ચુસ્ત ત્રિકોણ Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચુસ્ત ત્રિકોણ

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

ચુસ્ત ત્રિકોણ(પરમ્પરા સંસ્કૃતિ અને ધર્મ)

આપણે ત્યાં દરેક ક્ષેત્રમાં પરમ્પરા સંસ્કૃતિ અને ધર્મ એકબીજા સાથે ખૂબ મજબૂતાઈથી જોડાયેલા છે.એટલે મોટાભાગે મિત્રોને એવું થાય છે કે તમે દરેક વાતમાં ધર્મને વચમાં લાવી દો છો. મજબૂરી છે. ખૂબ જ બુદ્ધિશાળી ગણાતા લોકો પણ મૂર્ખાં જેવી પરમ્પરાનું પાલન કરતા હોય છે કારણ તે ધર્મ સાથે જોડાયેલી હોય છે. ભારતીય કળા જગત પર ધર્મની પૂર્ણ સત્તા. આપણું સ્થાપત્ય મંદિર સ્થાપત્ય. આપણું નૃત્ય શરુ થાય પૂજા, પ્રાર્થના અને દીપ પ્રગટાવી. આપણું સાહિત્ય શરુ થાય પ્રભુના ભજન થી. આપણું મોટાભાગનું સાહિત્ય રાધા કૃષ્ણનાં કાલ્પનિક પ્રેમ વિષે છે. સૌથી વધારે કવિતાઓ, ભજનો એક ટીનેજર પણ ના કહી શકાય બાળક કહી શકાય તેવા છોકરા અને પુખ્ત પરણેલી રાધા વચ્ચેના પ્યાર અને સેક્સ શૃંગારની વાતો વડે ભરપૂર છે.

આપણાં નરસિંહ મહેતા જેવા સાહિત્યકારોને ભ્રમિત દશામાં રાસલીલાના દર્શન થાય છે. ૫૦૦૦ વર્ષ પહેલા કોઈએ ગરબો ગાયો હોય તે આજે આબેહૂબ દેખાય તેને શું સમજવું? કલ્પના કે સ્કીજોફ્રેનીયા? આજે મોટાભાગનું સાહિત્ય રામાયણ અને મહાભારત ઉપર રચાય છે. દરેક સાક્ષરનો પ્રિય વિષય રામાયણ અને મહાભારત. આપણી નવરાશની તમામ પ્રવૃત્તિઓ ધાર્મિક હોય છે. બહુ ઓછા લોકો જૂજ કહી શકાય તેવા નવરાશે સંગીત, સાહિત્ય, આરોગ્ય, સ્વચ્છતા વિષયક પ્રવૃત્તિ કરતા હશે. કરવા જેવા અઢળક કામો ભારતમાં છે. બાગ બગીચા, વૃક્ષ ઉછેર, સ્વચ્છતા શીખવવી, નિરક્ષરને અક્ષર જ્ઞાન આપવું, રમત ગમત, શરીર સૌષ્ઠવ કેળવવું, ટ્રૅકિંગ, કુદરત સાથે તાદાત્મ્ય કેળવવું, વાઈલ્ડ કે નેચર ફોટોગ્રાફી, કરવા જેવું અંતહીન કેટ કેટલું છે? અરે આપણાં મકાનો, બિલ્ડિંગ અને માણસોના નામ પણ સંતો, ભગવાન અને પૌરાણિક પાત્રોના નામ પરથી રાખીએ છીએ. મારું નામ જુઓ ભુપેન્દ્રસિંહ ભૂપ એટલે રાજા, રાજાઓમાં ઇન્દ્ર સમાન. પાછું લટકામાં સિંહ. ઘરમાં બધાં નામ એવા જ છે. યુપીમાં દર ચોથા નામની શરૂઆત અને અંત રામ નામ થી થાય છે. રામખિલાવન, રામપીલાવન, રામસુલાવન. જીસસ ઉપર બહુ ઓછા લોકોના નામ હોય છે.

આ એક જાતની અતિ છે. રોજબરોજના દુન્યવી જીવન ચક્રમાં જરૂરી નથી કે દરેક વાત આધ્યાત્મિક દ્રષ્ટિકોણ થી મૂલવવી પડે. કોઈ હિન્દુને ખોતરો તમને એક ફિલોસોફર મળી આવશે. બંને ભેગાં કરો ત્રણ થીઓસોફીસ્ટ મળી આવશે. હિંદુ, બુદ્ધ, જૈન અને શીખ બધાના તાણાવાણાઓ એવા ગૂંથેલા છે કે તમે સંસ્કૃતિ, પરમ્પરા અને ધર્મોની ચર્ચા કદી અલગ અલગ કરી ના શકો. અહી જીવનનું કેન્દ્ર ફક્ત અને ફક્ત ધર્મ છે. માટે જ્યારે કશું નવું સુધારવું હોય કે નવી સુધારણા લાવવી હોય તો કોઈ મહા ઉલ્કાપાત કે ભૂકંપ જેવું ધર્મમાં થાય તોજ શક્ય બને.

મતલબ ધર્મની જાળ એટલી મજબૂત કે કશું નવું કરવું અશક્ય થઈ જાય છે. બુદ્ધે એવો ઉલ્કાપાત કરેલો ત્યારે થોડો સુધારો આવ્યો, પશુઓના બલિદાન બંધ થયા. પણ ફૂલોના બલિદાન હજુ ચાલુ જ છે. ગુલાબના છોડ પર ગુલાબ ત્રણ દિવસ તાજું રહેતું હોય છે, પથ્થર પર એક જ દિવસમાં ભોંય ભેગું. હું એકવાર બરોડાથી એક સુંદર સફેદ અને અંદરથી આછું ઓરેન્જ હોય તેવા ગુલાબની ખાસ જાત માણસા લાવેલો. સામાન્ય ગુલાબ કરતા ખૂબ મોટું ફૂલ બેસતું. એના છોડ પર ગુલાબ ફૂલ અઠવાડિયું તાજાં રહેતા.મેં એને તોડવાની મનાઈ ફરમાવેલી. પણ વહેલી સવારે ઝાંપો ખોલીને કોઈ ચોરી જતું હતું. ચોર પકડવા અડધી રાતથી જાગતો બેસી રહેલો. એક ધાર્મિક બાઈ છાનીમાની અંદર પ્રવેશી, મેં એને પડકારી કે સ્ત્રી છો માટે જવા દઉં છું, તો કહે ભગવાનને ચડાવવા લઈ જાઉં છું. મેં કહ્યું ફરી આવતા નહિ, બબડતી બબડતી ચાલી ગઈ.

સાવ પાગલપન જેવા કે મુરખા જેવા રિવાજોના બચાવ કરનારા પણ મળી આવશે. પરમ્પરાગત રિવાજોને દ્રઢ રીતે પકડી રાખવામાં એક્કો. બુદ્ધિશાળી માણસ પણ જુઓ કાગડાને શીરો અને ખીર નાખી આવશે શ્રાદ્ધ સમયે. શું પૂર્વજો કાગડા રૂપે જન્મ લેવાના હતા? કોઈ કારણ કે વજૂદ તો હોવું જોઈએને? જુઓ એક માણસ સવારે સૂર્યને પાણી ચડાવી રહ્યો છે. નાનક ઊંધા ફરીને જળ ચડાવતા. કોઈએ પૂછ્યું તો કહે એટલે દૂર સૂર્યને પહોચે તો મારા ખેતર તો નજીક છે. અરે નોબલ પ્રાઇઝ જીતનારા વૈજ્ઞાનિક સી.વી.રામન પણ ગ્રહણ પછી સ્નાન કરતા, એવું પણ મેં વાંચેલું છે. એમને તો ખબર હોય કે ગ્રહણ કેમ થાય છે? કોઈ રાહુ સૂર્યને ગળી જતો નથી. શા માટે મોસ્ટ ઈન્ટેલીજન્ટ લોકો પણ સાવ સ્ટુપીડ રિવાજો પાળતા હશે? ધર્મોએ બક્ષેલી પવિત્રતા, હેબીટ અને સામાજિક બહિષ્કારનો ભય બુદ્ધિને તાળું મારી દેતો હોય છે. જુઓ હનુમાનજીની મૂર્તિને તેલ ચડાવવું સાવ સ્ટુપીડ નથી લાગતું? એક નાની પિત્તળની મૂર્તિ અને ઉપર પંખા ફરતા હોય, કેમ? કે ઉનાળો છે. ગંદા નાળાં જેવી નદીમાંથી આચમન? આખું વરસ ભૂખી રહેતી ગાયો ઉતરાણના દિવસે ધરાઈને મરી જતી હશે. અને સાપ બિચારાં નાગપંચમીને દિવસે દૂધ પીને દેવલોક પામે છે. કેટલા? આશરે ૮૫૦૦૦.

આપણે તો મૂર્ખાં, નેચર કીલર. કેમ કે પરમ્પરા. અને જો સાપ દેખાઈ ગયો તો લાકડીઓ ખાઈ પૂરો. એક સમયે કોઈ રિવાજ સારો હોય, પણ હજારો વર્ષ પછી એની જરૂર ના હોય છતાં પકડી રાખવાનો. પણ એ રિવાજ ધર્મના દોરે બાંધેલો હોય છે માટે છૂટતો નથી. મ્રત્યુ પાછળ એવા કેટલાય ક્રિયાકાંડો છે જેની હવે જરૂર નથી.ધર્મ એક પ્રાથમિક પ્રશ્ન છે. બધા જાણે રોજરોજનાં હવામાનનાં વરતારાના જેમ વાતો કરશે પણ ધર્મ માટે કશું નહિ કરે. ધર્મ શું છે? કોણ જાણે? ધર્મ ડ્યુટી છે. પણ કોઈ ફરજ નિભાવતું નથી. સરકારી કચેરીઓમાં કોઈ નિષ્ઠા વડે ફરજ બજાવતું નથી, કામ કરતું નથી. આપણે નીતિમત્તાની પ્રતિજ્ઞાઓ લઈએ છીએ, પણ ધર્મ અને પરમ્પરામાં નીતિમત્તા ગૂંચવાઈ ગઈ છે. આપણાં શ્રેષ્ઠ કૌભાંડ કરનારા બધા ધાર્મિક છે. ખરેખર આપણો ધર્મ શું છે? તે જ આપણે જાણતાં નથી. ધર્મ પૂજા પાઠ, મંદિર અને ગુરુઓની સ્વાર્થી વૃત્તિઓમાં અટવાઈ ગયો છે. એક મહિનામાં આપી શકાય તેવા ચુકાદા ૩૦ વર્ષે ધાર્મિક ન્યાયાધીશો આપે છે. આપણાં ગણેશોત્સવ ઉજવનારા મોટાભાગના ગુંડાઓ છે. આપણાં બાવાઓ મોટાભાગના ક્રીમીનલ્સ છે. ધર્મ ખુદ અટવાઈ ગયો છે. આપણે નીતિ, સદાચાર સાથે ધર્મ અને જુનવાણી ઘરેડ બાબતે દુવિધામાં છીએ.

કહેવાતો ધાર્મિક માણસ સદાચારી ના હોય તો ચાલી જાય છે. પણ સદાચારી ધાર્મિક ના હોય તો નાસ્તિકનું લેબલ ખાઈને વગોવાઈ જવાનો. થોડા પૈસા ભેગાં થાય તો સીધું મંદિર દેખાશે. દાન તો માલામાલ એવા ગુરુને આપો. ગરીબો એમના કર્મની સજા ભોગવી રહ્યા છે. ૨૬ વર્ષનો છોકરડો Mark Zuckerberg હાવર્ડ યુનિનો ડ્રૉપ આઉટ વિદ્યાર્થી, ફેસબુકનો માલિક સૌથી નાનો બીલીયોનર છે. એક બિનસત્તાવાર સમાચાર મુજબ આશરે તેની અડધી મિલકત આશરે ત્રણેક બિલિયન ડોલર્સ ચેરિટીમાં આપી દેવાનો છે. ક્યાં જશે આ પૈસા? કોઈ મંદિર કે ચર્ચમાં નહિ. સમાજના કલ્યાણ અને રિસર્ચ ફાઉન્ડેશનમાં જવાના. આપણો ઉદ્યોગપતિ કમાશે તો સીધો તિરુપતિ બાલાજી કે શ્રીનાથજી જવાનો. બીલ ગેટ્સ અને Mark Zuckerberg સહિયારા ચેરિટી કરશે. એકલાં અમેરિકા નહિ દુનિયાભરમાં એમના રૂપિયા જરૂરતમંદો માટે વપરાતાં હોય છે. હવે તો વળી કુરિવાજો અને પરમ્પરા પાછળ વૈજ્ઞાનિક કારણો શોધી કઢાય છે. આપણી જૂની પરમ્પરાઓને બચાવી લેવા કટિબદ્ધ હોઈએ છીએ ભલે અંદરખાને સહમત ના હોઈએ. ઉલટાના ગર્વ અનુભવીએ છીએ. બીજી ક્યાંય ધર્મ, પરંપરા અને સંસ્કૃતિનો આટલો ચુસ્ત ત્રિકોણ નહિ મળે.