સ્મૃતિયર્વણા Bhupendrasinh Raol દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્મૃતિયર્વણા

ભૂપેન્દ્રસિંહ રાઓલ

E-mail - brsinh@live.com

+1 732 406 6937

Scranton, PA, USA.

૨)સ્મૃતિયર્વણા

આધુનિક સમાજને જ્યારે ઘણા બધા ધર્મોનાં નગારા જોરશોરથી સાંભળવાના હોય અને એમના ધર્મ ઝનૂનને વેઠવાનાં હોય ત્યારે એના વિષે વિચારવું અને મનન કરવું જરૂરી છે. હિન્દુઓની આત્મા, પુનર્જન્મ અને મુક્તિની માન્યતાઓ બીજા ધર્મો સ્વીકારતા નથી. અરે ધર્મની પોતાની જ વ્યાખ્યા કરવી મુશ્કેલ છે. ધાર્મિક સંપ્રદાય, કોઈ વ્યક્તિ કે વસ્તુ વિષે પૂજ્યભાવ -ની પૂજા, ધર્મપ્રણાલી વગેરેના અગણિત સરોવરમાંથી કયા સરોવરમાં ડૂબકી મારવી તે નક્કી કરવું મુશ્કેલ છે. મુખ્ય ધર્મો વચ્ચે મૂળભૂત સિદ્ધાંતોમાં ઘણો બધો ફરક હોય છે જેનો અભ્યાસ કરવો જોઈએ. કયો ધર્મ સાચો છે તે નક્કી કરવાનો કોઈ સચોટ રસ્તો જ નથી. પછી તો માની લેવું કે આપણને જે વારસામાં મળ્યો તે જ સાચો? ધર્મ વ્યક્તિગત માનસિક જરૂરિયાતો પૂરી કરતો હોય છે, પણ આધુનિક માનવને ખૂબ મુશ્કેલી પડતી હોય છે ધર્મોની જૂની માન્યતાઓમાં વિશ્વાસ ધરાવતા. ધર્મોએ પણ ઉત્ક્રાન્તિના, વિકાસના ક્રમમાં વિકાસ કરવો પડે, પણ ધર્મો વિકસતા નથી. એમને એમને જૂની માન્યતાઓ બહુ સારી લાગતી હોય છે. માનવી ઉત્તરોત્તર પ્રગતિ કરતો જતો હોય છે. વિજ્ઞાન પ્રગતિ કરતું જતું હોય છે. વિજ્ઞાન એની જૂની માન્યતાઓ ફેંકી દેતા વાર લગાડતું નથી. જ્યારે ધર્મો ચુસ્તપણે વળગી રહેવામાં માનતા હોય છે. આજે આધુનિક મેડિકલ સાયન્સ, ન્યુરો સયન્સ મનોવિજ્ઞાન બ્રેઈન વિષે, ચેતન અચેતન મન વિષે, સેલ્ફ અવેયરનેસ વિષે ખૂબ સંશોધન કરી રહ્યું છે.
ક્રિશ્ચિયન અને મુસ્લિમ માને છે કે ખાલી માનવને આત્મા(SOUL) છે. બીજા પ્રાણીઓને આત્મા જેવું કશું હોતું નથી, માટે એ લોકોને ખાઈ શકાય. તેઓ આત્માનો ફરી ફરી જન્મ થાય તેવું માનતા નથી. આપણે હિંદુઓ માનીએ છીએ દરેકમાં આત્મા છે અને ફરી ફરી જન્મ થાય છે. હવે આનો અર્થ એ નથી કે આ માન્યતાઓ સાચી છે કે ખોટી. કોઈ પુરાવા છે નહિ. છતાં પ્રત્યેક હિંદુ દ્રઢપણે આશરે ૨૫૦૦ વર્ષથી તો ફરી ફરી જન્મ થાય તે માને જ છે. કોઈ તર્ક વગર એક માન્યતા એટલાં લાંબા સમયથી લોકો માનતા હોય તે એક ઐતિહાસિક ઘટના છે. હવે ધર્મોએ જે રીતે ભગવાનની કલ્પના કરી છે તેવી રીતનો હોય તેવું પણ શક્ય નથી.

ધર્મ શું છે અને શું નથી તે નક્કી કરવું પણ ખૂબ નવાઈ પમાડે તેવું છે. દુનિયામાં પાંચ મુખ્ય ધર્મો છે. હિંદુ, મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચિયન અને યહૂદી. તે સિવાય, જૈન, શીખ, તાઓ, શિન્ટો, બહાઈ અને બીજા ઘણા બધા. આ સાથે ઘણા બધા અગણિત કહી શકાય તેટલા પંથો સંપ્રદાયો છે. અમુકને ભગવાન સાથે સીધું હોટ લાઈન જોડાણ હોય છે. જેમકે ચાર્લ્સ મેન્સન યુ.એસમાં અને ઓમ જાપાનમાં. પોતાને સનાતન હિંદુ ધર્મનો ઝંડો લહેરાવતા કહેતા ૨૫૦૦૦ કરતા વધુ કલ્ટ તો ભારતમાં જ છે. દરેકની માન્યતાઓ અલગ, આચારવિચાર અલગ. અરે એક જ કલ્ટ સ્વામીનારાયણમાં પણ ચાર ચાર ફાંટાં અને બીજા પડતા જ જાય છે તે વધારામાં. મૂળ સહજાનંદ સ્વામી બ્રહ્મચારી હતા. એમના વારસો હાલ ગાદીપતિ છે તે શાદીશુદા હોય છે. એમાંથી અલગ પડેલા સંતો વળી પાછા સ્ત્રીઓના મુખ પણ જોતા નથી. ખાનગીમાં સ્ત્રીઓના પગની પાનીઓ ચાટતા હોય તે અલગ વાત છે.

વલ્લભાચાર્યના તો દરેક વારસો પોતે શ્રી કૃષ્ણ. વિચારો હાલ કેટલા બધા શ્રી કૃષ્ણ ભારતમાં વિચરતા હશે? રાસલીલાઓ રમતા હશે? હું, અશોકભાઈ, ધવલભાઈ બધા ખોટી માથાકૂટ રાધા અને કૃષ્ણ વિષે કરતા હતા કોઈ બાવાશ્રીને પૂછી લેવાનું હતું કે સત્ય શું છે? આટલાં બધા શ્રી કૃષ્ણો અહી વિરાજમાન હોય ને વિવાદ કરવા? પ્રમુખસ્વામીના ભક્તો વળી એમને પ્રગટ બ્રહ્મ કહે છે. વૈજ્ઞાનિકો ખોટી માથાફોડ કરે છે બિંગ બેંગ વિષે અને યુનિવર્સની રચના વિષે એમને જ પૂછી લેવાય. પણ બીમાર પડે તો તેઓશ્રીએ પણ ડૉક્ટરની સેવા લેવી પડે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે નરસૈયો એમ જ તો નહિ કહી ગયો હોય ને? શું આ બધા ધર્મો છે??? કયા પાયા ઉપર? તો ધર્મ શું છે?

ક્રિશ્ચિયાનિટી અને ઇસ્લામ લાંબો સમય સુષુપ્ત રહ્યા પછી પ્રકાશમાં આવ્યા. જૈન ધર્મના ફોલોઅર્સ બહુ ઓછા છે. બૌદ્ધ ધર્મ ખૂબ ઝડપથી વિકસ્યો અને ઠંડો પડી ગયો. ઘણા ધર્મો પેદા થયા પણ થોડાક બચ્યા. એક સંપ્રદાયને પુષ્કળ ફોલોઅર્સ મળે છે પછી તે ખુદ એક ધર્મ બની જતા હોય છે. ધર્મ જન્મે છે, એનો એક લાંબો જીવનકાળ હોય છે અંતે મૃતપાય થઈ જતા હોય છે. એક મસીહા વસંત ઋતુના ફૂલની જેમ ખીલે છે, પછી એને ખૂબ ભક્તો મળે છે, મસીહાની માન્યતાઓ પૂરી કરવા ઝનૂની બની લોહી રેડવા તૈયાર હોય છે. કાલાંતરે ધર્મઝનૂની બની જતા હોય છે. ત્યાં પછી બીજા ધર્મ માનનાર માટે કોઈ દયા ભાવ હોતો નથી. ઝનૂની ધર્મોની માન્યતાઓ અને ધર્મોની ઝનૂની માન્યતાઓને સમજવી જોઈએ. એક પાગલ અસંગત માન્યતા જુઓ, નૉર્થ અમેરિકાનો ક્રિશ્ચિયાનિટીનો એક Mormons પંથ જોસેફ સ્મિથે સ્થાપેલો, એને દેવદૂત Moroni જાતે મળેલા. બહુસ્ત્રીગામી, શ્વેત લોકો શ્રેષ્ઠ છે, અને ક્રાઇસ્ટનાં નામે હત્યાઓ કરવાનો હક, શું તમે માની શકો?

હિંદુ ધર્મમાં છ અલગ વિચારધારાઓ છે—-સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, અને બે મીમાંસા. આ તમામ વિચારધારાઓ પાસે ભગવાન વિષે એમનું અલગ તત્વજ્ઞાન છે. સાંખ્ય તો વળી ભગવાનનો ઇનકાર કરે છે. વળી એટલું બધો વાળનાં ભાગ કરવા જેટલો વિતંડાવાદ કે એક સુપર માઈક્રોસ્કૉપ જોઈએ એમના મતને સમજવા. ખાલી વેદાંત હાલ પ્રચલિત છે. બાકીના ખોટા છે તેવું પણ કઈ રીતે કહી શકાય? કર્તા અને ભોક્તા તરીકે આત્માની વિચારધારા પોતે વિવાદાસ્પદ છે. ખૂબ આદરણીય હિંદુ સ્કોલર એલ.એસ.જોશી કહે છે બુદ્ધિશાળી માણસ કર્મની થિયરીમાં માનતો હોય કે જેવું કર્મ કરો તેવું ફળ મળે તો પછી ૧) એક્સીડેન્ટ વિષે શું માનવું? ભોપાલમાં ગેસ દુર્ઘટના થઈ, હજારો લોકો એક સાથે મરી ગયા, શું આ તમામ લોકે સાથે પાપ કર્યા હશે? હિટલરે ૬૦ લાખ યહૂદીઓને એક સાથે મારી નાખ્યા, નાના બાળકોને પણ છોડ્યા નહોતા. એમના શું કર્મ હતા? ૨) મરણ પછી શ્રાદ્ધની શું જરૂર? ૩) પશ્ચાતાપ શું કામનો? ચાલો ફરી ભૂલ ના કરીએ પણ કર્મ માફ થઈ જાય તેવું કહેવાય છે . ૪) જો ભગવાનમાં માનતા હોય તો કર્મનો નિયમ શું કામનો? કેમકે ભગવાનની પ્રાર્થના કરો, દયા મેળવો અને નિયમમાંથી છુટકારો. આમ કર્મનો નિયમ ખુદ એક તુક્કા કે તરંગ જેવો સાબિત થાય છે. સંચિત કર્મો કઈ સંદૂકમાં કે બૅન્કમાં જમા થતા હશે?

હીરાભાઈ ઠક્કરે કર્મનો નિયમ નામની બેસ્ટ સેલર બુક લખી છે. એમાંથી એક દાખલો કહું. એક ખૂનીને સબળ પુરાવારૂપે ફાંસીની સજા ન્યાયાધીશે આપી. ન્યાયાધીશ જાણતાં હતા કે આ માણસ ખૂની નથી. કારણ જ્યારે ખૂન થયેલું તે એકાંત જગ્યાએ સવારમાં ન્યાયાધીશ પોતે લોટે જવા મતલબ સંડાસ કરવા ખુલ્લામાં ગયેલા. એમણે ખૂનીને જોયેલો. હવે પોલીસે બીજાને પકડીને સબળ પુરાવા રજૂ કરેલા એ ન્યાયે આ ન્યાયાધીશ જાણતા હોય છતાં કે આ માણસ ખૂની નથી, એને ફાંસીની સજા આપે છે. પછી ચેમ્બરમાં બોલાવી એને પૂછે છે કે હું જાણું છું તું નિર્દોષ છે છતાં પુરાવા સબળ છે માટે મારે તને ફાંસીની સજા આપવી પડે છે તે કોઈ ભૂતકાળમાં એવું કર્મ કરેલું? પેલો કહે છે એણે ભૂતકાળમાં એક ખૂન કરેલું. બસ ન્યાયાધીશને સંતોષ થઈ જાય છે. પહેલા બચી ગયેલો પણ આ વખતે જુના સંચિત કર્મનો હિસાબ મળી ગયો. મેં ટૂંકમાં મારા શબ્દોમાં હિરાભાઈની વાર્તા લખી છે. બીજા મિત્રોએ જેણે આ બુક વાંચી હોય એણે ખબર હશે. આખી વાર્તા હમ્બગ, જૂઠી લાગે છે. હીરાભાઈનાં ફળદ્રુપ ભેજાની પેદાશ લાગે છે. અમદાવાદમાં ન્યાયાધીશ સવારમાં કોતરોમાં સંડાસ જવા જાય લોટો લઈને?? પછી ત્યાં એમની રૂબરૂમાં ખૂન થાય તો લોટો લઈને પેલાંના માથામાં પછાડી શકાય. ચાલો ડરપોક હોય તો જવાદો વાત. પણ ખૂન થયા પછી પોલીસ કેમ ના બોલાવી? ગુપચુપ ચાલ્યા ગયા? પછી પોલીસ સ્ટેશને જઈને ખબર આપી કે નહિ? એક ન્યાયાધીશ થઈને ફરજ કેમ ચૂકે? પોલીસને જાણ કેમ ના કરે? એમને ખબર છે કે અસલી ખૂની બીજો છે તો કેસ બીજા ન્યાયાધીશની કોર્ટમાં ટ્રાન્સ્ફર કરી પોતે સાક્ષી કેમ ના બન્યા? નજરે જોનાર સાક્ષી હતા. એક નિયમ જે પોતાનામાં ખરો ઊતરતો નથી તેને સાચો સાબિત કરવા આપણાં ફિલસૂફ મનગડન્ત વાર્તાઓ બનાવી કાઢે છે. આ પુસ્તક વળી બેસ્ટ સેલર છે. મારા ઘરે પણ હતું. આવા તો કેટલાય પુસ્તકો હશે.

બધા ધર્મો વચ્ચે મૂળભૂત અને જેન્યુઈન ભેદભાવ હોય છે. આચરણમાં પણ ખૂબ ભેદ હોય છે. ખાલી સમાનતા હોય તો નીતિમત્તા, સદાચરણ વિષે. મોરલ કમાંડ સિવાય પ્રાણીઓ સાથે વર્તન, સેક્સ, પશ્ચાતાપનું મહત્વ અને બીજા ઘણા બધા વિષયો વચ્ચે ખૂબ ફેરફાર જોવા જોવા મળતો હોય છે. સદાચારની વાતો તો એથીક્સ કહેવાય કે નહિ? ઇસ્લામ મૂર્તિભંજક છે, હિંદુ મૂર્તિપૂજક, પરમાત્મા વિષે, આત્મા, પુનર્જન્મ, અહિંસા, એવા ઘણા બધા તદ્દન ભિન્ન માન્યતાઓ ધર્મો વચ્ચે છે. જીસસના પ્રભુ પ્રેમના દેવતા છે, અલ્લાહ શિક્ષા કરનારા તો વળી બ્રહ્મા કશું કરતા નથી ખાલી દેખરેખ રાખે. ક્રિશ્ચિયન કહેશે જીસસ પ્રભુના પુત્ર છે, જરા યહૂદીને પૂછી જુઓ. હિંદુ કહેશે બીફ ખાવું પાપ છે બીજાને પૂછી જુઓ. અરે પ્રાચીન હિંદુ બીફ ખાતા અને આજે?

જુઓ ધર્મો તર્કહીન, બુદ્ધિહીન, સૂઝસમજવિહોણા વિચારો જેવા કે અપરાધભાવ, અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા વગેરેને પ્રોત્સાહિત કરતા હોય છે. ગુરુ હોય પયગમ્બર કે એમના શાસ્ત્રો પવિત્ર ગ્રંથો હોય એમને ખાલી વિશ્વાસના સહારે માનવા પડે. કોઈ લોજિક હોય કે ના હોય, બસ વિશ્વાસ રાખો. ધર્મો તર્કહીન કર્મકાંડોને અમલમાં મુકાવતા હોય છે. ધર્મો ધન જેવા છે. ધન ભાગલા પડાવે. કહેવાતું ભલે હશે કે ધર્મ જોડે છે. હા જોડવાનું કામ પણ કરતા હોય છે, એક ધર્મ કે સંપ્રદાયને માનવાવાળા લોકો વચ્ચે. પણ મોટાભાગે ધર્મોએ માનવ માનવ વચ્ચે ભાગલા વધુ પડાવ્યા હશે જોડવાને બદલે. એક જ ગુરુ કે પયગંબરના અનુયાયીઓ વચ્ચે એકતા પણ બીજા માટે? જુદા જુદા ધર્મો વચ્ચે તો વિરોધ હોય, સ્વાભાવિક છે. અરે એક જ ધર્મના ફાંટાં અને સંપ્રદાયો વચ્ચે પણ એના માનનારા એકબીજાના દુશ્મન હોય છે. સવાલ અગી ધર્મનો રહેતો નથી, ગુરુનું વ્યક્તિત્વ, પૈસો અને પ્રોપર્ટીનો સવાલ હોય છે. હમણાં એક બહેન કહેતા હતા કે એમના પતિદેવ વડતાલ સ્વામિનારાયણમાં માને છે, હવે તેમાં પણ બે ભાગ પડી ગયા છે, પણ બાપ્સ વાળાને ખૂબ ગાળો ભાંડે છે. સંપ્રદાયો તો ખરા, એમાં વળી પેટા સંપ્રદાય.

દરેક ધર્મ ચુસ્ત રીતે માનતા હોય છે કે પોતે એકલાં જ સત્ય ધરાવે છે. સત્યનો ઇજારો એકલાં એમની પાસે હોય છે, બીજા જૂઠા હોય છે. ભલે આપણે સૂત્રો લખીએ કે સત્ય એકજ છે પણ વિદ્વાનોએ જુદીજુદી રીતે કહ્યું છે , તો ઝગડો શેનો છે? ચોપડે ચીતરવામાં આવા વાક્યો બહુ સારા લાગતા હોય છે, કોઈ માને છે ખરું? જો બધા ધર્મોના ફોલોઅર્સ આવું માને તો કોઈ ઝગડો જ ના રહે. પણ આવું કોઈ માનતું નથી. દરેકને પોતાનો ધર્મ જ સત્ય લાગતો હોય છે. મહાન વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે ખ્રિસ્તી ધર્મના એક પેટા સંપ્રદાયમાં(Sandemanians) માનતા હતા. આ લોકો પ્રમાણિકપણે માનતા હોય છે કે સત્યના દ્વારની ચાવી ફક્ત આ લોકો પાસે જ હોય છે અને સ્વર્ગના દરવાજા ખાલી આ લોકો માટે જ ખૂલતા હોય છે.

એક નોંધવા જેવું સત્ય કે રાજકીય મદદ વગર ધર્મો ફેલાતા નથી. રોમન સમ્રાટ Constantine, ખ્રિસ્તી ધર્મને બાથમાં લીધો(Edith of Milan in 313 A.D.)ત્યાર પછી ખ્રિસ્તી ધર્મે જબરદસ્ત છલાંગ લગાવી. મક્કાની કુરેશ જાતિને મહમંદે હરાવી નહિ ત્યાં સુધી એમનો ધર્મ ફેલાવવો મુશ્કેલ હતો. તાકાતવર ખાલીફાઓની તલવારના જોરે ઇસ્લામ ફેલાયો છે. મૌર્ય સમ્રાટ બિન્દુસાર શ્રેણિકના સહકાર વગર જૈન અને બૌદ્ધ ધર્મનો ફેલાવો મુશ્કેલ હતો. ગુરુ ગોવિંદસિંહે એમના શિષ્યોમાં સૈનીકબળ દાખલ કર્યું, લડાયક બળ ઉમેર્યું ત્યારે આજે શીખ ધર્મ ઊભો રહી શક્યો છે. આર્યોનો રાજા મહાબળવાન ગણાતો ઇન્દ્ર હતો, જયારે રામ અને કૃષ્ણ પોતે રાજાઓ હતા. કોઈપણ ધર્મ એની શરૂઆતના સમયમાં રાજ્ય અને રાજાના સહકાર વગર ટકવો મુશ્કેલ છે. કોઈ પણ ધર્મ જુઓ ધર્મના નામે ખૂબ હિંસા થઈ છે. ક્રિશ્ચિયાનિટી પ્રેમની વાતો કરશે, પણ એના નામે અનેક હત્યાકાંડો ચડેલા છે. ઘણા દેશોમાં પથ્થર મારી મારીને મારી નાખવાની પ્રથા હજુ આજે પણ ચાલે છે. હિટલર લાખોમાં કરોડોમાં એક પાકતો હોય છે અને તાલીબાનો પણ ખૂબ ઓછા હશે. પણ એથી કાઈ ધર્મની જવાબદારી શું ઓછી થઈ જાય? આપણે હિંદુઓ બહુ સહિષ્ણુ ઉદાર , દયાળુ ગણાઈએ પણ તે અર્ધું જ સાચું છે, અને હાલ સાચું છે. હિંદુ રાજા પુષ્યમિત્ર શુંગ (૧૮૭-૧૫૭ બીસી)જેણે બૌદ્ધ મૌર્ય સામ્રાજ્યનો અંત લાવી દીધેલો, બુદ્ધ સાધુની ખોપરી લાવનારને સોનાનું દાન આપતો. સૈનિક શક્તિ આગળ હારી જનારી પ્રજા સહિષ્ણુતા કેળવી લેતી હોય છે. અને જીતનારા અસહિષ્ણુ બની જતા હોય છે.

જ્ઞાનની તંદુરસ્ત તરસનું નામ છે આધ્યાત્મિકતા. એમાં પ્રાપ્ત થતી સફળતામાંથી જન્મ લેતો ધર્મ એક જ સત્ય ઉપર અવલમ્બન રાખતો હોય છે . હું ખાલી ધર્મના નામે ચાલતા દંભના પડદા ચીરવાનું કામ કરું છું. લોકો તર્કહીન બુદ્ધિહીન કહેવાતા ધર્મોનું પાલન કરતા હોય અને એના નામે અઢળક તૂત ચાલતા હોય ત્યારે એકાદ આવી સર્ચ લાઈટ નાખવાનું મુનાસિબ છે કે નહિ? કોઈ ધર્મપુસ્તક ઉપરથી ટપક્યું નથી. કોઈ ભગવાન એને કહેવા કે લખવા આવતો નથી. જેતે સમયના જરૂરી આચારવિચાર, પ્રાર્થનાઓ જેતે ઋષિ કે મસીહા કરતા હોય છે તેનું વર્ણન હોય છે. પ્રોફેટનો અર્થ પ્રાચીન સમયમાં પોએટ થાય.

મૉર્ડન બ્રેઈન ઇમેજિંગ ટેકનીક્સ જેવી કે એમ આર આઈ, પેટ સ્કેન વડે જાણવા મળે છે કે બ્રેઈન સર્કિટ વાંકીચુકી ચાલવા લાગે કે વિકૃત રીતે દોડવા લાગે ત્યારે ધર્મના ધક્કા બ્રેઈનને લાગતા હોય છે. લોકોને હલૂસિનેશન ભ્રમ થતા હોય છે. ના દેખાવાની વસ્તુઓ દેખાતી હોય છે. અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. ધાર્મિક હલૂસિનેશન સ્કીજોફ્રેનીક લોકોમાં સામાન્ય હોય છે આવું મનોવૈજ્ઞાનિકો કહેતા હોય છે. સાયન્સની Neurotheology શાખા હવે પ્રગતિમાં છે(Newsweek May 7,2001 અથવા Readers’ Digest Dec.2001). માનસિક બીમારી અને આધ્યાત્મિક અંતર્દર્શન બંને ઓળખવાનું બહુ અઘરું છે. Salvia Divinorum એવી વનસ્પતિ છે કે તેને લેવાથી આધ્યાત્મિક અનુભૂતિ થવા લાગે, કૃષ્ણની રાસલીલા હાલ દેખાવા લાગે. આત્મા શરીરની બહાર નીકળીને કામ કરતો હોય તેવું લાગે. એનો મોટો ડોઝ લેવાઈ જાય તો કોમામાં જતા રહેવાય અને સ્મૃતિ ભ્રંશ થઈ જાય. આનો ઉપયોગ કરવાવાળા ટાઈમ અને સ્પેસમાં મુસાફરી કરી હોય તેવા અનુભવો એમણે નોંધ્યા છે. આ દવા ખાનારને પારલૌકિક અતીન્દ્રિય અનુભવો થતા હોય છે. દિવ્ય માનવો દેખાતા હોય છે. આ બાવાઓ ગાંજો કેમ પીતા હોય છે હવે સમજ પડી?

ચાર વર્ષની ઉંમરે બાળક વિચાર અને ઇચ્છા વચ્ચેનો ભેદ ઓળખવા લાગતું હોય છે. ચાર વર્ષની ઉંમરે બાળક ઇચ્છા અને રીયલ વસ્તુ વચ્ચેનો ભેદ કરવા માંડતું હોય છે. જો બ્રેઈન ક્લિયર તફાવત કરતુ ના થાય તો બાળક સમજવામાં તકલીફ પડે છે અને માનતું હોય કે જે રમકડું એને જોઈતું હતું તે એની પાસે છે જ. સંસ્કૃતિઓ પણ એમની બાલ્યાવસ્થામાં માનતી હોય છે કે એમના વિચારો સત્ય છે. ઘણા બધા પ્રમાણિક સારા માણસો માનતા હોય છે કે ભગવાન છે જ કેમકે તેમણે એને ઇચ્છ્યો હોય છે. શ્રદ્ધાના જાદુમાં હવે લાખો લોકોને શ્રદ્ધા રહી નથી.