Damji Minaxi Vakharia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Damji






































મીનાક્ષી વખારિયા


vakhariaminaxi4@gmail.com


















દામજી

આમ તો દામજી બહુ આળસુ એક સળી તોડીને બે નો કરે ! એનાં બા-બાપુ ટોકી ટોકીને થાયકા પણ દામજી નામનું પ્રાણી હાલે નહીં જરાયે.....ઢબુનાં ઢ જેવો, ન ભયણો કે ન કોઈ કામકાજ શીયખો, એય ને પોળના માથા ફરેલ નખ્ખોદિયા છોકરાંવ વાહે ફરી ફરીને એણે રૂપાળા દેવનાં દીધેલ જીવતરનો દાટ વાળ્યો’તો.

એવા એ દામજીને પૈણવા’ ઉપડયો.કાલ હવારેતો હજી જુવાનીના ઉંબરને ઠેયકો, મૂછોના જીણા જીણા દોરા માંડ દેખાતાં થ્યાતાં ને ભાઈને પૈણવું ‘તું. લ્યો કરો વાત, એવા એ ગામનાં ઉતારને કોણ છોડી દેવાનું ?પણ.....ભાંગ્યાના ભેરુ નહીં તો કાંઇ નહીં,આ છકેલા છોરુની વાત જ વેગળી, બાજુનાં નાના ગામડાની સ્કૂલમાં પટાવાળાની નોકરી કરતાં માવજીને કોણ જાણે ક્યાંથી દામજી વિશે માહિતી મળી હશે તે તેણે તેની છોડી લખમી માટે દામજીના બાપાને કેણ મોકલાવ્યું ! મારાં બેટાના નસીબ બઉ પાધરા કે’વાય હો ! માળુ ઉપરવાળો પણ ખરો દયાવાન તે આ નઠારાં માટે જોડીદારની જોગવાઈ કરીને બેઠેલો.

દામજીનાં બાપુનું નામ કેશવ અને માનું નામ સંતુ,બેય બચારાં ભગવાનનું માણહ કે’વાય એવા. દામજી ઉપરાંત એમને સંતાનમાં બે છોકરીઓ પણ હતી. એમનાં મનમાં એમ કે ભલે થોડી મે’નત પડે પણ દામજીને હારુ ભણાવશું તો જતે દહાડે પોતા ભેગો છોકરીઓનો ઉધાર કરવામાં મદદદરૂપ થાશે. નાનો હતો તયેં તો સંતુ-કેશવ પરાણે ધકેલતાં તેથી માંડ માંડ સરકારી શાળામાં જતો, થોડો મોટો થતાં પોતાનાં જેવા વંઠેલ છોકારાવની સોબત મળતાં શાળાના સમયે તેમની હારે આખું ગામ ઘમરોળતો ફરતો. શાળામાંથી ફરિયાદ આવી ત્યારે એના માવતરને ભાઈનાં પરાક્રમની જાણ થઈ. દામજીની સારી પેઠે ધુલાઈ થઈ, હવે તો દામજીએ શાળાએ જવાનો સાફ નનૈયો ભણી દીધો. અંતે કંટાળીને કેશવે તેને ગમે તેવું કોઈ પણ નાનુંમોટું કામ શીખી લેવા કહ્યું, ઈમાએ ઇ નકારી ગ્યો. કામધામ વગર બે ટાઈમ રોટલાં જોંસવા તૈયાર એવા લખણનાં પૂરાં એવા દામજી માટે માગુ આયવું જાણી બેય ધણીધણિયાણી મોમાં આંગળા ઘાલી ગ્યાં !!!

બાપડો કેશવ તો માવજીને મળવા પહોંચી ગયો અને પોતાનો ચિરંજીવ જેવો હતો તેવો ચીતરી બતાવ્યો, અને કહ્યું પણ ખરું કે ‘માવજીભાઇ તમ બઉ મોટી ભૂલ કરો છો. છતી આયંખે છોડીને અંધારા કૂવામાં કાં ધકેલો ?’ કોણ જાણે કેમ એ માથાભારે દામજીમાં માવજીભાઈ હું ભાળી ગ્યો’તો કે કેશવને કહે કે ‘મારાં ભાઈ, સૌ ચેંતાને દીવા હળી મેલો. ઇના ગળામાં રાશ પડહે ને તંઇ આફયડો ઠેકાણે આવી જહે.’……… અને ભાઇનો ગોળ ખવાઇ ગયો,ને જતે દહાડે લખમીને પયણી આયો. દામજી તો જુવાનજોધ રૂપાળી લખમી વાંહે ગાંડો ગાંડો થઈ એની આગળ પાછળ ફરવા લાગ્યો, એકલી ભાળી નથી કે.......કેશવ એને ઘણું સમજાવતો કે ‘તારી પોતીકી જવાબદારી ઉપાડતાં શીખ હું તો ખર્યું પાન કેવા’વ મારો ભરોહો ક્યાં લગણ’? લખમી પણ તેને કહેતી કે ‘જેવું મળે તેવું કામ કરી આપ કમાઈ ખાવી હારી, ક્યાં હુધી બાપાની કમાઈના રોટલા ભાંગવાના ?’ જાડી ચામડીનાં દામજીને કાંય અસર નો થાય, એના મગજમાં કીધી વાત નો ઉતરે. ઇ ભલો ને ફળિયામાંનો ખાટલો ભલો, બાકી લખમી તો છે જ ને ! કેશવ અને સંતુ દમજીને ટોકી ટોકીને થાયકા, કેશવે ઉધારી કરીને દામજીને શાકની લારી કરી દીધી કે ગગો કાંઈક લાઇન પર આવે. ‘કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી’ એ ન્યાયે ભાઈએ થોડા દિવસ ઠીકઠાક હલાવ્યું, સાંજ પડે થોડા પૈસા પણ લાવતો થયો, પણ એક દિવસ સાંજે ઘરે પાછો આવતો’તો ત્યારે એને જૂના દોસ્તારો મળી ગયાં અને તેને દારૂ પીવા લલચાવ્યો, ભાઈ તો મીણબતીની જેમ પીગળી ગયાં. દોસ્તારોની ઇચ્છાવશ થઈ પેટ ભરીને દારૂ પીધો,પછી જુગાર રમવા બેસી ગયો અને લારી સહિત તે દિવસની કમાણી પણ ખોઈને આવ્યો. હવે તો આ કપાતરને ઈશ્વર જ સદબુધ્ધિ આપશે એવું વિચારીને એના માબાપુએ મૌન સાધી લીધું.

આમ કેટલાં દહાડાં ચાલે ? હવે લખમીએ દાડિએ જવાનું ચાલુ કયરું. ભરભાંખળે ઉઠી,વાસીદું પાણી કરી, રાંધી કરી,પોતાનું ભાતું લઈ ઘર બહાર નીકળી જાતી તે ઇ સમી સાંજે પાછી ફરતી, ઈના સાસુ સસરા પણ વહેલાં નીકળી જાતાં, દામજીની બે ય બહેનો પણ શાળાએ જતી રહે પછી વાંહે રહે દામજી, ખાઈપીએ ને પછી આખો દિ’ નવરો બેઠો ઢેફાં ભાંગે ને રાત પડે થાકીપાકી લખમીને રંજાડે. દિવસો આમ જ વીતી રહેલાં, આળસુ દામજીનો સ્વભાવ બદલાયો નહીં વધારામાં લખમી બે જીવ સોતી થઈ ! તો યે નિયમિત મજૂરીએ જતી થાક ઘણો લાગતો પણ જડભરત દામજી તેને આરામ કરવા ન કહેતો, બેઠા બેઠા બધો તાલ જોયા કરતો. એક દિવસ તો લખમીને એવી રીસ ચઢી કે દાડિએ ગયેલી ન્યાંથી હીધી પિયરની વાટ પકડી લીધી. સાંજે દીવા ટાણું થઈ ગયું તોયે લખમી ઘરે પાછી ન આવતાં ચિંતિત સંતુએ દામજીને લખમીની ભાળ કાઢવા મોકલ્યો, પોતે અને છોકરીઓ પણ લખમીને આજુબાજુ સઘળે શોધી વળ્યાં પણ કંઇ પતો ન મળ્યો,કેશવ હો એના શેઠના કામે પરગામ હતો નહિતો એને પણ દોડાવતે. દામજી લખમીને રોજનાં રસ્તે શોધતો શોધતો એ જ્યાં કામ કરતી હતી ન્યાં પહોચી ગયો, ન્યાં કણે તો ચોકીદાર સિવાય કોઈ નહોતું બધા દાડિયા જતાં રહેલાં હવે દામજી ગભરાયો એને ચોકીદારને લખમી વિશે પુછ્યું તો તે ઓરડીમાં ગયો અને લખમીના ભાતાનો સ્ટીલનો ડબ્બો દામજીને આપતાં બોલ્યો કે ‘લખમી એનાં માવતરે જતી રહી છે, પાછી નહીં આવે.’ દામજીએ ફફડતાં હોઠે ડરતાં ડરતાં પુછ્યું, ‘કાં?’ ‘તે તમે જાણો મને કંઇ ખબર નથ્ય. હાલો હેંડતા થાવ, મારે ઘણા કામ છે.’ ચોકીદાર પગ ઉપાડતાં બોલ્યો.

દામજીએ તો સીધી પકડી સાસરાના ગામની વાટ. સાસરે જઈ બહાર ઉભે ઉભે જ લખમીને હાંક મારી બોલાવી,તો લખમી નહીં, માવજી આવ્યો અને બોલ્યો, ‘જુઓ મે’તા, લખમીએ કહાવ્યુંસે જ્યાં લગણ તમે પોતે કમાઈને એક દમડીએ નહીં લાવો ન્યાં હુધી લખમી પાછી નહીં ફરે અને બાળકનું મોઢુએ જોવા નહીં દે. જાવ જાવ,પહેલાં કમાતા શીખો, કામધંધો કરો ન્યાં લગણ હું એ મારી છોડીને નહીં મેકલું, સમજ્યાં ?’ બહાર ઉભે ઉભે જ દામજીએ ઘણા દાવપેચ લગાડયાં પણ લખમી બહાર નો આવી.

વિલે મોઢે ભાઈ ઘરે પાછા ફર્યા,લખમી વગર ઘરમાં ક્યાંય સોરવતું નો’તું, ભાઈબંધો તો એને રાતે પાણીએ નવડાવીને ‘નૌ દો ગ્યારહ’ કરી ગયેલા. લખમી વિના ગળા હેઠો ખાવાનો કોળિયો ઉતરતો નો’તો. ગુમસુમ થઈ ખટલે પડ્યો પડ્યો આકાશે જોઈ તે કાંઇ વિચારી રહ્યો હતો. હા,તે પહેલી વાર કંઇ વિચારવાનું કામ કરી રહ્યો હતો.બીજે દિવસે સવારે વહેલો વહેલો ઉઠી પ્રાત:ક્રિયાથી પરવારી, શિરામણ કરી કેશવ પાસે આવી બેઠો, ‘બાપા મને કયાંક કામે લગાડી દ્યોં. તમને હઉ ઓળખે, હું કમાતો નહીં થાઉ ન્યાં લગણ લખમી નહીં આવે.’બોલી ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ‘ઇ પૂરા દિ’એ છે. મારે ઇ બેય માટે કમાવું સે. જે મળે ઇ કામ હું કરીશ,બાપુ મારી મદદ કરો.’ અને કેશવની આંખોમાં ખુશીની ચમક આવી ગઈ. તો યે મોઢા પર કડપ રાખીને બોલ્યો, “હવે તને આપવા મારી કને કંઈજ નથી. હજી લારી પેટે લીધેલી ઉધારી તો હજી હું ચૂકવી જ રહ્યો સું.” “એટલે જ તો બાપુ તમને કવસું કે મને કામે લગાડો.” દામજી રડમસ થતો બોલ્યો.

કેશવે તેને ગામ બહાર ધોરી માર્ગ પર સડક બનવાનું કામ ચાલતું હતું ત્યાં દાડિએ લગાવી દીધો. દામજીએ કોઈ દિ’ કર્યું જ નહોતું તેથી તેને ફાવટ આવતાં વાર લાગી,થાકી જતો પણ ખંતથી કામ કરતો હતો. તેની ધગશ જોઈ મુકાદમ ખુશ થયો અને તેને લખમીનાં ગામમાં સર્કિટ હાઉસ બની રહ્યું હતું ત્યાં વધારે રોજી મળે તેવું કામ અપાવ્યું. લખમીનાં બાપાને ખબર પડી કે એનો જમાઈ આ જ ગામમાં મજૂરીએ છે પણ તેણે જરાપણ દરકાર ન કરી.

એક સાંજે લખમીને પ્રસૂતિની પીડા ઉપડી, ગામમાં જ સરકારી પ્રસૂતાલયમાં તેને લઈ જવામાં આવી. બહુ જ તકલીફ વેઠીને તેણે એક સુંદર મજાનાં દીકરાને જનમ આપ્યો. હરખપદુડા માવજીથી હવે ના રહેવાયું, દોડીને ગયો દામજી પાસે અને શુભ સમાચાર આપ્યાં. આજે જ દામજીને મજૂરીનાં પૈસા મળેલાં, આંખમાં હરખનાં આંસુ સાથે તેણે લખમીને મળવા દોટ મૂકી, હાથમાં પૈસા અને કપાળેથી સરીને દાઢીએ ટિંગાઈ રહેલાં પસીનાનાં ટીપાં સાથે.

મીનાક્ષી વખારિયા.

9619230493.