Adbhut Nanu Magaj books and stories free download online pdf in Gujarati

અદ્ભુત નાનું મગજ

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

અદ્ભુત નાનું મગજ

આપણે અમુક પ્રસંગે ખુશખુશાલ થઈ જઈએ છીએ અને ઘણીવાર દુઃખી થઈ જઈએ છીએ તેનો બધો આધાર મગજમાંથી છૂટતા રસાયણો છે તે હવે આધુનિક મેડિકલ અને ખાસ તો ન્યુરો સાયંસ દ્વારા સાબિત થઈ ચૂક્યું છે. હું મૅમલ બ્રેન શબ્દ અવારનવાર વાપરતો હોઉં છું. મેમલ એટલે સસ્તન પ્રાણીઓ એમાં આપણે માનવો પણ આવી જઈએ. મેમલ બ્રેનને ઘણા એનિમલ બ્રેન પણ કહેતા હોય છે. મગજ વિષે ઊંડા સંશોધન ન્યુઅરૉલજિસ્ટ પર છોડીએ પણ પ્રાથમિક માહિતી હોય તો બહુ થઈ ગયું. એક કોશી જીવ પછી સૌથી પહેલા ઉત્ક્રાંતિ પામેલો સજીવ માછલી હતો માટે આપણા હિંદુઓમાં ભગવાનનો પહેલો અવતાર મત્સ્ય કહેલો છે. માછલી પાસે પણ સાવ નાનું મગજ તો હોય છે. એના પછી પેટે ઘસડીને ચાલતા સરીસર્પ સાપ, કાચીંડા, ગરોળી અને મગર જેવા પ્રાણીઓ ઉત્ક્રાંતિ પામ્યા તો માછલી કરતા થોડું વધારે વિકસિત મગજ એમની પાસે પણ હતું. પછી સસ્તન પ્રાણીઓ ઉત્ક્રાંતિ પામ્યા તો એમની પાસે પેલું સરીસર્પ મગજ તો વરસમાં મળેલું જ હતું એના ઉપર થોડું વધારે મગજ વિકસ્યું એને લિમ્બિક સિસ્ટમ કહે છે.

Medulla અને Cerebellum આપણી સાથે દરેક સસ્તન પ્રાણીને સરીસર્પ પાસેથી વારસામાં મળેલું છે. એના સાથે અને એના ઉપર જે બ્રેન વિકસ્યું તેને લિમ્બિક સિસ્ટમ કહીએ છીએ. એના ઉપર Small Cortex વિકસ્યું, જેની સાઈઝ દરેક પ્રાણીમાં જુદી જુદી હોય છે. જેમ જેમ પ્રાણીઓ વિકસતા ગયા તેમ તેમ Small Cortex વિકસીને મોટું થતું ગયું. અને માનવોમાં લાર્જ કોર્ટેક્સ થઈ ગયું જેને આપણે મોટું મગજ કહીએ છીએ. કૂતરા કરતા આ કોર્ટેક્સ સામાન્ય વાનર પાસે ત્રણ ઘણું મોટું હોય છે. વાનર કરતા ચિમ્પેન્ઝી પાસે વળી ત્રણ ઘણું વધારે મોટું હોય છે જ્યારે માનવો પાસે ચિમ્પેન્ઝી કરતા ત્રણ ઘણું વધુ મોટું હોય છે.

ખાલી માનવજાતમાં Pre-Frontal Cortex હોય છે. જે મૅમલ બ્રેનમાં સમાવેશ થતું નથી. આપણું મોટું મગજ ખૂબ હોશિયારીપૂર્વક અનેક બાબતોનું પૃથ્થકરણ કરી શકે છે જે નાનું બ્રેન(મૅમલ બ્રેન) કરી શકતું નથી. આપણી જ્ઞાનેન્દ્રિયો જે માહિતી આપતી હોય કે જે અનુભવતી હોય તેના સિવાય કે તેના ઉપર આધાર રાખ્યા સિવાય પણ માનવજાત પાસે માહિતીનું સર્જન કરવાની અજોડ ક્ષમતા છે. ટૂંકમાં મોટું મગજ નાના મગજ કરતા ક્વૉલિટીની દ્રષ્ટીએ જરા જુદું પડી જાય છે.

ભાષા એક અમૂર્ત વિશિષ્ટ કળા છે. લાર્જ કૉર્ટેક્સને એનું વિશ્લેષણ કરવું પડતું હોય છે. પણ લિમ્બિક સિસ્ટમ કોઈ ભાષા વાપરતું નથી. એટલે લિમ્બિક સિસ્ટમ કૉર્ટેક્સને કોઈ શબ્દોમાં માહિતી આપતું નથી. એ દુનિયાને પ્રતિભાવ આપે છે ન્યુરોકેમિકલ છોડીને. આપણું કૉર્ટેક્સ આ પ્રતિક્રિયાને સમજવા પ્રયત્ન કરતું હોય છે, પણ એની અંદર શું ચાલે તેની ખબર હોતી નથી. આપણું કૉર્ટેક્સ નિરીક્ષણ કરીને શીખતું હોય છે.

આપણે ન્યુરોકેમિસ્ટ્રિ વિષે જાણતા હોતા નથી. સુખ અને દુખ વિષે વિચારો કર્યા કરતા હોઈએ છીએ. જાતજાતની ફિલૉસફી ગોઠવતા હોઈએ છીએ. છેવટે કશું નાં સૂજે તો સાક્ષીભાવ રાખવાનું વિચારીએ છીએ. અને આવું કહેનાર ‘ગીતા’ મહાન પુસ્તક બની જાય છે. પણ તમે જો આ ન્યુરોકેમિકલ્સની પ્રતિક્રિયા વિષે ધ્યાન કેન્દ્રિત કરશો તો એની ચોક્કસ પૅટર્ન જાણી શકશો. કૉર્ટેક્સ સાથે જોડાયેલી લિમ્બિક સિસ્ટમને સમજવાનું ખુદ કૉર્ટેક્સ માટે સહેલું નથી.

પ્રાણીઓની બિહેવ્યર વિષે અભ્યાસ કરવાથી મદદ મળી શકે છે. કારણ કે પ્રાણીઓ ખાસ વિચાર કર્યા વગર તેમના ન્યુરોકેમિકલને અનુસરતા હોય છે. પ્રાણીઓની બિહેવ્યર પૅટર્ન ઘણું બધું આપણી લિમ્બિક સિસ્ટમ વિષે શીખવી શકે છે.

સૌ પ્રથમ મૅમલ જે ઉત્ક્રાન્તિના ક્રમમાં પેદા થયું હશે તેને તેનું બ્રેન સરીસર્પ(Reptile)પાસેથી વારસામાં મળ્યું હશે. પછી તેમાં નવા ભાગ વિકાસ પામ્યા અને ઉમેરાયા. સરીસર્પ એકલવાયું ક્રીચર છે. જે સામાજિક નિર્ણય લઈ શકે તેવું બ્રેઈન ધરાવતું નથી. આદિમ મૅમલ ગૃપમાં રહેવાથી સમૃદ્ધ થયા. કેમકે સમૂહમાં સલામતી હોય છે. એકલાં રહેતા મૅમલ કરતા સમૂહમાં રહેતા મૅમલનો સર્વાઇવલ રેટ ઊંચો હોય. એકબીજાને સહન કરીને સમૂહમાં રહેવું પડે. અને આમ કરતા એમની વસ્તી વધવાના ચાન્સ પણ વધી જાય.

આમ નૅચરલ સિલેક્શન ધીમે ધીમે સામાજિક વ્યવહારની આવડત તરફ દોરવા લાગ્યું અને આમ મૅમલનું બ્રેન સ્ટ્રક્ચર વિકાસ પામવા લાગ્યું. આ રીતે એમાં સમાયા Hypothalamus, Hippocampus, Amygdala અને બીજા થોડા બીજા ભાગો જે બધું ભેગું થઈને લિમ્બિક સિસ્ટમ બન્યું. આ સ્ટ્રક્ચર ન્યુરોકેમિકલ્સ છોડે જે સામાજિક વ્યવહારને એક ચોક્કસ રૂપ અર્પે છે. દરેક મૅમલ પાસે રેપ્ટાઇલ બ્રેન ઉપર લિમ્બિક સિસ્ટમ હોય છે, જે બીજા જીવ જંતુ પાસે હોતી નથી.

આ લિમ્બિક સિસ્ટમ એક સ્તનધારી પ્રાણીને બીજા સ્તનધારી પ્રાણીઓ સાથે હકારાત્મક પ્રતિભાવ આપવા સક્ષમ બનાવે છે. એક સરીસર્પ પાસે બીજા સરીસર્પ માટે કોઈ હૂંફાળી લાગણી હોતી નથી. રેપ્ટાઇલની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હંમેશા સંભવિત આક્રમણકારી વિષે સચેત હોય છે, કોઈ સમાજિક જોડાણ માટે નહિ. ખાલી લિમ્બિક સિસ્ટમ પાસે એમના જાત ભાઈ માટે સારી ભાવના હોય છે.

મૅમલ એમના જાતિના દરેક માટે એકસરખી સારી ભાવના ધરાવતા હોતા નથી. તેઓ સામાજિક નિર્ણય લેતા હોય છે. લિમ્બિક સિસ્ટમ અને રેપ્ટાઇલ બ્રેન સંપીને કામ કરતા હોય છે અને મૅમલને દોરવણી આપતા હોય છે, સામે આવેલ મૅમલ જો હકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત હોય તો એને આવકારો અને એની સામે જાઓ, અને જે નકારાત્મક કેમિકલ સ્ત્રાવ માટે કારણભૂત બને તેનાથી દૂર રહો. આ એફિશન્ટ ડિઝાઈન મિલ્યસં ઑફ યર્સ થી કામ કરી રહી છે.

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

આપણાં પિતરાઈ એપ્સ કરતા આપણું કૉર્ટેક્સ ત્રણ ઘણું મોટું હોય છે. અને એપ્સનું કૉર્ટેક્સ સામાન્ય વાનર કરતા ત્રણ ઘણું મોટું હોય છે, અને વાનરનું કૉર્ટેક્સ વળી કૂતરાં કરતા મોટું હોય છે. છતાં શબ્દો વાપર્યા વગર પણ કૂતરાં અને વાનરો એમની જટિલ સામાજિક વ્યવસ્થામાં જીવતા હોય છે. તેઓ ન્યુરોકેમિકલ ઉપર વધુ આધાર રાખતા હોય છે.

ન્યુરોકેમિકલનાં ઓચિંતા ધક્કા વિષે સામાન્ય પ્રતિક્રિયાનાં બદલે તેના જુદા જુદા વિકલ્પ કૉર્ટેક્સ શોધી કાઢતું હોય છે. સામાન્ય પ્રતિક્રિયા તો પ્રાણીઓ આપતા જ હોય છે, પણ માનવ પાસે બહુ મોટું વિચારવંત બ્રેન છે જે જાત જાતના વિકલ્પ શોધી કાઢતું હોય છે. દરેક પ્રાણી પાસે સાવ નાનું તો નાનું પણ કૉર્ટેક્સ હોય છે જે એને આ પ્રતિક્રિયામાં પાછલાં અનુભવો ઉમેરવાનું શીખવતું હોય છે, એના વિકલ્પ શોધવાનું શીખવતું હોય છે. જેમ કૉર્ટેક્સ મોટું તેમ નવા નવા વિકલ્પ શોધવાની ક્ષમતા વધુ. માનવ જાત પાસે ઘણું મોટું કૉર્ટેક્સ હોવાથી તે ઘણા બધા ગહન અને જટિલ વિકલ્પ શોધી કાઢતું હોય છે, અને તેથી લિમ્બિક સિસ્ટમ જે પડદા પાછળ કામ કરતી હોય છે તે ધ્યાનમાં લેતા નથી, દરગુજર કરીએ છીએ.

આપણાં મેમલિઅન ન્યુરોકેમિકલ્સ બે જાતના હોય છે, Neurotransmitters અને Hormones . ન્યુરોટ્રૅનિઝમટર બ્રેનમાં રહેતા હોય છે અને હૉર્મોન્સ બ્લડમાં ભળી શકતા હોય છે. બંને સાથેજ સંપીને સ્ટેટ્સ અને હેપિનેસ માટે કામ કરતા હોય છે. માટે ન્યુરોકેમિકલ્સ કહીશું તો અસ્થાને નહિ ગણાય.

માનવ જાતે સદાય માટે એની વર્તણૂક માટે જાત જાતની ફિલૉસફી શોધી કાઢી છે. અને ન્યુરોકેમિકલ્સ અને લિમ્બિક સિસ્ટમને ધ્યાનમાં લીધી નથી. આપણે પદ, પ્રતિષ્ઠા અને સામાજિક મોભો ઇચ્છતા પ્રાણી છીએ તેવું સ્વીકારવાનું આપણી ફિલૉસફીએ શીખવ્યું નથી. આપણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની વાતોમાંથી ઊંચા આવતા જ નથી.

દરેક મૅમલ પાસે કૉર્ટેક્સ છે, પણ ઘણા પાસે સાવ નજીવું હોય છે. જેટલું કૉર્ટેક્સ નાનું તેટલું તે પ્રાણી કુદરતી ન્યુરોકેમિકલ્સનાં રિસ્પૉન્સ ઉપર આધાર રાખવાનું, જે તે બચપણથી શીખ્યું હોય. જેમ કૉર્ટેક્સ મોટું તેમ એના ઑટમૅટિક રિસ્પૉન્સ સાથે પોતાના પાછલાં સ્ટોઅર કરેલા અનુભવો લક્ષમાં લઈને અડજસ્ટ કરશે. બસ અહી જ તકલીફ થતી હોય છે.

પ્રાણીઓ પાસે બ્રેન નાનું હોય છે, ન્યુરૉન્સ ઓછા હોય છે, માટે વિચારવાનું ખાસ હોતું નથી. ન્યુરોકેમિસ્ટ્રી જેમ દોરે તેમ દોરાવાનું. સર્વાઇવલ માટે લડ્યા કરવાનું, એક સ્ટ્રેસ પૂરો થાય એટલે બીજો જ્યાં સુધી ઊભો નાં થાય ત્યાં સુધી શાંતિ. માનવ પાસે મોટું વિચારશીલ બ્રેન છે, પુષ્કળ ન્યુરૉન્સ છે. માટે એકલાં ન્યુરોકેમિકલ ઉપર આધાર રાખવાનો હોય નહિ. મોટા બ્રેનમાં ઘણી બધી મૅમરી પણ ભરેલી હોય. એટલે માનવે જાત જાતની નવી નવી વ્યવસ્થાઓ શોધી કાઢી. હૅપી કેમિકલનો સ્ત્રાવ આનંદ આપતો હોય છે. પ્રાણીઓમાં તો નબળા પ્રાણીને મારીને દબાવીને ડૉમિનન્ટ બની જવાય, અને સિરોટોનીન(serotonin) સ્ત્રવે એટલે ખુશ. પણ માનવોમાં આવું કરી શકાય નહિ. એટલે માનવજાતે ચડતા ઊતરતા દરજ્જાની સર્વોપરી બનવાની એક સામાજિક વ્યવસ્થા શોધી કાઢી.

બે માનવ ભેગાં થાય, બાર થાય કે બે લાખ કોણ ઊંચું અને કોણ નીચું અચેતન રૂપે સરખામણી શરુ, અને ઉંચો સાબિત કરવાનું શરુ થઈ જાય. બહુ જટિલ રીતો માનવ બ્રેન શોધી કાઢતું હોય છે. દરેક માનવ પોતપોતાની રીતે Social dominance hierarchy ઊભી કરી નાખતો હોય છે. રમતવીરની એની પોતાની દુનિયા હોય છે, ઘણાને ટપાલ ટીકીટો ભેગી કરવાનો હોબી હોય છે. એક ઉદ્યોગપતિને જૂની પુરાણી ઍન્ટિક ગાડીઓ ભેગી કરવાનો શોખ હતો. હવે ટપાલ ટીકીટો ભેગી કરનારા, કે સિક્કા ભેગા કરનારાઓ, કે જૂની પુરાની ગાડીઓ ભેગા કરનારાઓમાં પ્રથમ આવવાનું મહત્વનું બની જવાનું. ધન ભેગું કરીને સમાજમાં સર્વોપરી બનવાનું ઘણું બધું ધ્યાન અને મહેનત માંગી લે તેવું હોય છે, પણ માણસ નવા સામાજિક નુસખા શોધી કાઢતો હોય છે. આકર્ષકતા, નૉલેજ, શારીરિક સામર્થ્ય, આધ્યાત્મિકતા, પદ, પ્રતિષ્ઠા વગેરે ઉપર આધારિત ઊંચા નીચાની એક પૅટર્ન શોધી કાઢવામાં આવે છે.

દરેક માનવીનું બ્રેન સ્વતંત્ર છે પોતાની રીતે એના અનુભવો અને માહિતી પ્રમાણે પોતાની હાઇઆરાર્કી બનાવવા માટે. આનાથી પોતાનું સ્ટૅટ્સ વધે તો સુખ અર્પતું હોય છે. જો બીજા તમારું સ્ટૅટ્સ કબૂલ કરે તો હૅપી કેમિકલનો ફ્લો બ્રેનમાં વધી જતો હોય છે. જો કે આપણે કહેતા હોઈએ છીએ કે સુખ દુખ મને કોઈ અસર કરતું નથી. કે તમે ભલે કબૂલ નાં કરો, પણ હૅપી કેમિકલ એક હકીકત છે, સનાતન સત્ય છે.

પ્રથમ આવવું સુખ આપતું હોય છે. પછી ભલે એના રસ્તા અલગ અલગ હોય. ભલે ગીતાના અનાસક્ત યોગની વાતો કથાકારો કરતા હોય કે કથામાં જાત જાતની ફિલૉસફી ફાડતા હોય, પણ એમની પ્રથમ બની રહેવાની સ્ટાઇલ અલગ હોય છે. બાબા રામદેવની અસ્કયામતો ૧૧૦૦૦ કરોડનાં જંગી અંકે પહોચી ગઈ છે તેવું કહેવાય છે. હાઈ-સ્ટૅટ્સની બાબાની હાઇઆરર્કી યોગને સીડી બનાવી ક્યાંથી ક્યાં પહોચી ગઈ ? આપણી રીપ્રૉડક્ટિવ સફળતા એકદમ તરત હાઈ-સ્ટૅટ્સને અનુલક્ષીને હોતી નથી. કારણ આપણે માનવોએ રીપ્રૉડક્ટિવ સકસેસ માટે અસંદિગ્ધ કૉન્સેપ્ટ ઊભા કરેલા છે. જે પ્રથમ આવે તેને સ્ત્રી ઉપલબ્ધ થાય અને DNA ટ્રાન્સ્ફર કરી શકીએ. બાબા ભલે એમના DNA ટ્રાન્સ્ફર ના કરે પણ પ્રથમ આવવું અને હૅપી કેમિકલનો સ્ત્રાવ એ સનાતન સત્ય છે.

પણ કેમિકલ લોચો એ થાય છે કે આ ન્યુરોકેમિકલ્સ આખો દિવસ રિલીસ થાય નહિ. માટે હૅપી રહેવા હાઈ-સ્ટૅટ્સને, સામાજિક સર્વોપરિતાને, રોજ રોજ અપડેટ કરતા રહેવું પડતું હોય છે. પણ ઘણીવાર આપણે ખૂબ પ્રયત્નો છતાં પદ, પ્રતિષ્ઠા, માન સન્માન, સામાજિક સ્વીકાર, હાઈ–સ્ટૅટ્સ સોશિઅલ ડૉમિનેશન મેળવવામાં ફેલ જતા હોઈએ છીએ. ઘણીવાર જે સ્ટૅટ્સ ઑલરેડી મેળવેલું હોય તે પણ ખતરામાં પડી જતું જણાય છે, ત્યારે આપણે ભલે કહીએ કે મને કોઈ ફરક પડતો નથી, સુખ દુઃખમાં હું સમાન છું, પણ અનહૅપી કેમિકલ્સ સ્ત્રવે તે હકીકત છે સનાતન સત્ય છે.

ગુરુઓ કે મહાન આત્માઓ ભલે કહે કે મહત્વાકાંક્ષા રાખવી નહિ, કે સ્ટૅટ્સની ચિંતા કરવી નહિ. પણ તે લોકો પણ જાતે મિલ્યન્સ ઑફ યર્સ થી ઘડાયેલી આ વ્યવસ્થા બહાર જઈ શકતા નથી. મૅમલ બ્રેન હંમેશા હૅપી કેમિકલ્સનો સ્ત્રાવ ઇચ્છતું હોય છે અને અનહૅપી કેમિકલનો સ્ત્રાવ અવૉઇડ કરતું હોય છે. મહાત્માઓ શું કરી શકવાના હતા?

ઘણીવાર લોકો આ અથડામણ ટાળવા માટે કહેતા હોય કે મને તો પદ પ્રતિષ્ઠાની કઈ પડી નથી. અને બીજાની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરતા હોય છે, અને આમ તે લોકોની પ્રતિષ્ઠાની ભૂખ બીજાની પ્રતિષ્ઠામાં, પદમાં અને સ્ટૅટ્સમાં પૂરી થતી હોય છે. જેમ કે ભારતની ટીમ જીતે તો આખા દેશના લોકોના બ્રેનમાં સિરોટોનીન સ્ત્રાવ વધી જાણે કોઈ મહાજંગ જીતી ગયા હોય તેમ ખુશ થઈ ઉઠતા હોય છે. એમાય સામે પાકિસ્તાનની ટીમ હોય અને જીતી જવાય તો ?? ભલે હું કદી ક્રિકેટ રમ્યો હોઉં નહિ, પણ અહી ટીવી ઉપર જોઇને આનંદ અનુભવતો હોઉં છું. પ્રથમ આવવાની મહેનત તો ખેલાડીઓ કરે છે, એમાં મારું યોગદાન કેટલું ? પણ એમના પ્રથમમાં મારો પ્રથમ સમાઈ જવાનો.

માનવમનની સોશિઅલ ડૉમિનન્સ હાઇઆરાર્કી એટલી બધી કૉમ્પ્લિકેટેડ છે કે ના પૂછો વાત, આ દરેક સાહિત્યકારો, પત્રકારો, કે બીજા કોઈપણ દરેકને પોતાના ક્ષેત્રમાં તો પ્રથમ આવવું જ હોય છે, એમાં હું પણ મારી રીતે આવી જાઉં. હમણાં એક ભાઈએ મને જણાવ્યું કે ન્યુ જર્સીમાં ૩૦૦ મિલ્યન્સ ડૉલર્સનું મંદિર બને છે, તે વખતે તેમના મુખ ઉપર ભાવ જાણે તેઓ પોતે ગ્રીનીઝ બુકમાં રિકૉર્ડ નોંધાવવાના હોય તેવો હતો.

મૅમલ બ્રેન એની સર્વાઇવલ સ્ટ્રેટેજીનાં રિપૉર્ટ કૉર્ટેક્સને શબ્દોમાં આપતું નથી. એ ખાલી ન્યુરોકેમિકલનાં સ્ત્રાવ કરતું હોય છે. આપણી જુદી જુદી જરૂરીયાતોને લક્ષ્યમાં લઈને તે ખૂબ સ્ટ્રગલ કરતું હોય છે. આપણે જેમ કાર ચલાવતી વખતે બ્રેક અને એક્સલરેટર વારંવાર વારાફરતી મારતા હોઈએ છીએ. તેમ મૅમલ બ્રેન વારાફરતી વારંવાર કેમિકલ્સ રિલીસ કર્યા કરતું હોય છે, આનો કોઈ અલ્ટિમેટ ઉપાય છે નહિ. એટલે આપણને બીજાની જોહુકમી કે પદ પ્રતિષ્ઠાની હોડ જલદી જણાય છે પણ પોતાની હોડ જણાતી નથી. બીજાની social dominance માટેની ઇચ્છા આપણને ચેતવતી હોય છે કે આપણું social dominance ખતરામાં છે.

મૅમલ બ્રેન સાથે માનવ તરીકે જન્મ લેવો અતિ કઠિન કામ છે. હતાશાઓનો કોઈ પાર હોતો નથી. મૅમલ બ્રેન સીધા કેમિકલ્સ રિલીસ કરતું હોય છે અને વિચારશીલ કૉર્ટેક્સ એના માટે દવા તરીકે, ઉપાય તરીકે જાત જાતના નુસખા શોધતું હોય છે. પ્રૉબ્લેમ એ છે કે કૉર્ટેક્સ શબ્દોની ભાષા જાણે છે અને મૅમલ બ્રેન શબ્દોની ભાષા જાણતું નથી, ફક્ત કેમિકલની ભાષા જાણે છે, એટલે માનવોને સમજ પડતી નથી કે તેઓ શું કરી રહ્યા હોય છે.

દરેકને પ્રથમ આવવું હોય છે. પ્રથમ બનવાની હોડ સારી નહિ તેવા ઉપદેશો આપનાર પણ પ્રથમ આવવાની હોડમાં સામેલ હોય છે. એટલે સારા ગણાતા માનવોને લાગે કે દુનિયા ખરાબ છે. દુઃખ સિવાય અહી કશું નથી. માટે બુદ્ધે કહ્યું કે સંસાર દુખ છે. આપણે જે Frustrations ભોગવીએ છીએ તે આ પૃથ્વી પહેલા પગરણ મૂકનાર માનવે પણ ભોગવ્યા જ હશે, તેવું રિસર્ચ કહે છે. દરેક જણ આ વિચિત્ર ન્યુરોકેમિકલ્સની વ્યવસ્થાને મૅનેજ કરવા ખૂબ સ્ટ્રગલ ચેતન કે અચેતન રૂપે કરતા હોય છે. ખાસ તો પોતાના મૅમલ બ્રેનને સમજવું અને સ્વીકારવું તે જ ઉત્તમ છે.

આપણું બ્રેન કુદરતી રીતે હેપીનેસ માટે સિલેક્ટ થયેલું નથી, તે સિલેક્ટ થયું છે reproductive success માટે. સંતાનો કે વારસદારો ખૂબ પેદા કરો તેવો કોઈ હેતુ આજના લોકો માટે ખાસ નાં હોય તે સ્વાભાવિક છે. પણ આપણું બ્રેન વિકાસ પામ્યું ત્યારે મોટાભાગના લોકો વારસદાર પેદા થાય તે પહેલા જ નાશ પામી જતા. વારસો પેદા કરવા તે મુખ્ય માપ તોલ ગણાતું કે માણસ કેટલો સફળ છે. ભલે તે હેતુ અચેતન રૂપે હોય.

હવે આજે શક્ય બન્યું છે કે સેક્સ ભોગવીને પણ બર્થ કંટ્રોલ સાધનો વડે વારસો પેદા ના કરવા હોય તો તે વાત બની શકે છે. એટલે આધુનિક માનવી એની શક્તિઓ બીજા ભવ્ય વારસા મૂકતો જવામાં વાપરી શકે છે. જેવું કે કળા, નૃત્ય, ટેક્નોલૉજી, અને બીજું ઘણું બધું પાછળની પેઢીના જીવનને ભવ્ય બનાવી શકે છે. સ્ટીવ જૉબ ભાવી પેઢીની હથેળીમાં ફોન વત્તા કમ્પ્યૂટર આપીને ગયા. ૧૯૫૫માં આ જગત આઈનસ્ટાઇનને ગુમાવે છે અને સ્ટીવ જૉબને મેળવતું હોય છે. ઘણા બધા સંતાનો પેદા કરવા તેના બદલે ઓછા પણ સક્ષમ પેદા કરવા તે આધુનિક માનવીનું પ્રયોજન હોય છે.

આપણે કરોડો વર્ષના વારસા રૂપે મળેલા બ્રેન સાથે જ જીવવાનું હોય છે. આપણે બેસિક મેમલિઅન બ્રેન મળેલું છે તેમાં કોઈ ફેરફાર કરી શકવાના નથી. એનો કોઈ ઉપાય નથી. આપણે ફક્ત એક જ કામ કરી શકીએ કે ન્યુઅરલ નવા રસ્તા બનાવીને લિમ્બિક સિસ્ટમ સાથે જોડી શકીએ, તે ખૂબ કપરું કામ છે. આપણે આપણાં પોતાના મૅમલ બ્રેનને મૅનેજ કરી શકીએ, બીજો કોઈ કરી શકે નહિ. આપણે કાયમ ઇચ્છતા હોઈએ કે કાયમ હૅપી કેમિકલ્સ રિલીસ થયા કરે અને આનંદિત રહ્યા કરીએ, પણ આપણું યંત્ર તે રીતે વિકાસ પામેલું નથી. સર્વાઇવલ માટે કામ લાગે ત્યાં ત્યાં હૅપી કેમિકલ્સ રિવૉર્ડ રૂપે રિલિસ થતા હોય છે. એટલે જો હૅપી કેમિકલ્સનાં હૉજમાં આખો દિવસ સ્નાન કર્યા કરીએ તો સર્વાઇવલ માટે જે કરવાનું હોય તે કરે કોણ ?

આ કેમિકલ લોચા નાહિંમત કરનારા છે. માટે મૅમલ બ્રેનને સમજવાને બદલે લોકો સંસાર છોડીને ભાગી જતા હોય છે. ન્યુરોકેમિકલ રિવૉર્ડ માટે જોખમ લેવું પડતું હોય છે. કારણ જોખમ reproductive success માટે અનિવાર્ય છે, જે ખાલી સર્વાઇવલ પૂરતું નથી હોતું. હૅપી કેમિકલ્સનાં ડૉસ માટે, પણ કાયમ નવી નવી તક શોધવી પડતી હોય છે. કારણ આજ બ્રેન આપણાં પૂર્વજોના સર્વાઇવલ માટે કારણભૂત બનેલું હોય છે. માટે સતત ઉદ્યમ કરતા રહેવું, ’ઉદ્યમો ભૈરવ’….પણ સાધુઓ આ વાત સમજ્યા નહિ અને સંસાર છોડીને ભાગી ગયા, સાથે મૅમલ બ્રેન તો લેતા જ ગયા અને ત્યાં જંગલમાં કે આશ્રમમાં એક નવો સંસાર વસાવીને ફરી પાછા એના એજ.

બીજા રસપ્રદ વિકલ્પો