Swabhav Minaxi Vakharia દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Swabhav


vakhariaminaxi4@gmail.com


સ્વભાવ

‘અરે, આરવ બેટા,ધીરો પડ. આવતા વેંત શું મોમ, મોમ માંડ્યુ છે?’ નિશા અકળાતા બોલી.

‘મોમ ફરીથી કહું છું,તારે આવવાનું જ છે. કાલે હું સ્કુલ બસમાં નહીં જાઉં તારી જોડે જ હું આવીશ. ભૂલી ના જતી મારું ઓપન હાઉસ છે, પછી કહેતી નહીં કે મને ખબર નહોતી.’

‘બસ, હવે આરવ….. આવીશ આવીશ, કેમ આમ બોલે છે? હું જ તો આવું છું તારા દરેક ઓપન હાઉસમા, ચાલ હવે પહેલા ફ્રેશ થઈ દૂધ નાસ્તો કરી લે પછી તારે જે કરવું હોય તે કર, કાલે ઓપન હાઉસ છે એટલે હોમવર્ક તો નહીં જ હોય’.

આરવ મનમાં બબડ્યો, ‘મોમ આજકાલ તારો મૂડ ખરાબ હોય છે એટલે જ તો ઘડી ઘડી પૂછવું પડે છે.’ આરવ નાનો હતો ત્યારે તો મમ્મી પપ્પા બંને હોંશે હોંશે તેના ઓપન હાઉસમાં આવતાં હતા, તેનો રિપોર્ટ સાંભળી પોરસાતા હતા.

સ્કુલે જતી વખતે મા-દીકરા બંનેને પરિણામ વિશે ખાતરી હતી. આરવ તો ક્યારેય નેવું ટકાથી ઓછા લાવ્યો જ નથી. ભણવામાં, રમતગમતમાં,ઈતર પ્રવૃતિમાં તે હમેશા આગળ જ રહેતો. આ ઓપન હાઉસ તો રૂટિન માત્ર.....

એ લોકો વેળાસર સ્કુલમાં પહોંચી ગયા. આરવના વર્ગ શિક્ષિકા, સીમા મિસ પાસે વાલીઓની લાઇન લાગેલી॰ નિશાનો વારો આવ્યો તો મિસે આરવને પણ બોલાવ્યો. બંનેના આશ્ચર્ય વચ્ચે આરવના પાંસઠ ટકા આવેલા !

નિશા બોલી ઉઠી, “આ શું આરવ,આટલા ઓછા પર્સનટેજ”!!! તેણે સીમા મિસ પાસે આરવના પેપર્સ જોવા માંગ્યા. મેથ્સ,સાયન્સ,અંગ્રેજી, જેવા મુખ્ય વિષયોમાં જ આરવ સીલી મિસટેક્સને લીધે માર્કસ ગુમાવી બેઠો હતો.

મિસે કહ્યું,“ એઈથ સ્ટાન્ડર્ડમાં આરવ આવી ભૂલો કરશે તો તે રેન્ક ગુમાવી બેસશે, નાઇન્થ,ટેન્થમાં વિષયોની પસંદગી સમયે પ્રોબ્લેમ થશે.” આરવ નીચું જોઈ ગયો. મિસે તેને તેની જગ્યા પર મોકલ્યો અને નિશાને કહ્યું, “જરા બેસોને મારે તમારી સાથે થોડી વાત કરવી છે”. ના છૂટકે વિલાયેલા મોઢા પર સ્મિત લાવી નિશાએ મિસની સામે બેઠક લીધી.

“જુઓ મિસીસ શાહ, આજકાલ આરવનું ધ્યાન ભણવામાં નથી રહેતું, હમેંશા વિચારોમાં ખોવાયેલો રહે છે. વર્ગમાં પૂછાયેલા સવાલોનો કઈ ભળતો જ જવાબ આપે છે. વર્ગમાં મિત્રો સાથે હળવા ભળવાનું છોડી દીધું છે. તે અમારી સ્કુલનો પ્રતિભાશાળી વિદ્યાર્થી છે એટલે અમને તેની ચિંતા થાય છે. નિશાબેન માનશો તમે, આરવ તેને ગમતી ફૂટબોલની રમતપણ એકાગ્રતાથી રમી નથી શકતો !”

ઘરે પાછા ફરતાં નિશા અને આરવ વચ્ચે કઈ વાત ન થઈ. બંનેના મૌન પાછળ ધરબાયેલો લાવા ફાટફાટ કરી રહ્યો હતો. નિશાએ પણ નોંધેલું કે આજકાલ આરવ કામ સિવાય વાત નહોતો કરતો, તેને ત્યારે લાગેલું કે કિશોર વયે પહોંચેલો આરવ એમ જ બદલાઈ રહ્યો છે.

નિશા અને નિમિષે આરવને ઘરમાં પૂરી આઝાદી આપેલી કારણ તે ઘણો જ સમજદાર છોકરો હતો. તે ભણવામાં નિયમિત હતો, ભણવા માટે તેને કદી ટોકવો પડ્યો નથી. તેણે ભણવાના અને રમવાના સમયનું, સમય પત્રક જાતે જ બનાવી લીધેલું જેનું ચુસ્તતાથી પાલન પણ કરતો॰ અન્ય બાળકોના વાલીઓ પોતાના બાળકોને આરવનો દાખલો દેતાં.

'સારું છે નિમિષ ટૂર પર છે નહીં તો મારું અને આરવનું આવી જ બનત !’ સ્વગત બબડતાં નિશાએ પોતે જ આરવનું મન ટટોળવાનું નક્કી કર્યું.

આજે શનિવાર હતો. સ્કુલમાં રજા હતી, ક્રિકેટનું કોચિંગ વહેલી સવારે જ પતી ગયું હતું. આરવે બ્રેકફાસ્ટ કરી નહાઈ ધોઈ પોતાની જાતને રૂમમાં બંધ કરી લીધી. આજે કદાચ, આરવને મોમની સામે જવાનો કે વાત કરવાનો પણ મૂડ નહોતો. નિશા હિંચકે બેસી છાપું વાંચતાં આરવના રૂમ બહાર આવવાની રાહ જોઈ રહી હતી. તેણે સામેથી તેને બોલાવવાનું ટાળતા વિચાર્યું કે, 'લેટ હીમ હેવ હીસ સ્પેસ.....,નો હરી'. છેક એક વાગ્યે ભાઈસાહેબ તોબરો ચઢાવી જમવા માટે રૂમની બહાર આવ્યા. જમતી વખતે પણ આરવનું વર્તન લૂખ્ખુ જ રહ્યું. નિશા સમસમીને જમતી રહી. જમ્યા બાદ નિશાએ આરવનો હાથ પકડી દિવાનખંડના સોફા પર બેસાડતા કહ્યું કે,"આવ આરવ જરા વાર બેસીએ. મારે તારી સાથે થોડી વાતો કરવી છે.” આરવ ઉપકાર કરતો હોય તેમ નિશા પાસે બેઠો.

નિશાએ જ શરૂઆત કરી, "કશો વાંધો નહીં આરવ બેટા,ચાલ્યા કરે, એકાદવાર રિઝલ્ટ ખરાબ આવ્યું તો શું થયું ? ઉદાસ કેમ થાય છે ? બીજીવાર વધારે મહેનત કરજે. જો બેટા પરીક્ષામાં બેસે તે જ પાસ કે નાપાસ થાય અને તું ક્યાં નાપાસ થયો છે? થોડાક પર્સનટેજ ઓછા આવ્યા છે, નેક્સ્ટ ટાઇમ કવર કરી લેજે. નિશા તેના માથા પર હાથ ફેરવતા ફેરવતા એક સામટું બોલી ગઈ ક્યારનું વિચારી રાખેલું ને એટલે !

આરવે કોઈ પ્રતિભાવ ન આપતા મૂંગો જ રહ્યો, નિશા અકળાઈને બોલી ઉઠી, "આરવ તને શું થઈ ગયું છે ? સીમા મિસ કહેતી હતી કે તું ભણવામાં બેધ્યાન થઈ ગયો છે, તારી પ્રિય ફૂટબોલની ગેમ પણ એકાગ્રતાથી રમતો નથી. સારું છે તારા પપ્પા ટૂર પર છે નહિતો".......

"નહિતો શું ?પપ્પા હોત તોયે શું કરી લેત ? આવે ત્યારે મારી ફરિયાદ પેટ ભરીને કરી લેજે. મોમ, હું પપ્પાથી ડરતો નથી."આરવ ધૂંધવાઈને પગ પછાડતો બોલ્યો. 'તમને લોકોને તમારા ઝઘડામાંથી ફુરસદ મળશે તો મારી વાત નીકળશે ને! તે દિવસે તું જ પપ્પાને કહેતી હતી ને કે, 'ઇનફ ઇસ ઇનફ, મારાથી હવે આ રોજના ઝઘડા સહન નથી થતાં. હું તો આરવને લઈને મારી મમ્મીને ત્યાં જતી રહીશ.' મોમ તમારો જે પણ ઝઘડો હોય, મને કોઈ પ્રોબલેમ નથી. લડ્યા કરો તમે, મારો મૂડ બગડતો હોય તો ભલે બગડે. અને હા, તારે નાનીને ત્યાં જવું હોય તો જજે હું કઈ કાયમ માટે ત્યાં રહેવા નથી આવવાનો. એ કરતાં તો મને કોઈ હોસ્ટેલમાં મૂકી દો. મને કઈ થયું નથી પણ જ્યાં રોજે રોજ ઝઘડા થતાં હોય ત્યાં ભણવાનો મૂડ ક્યાથી આવે," નિશાની જેમ જ નિશાના દિકરાએ મનનો ઊભરો એક સામટો ઠાલવી નાખ્યો.

નિશા તો આરવને સાંભળી સડક થઈ ગઈ.તે એકદમ ઝંખવાણી પડી ગઈ, કારણ આરવની વાત ખોટી તો નહોતી જ. નિશા અને નિમિષ નાની નાની વાતે કારણ વગર ઝઘડી પડતાં, નિશા ધમકી આપે અને વાત અલ્પવિરામે પહોંચે. તેમના અબોલાને લીધે સૌ સાથે મળીને ફરવા, પિકનિક કે સિનેમા જોવા ગયા હોય એવું તો બહુ દિવસથી બન્યું જ નહોતું. ઘરમાં સાથે મળી હસતાં ખેલતા વાતો તો ક્યાથી થાય. બંને પતિ પત્ની એકબીજાનો પ્રેમ, આદર હુંફ ગુમાવી ચૂક્યા હતા. ભૂલ તો બંનેની હતી. નિમિષ થોડો બેફિકરા સ્વભાવનો જ્યારે નિશાનો ગુસ્સો નાકની ટોચે જ રહેતો જેને કારણે ઘરનું વાતાવરણ ભારેખમ રહેતું. બંનેના ઝઘડાને લીધે આરવને હર્ટ થતું હતું, તેના ભણવા પર પણ અસર થતી જોઈ નિશાને બહુ જ લાગી આવ્યું, નિમિષને વાત કરવા જઈશ તો કદાચ ઊલટું પરિણામ આવે, ખૂબ જ વિચાર્યા બાદ નિશાએ પોતે જ પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવાનું નક્કી કર્યું. તેના વર્તનમાં ફેરફાર જોઈ નિમિષને નવાઈ તો લાગી જ, કઈ પૂછપરછ કરવાની બદલે લાગણીની નવી લહેરમાં તેને પણ તણાવાનું ગમ્યું. આરવ પણ જે પળને ઝંખતો હતો તેને માણી રહ્યો.... ન કોઈ રાવ ન ફરિયાદ, મમ્મી પપ્પાનું બદલાયેલું વર્તન જોઈ આરવ પણ અસલી મૂડમાં આવી ગયો॰

અરે હા, આ દિવાળી વેકેશનમાં આરવ મોમ ડેડ સાથે સિંગાપોર ફરવા જવાનો છે.

મીનાક્ષી વખારિયા

૯૬૧૯૨૩૦૪૯૩

તા.૯-૧-૨૦૧૫