Vednanu Vaigyanik Tathy books and stories free download online pdf in Gujarati

વેદનાનું વૈજ્ઞાનિક તથ્ય

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

૩)વેદનાનું વૈજ્ઞાનિક તથ્ય

તન અને મનની પીડા, દર્દ, વેદનાનો અનુભવ દરેકને થતો હોય છે. શરીરના કોઈ ભાગને ઈજા થાય ત્યારે દર્દ થતું હોય છે, પીડા થતી હોય છે.આ પીડા હંગામી હોય છે અને ઘણાને કાયમી થઈ જતી હોય છે. માથાનો દુખાવો, કમરનો દુખાવો જેવા દુખાવા હઠીલાં હનુમાનની જેમ કાયમી સ્વરૂપ ધારણ કરી લે ત્યારે એને આપણે Chronic pain કહીએ છીએ. લગભગ ૩ કરોડ અમેરિકાનો આવા કાયમી હઠીલાં દુખાવાથી પીડાતા હોય છે. ઉપાય મુશ્કેલ છે, છતાં લાગણીઓ, સહાનૂભુતિ અને ક્યારેક સેક્સ એની તીવ્રતાને ઓછી કરવામાં સહાયભૂત બને છે.

દર્દ, પીડા કે વેદના આપણને જીવતા રાખે છે. સર્વાઇવલ માટે અત્યંત જરૂરી પરિબળ છે. પીડા થવી મહત્વપૂર્ણ વૉર્નિંગ સિગ્નલ છે, જેને અવગણી શકાય તેવું હોતું નથી. ગરમ સ્ટવને અડી જવાય કે કશું અજાણતાં વાગી જાય દર્દ એની ફરજ ત્વરિત બજાવે છે. પીડા થવી એકજાતની અલર્ટ સિસ્ટમ છે, પણ આ અલર્ટ સિસ્ટમ વાંકાચૂંકા રસ્તે ચાલવા માંડે ત્યારે ક્રૉનિક પેએનમાં સ્થિત થઈ જાય છે. કંઈક રહસ્યમય રીતે અસાધારણ દુખાવો થયા જ કરતો હોય છે જેને મટાડવો મુશ્કેલ થઈ જાય છે. દુખાવો ક્યાંથી શરુ થાય છે તે સમજવું જ મુશ્કેલ બની જતું હોય છે. ભાવનાઓ, અપેક્ષાઓ અને મેમરી બધું ભેગું થઈને ક્રૉનિક પેએન થવા માટે સહાયભૂત બનતું હોય છે.

હાર્ટબ્રેઇક સાથે હાર્ટબર્ન જોડાઈ જતું હોય છે. બધા દુખાવા માથામાંથી આવતા હોય છે. pain matrix નામે જાણીતા બ્રેનના વિભાગમાં દર્દનું કારણ, દર્દનું વર્ગીકરણ બધું થતું હોય છે. દુખાવા વિવિધ પ્રકારના હોય છે. કોઈ શૂળની જેમ ભોંકાતા હોય છે, કોઈ સણકા સ્વરૂપે ફરજ બજાવતા હોય છે. ‘ભોગવે તે જાણે’ એવું હોય છે.

બ્રેનનો anterior cingulate cortex વિભાગ દુખાવા નોંધણી દફતર તરીકે કામ કરતો હોય છે, જે શારીરિક પીડાને માનસિક પીડામાં ફેરવી ચિંતિત કરવામાં ભાગ ભજવતો હોય છે. આ વિભાગ માનસિક પીડા અને શારીરિક ઈજામાં ભેદભાવ કરવાનું મુનાસિબ સમજતો નથી કે એને આવડતું નથી. પેટમાં દુખે તો પણ આ ભાગ સક્રિય બની જતો હોય છે અને કોઈ અવહેલના કરે કે પત્ની રિસાઈને પિયર જતી રહે તો પણ આ ભાગ સક્રિયતા જતાવતો હોય છે. M. Catherine Bushnell , Director of the Mc Gill University Centre for Research on Pain કહે છે ” Change the mood , and it changes the Pain.” આ કે

કૅથરીનનો એક પેશન્ટ હતો જેનું બ્રેન ડૅમિજ થઈને sensory વિભાગ ખલાસ થઈ ગયેલો, બાકીનું cingulate સારું હતું. એની આંખો બંધ કરાવીને આ લોકો એના હાથે કશું તીક્ષ્ણ પદાર્થ વડે ભોંકતા તો એને કશી અસર થતી નહિ. કયા હાથે આ લોકો પ્રયોગ કરે છે તે પણ કહી શકતો નહિ. ફક્ત એને ગમતું નથી એટલું જ લાગતું. ઈજાની દુખ દર્દની અનુભૂતિ થતી નહિ. બ્રેનનો આ વિભાગ સહાનૂભુતિ વડે પણ સક્રિય બની જતો હોય છે.

પતિપત્ની કે પ્રેમીઓ વચ્ચે ખૂબ તાદાત્મ્ય હોય તો એક જણને પીડા થતી હોય અને બીજું પાત્ર જોતું હોય તો એનું સિન્ગ્યુંલેટ તરત રિસ્પૉન્સ આપતું હોય છે. જેટલું તાદાત્મ્ય વધારે તેટલો રિસ્પૉન્સ વધુ. મતલબ તમારું સ્નેહીજન પીડા ભોગવતું હોય તો તે પીડા તમને પણ થવાની છે. દાખલા તરીકે તમારી પત્ની પ્રસૂતિની પીડા ભોગવતી હોય તો તમને તે સમયે પેટમાં દુખાવો થવાની શક્યતા છે જો તમે અતિશય સ્નેહગાંઠ વડે જોડાયેલા હોવ તો…અને એવા દાખલા નોંધાયેલા પણ છે. જો તમે વધુ પડતા લાગણીશીલ હોવ ભાવુક હોવ તો તમને તમારા પોતાના દર્દનો અહેસાસ પણ વધુ થવાનો.

ક્રૉનિક પેએન વડે પીડાતા લોકોને ઘણા neurotic કહેતા હોય છે. “Pain-prone personality” આઇડિઆને સંશોધકો બહુ માનતા નથી. માનવ સર્જિત બળાત્કાર કે હત્યાકાંડ કે પછી કુદરતી હોનારતો જેવી કે ભૂકંપ કે સુનામી જેણે અનુભવ્યા હોય તે લોકો એક ટ્રૉમૅમાં જીવતા હોય છે. એમનો Pain matrix વિભાગ ખૂબ ઍક્ટિવ બની ગયેલો જોવા મળ્યો છે. બિહેવ્યર ટેક્નિક વડે આવા દુખ દરદનો ઉપાય કરવો પડતો હોય છે.

મસલ્સની જેમ જે તે બ્રેન સર્કિટનો જેમ વધુ ઉપયોગ થાય તેમ તે બ્રેન સર્કિટ મજબૂત બનતી જતી હોય છે. જેમ કે તમારે હાર્મોનિયમ વગાડતા શીખવું હોય તો વારંવાર વગાડવું પડે તેમ તેમ એમાં ઉપયોગમાં આવતી બ્રેન સર્કિટ વધુને વધુ મજબૂત, પાવરફુલ અને એ

ઍક્ટિવ બનતી હોય છે જે હાર્મોનિયમ શીખવામાં મદદરૂપ થાય. પણ વારંવાર જૉઇન્ટ પેએન અનુભવતા આ કરામત ક્રૉનિક પેએન બની જતા વાર નથી લગાડતી. Gavril Pasternak , Director ઑફ molecular neuropharmacology at Memorial Sloan -Kettering Cancer Center in New York City કહે છે ” Pain pathways are like a trail in the forest , if you have a path that is already worn , it is easier to follow and it becomes strengthened .” દુખ દર્દનાં રસ્તા જંગલની કેડીઓ જેવા હોય છે. આ કેડીઓ પર કોઈ અવરજવર ના હોય તો જીર્ણશીર્ણ થઈ ગઈ હોય છે. પણ એકવાર રોજ અવરજવર ચાલુ થઈ જાય તો રૂડા રૂપાળાં સરસ મજાના રસ્તા ઉભા થઈ જતા હોય છે.

ન્યુઅરૉલજિકલ પ્રોસેસ છે જ એવો કે જેમ સંગીતમાં પ્રવીણ બની શકાય છે તેમ દર્દ વધુ અનુભવવાનું પણ શીખી શકાય છે. મતલબ દર્દ કે પીડા તમારે વધુ અનુભવવી હોય તો તમારા હાથમાં છે. fibromyalgia જેવા ક્રૉનિક સંધિવા જેવા રોગોમાં સામાન્ય સ્પર્શ પણ ઘણાને ખૂબ વેદના આપતો હોય છે જેટલો કમરના અસહ્ય દુખાવા સમયે આપતો હોય. એવા પણ દાખલા નોંધાયા છે કે કોઈ અસાધારણ અને અસાધ્ય ઈજા થઈ હોય અને પગ કાપી નાખવો પડ્યો હોય અને તે પગ ના હોવા છતાં તે પગમાં દર્દનો અહેસાસ થતો હોય છે.

ભયાનક ટૉર્ચર થયું હોય તેવા લોકોમાં જે તે અંગ સારા થઈ ગયા હોવા છતાં તે અંગોમાં પીડા થતી હોય તેવું અનુભવાતું હોય છે. બ્રેન સર્કિટમાં દર્દ એક ડામની જેમ અંકિત થઈ ગયું હોય છે. આમ દર્દ હોય તેના કરતા એનો અહેસાસ વધુ કરવાનું શીખવું હોય તો શીખી શકાય છે તેમ દર્દ હોય તેના કરતા ઓછો અહેસાસ કરવાનું પણ શીખી શકાય છે.

કમરનો દુખાવો, માથાનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે વગેરે ને ક્રૉનિક પેએનમાં બદલવાનું લગભગ આપણાં હાથમાં છે. આવા દુખાવા કવચિત દરેકને થતા હોય છે. જંગલમાં અમુક રસ્તા વપરાયા વગરના પડી રહ્યા હોય છે. પછી કાલક્રમે રસ્તા જેવું રહે જ નહિ. પણ આજ રસ્તા પાછાં વારંવાર વાપરવાનું શરુ કરી દઈએ તો સરસ મજાની પગદંડી ફરી તૈયાર થઈ જતી હોય છે. બસ આમજ વારંવાર દુખાવાની અનુભૂતિ કરવાની ટેવ પડી જાય તો દુખાવાનું ક્રૉનિક પેએનમાં રૂપાંતરણ થતા વાર લાગતી નથી.

મને પોતાને પાંચેક વર્ષ પહેલા બૅક પેએન થયેલું. સ્ટોઅરમાં મારી ઊભા રહેવાની પદ્ધતિ ખોટી હોવાથી કમરમાં દુખાવો શરુ થઈ ગયેલો. બેસવાના પણ ફાંફાં થઈ ગયેલા. ભયાનક દુખાવો થાય. ડૉકટરે રાબેતામુજબ પેએન-કિલર લખી આપી અને ફિઝિઅથેરપિસ્ટ જોડે જવાનું સૂચવી દીધું. ક્રૉનિક પેએનમાં ડૉક્ટર્સ,

૧)Opiate મેડિકેશન જેવા કે ઑક્સિકોડીન,

૨) nonsteroidal anti-inflammatory મેડિકેશન જેવા કે બૃફેન, નેપ્રોક્સિન,

૩) કસરત,

૪) tricyclic antidepressants,

૫) ઍક્યુપંચર

૬) ઈલેક્ટ્રિકલ સ્ટિમ્યૂલેશન વગેરે ઉપાય તરીકે સૂચવતા હોય છે. મને બૃફેન જેવી દવાની અસર ઓછી થતી હોવાથી અફીણમાંથી બનતી ઑક્સિકોડીન જે નાર્કો-પેએન કિલર તરીકે ઓળખાય છે તેવી દવા લખી આપેલી. આ દવાથી સરસ મજાનું ઘેન ચડતું. આનંદ આનંદ થઈ જાય લેવાથી. ૩૦ ટકા અમેરિકાનો ક્રૉનિક પેએન વડે પીડાતા હોય છે. અહી ડૉક્ટર્સ છૂટથી ડ્રગ જેવી દવાઓ લખી આપતા હોય છે. અને અમુક લોકો જાતેજ હેરોઇન જેવા અફીણમાંથી બનતા ડ્રગ લેવાનું શરુ કરી દેતા હોય છે. અમુક રાજ્યોમાં મેડિકલ મૅરિહ્વાન એટલે ગાંજો, લાઇસન્સ ધરાવતી દુકાનોમાં મળતો થઈ ગયો છે.

ઑક્સિકોડીન જેવી દવાઓનો પ્રૉબ્લેમ એ થાય કે તેની ટેવ પાડવા માંડે પછી દુખાવો બંધ કરવા મોટો ડૉસ લેવો પડે અને તમે ડ્રગ ઍડિક્ટ બની જાવ. માઈકલ જેક્શન અને વ્હીટની આમાં જ દેવ થઈ ગયા. તે સમયે મારા ફિઝિઅથેરપિસ્ટ બહેન નિરાલી પટેલ હતા. તેમણે મને સરસ કસરત બતાવેલી. કમરનો ક્રૉનિક દુખાવો રોજની ફક્ત દસ મીનીટની કસરત વડે મટાડી શકાય છે. કમરના ભાગે સ્નાન કરતી વખતે ગરમ પાણી વધારે પડવા દઈ, સ્નાન કર્યા બાદ ફક્ત દસ મિનિટ કસરત કરી લઈએ તો કદી કમરના દુખાવા માટે દવા લેવી નો પડે તે મારો જાત અનુભવ છે. શારીરિક દુખાવાને નાબૂદ કરવો સહેલો છે, પણ માનસિક રીતે ક્રૉનિક પેએનમાં તબદીલ થયા પછી એનો ઉપાય અઘરો થઈ પડે છે.

શરીરમાં જ્યાં ઈજા થઈ હોય તે અસર પામેલા ભાગની અંદર રહેલા નર્વ સેલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ બ્રેનને મોકલવાના શરુ કરી દેતા હોય છે. આ ઇલેક્ટ્રિકલ સિગ્નલનું નિયમન ખાસ પ્રકારના gene દ્વારા થતું હોય છે. આ જીનને બ્લૉક કરી દેવાથી નર્વ સેલ દ્વારા થતા ઇલેક્ટ્રિકલ સિગ્નલના ઝબકારાનું પ્રમાણ ઓછું કરી શકાય છે. કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકો આના ઉપર પ્રયોગ કરી રહ્યા છે. જિનેટિકલી એન્જિનિઅર્ડ ઉંદરોમાં પેએન સેન્સિટિવ ન્યુરૉન્સમાં HCN2 જીન નાબૂદ કરી નાખેલો. નૉર્મલ ઉંદરો ઠંડી, ગરમ વસ્તુ અડતા ત્વરિત પ્રતિક્રિયા કરતા પણ HCN2 gene વગરના ઉંદરો બધું લાંબા સમય સહન કરી લેતા. HCN2 બ્લૉકર માર્કેટમાં આવતા બીજા દસ વર્ષ લાગશે.

વધુ પડતું વજન ક્રૉનિક પેએનમાં વધારો કરતું હોય છે. કસરત કરો, વજન ઘટાડો. મજબૂત સ્નાયુ દર્દ આપતા સાંધાઓને વધુ સારી રીતે સહી શકે છે. જરૂર જણાય ત્યાં પેએન કિલર લેવી પડતી હોય છે. સરસ મજાની ઊંઘ દુખાવામાં રાહત પમાડે છે. ક્રોનિક પેઇન વડે પીડાતા લોકો પોતાને એકલાં પડી ગયા હોય તેવું અનુભવતા હોય છે. મનની અસર શરીર ઉપર પડતી હોય છે અને શરીરની મન ઉપર. ડિપ્રેશનનાં લીધે ક્રૉનિક પેએન, ડાયબીટિઝ, ઓબેસિટી, હાર્ટ ડિઝીઝ, અડિક્શન વગેરે થવાની શક્યતા વધતી હોય છે. ક્રૉનિક મેન્ટલ સ્ટ્રેસ, મસલ પેએનમાં વધારો કરે છે.

Fibromyalgia અને rheumatoid arthritis વગેરેમાં ચેરિ, સોયાબીન, ઑરિન્જ, ક્રૅન્બરિ, કૉલિફ્લાઉઅર, કિવિ બધા ફાયદાકારક છે. જ્યારે ચૉકોલટ, ઈંડા, માંસ, ઘઉં, મકાઈ, વગેરે સોજા વધારી દુખાવો વધારી મૂકે છે. ચેરિમાં anti-oxidants હોય છે જે સોજાને ઉતારે છે. બીજું એમાં melatonin નામનું હૉર્મોન હોય છે જે માનવ શરીરમાં pineal gland માં બનતું હોય છે. જે સારી ઊંઘ લાવતું હોય છે. સારી ઊંઘ મતલબ ઓછું પેએન.

ભગવાન બુદ્ધ પણ થોડા ઉપાય ક્રૉનિક પેએનના બતાવી ગયા છે તે જોઈએ.

ક્રૉનિક બૅક પેએન વિષે મારો પોતાનો અનુભવ છે કે સારા ફિઝિઅથેરપિસ્ટ પાસેથી નિયમિત કરવાની સાદી અને સરળ કસરતો શીખી લેવી જોઈએ. અને તે કસરતો નિયમિત કરવાથી ઘણો ફાયદો થાય છે. કરોડના મણકાની ગાદીઓમાં સોજા આવ્યા હોય ત્યારે આવો દુખાવો થતો હોય છે. મણકા કોઈ કારણસર સાવ નજીવા આઘાપાછી થઈ ગયા હોય અને એના લીધે નર્વ દબાતી પણ હોઈ શકે. સ્પાઇનલ કૉર્ડને લગતી કસરતો કરવાથી આમાં ફાયદો થતો હોય છે. સ્પાઇનલ કૉર્ડને બંને બાજુ સ્નાયુઓનો એક ઊભો પટ્ટો હોય છે. એને મજબૂત કરવાની કસરત કરવાથી જ્યારે કશું કામ કરીએ તો સ્પાઇનલ કૉર્ડ પર ઓછો બોજો પડે અને પેલાં સ્નાયુઓ વજન ઝીલી લે. આ બધી કસરતો કરવાથી સ્પાઇનલ કૉર્ડ મૂળ સ્થિતિમાં આવી જવાથી દુખાવો બંધ થઈ જતો હોય છે.

આપણે આખો દિવસ આરામદાયક સોફામાં બેસતા હોઈએ, કમ્પ્યુટર પર બેસતા હોઈએ અને બીજા એવા ઘણી પોઝિશનમા કામ કરતા હોઈએ છીએ, જે સ્પાઇનલ કૉર્ડ માટે નુકસાનકારક હોય છે. માટે દુખાવો બંધ થઈ ગયા પછી પણ સ્પાઇનલ કૉર્ડને એની મૂળ સ્થિતિમાં જાળવી રાખવા આ બધી કસરતો નિયમિત કરવી જોઈએ. ગરમ પાણીથી બૅકને બરોબર શેક આપવાથી સખત થઈ ગયેલા સ્નાયુઓ ઢીલાં પડે પછી કસરત કરવી જોઈએ. સ્નાયુ અકડાઈ ગયા હોય અને કસરત કરીએ તો વધારે અકડાઈ જવાનો ભય રહે છે. જો દુખાવો વધુ થતો હોય તો આવી કસરત પછી બૅક ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ખૂબ ફાયદો થતો હોય છે.

ભારતમાં શેક કરવાનું મહાત્મ્ય વધુ છે પણ કોલ્ડ-પૅક મૂકવાનું મહત્વ લોકો સમજતા નથી. કોલ્ડ-પૅક વિષે ઘણી ગેરસમજ હોય છે. જેતે ભાગ ઉપર કોલ્ડ-પૅક મૂકવાથી ત્યાંથી લોહી હઠી જાય છે, ૧૫ મિનિટ પછી કોલ્ડ-પૅક હટાવી લેવાથી તે જગ્યાએ લોહીનો ધસારો પુષ્કળ વધી જાય છે જે હિલીંગ માટે ખૂબ ફાયદાકારક છે. બીજું કોલ્ડ-પૅક મૂકવાથી જેતે ભાગ તાત્કાલિક બહેરો બની જવાથી દુખાવાની અનુભૂતિ હંગામી રીતે ઓછી થઈ જાય છે.

મન શરીરને કંટ્રોલ કરી શકે છે. ક્રૉનિક પેએન માટે ઘણીબધી સારવાર કરાવ્યા પછી કંટાળેલા લોકો માટે માઈન્ડ કંટ્રોલ રીત અપનાવવા જેવી છે. જ્યારે આપણને કોઈ ઈજા થાય કે કોઈ આપણું અપમાન કે અવહેલના કરે ત્યારે દુઃખના સિગ્નલ સેન્સરી પાથ-વે અને ઇમોશનલ પાથવે દ્વારા બ્રેનમાં પહોચતાં હોય છે. આ દુઃખના અનુભવનું લાગણીશીલ પાસું બ્રેનના amygdale અને anterior cingulated cortex માં જતુ હોય છે. આમ માઈન્ડબૉડી ટ્રીટમન્ટ જેવી કે મેડિટેશન, યોગા આ ઇમોશનલ નેટવર્કને ઉપયોગમાં લેતી હોય છે. ચાલો સાવ મફતમાં અતિ કીમતી સરળ રીતો જોઈએ.

૧) આંખો બંધ કરી અંધારા રૂમમાં એકદમ રિલૅક્સ થઈને બેસો.

૨) ઊંડા શ્વાસ લેવાનું શરુ કરો. શરૂમાં થોડા ઝડપથી શ્વાસ લેવાના પછી ધીમે ધીમે નૉર્મલ શ્વાસ લેવા જોઈએ. કોઈ પણ જાતના પ્રયત્ન વગર નૉર્મલ શ્વાસોચ્છ્વાસ પર આવી જવાનું.

હવે થોડી કાલ્પનિક ટેક્નિક જોઈએ. એમાંથી કોઈ પણ એક અપનાવો અને નિયમિત આચરવાનું શરુ કરીએ.

૧) શરીરના દુખાવા વગરના કોઈ ભાગને પસંદ કરીને એના પર ધ્યાન કેન્દ્રિત કરો. અને જુઓ કે તમારું મન દુખાવા તરફથી બીજે તરફ ડાયવર્ટ થાય છે કે કેમ? મન આતા માજી સટકેલ જેવું હોય છે, છટકેલ હોય છે, સીધું ઠરીને બેસે નહિ.

૨) માનસિક રીતે શરીરના દુખાવાયુક્ત ભાગને બાકીના શરીરથી જુદો સમજો, અલગ પાડો. આ ભાગ મારા શરીરનો હિસ્સો નથી તેવી કલ્પના કરો.

૩) કલ્પના કરો કે દુખ દેતા ભાગને બહેરાશનું ઇન્જેક્શન મારીને કે કોઈ જાદુઈ દવા વડે બહેરો બનાવી દીધો છે.

૪) ભૂતકાળમાં મુસાફરી કરો જ્યારે કોઈ દુખાવો હતો નહિ. સાજાસમા હતા તેવો ભૂતકાળમાં જતા રહેવું.

૫) ક્રૉનિક પેએનને એક પ્રતીક આપો, દાખલા તરીકે લાઉડ મ્યૂઝિકનું અને તેનું વૉલ્યૂમ ધીરે ધીરે ઓછું કરો.

૬) કોઈ હકારાત્મક આનંદદાયક કલ્પના કરો અને તેના પર ધ્યાન કેન્દ્રિત કરો.

૭) દુખાવા તરફથી ધ્યાન બીજે વળવા મનમાં ધીમે ધીમે ગણવાનું(કાઉન્ટ) શરુ કરો.

આમ તો આ બધું કદાચ મૂર્ખા જેવું લાગે પણ ઘણાબધાને ફાયદાકારક બનેલું છે. ખાસ તો આ પ્રૅક્ટિસ દિવસમાં ત્રણવાર ૩૦ મિનિટ કરવી જોઈએ. ઉપરની કોઈ પણ એક પ્રકારની પદ્ધતિને પકડી રાખવી. બધી પદ્ધતિઓ સાથે અપનાવવી નહિ. એકવાર આમાં માસ્ટરી આવી જશે પછી એનો ફાયદો લેતા વાર નહિ લાગે.

ઓશોએ એક દાખલો નોંધ્યો હતો- અંગ્રેજોના જમાનામાં કાશી નરેશને… બનારસ-કાશીના રાજાને એપેન્ડીક્સ થયેલું. અંગ્રેજ ડૉક્ટર ઑપરેશન કરવાના હતા.ઑપરેશન પહેલા અનિસ્થટાઇઝ તો આપવો પડે ને? કાશી નરેશે કહ્યું કે હું જાગૃત રહેવાની સાધના કરું છું માટે મારે અનિસ્થટાઇઝ લઈને બેભાન બનવું નથી. ડૉક્ટરોએ ઘણું સમજાવ્યા પણ રાજહઠ સબળ હતી. કાશી નરેશે કહ્યું મને ગીતાનું પુસ્તક આપો હું વાંચીશ અને તમે ઑપરેશન કરજો. સાચું ખોટું મને ખબર નથી કેમકે હું ત્યારે હાજર નહોતો પણ કહેવાય છે કે દુનિયાનું પહેલું અને છેલ્લું ઑપરેશન હતું જે અનિસ્થટાઇઝ આપ્યા વગર કરાયેલું. કાશી નરેશે શરીરના જે તે ભાગ પ્રત્યેથી તેમનું ધ્યાન હટાવી લીધું હશે. અઘરું છે પણ અશક્ય નથી.

એક જાત અનુભવ લખું, હસવાનું નહિ. અમે ત્રણ પિતરાઈ ભાઈઓએ ચાલતા અંબાજી સંઘમાં માણસાથી અંબાજી જવા નીકળેલા. આસો મહિનાની પૂનમે પહોચવાનું હતું. સંઘ તો બહુ મોટો હતો. છ દિવસની ચાલતી મુસાફરી હતી. બપોર સુધી ચાલવાનું પછી રસ્તામાં આવતા વડનગર, તારંગા, દાંતા જેવા સ્થળોએ રાતવાસો કોઈ ધરમશાળામાં કરવાનો. દાંતા છેલ્લું સ્ટૉપિજ હતું. ત્યાં સુધીમાં તો અમારા બધાના પગમાં ભારે દુખાવો શરુ થઈ ચૂક્યો હતો. પગમાં ફોલ્લા પડવાથી ઘણાબધા તો બસમાં બેસીને ભાગી પણ ગયેલા.

સંઘના આયોજકો તરફથી એકવાર સાંજે પાકું ભોજન મળતું. અમે તો બપોરના પહોચી ગયેલા. બપોરે રાજસ્થાની દાલબાટીની મજા માણી લીધેલી. મારા એક કઝન જરા વધુ પડતી દાલબાટી ખાઈ ગયેલા. સાંજે પાછું ચૂરમાના લાડુનું પાકું જમણ કર્યું. દાંતાથી અંબાજી નજીક હોવાથી સંઘમાંથી કેટલાક લોકો રાત્રેજ અંબાજી જવા નીકળી ગયા. અમે ત્રણ જણા પણ રાતે નીકળી ગયા. મારા પગ ખૂબ દુખતા હતા. ઢીંચણ કામ કરતા નહોતા. બીજા કઝનની પણ એવી જ હાલત હતી અને ત્રીજા ભાઈને ખૂબ ખાધેલું તે પેટમાં ભયાનક ચૂંક આવવાની શરુ થઈ ગયેલી. છતાં અમે ચાલે રાખતા હતા.

મારા આ પિતરાઈ ભાઈ મિલિટરીમાં હતા. અંબાજીના જંગલોમાં રીંછ ફરતા હોય છે. અમે ત્રણ જણા એકલાં જતા હતા, બાકીના રાત્રે નીકળી ગયેલા સંઘના મિત્રો ખૂબ આગળ જતા રહેલા. અચાનક રસ્તાની એકબાજુ દૂર અમે રીંછ ફરતા જોયા. અમને જલદી ખ્યાલ આવ્યો નહિ પણ આર્મિમાં જોબ કરેલી તે ભાઈ ઓળખી ગયા કે આ ટોળું રીંછનું છે. બસ અમે ત્રણ જણા જે ભગવા માંડ્યા કે આવ અંબાજી ઢૂંકડું દોઢેક કલાક ખૂબ ભાગ્યા હોઈશું. અંબાજી પહોચ્યા પછી ખયાલ આવ્યો કે મારો પગનો અતિશય દુખાવો ભાગતી વખતે ગાયબ હતો. જે ભાઈ પેટમાં દુખાવાને લીધે રોડ પર આળોટતા હતા તે પણ દોઢ કલાક માટે ઑલિમ્પિક ગોલ્ડ જીતવા જતા હોય તેમ ભાગેલા. અંબાજી આવી ગયા પછી પાછો દુખાવો શરુ થયો.

ઉપર લખેલી માઈન્ડ કંટ્રોલ પદ્ધતિઓ અપનાવી જુઓ, અઘરી છે પણ અશક્ય નથી…

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED