Dushmano-na Hakkdar - Part-2 Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dushmano-na Hakkdar - Part-2

નામઃ સ્નેહા પટેલ
ઇમેઈલ આઈડી -
ફોન નંબરઃ 99 252 87 440.

૬. પેસીવ સ્મોકીંગઃ
ભૂલ વારંવાર નરબંકા ન કર !
તું અયોધ્યામાં ફરી લંકા ન કર !
આગ સોંસરવી સીતા નીકળી જશે,
રામ જેવો રામ થઈ શંકા ન કર !
પંથી’ પાલનપુરી
આજે બફારો વધારે છે કે એસી બરાબર કામ નથી કરતું ? સમજાતું નથી પણ ઉકળાટ બહુ છે, પરસેવે રેબઝેબ નીતરતા શરીરે મગજ પણ બંધ થઈ જાય છે, એક પણ કામ ઢંગથી નથી કરી શકતો ને અધૂરા કામ જોઇ જોઇને ભયંકર કંટાળો આવે છે. આવુ તો થોડું ચાલે ? ચાલ એસી ચેક કરી જોઉં.’
વિચારીને અર્હમ ઉભો થયો. પંખાની સ્પીડ વધારીને એસી બંધ કર્યું ને એનું કવર ખોલીને અંદરની ફિલ્ટરની જાળી બહાર કાઢીને જોઈ તો આખી ધૂળથી ભરાઈ ગયેલી.‘
ઓહોહો..પછી એસીની ઠંડક ના જ થાય ને !’ વિચારીને અર્હમ એ જાળીને બેઝિનમાં લઈ જઈને સાબુથી સાફ કરવા બેઠો. જાળી સાફ કરતા કરતા એનો હાથ અનાયાસે જ બેઝિનની બાજુમાં રહેલ કપરકાબીના સ્ટેન્ડ પર અથડાયો અને આખું સ્ટેન્ડ ‘ઓમ ધબાય નમઃ’! અર્હમ અવાચક થઈને સ્ટેન્ડની અંદરના આકૃતિના મનગમતા કપરકાબીનો કચ્ચરઘાણ વળતો જોઇ જ રહ્યો. એ કશું પણ વિચારે, કરી શકે એ પહેલાં તો એક મીની વાવાઝોડું જ ફૂંકાઈ ગયુ હતું ને વાવાઝોડાની અસરના પડઘાં પણ ત્વરિત જ પડ્યાં.‘
અર્હુ, તારા કામમાં ક્યારેય કોઇ ઠેકાણા જ ના હોય. આ કપરકાબી કેટલા કિંમતી હતા તને ખબર છે ને ? નટુમામા કેટલા પ્રેમથી અમેરિકાથી મારા માટે લાવેલા. મારા અતિપ્રિય ને તેં એક મીનીટમાં હતા – નાહતા કરી દીધા. તને શું કહેવું મારે ? કોઇ જાતના વેતા જ નહીં ને..’‘
આકૃતિ, બસ કર હવે. મેં કંઇ જાણી જોઇને આ કપરકાબી નથી ફોડ્યાં. હકીકતે તો તારે આ સ્ટેન્ડને સિંકની આટલી નજીક ના રાખતા થોડું છેટું રાખવાની જરુર હતી. મેં તને પહેલાં પણ આ વાત કહી હતી યાદ કર, પણ ના – પોતાની ભૂલ કબૂલે એ તો આકૃતિ કેમ કહેવાય ? ભૂલો તો મારાથી જ થાય. તું તો મહાન છું.’‘
એક તો ચોરી ઉપરથી સીનાજોરી ..’
ને વાત વાતમાં વાત લડાઈના સ્વરુપ સુધી પહોંચી ગઈ. ભૂતકાળની નાની નાની બેદરકારીઓ યાદ કરી કરીને એક બીજાના મોઢા પર – દિલ પર સટાસટ મરાતી હતી. વાતાવરણમાં બાફનું પ્રમાણ વધી ગયું અને શ્વાસ ગૂંગળાતો હોવાનો અનુભવ થતાં અર્હમ ઘરની બહાર નીકળી ગયો.નીકળીને એ સીધો એની મનપસંદ જગ્યા ‘પાનના ગલ્લે’ જઈને ઉભો રહ્યો અને એની ફેવરીટ બ્રાન્ડની સિગારેટ માંગી.‘
ઓહો અર્હમ, અત્યારે સિગારેટ પીવે છે ? તારા સિગારેટના ટાઈમને તો હજુ ત્રણ કલાકની વાર છે ને લ્યા !’
અર્હમના દોસ્ત વિશાલે એના કાંડાઘડિયાળમાં નજર નાંખતા પૂછ્યું. એને ખબર હતી કે અર્હમ દિવસની બે જ સિગારેટ પીવે છે અને એ પણ બહુ જ નિયમિત સમયે જ. એના એ શિડ્યુલમાં માંડ જ કોઇક વાર નજીવો ફેરફાર થાય. એટલે આજે કટાણે અર્હમને પાનના ગલ્લે જોઇને વિશાલને નવાઇ લાગી.‘
કંઈ નહી યાર, ઘરમાં આકૃતિ સાથે થોડી કચકચ થઈ ગઈ તો ઘરની બહાર નીકળી ગયો.’‘
એટલે ભાગી આવ્યો એમ ?’
ના..ના. એ વાતાવરણ છોડી આવ્યો.’‘
તું ગમે એ કહે હું તો તને ભાગેડું જ કહીશ.’‘
ભાગેડું તો શું પણ જ્યારે પણ આમ ઝગડો થાય ત્યારે હું થોડો સમય ઘરની બહાર નીકળી જઉં છું. થોડો રીલેક્સ થઈને પછી ઘરે જઉં.’‘
ઓકે..તો આમ કરવાથી વાતનું સમાધાન થઈ જાય કે ?’
ના, એવું નહીં. ઉલ્ટાનું આકૃતિ તો વાતની ચર્ચા ના થાય અને એનો અંત ના આવે ત્યાં સુધી ધૂંઆપૂંઆ જ રહે. જ્યારે બોલાચાલી થાય ને હું ઘરની બહાર નીકળી જઉં ત્યારે એ મારા આવવાની રાહ જોઇને જ બેસી રહે. હું આમ નીકળી જઉં એટલે એ પોતાની જાતને નિગ્લેક્ટેડ ફીલ કરે અને એનો ગુસ્સો વધુ આકરો થઈ જાય. પણ મને ઝગડો થયા પછી વાત કરવાનું મન જ ના થાય. એમ ચર્ચાઓ શું કરવાની ? આટલા વર્ષથી સાથે રહે છે તો એ મને બરાબર જાણતી જ હોય ને. હું કદી વાતની ચર્ચાઓ ના કરું ને ચર્ચા ના થાય ત્યાં સુધી આકૃતિ ઉંચી નીચી થઈ જાય. એને ઝગડો થાય એટલે બને એટલી જલ્દીથી વાત પતાવવાની ઇચ્છા હોય. ઘણી વખત તો મારી ભૂલ હોય તો પણ એ વળતી સોરી કહીને વાત પતાવવાની ઉદારતા ધરાવે પણ મને એવું બધું ના ફાવે. હું મારું મગજ ઠંડું ના થાય ત્યાં સુધી એક પણ અક્ષર ના બોલું, એમાં ને એમાં તો ઘણી વાર મારે ચાર પાંચ દિવસના અબોલા ય રહે. એટલા દિવસઓ આકૃતિ વળી બમણા જોરથી મારી સાથે બોલવાનો પ્રયત્ન કરે એટલે મને વધારે ગુસ્સો આવે. યાર, મગજને એની જાતે ઠંડું પડવા દો ને. એ ઠંડું થાય એટલે હું તો આખો ઝગડો ભૂલી જાઉં છું ને એકદમ નોર્મલ થઈ જાઉં છું’‘
વાત પતાવવાનો આકૃતિનો ઇરાદો ખોટો ક્યાં છે પણ દોસ્ત ? વાતના વતેસર એ આનું નામ. આકૃતિભાભી ખોટા ક્યાં છે એ સમજાવ તો. ઝગડાં તો કયા કપલને ના થાય? થાય એ તો. દરેક માનવી પોતાની સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે,નોખી નોખી જીવન જીવવાની આદતો ધરાવે છે તે ટકારવ તો થાય. પણ મુખ્ય વાત કે એ ટકરાવ પછી વાતને કેવી સિફતથી અને ધીરજથી સંભાળી લો છો અને એની પતાવટ કરો છો, તમે જેને પ્રેમ કરતા હો એના માટે તમારો ઇગો ભૂલીને ય એની ખુશી સાચવવાનો પ્રયત્ન કરો એ છે. જોકે આ બહુ જ મહેનત માંગી લેતી માનસિક કસરત છે પણ તમે થોડી સજજતા કેળવો તો એ તમારા સ્વભાવમાં જરુર આવી શકે. પ્રેમ માણસને બધું શીખવી દે છે,જ્યારે તું તો તારો ઇગો સંતોષવા ઘરની બહાર આવીને સિગારેટો પીને કાળજું બાળે ને ઘરમાં તારી પ્રિયાનું વગર સિગારેટે પણ એનાથી ડબલ બળે ! આ પણ એક જાતનું ‘પેસીવ સ્મોકિંગ’ જ ને ! તમારા સહજીવનને લગભગ પચીસ વર્ષ થયા અને હજુ આજે પણ તું સાવ આવું બાલિશ વર્તન કરે છે એ વિચારીને મને નવાઈ લાગે છે.’‘
હા વિશાલ, આ વધારાની સિગારેટ પી ને મારું અને આકૃતિ બે ય નું કાળજું બાળવું એના બદલે તું કહે છે એ રસ્તે ચાલવાનું વધુ હિતાવહ લાગે છે.’
અનબીટેબલ ઃ પ્રેમના પ્રિઝમમાં રીસામણા પછી મનામણાંના કિરણો પસાર કરવાથી સતરંગી આકર્ષણના મેઘધનુષ્ય રચાય છે.
૭. ભુલક્કડ
दर्द की सारी तहे और सारे गुजरे हादसे
सब धुवां हो जायेंगे, एक वाकिया रह जाएगा–
इफ्तिखार इमाम सिद्दीकी,
મમ્મી, મને ચક્કર આવે છે, કંઈક અજબ ગજબનું ફીલ થાય છે.’ સોફા પર બેસીને દૂધ પી રહેલો હાર્દિક થોડા ચિંતાતુર અવાજમાં બોલ્યો.સામે બેઠેલી મુદ્રા એક હાથમાં કપ અને બીજા હાથમાં સમાચારપત્રક પક્ડીને વાંચતી હતી. એ બે ક્ષણ હાર્દિકની સામે જોઇ રહી. એને પણ માથું થોડું ભારે લાગતું હતું પણ એને એમ કે આજે પ્રેશરની દવા લેવામાં મોડું થઈ ગયું છે એથી થોડી બેચેની હશે હમણાં ચા પીને દવા લઈ લઈશ. પણ આ પંદર વર્ષના છોકરડાંને કેમ ચક્કર આવતા હતા? અચાનક જ મુદ્રા અને હાર્દિકના મગજમાં એકસાથે ટ્યુબલાઈટ થઈ અને બન્ને સોફામાંથી સફાળા જ ઉભા થઈ ગયા.‘
આ તો ધરતીકંપ..ચોક્કસ !’
અને બે ય જણ એકી શ્વાસે ફ્લેટમાંથી નીકળીને સીડી દ્વારા નીચે ત્રણ માળ સડસડાટ ઉતરી ગયાં તે છેક નીચે જઈને શ્વાસ હેઠો બેઠો.‘
મમ્મી, હું નાનો હતો ત્યારે પણ આવો જ ધરતીકંપ આવેલો કેમ ? એ કેટલી તીવ્રતાનો હતો ? ‘
કયો ભૂકંપ બેટા ? ‘ અને મુદ્રા હાર્દિકની સામે બઘવાઈને જોતી રહી ગઈ.‘
મમ્મી, શું તમે પણ ! તમારું મગજ તો સાવ જ કટાઈ ગયું છે. કેટલા ભુલક્કડ થઈ ગયા છો તમે ! કાલે જ મારા મિત્ર રોહિતનો ફોન આવેલો અને તમે ઉપાડેલો. એ પછી મને કહેવાનું ય ભૂલી ગયેલા એમાં મારો અને રોહિતનો પિક્ચર જોવા જવાનો પ્રોગ્રામ કેન્સલ થઈ ગયો. ના હોય તો તમે કોઈ સારા ડોકટરને બતાવો હવે.’ અને મુદ્રાના મોઢા પર થોડી લાચારીના, હતાશાના ભાવ રેલાઈ ગયા.‘
મને હવે બહુ યાદ નથી રહેતું…શું હું સાડત્રીસ વર્ષમાં સાવ બુઢ્ઢી થઈ ગઈ કે ?’
ધરતીકંપના આંચકાથી ડરીને બાજુના ફ્લેટમાંથી મુદ્રા અને હાર્દિકની જેમ જ ફ્લેટના કોમનપ્લોટમાં ઉતરી આવેલા એક આધેડ વયનો પુરુષ મા-દીકરા વચ્ચેનો આ સંવાદ બહુ જ ધ્યાનથી સાંભળી રહેલો, એમણે મુદ્રાબેનને પૂછ્યું,
બેન, આ તમારો દીકરો સૌથી પહેલો શબ્દ શું બોલેલો ?’
બ…બ…બા..’‘
એ ચાલતા કેટલા મહિને શીખેલો ?’
એમાં એવું છે ને કે એ આઠ મહિના અને બાર દિવસનો હતો ત્યારે ઘૂંટ્ણિયા ભરવાનો પ્રયત્ન કરતો હતો અને લગભગ જુઓને નવ મહિના અને ઉપર બે દિવસ થયા ત્યારે તો બધું ફર્નિચર પકડી પકડીને ચાલતા શીખી ગયેલો. એ પછી તો બાર મહિના ઉપર લગભગ ચોથા દિવસે દાદર ચડતા ય શીખ્યો .’
મુદ્રા તો એના મમતાળુ ભૂતકાળમાં ખોવાઈ ગઈ હતી અને અસ્ખલિત રીતે મહિના અને દિવસો ઉપરાંત ઘણા દિવસ તો વાર સાથે યાદ કરી કરીને બોલ્યે જતી હતી. હાર્દિકની આંખો વિસ્ફારિત થઈ ગઈ હતી અને પેલા આધેડના મોઢા પર એક ગૂઢ સ્મિત ફરકી રહ્યું હતું. હાર્દિકે આંખમાં ઢગલો સવાલ ભરીને એમની સામે જોયું અને આધેડ એ સવાલ પામી જઈને બોલ્યાં,
દીકરા, હું એક મનોચિકિત્સક છું. મારી ધારણા પ્રમાણે તો તારી મા ના માથે અ.ધ..ધ..ધ કામનો બોજ લાગે છે. એને મેમરીનો કોઇ જ પ્રોબ્લેમ નથી પણ એનું અજ્ઞાત મન એના અધધ કામમાંથી જરુરી કામ પર જ ધ્યાન આપીને પોતાને સ્વસ્થ રાખવામાં કાર્યરત છે. તું જ જો..એને તારા નાનપણની રજેરજની વાતો એને કેવી યાદ છે. અચ્છા એક વાત કહે કે તેં એને જે અગાઉના ધરતીકંપ વિશે પૂછ્યું એમાં તમારા કોઇ નજીકના વ્યક્તિને ગુમાવવાનો વારો આવ્યો હતો કે ?’
હા અંકલ, એ સમયે મારી નાની માસી અમારા ઘરે રહેવા આવેલી અને એ ધરતીકંપમાં એમના ૯ મહિનાના બાળકને લઈને દાદર ઉતરવા જતા એ લપસી પડેલા અને એમાં એમના બાળકનું મૃત્યુ થઈ ગયેલું. મમ્મીને એ વાતનો બહુ જ આઘાત લાગેલો અને એ પછી લગભગ પંદર દિવસ એમણે સાઇકીયાટ્રીક પાસે કાઉન્સેલિંગ લેવું પડેલું જો કે એ પછી જ મમ્મીમાં આ ભૂલી જવાની આદતે પગપેસારો કર્યો છે. ‘‘
તો એમ વાત છે. જો દીકરા, તારા મમ્મીનું સબકોન્સિયસ માઈન્ડ જબરદસ્ત પાવરફુલ છે. એ હાદસા પછી પોતાની જાતને અતિલાગણીથી પડતા ઘસારાથી બચાવવા માટે એણે એક સુરક્ષાકવચ બનાવી લીધું છે. એ અમુક દુઃખભરી વાતોને પોતાના એ કવચની બહાર જ રાખે છે જેથી તારી મમ્મી એ દિવસની વાત યાદ કરવાને અસમર્થ જ છે. વળી આપણું મગજ કાયમ દુખની વાતો જ યાદ રાખવામાં એક્સપર્ટ હોય છે. સુખની વાતો તો એ ફટ દઈને ભૂલી જ જાય છે. આથી તારા મમ્મીની સબકોન્સિયશ માઈન્ડની આ આદત એક સારી જ વાત છે. મગજ રીસાઈકલ થઈ જાય છે. નક્કામી દુખની વાતો મગજની રેમમાંથી કાઢી નાંખો તો વર્તમાનના સુખદ પ્રસંગોને ભરી શકવાની જગ્યા બની રહે છે. આપણું મગજ આપણા મનના રક્ષણ માટે અમુક પ્રકારે વર્તન કરે તો એને સ્વીકારી લેવાનું એમાં જ ભલાઈ છે. તમારે ફેમિલી મેમ્બર્સે પણ એમની આ હાલતને સમજીને એને સપોર્ટ કરવો જોઇએ નહીં તો એનો આત્મવિશ્વાસ ધીમે ધીમે નબળો પડતો જશે. અરે હા બેટા, આજે શું રસોઇ બનાવવાની છું ? હું આવું ને જમવા?’
અરે ચોક્ક્સ , આજે તો હું અનિલને બહુ જ ભાવતી પૂરણપોળી, કઢી અને બટેટાંનુ શાક બનાવવાની છું. મૂઆ આ પરમદિવસે બટાકાવડા બનાવ્યા એમાં બટેટાં ય ખાલી થઈ ગયા છે હાર્દિક જરા કિલો બટેટા લેતો આવજે તો અને હા, અઠવાડિયા પહેલાં મેં શાકવાળી પાસેથી દસ રુપિયાના લીંબુ લીધેલા ને પચાસની નોટ આપેલી. એની પાસે છુટા પૈસા નહતા તો આપણા ચાલીસ રુપિયા એની પાસે જમા છે એનો હિસાબ કરતો આવજે હોંકે .’
અને આધેડ પુરુષ અને હાર્દિક એકબીજાની સામે જોઇને ગર્ભિત રીતે હસી પડયાં.
૮. આવન -જાવન !
એ મને પરી કહે,
ને ફરી ફરી કહે !
હું શરુ કરુ છું ત્યાં,
વાત આખરી કહે !–
લેખિકા
આછી રાખોડી રંગની સાઈકલના આગળના સળિયા પર એકબાજુએ ઝુકીને બેઠેલી અઢાર વર્ષની નવયૌવનાની આંખોમાં સતરંગી સપના સળવળતા હતાં. પવનની થપાટથી એના કોરા ખુલ્લાં લાંબા કેશ સાઇકલ ચલાવી રહેલા વીસ વર્ષીય વિકાસના મોઢા પર અથડાતા હતા. વિકાસની આંખ, નાક, ગાલ બધે આ વાળના સુંવાળા સ્પર્શથી અદભુત રોમાંચની લાગણી થતી હતી. એ જાણે બીજી જ કોઇ દુનિયામાં હોય એમ સાઈકલના પેંડલ મારી રહ્યો હતો અને એના બે બાહુની વચ્ચે એની દુનિયા સમાઈ ગયેલી હતી. સળિયા પર બેઠેલી અવની પોતાની જાતને પરી સમજતી હતી. આખી દુનિયામાં સૌથી ધનવાન તો જાણે આ રુપકડું કપલ જ !
સાઈકલના વ્હીલની સાથે સાથે સમયનું ચક્કર પણ ફરતું ગયું. દિવસો વર્ષોમાં બદલાઇ ગયાં અને વિકાસ અને અવની લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. વિકાસ ઠીક ઠાક કમાઈ લેતો હતો એણે પોતાની બચત અને મા બાપ પાસેથી થોડા પૈસાં ભેગા કરીને એક સ્કુટર લઈ લીધું. હવે અવની સાઈકલના આગળના સળિયા પરથી બાઇકની પાછલી સીટ પર આવી ગઈ. અહાહા…સાઈકલ પર તો પવનની આછી થપાટી જ વાગતી જ્યારે બાઈક પર તો પવનને સામો ચીરીને, વીંધીને ધસમસ જવાનું. અવની પાછલી સીટ પર બેસીને પોતાના બે ય હાથ જ્યારે વિકાસની છાતી પર વીંટાળી દેતી ત્યારે વિકાસનું બાઇક જમીનથી સાત આંગળ ઉંચું દોડવા લાગતું.
સમય સમયનું કામ કરે છે. ઘરના ખર્ચાને પહોંચી વળવા અવનીએ પણ એક પાર્ટટાઈમ જોબ શોધી લીધી. શરુઆતમાં તો અવની બસમાં ઓફિસે જતી અને પાછા વળતા વિકાસ સાથે આવી જતી પણ એમ કરતા અવનીને બહુ મોડું થઈ જતું અને રસોઇ ને બીજા ઘરના કામમાં મોડું મોડું થઈ જતું. વળી વિકાસ પણ ઓફિસેથી આવીને ભૂખ્યો થયો હોય ત્યારે રસોઇ બને એની રાહ જોઇને બેસી રહેવામાં ધૂંઆપૂંઆ થઈ જતો. છેવટે બે ય જણ એક નવું વ્હીકલ લઈ લેવું એવા નિર્ણય પર આવ્યાં અને અવનીની ઓફિસમાંથી લોન લઈને અવની માટે એક સેકન્ડહેન્ડ એક્ટીવા લઈ લીધું. હવે નિરાંત. બે ય હુતો હુતી પોતપોતાના વ્હીકલ પર પોતાના સમયે ઓફિસ આવ – જા કરી શકતા અને બધા સમય પણ સચવાઈ જતા હતાં. જો કે બે જણ વચ્ચેથી કશું ક છીનવાતું જતું હતું…એમની જાણ બહાર જ ! શું ?
સમય વીતતો ગયો અને અવની અને વિકાસના સંસારમાં એક દીકરો અને એક દીકરી – રોહન અને અવંતિ નામના બે સરસ મજાના સંતાનોએ પ્રવેશ કર્યો. અમે બે અમારા બે. સરસ મજાનું સુખી સુખી કુંટુંબ. સંતાનોની સ્કુલ, એક્ટીવીટી ક્લાસીસ, ટ્યુશન ક્લાસીસ, એમના મિત્રોની નવી દુનિયા…આ બધામાં અવનીનો ખાસો એવો સમય જવા લાગ્યો અને એણે મજબૂરીમાં નોકરી છોડી દેવી પડી. ખરચા વધતા જતા હતા, આમદની ઓછી થતી જતી હતી, ઉંમર વધતી જતી હતી. જોકે એક વાતનો સધિયારો હતો કે આ બધાની સાથે સાથે વિકાસ અને અવની બે ય જણમાં અનુભવનું વિશ્વ સમ્રુધ્ધ થતુ ગયુ હતું અને સમજણ, વિશ્વાસ, માન સન્માનની લાગણી વધી હતી. જો કે કશુંક સદંતર પાછળ છૂટતું જતું હતું. સારસ બેલડીની જાણ બહાર જ્સ્તો !
છોકરાંઓ મોટાં થતાં ચાલ્યાં. હવે એમને પણ વ્હીકલી જરુર પડવા લાગી. અવનીનું એક્ટીવા હવે સાર્વજનિક બની ગયું હતું. એને જ્યારે જરુર હોય ત્યારે ઘરમાં વાહન હોય જ નહીં. અવની તો પોતાના બહારના કામ જેમ તેમ કરીને પાર પાડી લેતી પણ એનો ટીનેજરી સંતાનો આ બાબતે સહેજ પણ લેટ ગો કરવા તૈયાર નહતા થતાં. એક સાંજે અવનીએ હીંચકા પર બેસીને ચા પીતા પીતા વિકાસને કહ્યું,
વિકાસ, તું તારું બાઈક રોહનને આપી દે ને. આમ પણ આપણે બધા જ્યારે સાથે બહાર જવું હોય ત્યારે બે બે વ્હીકલ લઈને જવું પડે છે. તો તું એક ગાડી લઈ લે જેથી આપણે બધા સાથે જઈ શકીએ અને આ સ્કુટરનો કકળાટ ઓછો થાય.’‘
હા અવની, હું પણ એમ જ વિચારતો હતો. થોડા પૈસા છે અને થોડાની લોન લઈ લઈશું. ચાલ ત્યારે આ રવિવારે જ બી.જી હાઈવે પર આવેલ પેલા ગાડીના શોરુમ પર આંટૉ મારી આવીએ.’
અને બીજા રવિવારે અવની, છોકરાંઓ અને વિકાસ ગાડીના શોરુમ પર હતાં. ગાડીનું મોડલ, પ્રાઈઝ એ બધાનું પૂરેપૂરું સ્ટડી કરેલ હોવાથી એમને ગાડી ખરીદવામાં ખાસ કોઇ વાર ના લાગી અને અડધો કલાક પછી તો એ અમે બે ને અમારા બે નું સુખી સુખી કુટુંબ ગાડીમાં સવાર હતું. વિકાસે ગાડી ચાલુ કરી અને એસી સ્ટાર્ટ કર્યું અને આગલી સીટ પર બેઠેલી અવનીની આંખો બંધ થઈ ગઈ. આ ઠંડો ઠંડો પવન…અહાહા! ઘેનમાં સરી ગઈ અને એ ઘેનમાં જ અવનીનો હાથ વિકાસની તરફ વધ્યો પણ આ શું ? અવનીનો હાથ તો ગીઅર સાથે અથડાઈને જ શરમાઈ ગયો. વિકાસનું પૂરું ધ્યાન તો ગાડીના ડીવીડી પ્લેયરમાં જ અટવાયેલું. અવનીનો હાથ ઓઝપાઈ ગયો અને પાછો પડયો.
સાઈકલના સળિયા પર બે બાજુની વચ્ચે શ્વસતી સુંદર મજાની પ્રેમાળ દુનિયા આજે કઈ રીતે નસીબ થવાની ? આ ગાડીના ગિયરની પેલે પાર બેઠેલો એનો પ્રેમાળ પતિ તો.. અને સંવેદનશીલ અવનીના આંખના ખૂણેથી બે ગરમ ગરમ આંસુડા સરી પડ્યાં.
અનબીટેબલ ઃ હે જીવ, બહુ ગડમથલમાં ના રહે; સઘળાંને કાયમ ખુશ રાખવા શક્ય નથી !
૯.ઘોંઘાટ.
શૂન્યના શૂન્યને શૂન્યથી તાગતાં,
શૂન્યનાં શિખર પર શૂન્ય જાગે.
શૂન્યથી ભાગતાં શૂન્ય બાકી રહે,
શૂન્યથી જ્યાં ગુણો શૂન્ય આવે.-
ઉષા ઉપાધ્યાય.
બપોર ઢળતી જતી હતી ને સંધ્યા ઉગતી જતી હતી. પાંચ વાગ્યાનો સમય હતો. સોસાયટીની મધ્યમાં આવેલ બગીચાના ઝાંપા પર ૮ થી ૧૬ વર્ષના આઠ દસ છોકરાંઓનું ટોળું વળ્યું હતું. એમને સ્કુલમાં હમણાં જ પરીક્ષા પતી હોવાથી બધા ખુશખુશાલ દેખાતા હતા. એક છોકરાંના હાથમાં કેસરી કલરમાં કાળી લીટીવાળો વોલીબોલ હતો જેને એ વારંવાર એક આંગળી પર ગોળ ગોળ ફેરવવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં બીજા છોકરાને મસ્તી સૂઝી અને એણે બોલને હલકો ધક્કો માર્યો ને બોલ આંગળી પરથી નીચે પડી ગયો. પછી તો છોકરાંઓની ધબ્બા ધબ્બીની મસ્તી ચાલુ થઈ ગઈ અને એમના અવાજથી આખું વાતાવરણ ભરાઈ ગયું. એક છોકરાએ બોલ લઈને બધાને બગીચામાં બાંધેલી નેટ પાસે આવવાનો ઇશારો કર્યો ને એ ત્યાં પહોંચી ગયો પછી બધાંએ વોલીબોલ રમવાનું ચાલુ કર્યું.
પાંચ મીનીટ વીતી હશે અને બગીચામાં ધીમે ધીમે મમ્મીઓ એમના નાના ભૂલકાંઓ સાથે પ્રવેશવા લાગી. હવે છોકરાંઓને બોલ રમવામાં સાવચેતી રાખવી પડતી હતી પણ એ લોકો સમજ્તા હતાં અને બોલ એ છોકરાંઓ સુધી ના પહોંચે એની પૂરતી તકેદારી રાખીને રમતા હતાં. ત્યાં તો એક મમ્મીજીનો ઓર્ડર છૂટ્યો,
અલા છોકરાંવ, આટલાં મોટાં ઢાંઢાં થયા છો તો સમજાતું નથી કે હવે આ નાના છોકરાંઓ બગીચામાં આવ્યાં તો એમને શાંતિથી રમવા દઈએ. આ છોકરાંઓને સાઈકલ ફેરવવી છે. ચાલો તમારું રમવાનું બંધ કરો હવે.’‘
અરે પણ આંટી, એને બગીચાની બહાર સાઈકલ ફેરવાવો ને. બીજા બધા છોકરાંઓ તો ફેરવે જ છે ને.’‘
આ સંસ્કાર આપ્યાં છે તારા મા બાપે અલ્યાં ? મોટાઓની સામે બોલવાનું એમ..બહાર મોટા છોકરાઓ સાઈકલ ફેરવે તો આ નાનકડાંઓ એમની હડફેટે ના આવી જાય ? ચાલો ચાલો બહાર નીકળૉ અહીંથી.’ બીજી મમ્મીઓ એ પણ એમના સૂરમાં સૂર પૂરાવ્યો અને એ છોકરાંઓ નિરાશ વદને ત્યાંથી બહાર નીકળ્યાં. સોસાયટીના મેઈન રોડ પર જગ્યા સરસ હતી પણ ત્યાં વાહનોની અવર જવર જબરદસ્ત હતી એથી રમવામાં કોઇ જ ભલીવાર નહતો આવવાનો. બીજી બાજુ આઠ દસ છોકરાઓ બગીચાની ફરતે સાઈકલ લઈને ચક્કર લગાવતા હતાં એટલે એ જગ્યા પણ નક્કામી. ત્યાં એક છોકરાંને બે બ્લોકની વચ્ચે પડતી ગલી જોઇને ક્રિકેટનો આઈડીઆ આવ્યો અને બધા ફરી પાછા ફુલગુલાબી મૂડમાં આવી ગયાં. બધા છોકરાંઓએ બોલ બેટ અને સ્ટમ્પ લઈ આવીને ક્રિકેટ ચાલુ કરી. હરખનું વાતાવરણ થોડી વાર તો ટક્યું ને પછી બીજા માળેથી પાણીનો ધધૂડો પડ્યો ને પાછળ એક અવાજ આવ્યો,
આખો દિવસ અહીં ને અહીં જ ગુડાણા હોવ છો મૂઆઓ..બીજે ક્યાંક ટળોને..આખો દિવસ કલબલ..કલબલ..’
નીચે બેટીંગ કરનારો છોકરો હક્કો બક્કો થઈને હજુ સ્તબ્ધ જ ઉભો હતો. એના વાળમાંથી પાણીના ટીપાં એની ટીશર્ટમાં ઉતરતા જતા હતાં ને એના મિત્રો એને જોઇને આવતા હાસ્યને મહાપરાણે દબાવી રાખતાં હતાં. ત્યાં જ બારીમાંથી એક ડોકું નીકળ્યું,
ચાલો અહીંથી આઘા જાવ. આ તમારો કલબલ..કલબલ..નર્યો ઘોંઘાટ . મારી દીકરીને પરીક્ષા છે. વાંચવા દો એને શાંતિથી.’‘
પણ આંટી અમે તો માત્ર એકાદ કલાક જ રમીએ છીએ અને તમારી દીકરીને તો અમે હમણાં જ એકટીવા લઈને બહાર જતા જોઇ. શું કામ ખોટું બોલો છો ? મારું ઘર પણ આ બ્લોગમાં જ છે તો અમે અહીં જ રમીએ ને…બીજે ક્યાં જઇએ ?’
આ..લે…લે…લે.. આવડું અમથું ટેણીયું સામો જવાબ આપતો થઈ ગયો છે ને..શું જનરેશન છે આજકાલની ? શું મા બાપના સંસ્કારો ?’
આંટી, મમ્મી પપ્પા સુધી ના જાઓ ‘ છોકરાંઓનું લોહી ઉકળી ગયું.‘
અલ્યાં, હવે અહીંથી આઘા મરો છો કે કચરો નાંખું ?’ ને છોકરાંઓ વીલે મોઢે ત્યાંથી છૂટાં પડ્યાં.
અને આંટી એમના ડ્રોઈંગરુમમાં ગયા. ત્યાં બિરાજમાન એમના પતિદેવ ઉવાચ,
શુંઆમથી તેમ આંટા મારે છે, ચા મૂકવાનો સમય થઈ ગયો છે ભાન બાન છે કે નહીં. ચાલ ફટાફટ ચા બનાવ.’
માંડ અંતરનો ઉકળાટ બહાર કાઢીને આંટી થોડા હળ્વા થયેલા ને ફરીથી એ જગ્યામાં પુરાણ થઈ ગયું.
બીજા જ દિવસે બપોરના સમયે બ્લોક માં બપોરના બે વાગ્યાંના સમયે પાણીની ડોલ રેડાઈ હતી એ જ ફ્લેટમાં ભજનની રમઝટ મંડાણી હતી. રામનવમી હતી ને ! બૈરાંઓના ભજનો સાથે ખંજરી અને થાળી પર વેલણના રણકારથી સાથ પૂરાવાતો હતો. બૈરાંઓની તાળીઓ પણ ખરી જસ્તો.
આ અવાજથી એ ફ્લેટની ઉપર રહેલા એક ઘરડાં દાદા વારંવાર એમની પથારીમાં બેચેનીથી પડખાં ફરતા હતાં ને વિચારતા હતાં,
આ રોજ રોજ ભજનોનો ઘોંઘાટ, બળ્યાં બપોરના ય જપવા નથી દેતાં. કાલે આખી રાતની દવા લીધા પછી પણ ઉંઘ થઈ નથી અને એમાં આ અવાજ જીવ લઈ લે છે. માથામાં ધમધમ વાગે છે. પણ ભગવાનના કામમાં આપણાંથી શું કહેવાય ? એ તો ચલાવી જ લેવું પડે ને ! વળી બહેનોને બોલીને ચૂપ કરાવવાની તાકાત પણ નથી. અવાજ તો બંધ થશે નહી પણ એમની કચકચથી બે દિવસ માથાનો દુખાવો થઈ જશે એ નક્કી. આ બહેનોને ભગવાનને ભજવા આટલો અવાજ જરુરી કેમ થઈ પડે ? પોતે તો રોજ સવારે એક કલાક કેટલી શાંતિથી કલાક પૂજાપાઠ કરતાં હતાં. વળી ભગવાનના દૂત એવા બાળકોના રમવાનો અવાજ એ ગૃહિણીઓને પજવતો હોય ને એમને ક્રૂરતાથી ધમકાવતા હોય એવા લોકો પોતે જ બિનજરુરી અવાજનું પ્રદૂષણ કેમ ફેલાવતા હશે ?’
એકલવાયો જીવ ચૂપચાપ છત સામે તાકતાં પડ્યાં રહયાં. નહતા સૂઈ શકતાં કે નહતાં પૂરતા જાગી શકતાં. પણ શું થાય ?
અનબીટેબલ ઃ અંતર કોલાહલથી ભરપૂર હોય તો દુનિયાની કોઇ પ્રસન્નતા ખુશી નથી આપી શક્તી.
૧૦. દુશ્મનીના હકદાર
અમે ભોગવી છે એ દશકાઓ પહેલાં,
તને જે અવસ્થાએ ચુંબન કર્યું છે.-
સ્નેહી પરમાર.
અનુષ્કા ધુંઆપુંઆ થઈ રહી હતી.નાકનું ટૉચકું લાલ લાલ થઈ ગયું હતું અને આંખમાંથી વરાળ નીકળી રહી હતી. ધડા..મ દઈને એ સોફા પર બેઠી અને પીઠ પર લટકતી બેગ કાઢીને એક બાજુ ફંગોળી.‘
એ મગતરી એના મનમાં સમજે છે શું ? સરની આગળ ચાંપલી ચાંપલી વાતો કરીને મારા વિરુધ્ધ કાન ભંભેરે છે અને પોતે એમની લાડકી બનતી જાય છે. વળી સર પણ એવા જ..કાચા કાનના.’
અનુષ્કા એકલી એકલી બબડે જતી હતી. એક પગ બીજા પગના શૂઝમાં ભરાવીને એ કાઢ્યું અને પગથી જ એને ઉછાળ્યું એવું જ બીજા શૂઝનું પણ. એ જ સમયે એની મમ્મી રીતુએ ઘરમાં પ્રવેશ કર્યો અને એ બીજું શૂઝ સીધું એની સાથે અથડાયું. બે પળ તો રીતુ સમસમી ગઈ ને,’ અનુ આ શું પાગલ જેવું વર્તન કરે છે ?’ એવું બોલતા બોલતા પોતાની જીભ પર માંડ કાબૂ રાખ્યો.
હાથમાં રહેલ શોપિંગ બેગ્સ જઈને બેડરુમમાં મૂકી ફ્રીજમાંથી ઠંડા પાણીની બોટલ કાઢીને ગ્લાસ ભર્યો અને લઈને અનુની બાજુમાં બેઠી.‘
લે પાણી પી.’
અનુએ રીતુની સામે જોયા વગર જ ગ્લાસ હાથમાં લીધો અને એકશ્વાસે ગટગટાવી ગઈ અને ટી શર્ટની બાંયથી કપાળે વળી ગયેલ પરસેવાની બૂંદો લૂછી અને થોડી સ્વસ્થતા ધારણ કરી.બાજુમાં પડેલ રીમોટ હાથમાં લઈ ટીવી ચાલુ કર્યું અને ચેનલો બદલવા લાગી. ચેનલ બદલવાની ગતિ પરથી રીતુ એના મગજની દશાનો તાગ આસાનીથી મેળવી શક્તી હ્તી. આખરે મા હતી ને ! ધીમે ધીમે એ ગતિ ધીમી પડી અને છેલ્લે એક ચેનલ પર આવીને અટકી એટલે રીતુએ પોતાની વાત ચાલુ કરી.‘
હવે બોલ, શું વાત છે ?’
મમ્મી, મારી સખી ઋત્વીએ આજે મારા ટ્યુશન ક્લાસમાં સરને મારી વિરુધ્ધ ચાડી ખાધી કે હું ચાલુ ક્લાસે મોબાઈલમાં મેસેજીસ વાંચું છું. હવે મમ્મી, આખા કલાસમાં ઓલમોસ્ટ દરેક જણ આમ કરે જ છે. એમાં મેં વળી શું મોટો ગુનો કરી દીધો બોલો. વળી ફિઝિક્સનું જે ચેપ્ટર ચાલતું હતું એમાં પણ મારું બરાબર ધ્યાન હતું. અમે આજકાલની જનરેશન તો યુ નો ના..મલ્ટીટાસ્કર (એક સાથે અનેકો કામને પહોંચી વળનારા ). મને ખબર છે કે એને શું પેટમાં દુઃખે છે.’‘
શું ?’
મમ્મી, છેલ્લા અઠવાડીએ અમે બધા મિત્રો મેઘાની બર્થડે પાર્ટીમાં ગયેલા ખબર છે ને ? ત્યાં વત્સલ મારી સાથે બહુ જ વાત કરતો હતો અને મને બહુ જ ઇમ્પોર્ટન્ટ આપતો હતો. હવે ઋત્વીને વત્સલ બહુ જ ગમે છે એ વાત અમારા ગ્રુપમાં મોટા ભાગે બધા જાણે. જોકે એણે પોતાના દિલની વાત વત્સલને નથી કહી અને મમ્મા, મને પણ એવો છોકરા બોકરા સાથે રખડવામાં ને પેમલા પેમલી કરવામાં કોઇ રસ નથી એ તો તું ય બરાબર જાણે ને મારા મિત્રો ય. પન વત્સલ મારી સાથે વધુ કમફ્ર્ટ ફીલ કરે તો હું શું કરું ? એ મારો સારો મિત્ર છે એની સાથે હસીને બે ચાર વાત કરવામાં ખોટું શું?’
હ્મ્મ…દીકરા,હું તારી આ અકળામણ સમજી શકું છું. સ્ત્રી જાતિને મળેલો ઇર્ષ્યાનો અભિશ્રાપ ચાંદ પર લાગેલ દાગ સમાન જ છે ને એનો કોઇ જ ઉપાય નથી. કેટલાંય ખુવાર થઈ ગયા ને કેટલાં હજુ થશે રામ જાણે ! પણ એક વાત વિચારીને કહે કે આ તારી જે અકળામણ છે એ કોઇ પણ રીતે ઋત્વીને હેરાન કરે છે ?’
શું મમ્મી તમે પણ…મારી અકળામણ મને હેરાન કરે એમાં ઋત્વીને શું લાગે વળગે? એ તો મસ્ત મજાની જલસા કરતી હશે એના ઘરમાં. મારી એક વખતની બેસ્ટ ફ્રેન્ડ આજે મને સૌથી મોટી દુશ્મન લાગે છે.’‘
ઓહ, અચ્છા અચ્છા મતલબ આ ગુસ્સાની ભટ્ઠીમાં તું એકલી જ બળે છે એમ ને ? તો ઋત્વી તારા માટે એટલી બધી મહત્વની કે તું એની પાછળ તારું આટલું દિમાગ બગાડે છે ? એને પ્રેમથી તારી વાત સમજાવ અને તારા દિલમાં એના અને વત્સલ માટે શું ભાવ છે એ ક્લીઅર કહી દે. એમ છતાં પણ એ ના સમજે તો છોડી દે એને . તારે વળી મિત્રોની ક્યાં કમી ? આમ વારંવાર જેને ખુલાસા આપવા પડે એવા લોકોની મૈત્રી ના રખાય, દુઃખી જ થવાય. વળી મુખ્ય વાત તો એ કે તું એની દોસ્તીમાંથી દૂર થાય ત્યારે એના પ્રત્યે ગુસ્સાની, દુશ્મનીના ભાવમાંથી પણ બહાર નીકળી જજે. આ એક વાત જીવનમાં સતત યાદ રાખજે કે દોસ્તી કરતાં દુશ્મની બહુ જ જાળવીને કરવાની. બને તો જીવનમાં કોઇને પણ આપણા દુશ્મનોની યાદીમાં સામેલ ના જ કરવા ને કરવા હોય તો એની સાથે પૂરી તાકાતથી લડવાનું બળ ધરાવવાનું અને એના શક્ય પરિણામો ભોગવી લેવાની તૈયારી રાખી લેવાની. તમે જયારે કોઇ વ્યક્તિને દુશ્મન માની લો છો ત્યારે એ તમારા મનોપ્રદેશ પર વધારે વર્ચસ્વ ધરાવે છે. તમારી ઇચ્છા વિરુધ્ધ જ તમે એની પળે પળની નોંધ લેતા થઈ જાઓ છો, એને કેમ – કેવી રીતે નીચી પાડવી એ જ વિચારોમાં ડૂબેલા રહો છો. પણ જે વ્યક્તિ તમારી તમારી દોસ્તીને ય લાયક નથી એ તમારી દુશ્મનીને તો કેમનો લાયક હોય ? તમારી દુશ્મની તો બહુ જ અમૂલ્ય હોય છે જે બહુ જ ‘રેર’ વ્યક્તિને જ નસીબ થાય. સમજે છે ને મારે શું કહેવું છે એ દીકરા ?’
મમ્મી, શું કહું..યુ આર સિમ્પલી સુપર્બ, આઈ લવ યુ.’ અને અનુષ્કાએ રીતુના ગળામાં પોતાની બાહો પૂરોવીને એના ગાલ પર એક મીઠું મધુરું ચુંબન કરી દીધું.

અનબીટેબલ ઃ સ્ત્રીઓની ઇર્ષ્યા અને પુરુષોનો અહમ આ બે ગુણ અસ્તિત્વમાં જ ના હોય તો દુનિયા કેવી ફીકકી હોત !