Selfie With Daughter Sneha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Selfie With Daughter


સેલ્ફી વીથ ડોટરઃ

મેજ, બારી, બારણાં ધૂણવા જ માંડે આ ક્ષણે

કોલસાનું કાળજું પલટાય જો લોબાનમાં.

-ચંદ્રેશ મકવાણા.

' લોકો આટલી સરસ રીતે સેલ્ફી કેમના ખેંચતા હશે એ જ નવાઈ લાગે છે મને તો. હું તો ક્યારની મારા ક્યુટડા દીકરા વ્હાલ સાથે એક સેલ્ફી લેવાનો પ્રયત્ન કરું છું પણ અમુકમાં ફેસ લાંબો થઈ જાય છે, તો અમુકમાં જાડો,અમુકમાં બ્લર. વળી દસ વખત પ્રયત્ન કરું છું ત્યારે તો માંડ એક વખત મોબાઈલના સ્ક્રીન પર અંગૂઠો સેટ થાય અને બરાબર રીતે ક્લીક થાય છે. મોટાભાગે ભેગા થઈએ ત્યારે બીજા લોકો જ સેલ્ફી લેતા હોય છે આમ પોતાનો સેલ્ફી પોતે જ લેવાનો સમય તો પહેલી વખત જ આવ્યો છે. જે થાય એ પણ આ મહાન કાર્યમાં સફળ તો થવું જ પડશે અને એ પણ અવ્વલ નંબરના રીઝ્લ્ટ સાથે. આખરે દીકરા સાથે સેલ્ફી ખેંચવાનું છે , નહીં હોય તો સેલ્ફી સ્ટીક લઈ આવીશ પણ વ્હાલ સાથે એક સરસ મજાનું સેલ્ફી તો ખેંચીને જ રહીશ.'

ને ત્યાં જ પાડોશીના રેડિયો પર સલમાનનું ગીત વાગ્યું,' ચલ બેટા સેલ્ફી લે લે રે..' પોતાના સેલ્ફી અભિયાનના પ્રયત્નો આટલા અસરકારક કે ? વિચારીને ભૂમિકા મનોમન હસી પડી. ત્યાં જ વિરાટનું ઘરમાં આગમન થયું. બેગ સોફા પર મૂકીને, શર્ટનું ટક ઇન કાઢતાં કાઢતાં બોલ્યો,

'ભૂમિ, પાગલ થઈ ગઈ છે કે ? આમ એકલી એકલી કાં હસે ?'

'આવ વિરાટ, આવ. આ જોને આપણાં વડાપ્રધાનની જાહેરાતો..'સેલ્ફી વીથ ડોટર'. હરિયાણામાં કોઇ ભાઈએ આની હરિફાઈ કરી તો આમને ય ભૂત ચડયું ને એમણે ય હરખમાં આવીને દરેક દીકરીના માબાપને 'હેશ ટેગ સાથે સેલ્ફી વીથ ડોટર' કરીને ફોટો અપલોડ કરવાના પાના ચડાવી દીધા. પ્રજા તો જાણે સાવ નવરી ધૂપ જ છે ને..'

'અરે ભૂમિ, તો એમાં ખોટું શું છે ? એની પાછળનો એમનો આશય કેટલો સરસ છે જ ને ! દીકરીઓના ગૌરવ અને સુરક્ષાનો કેટલો સરસ હેતુ છે એમનો. ખાલી ખાલી વાતને શું કામ ટ્વીસ્ટ કરે છે?'

'અ..હ..હ...ના ના..એકચ્યુઅલી એવું કંઈ નથી. લોકો પોતાની દીકરી સાથે સેલ્ફી લે, પોસ્ટ કરે એની સામે મને શું વાંધો હોય પણ વિરાટ આપણા જેવા ફેમિલી જેને સંતાનના નામે એક માત્ર પાંચ વર્ષનો વ્હાલ જેવો દીકરો જ હોય એમણે શું કરવાનું ? આપણે તો કદી સંતાનમાં દીકરો કે દીકરી જેવા ભેદભાવ નથી વિચાર્યા.કદાચ વ્હાલના બદલે આપણે ત્યાં કોઇ સરસ મજાની ઢીંગલી હોત તો એને પણ આપણે આટલા જ પ્રેમથી મોટા કરવાના હતાં ને ? આપણાં માટે 'આપણો દીકરો કે દીકરી' જેવી માનસિકતા ક્યાં અસ્તિત્વમાં જે હોય એ ઇશ્વરની કૃપા જ છે. દીકરો હોય કે દીકરી એનાથી શું ફર્ક પડે છે - આખરે છે તો આપણું જ લોહી ને -આપણું સંતાન. હવે વડાપ્રધાનજી આમ દીકરી પ્રત્યેના વધુ વ્હાલમાં આવીને આવી આવી જાહેરાતો કરે તો એમને કદી એવો વિચાર આવે છે કે જેના સંતાનમાં ફકત એક દીકરો જ હોય એમના દિલ પર શું વીતે ? દીકરીઓ સાથેના અનેકો સેલ્ફી નેટ પર ફરતાં જોઇએ ત્યારે અમારે દીકરી નથી એનો વસવસો થઈ આવે છે એનું શું કરવાનું ? તું તો જાણે જ છે મને દીકરીનો કેટલો ક્રેઝ ! '

'ઓહોહો...મારી વ્હાલીને આ વાતનું આટલું બધું ખોટું લાગી ગયું છે એમ કે ? જો કે લાગે અને લાગવું જ જોઇએ, કારણ આ વાત તમારા સંતાનના પ્રેમ સાથે સીધી જોડાયેલી છે અને મોટાભાગે જેને પણ સંતાનમાં એક માત્ર દીકરો હશે એના મગજમાં તારા વિચાર ચોકકસ આવ્યાં જ હશે. પણ એક વાત કહે તો, વડાપ્રધાને ક્યાંય દીકરાઓ રાવણ જેવા હોય કે દીકરાઓને લાડ પાડ જ ના કરો એવા મતલબનું કશું કહ્યું છે ? આપણા સમાજનું બંધારણ જ એવું છે કે જ્યાં દીકરાઓને દૂધપીતા કરવા જેવા રિવાજો ક્યારેય અસ્તિત્વમાં જ નહી આવે, વળી કોઇ જુવાન છોકરાની લાજ લૂંટાયા જેવા કિસ્સાઓ પણ બહુ ધ્યાનમાં નહીં આવે. છોકરાઓના ય શોષણ થતા હોય છે પણ છોકરીઓ , સ્ત્રીઓ જે હદમાં સહન કરે છે એ હદ સુધી એમના ભાગે સહન કરવાનું નથી જ આવતું એ તો તું પણ માનીશ ને ? તું પણ એક છોકરી એક સ્ત્રી છું આખરે. આ કોઇ દીકરીના ભોગે કોઇ દીકરાઓના સન્માનને ઠોકર મારવાની વાત જ નથી. તકલીફ આપણી સમજશક્તિની છે. આપણે વાતને જે રીતે જોઇએ એ રીતે જ વાત સમજવા ટેવાયેલા હોઇએ છીએ. કોઇના દીકરી સાથેના સેલ્ફીને વડાપ્રધાન રીટ્વીટ કરે તો એમાં આપણા દીકરાનું માનપાન ક્યાંથી ઓછું થઈ જવાનું છે ? આપણા સમાજમાં અને ફકત આપણા સમાજ જ નહીં આખી દુનિયામાં સ્ત્રીઓને અનેક માનસિક - શારિરીક તકલીફો અને પ્રશ્નોના સામનો કરવો પડે છે એથી આ જાહેરાત ફકત સ્ત્રીઓના ગૌરવની જાળવણી કરવાનો જ છે. કોઇનું ગૌરવ વધે એવું કાર્ય કરવાથી બીજાનું ગૌરવ ઘટે એવું કદી ના હોય. આપણે સંતાનમાં ભેદભાવ નથી પણ હજુ લાખો કરોડો લોકો દીકરી સાથેની જૂનવાણી માન્યતાઓમાંથી બહાર નથી આવતા. આજકાલની દીકરીઓ એ માન્યતાઓની વાડને તોડીને આધુનિક વિચારસરણી સાથે એક મજબૂત અને સ્વતંત્ર સ્ત્રીના રુપમાં બહાર આવવા પ્રયત્ન કરે જ છે પણ સમયને, સમાજની માનસિકતાઓને બદલાતા ખાસો સમય લાગશે. આવા બધા પ્રયત્નો એ આધુનિકાઓને ચોક્કસપણે સપોર્ટ કરશે જ. આખરે તું પણ એક દીકરી એક સ્ત્રી છું જ ને ! માટે મહેરબાની કરીને તું તારી વિચારધારાને પોઝિટીવ વળાંકમાં ઢાળ અને સંતાન પ્રત્યેના અતિપ્રેમમાં અંધ ના બન. વાતને સ્વસ્થતાથી સમજવાનું રાખ પ્લીઝ. નહીંતો બીજા કોઇને તો કંઇ ફર્ક નથી પડવાનો હેરાન તો તું જ થઈશ.'

'હા વીરુ, વાતને આ દ્રષ્ટિકોણથી તો મેં જોઇ જ નહીં. આ વાત સાંભળીને જ મારું લોહી ઉકળી ગયેલું અને આવેશમાં જ મેં આવું બધું વિચારી લીધું હતું. વડાપ્રધાનજીએ જ્યારે જાહેરાત કરી હશે ત્યારે એમના મગજમાં તો આવી વાતોનો વિચાર પણ નહીં આવ્યો હોય એમણે તો એક શુભભાવના સાથે જ આવું વિચાર્યું હશે. ઉફ્ફ..આ મારો ભાવાવેશ ! સારું થયું તેં મારી વિચારધારાને યોગ્ય વળાંક આપ્યો. ચાલ હું પપ્પાને મળીને આવું.'

'અરે અચાનક, આ સમયે ?'

'હું એક દીકરી છું એ વાત યાદ કરાવીને તો હવે હું પપ્પાને મળતી આવું અને એક સેલ્ફી એમની સાથે ખેંચતી આવું ' અને ભૂમિકા ને વિરાટ બે ય ખડખડાટ હસી પડ્યાં.

અનબીટેબલ ઃ અંધારાના સામ્રાજ્ય પાછળ ઘણી વખત બંધ રાખેલી બારીઓ પણ જવાબદાર હોય છે.


સ્વ- સ્વીકારઃ

આ રમત જીતી જવામાં રસ નથી એને નકર,

આપણો ‘ઉન્માદ’ જાણે છે કે વારો જાય છે.

– મુકુલ ચોક્સી

'તમે તો બહુ આગળ વધી ગયા છો રીતુબેન ! તમને તમારી નવલકથા માટે સાહિત્યજગતનો સૌથી મોટો અવોર્ડ મળવાનો છે એવું સાંભળ્યું છે ને ! આઈ એમ પ્રાઉડ ઓફ યુ - નાઉ યુ આર અ સેલીબ્રીટી.'

'શું સેલીબ્રીટી -કંકોડા ? તમે પણ મને ચણાના ઝાડ પર ના ચડાવો હોં હીનાબેન. સેલિબ્રીટી - ફેલીબ્રીટી બધું આપણું કામનું નહી હોં કે, આપણે તો રહ્યાં સીધા સાદા ઘરને સાચવીને બેસી રહેનારા આદર્શ ગૃહિણી. આવું બધું એવોર્ડ - બવોર્ડ તો ઠીક હવે ચાલે રાખે.'

'રીતુબેન,આ તમે આમ સાવ આવી નાંખી દેવા જેવી વાત કેમ કરો છો ? તમે આટલા સારા લેખક છો. કેટકેટલા વિષયો ઉપર તમે કેટલી આસાનીથી લખી શકો છો. વળી સૌથી મહત્વની વાત કે લોકો તમને, તમારા લખાણને, તમારા વિચારો -આદર્શોને ખૂબ ખૂબ પસંદ કરે છે. તમારા પાંચ પુસ્તકો છ્પાઈ ચૂક્યા છે અને બીજા બે છ્પાવા માટે પ્રેસમાં. તો હવે કહો તમે એક સામાન્ય નારી, માણસ કેમના કહેવાઓ ?'

'જુઓ હીનાબેન, આ બધું તો હું મારા નવરાશના સમયમાં કરું છું. મારો સમય રચનાત્મક કાર્યમાં પસાર થાય એ જ મુખ્ય કારણ છે. પણ મારું ઘર પહેલું એ પછીના નવરાશના સમયમાં જ આ બધું લખવાનું કાર્ય કરું. ઘરની જવાબદારી માથે રાસડા લેતી હોય તો હું મારો જીવ લખવામાં ય ના પૂરોવી શકું. મારા માટે તો મારું ઘર પહેલાં.'

'રીતુબેન, મેં તમારી એ વાતનો ક્યાં વિરોધ કર્યો છે. ઉલ્ટાનું મને તો તમારા એ સ્વભાવને લઈને તમારી ઉપર માન છે કે તમે તમારી બધી જવાબદારીઓ સુપેરે પતાવીને મળતા નવરાશના સમયની હળ્વી પળોમાં આરામ કરવાનું વિચારવાને બદલે એ સમયનો આવો સર્જનાત્મક રીતે ઉપયોગ કરો છો. પણ તમે આટઆટલું કામ કરીને પછી પણ પોતાની જાતને સાવ જ સામાન્ય માનવી માનો છો એ મને નથી ગમતું. મારો વિરોધ ફકત એ એક જ બાબતે છે. તમે હવે એક સેલીબ્રીટી છો તો છો, એમાં કોઇ જ મીનમેખ ના કાઢી શકાય. સૌપ્રથમ તો તમારે પોતે એ વાતને સ્વીકારતા શીખવું પડશે.'

'બળ્યુ એ શું બધું ? તમને ખબર છે હીનાબેન ? મારી ત્રણ ત્રણ બુક છ્પાઈ ગઈ ત્યાં સુધી તો મારી બાજુવાળાને પણ નહતી ખબર કે હું લેખનના ક્ષેત્રે જોડાયેલી છું. એ તો મારી નીચેના ફ્લેટમાં એક ભાઈનું મૃત્યુ થયું અને એ વખતે મેં મારા પ્રેસના કોન્ટેકટનો યુઝ કરીને એમની મરણનોંધ છ્પાવવામાં મદદ કરી ત્યારે તો એમને મારા કામનો થોડો ઉપરછલ્લો ખ્યાલ આવ્યો કે આ કંઈક આવું કામ કરે છે.' અને રીતુબેને એક ખડખડાટ ઝરણાં જેવું હાસ્ય રમતું મૂકી દીધું. હીના એમના એ ખિલખિલાતા ચહેરા તરફ બે પળ જોઇ જ રહી અને કંઇક વિચારીને બોલી,

'રીતુબેન, તમે આ જે કહો છો એ તમારી નમ્રતા છે પણ એક હદથી વધુ નમ્રતા પણ ખોટી કહેવાય. તમે આટલી લગનથી જે કાર્ય કરો છો અને એમાં આટલી હદ સુધી સફળ પણ થાઓ છો એના પર તમને ગર્વ તો હોવો જ જોઇએ. જો તમે જ તમારી જાતને મૂલ્યવાન નહી સમજો તો લોકો તો હીરાને કાચ અને કાચનો હીરો કરવા તૈયાર જ છે. પ્રાથમિક સમજ તો ચમક દમકની જ છે એ પછી એના પાસાં જોવાની તસ્દી લેવાય છે. તમે તો તમારી ચમકનો જ અસ્વીકાર કરો છો તો પાસા કેમના ઉજાગર કરી શકશો ? લોકો જે વિચારી પણ નથી શકતા એવી ઇતિહાસની - વિજ્ઞાનની ગૂઢ વાતો પર અદભુત સંશોધન કરો છો, માનવસંબંધોને, મૂલ્યોને માન આપો છો, લોકોની માનસિકતાનો પૂરા ઉંડાણપૂર્વક અભ્યાસ કરો છો અને એ પછી તમે તમારી કલમમાં સરળતાની શાહી ભરીને એક સરસ મજાની નવલકથા લોકોને પીરસો છો. કેટકેટલી મહેનત અને ઉપાસના ! આ કોઇ સામાન્ય નારીનું કામ કેવી રીતે હોઇ શકે મને તો એ જ નથી સમજાતું ? તમારા જેવા પરિવર્તનશીલ લેખક પોતાની જાત, ઓળખ માટે આટલા ઉદાસીન અને જડ કેમ છે એ જ મને નથી સમજાતું? જાતને સાવ આવી છેલ્લી કક્ષાએ જઈને કેમ મૂલવો છો ?'

રીતુબેન આંખો ફાડીને હીનાબેનની સામે જોઇ જ રહ્યાં અને હીનાબેનની વાત આગળ વધી,

'રીતુબેન, તમે ઘરમાં જ રહીને ઘર પણ સંભાળૉ છો અને આ લખાણ - આવડત દ્વારા પૈસા પણ કમાઈ જાણો છો. ઘરે બેઠા આટલા પૈસા, માન - સન્માન...અહોહો...તમને બધું આસાનીથી મળી જાય છે એટલે કદાચ તમને એનો અહેસાસ નથી. લોકોની તો આખી જિંદગી આમા નીકળી જાય છે. મળ્યું છે એ નસીબ હોય કે આવડત પણ એને સાચવતા અને એની કદર કરતાં તો શીખવું જ જોઇએ. આવું જડ વલણ ના ચાલે તે ના જ ચાલે. એક કામ કરો, થોડી વાર તમારી અંદર ડૂબકી મારો અને વિચારો કે તમે આવા વલણ દ્વારા શું મેળવ્યું ? તમે જેને લાયક છો એ બધું મેળવી શક્યા છો કે અંદરખાને બીજાઓને તમારાથી પા ભાગની લાયકાતે પણ આગળ વધી ગયેલા જોઇને તકલીફ અનુભવો છો એ વિચારી જુઓ તો કદાચ તમને મારી આખી વાત સમજાઈ જશે.'

અને રીતુબેન સાચ્ચે આંખો બંધ કરીને વિચારોના સમંદરમાં ડૂબકી મારી ગયાં. થોડીક ક્ષણો પછી એમની આંખો ખુલી તો એમાંથી હીનાબેન માટે આદરથી બે અશ્રુમોતી ટપકી પડયાં.

અનબીટેબલ ઃ જાતને સૌપ્રથમ આપણે જાતે જ ઓળખતા - સ્વીકારતા શીખવું પડે છે પછી તો બધુ એની જાતે થઈ જાય છે.


અમારો જમાનો -

આંખ મારી એક એવો કોયડો,

જામ ખાલી છે છતાં છલકાય છે.

-હર્ષ બ્રહ્મભટ્ટ

'પ્લીઝ પપ્પા, હવે અમે થાકી ગયા છીએ આ તમારા જમાનાની વાતો સાંભળી સાંભળીને. બસ કરો. આજે જ્યારે બે બે વર્ષે જમાનો બદલાઈ રહ્યો છે ત્યારે તમે અમારી પાસે આજથી ચાલીસ વર્ષ પહેલાંના તમારા વર્તન જેવી અપેક્ષા રાખો એ કેટલું વ્યાજબી ? થોડા સમજુ બનો ને જમાનાની બદલાતી હવાઓ સાથે તમારા સ્વભાવની તાલમેલ સાધીને જક્કીપણું છોડતાં શીખો.'

એક શ્વાસે આટલું બોલીને ઓગણીસ વર્ષનો અપૂર્વ માઇલોના માઇલોનું અંતર દોડી આવ્યો હોય એમ હાંફી ગયો. યુવાન વય હતી એટલે બોલીને હાંફી ગયો હોય એના કરતાં આવેશમાં હાંફી ગયો હશે એમ માનવું વધુ યોગ્ય લાગતું હતું. એની બાજુમાં ઉભેલી અપૂર્વથી બે'ક વર્ષ નાની એની બેન આસ્થાએ પણ ભાઈની વાતમાં નજરથી જ મૂક સંમતિનો સૂર પૂરાવ્યો.

અશ્વિન અને અર્પણા - અપૂર્વ - આસ્થાના મમ્મી પપ્પા પોતે સંતાનોના ઉછેરમાં ક્યાં ચૂક્યા જેવા અપરાધભાવથી એકબીજાનું મોઢું તાકતા રહી ગયાં. વાતમાં ફક્ત એટલું જ હતું કે અશ્વિને બે ય સંતાનોને સમય મળે ત્યારે એની મમ્મીને ઘરકામમાં મદદ કરાવવા જેવી શિખામણ આપી હતી. બે ય જુવાનિયાઓને કોલેજ,સ્કુલ ને ટ્યુશનક્લાસીસ પછી જે સમય વધે એમાં તેઓ દોસ્તારો, બહેનપણીઓ સાથે ફરવા, રમવા ઉપડી જતાં ને કોઇ જ ના મળે તો મોબાઈલ, લેપટોપમાં માથું ઘાલીને પડ્યાં રહેતાં જેમાંથી ફક્ત ભૂખ લાગે કે પૈસાની જરુર હોય ત્યારે જ એમનું માથું ઉંચુ થતું હતું. પોતાની એક અલગ જ દુનિયામાં જીવતા હતાં.

જોકે અશ્વિનને એની સામે કોઇ વાંધો નહતો. એમની ઉંમર છે તો ભલે આરામથી જીવે પણ આજકાલ અર્પણાની તબિયત ગાયનેક પ્રોબ્લેમને લીધે નરમ ગરમ રહેતી હતી. તબિયત સારી હોય ત્યારે એ રાંધતી ને ના ઠીક લાગે તો પથારીમાં પડી રહેતી. એવા સમયે પણ એમના જુવાનજોધ સંતાનો પોતાની જવાબદારી સમજતા નહતાં ને બહારથી ખાવાનું લાવીને ખાવાની નોબત આવતી. મમ્મીની તબિયત તો રોજ આવી જ રહે ..ચાલ્યાં કરે..એમાં આપણી લાઈફસ્ટાઈલમાં શું કામ ફર્ક પડવો જોઇએ..? આ તો રોજનું થયું ! બસ, આ લાગણીશુષ્કતા - બેજવાબદારી અશ્વિનથી સહન નહતી થતી.

અશ્વિનનું બાળપણ બહુ જ ગરીબીમાં વીતેલું હતું. બે બેન ને બે ભાઈમાં એ સૌથી મોટો ભાઈ. નાના ભાઈ બેનોને ભણાવવા ને મોટા કરવામાં એણે બારમા ધોરણ સુધી અભ્યાસ કરીને નોકરી શોધી લીધેલી અને અઢળક પરિશ્રમ કરીને પોતાના ભાઈ બેનોની જવાબદારી પૂરી કરીને પછી જ એણે પોતાનો સંસાર માંડ્યો. પોતે જેવું જીવેલો એવું પોતાના સંતાનો તો નહીં જ જીવે, પોતાનું બાળપણ ભલે અનેકો અભાવોમાં વીત્યું પણ પોતાના આંખના તારાઓને તો એવું જીવન નહીં જ જીવવા દે. દિન રાત જોયા વિના ટાઢ તડકો વેઠીને ય એ મહેનત કરતો અને એ મહેનત આખરે રંગ લાવી હતી. આજે એની પાસે સારા એરીઆમાં ત્રણ બેડરુમવાળો સુવિધાયુકત ફ્લેટ અને બે મોટી ગાડીઓ હતી. સંતાનો પાણી પણ ના માંગે ત્યાં તો એ ફ્રૂટ જ્યુસીસ ને આઇસક્રીમ લાવીને મૂકી દેતો. અર્પણા એને કાયમ ટોકતી કે તમારા લાડપાદ છોકરાઓને બગાડી મૂકશે પણ અશ્વિનના મગજમાં તો એક જ ધૂન..પોતે જે સહન કર્યું એ પોતાના સંતાનો તો નહીં જ કરે બસ ! અને આજે એ જ બે સંતાનો એમને આમ કહેતા હતાં એ જાણીને અશ્વિન સાવ ભાંગી ગયો.અશ્વિનની હાલત જોઇને અર્પણા ય અંદર સુધી હાલી ગઈ. કોઇ દિવસ એ સંતાનો અને બાપની વાતોમાં માથું ના મારતી પણ આજે એનાથી ના રહેવાયું,

'અપૂર્વ, આ તું શું બોલે છે તને ભાન બાન છે કે નહીં ?' ના ઇચ્છવા છતાં ય અર્પણાનો અવાજ થોડો તીખો થઈ ગયો.

'ઓહ કમઓન મમ્મી, હવે તું ચાલુ ના કરીશ પ્લીઝ. આજના ઇન્ટરનેટના જમાનામાં તમે લોકો તમારા જમાનાની લેન્ડલાઈનની તકલીફોની વાત કરો તો કેવું 'ફની' લાગે ! તમારે થોડું સમજવું જોઇએ..તમે જે જીવ્યાં એ સમય અલગ હતો જે આજનો સમય અલગ છે. આજના જમાનાની માંગ અલગ છે. અમે લોકો તમારી જેમ જીવવા બેસીશું તો સાવ લલ્લુ જ લાગીએ ને !' આસ્થાના જુવાન અવાજમાં કડવાશ ભળેલી હતો.

'છોકરાંઓ, તમારા પિતાજીની એક ભૂલ એ થઈ ગઈ કે એ જે અભાવમાં જીવ્યાં એનો આછો સરખો છાંયો પણ તમારા ઉછેરમાં ના પડવા દીધો. જુઓ બેટા, દરેક મા બાપનું એક કોમન સપનું હોય હોય ને હોય જ કે એ જે જીવ્યાં , એમના સંતાનો એમનાથી સારું જીવન જ જીવે. કાલે તમે જ્યારે પરણશો ને સંતાનના માતા પિતા થશો ત્યારે તમે પણ એમ જ વિચારશો. હવે અભાવોની જિંદગીથી સુખસાહ્યબીની જીંદગી સુધીની સફર માતા પિતાએ કેમની પાર કરી હોય એ તો એ લોકો જ જાણતાં હોય. તમે આજકાલના લોકો મોર્ડનના નામે આધુનિક ઉપકરણોના ગુલામ બનીને આળસુ બની ગયાં છો. અમારા સમયમાં સારું જ છે કે આ બધું નહતું અને અમે પરિશ્રમી બની શક્યાં. જોકે તમે મોર્ડન, સ્માર્ટ બનો એની સાથે તો અમે ય ખુશ જ છીએ પણ એ સ્માર્ટનેસના ચક્કરમાં કોઇ જ કામ ના કરવું કે કોઇ જવાબદારી નિભાવવાની તસ્દી જ ના લેવી એના જેવી ખોટી વાત તો બીજી એક પણ નથી..નથી ને નથી જ. વળી તમને કામ પણ શું કહ્યું છે..ઘરમાં મદદ કરવાનું જ ને...તો એમાં શું મોટી - સ્માર્ટનેસની વિરુધ્ધની વાત થઈ ગઈ?'

'મમ્મી, અમારા ગ્રુપમાં કોઇ જ છોકરી કે છોકરો ઘરમાં કામ નથી કરાવતાં. અમે લોકો તો તો પણ તમને શાકભાજી, કરિયાણું લાવી આપીએ છીએ પણ એ લોકો તો સાવ જ.. ના માનતા હો તો લો પૂછી જુઓ કોઇને પણ..પણ ના, તમે તો એ સ્વીકારવાને બદલે અમે નાના હતાં ત્યારે અમારા માતા પિતાને આમ મદદ કરતાં ને તેમ કરતામાંથી જ ઉંચા નથી આવતાં. સમજતાં કેમ નથી તમે કે જમાનો બદલાઈ ગયો છે.'

'દીકરા જમાનો નહીં પરિસ્થિતી બદલાઈ છે અને એ બદલનારા તમારા પિતા છે. તમારી પાસે જરુર કરતાં ય વધુ પૈસો છે એનું શ્રેય તમારા પિતાના અભાવભરેલ બાળપણને જાય છે. બાકી એ જે પરિસ્થિતીમાં જીવ્યાં છે એમાં જ તમને જીવાડ્યાં હોત તો આજે તમે લોકો તો સાવ તૂટી જ ગયાં હોત, તમારા પિતા પાસે તો આત્મવિશ્વાસ અને ઘર માટે કંઇ પણ કરી છૂટવાની લાગણીને મૂડી ભરપૂર હતાં તમે તો ત્યાં ય ખોખલાં સાબિત થઈ જાઓ છો. બે મહિના પોકેટમની વગર જીવીને, મેનેજ કરીને બતાવો તો ખબર પડે. તમારા પપ્પા જે સ્થિતીમાં જીવ્યાં એ જ સ્થિતીમાં આજે પણ લાખો લોકો જીવે જ છે અને એમને તો સ્માર્ટનેસ, મોર્ડન એવું બધું વિચારવાનો, સમજવાનો સમય સુધ્ધાં નથી મળતો. એ ય પપ્પાની જેમ જ આંખો બંધ કરીને કચકચાવીને જીવ્યે જ જાય છે. ખરા અર્થમાં તો સતત અભાવો - જવાબદારીના પહાડોમાં માથા મારીને પાણી કાઢનારા તમારા પિતા તમારા કરતાં વધુ સ્માર્ટ અને મોર્ડન કહેવાય એ વાત ના ભૂલો. એ તો સમય પરિસ્થિતી પ્રમાણે સતત બદલાતા રહ્યાં છે તમે લોકો સ્માર્ટનેસ ને મોર્ડનના નામે આળસુ બની ગયા છો એ જુઓ. કામથી બચવામાં નહીં કામ કરીને સ્થિતી સંભાળી લેવામાં જ સ્માર્ટનેસની ખરી કસોટી થઈ જાય. સમજવાનું અમારે નહીં તમારે છે. અમે તો ઘણી પરીક્ષાઓ ડીસ્ટીન્કશન સાથે પાસ કરી ચૂક્યાં દીકરા..વારો તો હવે તમારો છે.'

અપૂર્વ અને આસ્થા પાસે મમ્મીની ધારદાર વાતો સામે બોલવા કંઈ ખાસ બચ્યું નહતું પણ જીવન સારી રીતે જીવવા અને પોતાના સંતાનોને ય સારું ભવિષ્ય આપવા પોતાના બાપાએ કમાઈને આપેલી સુવિધાઓવાળી સ્માર્ટનેસમાંથી બહાર નીકળીને પરિશ્રમ કરીને પોતાની સ્માર્ટનેસ કમાવા તરફ એક ડગલું ભરવું જ પડશે એવું તો એ બે ય ને સમજાઈ જ ગયેલું.

અનબીટેબલ ઃ આજે માણી શકાતી સુગંધ પાછળ અનેક વર્ષના પરિશ્રમનો ભૂતકાળ શ્વસતો હોય છે.


અસામાન્ય:

વિસ્મય અને અભાવ બેઉં દોસ્ત છે,
સાચું પૂછો તો હું ય એ અટકળ મહીં હતો.

- શ્યામ સાધુ

શહેરથી બે કલાકના અંતરે આવેલા રિસોર્ટમાં આરામ કરવાની મંશાથી શ્રવણ એના ફેમિલી સાથે બે દિવસ રોકાવા આવ્યો હતો. એક દિવસ તો રિસોર્ટમાં ફરવામાં અને સ્વીમિંગ પુલમાં જ કાઢ્યો. મોંઘો રીસોર્ટ હતો એટ્લે વસ્તી પણ ક્રીમ - સોફીસ્ટીકેટેડ હતી. આખા દિવસ દરમ્યાન કરેલી મજા વાગોળતા વાગોળતાં બધા રાતે ક્યારે સૂઇ ગયા ખબર જ ના પડી.

બીજા દિવસ શ્રવણની આંખ ખૂલી અને એની નજર સામે એક નવું વિશ્વ તરવરી ઉઠ્યું. એણે મોબાઈલમાં નજર કરી, હજુ તો સવારના છ જ વાગ્યા હતાં. શ્રવણ તો રોજ આઠ વાગ્યે પણ માંડ માંડ ઉઠનારો જીવડો. કંપનીના કામથી ભૂલેચૂકે ય કોઇ દિવસ એને સવારે વહેલાં ઉઠવાનું હોય તો કામ તો મોબાઈલ, અલાર્મ કલોક અને ટીવીમાં પણ ટાઇમર સેટ કરીને સૂઇ જાય ત્યારે એ સાહેબજાદા માંડ માંડ સવારે ઉઠી શકે. જરુરી કામો તો પતાવી લે પણ આખો દિવસ શરીર થાકેલુ થાકેલુ - આળસથી ભરપૂર લાગે જ્યારે આજે તો નવાઈજનક રીતે છ વાગ્યામાં જ આંખ એની જાતે જ ખૂલી ગઈ હતી અને તન મન સદંતર ફ્રેશ લાગતું હતું. એણે બે હાથ ઉંચા કરીને આળસ મરડી અને ઉંડો શ્વાસ ભર્યો તો એનું મગજ સુગંધથી તરબતર થઈ ગયું. બંધ આંખે એ સુગંધ માણતા માણતા જ અચાનક આ સુગંધનું સરનામું શોધતા શોધતા એની નજર કોટેજની નાની શી બારી તરફ ગયું ને એ સંમોહિત થઈ ગયો. બારીમાંથી આંબાની ડાળીઓ લચી પડેલી દેખાતી હતી એના ઉપર સફેદ ઝીણી ઝીણી ને રુપાળી આમ્રમંજરીનો વૈભવ લહરાઈ રહ્યો હતો. આંબાની નાની નાની લીલીછ્મ કેરીઓ ઉપર સમરંગીયો પોપટ ચાંચ મારી- મારીને ધમાલ કરી રહ્યો હતો. એની બાજુમાં શ્વેત મોગરો વાતાવરણને એની સુગંધથી ભરી રહ્યો હતો. શ્રવણે આંખ બંધ કરીને કુદરતના આ વૈભવને વાગોળ્યો અને મનોમન એનો નશો અનુભવવા લાગ્યો.

પૈસા, પૈસા અને પૈસાની રણઝણ સાંભળવા જ ટેવાયેલા આ કાનમાં આજે પોપટ, ખિસકોલી, કોયલ, સૂકા પર્ણના અવાજ તો બાજુમાં મૂક્યા પણ માળી ફૂલછોડને પાણી પીવડાવી રહ્યો હતો એ પાણીની વાછટનો અવાજ સુધ્ધાં ઝીલતા હતાં. શ્વાસ તો એ રોજ લેતો હતો પણ આવી સ્વર્ગીય અનુભૂતિ તો એને ક્યારેય નહતી થઈ. થોડો સમય એમ જ પડ્યા પડ્યા એ બધું માણ્યા કર્યું પછી એણે સૂરીલી એની પ્રિયા અને વરુણ એના લાડલાને ઉઠાડ્યાં અને બેડ ટી મંગાવી. ફ્રેશ થઈને નાનકડું સુંદર મજાનું ફેમિલી બ્રેકફાસ્ટ લેવા હાલ્યું. બ્રેકફાસ્ટ પછી થોડો સમય ત્યાંના જીમમાં થોડું વર્ક આઉટ કરીને બાપ દીકરો લોનમાં બેડમિન્ટન રમવા લાગ્યા અને સૂરીલી યોગાના રુમમાં ગઈ. લગભગ દસ વાગ્યા સુધી આ બધી ક્રિયા ચાલી અને વરુણને યાદ આવ્યું,

'પપ્પા, દસ વાગી ગયા હવે આપણે કોટેજમાં જઈને તૈયાર થઈ જઇશું. આપણે વોટર રાઈડસમાં જવાનું છે ને ?'

અને શ્રવણનું દિલ અચાનક ખટાશથી ભરાઈ ગયું. વોટર રાઈડ્સ..ઉફ્ફ...એને આ ભીડભાડવાળી જગ્યાઓની એલર્જી હતી અને સૂરીલી અને વરુણ એની જ જીદ પકડીને બેઠા હતાં. છેલ્લાં બે વર્ષથી તો એ આ વાતને ટાળી રહ્યો હતો પણ આ વખતે એની એક ના ચાલી અને એણે અહીં આવવું જ પડ્યું હતું. ઓખળમાં માથું નાખ્યું છે તો હવે...પડશે એવા દેવાશે વિચારીને શ્રવણ તૈયાર થયો.

વોટરરાઈડસના પ્રવેશદ્વારમાં જતાં વેંત જ શ્રવણનું માથું ભમી ગયું. સામે ગામડિયા અને શહેરી વસ્તીનો ખીચડાનો સમંદર લહેરાઈ રહ્યો હતો. ૮૦ ટકા દેશી અને લફર ફફર, લઘરવઘર ડ્રેસિંગવાળી વસ્તી આમથી તેમ અથડાતી અથડાતી ચાલતી હતી. શાવર લઈને લોકરરુમમાં બેગ મૂકવા જતાં પણ એક અજીબ સી અજંપાની સ્થિતી શ્રવણને ઘેરી વળી. મન અંદરથી ખતરનાક રીતે અકળામણ અનુભવતું હતું. જોકે વેકેશન પૂરું થઈ ગયેલું હતું એટલે વસ્તી ધાર્યા કરતાં ખાસી ઓછી હતી. વળી એજ્યુકેટેડ અને વ્યવસ્થિત મેદની પણ નજરે પડતી હતી.પણ આ સાવ જ દેશી અને અમુક અંશે જંગલી જેવા લોકોની સાથે રાઈડસમાં કેમનું જવાય ? શ્રવણને આખા શરીરે અરેરાટી વ્યાપી ગઈ. બે મિનીટ તો એને સૂરીલી પર ગુસ્સો પણ આવી ગયો. વરુણ તો બાળક છે પણ એને ય નથી સમજાતું કે આવી જગ્યાએ ના જવાય ! આવી વસ્તીની વચ્ચે શ્વાસ પણ ભારે ભરખમ થઈ ગયા અને એણે સૂરીલીની સામુ જોયું તો એ એની સામે હસી રહી હતી અને હળ્વેથી એનો હાથ દબાવીને 'જસ્ટ રીલેક્સ' નો મૂંગો સંકેત આપી રહી હતી. એનું મધમીઠું સ્મિત શ્રવણની નબળાઈ ને એક વજનદાર શ્વાસ ફેફસામાં ભરીને એણે સૂરીલીની સાથે કપલરાઈડમાં જવાનો નિર્ધાર કર્યો. વરુણ તો એકલો એકલો રાઈડસની મજા માણતો જ હતો. એની મસ્તી, ખુશી જોઇને શ્રવણ થોડો ખુશ થયો..રીલેકસ પણ. એટલામાં વરુણનો નંબર આવી ગયો અને એમના પગ આગળ એક ટુસીટર ટ્યુબ ગોઠવાઈ ગઈ. સૂરીલી આગળ અને શ્રવણ એની પાછળ બેઠો. આટલી ઉંચાઈ ઉપર સૂરીલીનો સાથ અને ઠંડક, રોમાંચક વાતાવરણ..શ્રવણ આજુબાજુના વાતાવરણમાંથી નીકળીને રાઈડસના રોમાંચમાં પૂરોવાઈ ગયો. રાઈડસ ચાલુ થઈ અને ઝૂ...મ..મ..ઝૂમ્મ....કરતી ટ્યુબ ઉબડ ખાબડ લપસણી પર લસરવા લાગી. ટ્યુબની સ્પીડ, પાણીની વાછટ , સૂરીલીની રોમાંચકારી ચીસો...શ્રવણ પોતાની જાતને હલ્કો ફૂલ અનુભવવા લાગ્યો. અડધી મીનીટમાં તો એમની ટ્યુબને બ્રેક વાગી ગઈ અને એ બે ય જણ પાણીમાં એક સાથે ઓમ ધબાય નમઃ ! સૂરીલીને સ્વીમીંગ નહતું ફાવતું એટલે શ્રવણ એને મદદ કરવા ઉભો રહ્યો. આજુબાજુની દેશી વસ્તી ને એમના અતિસામાન્ય એટીટ્યૂડની શ્રવણ પર કંઇજ અસર નહતી થતી. એની અંદરનું બાળક ફરી ફરીને એક પછી એક રાઈડસની મજા માણવા ઉત્સુક બની ગયું.

થોડો થાક્યો અને થમ્સ અપ લઈને એ લોકો વચ્ચે પોરો ખાવા બેઠાં.શ્રવણે સ્વીમીંગ પૂલમાં નજર નાંખી તો રાઈડસ પતાવીને પાણીમાંથી બહાર નીકળતા દરેક ચહેરા પર ખુશીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળતું હતું. આખું વાતાવરણ ખુશખુશાલ - પોઝીટીવ તરંગોથી ભરપૂર હતું. બધા જ ઇશ્વરના નિર્દોષ બાળ સમા ભાસતાં હતા. દરેક જણ પોતાની મસ્તીમાં મસ્ત. જીવન છે તો આજે અને અહીં આ જ પળમાં છે એવી અનુભૂતિ સાથે દરેક જણ લખલૂટ મસ્તી લૂંટી રહ્યું હતું. અચાનક શ્રવણને પોતાની જાત પર શરમ આવવા લાગી. જે રાઇડસથી દરેકને ખુશીનો અહેસાસ થતો હતો એ રાઇડસને એ કેવા સામાન્ય કારણોસર તિરસ્કારતો હતો. એવી મજા માણનારા સામાન્યથી અતિસામાન્ય માણસોથી એ કયાંય ઉપર છે જેવી ખોટી માન્યતા લઈને હેરાન થતો હતો. પોતે પણ એક માણસ જ છે અને એ પણ સામાન્ય જ...કદાચ સામાન્ય બની રહેવામાં જ ભલાઈ છે નહીં તો આવી અસામાન્ય મજા એ ક્યારે માણી શકત ? અને મનોમન એ મરકી ઉઠ્યો. સૂરીલી બાજુમાં બેઠી બેઠી એની દરેક હિલચાલ ધ્યાનથી નિહાળી રહી હતી. એની બેટરહાફ એક પણ શબ્દ વિના ચાલી રહેલ મનોમંથનને સ્પષ્ટપણે સમજી પણ રહી હતી અને એના દરેક હાવભાવનો સાચો તાગ પણ કાઢી રહી હતી. છેલ્લે શ્રવણના મરકાટથી એના મુખ પર પણ એક સંતોષી સ્મિત ફરી વળ્યું.
ઘટનાઓ :

સમય જતાં જ ફરી ગોઠવાઈ જાય બધું,

સતત ન કોઈને આવ્યા-ગયાનું હોય દરદ.

~અશોક ચાવડા ‘બેદિલ’

ઘરની તાજી તાજી રંગાયેલી દિવાલ પર કરોળિયાનું મોટું મસ જાળું જોઇને સફાઈપસંદ રાઈશાનો મૂડ ઓફ્ફ થઈ ગયો. ટિપોઈ પર અંગ્રેજી મેગેઝિન પડેલું એ લીધું અને સોફા ઉપર ચડીને દિવાલ પરથી એ જાળું સાફ કરવાનો પ્રયત્ન કરવા લાગી. જાળું સાફ કરવામાં એકધ્યાન રાઈશાને સોફાની કિનારીનું ધ્યાન ના રહ્યું અને ધબા..ક દઈને સોફા પરથી નીચે પડી. લૉ-સીટીંગ સોફા હોવાથી રાઈશાને કંઈ ખાસ વાગ્યું નહીં પણ પોતાની બેધ્યાની પર હસવું કે અકળાઈ જવું એ નક્કી નહતી કરી શકતી. ત્યાં જ એના કાને અટ્ટહાસ્ય અથડાયું ને એની નજરે એ અવાજનો પીછો કરતાં જ સામે એની કામવાળી રમલી નજરે પડી.

'અર..ર...ર બુન, આ ચ્યમના પડી ગ્યાં ? '

'કંઇ નહી રમલી, એ તો પેલું જાળું છે ને એ સાફ કરવા સોફા પર ચડેલી ને ધ્યાન ના રહેતાં બેલેન્સ ના રહ્યું ને પડી ગઈ પણ બહુ વાગ્યું નથી. ચિંતા ના કર અને જા પેલી બાંબુ સાવરણી છે ને એ લઈને આ જાળું તું પહેલાં સાફ કરી નાંખ એટલે મારા જીવને ચેન પડે.'

અને રમલી પોતાની સાડીનો છેડો કમરની ફરતી ગોળ વીંટાળીને પોતાના કામે ચડી.

વિરાજ - રાઈશાનો પતિ ઘરમાં પ્રવેશી જ રહેલો ને એની નજરે આ આખું દ્રશ્ય ઝડપાઈ ગયું. રાઈશાની નજીક સોફા ઉપર બેઠો અને બોલ્યો,

'આજકાલ કેમ આમ અકળાયેલી અકળાયેલી રહે છે રાઇશુ ?'

'ના..ના..એવું કંઈ નથી વિરાજ, આ તો એમ જ આ સાફ સફાઈ કરવામાં...'

'હું આજની વાત નથી કરતો. છેલ્લાં મહિનાની વાત કરું છું ડીઅર.' વિરાજે રાઇશાની વાત વચ્ચેથી કાપતાં કહ્યું.

'તારા મનનો વહેમ છે બધો.'

'મારી આંખોમાં આંખ મિલાવીને કહે તો કંઈ જ વાત નથી.' અને રાઇશાની ચોરી પકડાઈ ગઈ. એ વિરાજથી નજર બચાવવા લાગી. એને ખબર હતી કે એ વિરાજની આંખોમાં આંખ નાંખીને બોલવા જશે તો એના દિલનો ચોર પકડાઈ જશે.

'રાઇશુ, મને ખબર છે કે જે દિવસથી આપણી ગાડીમાંથી એક લાખ રુપિયાના દાગીનાની ચોરી થઈ ત્યારની તું અકળાયેલી અકળાયેલી રહે છે. પણ ડીઅર, એ દાગીનાનો બટવો તો તારા ધ્યાન બહાર તારા પર્સમાંથી સરકીને ગાડીની ફ્રન્ટ સીટ પર પડી ગયેલો અને પેલું કાગનું બેસવું ને ડાળનું પડવુંની જેમ એ જ દિવસે ચોરની નજર પણ એના પર પડીને એણે હાથ સાફ કરી દીધો. પણ ઠીક હવે, વાત પતી ગઈ. આમ વારંવાર જાતને વખોડ્યા કરવાથી થઈ ગયેલ વાત બદલાઈ નથી જવાની. બહાર નીકળ એ ઘટનામાંથી.'

'હું બહુ જ બેદરકાર છું મને ખબર છે. જો ને હમણાં એ જ બેદરકારીને કારણે સોફામાંથી પડી ગઈ ને. પણ હું શું કરું ?'

'અરે આવી નાની મોટી ઘટનાઓ તો બધાની સાથે થતી હોય છે. તું કંઈ નવી નવાઈની નથી. અચ્છા તું એમ કેમ નથી વિચારતી કે ગાડીમાંથી ફકત દાગીનાનો બટવો જ ચોરાયો બાકી ચોરવા જેવું તો ગાડીમાં ઘણું બધું હતું. ડીવીડી, તારું લેપટોપ, લેપટોપની બેગમાં તારું વોલેટ, વોલેટમાં તારા ક્રેડિટકાર્ડ, તેં જે મોંઘી મોંઘી સાડીઓનું શોપિંગ કરેલું એ શોપિંગ બેગ્સ ..કેટલું કેટલું હતું ! વળી તું એમ કેમ નથી વિચારતી કે, 'બની શકે કે સોયનો ઘા સૂળીએ ટળ્યો. બાકી જો તારું આખું પર્સ જ ગાડીમાં રહી ગયું હોત તો ? એમાં આપણે પાર્ટીને ચૂકવવાના દસ લાખની કેશ હતી..ઓહ્હ..આવી ઘટનાનો તો વિચાર પણ નથી આવતો . ને થઈ ગયું એ થઈ ગયું ને બદલી શકાવાનું નથી વળી ઘટનાને જેમ લઈએ એમ હોય છે તો આપણે પોઝીટીવ વિચાર જ કરીએ ને મનને શાંત રાખીએ એ જ વધુ હિતાવહ નથી. '

'હા વિરાજ, તારી વાત સાચી છે.' રાઇશાના મોઢા પરના હતાશાના વાદ્ળ થોડાં વિખરાઈ ગયાં. વિરાજે રાઇશાનો હાથ પોતાના હાથમાં લીધો અને અવાજમાં શરારતી રંગ ભેળવતા બોલ્યો,

'અને મારી સૌથી મોંઘેરી જણસ તો તું. જો એ ચોર તને ગાડી સમેત ઉપાડી ગયો હોત તો...તારા શરીર ઉપર કમ સે કમ બે ચાર લાખના દાગીના તો છે જ..વળી મારી ગાડીની કિંમત પણ પાંચ લાખની...અને તું..તું તો અમૂલ્ય...આ બધું બચી ગયું. વાતને આમ વિચારને. વળી જાતને વારંવાર આમ હીનભાવનાથી ગ્રસ્ત રાખીને જીવીશ તો તારો સેલ્ફ કોન્ફીડન્સ તું ગુમાવી દઈશ , તારી જાતને અશકત બનાવી દઈશ. એની ભરપાઈ તો કોઇ કાળે કોઇ જ કિંમત ચૂકવીને નહી થઈ શકે. માટે મહેરબાની કરીને ભૂતકાળમાંથી બહાર નીકળ અને વર્તમાનમાં જીવીને ભવિષ્યને સશકત બનાવવાના પ્રયત્ન કર.'

'વિરાજ, તું સાચું કહે છે. હું છેલ્લા મહિનાથી હીનભાવનાનો શિકાર થઈ ગઈ છું, મારો મારી જાત પરથી વિશ્વાસ જ ઉઠી ગયેલો પણ આજે તેં મારો કોન્ફીડન્સ પાછો મેળવવામાં મને બહુ જ મદદ કરી છે. થેન્ક્સ અ લોટ ડીઅર.'

'ઓયે, આ કોરું કોરું થેન્ક્સ બેન્ક્સ નહીં ચાલે એની કિંમત ચૂકવો ચાલો...'

વિરાજની વાતનો મર્મ સમજતા સહજીવનના બે વર્ષ વીતી ચૂક્યા હોવા છતાં પણ રાઇશાનું મોઢું નવીનવેલી દુલ્હનની માફક લાલચોળ થઈ ગયું.

અનબીટેબલ ઃ હકારાત્મક વિચાર સુગંધનું સાચુ સરનામું છે.
મર્કટ:

થાય ઇચ્છા ત્યારે એ નફફટ બને છે,

પૂર્વજો માફક નર્યા મર્કટ બને છે !

-લેખિકા.

સવારના નવ વાગ્યાનો સમય હતો. ક્યાંક દૂર દૂર કોઇ કુકરની સીટી વાગી રહી હતી તો ક્યાંક કોઇ ગાડી ચાલુ નહતી થતી તો વારંવાર ઇગ્નીશનમાં ચાવી ભરાઈને એને ચાલુ કરવાના પ્રયાસ થતા હતા, ક્યાંક કોઇ ઘરમાં સાસુ વહુની ચર્ચા કમ ઝગડાંની મોસમ પૂરબહારમાં ખીલી હતી. વાતાવરણમાં ચોતરફ ધીમો ધીમો કોલાહલ ફેલાયેલો હતો. કોશાની શ્રવણશક્તિ બહુ જ સારી એથી એને નાનામાં નાનો સળવળાટ પણ સંભળાતો. પણ આજે આ કાનની શક્તિ એને પરેશાન કરતી હતી. સરકારે હવે આ 'નોઇસ પોલ્યુશન' વિરુધ્ધ કાયદા બનાવી અને એના ઉપર જડબેસલાક અમલ કરાવવો જોઇએ, આજના ઘોંઘાટીયા વાતાવરણમાં માનવીના મગજનું સંતુલન ખોરવાતા વાર ના લાગે ! આ બધા અણગમતા અવાજોથી બચવા કોશાએ મનગમતા ગીતો સાંભળવા માટે રેડિયોમાં સ્ટેશન બદલ્યું અને રસોઇના કામે વળગી. ઘડિયાળમાં જોયું તો ઘડિયાળનો મોટો કાંટો દસ અને અગિયારની વચ્ચે પ્રવાસ કરતો હતો જ્યારે નાનો કાંટો નવનો આંકડો કુદાવીને દસ નંબર પર પહોંચવા માટે બેબાકળો - ઉતાવળો !

'ઉફ્ફ, હમણાં રાજીવ નાહીને નીકળશે અને ટીફીન માટે બૂમાબૂમ કરી મૂકશે.' મગજને બધા અવાજથી પર કરીને એક ઉંડો શ્વાસ ખેંચ્યો અને બે પળ આંખ બંધ કરી દીધી. થૉડી હળવાશ અનુભવાઈ ગઈ અને કોશાએ રસોઇનું કામકાજ ચાલુ કર્યું. હાથ વર્ષોથી રસોઇનો અનુભવી હતો એટલે રસોઇમાં કાળજી સિવાય બીજી ખાસ કોઇ ધ્યાન આપવાની જરુર નહતી. એની જાતે જ જાણે બધું પાર પડયે જતું હતું. કૂકર ખોલીને દાળનો ડબ્બો લઈને દાળ તપેલીમાં કાઢી અને બે ગ્લાસ પાણી રેડી ગ્રાઈન્ડર ફેરવીને કોકમના ફુલ નાંખી દાળ ગેસ પર મૂકી, બીજી બાજુ રોટલીનો લોટ બંધાઇ ગયો હતો . કણકમાં થોડું પાણી વધુ અંદર ઉતરે એ હેતુથી એને રોટલીના ડબ્બાને ઉંધો કરીને ઢાંકી રાખી હતી. શાક પણ ચડવા આવ્યું હતું. ત્યાં જ કોશાને યાદ આવ્યું, 'અરે, લીમડો ને તો ઘરમાં છે જ નહી. હવે ? એના વગર તો દાળનો વઘાર જ કેમનો થાય ? કાલે યાદ રાખેલું પણ મૂઆ આ અવાજના ચક્કરોમાં શાક્વાળાને ફોન કરવાનું અને ઓર્ડર નોંધાવવાનું જ રહી ગયેલું. હવે ..?

ત્યાં જ એની નજર એના સામેના ફ્લૅટમાં ગઈ. એના પાડોશી સરલાબેન દેખાયા અને એનાથી બૂમ પડાઈ ગઈ,

'માસી...તાજો લીમડો છે કે ?'

'તાજો કે વાસી...બેમાંથી એકે ય નથી બેટાં.'

ત્યાં જ એમના ઘરમાં બેઠેલા દર્શનાબેનનો અવાજ આવ્યો,' એ મારા ઘરમાં છે, ફ્રીજમાં. કાલે જ મારી બેનના ગાર્ડનમાંથી તાજો તોડી લાવી છું. જા લઈ લે.'

દર્શનાબેન એટલે કોશાના બીજા પાડોશી જે સવાર સવારમાં સરલાબેનના ઘરે આવીને બેઠા હતાં. એમના નામથી જ કોશાના મોઢામાં ક્વીનાઇનની ગોળી ખાઈ લીધા જેવો સ્વાદ ફેલાઈ ગયો અને એક ઉબકો આવી ગયો.

'ના. ચાલશે.'

'અરે, પણ મારા ઘરમાં છે..જા ને લઈ લે ને...'

' ના..'કોશાના મોઢામાંથી મકક્મ સ્વર નીકળી ગયો.

નાહીને બહાર આવી રહેલ રાજીવ કોશાના ચહેરા પરના બદલાતા ભાવ ધ્યાનથી નિહાળતો હતો.

'કોશા, શું થયું ? તારા નાજુક હસમુખા મોઢા પર આવા કડવાશના ભાવ કેમ પથરાઈ રહ્યાં છે ? મેં કાયમ મારી કોશુના મોઢા પર મમતા, સ્મિતના ભાવ જ જોયા છે. આવું તો બહુ જ 'રૅર' બને.'

'રાજીવ, આ દર્શનાબેન...મને એમની પર બહુ જ ગુસ્સો આવે છે. આપણને અહીં રહેવા આવ્યે દસ વર્ષ થયા. આટલા વખતમાં એણે મારાથી નાની નાની બાબતોમાં ઝગડાં જ કર્યે રાખ્યા છે અને પછી એકદમ જ બોલવાનું બંધ કરી દે. વળી પાછું એનું મગજ શાંત થાય એટલે સામેથી ચાપલૂસીઓ કરતાં બોલવા આવે, વાટકી વ્યવહારો ચાલુ કરી દે છે. આ માણસોનો કેવો વિચિત્ર સ્વભાવ હોય છે રાજુ જો ને..મન થાય ત્યારે બોલવાનું ને એમની ઇચ્છાપૂર્તિ ના થાય એટલે અબોલા. આપણે તે સાલ્લ્લ્લ્લું...લોકોની ઇચ્છાઓ સંતોષવા જન્મ લીધો છે કે ? હવે હું થાકી છું. અત્યાર સુધી વિચારતી કે સાથે રહેવાનું નેરોજ સામે અથડાવાનું તો શું સંબંધ બગાડવાના ? હમણાં બે દિવસ પહેલાં જ એની દીકરીના લગ્નનો પ્રસંગ હતો અને એ સમયે આપણા બ્લોકની પાણીની મોટર બગડેલી. એ વખતે એ આખો દિવસ મારી પાસે પીવાના પાણીની માંગણી કર્યા કરતી હતી. એક્વાગાર્ડમાં હતું ત્યાં સુધી મેં ય આપ્યું પણ પછી આપણા ઘરના લોકોનો તો વિચાર કરું જ ને ? ઘરના છોકરાં ઘંટી ચાટે એવું કોઇ થોડું કરે...તે એમને ખોટું લાગી ગયું. લગ્નમાં પણ આપણે ગયાં તો કેવું મોઢું ચઢાવીને ફરતા હતાં. સાવ નીગ્લેક્ટ જ કરતા હતા મને..નાઉ ઇનફ ! અમુક લોકો સંબંધોને લાયક જ નથી હોતા. હવે મારે આ પાર કે પેલે પાર થઈ જ જવું છે.'

'હા કોશુ, એ મારી સાથે હસી હસીને વાત કરતા હતા અને તને તો જાણે ઓળખતા ય ના હોય એમ ! એ વખતે તો મને પણ વિચિત્ર લાગ્યું હતું કે કોઇને પ્રસંગમાં બોલાવીને એની સાથે આવો વ્યવહાર કેમનો કરાય ? પણ હું આપણા પાડોશી સમજીને ચૂપ રહી ગયેલો. તું બરાબર જ વિચારે છે ડીઅર. અમુક લોકો સાથે દૂરના કે નજીકના દરેક સંબંધ નક્કામા હોય છે. તું બરાબર જ વિચારે છે. આ નિર્ણય પાછળ તારી નેગેટીવીટી નહી પણ ‘સેલ્ફ ડીફેન્સ’ જેવો ભાવ રહેલો છો. સો કીપ ઈટ અપ. ચાલ હવે જલ્દી મારું ટીફીન ભર..મોડું થાય છે.'

અને કોશા ઝડપભેર રસોડા બાજુ વળી.

અનબીટેબલ ઃ દરેક માનવી પોતાની લાગણી ના દુભાય એનું ધ્યાન રાખીને જ વર્તન કરે છે - એમાં ખોટું શું વળી ?
father's day..

મારા જીવનની પ્રથમ ક્ષણો

હમણાં જ હું અંધારિયા-મમતાળુ કુવામાંથી બહાર નીકળી હતી..કુવામાં મને સતત તરતું રાખનાર દોરડું ખચા..ક..દઈને કપાઈ ગયું.આહ..આ શું..પણ મને કોઇ તકલીફ ના પડી..બહુ નવાઈ લાગી..થોડી ક્ષણોમાં તો મારી આખી દુનિયા બદલાઇ ગઈ ..મારી જાત સુરક્ષિત દુનિયામાંથી એક્દમ જ અજાયબ દુનિયામાં પટકાઈ ગઈ..ત્યાં તો મને મા શબ્દ યાદ આવ્યો..ઉપર સ્વર્ગમાં એના વિશે બહુ વાતો થાય..એટલે હૈયે થોડી ટાઢક વળી. એ બધું સંભાળી લેશે..મારે કોઇ જ ચિંતાનું કારણ નથી..પણ એ બધી ય વાતો જાણે કે ધરમૂળમાંથી ખોટી ઠરતી લાગી.

મારા નાજુક ગાલ પર કંઇક ખરબચડું રુખું રુખું ઘસાયું…ઇશ્વરના ઘરે તો એવી જાણકારી અપાયેલી કે માતાનો હાથ તો એક્દમ નાજુક હોય છે.. એ તને હળ્વેથી પકડશે..એનો સ્પર્શ તો મોરપિંછ જેવો મુલાયમ હોય

પણ આ તો જાણે કોઇ મશીનની સ્વીચ પાડતાં હોય એવા રુખા સ્પર્શ..અને ઉંચકવામાં પણ નકરી બેદરકારી જ..જાણે કોઇ વજનદાર બોરી ્ના ઉંચકતા હોય..! માંહ્યલીકોરમાંથી આ સ્પર્શ જાણીતો-પોતીકો લાગતો હતો..પણ પોતીકા આવા જડ થોડી હોય..? આંખો ખૂલી નહોતી શક્તી..બોલી પણ નહોતી શકતી.. શું કરું..કંઇ જ્ સમજાતુ નહોતું..બસ..જોરથી ભેંકાટવાના પ્રયત્નોમાં ગળામાંથી ફકત ઉઉઉ..જેવું જ નીકળ્યું ..બોમ્બના બદલે સુરસુરિયું !
ત્યાં તો મને ઉંચકેલા હાથવાળા તનમાંથી અવાજ નીકળ્યો,

‘અરે મારી પરી..મારી સોના બેટા…’ અવાજ મમતાળુ હતો..બહુ જ સાંભળેલો પણ હતો..પણ કંઈ સમજાતું નહોતું …આટલો ઘેરો અવાજ..મારા કાનના પડદા તોડી કાઢશે એવું જ લાગ્યું..ત્યાં તો મારા કાનમાં એક રુપાની ઘંટડી જેવો અવાજ અથડાયો,
અરે…જરા સાચવીને ઉંચકો તમારી પરીને..હજુ તો હમણાં જ આ દુનિયામાં આવી છે..ફૂલ કરતાં પણ વધારે નાજુક..આ કોઇ તમારા મશીન નથી..’
અને હું ચમકી..અરે..આ ચોકકસ મારી જોડે કલાકોના કલાકો વાતો કરતો મમતાળુ અવાજ..આ અવાજ તો છેલ્લાં ૯ મહિનાથી સતત શ્રવણ કરતી આવી છું..જાણે મારો પોતાનો જ અવાજ હોય એટલો પોતીકો.
ત્યાં તો પેલા બરછટ સ્પર્શમાં એક્દમ નાજુકાઈએ પ્રવેશ કર્યો..મારા પોચા પોચા ગાલ પર કંઇક ખરબચડું ખરબચડું સભાનપણે સાવચેતીથી સ્પર્શયું..ગાલ પર અજબ સી ભીનાશનો અનુભવ થયો…છે..ક અંદર સુધી ઠંડક રેલાઈ ગઈ..આવી અનુભૂતિ તો ઉપર સ્વર્ગલોકમાં અસંખ્ય દેવતાઓના સહવાસમાં-કાળજીમાં- પ્રેમમાં પણ નહોતી થઈ. મજબૂત સાથે નાજુક, બરછટ સાથે મુલાયમ..બેદરકારી સાથે નકરી કાળજી.. બધું વિચિત્ર કોમ્બીનેશન હતું..અલગ – અનોખું વિશ્વ.
પેલો જાણીતો મમતાળુ અવાજ જે મોટા ભાગે મારી જનેતા…મારી માવડીનો હોવાના જ અણસાર મને આવતા હતાં એ પેલા ઘેરા અવાજ સાથે વાત કરવા લાગ્યો. થોડી વાતચીતના અંશ પછી મને જાણ થઈ કે ઓહ..આ તો મારા પિતા છે જે લાગલગાટ ૯ મહિનાથી માતાના પેટમાંથી હું બહાર નીકળું એની ચાતક નજરે રાહ જોઇ રહેલા..માતા તો એના ઉદરમાં રોજ મને સ્પર્શી શક્તી હતી જ્યારે આમના ભાગે તો મારી ઉપરના ચામડીના સાત સાત પડ ઉપર હાથ ફેરવીને ..માથું મૂકીને સંતોષ માણવાનું જ આવતું હતું.. હું મારી માતાની સુંદર પ્રતિકૃતિ..રુપાળી છબી પણ એ નકરી બ્લેક એન્ડ વહાઈટ..એમાં રંગપૂરણી તો મારા ‘પપ્પા’ના એમના સ્વભાવથી અલગ જ કરાતા આ કાર્યો થકી જ થઈ.. જે મારા માટે કંઈ પણ શીખવા ..કરવા તૈયાર હતાં.. જેમાં ફકત અને ફક્ત મારી સહુલિયત સાચવવાની ઇચ્છા જ સર્વોપરી હતી..હું મારી જાતને બહુ જ નસીબદાર માનવા લાગી. આટલા વાક્યોમાં તો પપ્પા જેવું વિશાળ વ્યક્તિત્વ કઈ રીતે સમાય..વધારે વાત ફરી કયારેક..આમ જ મળી જઈશું ક્યાંક જીંદગીના રસ્તા પર ત્યારે ..!
વરસાદઃ

છાતીથી ઊઠી વરાળો, આંખમાં ગોરંભ છાયો,

ડમરીની માફક ભીતરથી ઘૂમતો વરસાદ આવ્યો.

આંખને ઓળખ રહી વરસાદની જન્માંતરોથી,

જ્યાં ગયો, મારું પગેરું સૂંઘતો વરસાદ આવ્યો.

- કિસન સોસા

પાંચ બાય આઠની ફ્રેંચ વીન્ડોના કાચ ઉપર ધૂળનું આછું આવરણ ફેલાઇ ગયું હતું. અવિનાશ પલંગમાં તકિયાના ટેકે અડધો આડો પડ્યો હતો અને મનપસંદ સિગરેટનો કશ લગાવી રહ્યો હતો. સિગારેટનો એક લાંબો કશ લઈને ધુમાડો કાઢ્યો અને હવામાં એના વલયો રચાવા લાગ્યા. આખો કમરો તીવ્ર વાસથી ભરાઈ ગયો હતો જાણે અવિનાશના ફેફસાંનો તીવ્ર અણગમો , આક્રોશ એ વલયોમાં સામેલ થઈ ગયો હતો ! ધુમાડાના ગોરા ગોરા વાતાવરણ પાછળથી અવિનાશની નજર બારીના કાચ પર પડી અને અચાનક ચમક્યો. આ શું ? એની આંખો હકીકત નિહાળી રહી હતી કે મૃગજળ જેવું જ કંઇક હતું ? બારીની ધૂળ ઉપર જાણે અચાનક મોતી ઉગી નીકળ્યાં હતા અને મોતી ધીમે ધીમે લાંબા થઈને કાચ પર રેલાતા હતાં. મોસમનો પહેલો વરસાદ..અહાહા.. થોડા સમય પહેલાં દાઝી ઉઠેલ દિલ અને દિમાગ તેમ જ ફેફસાંને ઠંડકની અનુભૂતિ થઈ ગઈ ને રાહતની લાગણી અનુભવી. પાણીની બૂંદની પાછળ સવારનો કડવો પ્રસંગ એની નજર સમક્ષ તરવરવા લાગ્યો. છેલ્લાં બે દિવસથી અવિનાશ પોતાના માસીયાઈ ભાઈ રીધમના બારમા ધોરણની પરીક્ષાના રીઝલ્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યો હતો. ધીરજ ના રહેતાં ઉઠીને બ્રશ કરીને તરત જ એણે માસીના ઘરે ફોન લગાવ્યો. ફોન માસાએ ઉપાડયો.

'હલો માસા, રામ રામ !'

'રામ રામ બેટા.'

'માસા, આજે તો રીધમનું રીઝલ્ટ આવવાનું હતું ને - શું આવ્યું ? ચોકકસ સરસ ટકાવારી સાથે જ પાસ થયો હશે મને વિશ્વાસ છે, ભાઈ કોનો છે આખરે !' આટલું બોલતાં બોલતાં તો અવિનાશના કરડા ચહેરા પર લાગણીથી તરબતર લાલાશ ઉભરાઈ આવી.

'હા બેટા, રીઝલ્ટ તો આજે જ છે પણ ઓનલાઈન આવવાનું છે અને એની સાઈટ્નું સર્વર ડાઉન છે. બધા વિધાર્થીઓએ રીઝલ્ટ જોવા એક સાથે સાઈટ પર લોગઇન કર્યું હશે ને..આ લોકો પણ સરખું મેનેજમેન્ટ જ નથી કરતાં ને. '

સામે છેડેથી થોડો અકળામણ સાથેનો જવાબ આવતા અવિનાશે વાત ટુંકાણમાં જ પતાવીને ફોન મૂક્યો ને ઓફિસે જવા નીકળી ગયો. આખો દિવસ એના મગજ પર રીધમના પરિણામની જ ઇંતજારી છવાયેલી રહી. સાંજે અચાનક જ એના મામાની દીકરી પાયલનો ફોન આવ્યો.

'અવિભૈયા, તમને રીધમના પરિણામની ખબર પડી કે ?'

'ના રે, તને જાણ થઈ કે ?'

'હા ભાઈ, મને તો બાર વાગ્યાનો ફોન આવી ગયો. એના પૂરાં અઠ્ઠ્યાસી ટકા અને અઠ્ઠાણું ટકા પર્સનટાઈલ આવ્યાં છે. બહુ જ સરસ પરિણામ આવ્યું કેમ, હવે બધાંનો જીવ હેઠો બેસશે કેમ ભાઈ, રીધમને એની મનપસંદ કોલેજમાં એડમીશન મળી જશે.અહાહા..'

'હા પાયલ. થોડો કામમાં છું તને પછી ફોન કરું.' ફીક્કા અવાજે અવિએ જવાબ વાળ્યો અને ફોન કટ કર્યો. પોતે દરેક સંબંધની કેટલી માવજતથી જાળવણી કરે છે પણ સામે પક્ષે કાયમ આવી બેદરકારી જ કેમ મળે છે ? આ જ રીધમને એની પરીક્ષા વખતે રોજ પોતાની એસી ગાડીમાં બેસાડીને પરીક્ષાના સેન્ટર સુધી મૂકી આવતો હતો અને એના પેપર પતવાના સમયે બધો સમય એડજસ્ટ કરીને એને લેવા પણ જતો હતો. એક પણ પરીક્ષા એવી નહીં હોય કે પોતે રીધમને 'ઓલ ધ બેસ્ટ' કહેવાનું ચૂક્યો હોય. દરેક સંબંધોમાં એણે જ જતું કરવાનું ? બધાંની જન્મ તારીખ, એનીવર્સરી બધું યાદ રાખી રાખીને પોતે નિયમિતપણે બધાંને ફોન કરે પણ એની કે એના કુટુંબની વ્યક્તિના જન્મદિને કોઇ એને યાદ ના કરે..કોઇને યાદ જ નથી રહેતું ને ! તો ય પોતે મોટું મન રાખીને બધાંને મહિને દા'ડે નિયમિતપણે ખબર અંતર પૂછવા ફોન કરે, મળવા જાય. પણ આવું ક્યાં સુધી ચલાવવાનું ? એ જે લેટ ગો કરે છે એની તો કદાચ સામે પક્ષે નોંધ પણ નથી લેવાતી તો પછી આ બધા સંબંધોનું મૂલ્ય શું ? ફકત એની જ ગરજ - ફરજ છે સંબંધો સાચવવાની ? આજે રીધમ અને માસાએ ફરીથી એવું કર્યું. પોતે સવારથી રીધમના પરિણામની રાહ જોઇને બેઠો હતો અને રીધમ..એના પરિણામના સમાચાર પણ પોતાને પાયલ પાસેથી મળ્યાં- ઉફ્ફ.. અવિનું દિલ ખાટું થઈ ગયું ! જવા દે, હું રીધમને કોન્ગ્રેચ્યુલેશન માટે ફોન જ નહી કરું. મારે શું કામ ફોન કરવાનો ? બે દિવસ રહીને માસીને ઘરે જવાનું જ છે ને એ વખતે જ એને કોન્ગ્રેટ્સ કહી દઈશ અને અવિનાશે પતી ગયેલી સિગારેટનું ઠૂંઠૂં બાજુમાં પડેલી એશટ્રેમાં નાંખ્યું ને ઘરની બહાર નીકળી ગયો. સાઉથઇન્ડીઅન હોટલમાં જઈને મસાલા ઢોંસો ખાધો અને ગળી કથ્થઈ વરિયાળીનો મુખવાસ ખાતા ખાતા મોબાઈલ હાથમાં લીધો. શું ય જાણે એના મનમાં શું ભરાયું કે એણે અચાનક જ રીધમને ફોન લગાવ્યો.

'રીધમીયા...તું તો કમ્માલ છે ને. આટલા બધા ટકા લઈ આવ્યો કંઇ. અહાહા..હું બહુ ખુશ છું ભઈલા.'

'ઓહ અવિનાશભાઈ, પાય લાગું. બસ આપ સૌના આશીર્વાદ ને દુઆઓનું ફળ છે.'

આડી અવળી વાતો કરીને અવિનાશે ફોન પૂરો કર્યો. મનોમન બબડયો, ' હું મારા સ્વભાવ વિરુધ્ધ જઈને કદી ખુશ ના રહી શકું. મારા લાગણીશીલ સ્વભાવને અનુરુપ સંબંધોમાં પ્રથમ પગલું ભરવું અનિવાર્ય જ છે અને એ તો મારે કાયમ ભરવું જ રહ્યું. બહુ વિચારવાનું નહીં'

વાતાવરણમાં પલટો આવી ગયો. ૪૫-૪૬ ડીગ્રીનો તાપ સહીને અકળાઈ જનારા માનવીઓ ઉપર ઇશ્વરની કૃપા ટપ ટપ..ટપાક કરીને વરસી રહી હતી. સર્વત્ર શીતળતા, હળવાશનું સામ્રાજ્ય ફેલાઈ રહ્યું હતું.

અનબીટેબલ ઃ સુગંધ પર દુર્ગંધ ઢોળવાથી સુગંધ જ છોભીલી પડે છે.
વળાંક

શુષ્ક મારી લાગણીમાં આશ પણ છે,

મારી અંદર ક્યાંક તો ભીનાશ પણ છે !

-પારસ હેમાણી.

આજે રવિવાર. અઠવાડિએ એક વાર આવતા આ રવિવારની રજા રિક્તાને પહેલેથી બહુ પસંદ. બધા જ કામ પડતાં મૂકીને રવિવારને મનભરીને એની મરજી મુજબ માણતી.

સાંજના પાંચ વાગ્યા અને રિક્તાના મગજમાં ચા ની તલપ ઉપડી. દૂધ પાણી ભેગાં કરીને તપેલી ગેસ પર ચડાવી અને ચા ખાંડ નાખતા નાખતા જ એના નાકમાં મનગમતી' ઘીમાં શેકાતા ઘઉંના લોટ'ની સુગંધ પ્રવેશી અને એનાથી એક ઉંડો શ્વાસ લેવાઈ ગયો.

'અહાહા...નક્કી કોઇકના ઘરે નક્કી સુખડી બનતી લાગે છે.લાવ હું પણ થોડી સુખડી બનાવી કાઢું.' અને અચાનક જ એના આનંદમાં બ્રેક વાગી ગઈ. 'ઓહ..હમણાં છેલ્લાં રીપોર્ટ્સ જોઇને ડોકટરે એને ઘી - તેલ ઓછા કરવાના કહી દીધેલાં. સુખડીમાં તો ભારોભાર ઘી જોઇએ. મૂઆ..આ પચાસ વર્ષમાં આવી બધી બિમારીઓ આવીને ઉભી રહી ગઈ અને એનું એક માત્ર કારણ તો માત્ર સંન્યાસ જ ને'

સંન્યાસ એટલે રિકતાનો પતિ. એક દીકરો અને એક દીકરી બંને પરણીને પોતપોતાના સંસારમાં સારી રીતે સેટ થઈ ગયેલા. દીકરી એના સાસરે જતી રહી હતી અને દીકરો અમેરિકા. 'આખી જિંદગી બહુ કામ કર્યું હવે બસ' વિચારીને સંન્યાસે પંચાવન વર્ષમાં જ વી.આર.એસ. લઈ લીધું. રિકતા પચાસ વર્ષે શરીરથી થાકતી હતી પણ એનું મન હજુ યુવાન હતું. લગભગ પચીસ વર્ષથી એકધારી નોકરી કરતી હતી પણ એને વી.આર.એસ. લેવાનો વિચાર સુધ્ધાં નહતો આવતો.

'રિકતા, ચા થઈ ગઈ કે ? ચાલને જલ્દી કરને, મારે સુરેશ અને અજય સાથે બહાર જવાનું છે.' સંન્યાસનો અવાજ ગૂંજ્યો અને રિક્તાની વિચારધારા તૂટી. ફટાફટ ચા ગાળીને ટ્રેમાં કપ ગોઠવી, ડીશમાં થોડા મમરા અને બિસ્કીટ લઈને ડ્રોઇંગરુમમાં ગઈ અને ટીપોઈ પર ગોઠવી. સંન્યાસે કપ ઉપાડી અને એની ટેવ મુજબ વરાળ નીકળતી ચા એક..બે ને ત્રણ ઘૂંટમાં જ પેટમાં પધરાવી દીધી અને ખાલી કપ ટ્રેમાં ગોઠવીને 'હું કલાકે'કમાં આવ્યો' કહીને ઘરની બહાર નીકળી ગયો.

રિકતા મન મસોસીને એને જોઈને બેસી જ રહી.

'આ તો ચા પીવે છે કે પાણી ? પત્નીની સાથે ચા પીવા બેઠો છે તો બે ઘડી એની સાથે વાત કરીએ, એને ચા પીવામાં કંપની આપીએ જેવી અક્કલ આટઆટલાં વર્ષોના દાંપત્યજીવન પછી ય એનામાં ના આવી તે ના જ આવી. માંડ તો અઠવાડીએ એક બપોર મળતી હોય છે સાથે ચા પીવાની.'

રિક્તાએ ચાનો કપ બેધ્યાનીમાં જ મોઢે માંડ્યો અને ગરમા ગરમ ચા જીભ પર ચંપાઈ ગઈ.

'આહ..' એક આછો સીસકારો નીકળી ગયો.જો કે આટઆટલા વર્ષોના સહજીવન પછી ય પોતાને સહેજ પણ સમજી ના શકનારો કે કોઇ જ કદર ના કરી શકનારો પતિ એને રોજ બરોજ દિલ પર ડામ આપતો હતો એ વધારે તકલીફદાયક હતાં. ફટાફટ ચા પીને રિકતા તૈયાર થઈ અને ઘરની બહાર નીકળી ગઈ. જ્યારે પણ એ કંટાળે ત્યારે એ આમ જ મગજ ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરતી હતી. આજે પણ એ એના મનગમતા ગાર્ડ્નમાં જઈને બેઠી. ઘરની વાતો ઘરમાં જ મૂકી દેવાની. પોતાને થોડો સમય તો શાંતિ રહે ને ? ક્યાંક પોતાની સંન્યાસ પાસેથી અપેક્ષાઓ જ વધારે તો નથી ને ? ના..ના...લગ્ન કર્યા હોય તો થોડી ઘણી અપેક્ષાઓ તો હોય જ ને ? અપેક્ષા તો બે પક્ષને બાંધી રાખતું એક મજબૂત પાસું છે.એક્મેકની અપેક્ષા પૂરી કરવાથી લગ્નજીવનમાં રમણીય આકર્ષણ જીવંત રહે છે. વળી સંન્યાસ એના કુટુંબ માટે ક્યાં કદી જ જીવ્યો છે ? સાવ જ સેલ્ફીશ માણસ છે. સંતાનોની નાની નાની ઇચ્છાઓથી માંડીને એમને ભણાવવા - ગણાવવા અને પરણાવવા સુધીની બધી જ જીમ્મેદારીઓ એણે એકલા હાથે ઉપાડી હતી. સંન્યાસે તો બસ વર્ષોથી એકધારી નાની રકમની નોકરી કર્યા કરી અને એ પગાર લાવી આપીને પોતાની જવાબદારી અદા કરી છે. નોકરીમાં પણ વિકાસ માટેના કોઇ પ્રયત્નો નહીં - જે મળી જાય એમાં નિભાવી લેતા શીખી જવાનું !

જ્યારે રિકતા એનાથી સાવ જ અલગ. એને જાત જાતના ને ભાતભાતના શોખ. પૈસા કમાવા તો એના માટે રમત વાત. એ નોકરી ઉપરાંત એલ.આઈ.સીનું કામ પણ કરતી અને ખાલી સમયમાં ઘરે બેસીને થોડા એકાઉન્ટસ પણ લખતી હતી.મજૂરી કરવામાં તો ક્યારેય પાછી પાની નહીં પણ શોખ તો બધા પૂરા કરીને જ જપે. શરીર હવે થાકતું હતું. ઘરમાં સંતાનો અને એની જવાબદારી હતી ત્યાં સુધી મગજ બીજું કશું જ વિચારવા નવરું જ નહતું પડતું. પણ હવે...સાવ ખાલી ઘર અને ખાલી દિલવાળો પતિ ! ઘર છોડીને બહાર નીકળી ગઈ તો ય ઘરથી - વરથી ક્યાં છૂટી શકતી હતી ? કેટલો સમય આમ જ જીવવાનું..સાવ અમસ્તું જ...? અત્યારે ગાર્ડનમાં છું તો થોડું સારું લાગ્યું પણ ઘરે જઈને તો એની એજ ચૂપકીદી અને અકળાવી કાઢનારી એકલતાનો સામનો કરવાનો હતો ને ? ઘરની બહાર નીકળી જવાથી સમસ્યાઓના રસ્તા ક્યાં મળી જાય છે? એ તો લાગે છે કે જીવ લઈને જ જપશે અને રિક્તાની છાતીના ઉંડાણમાંથી એક લાંબો નિસાસો નીકળી ગયો. ઉંડે ઉંડે એનું મન પણ કામ બાજુમાં મૂકીને ફરવા માટે કહેતું હતું. નાવીન્યપ્રિય જીવડો રોજ બરોજની એકધારી નીરસ જિંદગીથી હવે થાકતો હતો. સંન્યાસ એને સમજી શકે તો એ પણ નોકરી છોડીને સંન્યાસની સાથે બહુ બધી જગ્યાએ રખડવા ઉપડી જવા ઇચ્છતી હતી પણ સંન્યાસ તો સંન્યાસી જ હતો. એને એવા કોઇ જ ઓરતા નહતા થતાં. એને તો એ ભલો, એના ચાર પાંચ ગોઠિયા ભલા અને એનું ટીવી - ન્યૂસપેપર ભલું. બે ટાઈમ સમયસર મનગમતું ખાવાનું મળી જાય એટલે ભયો ભયો. પૈસા કમાવાની ખાસ કોઇ આવડત નહીં એટલે પહેલેથી કરકસરીયો જીવ. રિકતા પોતે ના કમાતી હોત તો કદાચ એને ઢંગના કપડાં પહેરવાના ય નસીબ ના હોત એવો માણસ એને લઈને ક્યાંય ફરવા જાય ? અને પોતાની બેવકૂફ ઇચ્છા પર મનોમન રિક્તાથી હસી પડાયું. નસીબમાં ક્યાં સુધી સાવ આમ જ રિક્ત થઈને જીવવાનું લખાયું છે ? પોતાના નામની વ્યક્તિના જીવન ઉપર આટલી ઘેરી અસર થતી હશે ? નજીકના મિત્રો તો એને હવે બધી ચિંતા છોડીને ધર્મધ્યાનમાં જીવ પરોવવાની શિખામણૉ આપતા હતાં. પણ સમસ્યાથી ભાગી છૂટવું એ તો એનો ઉપાય નથી જ ને? પોતાને જીવનને ભરપૂર જીવવું હતું એને મારીમચડીને બીજી બીજી જગ્યાએ વાળવાનો યત્ન કેટલો સમય કારગત નીવડવાનો ? આ બધું તો ક્ષણિક જ ને? હવે તો ઓફિસમાં પણ આ વિચારો એનો પીછો નહતાં છોડતાં...આનો ઉપાય શું ?ને રિક્તાના માનસપટ પર ઓફિસનો મિત્ર ભાવિન ચમક્યો અને એનું હૈયું આનંદથી પ્રફુલ્લિત થઈ ઉઠ્યું.

'ભાવિન...એની નાની નાની વાતોની ચિંતા કરનારો મિત્ર. એના બોલ્યાં વગર બધું જ સમજી જનારો મિત્ર. ભાવિન પોતાને એક મિત્રથી ક્યાંક વધુ માનતો હતો એ વાતથી રિક્તા સભાન પણ હતી.'

અને રિકતાને એના દિલમાં કોઇ ખાસ જગ્યા ભરાતી જતી લાગી. ભાવિન ઉપર એના બે નાના ભાઈ - બેન અને અપંગ પિતાની જવાબદારીઓ હતી. નાનપણથી જ કમાવાની ચિંતામાં લાગી ગયેલા ભાવિનને પરણવાનો વિચાર જ નહતો આવ્યો, કાં તો એ વાત સદંતર એના ધ્યાન બહાર ગયેલી. ભાઈ અને બેનને બરાબર સેટ કરી દીધા અને પિતા બે વર્ષ પહેલાં મ્રુત્યુ પામ્યાં. હવે પિસ્તાળીસ વર્ષની ઉંમરે ભાવિન સાવ એકલો હતો. રિક્તાના સંતાનો પણ ભાવિનને બહુ સારી રીતે જાણતાં હતાં અને એના માટે ઘણું માન પણ હતું. મનોમન એક નિર્ણય કરીને જીવનને ભરપૂર જીવી લેવાના મક્કમ નિર્ધાર સાથે રિક્તા ગાર્ડનની બેન્ચ પરથી ઉઠી અને પાર્કિંગમાં મૂકેલા એના સ્કુટર તરફ વળી.

બહુ સામે થઈ, બહુ લડી હવે બસ..જિંદગી વળે એમ એને વળી જવું હતું !

વિશ્વાસના શ્વાસ :

જાતને વાદળ બનાવી રાખવી,

કોણ જાણે, કોઇ ક્યારે તરફડે !

-નેહા પુરોહિત.

'ક્યારનો ફોન કરું તો ઉપાડતો નથી વળી મેસેજીસના ય રીપ્લાય આપતો નથી ! નવાઈનો જાણે એ જ આખી દુનિયાનો વ્યસ્ત છે. સાવ જુઠ્ઠાડો છે; આ બધાની વાતો પર વિશ્વાસ કરાય જ નહીં.'વત્સલના અવાજનો પારો એની તીવ્રતમ સપાટીને સ્પર્શતો જતો હતો.

'શું થયું બેટા ? કેમ આટલો બધો ગુસ્સો ?' વત્સલની સામે બેઠેલા વયસ્ક રવિભાઈએ હાથમાં પકડેલા અખબારની અને આંખે પહેરેલાં બેતાલાના ચશ્માની ઉપલી સપાટીએથી નજર વત્સલના મુખ પર ઠેરવી. વત્સલના મોઢા ઉપર અણગમાની છાયા પ્રસરેલી હતી જે સ્પષ્ટપણે દેખાઈ આવતી હતી.

'અરે આ અજય - મારા ધંધાની નવી પાર્ટી - એ મારો ફોન જ નથી ઉપાડતો. મારે આજે મારા કારીગરોને પગાર ચૂકવવાનો છે અને એના માટે પૈસાની તાતી જરુર છે. આજે એણે મને પેમેન્ટ કરવાનું હતું તો મને એમ કે હું એ પેમેન્ટમાંથી મારી ચૂકવણીઓ પતાવી દઈશ. અજયે મને આજની તારીખે ચેક આપી દઈશ એવો વાયદો કરેલો અને આજે જુઓ...ફોન જ નથી ઉપાડતો.'

'ફોન ના ઉપાડે એટલે આટલી બધી ગાળો ? બની શકે કે એ સાચે કોઇ કામમાં ફસાયેલો હોય ?'

'અરે પપ્પા, તમે આ બધાને ઓળખતાં નથી. આની પહેલાં પેલા સુબ્રતોની વાત તો તમે જાણો છો જ ને ? એક તો ક્રેડિટથી માલ વાપરે અને પેમેન્ટ ચૂકવવામાં ગલ્લાં તલ્લાં. સાવ જાડી ચામડીના જ બનેલા હોય છે આ બધા. મેં એને ચડેલા બિલો પર વ્યાજ લેવાની ધમકીઓ પણ આપેલી પણ એ કાળિયાને એની કોઇ જ અસર ક્યાં થતી હતી ! કંટાળીને આપણે એની સાથે ડીલીંગ જ બંધ કરી દીધું. હજુ આજની તારીખમાં એની લેણી નીકળતી રકમમાંથી માંડ સીત્તેર ટકા જ નીકળી શકી છે. બાકીની ત્રીસ તો આવશે ત્યારે હવે. એ સુબ્રતો પણ હું જ્યારે ફોન કરું ત્યારે આવા ગલ્લાં તલ્લાં જ કરે. ફોન સ્વીચ ઓફ હતો, હું મીટીંગમાં હતો, મારે બહારગામ જવાનું છે, બીજી પાર્ટીને પેમેન્ટ આપવાના છે, મારે ય પૈસા ફસાયેલા છે મન થાય છે કે નાદારી જ નોંધાવી દઉં..વગેરે વગેરે.ત્રીસ ટકાની રકમ તો માંડી વાળવાનો જ વારો આવશે કદાચ. '

'પણ એમ ના બને કે આ તારો કોણ...હા; અજય, એ સાચે ફોન ના લઈ શકે એવી સ્થિતીમાં હોય ?'

'મારા ધંધામાં મારે રોજ રોજ આવા 'ફોન ના ઉપાડવા કે મેસેજીસના જવાબ ના આપવા' જેવી વર્તણૂકનો સામનો કરવાનો આવે છે. હવે હું આ બધી રીતોથી પૂરેપૂરો પરિચીત થઈ ગયો છું. મને આવા કોઇના જવાબ પર વિશ્વાસ જ નથી આવતો .'

'દીકરા, તું થોડો વધુ પડતો નેગેટીવ થઈ ગયો છે એમ નથી લાગતું ? આ અજય સાથે તો તારું પ્રથમ ડીલીંગ છે, સાવ નવો નવો છે. એની રીતભાતથી ય તું પૂરતો પરિચીત નથી. પેલા સુબ્રતોએ દગો કર્યો એનો અર્થ એમ થોડો કે અજય પણ એવું જ કરશે ?'

'પપ્પા, આજના જમાનામાં પૈસા લેવામાં સૌ એક્કા છે પણ પૈસા કાઢવાના હોય ત્યારે બધા એક સરખાં જ થઈને ઉભા રહે છે. વિશ્વાસ જેવી મહામૂલી મૂડી આવા લોકો પર ના વેડફાય.'

'જો તને વિશ્વાસ જ નથી તો લોકોને આમ ક્રેડિટ પર માલ શું કામ આપે છે ? એડવાન્સ પૈસા જ લઈ લે ને .'

'અરે..આજના હરિફાઈના જમાનામાં એ વાત શક્ય જ નથી. ક્રેડિટ ના આપીએ તો પાર્ટી બીજા સપ્લાયરને પકડી લે. ક્રેડિટ પર માલ આપવો એ મજબૂરી છે.'

'ઓકે..તો તું માલ ક્રેડિટ પર લે. એથી તારા પૈસા ઓછા ફસાશે.'

'એ પણ શક્ય નથી. આજકાલ આપણે જે માલ વાપરીએ છીએ એની તંગી રહે છે જેથી કેશ પેમેન્ટ પર જ એ માલ ખરીદવો પડે છે.'

'ઓહ, તારી હાલત હું સમજી શકું છું બેટા. પણ એક જણ વિશ્વાસ તોડે એટ્લે બીજા પર અવિશ્વાસ રાખવો એ તો આપણી નબળાઇનું પ્રતિક કહેવાય. વળી વિશ્વાસ વગર તો આપણે કોઇ જ કામ ના શ્રી ગણેશ કરી જ ના શકીએ. હા બને એટલી કાળજી અવશ્ય રાખવાની અને એ તો આપણે રાખતાં જ હોઇએ છીએ. બાકી આ અવિશ્વાસ તો ઝેર સમાન હોય છે. એની છાયામાંથી બહાર નીકળ ને વિશ્વાસના શ્વાસ લે. થોડી ધીરજ રાખ મારું દિલ કહે છે કે અજયનું પેમેન્ટ સમયસર આવી જ જશે.'

'પપ્પા, એવી સૂફિયાણી વાતો પર ધંધા ના...' વત્સલ હજુ એનું વાક્ય પૂરું કરે એ પહેલાં દરવાજાની ઘંટી વાગી અને વત્સલ દરવાજો ખોલવા ગયો. દરવાજો ખોલતાં જ એનું મોઢું અચરજથી પહોળું થઈ ગયું. સામે હસતા વદનવાળો અજય ઉભો હતો,

'હાય વત્સલભાઈ, સોરી મારે થોડું મોડું થઈ ગયું. એકચ્યુઅલી હું આ બાજુ જ નીકળતો હતો તો થયું કે લાવ હું જ તમને ચેક પહોંચાડી દઉં. ખાલી ખોટ્ટું તમને મારી ઓફિસે ક્યાં ધક્કો ખવડાવું ? તમે આમ પણ દસ વાગ્યા સુધી તો ઘરે હોવ છો એનો મને ખ્યાલ હતો. તો હું જાતે જ અહીં હાજર થઈ ગયો. નીચે પાર્કિંગમાં સ્કુટર પાર્ક કરતાં ખીસ્સામાંથી ફોન કાઢ્યો તો આપના મેસેજીસ ને ફોન જોયા પણ સોરી, હું ટ્રાફિકમાં હતો તો મને ખ્યાલ જ ના રહ્યો. આ લો તમારા એંસી હજારનો ચેક અને તમને બીજી ડીલમાં થોડી સરળતા રહે એથી આ બીજો પચાસ હજારનો એડવાન્સ ચેક ! અમને તમારા માલની ક્વોલિટી બહુ જ ગમી અને બીજો માલ તૈયાર થાય એટલે સમયસર ડિસ્પેચ કરાવી દેશો.'

'અજયભાઈ, અંદર તો આવો. જરા ચા - બા..'

'ના ના. મારે બહુ જ મોડું થાય છે. ચા ઉધાર રહી .' કહીને મીઠું મરકતાં અજય ત્યાંથી નીકળી ગયો.

અને વત્સલ હાથમાં બે ચેક લઈને સામે ઉભેલા રવિભાઈની સામે જોઇ જ રહ્યો. એની પાસે બોલવા જેવું કશું ય બચ્યું જ ક્યાં હતું !

અનબીટેબલ ઃ ઘણી વખત બીજો ગાલ ધરવાથી વ્હાલ પણ મળે છે