નાનકડી મીઠી ભૂલો કરો! Jitesh Donga દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નાનકડી મીઠી ભૂલો કરો!

આજના સરદાર-ગાંધી બનવાની રેસીપી!

યુવાનીની ઉપરના આ લેખોની સીરીઝમાં આજે મારે તમને ઘણીવાતો કહેવી છે, પરંતુ એ હું બીજા આવનારા લેખો પર નાખી દઈ રહ્યો છું. મારે તમને નિષ્ફળતાની વાતો કરવી છે, મારે યુવાનીમાં પડતી ટેવો અને કુટેવોની વાતો કરવી છે, પચીસ વરસની ઉમર સુધી રૂપિયા કઈ રીતે રળવા તેની વાતો કરવી છે, અને સરદાર-ગાંધી કે ભગતસિંહ એકવીસમી સદીના યુવાન હોત તો એમનો જીવવાનો અંદાજ કેવો હોત એ મારે કહેવું છે. મારે તમને હજુ તો એ પણ કહેવું છે કે યુવાની જેવું કશું હોતું જ નથી! પરંતુ આ બધા પહેલા નેઈલ ગેઈનમેન નામના બેસ્ટ-સેલર અમેરિકન લેખકે University of the Arts in Philadelphia માં યુવાનોને આપેલી કરિયર વિશેની સ્પીચમાં જે સલાહ આપેલી તે સલાહ શબ્દશઃ ગુજરાતી કરીને કહેવી છે. આ વાતો હું પણ કરી ચુક્યો છું, પરંતુ પહેલા નેઈલભાઈને લડવા દઈએ:

સૌથી પહેલું: તમે તમારી કરિયરની શરૂઆત કરો ત્યારે તમને કોઈ આઈડિયા હોતો નથી કે તમે શું કરી રહ્યા છો! આ ખુબ સારી વાત છે! જે માણસોને ખબર હોય છે કે તેઓ શું કરી રહ્યા છે તેમને તે કામના બધા નિયમો પણ ખબર હોય છે, અને તેમને શું સંભવ છે એ પણ ખબર હોય છે. પરંતુ જયારે માણસને શું સંભવ છે અને શું અસંભવ છે તેની ખબર છે ત્યારે એ અસંભવ કામ કરતો જ નથી કારણકે તેને ખબર છે કે તે સંભવ નથી! તમને શરૂઆતથી જ ખબર નથી, અને ખબર પાડવી પણ નહી..

બીજું: જો તમને કઈ ખબર ન હોય કે તમારે શું કરવું છે, તમે આ ધરતી ઉપર શું કરવા માટે આવ્યા છો, અથવા કોઈ કામમાં આગળ શું કરવું...ત્યારે એક જ કામ કરવું: ઉભા થાવ અને એ કામ કરી નાખો. કામમાંથી પસાર થાવ. આ જેટલું સંભળાય છે તેથી અઘરું છે, અને તમને કામ પૂરું થાય ત્યારે જ ખબર પડે છે કે તમે વિચાર્યું હતું તેના કરતા તો આ સહેલું છે! હું લખવા માંડ્યો એટલે જ લખતા શીખ્યો! મને મારું ગમતું કામ નહોતી ખબર ત્યારે હું એવા દરેક કામ કરતો જેમાં મને એડવેન્ચર જેવું લાગતું. હજુ પણ હું એવું જ લખું છું જે મને સાહસ જેવું લાગે પરંતુ કામ નહી. તમને દરેક કામ કામ જેવું લાગવું જ ના જોઈએ, કોઈ એડવેન્ચર જેવું જ લાગવું જોઈએ. યાદ રાખો: આખી દુનિયામાં કોઈ પાસે નથી અને માત્ર તમારી પાસે જ છે એવી એક જ વસ્તુ છે- તમારી જાત. તમારો અવાજ, તમારું મગજ, તમારું કામ. એટલે એ રીતે જ કામ કરો જે રીતે તમે કરી શકો. જયારે તમને એવો અનુભવ થાય કે જગતની ગલીમાં તમે એકલા જ નગ્ન બનીની જેમ ચાલ્યા જઈ રહ્યા છો ત્યારે કદાચ તમે સાચા છો!

ત્રીજું: તમે જયારે કશુક કરવાની શરૂઆત કરો છો તમને ઢગલો પ્રોબ્લેમ્સ આવીને ઉભા રહી જાય છે. શ્રેષ્ઠ ઈલાજ: તમારે જાડી ચામડીના માણસ બનવું પડે! તમારે શીખી જવું પડે કે દરેક પ્રોજેક્ટ-કામ સફળ ન જાય. અસફળતાની સાથેસાથે માણસને નિરાશા, હતાશા, અને ભૂખમરો આવતા જ હોય છે, તેને ઈશ્વરની ગીફ્ટ સમજીને પસાર થઇ જાવ! એ રોકી શકાય જ નહી. તમારે બધું મેળવી લેવું છે અને તમે ચાહો છો કે કશું ખોટું થાય જ નહી? તમે ટીલું લાવ્યા છો?

ચોથું: મને આશા છે કે તમે ભૂલો કરશો. કારણકે જયારે તમે ભૂલો કરો છો તેનો મતલબ એ થાય છે કે ‘તમે કશુંક તો કરો છો!’ અને ભૂલો પોતાની જાતે જ ખુબ ફાયદાકારક છે. જીવન ક્યારેક અઘરું પડી જાય છે, સંજોગો સમય ખરાબ આવે છે, અને તમને શીખવા મળે છે કે: જીવનમાં, પ્રેમમાં, ધંધામાં, ભણવામાં, દોસ્તીમાં, અને સંબંધોમાં ઘણુબધું આડું-અવળું થતું જ હોય છે. અને જયારે જીવન અઘરું પડી જાય ત્યારે તમારે એક જ કામ કરવું જોઈએ: કોઈ સારું સર્જન કરો! માત્ર ખરાબ દિવસોમાં જ નહી, પરંતુ સારા દિવસોમાં પણ.

અને પાંચમું: તમારું કોઈ સર્જન કરો. એવું કશુંક કરો કે જે તમે એકલાજ કરી શકો. મેં પણ શરૂઆતમાં મારા ગમતા લેખકોની અસર નીચે કોપી લાગે તેવું જ લખેલું હતું. એમાં કઈ ખોટું નથી. આપણો અવાજ ત્યારે જ મળતો હોય છે જયારે આપણે બીજાના અવાજ જેવો અવાજ તો નીકળે! છેવટે તમારો અવાજ, તમારું દિમાગ, તમારી કહાની, તમારી દ્રષ્ટિ મળી જ જશે. એટલે લખો, ચિત્રો દોરો, કશુંક બનાવો, નાચો, નાટક કરો, રમો, અને તમે જેમ જીવી શકો તેમ જ જીવો. આપણું વિશ્વ અત્યારે Transitional world છે. બધું બદલાઈ રહ્યું છે. નિયમો બદલાઈ રહ્યા છે, ટેકનોલોજી બદલાઈ રહી છે, માણસની રોટલી રળવાની રીતો બદલાઈ રહી છે, જીવવાની રીતો બદલાઈ રહી છે, એટલે તમારું કામ કઈ રીતે વિશ્વ સમક્ષ મુકવું એ પણ જાણી લેજો. જુના નિયમો અને વિચારો મરી જઈ રહ્યા છે. જુના વિચારોનો ગઢ બાંધીને બેઠેલા માણસોને પોતાના રાજ્યો ખાલી કરવા પડી રહ્યા છે. હું એક જોરદાર સલાહ આપું છું: તમારા ખુદના નિયમો બનાવો. પછી જાવ...અને જોરદાર ભૂલો કરો, રસ પડે એવી ભૂલો કરો, ચમકે એવી ભૂલો કરો. નિયમો તોડો. અને મરો એ પહેલા દુનિયાને વધુ રસભરી બનાવવી હોય તો કશુક સારું સર્જન કરો!

******

હવે કહી દઉં સરદાર અને ભગતસિંહ વાળી વાતો? એ સમય હતો આઝાદીનો ત્યારે એ માણસોએ સમયની જરૂરીયાતને પારખી. ગાંધીને ખબર પડી કે બેરિસ્ટર બનવા કરતા લડવું જરૂરી છે. ગાંધી માટે એ કરિયર બની ગઈ. સરદારને પોતાની સમજ પણ અંગ્રેજોને ભગાડવામાં લાગી. ભગતસિંહ પોતાનો ગુસ્સો તે રીતે જ પેદા કરવા લાગ્યા. હવે આ ત્રણેય અત્યારે યુવાન હોય તો શું કરે? બળવા? અહિંસાના આંદોલન? ના. અત્યારે આ વિશ્વને જુના સરદાર કે ગાંધીની જરૂર નથી. માણસ સ્વતંત્ર છે જે ધારે તે કરવા માટે. દુનિયાને જરૂર શેની છે? એક સમજેલા સારા માણસની. જે ભ્રષ્ટાચાર વિના, લોભ-લાલચ-કપટ વિના સારી જોબ ધંધો કરતો હોય, જેને માત્ર પોતાનો દેશ જ નહી પરંતુ આખા વિશ્વની પડી હોય, એને રસ્તા પર કચરો ફેંકીને પણ બળતરા થતી હોય, એને જે કોઈ છોકરીની છેડતી જોઈ લોહી ઉકળતું હોય. જે જાગૃત હોય દેશ પ્રત્યે, પોતાની ફરજ પ્રત્યે, જે કોઈ ગરીબને ભણાવતો હોય, શિક્ષણનું મુલ્ય સમજતો હોય, જે સાંજે જોબથી આવીને મોજથી કઈક સર્જન કરતો હોય, ગમતું કામ કરતો હોય, જે લોખંડી હોય પોતાના ચારિત્ર્યથી, જે અવાજ કરતો હોય ખોટા કામ, આતંક અને રાજકારણ માટે. જે ઇન્ટરનેટ પર જીવીને પણ કુદરતને જાણતો હોય, જે મોબાઈલમાં ફેસબુક વોટ્સએપ કરે પરંતુ જયારે દોસ્ત બાજુમાં બેઠો હોય ત્યારે મોબાઈલ અડકે પણ નહી. જે સાહસિક હોય, પોતાના સપનાઓ હોય, પોતાના સપના પાછળ ગાંડાની જેમ મહેનત કરતો હોય.

આજનો ભગત-સરદાર-ગાંધી આવો હોત. મારા માટે તો આવો જ.

બાકીની યુવાની પરની વાતો આવતા લેખમાં...