બાપુને પત્ર (કાલ્પનિક) Minaxi Vakharia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બાપુને પત્ર (કાલ્પનિક)

Minaxi Vakharia

vakhariaminaxi4@gmail.com

( ગાંધી બાપુ જ્યારે કસ્તુરબાથી દૂર રહેતાં ત્યારે બાનાં કુશળમંગળ પૂછવા રોજનો એક પત્ર લખતાં,બાએ જિંદગીમાં ક્યારેય બાપુને પત્ર લખ્યો નહોતો, જો લખવો હોત તો શું લખત ? એવો મને વિચાર આવ્યો. જીવલેણ માંદગીથી પીડાતાં બાએ આખરી દિવસોમાં એમને પત્ર લખ્યો છે એવી મેં કલ્પના કરી છે.)

'બાપુને પત્ર' (કાલ્પનિક)

અતિપ્રિય પતિપરમેશ્વર બાપુ,

તમને થશે બાએ ઘરડેઘડપણ આવું કેવું લખ્યું ? શરમ નહીં આવી હોય ? ના, બાપુ મને જરાય શરમ નથી આવી. તમે મારાં ધણી થ્યા એટલે મારાં પરમેશ્વરઅને પ્રિય પણ ખરા જ ને ? આટલાં વર્ષો તમારી સાથે વિલાયત અને આફ્રિકામાં રહીને હું પણ નવા જમાના સાથે કદમ મિલાવી શકું એવી થઈ ગઈ છું. ગુજરાતી તો જેવુતેવું આવડી જ ગયું છે, હા, મને ખબર છે કે મારાં અક્ષર નાના બાળક જેવા છે ગરબડીયા, તમે તે વાંચી લેશો એટલી તો ખાતરી છે. થોડું ગોટપીટ પણ શીખી ગઈ છું, ને પેલી ગોરીઓ બોલે ઇ બધુએ મને સમજ પડે હો ! આ તો તમારાં દાબને લીધે મેં મારી લાગણીઓને ક્યારેય વાચા નથી આપી. હું પણ સામાન્ય નારી જ હતી, ઘણાં કોડ હતાં અન્ય સ્ત્રીઓ જેવા ! મેં એને પોષવાની ભાવના રાખી હોત તો હું તમારો પડછાયો બની ચાલી ના શકત. તમારાં તરફની લાગણીને મારી આસક્તિ જ સમજી લો, તમારાં વિચારોને મેં માત્ર પ્રાધાન્ય જ નથી આપ્યું પણ મારાં રોમેરોમમાં વણી લીધેલાં. તમારા કદમથીકદમ મેં મેળવ્યા અને તમારા અવારનવારનાં જેલવાસ વખતે તમે પ્રગટાવેલી સ્વતંત્રતાની જ્યોતને અખંડ રાખી છે.

તમને તો ખબર જ છે કે આ મારી માંદગીમાંથી હું બેઠી નથી થવાની. દિવસરાત તમે મારું અદકેરું ધ્યાન રાખો છો તે હું જોઈ રહી છું, અનુભવી રહી છું. આ આગખાન મહેલમાં જ આપણે સાવ સામસામે છીએ, તમે જુઓ છો કે મારી તબિયતથી હું કેટલી કંટાળી ગઈ છું, હવે ઝાઝું જીવીશ નહીં, મારી પાસે માંડ ગણ્યા ગાંઠયા શ્વાસ બચ્યા છે બોલવાની તો તાકાત જ નથી રહી ત્યારે કોઈ પણ જાતની પ્રસ્તાવના વગર મારી વાત પત્રરૂપે શરૂ કરું છું કદાચ કહેવું છે તેટલું કહી પણ ન શકું. થાક લાગે છે. એટલે થોડામાં ઘણું સમજી લેજો.

કિશોર વયે જ આપણાં લગ્ન થયેલાં, હું તમારાથી છ મહિના મોટી હતી, સમવયસ્ક છોકરા કરતાં છોકરી વહેલી પરિપક્વ થઈ જતી હોય છે એ નાતે તમારાં કરતાં હું વધારે વ્યવહારુ અને દુનિયાદારી સમજતી હતી. એ તમને નહીં જચ્યું હોય એટલે જ કદાચ લગ્નની શરૂઆતના દિવસોમાં તમે એક સામાન્ય પુરુષની જેમ મારાં પર પતિરૂપે આધિપત્ય અજમાવવા ગયા, મારાં પહેરવા ઓઢવા પર તમારી નજર રહેતી, મારૂ અભણ હોવું તમને જરાય ન રુચતું. એટલે જ વસ્તારી પરિવારમાં તક મળતા જ તમે મને ભણાવવાનો આગ્રહ રાખતાં. તમે જગતનાં અન્ય પતિઓથી જુદા તો નહોતાં જ પણ એક શંકાશીલ મનોવૃતિ ધરાવતા અસહિષ્ણુ પતિદેવ તરીકે ફરમાન કાઢેલું કે મારે તમને પૂછ્યા વગર ઘર બહાર જવું નહીં. હું પણ સ્વમાની, ધરાર તમને પૂછ્યા વગર હવેલી દર્શન કરવા કે સમાજનાં વહેવાર સાચવવા ઘરની મહિલાઓ સાથે બહાર જતી રહેતી. તમે દોસ્તારોની ચડામણી હેઠળ મારી ઊલટ તપાસ આદરતા, પીછો કરતાં ને પછી આપણાં ઝઘડાં થતાં તે એયને દિવસો સુધી અબોલા.......

મને પહેલી કસુવાવડ થઈ પછી સમય જતાં હરિલાલનો જન્મ થયો અને તમારે વિલાયત જવાનું થયું. મને અને નાનકડાં હરિલાલને ઘરના લોકોના ભરોસે મૂકીને તમે જતાં રહ્યાં, એ સૌ સારા જ હતાં પણ મને કેટલું ઓશિયાળાપણું લાગેલું કે તે વર્ણવવા મારી પાસે કોઈ શબ્દ નથી. તમને વિલાયત જવું હતું અને આપણી પાસે અન્ય કોઈ સગવડ ન હોવાથી મને પિયરથી મળેલો દાગીનો ગીરવે મૂકી ત્રણ હજાર રૂપિયાની સગવડ કરેલી ત્યારે મને હતું કે થોડા વખતમાં તમે મોટા વકીલ બની જશો ને મને સોનાના ઘરેણાથી લાદી દેશો પણ એ કદી શક્ય ન બન્યું. મને પણ દાગીનાનો મોહ હતો જ. ત્રણ વરસ પછી તમે પાછાં આવ્યા તોયે કામધંધો કરવાનું ન સુઝયું બિચારા જેઠજી જ આપણું ભરણપોષણ કરતાં, એમનો પણ પરિવાર હતો અને ખર્ચા વધતાં હાથ ખેંચમાં રહેતો તે ન છૂટકે મારે તમને કહેવું પડ્યું કે કંઇક કામધંધો કરો, તો તમે શું કર્યું એ યાદ છે તમને ? મને પિયર રવાના કરી દીધી, હું જાણતી હતી કે તમને મારો કોઈ વાંધો ન હતો, તમને તમારા સ્વભાવ સાથે જ વાંધો હતો. હું તો હોંશે હોંશે પિયર જતી રહી, બધાને મળાયું,આમ પણ હું ઘણા દિવસથી ગઈ નહોતી, એક મહિનામાં મને પાછી તેડાવી લીધી હતી યાદ છે ને ? ૧૯૦૬માં તમે આજીવન બ્રહ્મચર્યની બાધા રાખી, મારો અભિપ્રાય લીધો હતો મેં સહમતિ પણ આપેલી, તેની ના નહીં, તમે મારો જવાબ તો જાણતા જ હતાં કે હું તમારી વિરુધ્ધ નથી જ જવાની.

સાઉથ આફ્રિકામાં આપણાં ટોલ્સટોય ફાર્મ પર આપણે રહેવાનુ નક્કી કર્યું, ત્યાનાં વસવાટ દરમ્યાન હરિલાલને સ્કોલરશીપ મળતાં કાયદાના વિશેષ અભ્યાસ અર્થે લંડન જવું હતું, તો તમે છગનલાલને આગળ કર્યો, તેનું જવાનું શક્ય ન થતાં તમે સોરાબજી શાહપુરજી અડાજનિયા પર પસંદગીનો કળશ ઢોળ્યો ત્યારે મારો હરિલાલ નાસીપાસ થઈ ગયો હતો અને આપણને છોડી ગયો હતો, સમજાવીને પરત લાવ્યાં પણ તેનું મન હતાશાની ગર્તામાં ધકેલાઇ ગયું હતું અને તે હમેંશ માટે આપણને છોડીને જતો રહ્યો. આગળ જતાં તેણે મુસ્લિમ ધર્મ અપનાવ્યો તે વેળાએ મારાં જેવી અણીસુધ્ધ ધાર્મિક સ્ત્રીની શું હાલત થઈ હશે તેનો તમને અંદાજ છે ? એ વખતે તમે એકવાર પિતા તરીકેની ફરજ સમજી, દીકરાની ઇચ્છાને માન આપી લંડન જવા દીધો હોત તો હરિલાલનું અધઃપતન ના થયું હોત એવું મારું માનવું છે. થવા કાળ થઈને જ રહે છે પણ મોકો ચૂકયાનું મને અનહદ દુઃખ છે.

યાદ છે તમને, આપણે આફ્રિકાથી પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે કેટલી બધી ભેટસોગાદો મળેલી તે ? મને અલગથી સોનાની પચાસ ગિનીનો હાર મળેલો, તે મારો હતો છતાં પણ તમારામાંના મહાત્માએ મને પૂછ્યા વગર સઘળી ભેટસોગાદ સાથે એને પણ લોકર્પણ કરી દીધેલો, એમ કહીને કે એતો તમે પોતે કરેલી સેવાને લીધે મળ્યો છે, બાપુ હું એટલી ભોટ નથી ! તમારા સેવકોની, આશ્રિતોની સેવા તો મારે જ કરવી પડતી, તેથી એ ભેટ પર મારો હક્ક હતો. તમારી જીદ પાસે મારું કંઇ ન ચાલ્યું. હું પણ સંસાર અને વસ્તાર લઈને બેઠેલી, મારાં છોકરા-વહુઓ માટે કાંઈક તો મૂકીને જાત. બાપુ, શું કહું કેટલું કહું ? આપણાં અમદાવાદનાં આશ્રમમાં અત્યંજ દાદુભાઇ પરિવાર સાથે રહેવા આવેલાં, જન્મજાત વૈષ્ણવ એવી મને લગીરે ગમ્યું નહોતું કે આપણાં રસોડે આવી એ લોકો હાથ લગાડે ! તમારે કાને એ અંત્યજ પરિવાર વિષે મારાં અણગમાની વાત આવી તો તમે સંદેશો મોકલેલો કે એ પરિવાર તો અહીં જ રહેશે બાને ન ગમે તો બાએ પોતાનો રસ્તો કરી લેવો........ ઘણું છે મનમાં, હવે મારી આ અંતિમ સફર છે નવી દુનિયામાં કોઈ ભાર લઈને નથી જવું એટલે જ પત્ર દ્વારા ઉભરો ઠાલવી રહી છું.

લાગે છે આગળ નહીં લખી શકું થાક લાગ્યો છે.........ફરી પાછું સારું લાગશે ત્યારે લખીશ......તોયે....એટલું તો કહી જ દઉં.......તમે દેશસેવાનો ભેખ લીધેલો એટલે તમારાં સિદ્ધાંતોને ચુસ્તપણે વળગી રહેલાં તેનું મને અભિમાન છે. રૂબરૂમાં ક્યારેય નહીં પણ તમે પત્ર દ્વારા નિરંતર તમારાં પ્રેમની ખાતરી કરાવી જ છે. મારી એક જ આખરી ઇચ્છા છે કે જનમોજનમ તમે જ મને જીવનસાથીરૂપે મળો, મૃત્યુ આવે ત્યારે તમારી ગોદમાં હું સૂતી હોઉં................લિ.બા ના જય શ્રીકૃષ્ણ.

હસ્તે - મીનાક્ષી વખારિયા.

૯૬૧૯૨૩૦૪૯૩।