી થતી.દુનિયા આખીની ઘડિયાળ પોતાના ઉષ્ણ કાંડે બાંધીને સૂર્ય રોજ ઉગે છે આથમે છે આવી નાની નાજુક ચમત્કારીક અનુભૂતિ તરફ ધ્યાન આપવાનો એની પાસે સમય જ નથી. જે અનુભવાતું નથી એનો સ્વીકાર તો કેમનો થાય..પરિણામે ‘તર્ક અને અનુભૂતિ’ એક મ્યાનમાં બે તલવાર જેવી વાત થઈ જાય છે. ખાસ તો કંઇ ગુમાવવાનું નથી હોતું બસ એ ઇશ્વરના નાના નાના ચમત્કારોથી દૂર થતો જાય છે.એને સમજવાની શક્તિ ગુમાવતો જાય છે.

આ બધાંયની અસર તમે આજકાલના પિકચરો, ગીતોમાં બહુ જ સારી રીતે અનુભવી શકશો.

પહેલાંના જમાનામાં પિકચરનો હીરો હીરોઇનનો હાથ પકડે અને એની નજીક જાય, ધીમે ધીમે એના મુખથી નજીક એનું મુખ લઈ જાય અને પછી બે ગુલાબના સરસ મજાના ફૂલો દેખાય. એક ફૂલ બીજા ફૂલની નજીક..ઓર નજીક જાય અને દર્શક સમજી જાય કે આના દ્વારા શું કહેવાઇ રહ્યું છે ! એ સમજ સંવેદનશીલ દર્શકના રુંવાડા ઉભા કરી દે..થૉડા વધુ સેન્સીટીવ લોકો એ હીરો કે હીરોઈનની જગ્યાએ પોતાને મૂકીને કલ્પાના-જગતમાં બે પળ આંટો પણ આવે. અદભુત ફેન્ટ્સી ! ગીતોના શબ્દો પણ કેવા સરળ. કેટલા ઓછા વાદ્ય સાથે સંગીતના ધીમા, મીઠા સૂર સાથે સતત કેળવાયેલા ગાયક -ગાયિકાના કંઠમાંથી રેલાતા એ મીઠા, સરળ શબ્દો સીધા હ્ર્દય સોંસરવા જ ઉતરી જાય. દરેક સંદર્ભો સ્પષ્ટ રીતે પોતાના માનસ પર ઝીલનાર દર્શક પણ એ વખતે બુધ્ધિશાળી જ હતો..કદાચ આજના કરતાં એ વખતે એને વધારે બુદ્ધિ વાપરવાનો વારો આવતો કારણ જે નથી દેખાતું, કહેવાતું એ સમજવાનું છે અને એ જ સમજણ એ દર્શકોની સંવેદનશીલતાને અકબંધ રાખવામાં મદદરુપ થતી.

ધીમે ધીમે દર્શકોની માંગ,સમાજની કડવી સચ્ચાઇ, ટીઆરપીની માથાપચ્ચી, કમરતોડ હરીફાઈઓ, માંગ કરતાં પૂરવઠો વધારે, પોતાની બેલેન્સશીટ બેલેન્સ કરવાની મજબૂરીઓ આ બધા પરિબળો ડીરેક્ટરને શોર્ટકટીઆ રસ્તાઓનું દિશાસૂચન કરતાં દેખાય છે.

અને ચાલુ થાય છે એક સિનેમામાં આવડત, કલાનો નફ્ફટ ઉઘાડેછોગ વ્યાપાર.

હીરોઇનો એકટીંગ કરવાનું મુખ્ય ઉદ્દેશ ભૂલીને વિચારે કે કયા કપડામાં કેટલું શરીર દેખાશે, શરીરના જે વળાંકો દર્શકોને ગલગલિયા કરાવી શકે એ ઉજાગર થાય છે કે નહી અને એ ઉઘાડા અંગોને કોરિયોગ્રાફર એની કલા મારફતે..(!!)વળી ઓર મદદ કરે છે. કયા અંગને કેટલી ડીગ્રીમાં કેટલું ફરકાવવું, થીરકાવવું બધાંય સ્ટેપ્સની રજેરજ સમજૂતી આપીને એમની જોડે ડાન્સ કરાવે છે.એમાં સાથ પૂરાવે છે લેટેસ્ટ મ્યુઝિકલ ઇન્શ્ટ્રુમેન્ટસ..જેનો ફાયદો ઉઠાવીને ગમે તેવા ચીપ -દ્વિઅર્થી શબ્દોવાલી લિરિક્સ પણ ખૂબ સરળતાથી આજકાલની ‘ટેબલેટી – હાઈટેક’ પ્રજાના મુખે રમતી મૂકી શકાય છે..દર્શકો આગળ બધું એકદમ ઉઘાડે ઉઘાડું મૂકી દેવાય છે..વિચારવાનો – કલ્પનાશક્તિને મોકો શાને મળે..એટલી મહેનત એ કરશે તો અમે તો ભૂખે મરી જઈશું ! સત્ય તો નગ્ન હોય છે..કડવું હોય છે. હીરો હીરોઈનને કીસ કરે છે, એને ભેટે છે, એના અંગો સાથે ઉત્તેજક રીતે અડપલા કરે છે..બધ્ધે બધ્ધું દર્શકોની માંગના દબાણમાં આવીને વઘારાઇ જાય છે..પહેલાનાં જમાનામાં હીરો હીરોઇનનો પહેલી વાર હાથ પકડે તો પણ એક નાજુક ગીત આવી જાય..

‘ન જાને ક્યા હુઆ જો તુને છૂ લીયા

ખીલા ગુલાબ કી તરહ બદન.’

જ્યારે આજે તો હીરો હીરોઇનને આખે આખી પકડી લે ઉપરાંત ડાન્સની કોરિયોગ્રાફીની માંગાનુસાર એની આજુબાજુ ઉછળતા કૂદતાં છછુંદરો પણ એને અડપલાં કરતાં હોય..અંદરખાને બધા એક વિક્રુત આનંદની સરવાણીમાં ભરપૂર નહાતા પણ હોય છે..ધાડધાડ કરતું મ્યુઝિક, બે ચાર ટપોરી ટાઈપના સ્માર્ટ અંગ્રેજી – ઉર્દૂ- ટપોરી – ચિત્ર-વિચિત્ર શબ્દો..અંગોપંગોનું બિભત્સ કામોત્તેજના જગાવવાના ઇરાદાઓ સાથે પીરસાતું નૃત્ય..અને બની જાય એક સુપરહીટ ગીત..વાત આટલેથી જ ક્યાં અટકવાની..પછી તો રોજ એનો રેડિયો પર રીતસરનો મારો થાય..ટીવીના ‘ડેઈલી સોપ’માં પિકચરનો ફેમસ થઈ ગયેલો ડ્રેસ પહેરીને એ જ લટકાં ઝટકાં કરતાં થૉડી કૂદાકૂદ કરી લેવાની..થૉડા વલ્ગર ડાયલોગો ફટકારીને આંખોના ઇશારાઓ ઉલાળી દેવાના.. ફિલ્મ રીલીઝ થાય ત્યાં સુધીમાં દરેક નાના મોટાના મોઢે ના ઇચ્છવા છતાં અરે શબ્દોનો પૂરતો મતલબ પણ ના સમજાતો હોય તો ય ‘ચીકની ચમેલી, ઉલાલા… ઉલાલા તૂ હે મેરી ફેન્ટસી..મુન્ની બદનામ હુઇ’ જેવા ગીતો રમતાં થઈ ગયા હોય છે..છેલ્લે પરિણામ એ આવે છે કે પિકચરની વાર્તા કેવી છે, હીરો હીરોઈનની એક્ટીંગ કેવી છે બધું ય બાજુમાં મૂકાઈને દરેક નાનેરા મોટેરા એક વાર તો એ પિકચરના પૈસા ખરચવા તૈયાર થઈ જ જાય છે..જબરદસ્ત માર્કેટીંગ સ્ટ્રેટેજીનો ભોગ બને છે અને એક વીકમાં તો બધી પોલંપોલ બહાર આવી જતા એ પિકચરના પાટીયા બદલવાનો દિવસ આવી જાય છે.પણ નિર્માતાએ તો પોતાના પૈસા અને ઉપરાંત સારો એવો પ્રોફીટ આ એકાદ વીકમાં જ વસૂલી લીધો હોય છે.

દર્શકોને છેતરાયાનો અફસોસ નથી થતો અને નિર્માતાઓને દર્શકોની માંગના ઓથા હેઠળ એમને ઉલ્લુ બનાવીને પોતાનો ઉલ્લુ સીધો કરી લેવાનો અનોખો સંતોષ પણ મળી રહે છે.

લટકામાં છોકરાંઓ આ દ્વિઅર્થી શબ્દોનો મતલબ સમજ્યા વગર આધુનિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ તૈયાર કરીને બનાવાતી ઇનસ્ટંટ કર્ણપ્રિય ધૂનોના કારણે આખો દિવસ ગણગણ કરતાં જ રહે છે..એમના મોબાઈલની રીંગટોનમાં પણ એ ગમે ત્યાં રણકી ઉઠે. એવા સમયે સંવેદનશીલ, સમજુ મા – બાપની હાલત કફોડી થઈને ઉભી રહે છે..આમાં વાંક કોનો કાઢવો હવે..છોકરાંઓને ક્યાં ક્યાંથી બચાવવા જેવા યક્ષપ્ર્શનો એમની સામે મોઢું ફાડીન ઉભા રહે છે.અંતે તો એ લોકો કશું જ નથી કરી શક્તાં. લાચારીની ચરમસીમા..!

ઘણીવાર વિચાર આવે કે પહેલાંના જમાનામાં માત્ર તબલા, સારંગી, વાંસળી, હાર્મોનિયમ જેવા ગણ્યાં ગાંઠયા વાજિંત્રો મનને જે સકુન આપતા હતા..શાંતિ બક્ષતા એ ઢગલો સુવિધાઓ ધરાવતા આધુનિક ઇનસ્ટ્રુમેન્ટથી કેમ નથી મળતી ?માનસિક તાણના ઉપાય સ્વરુપે જેનો ઉપયોગ કરાય છે એવી મ્યુઝિક થેરાપીને તો કદાચ કોઇ નવી ધૂન મળતી જ નહી હોય. આને ઉર્ધ્વ ગતિ કહેવાય કે..અધોગતિ..?

પહેલાંના જમાનામાં સંગીત ગીતને કર્ણપ્રિય બનાવવામાં મદદરુપ થતું હતું..ગીતો સરળતાથી યાદ રહી જતા..જ્યારે આજે મ્યુઝિકમાંથી શબ્દો ફંફોસીને શોધવા પડે છે..શબ્દોના અર્થ તો વળી બહુ દૂરનો સંબંધી.. આજે આવેલું ગીત બે ચાર અઠવાડીઆમાં તો ચવાઈ જાય..કૂચેકૂચા થઈ જાય..એક મહિના પછી તો યાદ પણ ના રહે.લોકપ્રિય સંગીતની ટીકા કરતાં ગીતોમાં શબ્દોનું મહત્વ ઘટતું જવા અંગે ખેદ વ્યક્ત કરતાં જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે હમણાં જ જણાવ્યું હતું કે ‘‘જુના ગીતો હજુયે શ્રોતાઓની સ્મૃતિમાં જળવાઇ રહ્યા છે. તેનું કારણ શબ્દ અને સુમધુર તરજોનું સંયોજન છે. પરંતુ આજે આઇટમ સોંગ્સના જમાનામાં શબ્દોનું ઊંડાણ રહ્યુ નથી.’’

આ બધામાં અજાણતાં જ પેલી સંવેદનશીલ, નાજુક લાગણીનો બલિ ચડાયાની વાત તો કોઇને ધ્યાનમાં જ નથી આવતી.. ! સંવેદનાનું સંતાન અનુભૂતિ ફકત મોઢું વકાસીને રહી જાય છે. પોતાના જન્મ પહેલાંના મરણ માટેની ફરિયાદ કરે છે..

‘થોડો સમય તો આપ

ઓ સંવેદનાની દેવી

હું

અનુભૂતિ.’

-sneha patel