પ્રગતિ અવરોધક દીવાલો Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રગતિ અવરોધક દીવાલો

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

પ્રગતિ અવરોધક દીવાલો

૧) આધુનિકતા અપનાવવામાં વિરોધ
પ્રાચીન બધું સારું, ઘરડા અને એમના ઘરડા વિચારો સારા યુવાનો કરતા એવું આપણે ત્યાં મનાય છે. જુનું ઘણીવાર સારું હોય છે. જુના માણસો અનુભવી હોય છે. ઘરડા ગાડાં વાળે તે કહેવત પણ સાચી છે. પણ એનાથી એવી માનસિકતા ના ઘડાવી જોઈએ કે નવું આધુનિક બધું ખરાબ છે. એવરેજ હિંદુ મનોદશા જુઓ, પ્રાચીનતા અને પવિત્રતા સાથે જોડી દીધી. અને પવિત્રતા સાથે સ્વચ્છતા તો જરાયે ના જોડી. ના છુટકે આધુનિકતા અપનાવશે ખરા, પણ એમની ઓર્થોડોક્સ વિચારસરણી જાળવી રાખશે. આધુનિક મનોદશા આઉટ ડેટેડ વસ્તુને સ્વીકારશે નહિ. આજના પ્રશ્નો ત્રણ હજાર વર્ષ જૂની વિચારસરણી મુજબ કઈ રીતે હલ થાય? ટેક્નોલૉજી ખૂબ ઝડપથી આગળ વધી રહી છે, જ્યારે એને અપનાવી લેવા માટે આપણાં મન ખૂબ ધીમાં પડે છે.

હજુ લોકો આયોડીનયુક્ત મીઠું ખાવા માટે અચકાય છે. જુઓ અહીં અમે નળમાંથી સીધું પાણી પીએ છીએ. કોઈના ઘેર માટલાં નથી. હું કોઈ અહીંની વકીલાત નથી કરતો. પણ આપણે ત્યાં ધૂમ પૈસો કથા વાર્તાઓમાં, યજ્ઞોના ધુમાડામાં, ઉત્સવોમાં વપરાય છે. પણ દર ચોમાસે વડોદરામાં દૂષિત પાણીને લીધે કમળો ફેલાય છે. તેનો કોઈ કાયમી ઉપાર વિચારવામાં આવતો નથી. સફળતા એને પ્રાપ્ત થાય જેઓ પરિવર્તનને સ્વીકારે છે. ફીટેસ્ટ અને ફ્લેક્સિબલ સર્વાઈવ થઈ જાય. નબળો અને અકડું નહિ. આપણે ખૂબ અકડું છીએ. મેરા ભારતની મહાનતાનાં ગાણા ગાયે જ જઈએ છીએ, એટલો મહાન બનાવવા તરફ પ્રયત્ન કરતા નથી. પ્રગતિના ઐતિહાસિક મહાપથ પર જુઓ આ સમાજ ગ્રીન સિગ્નલ હોય છતાં ચાલતો નથી. ઊભો રહે છે, વિચારે છે, નિર્ણય લેવામાં ગૂંચવાય છે, કોઈ જોરદાર ધક્કો ના વાગે ત્યાં સુધી આગળ વધતો નથી, ત્યાં સુધીમાં બાકીની દુનિયા ખૂબ આગળ નીકળી ચૂકી હોય છે.

હજારો વર્ષ પછી આપણને હવે તક મળી છે કે આધુનિકતા અને નવી ટેક્નોલૉજી અપનાવીએ ત્યારે પ્રાચીન સમયમાં પાછાં જવાનો રસ્તો અપનાવવો મૂર્ખામી છે. એક સમાચાર હતા કે IIT દિલ્હીમાં સાયન્સ અને ટેક્નોલૉજીના ઓલ્ટરનેટીવ સોર્સ તરીકે સંસ્કૃત ધર્મગ્રંથોનું શિક્ષણ અપાશે અને ઓલ્ટરનેટીવ કોસ્મોલોજી સંસ્કૃત ભાષામાં લખાશે. કોસ્મોલોજી સંસ્કૃતમાં? ઓલ્ટરનેટીવ?? હવે ગેલેલિયો અને ન્યુટનને ભૂલી જાઓ. ટેલિસ્કોપ શું બલા છે? ૨૦૦૦ વર્ષ પહેલા ઋષિઓ જાણતાં હતા તે ભૂગોળ અને ખગોળ જાણો. રામ પુષ્પક વિમાનમાં મુસાફરી કરતા હતા, હનુમાન સૂર્યને ગળી જવા ઊડેલા, રાહુ કેતુના લીધે ગ્રહણ થાય છે, અર્જુન સ્વર્ગમાં જઈ ધનુષ બાણ લઈ આવેલો. આ એ સરકારનો ઉદ્દેશ્ય છે જે પરમાણું બૉમ્બ અને મિસાઈલના પરીક્ષણ કરે છે. આ બધું એવી સંસ્થામાં ભણાવશે જેના અતિ બુદ્ધિશાળી વિદ્યાર્થીઓ દેશ વિદેશ અને વિશ્વમાં નામના મેળવી રહ્યા છે. આ શરુ થયું કે નહિ તેની મને ખબર નથી. પણ માનસિકતા જુઓ. આધુનિકતા ખોટી નથી, જરૂર છે એને અપનાવવા માટે વિવેક દ્રષ્ટિ કેળવવાની. આપણે આધુનિકતાની ખોટી વસ્તુઓ અપનાવી લેવામાં હોશિયાર છીએ. પછી કાગારોળ કરવામાં પણ હોશિયાર છીએ.

હવે સંસ્કૃત ગ્લોબલ ભાષા બની શકવાની નથી. આપણે એટલાં બધા નવું નવું રિસર્ચ કરી નવું જ્ઞાન સંસ્કૃતમાં લખવા માટે કાબેલ નથી. આપણે સુપર પાવર હોત તો સંસ્કૃત બધાને અપનાવવા માટે મજબૂર કરી શકીએ. મૉર્ડન ટેક્નોલૉજી આપણે શોધતા હોઈએ, એમાં આપણી મોનોપૉલી હોય તો આપણી ભાષા બીજા લોકોને ના છુટકે શીખવી પડે. જેવી રીતે આજે આપણે ના છુટકે અંગ્રેજી શીખવી પડે છે. બુદ્ધ અને મહાવીરે પણ સંસ્કૃત અપનાવી નહોતી. પાલી અને પ્રાકૃત વાપરતા હતા. ભાષા પણ ફીટ અને ફ્લેક્સિબલ ના હોય તો મૃત પામતી હોય છે. હવે તો ચીનીઓને પણ અંગ્રેજી શીખવી પડે છે. અંગ્રેજી સારું હોય તો ચીનમાં સારો સ્કોપ છે. અંગ્રેજી પણ રોજ બદલાતી જવાની. દર ત્રણ મીનીટે એમાં એક નવો શબ્દ ઉમેરાય છે. નેટ ઉપર કોઈ શુદ્ધ અંગ્રેજી વપરાતું નથી. નેટની અંગ્રેજી ટૂંકીટચ છે. good બદલે Gud, doing ના બદલે duin લખાતું થઈ ગયું છે. કોઈ પ્રજા શુદ્ધ નથી, માટે બધી પ્રજા શુદ્ધ છે. તેમ કોઈ ભાષા હવે શુદ્ધ રહેવાની નથી. વર્ણસંકરતા સર્વવ્યાપી છે. વર્ણસંકરનો નાશ થાય તે વાક્ય ખોટું છે. શુદ્ધ થોડા ઘણા બનવું હોય તો કલહરીના શાન બુશમેન આદિવાસીઓમાં જન્મ લેવો પડે. શુદ્ધ ભાષા બોલવી હોય તો પક્ષીઓની સવારની અને સુરની ભાષા બોલાવી પડે. આઆઆ!!!ઈઈઈઇ!!ઊઊઉ!!!હા!હા!હા!હાઆઆઆ!!!!

૨) સાંકડું દ્રષ્ટિબિંદુ:-

આપણી મોરાલીટી, સદાચરણ ફક્ત આપણાં કુટુંબ અને મિત્રો પૂરતું જ હોય છે, બીજા માટે નહિ. આપણે આપણો કચરો પાડોશીના વરંડામાં ફેંકી દેવા ટેવાયેલા છીએ. એક કેતન પારેખ કે હર્ષદ મહેતાને એવી પડી હોતી નથી કે મારા દેશના બાંધવને લૂંટી રહ્યો છું. આપણે નાનાં નાનાં પ્રશ્નોમાં અટવાયેલા, ગૂંચવાયેલા અને ધૂંધવાયેલા રહીએ છીએ. એક મંદિર અને એક મસ્જિદનો પ્રશ્ન જે ક્ષણમાં હલ થાય તેવો હતો તેના માટે આપણે દાયકા લગાવી દીધા. એનાં માટે કેટલાં ખૂન ખરાબા થઈ ગયા. હિન્દુઓનાં મોભા અને માનસન્માન માટે ભલે મહત્વનો પ્રશ્ન હતો પણ આપણે કઈ રીતે અને ક્યારે હલ કર્યો?? જાણે એક જ પ્રશ્ન હતો મહત્વનો, બીજા કોઈ નહિ? મૉર્ડન વર્લ્ડ આગળ આપણાં મોભાને છાજે તેમ હલ કરી શકતા નહોતાં. આપણે જુના પ્રશ્નો હલ કરવા પડે. પણ આપણી પાસે કોઈ ગ્લોબલ દ્રષ્ટિબિંદુ નથી. બીજા દેશોનું ફોકસ એમની વર્લ્ડ ક્લાસ ઔદ્યોગિક કંપનીઓને ફેલાવવા માટેનું હોય છે. હવે અંબાણી અને તાતા બહાર નીકળતા થયા. પણ સરકારનું દ્રષ્ટિબિંદુ એનું એજ રહેવાનું. આપણે પ્રાદેશિક, ધાર્મિક અને જાતિવાદી પ્રશ્નોમાં અટવાયેલા રહીએ છીએ. એમાંથી બહાર નીકળવાનું મન થતું નથી, ઉલટાના સત્તા હાંસલ કરવા નેતાઓ એને વધારે ગૂંચવતા જાય છે. માંડલપંચ, બક્ષીપંચ, અનામત, રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ, નર્મદા બંધ વિવાદ, ભોપાલ કાંડ, ગોધરા કાંડ, કેટલા બધા પ્રશ્નો? કોઈ હલ કરવાની ઉતાવળ નહિ. થાય છે ચાલે છે. પ્રશ્નો ઊભા હશે તો એના ઉપર વોટ લઈ શકાય, ચૂંટણી જીતી શકાય, કોઈ નેતા global outlook ધરાવતો પાક્યો નહિ. બીજા લોકો માઈક્રો ચિપ્સ બનાવે આપણે બટાટા ચિપ્સ.

જગત આધુનિક નહિ અતિ આધુનિક બનવા લાગ્યું છે ત્યારે આપણે આધુનિકતા સારી કે ખોટી તેની ચર્ચાઓ કરીએ છીએ. આપણે એક પાણીના પરપોટામાં જીવીએ છીએ. એમાંથી બહાર ખૂબ ઝાંખું દેખાય છે. આપણે સુખી છીએ કેમ કે હજારો વર્ષોથી આવું ઝાંખું જોવાની આદત પડી ગઈ છે. દેશપ્રેમ અને દેશભક્તિના કારણે યુરોપ નાનાં દેશો વચ્ચે વહેંચાઈ ગયેલું છે. પણ જુઓ તે લોકોની સ્માર્ટનેસ. યુરોપિયન કૉમન માર્કેટ એક જાતનું યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ યુરોપ બની ચૂક્યું છે. બીજા નંબરનું સંયુક્ત વૈશ્વિક અર્થતંત્ર આ માર્કેટ બની ગયું છે. આપણાં ઉપખંડમાં જુઓ, ધર્મોએ સૌથી વધુ ભાગલા પાડ્યા છે. હિંદુ ઓબ્સેશન અને બેકવર્ડ મુસ્લિમ ફંડામેન્ટાલીજમ હરીફાઈ મજબૂત, વિકાસના માર્ગમાં અંધત્વ. ધર્મો જો ખાલી પર્સનલ મૅટર બની જાય કે ભાઈ જેને જે ધર્મ ફાવે તે આચરે આપણે શું? તો એશિયા પાસે એટલાં બધા વિપુલ કુદરતી ભંડારો છે કે દુનિયામાં કોઈ એના વિકાસના માર્ગે દોડતું રોકી ના શકે. બધાને પાછળ પાડી શકે તેમ છે. ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ જુઓ ધર્મના નામે પ્રગતિ કરી શકતા નથી, એક થઈ શકતા નથી, ઔદ્યોગિક કે આર્થિક રીતે એક થઈ શકતા નથી. એક જ દેશ તો હતો, પણ આજે?

આપણી ચુસ્ત નીતિવિષયક માન્યતાઓ, સભ્યતા, ધર્મ ઝનૂની પક્ષપાત, ભેદભાવ, એક બંધિયાર સમાજ બની ગયા. બંધિયાર સમાજ એક જ દિશામાં વિચારતો હોય છે. બંધિયાર સમાંજોનો સામૂહિક મેળાવડો જાણે જામ્યો છે અહિ ભારતમાં. અમારા રાજપૂત સમાજથી કેમ ના વિચારું? ઉત્તર ગુજરાતના રાજપૂતો જુદા, કચ્છના જુદા, કાઠિયાવાડના જુદા, ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠાના વળી કહેશે અમે તો રાજસ્થાનના ઊંચા રજપૂતો. હું નાનો અને બહેનના ઘેર ઈડર પાસેના ગામમાં જતો તો કહેવાતું કે ગુજરાતથી મહેમાન પધાર્યા છે. જાણે ઈડર ગુજરાતમાં નહોતું. મને નવાઈ લાગતી. ભરૂચ બાજુના દરબારો વળી અલગ, કાઠી દરબારો પાછાં અલગ. મૂળ રાજપૂત સમાજ પોતે જ બંધિયાર. એવું જ દરેક સમાજનું સમજવું. અમારા એક જૈન વણિક મિત્રના ભાઈ વૈષ્ણવ વણિક છોકરીના પ્રેમમાં પડ્યા જાણે ધરતીકંપ થઈ ગયો. જોકે બધું પાછળથી સારું થઈ ગયું. ભારત જાણે નાનાં નાનાં બંધિયાર ખાબોચિયાંથી ભરેલો મહાસાગરનો કિનારો લાગે. દરિયાપાર શું થાય છે કોણ જાણે?

હવે જુઓ મંદિર તો આટલું મોટું જ બનશે! એનો વિરોધ કરનારનું આવી બનવાનું. રામ મંદિરનો પ્રશ્ન તો હજુ ઊભો જ છે. એક હલ થયો બીજો પ્રશ્ન ચાલુ, હવે કેવડું બનાવવું એનો પ્રશ્ન. હવે એનાં પર રાજકારણ ખેલાશે. Narrow ફોકસ, નેરો વિચારધારા. એકજ ટ્રૅક બીજો કોઈ ટ્રૅક નહિ. વિચારવાનો રસ્તો એક જ, અને તે પણ વન વે. આ વન વે ક્યાં લઈ જવાનો? અધોગતિ તરફ. આપણો બુદ્ધિજીવી વર્ગ પણ આમાંથી બાકાત રહી શકતો નથી–ધર્માંધ મૂર્ખતા!!

૩) વાચાળતા
જુઓ, મિત્રો આપણે ખૂબ વાચાળ છીએ. શબ્દોની પ્રચુરતા આપણી પાસે ખૂબ છે. બીજા શબ્દોમાં કહીએ તો આપણે બકબકિયા છીએ. કામ વગર શબ્દો વેડફીએ છીએ. આપણે શબ્દોથી મોહિત થઈ જઈએ છીએ. એમાં મૂળ વિષય ચૂકી જવાય છે. ભાષણ આપવાની વાતવાતમાં ટેવ એ ભારતીયોની ખૂબી છે. આપણને આપણો અવાજ સાંભળવાની ખૂબ મજા પડે છે. માટે જ્યાં ચાન્સ મળ્યો તરત શરુ. કોઈ પૂછે કે ના પૂછે સલાહ આપવાની એટલે આપવાની. આ સલાહ આપવાની ટેવ એક રોગની કક્ષાએ પહોચી જાય છે. મારા એક સંબંધી વડીલ મહિલા પોતે ખાસ ભણ્યા નથી. સાત ચોપડી ભણ્યા છે. તે પણ જુના જમાનાની ગામડાની પ્રાથમિક શાળામાં. સારું જમવાનું બનાવવા સિવાય કશું એમને આવડતું નથી. ૨૦ વર્ષથી અમેરિકામાં રહે છે, પણ હજુ તેમને બહાર જવું હોય તો કોઈ સાથે જોઈએ. અંગ્રેજી જરાય ના આવડે. શીખવાનો પ્રયત્ન પણ ના થાય સમય નથી એમની પાસે. સવારે ત્રણ કલાક પૂજામાં પસાર થાય છે. ડ્રાઇવિંગ પણ ના આવડે. પણ સલાહ દરેક પ્રકારની આપી શકે. એમના વિષય બહારની સલાહ પણ આપી શકે. કોઈ સગાના ત્યાં ગયેલા. પોતાના બિઝનેસ ચલાવતી મહિલાઓ ભેગી થયેલ. ત્યાં એટલી બધી હોશિયાર મહિલાઓને પણ એમની સલાહ આપવાનું શરુ કરી દીધેલું.

નેતાઓ બોલ્યા કરતા હોય છે શ્રોતાઓ થાકી જાય ત્યાં સુધી. આપણી મીટિંગ અંતહીન હોય છે. વધારે પડતી વાચાળતા નિર્ણય લેવામાં રુકાવટ બનતી હોય છે. આપણે બસ બોલે જ જઈએ છીએ. બહુ પ્રાચીન રોગ છે. જુઓ, ગંગાના ૧૦૦ નામ છે. એક બે થી ચાલી ના જાય? વિષ્ણુભાઈના વળી ૧૦૦૦. ખાલી આ ૧૦૦૦ નામ રટીને બેસી રહેનારા વિરલાઓ પણ અહીં જોવા મળશે. કદી પૂરું કરી ના શકીએ તેટલું વિપુલ સાહિત્ય છે આપણી પાસે. ગીતામાં જુઓ ખાલી શંખ કોણે વગાડ્યો અને કઈ જાતનો વગાડ્યો તેટલા માટે આખો અધ્યાય છે. જરૂર હતી ખરી? કર્મના ૧૨ પ્રકાર, સ્વર્ગ અને નર્કના ૭ પ્રકાર અને ભગવાન કેટલા પ્રકારના કોણ જાણે??
અમેરિકામાં પણ ભારતીયોને કોમ્યુનીકેશન બાબતે ઘણા પ્રશ્નો વેઠવા પડતા હોય છે. ઍક્સન્ટ તો જુદી પડે જ છે. થોડી ભારતીય ટેવો પણ વચમાં આવી જાય છે. કોઈ વાતો કરતું હોય તો વચમાં ટપકી પડવું, ચાલુ ગાડીએ ચડી જવું, બહુ મોટેથી બોલવું, એક મુદ્દા પર ટકી ના રહેવું, ક્યારે બંધ થવું અને શરુ થવું, ટૂંકમાં(શોર્ટ) સમજવું નહિ, પુષ્કળ વર્ણન કે માહિતી આપ્યા વગર સમજવું નહિ, વિસ્તારથી સમજાવવા પડે, ધીમાં અવાજે કોઈ બોલે તો જલદી સમજવું નહિ. આવા કેટલાય પ્રશ્નો ભારતીયોને નડે છે. નવી પેઢીને ના નડે તે સ્વાભાવિક છે. મંદિરોના ઘંટ અને નગારાના પડઘમ જેણે સાંભળ્યા હોય તે કઈ રીતે નમ્ર અવાજ સાંભળી શકે કે સમજી શકે? બીજાની શું વાત કરું? મને પોતાને આવા પ્રશ્નો નડે છે.

જુઓ આપણી કોર્ટ કચેરી, ન્યાયાધીશ સાહેબ મુદત પર મુદત પાડશે. વર્ષો વીતી જશે જજમેન્ટ આપતા. મારા પોતાના પિતાશ્રી વકીલ હતા. એકના એક અસીલોને દસ દસ વર્ષ મારે ઘેર મેં પોતે આવતા જોયા છે. એ અસીલોના દીકરાઓને મારા ઘેર આવતા જોયા છે. શબ્દોની પ્રચુરતા મૂળ સત્યને ઢાંકી દેવાનું કામ કરતી હોય છે. જુઓ કચેરીઓમાં ફાઈલોના ઢગલા ખડકાયા છે. સરકાર પણ કમિશન ઉપર કમિશન બેસાડવામાં માહેર છે, એમ નિર્ણયો પાછાં ઠેલાઈ જાય છે. ભોપાલ કાંડનો ચૂકાદો ત્રીસ વર્ષે આપશે ત્યાં સુધીમાં ગુનેગારો દેવલોક પામી ગયા હશે.

આપણી પુનરાવર્તન શક્તિ અને એના માટેની સહનશક્તિ અમાપ છે. સાચી વાત છે કે આપણી પ્રાચીન સંસ્કૃતિ પેપરલેસ હતી. લખવાનું હતું નહિ. માટે એકની એક વસ્તુ રટણ કરીને શાસ્ત્રો યાદ રાખ્યા છે. પણ હજુ આપણે તે ટેવ છોડતા નથી. આપણે સૂત્રો પોપટની જેમ રટે જઈએ છીએ. જુઓ એક માણસ લાખો વખત રામ નામ લખીને માનવ કલાકો અને કાગળનો વ્યય કરે છે. જુઓ બીજો માણસ આવી રીતે ગાયત્રી મંત્ર લખી લખીને ઢગલા ખડકે છે. રીપીટેશન રીપીટેશન અને રીપીટેશન આપણાં લોહીમાં વણાઈ ગયું છે. કોઈ વાત એક વાર કહ્યે તો સમજમાં આવતી જ નથી. જોકે અંધ વિશ્વાસ ઊભો કરવા માટે આ રીપીટેશન ટેકનિક બહુ કામ લાગે છે.

સમજો એકની એક રામ કથા કહી કહીને બાપુઓ આખી જીંદગી કાઢી નાખે છે. જ્યાં કથા ચાલતી હોય ત્યાં નિયમિત પહોચી જનારા પણ હોય છે બાપુની પાછળ પાછળ. ટીવી પર પણ એની એજ કથા. અભિનેતા અને અભિનેત્રીઓ બદલીને પછી એજ કથા ફિલ્મ મેકર્સ અને ટીવી સીરીયલ મેકર્સ ફરીથી માથે મારશે.
ફોન ઉપર જુઓ, એની એજ કથા વારંવાર સગા વહાલા કહ્યા કરશે. એકની એક વાત હજાર વખત સાંભળી ચુક્યા હોઈશું. રીપીટેશનથી આપણે કદી થાકતા જ નથી. એકાદ કલાક વાત ચાલી હોય પછી માંડ મુક્યો હોય અને ફરી આવશે કે જે કહેવાનું હતું તે તો ભૂલાઈ ગયું છે. ફોનના અડધા ઉપરના બીલો તો રીપીટેશનના ભરતા હોઈશું. ફોન ઉપર ધીમું કોણ બોલે? જેટલો દેશ દુર એટલી વધારે મોટા અવાજે લગભગ બુમો પાડીને બોલવું પડે. અમારા જયેશ ભાઈ ઉર્ફે ભલાભાઈ ઘરમાં અટ્ટહાસ્ય કરે તો ચાર ઘેર સંભળાય. અહી પણ ભારતીયોની એજ દશા છે. જૂની પેઢી કશું નવું શીખવામાં માનતી જ નથી. ફોન પર ધીમા નહિ તદ્દન ધીમા અવાજે વાતો કરવાનું નવી પેઢી પાસેથી શીખવું જોઈએ. ફેંકવામાં પણ જબરી મહારત. શબ્દોનો દુરુપયોગ કરવામાં મહારત. એક ભાઈ અમને બ્રેકમાં કહે તે સ્કુટર ઉપર ચાર સવારી અમદાવાદ થી મુંબઈ ગયેલા તે પણ ૨૦ વર્ષ પહેલા. અમે ખૂબ મજાક ઉડાવી પણ હજુ કહ્યે જાય છે.

આપણી અતિશય વાચાળતા એક મહારોગ છે.