સૂર સામ્રાજ્ઞી શમશાદજીની જીવન ઝરમર
સુરસામ્રાજ્ઞી,કોકિલકંઠી,અતુલનીય એવા વિતેલા સમયનાં ૯૪ વર્ષનાં, કદાચ ભારતદેશના પ્રથમ મહિલા પાર્શ્વગાયિકાના સૂર તા.૨૩ – ૦૪ - ૨૦૧૩ની રાત્રીએ હમેંશ હમેંશ માટે વિલાય ગયા. સિનેજગતનાં સુવર્ણયુગના સદાબહાર ગાયિકાની ખોટ એમનાં ચાહકોને જરૂર લાગશે, તોયે એક આશ્વાસન લઈ શકાય કે એમનાં સુમધુર સ્વરોથી સજાવાયેલા ગીતો દ્વારા શમશાદજી કાયમ માટે આપણાં દિલોંમાં અમર થઈ ગયા છે. આયુષ્યના આખરી દિવસોમાં તેઓ હૉસ્પિટલમાં હતાં, માંદગીના બિછાનેથી પણ એમની ચિંતિત દીકરીને હિંમત બંધાવતા એમણે કહ્યું હતું કે, “સાચો કલાકાર કદીયે મરતો નથી, તે પોતાની કલા દ્વારા ચાહકોના દિલમાં હમેંશા જીવંત રહેતો હોય છે.
સાલ ૧૯૪૪ માં ‘મુંબઈ મેરી જાન સન્ડે કે સન્ડે.....’ પ્રાશ્ચાત્ય શૈલીની ધૂનવાળું ગીત ગાઈને આખાયે હિંદુસ્તાનને પાગલ બનાવનાર શમશાદજીનો જન્મ તા. ૧૪ – ૪ – ૧૯૧૯ની સાલમાં લાહોર સ્થિત એક સાધારણ મુસ્લિમ પરિવારમાં થયો હતો. એમની અમ્મા જુનવાણી રૂઢિચુસ્ત વિચારધારા ધરાવતા હતા. એમના અબ્બા મિયાં હુસેન બક્ષ જીવનનિર્વાહ માટે એક મામૂલી મિકેનિકની નોકરી કરી જેમતેમ ગાડું ગબડાવતા હતા. સાત ભાંડરડાવાળા પરિવાર વચ્ચે એમની પરવરીશ સાવ સામાન્ય કક્ષાની જ રહી હતી. ગીત-સંગીતની કોઈ તાલીમ ન મળી હોવા છતાં કુદરતી રીતે જ સુર,તાલ,લયને સમજીને ગીતો ગાતા હોવાથી એમની સ્કૂલના પ્રિન્સિપાલે સ્કૂલની પ્રાર્થના ગાવા માટે એમની જ મુખ્ય ગાયિકા તરીકે નિમણૂક કરી હતી. કિશોર વયે પહોંચતાં સુધીમાં તો પરિવારિક અને ધાર્મિક પ્રસંગોમાં ગાવા જવ લાગ્યા. એમના કાકાને શાયરી – ગઝલનો અત્યંત શોખ હતો, શમશાદજીના અબ્બૂને યેનકેન પ્રકારે સમજાવી ‘એર–લાહોર’માં એમનું પહેલવહેલું ઓડિસન અપાવ્યું, આમ ગીતસંગીતની દુનિયામાં તેમણે પ્રથમ પગલું માંડ્યુ. થોડા સમય બાદ દિલ્હી આવી ‘ઓલ ઈન્ડિયા રેડિયો’ પર ગાવાનું ચાલુ કર્યું. એ સમયની એક રેકોર્ડ કંપની માટે લગભગ ૨૦૦ જેટલા બિનફિલ્મી ગીતોને પોતાનો કંઠ આપી સજાવ્યા. એ જમાનામાં સૌથી અધિક, રૂ.૧૫ જેટલું અધધ મહેનતાણું મેળવનાર એક માત્ર મહિલા ગાયિકા હતા. એમની સમૃધ્ધ ગાયકીએ હુસેન બક્ષવાલા સારંગી ઉસ્તાદનું ધ્યાન આકર્ષિત કર્યું, તેમણે ગાયિકાનું હીર પારખી લીધું અને પોતાના શિષ્યા બનાવ્યા.
હવે એમને ફિલ્મીગીતો ગાવા માટે મોટા મોટા દિગ્ગજ કસબીઓ તરફથી સંદેશા આવવા લાગ્યા, પણ એમના માતાપિતાને ફિલ્મી માહોલ પસંદ ન હોવાથી મંજૂરી ન મળી। ઘણાં કાલાવાલા પછી રાજી તો થયા પણ એમણે શમશાદજીને કડક ભાષામાં ફરમાવી દીધું કે ક્યારેય જાહેરમાં પોતાનો ચહેરો છતો નહીં કરે ! તેથી જ એમણે હમેંશા બુરખો પહેરી રાખીને જ ગાયું. એ શરતને આધીન થઈ એમણે ક્યારેય સિનેમામાં કામ ન કર્યું, અને માતાપિતાના ફરમાનને જીવ્યા ત્યાં સુધી વળગી રહ્યા, ક્યારેય ફોટા નથી પડાવ્યા કે ઇન્ટરવ્યુ પણ નથી આપ્યો. મીડિયાથી તો સો જોજન દૂર જ રહ્યા તે છેક સિતેરના દાયકા પછી જ લોકલાગણીને માન આપી જાહેરમાં એકાદ બેવાર દેખાયા અને અલપ ઝલપ મુલાકાતો આપી.
લાહોરના જાણીતા સંગીતકાર ગુલામ હૈદરે સાલ ૧૯૪૧માં ‘ખજાનચી’ અને ૧૯૪૨માં ‘ખાનદાન’ ફિલ્મમાં એમનાં સૂરીલા, રણકદાર, જાદુઇ અવાજનો બખૂબી ઉપયોગ કર્યો હતો. એ સિવાય એમનાં રેડિયો કાર્યક્રમો તો સફળતાની ટોચને આંબી રહયા હતા, તે દરમ્યાન તેઓ ગણપતલાલ બટ્ટોના પરિચયમાં આવ્યા, પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો અને ૧૫ વર્ષની કાચી વયે તેઓ ગણપતલાલને પરણી ગયાં. દિલ્હીમાં એમણે ‘ધ ક્રાઉન થિયેટરિકલ કંપની ઓફ પરફોર્મિંગ આર્ટ’ નામની મુઝિકલ કંપનીની સ્થાપના કરી. કંપનીના નેજા હેઠળ આખા હિંદુસ્તાનમાં ફરીને ગીતોના પ્રોગ્રામો દ્વારા પોતાનાં જાદુઇ કંઠના કામણ પાથર્યા।
સાલ ૧૯૪૪માં એમનાં સાથીઓ સાથે તેઓ મુંબઈ આવી ગયા. પ્રારંભના થોડા દિવસો એમનાં કાકા સાથે રહ્યા. થોડો સમય ભાડાના ઘરમાં પણ રહ્યાં, એ પછી તો એમણે ઓ.પી.નૈયર,નૌશાદજી, સી.રામચંદ્ર અને શંકર જયકિશન જેવા મોટા ગજાના સંગીતકારો માટે ગાવાનું શરૂ કર્યું ; તે છેક ૧૯૭૦ના આખર સુધી એમણે એમનાં કર્ણમંજૂલ કંઠના કામણ પાથર્યા. એ વખતના મશહૂર ફિલ્મ દિર્ગદર્શક શ્રી, મહેબૂબખાને એમને રહેવા માટે એક વિશાળ ફ્લેટની સગવડ કરી આપેલી તેથી મુંબઈ જેવા મહાનગરમાં એકદમ નિશ્ચિંત થઈ કામમાં મશગુલ થઈ ગયા.
એમનાં સૂરીલા ગીતોની એક ઝલક.........
લે કે પહેલા પહેલા પ્યાર.........................સી.આઈ.ડી.
કહીં પે નિગાહેં, કહીં પે નિશાના.................સી.આઈ.ડી.
મિલતે હી આંખે દિલ હુઆ...........................બાબુલ.
કભી આર કભી પાર લાગા તીરે નઝર...........આરપાર.
મેરે પિયા ગયે રંગૂન વહાંસે કિયા .................પતંગ.
આવા આવા તો અનેક મસ્ત મસ્ત ગીતોનો વારસો આપી ગયા છે જે આજે પણ સૌ કોઈને ડોલાવી જાય છે તે કેમ ભૂલાય ?
સાલ ૧૯૫૫માં એમનાં પતિનો દેહાંત થતાં શમશાદજી એમની દીકરી ઉમા રાત્રા સાથે રહેવા આવી ગયા. ભાગ્યે જ કોઈને ખબર હશે પણ એ હકીકત છે કે નિવૃતિના સમયમાં તેઓ એમના દીકરી જમાઈ સાથે પવઈના હીરાનંદાની કોમ્પ્લેક્સ ખાતે રહેતા હતા. પોતાની જિંદગીના અમુલ્ય, અંદાજે ૩૫ થી ૪૦ વર્ષો લોભાવનારી ફિલ્મી દુનિયામાં વિતાવ્યા છતાં પણ સાદગીપૂર્ણ, આડંબર રહિત જીવનશૈલીને કારણે ફિલ્મી ઝાકઝમાળથી અલિપ્ત રહ્યા હતા. અહીં એ ન ભૂલાય કે ઓ.પી.નૈયર અને નૌશાદજીની સફળ ફિલ્મી કારકિર્દીને શમશાદજીના નોખા તરી આવતા રણકદાર અવાજનું ધરખમ પીઠબળ મળ્યું હતું. એમનાં સૂરીલા અવાજમાં ધાર,વજન અને રણકાનું સંયોજન એવું સચોટ હતું કે એમનાં કંઠે ગવાયેલા ગીતો સાંભળનાર શ્રોતાઓના ચિત્તતંત્રને મુગ્ધ કરી ઝણઝણાવી નાખે. એમનાં સમકાલીન દિગ્જ્જ સંગીતકારોએ પણ બેગમના સૂરીલા કંઠને ફિલ્મીસંગીતમા ઢાળી સંગીતરસિયાઓને ન્યાલ કરી દીધા, હરેક પ્રકારના ગીતોમાં એમની ગાયકી અવ્વલ જ રહેતી. એમના સ્વરનાં માધુર્યની વિશિષ્ઠ ખાસિયતને લીધે ચુલબુલી હિરોઈનના પાર્શ્ચવગીત માટે સંગીતકારોની તેઓ પહેલી પસંદ હતા. ગાયનવાદનમાં મૌલિકતાને જ પ્રાધાન્ય આપતાં ઓ.પી. નૈયર તો એમનાં સ્વરની તુલના મંદિરના ઘંટારવ સાથે કરતાં.
અનન્ય પ્રસિધ્ધિના શિખરે પહોંચેલા, સંગીત રસિકોના પ્રિય એવા શમશાદ બેગમ કે.એલ.સાયગલના ખાસ પ્રશંસક હતાં. એ જમાનમાં પણ એમને સાયગલ સાહેબની ‘દેવદાસ’ ચૌદવાર જોઈ હતી. એ સમયે સારી ફિલ્મ શહેરના એક જ મુખ્ય થિયેટરમાં આવતી અને પચીસથી પચાસ અઠવાડીયા તો સહેજે ટકી જતી, પછી પણ મોર્નિંગ શોમાં ખાસ્સો સમય ચાલતી રહેતી જે કોલેજીયનોને વધારે અનુકૂળ રહેતું. ફિલ્મી દુનિયાને અતિશય નજીકથી જોઈ ચૂકેલા શમશાદજીએ એમની એકની એક દીકરીને ગાયિકા તરીકે કારકિર્દી ઘડવાની પાબંદી લગાવેલી. એ એવો કાળખંડ હતો કે જેમાં એક આખા ગીતનું રેકોર્ડિંગ કરવામાં ઓછામાઓછા પંદર દિવસ નીકળી જતાં. આજનાં જેવી ટેક્નોલોજીનો અભાવ છતાં એમણે ૧૨૮૭ જેટલા હિન્દી ફિલ્મના ગીતો, ૨૦૦ જેટલાં બિનફિલમી ગીતો અને અનેક ભજનો ઉપરાંત ગુજરાતી,પંજાબી, બંગાળી વગેરે ફીલ્મોના આશરે ૨૦૦૦ જેટલાં ગીતો ગયા હતાં. મિત્રો અહીં સહેજે વિચાર આવે કે એમની મોટા ભાગની જિંદગી વ્યસ્તતામાં જ પસાર થઈ હશે. દેશની પ્રથમ સફળ પાર્શ્ચવગાયિકાએ ફિલ્મી સફર ૧૯૪૧થી શરૂ કરી જે ૧૯૯૫ સુધી વણથંભી રહી, ફરી એકવાર લોકલાગણીને માન આપી ૧૯૮૧માં ‘ગંગા માંગે બલિદાન’માટે અંતિમ વાર માટે ગાયું. સતત ૩૮ વર્ષો સુધી એમણે એમનાં કોકિલ કંઠનો જાદુ વહેતો રાખેલો તે જ એમને આજે અજરામર બનાવી ગયો.
ચોથા અને પાંચમાં દાયકાની મીઠા, મંજૂલ સ્વરની સામ્રાજ્ઞીને ૨૦૦૯માં ઓ.પી.નૈયર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા, સંગીતક્ષેત્રમાં મહાયોગદાન બદલ ભારત સરકારે પ્રતિભાતાઈ પાટિલના હસ્તે પજ્ઞભુષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. સન ૨૦૧૨માં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી એમને નવાજેશ કરાયા \\ ત્યારે વ્હીલચેરમાં બેસીને આવેલાં, એમને બે શબ્દ બોલવા કહ્યું તો બહુ જ વિનમ્રતાથી એટલું જ બોલ્યા કે “એમને જિંદગીમાં જે મળ્યું તેનાથી તેઓ બહુ જ ખુશ છે અને એમની ખુશહાલ જિંદગી એ પરવરદિગારની અસીમ રહેમ છે”
લાઈમલાઇટથી દૂર ખૂબ જ સાદગીભરી જિંદગી જીવ્યા અને તા.૨૩મી એપ્રિલે ૨૦૧૩ના રોજ અંતિમ શ્વાસ લીધા. એમની મરજી મુજબ એમનો જનાજો પણ શાંતિથી લઈ જવામાં આવ્યો. કોઈ પણ જાતની હોહા વગર એમની અંતિમક્રિયા પાર પાડવામાં આવી. ફિલ્મીજગત અને એમનાં ચાહકોને શમશાદજીના જન્નતનશીન થયાના સમાચાર મીડિયા અને સમાચાર પત્રો દ્વારા ત્યારે સૌ સ્તબ્ધ થઈ ગયા હતાં, તો દોસ્તો, આવા હતાં આપણાં મલ્લિકા – એ – તરન્નુમ !!! એમને આપણાં સૌના સો સો સલામ !!!
મીનાક્ષી વખારિયા.
૯૬૧૯૨૩૦૪૯૩.