‘આજની દેવકી યશોદા’
મીનાક્ષી એચ. વખારિયા.
Vakhariaminaxi4@gmail.com
‘આજની દેવકી યશોદા’
પ્રસૂતિગૃહની મુખ્ય નર્સ પાસેથી ‘નિધિ વહુએ દીકરાને જન્મ આપ્યાનાં’ સમાચાર મળતાં જ જ્યોતિબા ગદગદ થઈ ગયાં ને હોસ્પિટલનાં પરિસરમાં આવેલાં મંદિરમાં ભગવાનનો આભાર માનવા દોડી ગયાં. કૃતજ્ઞતાનાં ભાવ સાથે એમની આંખોમાંથી અશ્રુઓની અવિરત ધારા વહી રહી હતી. જાણે નવ નવ મહિનાઓથી મનમાં સંઘરી રાખેલો બોજ પલકવારમાં અશ્રુઓ દ્વારા ઓગાળી રહ્યા હોય ! હાસ્તો........, બોજ જ ને ! નિધિવહુને ત્રીજી વારનાં સારા દિવસો જઈ રહ્યાં છે એવું જાણ્યું ત્યારથી જ જ્યોતિબાનો જીવ ઘુંટાતો હતો. આ ફેર......દીકરો ન આવ્યો તો ? ના......ના,એવું નથી કે જ્યોતિબા સંકુચિત મનોવૃતિ ધરાવતા હતાં, એમને દીકરા જ વહાલા હતાં અને દીકરી નહીં ! જો જો રખે કોઈ ભૂલમાં રહેતાં......
જ્યોતિબાનો પરિચય આપવો બહુ જ જરૂરી છે. એમનાં પતિને પાછા થયાને આજે પંદરેક વરસ થઈ ગયા. સંતનમાં એક દીકરો અને એક દીકરી. સુખી અને સાધન સંપન્ન પરિવાર. દીકરા સુનિલને નિધિ સાથે પરણાવેલ, અને તેમને ત્યાં પહેલાં ખોળે ઇશાનો જન્મ થયેલો ત્યારે ય જ્યોતિબા રાજીના રેડ થઈ ગયા હતાં. હા, સુનિલથી મોટી રિધ્ધિના લગ્નને આજે આઠ આઠ વરસ થઈ ગયેલાં..........
વાત અહીં જ શરૂ થાય છે. દેશવિદેશનાં દાક્તરો, હકીમો, વૈધો અજમાવી જોયા, બાધા આખડીઓ રાખ્યાં છતાં હજી સુધી રિધ્ધિની ગોદ સૂની હતી. પગલીનો પાડનાર આપવામાં ઉપરવાળો જાણે રૂઠયો હશે ! હવે તો દાક્તરોનો પણ એક જ મત હતો કે તેણે ‘સંતાન દત્તક લઈ લેવું જોઈએ.’ જોકે રિધ્ધિના પતિને દત્તક લેવાવાળી વાત ગળા હેઠે ઉતરતી નહોતી, છતાં રિધ્ધિની ખુશી માટે પોતાના સગામાંથી જ જો બાળક દત્તક મળે તો લેવા તૈયારી બતાવી.
નિધિવહુએ જ્યારે ઇશાને જન્મ આપ્યો ત્યારે ય જ્યોતિબાએ લક્ષ્મીજીને ખુશીખુશી વધાવી લીધા હતાં અને તેની નામકરણની વિધિનું મોટું ફંક્શન પણ રાખેલું. રિધ્ધિ ફોઇ જ્યારે ઇશાને રમાડવા ત્યારે તેની આંખોમાંથી ડોકાઈ રહેલો ખાલીપો સુનિલ-નિધિથી અછૂતો ન રહ્યો. ધામધુમથી ઓળીઝોળીની વિધિ પતી, ભાવતા ભોજન પીરસાયા, સર્વે આમંત્રિતોની વિદાય થઈ પછી રાત્રે ઘરનાં જ સૌ દીવાનખંડમાં એકત્રિત થઈ આનંદની હળવી પળો માણી રહ્યાં ત્યારે જ અચાનક નિધિએ, રિધ્ધિ સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. “રિધ્ધિબેન, જો.....જો ના ન પાડતાં, મારી વાત સાંભળો, હવે પછી મને જે બાળક થાય તેને તમારે અપનાવી લેવાનું. હું એ બાળક પર મારો કોઈ હક્કદાવો નહીં રાખું.” ક્ષણભર માટે તો રિધ્ધિને સમજાયું નહીં કે ભાભી શું બોલી રહી છે ! “હા, રિધ્ધિબેન હું જે કંઇ પણ બોલું છું તેમાં તમારા ભાઈની સંપૂર્ણ સહમતિ છે, આ અમારો સહિયારો પ્રસ્તાવ છે.”
“ના,ભાભી હોતું હશે કાંઇ ? હું.....હું તમારું બાળક !!! તમરું બાળક કેવી રીતે દત્તક લઈ શકું ?” રિધ્ધિ અચકાતા અચકાતા બોલી. “રિધ્ધિબેન, તમને મારા સમ, એક અક્ષર પણ બોલતાં નહીં. તમે ને હું શું વેગળા છીએ ? ભવિષ્યમાં આવનારું મારું બાળક, પછી એ દીકરો હોય કે દીકરી, જે પણ હોય તે તમારું જ. મેં નક્કી કરી લીધું છે બસ હવે આગળ કોઈ સવાલજવાબ નહીં.” લાડકી નણંદને ભાભીએ અલ્ટિમેટમ આપી દીધું.
ત્યાં જ હાજર રહેલાં જ્યોતિબાથી ના રહેવાયું એટલે તેઓ બોલી ઉઠ્યા, “અલ્યા સુનીલ, આ વહુ શું બોલી રહી છે ? ધારો કે તારે ત્યાં દીકરો આવે તો શું તું રિધ્ધિને આપી દેશે ? તું જેમ ઘડપણમાં મારો આધાર છે એમ તને પણ તારા ઘડપણમાં કોઈ તો આધાર જોઈશે ને ? કાયદા પ્રમાણે તું એકવાર તારું સંતાન દત્તક આપે પછી તારો કોઈ હક્ક નહીં રહે, સમજ્યો ? કાલની કોને ખબર છે ? જે બોલે, જે કરે તે સમજી વિચારીને કરજે.”
“બા તું મારી ચિંતા નહીં કર. બધું નસીબ પર છોડી દે. સૌ સારા વાના થઈ જશે. જોજે ને મારી લાડકી બહેનનું સુખ આપણાં સૌનું સુખ બની જશે તે ! મારે તો મારી ઈશા છે પણ મારી દીદીનું કોણ ?”
“આ તો મેં તને ચેતવ્યો, પછી કહેતો નહીં કે પહેલાં કેમ ના કીધું ?” આમ સહેજ ઢીલા અવાજે જ્યોતિબેને વાત પડતી મૂકી........ને બરાબર દોઢ વરસના ગાળા બાદ નિધિએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. સૌ રાજી રાજી..... હવે ? વગર બોલ્યે સૌની આંખોમાં એક જ પ્રશ્ન રમી રહ્યો હતો, ક્યાંક નિધિ પોતાના વચનથી ફરી તો નહીં જાય ને ? પણ ના, આ તો નિધિ હતી નિધિ !!! હિમાલય જેવી અડગ ! આપેલું વચન પાળે નહીં, એવી નહોતી. તેની અડગતાને સો સો સલામ !!!
સુવાવડ દરમ્યાન જ રિધ્ધિને તેડાવી લીધી હતી અને નવજાત બાળકને રિધ્ધિની સૂની ગોદમાં મૂકી દીધેલું. રિધ્ધિએ પણ તનમનથી ભાભીની સેવા કરી,સાથે શરૂઆતથી બાબાની પણ દેખરેખમાં લાગી પડી હતી. આમ બાબો અને રિધ્ધિ એકબીજાથી ટેવાવા લાગેલા. બાબાનાં જન્મને બે મહિના પૂરા થતાં રિધ્ધિ બાબાને લઈ સાસરે ગઈ અને બાબાનાં લાલનપાલનમાં વ્યસ્ત થઈ સ્વર્ગીય સુખની અનુભૂતિ કરી રહી હતી.
દિવસો વિતતા ગયાં. નિધિએ એકવાર પણ પાછું વાળીને જોયું નથી. જાણે પુત્રજન્મનો એપિસોડ ડિલીટ થઈ ગયો હોય ! નિધિ,ઈશા અને સુનીલ પોતાની દુનિયામાં ખુશખુશાલ હતા. ત્યાં વળી નિધિને સારા દિવસો રહ્યાં. જેમ જેમ દિવસો પસાર થવા લાગ્યા તેમ તેમ જ્યોતિબાનાં ઉચાટનો પારો ઊંચે ચડવા માંડ્યો. હરઘડી હરપળ ઈશ્વરને કહેતાં કે, “હે પ્રભુ, ઝાઝું શું કહું? ભલાઈનો બદલો ભલાઈથી જ આપજે. સુનિલના વંશને આગળ વધતો જોવાનું સૌ ભાગ્ય મને દેજે, મારા વહાલા !” મન પર મણ મણનો બોજો લઈને ફરતાં જ્યોતિબાને ક્યાંય ચેન પડતું નહોતું.
આખરે એ દિવસ પણ આવી ગયો. નિધિને સવારથી જ અસખ વરતાતું હતું. જ્યોતિબા અને સુનીલ નિધિને પ્રસૂતિગૃહ લઈ આવ્યાં. સારું થયું ડોક્ટર ત્યાં હજાર જ હતાં એટલે નિધિને તરત લેબરરૂમમાં લઈ લીધી. સુનીલ અને જ્યોતિબા બહાર રાહ જોતાં બેઠા. બાને તો એક એક પળ એક એક યુગ જેવડી લાગતી હતી. તેવામાં મુખ્ય નર્સે નિધિને બાબો આવ્યાનાં સમાચાર આપ્યાં ત્યારે ખુશીથી ગદગદિત જ્યોતિબા મંદિરમાં દોડી ગયાં અને ઈશ્વરનો કોટિ કોટિ ઉપકાર માની હવાની લહેરખી જેવા હળવાફૂલ થઈ ગયાં. આમ સુખે પોતાનું સરનામું ગોતી લીધું.