ભૂપેન્દ્રસિંહ રાઓલ
E-mail - brsinh@live.com
+1 732 406 6937
Scranton, PA, USA.
દરેક બાળક અભિમન્યુ
દરેક બાળકમાં એક અભિમન્યુ છુપાયેલો હોય છે. અભિમન્યુની કથા આપણે જાણીએ છીએ. અભિમન્યુને એની માતાના ગર્ભમાં હતો અને શ્રી કૃષ્ણે એને સાત કોઠાનું યુદ્ધ કઈ રીતે જીતવું તે શીખવ્યું હતું. એટલે હું અહિ અભિમન્યુની કથા કહેવાનો નથી. અને પુરાણ કથાઓ સાચી હોય કે ખોટી એની પળોજણ ખાસ કરવા જેવી નથી. પણ દરેક બાળક ગર્ભમાંથી જ શીખવાનું અભિમન્યુની જેમ શરુ કરી દેતું હોય છે તે વૈજ્ઞાનિક હકીકત છે.
બાળક ગર્ભમાં માતાના હૃદયના ધબકારા નિયમિત સાંભળતું હોય છે. એટલે જન્મ્યા પછી બાળક રડતું હોય તો એને માતા હૃદયથી લગાવે એટલે પેલાં ધબકારાનું લયબદ્ધ સંગીત એના સ્મૃતિપટલ ઉપર ઊપસી આવે છે અને શાંત થઈ જાય છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે તાજાં જન્મેલા બાળકોમાં ધ્વનિ અને દ્ગશ્ય વિષે સાથે એની પ્રતિક્રિયા વિષે જાણકારી ઓછી હોય છે. પણ ૧૯૮૦મા શરુ થયેલા નવા અભ્યાસ અગાઉની માન્યતાને પડકારે છે. પાંચ મહિનાનું બાળક પડદા પાછળ રહેલી વસ્તુને ઓળખી શકે છે.
સંશોધન વખતે એક પડકાર એવો ઊભો થાય છે કે નાના બાળકોને કોઈ પ્રશ્નપત્ર આપીને કે પૂછીને કશું જાણી શકો નહિ કેમ કે એમની ભાષાની ક્ષમતા હજુ વિકસવાની બાકી છે. એટલે તમારે અભિનયની ભાષા બોલવી પડે અને એનું રીએક્શન બાળક પાસેથી કેવું મળે તે ઉપરથી એની બુદ્ધિમત્તાનો ક્યાસ કાઢી શકો.
તાજાં જન્મેલા બાળકો નકલચી હોય છે. દરેક બાળક જોઇને શીખતું હોય છે, સાંભળીને શીખતું હોય છે. સાંભળીને બોલતા શીખતું હોય છે. જે બાળક જન્મથી બહેરું હોય તે સ્વર તંત્ર સારું હોવા છતાં બોલતા શીખતું નથી. આપણી શારીરિક હલનચલન એક રીતે બ્રેનના વિચારવાની પ્રક્રિયાના ભાગરૂપે હોય છે. બીજા માનવીની હલનચલન આપણને એક રીતે તેવું કરવા પ્રેરતી હોય છે. પણ તાજાં જન્મેલા બાળકો સીધા નકલચી હોતા નથી. નકલમાં અક્કલ પણ વાપરતા હોય છે.
જર્મન બેબી કરતા ફ્રેંચ બેબી જુદી રીતે રડતા હોય છે. જર્મન બેબી descending pitch સાથે રડતા હોય છે અને ફ્રેંચ બેબીની રડવાની pitch ascending હોય છે અને અંતમાં થોડી descending હોય છે. એટલે કે ફ્રેંચ બેબી આરોહ અને જર્મન બેબી અવરોહમાં રડતું હોય છે, તેવો એક સ્ટડી ૨૦૦૯નાં સાયન્ટિનફિક જનરલ કરન્ટ બાયોલોજીમાં નોંધાયેલો.
મૂળ કારણ એ છે કે ફ્રેંચ લોકોની બોલચાલની ભાષાના ઉચ્ચારની રૂપરેખા આરોહમાં હોય છે અને જર્મન ભાષાના લય જરા અવરોહમાં હોય છે. એનો મતલબ એ થાય કે ભાષા સમજવાની ક્ષમતા ઘણી પહેલાથી બાળકમાં હોય છે, સંશોધકોના કહેવા પ્રમાણે બાળક ગર્ભમાં છેલ્લા મહિનામાં આસપાસના અવાજના લય પચાવવાનું શીખી રહ્યું હોય છે. એટલે બહારની દુનિયામાં આવતા તરત એના રડવામાં આ લયની નકલ આવી જાય છે. બાળક છ થી અઢાર મહિનામાં એની માતૃભાષા પ્રત્યે જાગૃત થઈ જાય છે તેવું મનાય છે.
જ્ઞાન શું છે ? શું માનવ જ્ઞાન સાથે લઈને જન્મે છે ? કે પછી દુનિયા સાથે થયેલા અનુભવો થકી, એના વિશ્લેષણ થકી જ્ઞાન પ્રાપ્ત થાય છે ? પણ કોઈ નચિકેતા ચાર વર્ષનો હોય અને તેના જ્ઞાની ઋષિ પિતાને વસૂકી ગયેલી ગાયો દાન આપતી વખતે એવા સવાલો કરે કે બાપ છક્કડ ખાઈ જાય અને શ્રાપ આપીને યમને સોંપી દે ત્યારે ? યમ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરીને આવે તે પહેલાનું બાપને વિસ્મય પમાડતું જ્ઞાન આવ્યું ક્યાંથી ? કોઈ મોજાર્ટ એની પહેલી સિમ્ફની ચાર વર્ષે રચે ત્યારે ?
Babies also are born amateur psychologists. તેઓ આજુબાજુના ચહેરા જુએ છે, એમને સમજે છે, એનું વિશ્લેષણ કરે છે અને માહિતી ભેગી કરે છે. આ બધું નૉલેજ અડપ્ટિવ હોય છે. ઇવલૂશન આપણાં બ્રેનમાં અમુક નૉલેજ સમાવીને જ મોકલતું હોય છે. ૧૫ વર્ષ પહેલા કોઈ માની શકતું નહોતું કે બાળકો અંક અને ગણવાની જાણકારી લઈને જન્મે છે. એવું મનાતું કે શ્વાસ લેવો, ખાવું અને રડવું એ સિવાય એને શું આવડે ?
નંબર એટલે આંકડાનો કૉન્સેપ્ટ અશક્ય છે ભાષાની ક્ષમતા વગર. નંબર એટલાં abstract છે કે એવા જ abstract કોડ જેવા કે ભાષા વગર એને દર્શાવી ના શકો. એટલે એવું માનવામાં આવતું કે બાળકો નંબર ઓળખી શકે નહિ. પણ છેલ્લા સંશોધન મુજબ બાળકો નંબર પ્રત્યે કોમલ સદભાવના લઈને જન્મતા હોય છે. સામાન્ય ૧+૧=૨ અને ૫+૫=૧૦ જેવું સામાન્ય અંકગણિત પણ જાણતા હોય છે અને બહુ સંખ્યક અને અલ્પ સંખ્યક શું છે તે પણ સમજી શકતા હોય છે. કારણ કુદરતમાં ગણિત સમાયેલું હોય છે. સાપને ખબર હોય છે કે કયા એન્ગલથી અને કેટલી ઝડપથી તરાપ મારીશ તો ઉંદર પકડાઈ જશે. ઘુવડને ખબર હોય છે કે ઉંદરના હલનચલનનો અવાજ કેટલી ગતિથી અને કયા ખૂણેથી કેટલી ઝડપે કાન સુધી આવ્યો છે અને પોતે કેટલી ઝડપે એનો પીછો કરશે તેના ઉપર એના ખોરાકની શક્યતા છે.
It’s no wonder that that Mother Nature has built an understanding of number into our brains.
બાળકો સ્માર્ટ હોય છે કેમકે તેઓ જીવન શરુ કરી શકે તેટલું જ્ઞાન લઈને જન્મતા હોય છે, જેવી રીતે ફેંફસા અને હાર્ટ સાથે લઈને જન્મતા હોય છે.
જે બાળકના માતાપિતા જુદી જુદી ભાષા બોલતા હોય જેમ કે પિતા હિન્દી ભાષી હોય અને માતા ગુજરાતી હોય કે સમજો હિન્દી કરતા સાવ જ અલગ કોઈ દક્ષિણ ભારતીય ભાષા હોય છતાં બાળકને બંને ભાષા શીખતા કોઈ ફરક પડતો નથી. જેટલી ઝડપથી એક ભાષા બોલતા માતાપિતાની ભાષા બાળક શીખે છે તેટલી ઝડપથી બે જુદી જુદી ભાષા બોલતા માતાપિતાની બંને ભાષા બાળક શીખી લેતું હોય છે. આપણને બે ભાષા શીખવી હોય તો ફાંફાં પડી જતા હોય છે. નાનપણમાં જેટલી શીખાય તેટલી ભાષા શીખી લેવી સારી.
આજનું બાળક ભવિષ્યમાં ઉમદા વ્યકિતત્વ ખીલવી શકે તેવો ચાન્સ આજની ઉછેર પધ્ધતિએ છીનવી લીધો છે. નવું રિસર્ચ કહે છે કે આજનો અને ખાસ તો પશ્ચિમના જગતનો બાળ ઉછેર બાળકોને અસહીષ્ણું બનાવે છે. બાળકોમાં પ્રેમ કરુણા અને સહન કરવાની વૃત્તિ ઓછી થતી જાય છે.
Darcia Narvaez, કહે છે બાળકોને આપણાં hunter-gatherer પૂર્વજોની જેમ ઉછેરવા જોઈએ. આદિ માનવો આજના મનુષ્યો જેટલાં હિંસક નહોતા. જરૂર વગર હિંસા કરતા નહિ. બધું વહેંચીને ખાતા. હજુ પણ બ્રાઝીલના જંગલોમાં આવા આદિમ જાતિના લોકો રહે છે. આવી વિલુપ્ત થતી જાતિઓને બચાવી લેવા ત્યાની સરકાર ખૂબ જહેમત કરે છે. ત્યાં જવાની મનાઈ છે. આવી જાતિઓના અભ્યાસ પછી લેટેસ્ટ રિસર્ચ કહે છે બાળકોને ગુફાવાસી અને આદિ માનવો જેમ ઉછેરતા હતા તેમ ઉછેરો.
તાજાં જન્મેલા બાળકોને સતત સ્પર્શની જરૂર હોય છે. એમને પંપાળો, એમની સતત કાળજી રાખવી, કાયમ હાથમાં રાખવા. સતત હૂંફની જરૂર પૂરી કરવી. જેટલાં બને તેટલા નજીક રાખવા. બાળક રડે એટલે તરત એને તેડી લેવું કે ધ્યાનમાં લેવું, બને ત્યાં સુધી રડવાનું લંબાય નહિ તે ખાસ જરૂરી છે.
બાળક અપસેટ થાય એટલે બ્રેન ટૉક્સિક કેમિકલ રિલીસ કરતું હોય છે. હૂંફ અને કાળજી એના બ્રેનને શાંત રાખે છે. બાળકને ક્વિક રિસ્પૉન્સ આપવો જરૂરી છે, માટે એક બાળક નાનું હોય સાથે બીજું બાળક થાય તે યોગ્ય નથી. સાવ નાના બાળકો લાડ કરવાથી કે ખૂબ કાળજી રાખવાથી બગડી જશે તેની ચિંતા કરશો નહિ, પાછળથી ઘણું બધું કરી શકાય છે.
પૉઝિટિવ ટચ બાળક માટે જરૂરી છે. ટપલી તો ક્યારેય મારવી નહિ. સાથે જ સુવડાવવું અને બની શકે તો ઘરના અનેક સભ્યો સહિયારી કાળજી રાખે તે ઘણું સારું. જે ભારતમાં થતું જ હોય છે. બાળકની કાળજી અને સતત હૂંફ જેટલી વધારે રખાય તેટલી કાળજી અને હૂંફ રાખવાનું બાળક પોતે પણ શીખવાનું છે. કારણ બાળક બધું આપણી પાસેથી જ શીખે છે.
બાળકનું ધ્યાન રાખ્યું હોય નહિ, એની કાળજી રાખી ના હોય, એને જરૂરી હૂંફ આપી નાં હોય પછી બાળક પણ ક્યાંથી શીખશે ? પછી એ બાળક મોટું યુવાન થાય ત્યારે એની પાસેથી અપેક્ષા રાખીએ કે તે આપણી કાળજી રાખે. ન ભૂતો ન ભવિષ્યતિ. બાળક માતાના ગર્ભમાંથી શીખવાનું શરુ કરી દેતું હોય છે તે ધ્યાનમાં રાખવું. બાળકને તરત રિસ્પૉન્સ આપીને જેટલું જલદી શાંત કરવાનું રાખશો તેટલું બાળક પોતે શાંત થતા અને મોટા થઈને બીજાને શાંત કરવાનું શીખશે.
૨ થી ૫ વર્ષ સુધી બાળકોને માતાના દૂધ ઉપર રાખવા ખાસ જરૂરી છે. ૬ વર્ષ સુધી બાળકની પોતાની ઇમ્યૂન સિસ્ટમ પુરેપુરી ખીલી હોતી નથી. માતાનું દૂધ બાળક માટે ઇમ્યૂન સિસ્ટમ છે જે તેને રોગોથી દુર રાખે છે. એક વર્ષ સુધી બાળકને ધવડાવતી હોય તેવી માતાઓ હાલ ફક્ત ૧૫ ટકા જ છે. World Health Organization બાળકને ૨ વર્ષ સુધી માતાના દૂધ ઉપર રાખવાનું સૂચવે છે.
માતાનું દૂધ પીતી વખતે બાળક એની જીભ વડે પ્રેશર આપે છે જેથી વધુ દૂધ બહાર આવે, અને બૉટલનું દૂધ પીતી વખતે બાળક તેની જીભનો ઉપયોગ દૂધના ફૉર્સને અટકાવવા માટે કરે છે. જે હૉર્મોન્સ માતાના ધાવણને ઝરવા માટે કારણરૂપ હોય છે તે જ હૉર્મોન્સ બાળકને માટે નૅચરલ tranquilizer ની ગરજ સારે છે જે બાળકને મૃદુ, કોમલ બનાવે છે અને બાળકના સ્ટ્રેસને દુર કરે છે. હે જગતની તમામ માતાઓ તમારા બાળકને માંડ ફક્ત છ મહિના ધવડાવીને બોટલ પર ચડાવી દીધું હોય તો તે મોટું થઈને તમારું માન સન્માન જાળવશે અને કાળજી રાખશે તેવી વધુ પડતી આશા રાખશો નહિ. કારણ ધવડાવતી વખતે પ્રેમ અને વિશ્વાસનું જનક સામાજિક બૉન્ડીંગ વધારતું ન્યુરોકેમિકલ ઑક્સિટોસીન બ્રેનમાં છૂટીને બાળક અને માતા વચ્ચે જે ફૅવિકોલ જેવા ભાવનાત્મક જોડાણનો રાજમાર્ગ બનાવે છે તે તમે બનાવ્યો જ નથી.
જ્યાં સુધી બાળકનો જન્મ કુદરતી રીતે થાય તેટલું સારું. માતાએ થોડી સહન શક્તિ અને ધીરજ જાળવવી પડે. ડિલિવરી નૅચરલ થાય તે ઘણું સારું. લેઇબર અને ડિલિવરી સમયે “Love hormones ” જેવા કે ઑક્સિટોસિનનો સ્ત્રાવ થાય છે તેમાં આજના મેડિકલ ઉપાયો , દવાઓ, પેએન કિલર બાધારૂપ બને છે, અને બાળક અને માતા વચ્ચે જે જરૂરી આત્મિક જોડાણ જોઈએ તેમાં બાધારૂપ બને છે. આ હૉર્મોન્સ માતાને શક્તિ અર્પતા હોય છે અને બાળકના પાલન પોષણ માટે ઉત્તેજે છે.
દરેક બાળક અભિમન્યુ(genius) હોય છે તેનો જબરદસ્ત વૈજ્ઞાનિક પુરાવો આધુનિક બ્રેન ઇમૅજિંગ ટેકનૉલોજિએ(magnetoencephalography machine) આપ્યો છે. બાળકમાં ભાષાની ઇમારત ચણવાની અને તેને વાંચવાની ક્ષમતા માટે ૧૦૦ બિલ્યન ન્યુરૉન્સ રૅડિ-મેડ હોય છે. વાતચીત, વ્યાકરણ, વાંચન, માટે જે એરિઅ બ્રેનના સંલગ્ન હોય છે તેની સાથે સાંભળવાના અને સમજવાના એરિઅ વચ્ચે કનેક્શન રૂપે ન્યુઅરલ ટ્રૅક હોય છે તેની ઇમિજ નવ મહિનાના બાળકનું બ્રેન સ્કૅન કરતા મળી છે.
બાળક બોલતું થાય તે પહેલા વાંચવાનો ટ્રાય કરતું જોવા મળે ત્યારે સમજવું કે એના ન્યુરૉન્સ બહુ મોટું કામ કરી રહ્યા છે. જ્યારે તમે બાળક સાથે વાતો કરો અથવા કશું વાંચી સંભળાવો ત્યારે એના પેલાં ન્યુઅરલ ટ્રૅકના વાઇટ મૅટરમાં વધારો કરી રહ્યા હોવ છો. ચાર થી છ વર્ષના બાળકને વાંચવાનું શીખવવા માંડીએ પાછળથી ઉત્તમ પુરવાર થાય છે. પણ ફૉર્સ કરીને વાંચવાનું શીખવાની કોઈ જરૂર નથી.
કહેવાય છે આંખો આત્માની બારી છે, પણ અભિમન્યુ બાળકોનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બાળકની આંખો એના બ્રેનની બારી છે. બાળકોની વર્તણૂક નાટકીય હોતી નથી. બાળકો એક વસ્તુ કરી શકે છે તેઓ કોઈ વસ્તુ એમને નવી લાગે કે રસ પડે તો જુએ છે, પણ જોઈને બોર થઈ જાય તરત આંખો ફેરવી લેશે. આને habituation કહે છે. એમની આ ટેવનો ઉપયોગ મનોવૈજ્ઞાનિકોને અભ્યાસ કરવામાં કામ લાગે છે.
આમ બાળક સુવાનું, ખાવાનું અને ડાયપર પલાળવા સિવાય બીજા ખાસ કામ કરતું નથી. છતાં એનું બ્રેન ન્યુરૉન્સનો વિકાસ કરતું હોય છે અને દુનિયાને ઓળખવાનું કામ ચાલુ જ હોય છે. એક પ્રયોગ મુજબ છ મહિનાના બાળકોને એક જ race અને gender ધરાવતી વ્યક્તિઓના જુદા જુદા ફોટા બતાવ્યા. ચાર ફોટા જોયા પછી બાળકો habituate થવા લાગ્યા. એમનું ધ્યાન ડોલવા લાગ્યું. પછી એક જ gender પણ જુદી race ધરાવતી વ્યક્તિઓના ફોટા બતાવ્યા. વળી પાછી એક race અને જુદી gender ધરાવતી વ્યક્તિઓના ફોટા બતાવ્યા. આમ અલગ અલગ રીતે ફોટા બતાવ્યા.
વૈજ્ઞાનિકોનું માનવું હતું કે બાળકો રેસ અને જેન્ડરની નોંધ લેશે તો gender જુદી પડતા કે race જુદી પડતા બાળકો ફોટા જોવામાં રસ લેશે. અને રેસ અને જેન્ડરની નોંધ નહિ લેતો ફોટા જોવામાં રસ બતાવશે નહીં અને નજર ફેરવી લેશે. પણ બાળકોએ દરેક વખતે રસ બતાવ્યો ફોટા જોવામાં. પણ એક નવી વાત ધ્યાનમાં આવી કે આ બાળકો પોતાની રેસ ધરાવતી વ્યક્તિઓના ફોટા જોવામાં કંટાળી જતા હતા અને ધ્યાનભંગ થતા હતા. જ્યારે જુદી રેસના ફોટા જોવામાં રસ જતાવતાં હતા.
એક વર્ષના બાળકોમાં આવો પ્રયોગ કરતા જેન્ડર વિષે બાળકોને સૂચવવામાં આવતું, પણ રેસ વિષે ઇશારો કરવામાં આવતો નહોતો ત્યાં બાળકોએ જેન્ડર વિષે વધુ રસ બતાવ્યો અને રેસ વિષે રસ બતાવ્યો નહિ. મતલબ એવો નીકળે છે કે બાળકો ઉપર સામાજિક અને આસપાસના વાતાવરણની ખાસ અસર પડતી હોય છે. એમના કાળજી રાખનારનાં વિચારો, વહેવાર અને વર્તણૂકની ખાસ અસર પડતી હોય છે.
બાળક એક દિવસનું હોય કે એક વર્ષનું જેવું તમે શીખવશો કે જેવી વર્તણૂક કરશો તેવું શીખશે. તો જે તમને યોગ્ય લાગતું ના હોય તે બાળકની હાજરીમાં કરશો નહિ ભલે બાળક એક દિવસનું હોય કે એક વર્ષનું.
ખૂબ વાતો, ખૂબ વાતો કરો બાળક ભલે આજે જ જન્મ્યું હોય. એની સાથે કાલીઘેલી તમામ વાતો કરો એનું શબ્દ ભંડોળ આમ જ વધશે. વિષય કોઈ પણ હોય તેનો સવાલ નથી, સવાલ છે ભાષાનો. જ્યારે બાળક તમારી આંખો સામે જુએ ત્યારે તે કોઈ રિઍક્શન માંગે છે. ત્યારે વાત કરો આંખોના ભવા ઊંચાનીચા કરો, જીભડો બહાર કાઢી આશ્ચર્ય વ્યક્ત કરો. બાળક પાસે વાતાવરણ કંટ્રોલ કરવા માટે બહુ રસ્તા હોતા નથી, એમાંનો એક છે ટીકીને સામે જોવું. હવે તે સામું જોવાનું બંધ કરે તો પરાણે એનું ધ્યાન ખેંચવા પ્રયત્ન કરવો નહિ. ઇશારા સમજ લેના. રાહ જુઓ, ધીરજ ધરો ફરી જોશે તમારી તરફ.
બાળક રડે કે તરત ઊચકી લો. અભ્યાસ ઉપર અભ્યાસ અને સંશોધન ઉપર સંશોધન જણાવે છે કે બાળકના રડવાના અવાજ જેવો બીજો કોઈ અવાજ અપવર્તી છે નહિ. શા માટે બાળકને ચુપ રહે તેવું કહેવું જોઈએ ? ઉત્ક્રાંતિએ આપણી ડિઝાઇન બનાવી છે રડતા બાળકને ઊચકી લેવા માટે, અને બાળકની ડિઝાઇન બનાવી છે રડવા માટે જ્યારે એને આપણી જરૂર હોય છે. The faster you pick up an infant, the more independent toddlers they become.