Dushmano-na Hakkdar - Part-1 Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dushmano-na Hakkdar - Part-1

નામઃ સ્નેહા પટેલ
ઇમેઈલ આઈડી -
ફોન નંબરઃ 99 252 87 440.

મિત્રો, સૌ પ્રથમ તો મારી ઇબુક ડાઉનલોડ કરવા માટે આભાર.
હું મારી આજુબાજુની દુનિયામાં ઘટતી અનેકો ઘટનાઓમાં ઉંડી ઉતરીને મનન - મંથન કરી કરીને મારી વાતને ટૂંકી વાર્તામાં સમાવું છું. સંબંધો, માણસોની સાયકોલોજી, નૈતિકતા, સમભાવ, સહિષ્ણુતા અને મેઈન થીંગ દરેક વાતનો અંત પોઝીટીવલી જ આપવાનો આ માટે હું સજાગ છું.
તો દોસ્તો, મારી નાની નાની વાર્તામાં વિચારોની , મારા મંથનની, તટસ્થતાની કેવી છાંટ દેખાય છે, ઘટનાઓનું કેવું પિકચર ઉપસે છે, હું મારા વિચારો કહેવામાં કેટલી સફળ રહી એ આપ મારા ઇમેઇલ આઈડી કે મોબાઈલમાં મેસેજ કરીને જરુરથી જણાવજો.
વળી હા, આપની પાસે આવી કોઇ સ્ટોરી હોય તો મને જરુરથી જણાવશો. હું એને ચોકકસ વાર્તાનું સ્વરુપ આપીને મારી રેગ્યુલર ફૂલછાબપેપરની કોલમમાં સમાવીશ.
આભાર.
અનુક્રમણિકાઃ
૧. લીંબુનું શરબત
૨. મોડીફીકેશન
૩.અનામત.
૪. પલાશ
૫. ડગલું
૬. પેસીવ સ્મોકીંગ
૭. ભુલક્કડ
૮. આવન -જાવન
૯.ઘોંઘાટ
૧૦. દુશ્મનીના હકદાર
૧. લીંબુનું શરબતઃ
હો વૃદ્ધ કોઈ એને દૂધિયા જો દાંત ફૂટે,
તો શક્ય છે કે બાળક જેવું થવાય પાછું.-
અનિલ ચાવડા.
અતિઆધુનિકતાની ચાડી ખાતા મસમોટા રસોડામાં કાચના ષટકોણ આકારના ગ્લાસમાં સ્ટીલની નાની નાજુક ચમચી ગોળ ગોળ ફરી રહી હતી અને ગ્લાસમાં રહેલ આછા પીળાશ પડતા પાણીમાં ગોળ ગોળ ચક્રો પેદા થઈ રહ્યાં હતાં. એ ચક્કરના વમળોમાં સરલાની નજર સ્થિર થઈ ગઈ અને એ વમળના ચકરાવામાં ઉંડી ને ઉંડી ઉતરતી ચાલી અને ડૂબતાં ડૂબતાં એ પોતાના જીવનના સાડા ત્રણ દાયકાના ભૂતકાળમાં ઉતરી ગઈ.
લગ્નના માંડ એક મહિનો થયો હતો. સરલા સાસરીની રીતભાત પ્રમાણે પોતાની જાતને સેટ કરતા શીખી રહી હતી. જો કે પિયરીયા અને સાસરીની જીવનશૈલીમાં આભજમીનનો ફરક હતો. બધી જ રીતભાત સાવ અલગ જ હતી એથી એને થોડું અઘરુ પણ પડી રહ્યું હતું. પણ સેટ થવું એ એક જ રસ્તો હતો એની પાસે, બીજુ કોઇ જ ઓપ્શન નહતું. સરલાએ અને રાકેશે એમના જમાનામાં ‘લવમેરેજ’ જેવું પરાક્રમ કરવાનું સાહસ કરેલું. ત્રણ વર્ષની અઘરઈ કવાયત પછી માંડ માંડ સાસરીયાઓ રાજી થયા હતાં અને એમના લગ્ન શક્ય બન્યા હતાં. હવે તો સરલા માટે સાસરીયાઓની રહેણી કરણીને સેટ થઈને એમના દિલ જીતવા એ એક જ મુખ્ય ઉદ્દેશ થઈ ગયેલો અને એના માટે એ જરુરી બધા જ પ્રયત્નો કરી છૂટતી હતી. કામગરી સરલા આમ તો એના સાસુ-સસરાને ગમવા પણ લાગેલી પણ એ લોકો હજુ ખૂલીને એ ‘ગમ્યાં’નો એકરાર નહતા કરતાં.
એક દિવસ અચાનક બપોરના સમયે સરલાને ઠંડી લાગવા લાગી અને શરીર તૂટવા લાગ્યું. બધા જમીને પોતપોતાના રુમમાં આરામ કરી રહેલા અને રાકેશ નોકરીએ હતો. કોઇને બૂમ પાડીને બોલાવવામાં સરલાને થોડો સંકોચ થતો હતો. હજી સાસરીયાઓ સાથે એના લાખ પ્રયત્ન છતાં એટલી બધી આત્મીયતા નહતી સધાઈ એટલે એણે ચૂપચાપ મોઢે માથે ઓઢીને ઉંધી રહેવામાં જ ભલાઈ માની. ઉંઘ નહતી આવતી એટલે બેચેનીમાં આમથી તેમ પડખાં ફેરવ્યાં કરતી હતી. મોઢું સૂકાતું હતું પણ ફ્રીજ ખોલીને પાણીની બોટલ કાઢવા જેટલી તાકાત એના પગમાં નહતી. ધીમે ધીમે એને ચક્કર આવવાના પણ ચાલુ થઈ ગયાં. આંખો ખુલ્લી રાખવામાં પણ તકલીફ થવા લાગી હતી ત્યાં જ એના કાને એના સાસુ રમીલાબેનનો અવાજ અથડાયો,
સરલા, ચાલો તો ચા બનાવો . ચા નો સમય થઈ ગયો છે.’
અને સરલા માંડ માંડ પલંગનો ટેકો દઈને ઉભી થઈ અને ભીંતનો સહારો લઈ લઇને ડ્રોઇંગરુમમાં ગઈ. સામે ઉભેલા રમીલાબેનના મોઢા સામુ નજર નાંખી તો એમના મોઢાની જગ્યાએ એને લાલપીળા ચકરડાં જ દેખાયા અને એ ભ..ફ..ફ દઈને નીચે બેસી પડી.‘
અરે…અરે શું થયું તને ? ઓહ..તારું શરીર તો ધખે છે. ચાલ તને પલંગ પર સુવાડી દઉં.’ અને રમીલાબેન સરલાને પલંગ પર બેસાડીને બોલ્યાં,
તાવ આવ્યો લાગે છે, એક કામ કર. ફ્રીજમાં લીંબુ છે થોડું પાણી બનાવીને પી લે એટલે સારું લાગશે.’ અને સરલા રમીલાબેનને જોતી જ રહી ગઈ. એને અચાનક એની મમ્મી યાદ આવી ગઈ. એને જરા સરખી છીંક પણ આવે તો એ આખું ઘર માથે લઈ લેતી અને સરલા પણ એની પર આડેધડ હુકમો ઠોક્યાં કરતી.તાવ આવ્યો હોય ત્યારે મમ્મી ઓફિસનું કામ છોડીને અડધી રજા મૂકીને ય ઘરે આવી જતી અને એને ડોકટર પાસે લઈ જતી. ફૂટ જ્યુસીસ બનાવી આપતી અને કાચના રમકડાંની જેમ એની સારસંભાળ લેતી. એને પલંગમાંથી નીચે પગ સુધ્ધાં મૂકવા ના દે અને આજે જ્યારે એનાથી ઉભા પણ નહતું થવાતું ત્યારે એ લીંબુનું શરબત કેમની બનાવવાની ? હવે તો રાકેશ ઓફિસથી આવે ત્યારે જ કંઈક વાત બને એ વિચારે સરલાએ કચકચાવીને આંખો મીંચી દીધી. એની મીંચાયેલી કાળી લાંબી પાંપણો હેઠેથી બે ઉના લ્હાય જેવા આંસુડા સરી પડ્યાં જે ‘કોઇ જોઇ જશે તો’ ની બીકમાં એણે ઝડપથી લૂછી કાઢ્યાં.
પછી તો બે કલાક રહીને રાકેશ ઘરે આવ્યો અને એને લઈને ડોકટર પાસે ગયો.ડોકટરે બધા રીપોર્ટ્સ કઢાવ્યા અને ટાઇફોઈડનું નિદાન કર્યું. રાકેશની પ્રેમાળ સારવારથી સરલા સાજી તો થઈ ગઈ પણ દિલના એક ખૂણે તીખા, વેધક ઘાના ઘસરકા રહી ગયાં હતાં.
આજે સરલા પોતે બે છોકરાંઓની મા હતી. મોટો દીકરો રાહુલ ઓફિસે હતો અને એની વહુની તબિયત સારી નહતી. થોડું શરીર ધીખતું લાગ્યું એટલે સરલા લીંબુનું શરબત બનાવી રહી હતી. અચાનક ભૂતકાળમાંથી વર્તમાનમાં આવી ગઈ અને સરલા લીંબુના શરબતનો ગ્લાસ અને સાથે એક પેરાસીટ્રામોલ લઈને એ એની વહુના બેડરુમ ભણી વધી.
અનબીટેબલઃ માંદા , અશકત માણસોને શીખામણ નહીં પણ પ્રેમાળ અને કાળજીભર્યા વર્તનની જરુર હોય છે.
૨. મોડીફીકેશનઃ
તેં કહ્યું તે મેં ના માન્યું, મેં કહ્યું તે તેં કદી,
આમ નાની જીદમાં એક વારતા સરજાય છે.–
લેખિકાના નવા કાવ્યસંગ્રહ ‘અક્ષિતારક’ પુસ્તકમાંથી.
હમણાં જ વરસાદ પડી ગયેલો. વાતાવરણમાં એક અનોખી માદકતા પ્રસરી રહી હતી. આમ તો ખંજનાને વરસાદ પડી ગયા પછી ‘વૉક’ લેવા જવાનો કંટાળો આવે. ચોમેર ગંદકીથી બચીને ચાલતા જવાનું હોય એમાં ચાલવા માટેની જરુરી અને એકધારી સ્પીડ જ ના પકડાય પણ આજે એનું મન ખિન્ન હતું અને એને થોડો ચેઇન્જ જોઇતો હતો એથી એ પ્લેટફોર્મ હીલ વાળા ચાલવામાં સુવિધાજનક એવા ચંપલ પહેરીને ચાલવા નીકળી. રસ્તાની ગંદકીને નજરઅંદાજ કરીને એણે ઠંડકભર્યા વાતાવરણ સાથે જ તાદાત્મય સાધ્યુ અને ધીમી પણ મક્કમ ચાલે ચાલતી ચાલતી પોતાના મનપસંદ એવા આશ્રમ પાસે પહોંચી ગઈ. ત્યાં જઈને એની નજરે એક અદભુત નજારો જોવા મળ્યો. ઉનાળામાં સાવ જ ભૂખરાં રંગે રંગાઈને નખાઈ ગયેલી હાલતમાં જીવતી ટેકરી પર થોડા દિવસના વરસાદ પછી લીલુડાં ઘાસની ઝીણી ઝીણી ઝાંય ફૂટી નીકળી હતી જાણે નવા નવા જુવાન થયેલા છોકરાના મોઢા પર ઉગી નીકળેલી સોનેરી – મુલાયમ રુંવાટી ! આજુબાજુથે વહેતો મંદ મંદ પવન અડતાં જ એ લીલી રુંવાટી રણઝણી ઉઠતી હતી. ટેકરીમાં પગથિયાં કોતરીને ઉપર એક મંદિર બનાવેલું હતું એ મંદિરની કેસરી ધજા હવામાં ફરફર થતી હતી એ જોઇને આખા વાતાવરણમામ એક દિવ્યતાનો અનુભવ થતો હતો. મંદિર સુધી પહોંચવાની પગદંડીના પગથિયાં વરસાદમાં ધોવાઈને ચોખ્ખાં ચણક થઈ ગયા હતાં. આજુબાજુના વૃક્ષોની વચ્ચેથી ચળાઈને આવતા તડકાંની ધારથી ટેકરીનું શિખર સોનાનું લાગતું હતું. ત્યાં જ મંદિરના ઘંટનો અવાજ વાતાવરણમાં રણકી ઉઠ્યો અને સાથે ખંજનાના મોબાઈલની રીંગ પણ અને ખંજનાનું ધ્યાન તૂટ્યું. એક પણ થૉડો ગુસ્સો આવી ગયો.પોતે શાંતિ ઇચ્છતી હતી તો મોબાઈલ શું કામ લઈને નીકળી ? જાત સાથે થોડી પળો વીતાવવી હતી પણ રોજિંદી ટેવવશ મોબાઈલ હાથમાં લેવાઈ ગયેલો. ખંજનાએ સ્ક્રીન પર નજર નાંખી તો પારીજાતનું નામ ઝળક્યું.‘
બોલ.’‘
ખંજના, ક્યાં છે તું ? કશું જ કહ્યા કર્યા વિના કેમ નીકળી ગઈ ? હું ક્યારનો તને શોધુ છું.’ સામેથી વિહ્વળ અવાજ આવ્યો.‘
પારી, હું ટહેલવા નીકળી છું. આશ્રમ આગળ જ છું. ચિંતા ના કર હમણાં થૉડી વારમાં આવી જઈશ.’ ને ફોન કટ કરી દીધો અને વિચારવા લાગી,
પારી એને કેટલો બધો પ્રેમ કરે છે..તો પછી આમ કેમ.?’ અને માથાને એક ઝાટકો મારીને બધા વિચારો ખંખેરીને મન પાછું મંદિરમાં, ટેકરીમાં પરોવ્યું. થોડી વાર મંદિરમાં બેસીને પરિતૃપ્તિનો આનંદ મેળવીને ખંજના ઘર તરફ વળી. ઘરે જઈને જોયું તો પારીજાત ચા ની ટ્રે અને નાસ્તા સાથે એની રાહ જોતો હતો એ જોઇને ખંજનાને એક ઓર ખુશીનો ઝાટકો લાગ્યો.‘
આ શું ? હું કહી કહીને અડધી થઈ જાઉં તો ય તું ચા ના મૂકે અને આજે…ઓહ..એક મીનીટ, હું હાથ – મોં ધોઇને આવું છું ડાર્લિંગ.’
ફ્રેશ થઈને ખંજના ચા પીવા સોફા પર બેઠી અને ટીપોઇ પર નજર નાંખી તો ફરી એક નવાઈનો ઝાટકો લાગ્યો,
અરે, ટીપોઇ આટલી ચોખ્ખી ચણાક કેમની ? આગળના દિવસના બધા પેપર, મેગેઝિન બધું જ ત્યાંથી ગાયબ હતું. ફકત આજ્નું પેપર જ ત્યાં વ્યવસ્થિત રીતે ગડી કરીને ગોઠવાયેલું હતું.‘
પારી, આ બધા પેપર ક્યાં ગયાં?’
અરે, એ તો તારી રાહ જોતાં જોતાં કંટાળેલો તો મેં ઘરમાં થૉડી સાફસફાઇ કરી નાંખી. જો ને બારીના કાચ પણ કેવા ચોખ્ખા ચણાક છે ને સોફા પરના કુશન, ફોનનું ટેબલ, બેડરુમની બેડશીટ અને કુશન કવર સુધ્ધાં બદલીને જૂની ચાદર વોશિંગ મશીનમાં નાંખીને મશીન પણ ચાલુ કરી દીધું છે.’‘
અરે, હું આખો દિવસ ઘર સાફ રાખવામાં મદદ કરવા માટે તને અને તારી વ્હાલી દીકરી ખુશાલીને રોજ બૂમો પાડી પાડીને કહુ પણ તમે બે તો સાંભળો જ ક્યાં…જાણે આ બધું મારી એકલીની જ જવાબદારી છે એવું વર્તન જ કરો અને આજે અચાનક જ આમ….’‘
ખંજના, એવું કંઈ નથી. હું તો ઘણી વખત ટીપોઇના પેપર, ટીવીનો કાચ પણ સાફ કરી નાંખુ છું. બે દિવસ પહેલાં તો તું મમ્મીને ઘરે ગયેલી ત્યારે રુમમાં પડેલા બધા અસ્તવ્યસ્ત કપડાં ગડી કરીને બધાના કબાટમામ વ્યવસ્થિત ગોઠવી દીધેલા. ખ્યાલ છે ?’
અને ખંજનાની નજરે એ દિવસનું ચોખ્ખા ઘરનું દ્ર્શ્ય તરવરી ઉઠ્યું.‘
ઓહ, એ દિવસે મને ચોખ્ખાઇનો અનુભવ તો થયેલો પારી પણ તેં આવું કામ કરેલું એ ખ્યાલ ના આવ્યો ને હું તો સીધી રસોડામાં ઘૂસીને કામમાં લાગી ગયેલી.સોરી ડીઅર, પણ આજે સવારે જ મેં તને ફ્રીજમાં પાણીની બોટલ ભરી દેવાનું કહ્યું અને તેં સાંભળ્યું જ નહીં ત્યારે મને બહુ જ ગુસ્સો આવેલો ને હું ફેશ થવા ઘરની બહાર નીકળી ગઈ એ વખતે તારે મને ના કહેવું જોઇએ કે તું આ બધું કામ ચૂપચાપ કરે છે. આજે જ્યારે આ વાત નીકળી ત્યારે મને એ વાતનું ભાન પડે છે કે તું મને ઘરકામમાં કેટલી મદદ કરે છે.’‘
અરે, ખંજના એમાં બોલવાનું શું ? કામ કરવાનું હતું તો કરી કાઢ્યું.’‘
ના પારી,કાયમ આમ ચૂપચાપ રહીને કામ ના થાય. તમે જે કામ કરો એનો સામેવાળાને અહેસાસ થવો જોઇએ. હું મારી કામની ધૂનમાં જ હોવું અને અનેકો ટેન્શનમાં ફરતી હોવું ત્યારે તારું આ ચૂપચાપ કરાતું કામ મારા ધ્યાનમાં ય નથી આવતું અને અંદરોઅંદર હું અકળાયા કરું કે’,ઘરની સાફસફાઈ, સુપેરે ચલાવવાની જવાબદારી કાયમ મારી એકલીની જ..? આ તો ઠીક છે કે આપણાં બે વચ્ચેની વાત છે પણ તું તો સંબંધીઓમાં પણ આવું કરે છે અને મોટાભાગે લોકોને તારા ચૂપચાપ કરાયેલા કામની કોઇ ખબર જ નથી પડતી. કાયમ ચૂપ ના રહેવાય ડીઅર, સમયાંતરે બોલતાં રહેવું જરુરી છે. નહીં તો આજે મેં મનોમન તારા વિશે વિચારીને જે અન્યાય કર્યો એવો જ લોકો કાયમ તને કરતાં રહેશે જે મારાથી તો સહન નહી જ થાય. માન્યું કે ચૂપચાપ કામ કરવું એ તારો સ્વભાવ છે પણ એને તારે મારી ખાતર પણ થોડો મોડીફાય તો કરવો જ રહ્યો..પ્લીઝ.પોતે કરેલા કામ વિશે થોડું બોલતાં શીખ જેથી સામેવાળાને રીયલાઈઝ થાય અને એની કદર કરે. જો કે કદર કરે કે ના કરે એની કોઈ ચિંતા નથી પણ તને અન્યાય તો ના જ કરે. માનવીએ બઢી ચઢીને માર્કેટીંગ કરવું જોઇએ એમ નથી કહેતી પણ સાવ તારી જેમ ચૂપ રહીને પણ કામ ના જ કરવા જોઇએ.’‘
ઓકે બાબા, હવેથી હું ધ્યાન રાખીશ. હવે ચાલ ચા પી લઈએ..વેઈટ હું ઓવનમાં બે મીનીટ મૂકી દઉં. તને પાછી ઠંડી ચા નહી ભાવે..’
ને ખંજના અતિ પ્રેમાળ પતિદેવને જોઇને મનોમન હરખાતી રહી.
ગરમીથી ત્રાસેલી ટેકરી પર વરસાદના છાંટણાંથી અતિ નાજુક લીલા સ્પંદનો સળવળી ઉઠયાં.
અનબીટેબલ ઃ શબ્દો અને મૌન પ્રાર્થનાના જ બે રંગ છે
૩.અનામત.
કૈંક જન્મોની પીડાઓ આવ-જા કરતી રહે,
આંખમાં પોલાણમાંનું દર્દ બળિયું હોય છે.-
અશોક ચાવડા ‘બેદિલ’.‘
સાલ્લું…શું વાંચવાનું આ પેપરમાં ? જ્યાં જોઇએ ત્યાં અનામત – ફનામતના સમા્ચારો જ છે. બધું એક ધતિંગ જ છે. નવરા બેઠા …’ ને રવિને ગુસ્સામાં જ પેપરનો રોલ બનાવીને એને જોરથી જમીન પર પછાડ્યું.
સરવાણી બાજુમાં બેઠી બેઠી શાક સમારી રહી હતી. અચાનકના આ ધમાલથી ચપ્પા અને એની આંગળીની વચ્ચેની રીધમ ખોટકાઈ ગઈ અને ચપ્પું શાકના બદલે સીધું એની આંગળીમાં ઘસરકો કરી ગયું. લાલચોળ લોહીની હલ્કી ટશર ફૂટી નીકળી. સરવાણીએ આંગળી મોઢામાં નાંખી દીધી અને લોહી ચૂસતાં જ બોલી,
શું છે રવિન, સવાર સવારમાં આટલી ધમાલ શીદને ?’
રવિનનું ધ્યાન સરવાણીની આંગળી પર જતાં જ અચાનક એને પોતે જે કર્યું એના પરિણામનો ખ્યાલ આવ્યો અને થોડો છોભીલો પડી ગયો.‘
ઓહ, આઈ એમ સોરી ડીઅર. આ તો જ્યારે પણ પેપર ખોલીએ એટલે અનામતના સમાચાર જ જોવા મળે છે. આપણે કોલેજમાં હતાં ત્યારથી આ અનામત હેરાન કરતું આવ્યું છે.વારંવાર આના લીધે કોલેજમાં ધમાલ થાય, અડધી પરીક્ષાઓ પછી તોફાન થાય એટલે એ પાછી પોસ્ટપોન્ડ રાખવાની, અમુક સમયે તો આપેલી પરીક્ષાઓ ફરીથી આપવાનો વારો આવે જેવા વારંવારના છબરડાઓથી હું કંટાળી ગયેલો. શું ભણ્યાં ને શું પરીક્ષાઓ આપી એ જ ખબર નથી. આપણા દેશમાં આ અનામતનો કાકડો કાયમથી સળગ્યા જ કરે છે. જનહિતના બદલે એનો ઉપયોગ રાજકારણની જેમ જ વધુ થતો આવ્યો છે. એટલે મને આ શબ્દથી જ નફરત થઈ ગઈ છે.’‘
હા, રવિન. તારી વાત તો સાચી છે. આ અનામતના તોફાનો તો અમે ય સહન કરેલા છે. આપણા સંતાનો ય એની આડઅસર સહન કરે છે જ. આપણે ત્યાં કાયદા બને ત્યારે એનો હેતુ અલગ હોય છે અને જ્યારે એ અમલમાં આવે ત્યારે એને મારી મચડીને સહેતુક અર્થો અલગ રીતે કરાય ને વપરાય છે. ક્યાં અટકશે આ બધું કોને ખબર ? આ અનામત શબ્દથી જ મને ચીડ ચડવા લાગી છે હવે. લાયકાતના ધોરણ એ સર્વોચ્ચ, બાકી બધું ધૂળ ઢેફાં જ છે.’‘
છોડ એ બધી માથાકૂટ, ચાલ તું ગરમાગરમ આદુ ફુદીનાવાળી મસ્ત ચા બનાવી દે ને સાથે થોડા મમરાં વઘારી દેજે.’‘
હા, હું ચા બનાવીને આવું ત્યાં સુધી તમે આ શાક સમારતાં થાઓ.’ને મોઘમ હસતી સરવાણી સોફા પરથી ઉભી થઈ.‘
બદલો વાળ્યાં વિના છોડે નહીં તુ હા..’ અને રવિને હસતાં હ્સતાં છરી હાથમાં લીધી. થોડી જ વારમાં સરવાણી ચા – નાસ્તાની ટ્રે લઈને રવિન સમક્ષ ઉપસ્થિત થઈ ગઈ. ચા પીતાં પીતાં રવિનને અચાનક યાદ આવ્યું,
અરે સરવાણી, તારા પેલા ગીતોની કોમ્પીટીશનના પ્રોગ્રામનું શું થયું પછી ?’
કંઈ નહીં. મેં એમાં ભાગ લેવાની ના પાડી દીધી .’‘
કેમ એમ ? તું પાગલ થઈ ગઈ છે કે ? આ તો તારા માટે, તારી કેરિયર માટે કેટલી મોટી તક હતી ! વળી તું મોસ્ટ ટેલેન્ટેડ છે. મને એકસો ને દસ ટકા વિશ્વાસ છે કે તું આમાં ભાગ લઈશ તો જીતીશ, જીતીશ ને જીતીશ જ. તો પછી તેં ના કેમ પાડી દીધી એ મને નથી સમજાતું ? એક વાત સાંભળ સરુ, મળતી તક કદી છોડવી નહીં – જીવનમાં આગળ વધવા આ સિધ્ધાંત પર ચાલીશ તો જ સફળ થઈ શકીશ. ‘‘
રવિન, હું સફળતા કોને ગણું છુ એ તું બરાબર જાણે છે ને ! સફળતા એટલે મને મારા કામ થકી મળતો માનસિક સંતોષ અને મારા કામની યોગ્ય કદર થાય તો જ મને સંતોષ મળે. એમાં ભેદભાવની નીતિઓ ના જોઇએ.’‘
મતલબ, તું શું કહેવા માંગે છે મને સમજાયું નહીં.’ ચાનો કપ બાજુમાં મૂકીને રવિન સરવાણીની મૉઢા સામું પ્રશ્ન ઉછાળીને જોઇ રહ્યો.‘
વાતમાં એમ છે ને રવિન કે સંગીત એકેડેમીવાળાઓએ ગાયક અને ગાયિકાઓની હરિફાઈ નોખી પાડી દીધી છે. પહેલાં દિવસે સ્ત્રીઓની અને બીજા દિવસે પુરુષ ગાયકોની.’‘
તો એમાં વાંધો શું છે ?’ રવિનના મોઢા પર અસમંજસના ભાવ પથરાઈ ગયાં.‘
રવિન, હમણાં થોડી વાર પહેલાં આપણે શેની ચર્ચા થઈ યાદ છે?’
હાસ્તો…અનામતની. કેમ ?’
શું કેમ મારા બુધ્ધુરામ ! અરે, અત્યાર સુધી અમારી એકેડેમીમાં સ્ત્રી પુરુષોની સાથે હરિફાઈ થતી આવી છે. સ્ત્રીઓનો પ્રોગ્રામ અલગ ને પુરુષોનો અલગ એવો વિચાર એમના મગજમાં આવ્યો જ કેમ ? શું તેઓ અમને સ્ત્રીઓને પુરુષો કરતાં નબળી ગણે છે ?’
ના..ના..એવું નહીં સરવાણી. આપણા સમાજમાં સ્ત્રીઓનું એક અનોખું સ્થાન જ છે. દરેક ક્ષેત્રમાં તું જો…સ્ત્રીઓને અમુક લાભ – ફાયદા અપાય જ છે ને. એમાં ખોટું શું છે ?’
ના રવિન, હું સ્ત્રી છું એટલે જ મારી કળાની નોંધ લેવાય કે અમુક લાભ અપાય એ મને સહેજ પણ પસંદ નથી. આ તો મારી કળા – આવડત સામે સીધો પ્રશ્ન ઉભો થઈને ઉભો છે. પ્રતિયોગિતા કરવી જ હોય તો સ્ત્રી – પુરુષોની બધાયની એક સાથે જ કરો નહીં તો કંઈ નહીં. મને મારી તાકાત પર પૂરો ભરોસો છે કે હું એમાં વિજેતા નીવડીશ જ અને વિજેતા નહીં થાઉં તો ય કયું મોટું આભ તૂટી પડવાનું છે, બીજી વાર વધુ મહેનત કરીશ પણ માત્ર સ્ત્રી હોવાના કારણે મારી નોંધ લેવાય એ મને સહેજ પણ પસંદ નથી. આ અનામનનીતિનો હું વિરોધ કરું છું.’‘
ઓહ.તો આમ વાત છે..સરુ આઈ એમ રીઅલી પ્રાઉડ ઓફ યુ ડીઅર. કીપ ધેટ સ્પીરીટ.’ અને સરવાણીની માખણમાં સિંદુર મેળવેલા રંગની બરોબરી કરતી રાતી ઝાંય ધરાવતી હથેળીને પ્રેમપૂર્વક હળ્વે’કથી દબાવી.
અનબીટેબલઃ ‘જો’ અને ‘તો’ ની શરતોથી મળે એ સફળતા શું કામની ?
૪. પલાશઃ
ખીલ્યો પલાશ પુર બ્હારમાં રે લોલ,
સઘળી ખીલી છે વનવેલ;
ટહુકે શી આમ્રકુંજ કોકિલા રે લોલ,
ટહુકે મયુર અને ઢેલ !
બંધુ બેનીઓ ! ચાલો વસંતૠતુ માણવા.–
નરહરિ ભટ્ટ
પૂર્વદિશામાંથી સૂરજ ધીમે ધીમે ઉપર ચડી રહ્યો હતો. પક્ષીઓ લયબધ્ધ અવાજે એના આગમનની છડીઓ પોકારતા પોતપોતાના કામે ચડી રહ્યાં હતાં. શહેરના ‘પોશ’ એરીઆમાં આવેલા પોશ ફ્લેટ્સના પંદરમા માળના ફ્લેટની ગેલેરીમાંથી રીતુ કોફીની ધીમી ધીમી ચુસ્કી સાથે એ દ્રશ્યને નજરમાં સમાવી લેવાનો પ્રયત્ન કરી રહી હતી.
રીતુને નાનપણથી સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા અનહદ પસંદ હતાં. એ અચૂક એનો લ્હાવો માણે માણે અને માણે જ.વળી સદનસીબે એના ઘરનો વ્યૂ પણ એવો સરસ હતો કે સૂર્યને ‘આવો થી માંડીને આવજો’ કહેવાનો બે ય વેળાનો એ લ્હાવો ઉઠાવી શકવાને સક્ષમ હતી. ધીમે ધીમે ઉગી રહેલા સૂર્યના ઉજાસમાં સવારના લગભગ ખાલી રોડની જમણી બાજુએ ઉગેલા ખાખરાના વૃક્ષને જોઇને રીતુ કાયમ અત્યંત ભાવવિભોર થઈ જાય, એવા સમયે એ ‘માંગ માંગ માંગે તે આપું’ જેટલી પ્રસન્નતાની ભાવનાથી છલકાઈ જાય. બહુ ઉંચુ નહીં ને બહુ નીચું પણ નહીં, એ ખાખરાનું વૃક્ષ સાવ સામાન્ય જ, ઝાડ રુપાળું નહીં પણ એના ફૂલ અતિસુંદર. સાંજના સમયે તો પલાશના ફૂલો જાણે અગ્નિના ઝીણાં તિખારા જેવા જ લાગતાં.અહાહા…આજે પણ સૂર્યોદય નિહાળતાં રીતુની નજર સૂર્યકિરણોની સાથે સાથે એ અતિપ્રિય પલાશના ફૂલ પર પડી પણ આ શું..એને એક આંચકો લાગ્યો.અંદર કોઇ સંવેદનોના તાર જ ના રણઝણ્યાં. રીતુએ ફરીથી એક વાર નજરમાં એ આખું વાતાવરણ ભરી લેવાનો યત્ન કર્યો. પણ એ એની ખુશી માણવાના પ્રયાસમાં વિફળ નીવડી.
આ..હ.’ આ એની સાથે શું થઈ રહ્યું છે ? નાનપણથી જે વસ્તુઓના, મંઝિલના સપનાં જોઇ જોઇને મોટી થઈ છે, રીતસરની એ પૂરા કરવાને એ ટટળી છે, તરફડી છે એ સપનાં ધીમે ધીમે પૂરાં થઈ રહ્યા હતાં. અભાવોની વચ્ચે ગુજરેલાં બાળપણમાં પાડોશીના ઘરે ટીવી જોઇજોઇને મોટી થતી રીતુએ મોટા થઈને બહુ પૈસા કમાઈને એક મોટું ટીવી ખરીદવાનું માસૂમ સપનું જોયુ હતું. આજે ચાલીસીના પડાવે એ ઉભી હતી અને એની પાસે એના ચાર બેડરુમના ઘરમાં દરેક રુમે રુમે એક એલઈડી ટીવી હતું. ટીવી જોવા માટે બીજા રુમમાં જવાની ય તસ્દી લેવાની જરુર નહીં. પોતાના ઘરે મહેમાન આવ્યાં હોય ત્યારે એમના માટે બનાવાતા શરબત માટે જોઇતો બરફ પણ એ પાડોશીના ઘરેથી માંગવા જતી ત્યારે ભવિષ્યમાં પોતાના ઘરમાં એક મસમોટું ફ્રીજ હશે એવું વિચારતી અને આજે…એના ઘરમાં ડબલડોરના બે ફ્રીજ હતાં અને એ પણ આઇસક્રીમ , કોલ્ડડ્રીંક, ફ્રુટ્સ, ડ્રાયફ્રુટ્સથી ઠસોઠસ ! એની સ્કુલ ઘરથી અડધો કલાકના અંતરે હતી જે રસ્તો એણે ચાલીને પસાર કરવો પડતો.એ વેળા રીતુ રસ્તા પર આવતાં જતાં વાહનોને એક તરસથી નિહાળતી અને આજે એની પાસે બે મસમોટી કાર , એ પણ શોફરડ્રીવન અને એક એક્ટીવા પણ હતું. નાના એવા બે રુમના અને રોજબરોજ ગાળાગાળીથી દિવસ શરુ કરનારા પાડોશીની વચ્ચે રહી રહીને એના કાન પાકી જતાં હતાં જ્યારે આજે..એની પાસે નિરાંતે પોતાના મનગમતાં સંગીતને માણી શકે એવો , શહેરના અતિધનવાન લોકોમાં ગણના થાય એવા એરીઆમાં એક સુંદર મજાનો ફ્લેટ હતો. પોતાનો વેલસેટલ્ડ બિઝનેસ હતો. એકાદ મહિનો ઓફિસે ના જાય તો પણ કોઇ જ તકલીફ ના પડે એવો વિશ્વાસુ સ્ટાફ પણ હતો. તો પછી..આવું કેમ ?
નાનપણમાં પાડોશીના ઘરે ચિત્રહાર જોઇ જોઇને જે ખુશી મળતી એ આજે પોતાના મસમોટા ટીવીમાં મનગમતી ચેનલોના મનપસંદ પ્રોગ્રામમાં કેમ નહતી આવતી ? ગંદકીથી ખબબદતા રસ્તા પર મસ્તીથી ચાલી જતી હતી એ વેળાની મજા આજે સુંદર મજાની એ.સી.વાળી ગાડીમાં ય કેમ નહતી આવતી ? પંદર પૈસાની પેન્સિલથી ચિત્રો દોરીને , દસ રુપિયાના વેક્સ ક્રેયોનથી કલર કરતી વેળા જે મસ્તીની હેલીમાં એ તરબોળ થતી એ આજે કેનવાસ પર મોંઘા દાટ – દેશ વિદેશથી સ્પેશિયલ મંગાવેલા કલર લઈને પેઇન્ટીંગ કરવામાં કેમ નહતી આવતી ? નાનપણમાં એના ઘરે ભાજીપાઉં કે ઢોંસા બને ત્યારે એક મહાઉત્સવ જેવું લાગતું જ્યારે આજે એ શહેરની ફાઈવસ્ટાર હોટલમાં બ્રંચ – ડીનર – બુફે કરતી હતી પણ તો ય..મજાની એ લહેરખી ક્યાં ? મનગમતો સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા એ સ્પેશિયલ ઘરના ધાબે અડધો અડધો કલાક રાહ જોતી હતી જ્યારે આજે એ મનપસંદ્ દ્શ્ય એના ઘરમાંથી જ નિહાળી શકાતું હતું પણ એ ઉલ્લાસની એક ઝીણી સરખી છાંટ સુધ્ધાં એમાં નહતી અનુભવાતી. પોતાની અંદરનું નાજુક, સુંદર મન ક્યાં ખોવાઈ ગયેલું ?
એક ઝાટકાં સાથે રીતુ ઉઠી અને બાથટબમાં પાણી કાઢી, બોડીલોશન મીક્ષ કરીને સ્નાન કરવા ગઈ. સ્નાન કરીને તૈયાર થઈને એ એના આધ્યાત્મિક ગુરુમાના આશ્રમમાં ગઈ. ગુરુમા નાનપણથી રીતુને ઓળખતા હતાં અને દરેક સારા – માઠા પ્રસંગે એની તાકાત બનીને ઉભા રહેતાં. જોકે આજનો પ્રસંગ સારો – માઠો કરતાં પણ વધુ નાજુક, વધુ સંવેદનશીલ હતો. સ્લીવલેસ જાંબુડી રંગની શિફોનની સાડીમાં વીંટળાયેલી એકવડીયા બાંધાની બેદાગ ગોરી લીસી ત્વચા ધરાવનારી રીતુના લીસા – કાળા વાળ ખુલ્લાં હતાં ને મંદ મંદ પવનનાં ફરફરતાં હતાં. આસમાનમાંથી ઉતરી આવેલી પરી જેવી રીતુની સામે જોઇને ગુરુમાએ એક મમતાળુ સ્મિત આપીને આવકાર આપ્યો.‘
બોલ બેટા, આ મારા રુપાળા ચાંદ પર આજે અમાસની કાળી છાયા કેમ પથરાયેલી છે ?’
મા..અમાસની છાયા જ હોય તો સારું. મને તો હું ખુદ અમાસ..’ ને ગુરુમાએ એના મોઢા પર હાથ મૂકી દીધો.‘
અર..ર પગલી, આ શું બોલે છે ? આટલી નાજુક, સમજુ છોકરી ને સાવ આવી વાતો ?’
મા, સાવ એકલી છું. મા બાપ ક્યારનાં મરી પરવાર્યા અને હું કોઇને પરણીને મા બની શકું એવો કોઇ સમય મળ્યો જ નહી કે એવો વિચાર પણ નથી આવ્યો. આજે જ્યારે મારા નાનપણી સપનાંઓ હકીકતનું સ્વર્ગ બનીને મારું જીવન અજ્વાળી રહ્યાં છે ત્યારે મારું અંતર ઝળઝળના બદલે એની આજુબાજુના અંધારામાં ખોવાઈ જાય છે. પહેલાં ગરીબ હતાં ત્યારે જે નાની નાની ખુશીઓની અમીરી હતી એ આજની જાહોજલાલીમાં ગમે એટલા પૈસા વેરવા છતાં ય નથી મળતી. એકચ્યુઅલી મા, હું બહુ તરસી છું આ વૈભવ, ઝાકમઝોળ માટે. આમ ને આમ જ જીવનના ચાલીસ વર્ષ વીતી ગયાં. સપનાં પૂરા કરવામાં ને કરવામાં બહુ ઉઝરડાં પડ્યાં છે, પીડાઓના સાગર ખેડ્યાં છે, આ બધું વેઠીને હું થોડી મજબૂત થઈ ગઈ એમ વિચારતી હતી પણ એ મજબૂતાઇ પાછળ મારી સંવેદનશીલતાનો ભોગ લેવાઈ રહ્યો છે એનું મને ભાન સુધ્ધાં નહતું થતું. પહેલાં ઘરના ગોળાની આજુબાજુ ભીનું કપડું વીંટાળી વીંટાળીને કરાયેલું ઠંડું પાણી પીવામાં જે મજા આવતી હતી એ મજા આજના મસમોંઘા ફ્રુટ્જ્યુસીસમાં પણ નથી આવતી. જીવનમાં લાંબો સમય સામ્રાજ્ય ભોગવી અને વિદાય થયેલી તરસ જતી વેળાં મારી નાજુક સંવેદનાઓને પણ સાથે લેતી ગઈ છે મા…’ અને રીતુની માછલી જેવી મોટી આંખોમાં બે મોટાં મોતીડાં ચમકી ઉઠ્યાં.
ગુરુમાનું નાજુક હ્રદય પણ રીતુની વેદનાથી દ્વવી ઉઠ્યું. રીતુના દરેક સંઘર્ષના એ સાક્ષી હતાં. પણ એ સંઘર્ષ સાથે લડવામાં, મજબૂત બનવાની રીતુએ આ કિંમત ચૂકવવી પડી હશે એનો તો એમને અંદાજ સુધ્ધાં નહતો. પ્રેમથી એમણે રીતુને નજીક ખેંચી. રીતુ એમના ખોળામાં માથું મૂકીને એકદમ નાની છોકરી બની ગઈ.એના લીસા કેસમાં પોતાની કરચલી ભરેલી, ચમકતી ત્વચાવાળી આંગળીઓ પૂરોવી અને આર્દ્રતાથી ગુરુમા બોલ્યાં,
દીકરી, સમયે તને તારા સપના પૂરાં કરવામાં, તારી મનગમતી મંઝિલે પહોંચવામાં તને બહુ હેરાન કરી છે મને ખ્યાલ છે.વળી તું એ બધા સામે હિંમતથી અને પૂરતી પ્રામાણિકતા અને સમજદારીથી ઝઝૂમી છું એનો મને ગર્વ પણ છે. પણ એક વાતે તું ચૂકી ગઈ. તું જીદમાં જીદમાં નાની નાની ખુશીઓને નજરઅંદાજ કરતી ગઈ. મોંઘીદાટ ચીજ્વસ્તુઓ તને વધુ ખુશી આપી શકશે એવા વિચારોમાં તું નાની નાની ખુશીઓથી બેધ્યાનપણે દૂર થતી ગઈ. પરિણામે..જ્યારે આજે તારા બધા સપના પૂરાં થાય છે ત્યારે તારામાંનો અચરજભાવ જ મરી ગયો છે. અચરજ વિના પૂરાં થતાં સપના તારી જીદ પૂરી કરતા હતાં પણ તને જોઇએ એવી ખુશી નહતા આપી શક્તાં. ચોતરફ રાખોડી રંગનું સામ્રાજ્ય વર્તાય છે. તેં તારામાંનો આ અચરજભાવ કયાં ને ક્યારે છોડી દીધો એ તને પોતાને પણ ધ્યાન નહીં હોય. નાની નાની ખુશીઓમાંથી મળતો આનંદ કરોડો રુપિયાના પૂરાં થતાં સપના કરતાં ય ક્યાંય અદભુત અને કિંમતી હોય છે બેટા.પણ અફસોસ તને એ વાત છેક અત્યારે અનુભવાઈ. હજુ મોડું નથી થયું. તું એક સરસ મજાનો છોકરો શોધી લે અને પરણી જા. તારામાં રહેલી સ્ત્રીને એની પૂર્ણતા અર્પણ કર. ભીતરનો ખાસ્સો એવો ટળવળાટ એનાથી જ શમી જશે. પૈસા…પૈસા…પૈસાના સપનાંઓને જીવનમાંથી વિદાય કર અને જીવનમાં હવે થોડી રિવર્સમાં જા. જ્યાં થોડો ઘણો અભાવ હતો, પૈસા વિનાની નાની નાની ખુશીઓ તારું તન મન મદહોશ કરી દેતું હતું, વગર વર્ષાએ તને ભીંજવી દેતું હતું.’
અને ગુરુમા ના મધમીઠા વચનો રીતુના દિલ પર મલમનું કામ કરતાં ચાલ્યાં, દિલની વેદનામાં થોડી રાહત મળી. ભીતરે પોઢી ગયેલી પહેલાંની સંવેદનશીલ રીતુને જગાડવાની હતી, ખુશીઓના હિલ્લોળે ઝૂલવાનું હતું. કામ અઘરું જરુર હતું, અશક્ય નહીં. તરસ હદથી વધી જાય ત્યારે એક રોગ બની જાય છે. તરસ પૂરી કરવા માટે પાગલપણની હદ સુધી ઝઝૂમી લીધું હતુ પણ હવે બસ…થોડો પોરો ખાવો હતો અને,
રાખોડી ખાખરાનાં પીંછાકાર પર્ણોની વચ્ચેથી મુલાયમ કેસરી રંગના પલાશના ફુલો ઝૂમી ઉઠ્યાં.
અનબીટેબલ ઃ જીવનમાં નાની નાની ખુશીઓને કાયમ જીવંત રાખવી !
૫. ડગલું.
કોણ સાચું કોણ ખોટું, તું ખુલાસો ના કરીશ,
વિતવા દે જે સમયને , તું ખુલાસો ના કરીશ.–
ડો.મુકેશ જોષી
આ બધી શી માથાકૂટ છે? આપણી બિલ્ડીંગમાં ક્યારેય કોઇ જ કામ ટાઇમસર અને સારી રીતે પૂર્ણ થતું જ નથી. જ્યારે જોઇએ ત્યારે કોઇ ને કોઇ ડખા કરવા તૈયાર જ હોય છે.’મીનળના નાજુક નાકની ટોચ રોષથી ટામેટાં જેવી લાલ થઈ ગઈ હતી.‘
શું છે મીનળ ? કેમ આટલી બધી અકળાઈ ગઈ છું આજે ?’ નીલેશ – મીનળનો પતિ સોફા પર એની પાસે જઈને બેઠો.‘
આ આપણી લિફ્ટ જુઓને, વારંવાર હેરાન કરે છે . છેલ્લા ચાર મહિનામાં લગભગ બે મહિના તો બંધ રહી અને આજ કાલ તો ગમે ત્યારે, ગમે તે ફ્લોર પર જઈને અટકી જાય છે..છતી લિફ્ટે દાદરા વાપરવાના ! તમે બધા પુરુષો વારંવાર એના માટે મીંટીંગો જ ભર્યા કરો છે અને રીઝલ્ટના નામે શું ? તો કહે કે મીંડું ? આવી રીતે તો કંઈ પ્રશ્નોનું નિરાકરણ આવતું હશે ?’
પણ મીનળ, અહીંની પ્રજાને તો તું જાણે જ છે ને ? કેવી વિચિત્ર છે. કોઇ સમયસર મેઇન્ટેનન્સ ભરતું નથી અને જ્યારે પણ લાઈટબીલ ભરવાના આવે ત્યારે આપણી પાસે સિલકમાં મીંડું ને મીંડું જ હોય છે.લોકોને વારંવાર પૈસા આપવાનું યાદ કરાવવાનું અને અડધા તો જાતજાતના વાંધાવચકા કાઢીને એનું સોલ્યુશન નહી આવે ત્યાં સુધી પૈસા જ નહીં આપીએ જેવી ટણી પણ કરે છે. અમુક વહીવટ કરનારાઓ આગળના ઉઘરાવેલા પૈસા ચાઉં કરી ગયા છે ને કોઇ હિસાબ જ નથી આપતાં.. આ લોકોની માનસિકતાનો શું રસ્તો કાઢવો એ જ નથી સમજાતું. ‘‘
એવું થોડી ચાલે ? સુવિધા ભોગવે છે તો દર મહિને પોતાના ભાગે આવતા પૈસા તો ભરવા જ પડે ને. એ સિવાય આ વરસાદની સિઝન છે ને એનું પાણી લિફ્ટ આગળ ભેગું થાય છે ને લિફટમાં ઉતરે છે તો એનો કોઇ રસ્તો શોધવો પડે, આપણું પાર્કિંગ પણ કેટલું અસ્તવયસ્ત ને કચરાવાળું હોય છે એ પણ આપણે કચરો વાળવા આવે છે એની પાસે ઉભા રહીને સાફ કરાવવું જ પડે. કોઇ મહેમાન આવે તો કેટ્લું ગોબરું લાગે છે બધું. ઘર ગમે એટલું સરસ પણ આંગણું જ ગંદુ હોય તો શું કરવાનું ? કોઇ આવે તો આપણા વિશે શું વિચારે ? હવે શરમ આવે છે કે આપણે આવી જગ્યાએ રહીએ છીએ. પણ આ બધાની પુરુષોને શું સમજ પડે.. જવા દો, અમે બૈરાંઓ જ ભેગાં થઈને આનો કોઇ રસ્તો શોધીશું. તમતમારે ઓફિસ જ સંભાળો..હુ…હ..હ..’‘
જો મીનળ, તું આ બધી પંચાતોમાં ના પડ. આ બધાની પાછળ બહુ રમતો છુપાયેલી છે તું રહી સીધી સાદી ને સ્ટ્રેઈટ ફોરવર્ડ,નહીં પહોંચી વળે ને વળી અમથાંય તારે ઢગલો કામ હોય છે ને એમાં વળી આ નવી ઉપાધિ શું કામ વહોરી લે છે ?’
એવું દબાઈને બેસી રહેવાનું થોડી પોસાય ? ના હવે તો અમારે મહિલામંડળે જ કંઈક કરવું પડશે. તમતમારે ઓફિસોની ફાઈલો જ ખૂંદ્યા કરો.’ ને મીનળે દાંત ભીંચીને પોતે લીધેલા નિર્ણયમાં મક્કમતા જાહેર કરી જ દીધી.
પંદર વર્ષથી ચાલતા પુરુષોના ક્ષેત્રમાં મહિલાઓએ ગર્વભેર પ્રવેશ કર્યો અને તડાફડી મચાવી દીધી.
મીંટિંગ ભરી અને એક્સ્ટ્રા ૪૦૦ રુપિયા આપીને સોસાયટીના સફાઈવાળા ભાઈ પાસે સાફ કરાવવાનું નક્કી કર્યું. સફાઈવાળો પણ રાજીખુશીથી તૈયાર થઈ ગયો. ઘરદીઠ મહિને ૨૫ રુપિયા આવતા હતાં. ફ્લેટના મેમ્બરોને શું વાંધો હોય ? દરેકને સફાઈ તો ગમે જ ને , એ લોકો ય આ નવીનવાઈના અભિયાનમાં ખુશીથી જોડાયા અને પોતાનો ફુલ સપોર્ટ જાહેર કર્યો. નક્કી કર્યા મુજબ બીજા જ દિવસે સફાઈ કામદાર સવારના દસ વાગ્યામાં મીનળના ઘરે આવીને ઉભો રહી ગયો ને મીનળ અડધી રસોઇ પડતી મૂકીને એની સાથે પાર્કિંગ સાફ કરાવવા ઉપડી. વોચમેનને મોકલીને દરેક ઘરનાં લોકોને પોતાના વાહનો હટાવી લેવાનો સંદેશ મોકલાવ્યો. દરેક મેમ્બરે દિલથી સપોર્ટ આપ્યો. વાહનો હટાવતા હટાવતા કલાક વીતી ગયો એ પછી મીનળે ઉભા રહીને સૂચનો કરી કરીને પાર્કિંગ સાફ કરાવ્યું. કલાકની મહેનત પછી જ્યારે ચકચકાટ પાર્કિંગ જોયું ત્યારે એને પોતાની જાત પર, પોતાના નિર્ણય પર ગર્વ થયો. થાકી પાકી ઘરે આવીને ઘડિયાળમાં જોયું તો નાનો કાંટો બારને અને મોટો ત્રણને ‘ટચ’ થતો હતો. નીલેશ જમ્યાં વિના ઓફિસે જવા નીકળી ગયો હતો. મીનળનો બધો આનંદ રફુચક્કર..ઓહ, આ બધી બબાલોમાં પોતે ઘરની જવાબદારીઓને તો સાવ જ અવગણી બેઠી હતી. અઠવાડિયાના બે દિવસ સાવ આમ તો ના પોસાય. આ તો બધાની સહિયારી જવાબદારી કહેવાય. દરેકે પોતપોતાના ભાગનું કામ તો કરવું જ પડશે, હવે પછીની મીટીંગમાં બધાંના વારા કાઢીએ. એક અઠવાડિયે સાફસફાઇનું કામ આ બેન કરાવે તો બીજા અઠવાડિએ બીજા બેન…જવાબદારી વહેંચાઈ જાય પછી તકલીફ નહીં પડે.
મીટીંગમાં મીનળે પોતાની વાત રજૂ કરી અને તરત જ લોકોના રંગ ઢંગ બદલાઈ ગયાં. સવારના પહોરમાં સમય કાઢીને આમ સફાઈ અભિયાન કરાવવા કોઇ તૈયાર નહતું ને સફાઈવાળો બપોરના સમયે તો આવે નહીં. મીનળ જબરી મૂંઝાઈ ગઈ. હવે ? લોકો પાસેથી પૈસા તો ઉઘરાવીને બેઠેલી અને શરુઆતમાં જે બધા એ ઉત્સાહથી એની હા માં હા મિલાવી હતી એ બધાંય હવે જવાબદારી લેવાના નામથી જ ભાગવા લાગ્યાં હતાં. આમ ને આમ બીજો દિવસ પણ આવીને ઉભો રહ્યો પણ કોઇ સમય કાઢવા તૈયાર નહતું. વળી સફાઈ કરેલા પાર્કિંગમાં ફ્લેટના સદસ્યો મનફાવે એમ કચરો તો નાંખતા જ હતાં. આજનું ચોખ્ખું કરાયેલ પાર્કિંગ બીજા દિવસે તો એવું ને એવું જ. કોઇને કોઇ કહેનારું નહીં કે કોઇ જાતે સમજે ય નહીં.આ અનુભવોથી મીનળને બહુ દુઃખ થયું, એ જેમ તેમ કરીને પોતાનો સમય સફાઈવાળા સાથે સેટ કરી કરીને કામ કરાવવા લાગી. મહિનો વીતવા આવ્યો અને એક નવી સમસ્યા ઉભી થઈ. સફાઈ કામદાર ૪૦૦ રુપિયાના ૮૦૦ રુપિયા માંગતો હતો. મીનળે એની સાથે બહુ રકઝક કરી પણ એ એક નો બે ના થયો.મીનળે બધી બેનો સમક્ષ આ વાત મૂકતાં બધાનું મગજ ફરી ગયું ને એ કર્મચારીને ગાળો ભાંડતાં ભાંડતા છુટા પડ્યાં. વાતનો નીવેડો તો કંઈ આવ્યો જ નહીં.
બીજો કોઇ માર્ગ ના મળતાં સાંજે જમીને બેઠા પછી મીનળે પોતાની તકલીફ નીલેશ સમક્ષ રજૂ કરી.‘
નીલેશ, આનો કોઇ રસ્તો નથી મળતો. લોકો કેટલાં મતલબી હોય છે એનો બરાબર અનુભવ થઈ ગયો મને. હવે શું કરું ?’
મીનળ, મેં તને પહેલાં જ આ બધી ભાંજગડમાં પડવાની ના પાડી હતી. અમે વર્ષોથી એક સાંધીએ ને તેર તૂટે એવી હાલત સહન કરતાં આવ્યાં છીએ. વળી લોકો કેવા મતલબી ને શું એ બધું વિચારવાનું છોડ. આજના જમાનામાં માણસ કમાવા જાય, રાંધવા બેસે કે આવી બધી જવાબદારીઓ ઉભી કરીને એને પૂરી કરવા બેસે..? બધાને સાથે લઈને ચાલવું એ કંઇ રમત વાત નથી હોતી પણ તને એ કહીને કોઇ મતલબ નહતો. સારું થયું કે તેં જાતે જ એ અનુભવ મેળવ્યો. હવે પછી ક્યારેય પણ પરિસ્થિતીનો પૂરો તાગ પામ્યા વિના ઉત્સાહ કે આવેગમાં આવીને આવી કોઇ જવાબદારીઓ લેવા ઉતાવળી ના થઈ જતી અને આ મહિનો પૂરો થાય એટલે આ બધું બંધ કર. અમે મીટીંગમાં વર્ષોથી આ સફાઈવાળા સાથે મગજમારી કરતા આવ્યાં છીએ પણ એ જાતને ના પહોંચી વળાય. એ કામ કરતાં ય નથી અને બીજાને એની જગ્યાએ આવવા દેતાં ય નથી. બીજાને રાખો તો એની સાથે લડી લડીને એને અડધો કરી નાંખે. આ બધી વાતોથી અમે ય કંટાળ્યા છીએ. જો કે કોઇ રસ્તો શોધવાનો યત્ન તો ચાલુ જ છે. .’‘
હા નીલેશ, પુરુષોને ભાંડીને હું સમજ્યા વિના સ્ત્રીઓને મહાન કરવા નીકળી પડેલી. પોતાના બલબૂતા પર એકલા લડી લેવાનું અભિમાન રાખીને ડગલું ભરેલું પણ સમસ્યાના હલ સુધી તો હું પહોંચી જ ના શકી, એવું હોત તો ય કંઈક લેખે લાગત. મને માફ કરજે.’

અનબીટેબલ : સમસ્યાઓ સ્ત્રી કે પુરુષ જાતિ જોઇને ક્યારેય નથી આવતી.