દુનિયાને બદલી શકાય છે!
સવારે રિક્ષામાંથી ઊતર્યો અને ઈયર-ફોન્સ ભરાવ્યા . પ્લેલિસ્ટ શફલ મોડ પર મૂકીને મારી મસ્તીમાં ચાલતો જતો હતો . સવારનો સમય હતો એટલે રોડની એકબાજુ 30-40 જેટલા લોકો ટોળે વળીને ઊભા હતા . એમના દીદાર અને અધીરાઈ જોઈને લાગતું હતું કે બધા મજૂર-વર્ગના છે , અને એમને કામ પર લઈ જવા આવતા છકડા કે એવા કોઈ વાહનની રાહ જોઈને ઊભા છે .
હું બધાંના ચહેરા જોઈ રહ્યો હતો, એમની જિંદગી કેવી હશે એની કલ્પના કરતો હતો . જે વાતો કરતા હતા એ બધાંના દાંત લાલાશ પડતા હતા , કેટલાક ત્યારે પણ ગલોફામાં ભરીને માવો કે મસાલો ચાવતા જ હતા . હું એમની બાજુમાંથી જ પસાર થયો , રોડ પર ઠેકઠેકાણે તાજી કે આગલા દિવસોની પાન-મસાલાની પિચકારીઓ દેખાતી હતી . કેટલો સરસ રોડ છે , એકદમ ચકચકાટ ! એને આ લોકોએ પિચકારીઓ મારી-મારીને રોડ ઓરિજનલ કયા કલરનો હતો એ જ ના ઓળખાય એવો બનાવી દીધો છે . મનમાં દેશની સંપત્તિનો દેશના જ નાસમજ લોકો કેવો કચરો કરી નાખે છે એનો અફસોસ થયો, અને વિચારો ચાલુ થયા :" કાશ આ લોકો થોડું ભણેલા હોત , તો એ આવું ના કરત . જે દેશની ચોથા ભાગની વસ્તી અશિક્ષિત છે , ત્યાં ગમ્મે એટલી સારી વસ્તુ બનાવીને આપો , એનો દુરુપયોગ થવાનો જ . આ લોકોને એવું તો શિખવાડવામાં જ નથી આવ્યું કે ભાઈ આ દેશની એટલે કે આપણાં સૌની સંપત્તિ છે , એને આ રીતે બગાડાય નહીં . જ્યાં સાંજે રોટલા-ભેગા થવાશે કે નહીં એ જ પ્રાણ-પ્રશ્ન હોય ત્યાં દેશ ને દેશભક્તિ ને રાષ્ટ્રીય સંપત્તિ ને એવું બધું શું સમજે એ લોકો ? કોણ સમજાવે ? કાશ એ થોડા શિક્ષિત હોત !"
બરાબર એ જ સમયે મારી વિચાર-શૃંખલાને તોડતી એક કાર પસાર થઈ . રાષ્ટ્રીય સંપત્તિ ગઈ તેલ પીવા , આ વ્યક્તિગત સંપત્તિ તો જો બૉસ !! શું લાગે યાર ...!! મનોમન જ અડસટ્ટો વાગી ગ્યો કે આરામથી 30-40 લાખની તો હશે જ ! પવનને ચીરતી એ નીકળી અને હું તાત્કાલિક મોહી પડ્યો . કાર જસ્ટ થોડેક જ આગળ ગઈ હશે, અચાનક ઝડપથી એનો લેફ્ટ સાઇડનો ડોર થોડોક ઓપન થયો , એક માથું જરીક બહાર નીકળીને નમ્યું અને પચ્ચ કરીને પિચકારી મારી ... ચાલુ ગાડીએ , રોડ પર જ !! મારા રૂંવે-રૂંવે આગ લાગેલી , હાથમાં રહેલો મોબાઈલ એના માથા પર છૂટ્ટો મારવાનું મન થઈ ગયું . પણ એક ગમાર ગધેડા માટે મારો મોંઘેરો ફોન થોડો બગાડાય ?
સળગતા દિમાગ સાથે એ જ એકદમ તાજજી પિચકારીની બાજુમાંથી પસાર થયો . રોડ પર એક લાલ-ચટ્ટાક ડાઘ પડી ગયેલો . પેલી હારબંધ પિચકારીઓની સરખામણીમાં મને આ એક " શિક્ષિત પિચકારી " વધુ વસમી લાગતી હતી . અજાણતાં જ મારી નજર પાછી વળી , પેલા ટોળા બાજુ , અને મન બોલી પડ્યું : " એમાં તમારી કોઈ ભૂલ નથી ! "
.
મારા ફેસબુક વૈભવ અમીને આ પોસ્ટ મુકેલી. છેલ્લી લીટી ફરી વાંચો: " એમાં તમારી કોઈ ભૂલ નથી ! " આખા દેશનો કેટલાયે વર્ષોનો ઘાણવો દાજેલો છે!
એની વે. સોલ્યુશન છે. આપણા દેશના,આખા વિશ્વના, અરે....આખી માનવજાતના દરેક પ્રોબ્લેમનું એક મસ્ત મજાનું, સાવ સહેલું સોલ્યુશન છે. એ સોલ્યુશન આજકાલ આપણે યુવાનોએ વાંચ્યા-જાણ્યા-સમજ્યા-પચાવ્યા વગર વખોડી-હસી નાખેલો બંદો આપી ગયો હતો. એ સોલ્યુશન કહું એ પહેલા બીજી સાચી ઘટના કહી દઉં:
હું મારી બાઈક લઈને વડોદરા ટ્રાફિકમાં જઈ રહ્યો હતો. મારી થોડે આગળ સાઠેક વરસનો માણસ બાઈક લઈને જઈ રહ્યો હતો. અચાનક તેને બિચારાને ચક્કર આવ્યા હશે, તેણે બાઈકનો કંટ્રોલ ગુમાવ્યો અને તે નીચે પડ્યો. તેને વધુ વાગ્યું નહી, પણ તેના હાથ-પગ ડામર સાથે ઘસાવાથી લોહી નીકળવા માંડ્યા. મેં મારી ગાડી ધીમી કરીને જોયું. કોઈ ઉભું ના રહ્યું. સૌ કોઈ ઉભા રહેવાનો વિચાર કરતા હતા, પરંતુ ખચકાઈને લીવર આપી દેતા હતા. મેં બાઈક રસ્તાની સાઈડમાં ઉભી રાખી, અને બાજુમાં દોડી ગયો. કાકાને બેઠા કર્યા. તેમના હાથ પર મારો રૂમાલ બાંધી દીધો. તરત જ મારી બાજુમાં એક બહેન સ્કુટી ઉભી રાખીને મને મદદ કરવા લાગ્યા. બે જ મિનીટમાં બીજી દસ બાઈક ઉભી રહી અને સૌ કોઈ મદદ કરવા લાગ્યા. એમ્યુલન્સ આવી. હું એમ્બ્યુલન્સમાં પેલા કાકા સાથે બેઠો. કાકાને હોસ્પીટલમાં સારવાર કરાવી હું પાંચ કલાક પછી મારી બાઈક લેવા રોડ પર આવ્યો. થોડા દિવસ પછી એ કાકાએ મને ચા પીવા બોલાવ્યો. અમે દોસ્ત બન્યા. મારી વાતો હંમેશા મોટી-મોટી અને દુનિયા બદલવાની હોય છે. એવી જ એક વાત પછી કાકાએ મને કહ્યું: તું આ લોકોને-દુનિયાને ક્યારેય બદલી નથી શકવાનો જીતું-બેટા!
હું મુસ્કુરાયો એમની સામે.
એમને પ્રૂફ જોઈતું હતું. મેં કહ્યું: ખબર છે અંકલ...તે દિવસે તમને મદદ માટે હું ઉભો રહ્યો, પછી માત્ર બે જ મિનીટમાં બીજા દસ લોકો દોડી આવેલા? ખરેખર તો તમારી હાલત જોનારા દરેકની અંદર દયાભાવ હતો, મદદની ખેવના હતી, પણ તમને ખબર છે મેં શું કર્યું? હું ઉભો રહ્યો. મારી અંદર પડેલા લાગણીના સમુદ્રમાં જે મોજું ઉદભવ્યું એ બીજા લોકોની અંદરના રણકાર કરતા મોટું હતું. બસ મેં દુનિયા ત્યારે જ બદલી નાખી...જયારે હું બદલાવ બન્યો, દુનિયા બદલી ગઈ. હું મદદ બન્યો, દુનિયા મદદ માટે આવી ગઈ. હું તમારી પીડાને રૂમાલ બાંધવા લાગ્યો, દુનિયા મને પોતાનો રૂમાલ આપવા લાગી. અંકલ...તે દિવસે હું ઉભો ના રહ્યો હોત તો દુનિયા અલગ હોત. તમારું લોહી થોડું વધારે નીકળ્યું હોત. બીજું કોઈ જરૂર ઉભું રહ્યું હોત, પણ અત્યારે થોડા માણસોની અંદર પડેલા લાગણીના મોજાઓને વધુ ઉછાળવાનું આત્મ-ગૌરવ મને મળ્યું છે. અંકલ ભલે તમે ના માનો...પણ હું આ વાત તમને કહું છું ત્યારે પણ હું દુનિયા બદલું છું. અને આ ક્ષણે હું દુનિયાને છાતી ઠોકીને કહી શકું છું કે- દોસ્ત...ફર્ક પડે છે. આ દુનિયાને તમારાથી બદલી શકાય છે. જખ મારીને દુનિયાને બદલવું પડે છે. બસ તમારા હૃદયમાં ખેવના હોવી જોઈએ. નાનકડો સારો બદલાવ લાવવાની ખેવના. અંકલ મેં તે દિવસે પેલા દસ માણસોને બીજાઓને મદદ કરતા કરી દીધા છે. ખબર છે?
તમને ખબર છે...મારા એ શબ્દોએ એ માણસને બદલેલો. મને એ બદલાવ આજકાલ તેને મળીને દેખાય છે. મારા શબ્દો વાંચીને તમારા હૃદયમાં રહેલા લાગણીના સમુદ્રને પણ મેં ઉછાળ્યો છે. મેં એકવાર કહેલું, ફરી કહું: અબજો વર્ષોથી અવિરત ચાલતી આ પૃથ્વીને તારા મરવાથી કશો ફરક પડવાનો નથી, પરંતુ તારા જીવવાથી ફરક પડે છે. તારા જીવવાના અંદાજથી ચોક્કસ તું કેટલાયે જીવનને અસર કરતો જઈશ.