21મી સદીનું વેર - 46 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 46

21મી સદીનું વેર

પ્રકરણ-46

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

બીજા દિવસે સવારે કિશન કોર્ટથી ઓફીસ પહોંચ્યો ત્યારે નેહા તેની કેબીનમાં બેસી કામ કરતી હતી. કિશને તેની ચેરમાં બેસી બેલ વગાડી એટલે નેહા આવી. કિશને નેહાને પેલા કવરમાં લખેલો નંબર 81844XXXX-9 એક કાગળમાં લખી આપ્યો અને કહ્યુ “ઇન્ટરનેટ પર સર્ચ કર કે આ ISBN નંબર કઇ બુકનો છે?” નેહા તે કાગળ લઇને તેની કેબીનમાં ગઇ એટલે કિશન તેનુ કામ કરવા લાગ્યો. થોડીવાર બાદ નેહા ચેમ્બરમાં આવી અને બોલી “આ તો કોઇ “યોગીની તપસ્યા” નામની બુકનો ISBN નંબર છે. ” આ સાંભળી કિશન વિચારવા લાગ્યો કે આ બુકનું નામતો પહેલીવાર સાંભળ્યુ છે. આ બુક અહી જુનાગઢમાં મળશે નહી એટલે તેણે નેહાને કહ્યુ “એક કામ કર આ બુકનો ઓનલાઇન ઓર્ડર આપીદે અને તેના જે પણ સેલર હોય તેનો કોન્ટેક્ટ કરી આ બુક બને તેટલી જલદી મળે તે માટે તેને વાત કર. ” આ સાંભળી નેહા તેની કેબીનમાં જઇ કામે લાગી ગઇ એટલે કિશન વિચારવા લાગ્યો કે આતો સારૂ થયુ કે મારૂ ધ્યાન જય વસાવડાની બુક સાયંન્સ સમંદરના બેક કવર પર પડ્યુ અને તેનો ISBN નંબર જોઇ મારા મગજમાં ચમકારો થયો નહીતરતો આ નંબરનું રહસ્ય મને સમજાયુજ ના હોત. કિશન આમજ વિચાર કરતો બેસી રહ્યો. ત્યાં નેહાએ આવીને કહ્યુ “બુકનો ઓર્ડર આપી દીધો છે અને તેના સેલર સાથે વાત પણ થઇ ગઇ છે. કાલે અથવા પરમ દિવસે બુક આપણને મળી જશે. ”

“ઓકે. વેરીગુડ. અને હા પેલી આપણે આપેલી જાહેરાત આજે ન્યુઝપેપરમાં છપાઇ છે કે નહી?” કિશને પુછ્યુ.

“હા આવી છે. મે વાંચી લીધી છે. આ વાતમાં એ તો તમને કહેવાનુ ભુલીજ ગઇ. મારા ટેબલ પર ન્યુઝપેપર પડ્યુ છે. હું લઇ આવુ છું. ” એમ કહી નેહા તેની કેબીનમાં ગઇ અને ન્યુઝપેપર લઇ આવીને કિશનને આપ્યુ.

કિશને આખી જાહેરાત વાંચીને કહ્યુ “હા બરાબર છે. હવે જે કોઇના ફોન આવે તેના રીઝ્યુમ મંગાવી લેજે અને પરમ દિવસે સાંજે છ વાગે ઇન્ટરવ્યુ માટે બોલાવી લે જે. ” એમ કહી પછી કિશને નેહાને થોડા કેસ વિશે વાત કરી અને પછી કોર્ટ જવા નીકળી ગયો.

***

કિશન કોર્ટ પરથી આવીને બેઠો અને ચા પીતો હતો ત્યાં સંજયનો ફોન આવ્યો અને તેણે કહ્યુ “ભાઇ તારૂ કામ થઇ ગયુ છે. જ્યારે ફ્રી થાય ત્યારે મારા ક્લીનીક પર આવી જા. ”

“હું તો ફ્રી થઇ જ ગયો છું. તુ ક્યારે ફ્રી થઇશ? તે કહે એટલે ત્યારેજ આવુ. ” કિશને કહ્યુ.

“એક કામ કર છ વાગ્યે આવ ત્યાં સુધીમાં હું બધી ઓ. પી. ડી પતાવી દઇશ. ”

“ઓકે તો ચાલ છ વાગ્યે મળીએ. ” એમ કહી કિશને ફોન મુકી દીધો અને કામ કરવા લાગ્યો.

સાંજે છ વાગ્યે કિશન સંજયના ક્લીનીક પર પહોંચ્યો અને રીશેપ્સનિસ્ટને તેનુ નામ આપ્યુ તો રીશેપ્સનિસ્ટે કહ્યુ

“ હા તમે અંદર જઇ શકો છો. સરે તમને અંદર મોકલવાની સુચના પહેલેથીજ આપી રાખી છે. ”

“ અંદર કોઇ પેશન્ટ છે?” કિશને પુછ્યુ.

“હા એક પેશન્ટ છે. ”

“તો તેને નીકળી જવા દો પછીજ અંદર જઇશ. ” એમ કહી કિશન સામે મુકેલ સોફામાં બેઠો.

થોડીવાર બાદ તે પેશન્ટ બહાર નીકળ્યા અને હવે કોઇ પેશન્ટ બાકી ન હતુ એટલે કિશન અંદર ગયો. કિશનને જોઇને સંજય તેની ચેરમાંથી ઉભો થઇ ગયો અને કિશનને ભેટયો. બન્ને બેઠા એટલે સંજયે ફોન કરી ચા નાસ્તાનો ઓર્ડર આપ્યો અને પછી બન્ને મિત્રો વાતોએ વળગ્યા.

“બોલ શુ ચાલે છે? “ સંજયે પુછ્યુ.

“ બસ એજ ઓફીસ અને કોર્ટ વચ્ચે જીંદગી અપડાઉન કરે છે. ” કિશને કહ્યુ.

“ એલા,તુ તો સાહિત્યકાર જેવી ભાષામાં વાત કરે છે. હા તને એ નકામા ચોપડા વાંચવાનું વળગણ છે એ તો હું ભુલી ગયો. ” સંજયે હસતા હસતા કહ્યુ.

“એલા એ કાંઇ નકામા નથી તમારા આ મેડીકલના ચોપડા કરતા તો સારા જ છે. તમને લોકોને હ્રદયને આખુ ખોલી નાખો તો પણ લોહીની નસો સીવાય કંઇ ના દેખાય અને અમને તો હ્રદયને ખોલ્યા વગર જ પ્રેમ, દયા, વફાદારી,ઇર્ષા, ઉદાસી, ક્રોધ વગેરે લાગણીઓના સપ્તધનુષ દેખાય. ” કિશને પણ હસતા હસતા કહ્યુ.

“એલા તારે વકીલની બદલે વકતા થવાની જરૂર હતી. ”

“એક સારો વક્તા જ સફળ વકીલ થઇ શકે. ” કિશને દલીલ કરી.

“એલા ભાઇ તમને વકીલ લોકોને દલીલમાં અમે થોડા પહોંચીએ. એટલે હું મારી શરણાગતી સ્વીકારૂ છું. ”

સંજયે કહ્યુ. અને પછી બન્ને હસી પડ્યા. ત્યાં કેબીનનો દરવાજો ખુલ્યો અને એક છોકરી ચા અને નાસ્તાની પ્લેટ લઇને આવી. તે ચા નાસ્તો ટેબલ પર મુકીને જતી રહી એટલે ચા નાસ્તો કરતા કરતા બન્ને ફરીથી વાતો પર ચડ્યા

અને સ્કુલની જુની યાદો વાગોળવા લાગ્યા.

“એલા પેલો ઠેસીયો કયાં છે? કોઇ કોન્ટેક્ટ છે તેની સાથે?” કિશને પુછ્યુ.

કિશન જ્યારે સ્કુલમાં ભણતો ત્યારે સંજય અને શરદ ઠેસીયા બે તેના ખાસ મિત્રો હતા.

“હા, યાર કોન્ટેક્ટ છે તેની સાથે પણ તે તો ખુબ આગળ નીકળી ગયો છે. ”

“ કેમ? તે અત્યારે ક્યાં છે?” કિશને પુછ્યુ.

“ અરે યાર એ તો આપણા હોમ મિનિસ્ટરનો પર્સનલ સેક્રેટરી થઇ ગયો છે પણ હજુ એવોને એવો જ છે. મે બે ત્રણ વાર તેની સાથે વાત કરી છે. ચાલ તેને ફોન કરીએ ફ્રી હશે તો વાત થશે. તે પણ એક દિવસ તારા વિશે પુછતો હતો. ” એમ કહી સંજયે કોલ કર્યો અને થોડી વાત કરી કિશનને ફોન આપ્યો એટલે કિશને પણ વાત કરી. જુની યાદો તાજી કરતા કરતા અડધા કલાક ફોન ચાલ્યો. છેલ્લે શરદે કિશનને કહ્યુ “ કિશન કંઇ પણ કામ હોય મને યાદ કરજે. હું હજુ મિત્રો માટે તો એજ ઠેસીયો છુ જે પહેલા હતો. સંજય પાસેથી નંબર લઇ લેજે અને કોન્ટેક્ટમાં રહેજે. દિલ્લી આવવાનુ થાય તો ચોક્કસ કોલ કરજે સાથે ફરીશુ અને મજા કરીશુ. ” પછી કિશને ફોન પુરો કર્યો. એટલે સંજયે કહ્યુ “ આ ઠેસીયો કેવો શરમાળ હતો અને આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયો. ”

“હા યાર જીંદગીમાં એવા ઉતાર ચઢાવ આવે છે કે માણસ ક્યાંથી ક્યાં પહોચી જાય છે. ” કિશને કહ્યુ અને પછી મુદા પર આવતા પુછ્યુ “હા તો હવે મારા કામનું શું થયું?”

“હા,તારો શક સાચો છે. પેલા સિવિલના ડોક્ટરે ખોટો રીપોર્ટ આપ્યો છે. આ છોકરીની એક કિડની ઓપરેશનથી કાઢી લેવામાં આવી છે પણ સિવિલના ડૉક્ટરે રીપોર્ટમાં તેનો ઉલ્લેખજ નથી કર્યો. ”

“મને વિશ્વાસ હતો જ કે આવુજ હશે. હવે હું આ ડોક્ટરને છોડીશ નહી. ”

“પણ આ આખો કેશ છે શુ?” સંજયે પુછ્યુ.

“એ તો બહુ મોટી કથા છે એ હું તને પછી ક્યારેક નીરાંતે કહીશ. પહેલા તું મને એ કહે કે આ ફાઇલ પરથી આપણે સાબિત કરી શકીએ કે આ ડોકટરે આપેલો રીપોર્ટ ખોટો છે. ” કિશને પુછ્યુ.

“હા,સાબિત કરી શકાય કેમ કે તેણે જે ટ્રીટમેન્ટ અને દવાઓ લખી છે તે એવા ઇન્ફેક્શનની છે કે જે આગળ કિડનીનું ઓપરેશન થયુ હોય તો જ થઇ શકે. આ ઉપરાંત આ બન્ને ફાઇલની સરખામણી કરીએ એટલે એકદમ સરળતાથી એ સાબિત થઇ જાય કે સિવિલમાંથી આપેલો રીપોર્ટસ ખોટો છે. ” સંજયે કહ્યુ.

ત્યારબાદ કિશન સંજયનો આભાર માની ત્યાંથી નીકળી ગયો અને કારમાં બેસતા જ તેણે ગણેશને કહ્યુ “આ સપનાના રીપોર્ટસ સિવિલના ડૉકટર હરીશ સોલંકીએ બનાવ્યા છે. તેના પર્સનલ નંબર મને શોધી આપ. ”

આ સાંભળી કાર ચલાવતા ચલાવતાજ ગણેશે તેના એક માણસને કોલ કરી કામ સોંપી દીધુ.

કિશન ઓફીસ પહોંચી તેની ચેમ્બરમાં બેસી વિચારવા લાગ્યો કે આ કેસમાં એક આખી ચેઇન છે. એમ કહી તેણે કાગળ ઉપર એક ડાયાગ્રામ દોર્યો

સપના → ઝંખના → ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌XXX → ડોક્ટર → વિજય વાઘેલા → અમોલ કોઠારી → YYY

ત્યારબાદ પેન હાથમાં પકડી વિચારવા લાગ્યો કે આ બે ખાલીજગ્યા છે તે કોણ હોઇ શકે? થોડુ વિચારતા કિશન એ તારણ પર આવ્યો કે ઝંખના પછીની ખાલીજગ્યામાં તો ચોક્કશ કોઇ શિક્ષક અથવા સ્કુલ સાથે જોડાયેલ વ્યક્તીજ હોઇ શકે. શું તે ઝાંપાગઢ અથવા ડુંગરપુરનો કોઇ શિક્ષક હશે? અને બીજી ખાલીજગ્યામાં અમોલ કોઠારી ઉપર કોઇ ના પણ હોઇ અથવા એક કરતા વધારે પણ હોઇ શકે. જેમજેમ વિચારતો ગયો તેમતેમ કોયડો ગુંચવાતો ગયો. કિશનને લાગ્યુ આ તો ચક્રવ્યુહ જેવુ છે. હવે પેલી બુકમાંથી જ કંઇ લીંક મળે તોજ તેને ભેદવો શક્ય બને. આમનેઆમ કિશન ઘણીવાર સુધી વિચાર કરતો બેસી રહ્યો. કિશને વિચાર્યુ હવે શુ કરવુ. અચાનક તેને કંઇક યાદ આવતા ગણેશને ફોન કર્યો અને કહ્યુ “પેલા સિવિલના ડો. સોલંકીનું આપણે જે રેકોર્ડીંગ કરેલુ તે લઇને આવ. ”

થોડીવારમાં ગણેશ એક પેનડ્રાઇવ લઇને આવ્યો એટલે કિશને તેને કહ્યુ “એ રેકોર્ડીંગ ચાલુ કરીદે ચાલ આપણે સાંભળીએ. કદાચ તેમાંથી કંઇ નવુ જાણવા મળે. ”

ગણેશે પેનડ્રાઇવ ચડાવી અને કિશનની સામેની ખુરશીમાં બેસી ગયો. પહેલા થોડીવાર તો ગગન અને ડોક્ટરની વાતો આવી પણ કિશને જ્યારે ફોન કરી ડૉક્ટરને ધમકી આપી પછી ડૉકટરે ગગનને કહ્યુ “હું તમને થોડીવારમાં બધુ તૈયાર કરી આપુ છું. ” પછી થોડીવાર બાદ ડૉક્ટરનો અવાજ આવ્યો “હાલો. હું ડો. સોલંકી બોલુ છું. ”

આ સાંભળી કિશન અને ગણેશને સમજાઇ ગયુ કે ડૉકટર કોઇ સાથે ફોન પર વાત કરી રહ્યો છે. એટલે બન્ને ધ્યાન દઇને રેકોર્ડીંગ સાંભળવા લાગ્યા.

ત્યારબાદ સામેથી કંઇ કહેવાયુ તે રેકોર્ડીંગમાં સંભળાતુ ન હતુ.

પછી ડૉક્ટરે કહ્યુ “આ છોકરીનો કોઇ ઓળખીતો વકીલ છે તેનો ફોન આવેલો તેણે મને ધમકી આપી છે કે સાચો રીપોર્ટ લખી આપજો નહીતર નોકરી જતી રહેશે. અને તે લોકો આ છોકરીને અહીથી ત્યાં લઇ આવવા માગે છે. ”

આ સાંભળી કિશન અને ગણેશ બન્ને ચમક્યા. ત્યાં પાછો ડોક્ટર બોલ્યો “સર પણ તે લોકો બીજી કોઇ જગ્યાએ ગયા તો હું ફસાઇ જઇશ. ”

ફરીથી સામેથી કંઇક કહેવાયુ એટલે ડૉક્ટરે કહ્યુ “ સર તમારા વિશ્વાસ પરજ રિસ્ક લઉં છું. જોજો મારી નોકરી જતી રહે નહી. ” ત્યારબાદ ફોન પુરો થઇ ગયો અને રેકોર્ડીંગ પણ પુરૂ થઇ ગયુ એટલે ગણેશે સીસ્ટમ બંધ કરી અને પેનડ્રાઇવ કાઢી લીધી અને ફરીથી ખુરશીમાં બેઠો એટલે કિશને ગણેશને પુછ્યુ “બોલ ગણેશ તને શુ લાગે છે આમાં?”

ગણેશ થોડીવાર વિચારી બોલ્યો “આ રેકોર્ડીંગ પરથી બે વાત સ્પષ્ટ છે. એક તો ફોન પર જે સામે માણસ હતો તે અમદાવાદ સિવિલ સાથે સંકળાયેલ હતો. કેમકે આપણે તે ડૉકટરને એવુ કહ્યુ હતુ કે અમે અમદાવાદ સિવિલમાં જવા માંગીએ છીએ. અને ફોનમાં ડૉક્ટર સામેવાળાને કહે છે કે “તે લોકો ત્યાં આવવા માંગે છે. ” બીજુ એ જે પણ માણસ છે તે કોઇ મોટો અધીકારી અથવા પોલીટીશિયન અથવા ડૉક્ટર હોઇ શકે કેમ કે આ ડૉક્ટર તેના ભરોશે તેની નોકરી જઇ શકે એમ હોય એવુ રીસ્ક લેવા તૈયાર થઇ જાય છે. ”

“હા, હું પણ આ જ વિચારતો હતો. અને આના પરથી એકવાત તો એ પણ નક્કી થાય છે કે આ ડો. સોલંકી તેમાં સંડોવાયેલો નથી પણ માત્ર પેલા માણસને લીધેજ તે આ કામ કરે છે. જો આ ડોકટરને ડરાવીને કે બીજી કોઇ રીતે ક્લચમાં લેવામાં આપે તો તે ચોક્કસ માહિતી આપી દેશે. આ ડોક્ટરના નંબર મળે એટલે મને આપ. તેને મારે મળવુજ પડશે. ” કિશને કહ્યુ.

“કદાચ તો આવી ગયા હશે. હું ચેક કરી લઉં છું. ” એમ કહી ગણેશે તેનો મોબાઇલ હાથમાં લીધો અને વોટ્સ એપ ખોલી ચેક કરવા લાગ્યો અને બે મિનિટબાદ બોલ્યો “હા,આવી ગયા છે તમે લખીલો. ”

ગણેશે જે નંબર કહયા તે કિશને ડાયરીમાં નોંધી લીધા. અને પછી તેના મોબાઇલમાંથી તે નંબર પર ફોન જોડ્યો. ફોન સામેથી ઉંચકાયો એટલે કિશને વાતની શરૂઆત કરતા કહ્યુ “કોણ ડોકટર હરીશ સોલંકી બોલે છે?”

“હા, તમે કોણ બોલો છો. ?” ડૉ. સોલંકી એ સામે પુછ્યુ.

“હું તમારો શુભ ચિંતક બોલુ છું. તમે જે કેસમાં દાખલ થયા છો તેમાં તમને બન્ને બાજુથી ફસાવી દેવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ” આ સાંભળી ડૉ. સોલંકી થોડા ગભરાયા પણ તેણે તે દેખાવા દીધુ નહી અને થોડી સખ્તાઇથી સામે પુછ્યુ “કયા કેસની વાત કરો છો? અને મિસ્ટર પહેલા તમે કોણ બોલો છો તે કહો?”

“જો ડૉક્ટર ખોટી ચાલાકી કરવાનું રહેવાદો. તમે જેના વિશ્વાસ પર ખોટા કાગળ આપી અને હકીકત છુપાવી રહ્યા છો. તેજ અમદાવાદમાં બેઠો બેઠો તમને ફસાવી પોતે છટકી જવા માટે પ્લાન કરી રહ્યો છે. જો તમે તેમાંથી બચવા માંગતા હોય તો સાંજે 5 વાગે બાયપાસ પર ખામધ્રોડ ચોકડી પાસે આવેલ હીંગળાજ હોટલ પર આવી જજો. અને હા ધ્યાન રહે કે આ વાતની જાણ તમારા પેલા અમદાવાદ વાળા સાહેબને ન થાય નહીતર પાછળથી તમે ખુબ પસ્તાસો. ” એમ કહી કિશને ફોન મુકી દીધો.

“કેમ ડોક્ટરને ત્યાં છેક બોલાવ્યા?” ગણેશે પુછ્યુ.

“ત્યાં તેને આજે એક મોટો રેચ આપી દેવો પડશે એટલે તે પુરો આપણા કાબુમાં આવી જાય. તે આપણને બધુજ સાચુ જણાવી દે અને આપણી વાત કોઇને કહે નહી તે માટે પહેલા તેને પુરો કાબુમાં લેવો જરૂરી છે. કેમકે હવે તે જો આગળ કોઇને વાત કરી દે તો આપણા માટે ખતરો વધી જાય એમ છે. હવે આગળના જે પણ વ્યક્તિ છે તે બહું પહોંચેલા છે એટલે તે લોકોને અંધારામાં રાખીને જ આગળ વધવુ પડશે. ”

ત્યારબાદ થોડુ વિચારીને કિશને ગણેશને કહ્યુ “તું એક કામ કર આ ડોકટરની આખી કુંડળી સાંજ સુધીમાં મને કાઢી આપ અને ખાસ તેના ફેમીલીના ફોટા અને વિગત. છેલ્લા શસ્ત્ર તરીકે કદાચ તેને વાપરવુ પડે. ”

ત્યારબાદ ગણેશ ઓફીસમાંથી બહાર નીકળ્યો અને કિશન તેની ચેરને ટેકો દઇને વિચારવા લાગ્યો. આ ડોકટર કેટલુ જાણતો હશે? તેને ફોન પર સુચના દેવાવાળો માણસ કોણ હશે? આવા ઘણા સવાલ તેના મનમાં થયા જેના ઉત્તરો તેની પાસે નહોતા. પણ તેના મનમાં અમુક બાબત સ્પષ્ટ થઇ ગઇ હતી કે તે જે પણ વ્યક્તિ હશે તે ખુબ પહોંચેલી હશે અને આ કેસ સાથે જોડાયેલી હશે. કિશનને હવે એ પણ સમજાઇ ગયુ હતુ કે તેની લડાઇ ખુબ મોટા માણસો સાથે છે એટલે તે ખુલ્લેઆમ તો તેને ક્યારેય પહોંચી નહી શકે. આ બધાને જો મારે પહોંચવુ હશે તો બને ત્યાં સુધી તેની નજરમાં આવ્યા વગર જ લડવુ પડશે. તે લોકો મારો પીછો કરાવે છે પણ મારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા નથી તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે તે લોકો એવુ માને છે કે હું તેને કંઇ નુકશાન પહોંચાડી શકુ તેવી કોઇ માહિતી મારી પાસે નથી. મારે તે લોકોને છેલ્લે સુધી એમજ ભ્રમમાં રાખવા પડશે. અને આ વિચાર આવતાજ કિશનના મગજમાં એક આઇડીયા આવ્યો. અને તેણે શિખરને ફોન કર્યો. શિખર સાથે વાત કર્યા પછી તેને હવે એક વાતની શાંતિ થઇ ગઇ હતી. ત્યારબાદ કિશને વિચાર કરી તેની ડાયરીમાં થોડી નોંધો લખી અને ડૉકટરને શું શું પુછી શકાય તેની યાદી તૈયાર કરી. આ કિશનની એક ટેવ હતી કે તે કોઇપણને મળવા જાય એ પહેલા તેની પાસેથી શુ જાણવુ છે તેને આધારે પ્રશ્નનું એક લીસ્ટ બનાવે અને પછી તે વાંચી યાદ રાખીલે. તે પ્રમાણેજ તે વાતચીત કરતા કરતા તે પ્રશ્નો પુછી લે. ત્યારબાદ કિશને નેહાને બોલાવી અને તેનુ કામ કરવા લાગ્યો.

કિશને ચાર વાગે ગણેશને બોલાવી કહ્યુ “તારે મને કોઇને પણ જાણ ન થાય તે રીતે હીંગળાજ હોટલ લઇ જવાનો છે. ” આ સાંભળી ગણેશ થોડુ વિચારી બોલ્યો “સારૂ પણ હું કહું તેમ તમે કરજો એટલે તમે ત્યાં પહોંચી જશો. ”

ત્યારબાદ ગણેશે આખો પ્લાન તેને સમજાવ્યો અને એક બે ફોન કર્યા પછી તે બન્ને ત્યાંથી કારમાં નીકળ્યા. ગણેશે કારને તળાવ વાળા રસ્તા પરથી આગળ જવા દઇ સહીદ ગાર્ડન પાસે થી જમણી બાજુ ના રસ્તા પર ફાટક ક્રોસ કરવાને બદલે સીધી જવા દીધી. અને સાઇડગ્લાસમાં જોયુ તો પાછળ એક યુવાન બાઇક લઇ તેનાથી થોડા અંતરે આવતો હતો. ગણેશને ખાતરી થઇ ગઇ કે તેનો પીછો થાય છે. એટલે તેણે કારને આગળ જવા દીધી અને આલ્ફા સ્કુલ તરફ જતો રસ્તો આવ્યો એટલે તેણે ગાડીની સ્પીડમાં વધારો કર્યો અને ફુલ સ્પીડમાં જમણી બાજુ કાર લઇને આવેલ જયશ્રી ટોકીઝની ફાટક વટાવી ત્યાં સામેજ પોલીસ હેડક્વાટર પાસે કાર ઉભી રાખી. તરતજ પોલીશ હેડકવાટરના મોટા ગેટમાં રહેલ નાનકડી ડેલી જેમાંથી એક માણસ માંડ માંડ પસાર થઇ શકે તેમાં કિશન ઘુસી ગયો એટલે ગણેશે કાર ઝટકા સાથે સ્ટાર્ટ કરી અને જયશ્રી ટોકીઝની દિશામાં જવા દીધી. હવે કિશન કંઇ રીતે છટકી શક્યો તે સમજવા માટે થોડા પાછળ જઇએ ગણેશે કારને શહીદ ગાર્ડનથી આગળ જવા દીધી એ સાથે પેલા યુવકે પણ તેની પાછળ થોડા અંતરે બાઇક જવા દીધી. ગણેશે આલ્ફા સ્કુલના રસ્તા પર સ્પીડમાં જમણી બાજુ વળાંક વાળ્યો એ સાથે પેલા યુવાને પણ સ્પીડ વધારી પણ ત્યાં અચાનક આલ્ફા તરફના રસ્તા પરથી એક બાઇકવાળો આવ્યો અને તેની સાથે અથડાયો એટલે તેનુ બેલેન્સ ગયુ અને તે નીચે પડ્યો. પેલાએ આવીને તેને ઉભો કર્યો અને બાઇક સાઇડમાં મુકી આ સમયમાં કિશન ત્યાં સુધીમાં ઉતરીને ગેટમાં જતો રહ્યો અને કાર આગળ નીકળી ગઇ હતી. પછી પેલા યુવકે કારનો પીછો કર્યો. આ બાજુ કિશન જેવો પેલા પોલીસ હેડક્વાર્ટરના ગેટમાં દાખલ થયો કે તરતજ એક કાર આવીને તેની સામે ઉભી અને કિશન તેમા બેસી ગયો. આ કારની વ્યવસ્થા ગણેશેજ કરાવી હતી. તે કાર કિશનને હીંગળાજ હોટલ ઉતારી ગઇ. કિશન જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે 4:45 થયા હતા. એટલે કિશને ત્યાં જઇ ચા પાણી પીધા અને પછી જશાભાઇને બોલાવી થોડી સુચના આપી. તે પછી કિશન ત્યાં અંદર રહેલ સ્પેશિયલ રૂમમાં બેઠો જ્યાંથી આખી હોટલનુ કમ્પાઉંડ દેખાતુ હતુ. કિશન દશેક મિનિટ બેઠો ત્યાં એક મારૂતી 800 કાર આવીને ઉભી રહી. તેમાંથી એક 40 થી 45 વર્ષનો વ્યક્તિ ઉતર્યો અને હોટલમાં દાખલ થયો. કિશને સ્પેશિયલ રૂમમાંથી તેને જોયો. ગણેશે ફોટા આપ્યા હતા તેમા ડો. સોલંકીનો પણ એક ફોટો હતો એટલે કિશન તેને ઓળખી ગયો. ડૉક્ટર બે મિનિટ બેઠો એટલે કિશન રૂમમાંથી નીકળી તેની પાસે ગયો અને બોલ્યો "હેલ્લો ડોક્ટર સોલંકી કેમ છે?"

ડોક્ટર કિશન સામે જોઇ રહ્યો અને તેણે કિશન સાથે હાથ મિલાવ્યા.

એટલે કિશને તેની સામેની ખુરશીમાં બેસતા કહ્યુ “શું સાહેબ અહી આવવામાં કોઇ તકલીફતો નથી પડીને?. ”

ત્યાં ચા અને નાસ્તો લઇને વેઇટર આવ્યો. “તમે કોણ છો? અને મને શા માટે અહી બોલાવ્યો છે?” ડોકટરે પુછ્યુ એટલે કિશને હસતા હસતા કહ્યુ “અરે ડોક્ટર સાહેબ ચા તો પીઓ તમારા બધાજ પ્રશ્નોના જવાબ તમને થોડીવારમાં મળી જશે. ” આ સાંભળી ડોક્ટરે ચાનો કપ હાથમાં લઇ પીવાની શરૂઆત કરી એટલે કિશને કહ્યુ “હું કોણ છું તે મહત્વનું નથી. પણ તમને અહી જે કામ માટે બોલાવ્યા છે તે મહત્વનું છે. ” આટલુ કહી કિશન ડોક્ટરનો પ્રતિભાવ જાણવા રોકાયો અને પછી આગળ બોલ્યો “તમે જે કેસમાં ખોટા રીપોર્ટ્સ લખી આપ્યા છે તેમાં તમને ફસાવી દેવાના પ્રયત્નો થઇ રહ્યા છે. ” આ સાંભળી પહેલા તો ડૉક્ટર ડરી ગયા પણ તરતજ ડર તેણે છુપાવી દીધો અને ગુસ્સે થઇ બોલ્યા “જો મિસ્ટર તમે મારા પર ખોટા આરોપ લગાવો છો. હું કોઇ દિવસ ખોટા રીપોર્ટ્સ આપતો નથી. ”

“જો ડૉક્ટર મે તમને અહી એટલા માટે બોલાવ્યા છે કે હું તમને મદદ કરી શકુ. પણ તમે ખોટુ બોલી તમારાજ પગ પર કુહાડી મારી રહ્યા છો. તમને લાગતુ હોય કે તમે કોઇ ખોટુ કામ નથી કર્યુ તો તમે જઇ શકો છો પણ પછી જ્યારે આ બધામાં ફસાઇ જશો ત્યારે કોઇ મદદ માટે નહી આવે. ” કિશન એટલા રૂઆબથી બોલ્યો કે પેલો ડોક્ટર એકદમ ગભરાઇ ગયો અને ધીમેથી બોલ્યો “પ્લીઝ તમે મને સમજવાની કોશિશ કરો તમારી કોઇ ભુલ થતી લાગે છે. મે કોઇ ખોટા રીપોર્ટસ બનાવ્યા નથી. ”

“ ઓકે તો તમે એમ નહી માનો. લો ત્યારે તમે જ જોઇ લો. ” એમ કહી કિશને તેને બે ફાઇલની ઝેરોક્ષ આપી. આ તેજ બન્ને ફાઇલની કોપી હતી જે સંજયને ચેક કરવા આપી હતી. કિશને તેમા જે જે જગ્યાએ ખોટી વિગત લખી હતી ત્યાં હાઇલાઇટ કરેલી હતી. આ જોઇ પેલો ડોક્ટરતો એકદમ ગભરાઇ ગયો. બન્ને ફાઇલમાં જ્યાં જ્યાં ખોટી વિગત હતી ત્યાં ત્યાં કિશને તેને બતાવી અને કહ્યુ “આ બધી વિગતો તમે ખોટી લખી છે જે હું સાબિત કરી શકુ એમ છું. આ જો પેલી છોકરીના ભાઇને ખબર પડે તો તમારી નોકરી તો જશેજ પણ સાથે સાથે જેલ પણ જવુ પડશે. ” આ સાંભળી ડોક્ટર ધ્રુજી ગયો અને બોલ્યો “પ્લીઝ મારી ભુલ થઇ ગઇ છે. તમે એવુ કંઇ નહી કરતા. ”

કિશને જોયુ તો હજુ તે વધુ કંઇ બોલતો નહોતો એટલે કિશને વધુ એક ઘા મારતા કહ્યુ “આ ફાઇલના દરેક રીપોર્ટ્સ પર માત્ર તમારી સહી છે. એટલે આ બધીજ જવાબદારી માત્ર તમારી જ છે. સજા પણ તમારે જ ભોગવવી પડશે. તમે જેના ઇશારે કામ કર્યુ છે તે તો આબાદ બચી જશે. ”

આ સાંભળી પેલો ડૉક્ટર તો સુન થઇ ગયો અને બોલ્યો “પ્લીઝ મને આમાંથી બચાવી લો હું તમારો આ ઉપકાર જીંદગીભર યાદ રાખીશ. ”

આ સાંભળી કિશન ખુશ થઇ ગયો અને બોલ્યો “આ રીપોર્ટ્સ માત્ર મારી પાસે છે એટલે એકમાત્ર હુંજ તમને બચાવી કે બરબાદ કરી શકુ એમ છું. પણ હું તમને બચાવુ શું કામ? જે ડોક્ટર એક માણસને ખુશ કરવા માટે કોઇની જીંદગી સાથે રમત રમે અને પોતાની ફરજ સાથે ગદ્દારી કરે તેને હું શુ કામ બચાવુ? અને એ પણ ત્યારે જ્યારે તેને તેનો સહેજ પણ પસ્તાવો ન હોય. ”

આ સાંભળી પેલો ડોક્ટર બોલ્યો “તમારી વાત સાચી છે મારાથી ખુબ મોટી ભુલ થઇ ગઇ છે. મને દિલથી પસ્તાવો થાય છે. આ ભુલ મારી જીંદગીની સૌથી મોટી ભુલ છે. ” એમ બોલી ડોક્ટર રડવા લાગ્યો એટલે કિશને તેને પાણીનો ગ્લાસ આપ્યો અને બોલ્યો “પાણી પી લો. ” ડોક્ટરને પાણી પીતા થોડુ સારૂ લાગ્યુ એટલે તેણે કહ્યુ “મને મારી ભુલનો અહેસાસ થઇ ગયો છે. તમે જે કહો તે કરવા હું તૈયાર છુ પણ પ્લીઝ આ એક વખત મને આમાંથી બચાવી લો. હું મારી દિકરીના સોગંદ ખાઇને કહું છું કે હવે પછી ક્યારેય કોઇ ખોટુ કામ નહી કરૂ. ”

આ સાંભળી કિશને કહ્યુ “જો તમે હજુ વિચાર કરી લો. કેમકે હું કહુ તેમ કરવામાં થોડો ખતરો છે. અને તમારા ઉપરી વિરૂધ જવુ પડશે. તમને બે મિનિટ આપુ છુ હજુ વિચારી લો કે તમારે આમાંથી બચીને એક ઇમાનદારીની જીંદગી જીવવી છે કે પછી તમારા ઉપરીઓની ચાલમાં સામેલ થવુ છે. ”

આ સાંભળી ડૉક્ટરે કહ્યુ “હવે મારે કંઇ વિચારવુ નથી હું તમને સાથ આપવા તૈયાર છું. પણ તે લોકો બહુ પહોંચેલા છે. તે મને છોડશે નહી. ”

“તમે એ ચિંતા નહી કરો તમારૂ નામ ક્યાંય પણ નહી આવે. પણ તમારે મને તેના વિશે બધી માહિતી આપવી પડશે. જો કોઇ પણ વાત છુપાવી કે ચાલાકી કરવાની કોશિશ કરી તો પછી હવે તમને કોઇ બચાવી શકશે નહી. ”

આ સાંભળી પેલો ડૉક્ટર બોલ્યો “ હું તમને બધુજ સાચુ કહીશ. પણ તમે મને બચાવી લો પ્લીઝ. ”

“ઓકે તો તમે પહેલા આ ચા નાસ્તો પુરો કરો પછી આપણે અંદર બેસીએ ત્યાંજ તમે મને બધી વાત કરજો. ” એમ કહી કિશને જશાભાઇને પેલાને ખબર ના પડે એમ ઇશારો કરી અંદર બધુ ગોઠવવા કહી દીધુ.

નાસ્તો પુરો કરી કિશન અને ડૉક્ટર અંદર સ્પેશિયલ રૂમમાં ગયા ત્યાં પહેલેથીજ બધુ ગોઠવાઇ ગયુ હતુ. કિશને ઇશારો કરી વાતને રેકોર્ડીંગ કરવાની વ્યવસ્થા પણ કરાવી લીધી હતી. કિશને બેસીને ડોકટરને કહ્યુ “હવે તમે બધી વાત કરો અને કંઇ છુપાવતા નહી નહીંતર તમને જ તકલીફ પડશે. ” ત્યારબાદ ડોક્ટરે વાત કરવાની શરૂઆત કરી “આ છોકરી સપના એડમીટ થઇ તેના આગલા દિવસે મારા પર અમદાવાદથી ડો. અતુલ જૈનનો ફોન આવ્યો હતો. ” આ નામ સાંભળતાજ કિશન ચોંકી ગયો કેમકે ડૉ. અતુલ જૈન એટલે દેશના ટોપ ડોક્ટરોમાં જેનુ નામ લેવાય છે. તે અમદાવાદ સિવિલ હોસ્પીટલના સંચાલક હતા અને તેને ગુજરાત સરકાર દ્વારા ઘણા બધા એવોર્ડ્સ મળેલા હતા. મેડીકલ જગતમાં તેનુ નામ ખુબ આદરથી લેવાતુ.

ડોક્ટરે વાત આગળ વધારતા કહ્યુ “તેનો ફોન મારા પર આવતા હું તો ખુબ ખુશ થઇ ગયો. આવડી મોટી હસ્તી નો ફોન આવે એ કોઇ સામાન્ય વાત નહોતી. પહેલા તેણે મારી સાથે થોડી ઔપચારીક વાત કરી પછી મને કહ્યુ “ડોક્ટર સાહેબ તમારી એક મદદની જરૂર હતી. ” આ સાંભળી હું ખુશ થઇ ગયો. આવડી મોટી હસ્તીને મારી જરૂર પડી એ મારા માટે બહુ મોટી વાત હતી. તેણે મને કહ્યુ “ સિવિલમાં તમારી અંડરમાં કાલે એક સપના નામની છોકરી એડમીટ થશે. તમારે તેની કીડનીના ઇંફેક્શનની સારવાર કરવાની છે. બીજુ કંઇ પણ તમને તેમા લાગે તો મને ફોન કરજો. ” પછી તે થોડુ રોકાઇને બોલ્યા “અને જોજો મારા સિવાય કોઇને તેના વિશે કશુ કહેતા નહી. હવે તમે મારા અંગત મિત્ર છો એટલે આ કામ કરી આપજો. ” આ સાંભળી હું તો ખુબ હરખાઇ ગયો કે આવડી મોટી હસ્તી મને અંગત મિત્રતા ઓફર કરે છે એટલે મે તેને કહ્યુ “અરે થેંક્યુ સર હું સંભળી લઇશ અને કંઇ હશે તો તમને કોલ કરીશ. ” ત્યારબાદ તેણે ફોન મુકી દીધો. બીજા દિવસે સપના એડમીટ થઇ એટલે મે તેના બધાજ રીપોર્ટસ કરાવ્યા ત્યારે હું ચોકી ગયો. રીપોર્ટસ પરથી એવુ જાણવા મળ્યુ કે તેની એક કિડની ઓપરેશન કરી કાઢી લેવામાં આવેલી છે”

આ વાત મે ડો. જૈન ને કરી તો તેણે કહ્યુ “ડૉક્ટર તમારે આ કેસ સાચવી લેવાનો છે ગમે તેમ તેની સારવાર કરી અને સાજી કરો અને તેને તેના ઘરે મોકલી આપો. તમારો આ અહેસાન હું યાદ રાખીશ. અને તમને તેનુ વળતર ચોક્કસ મળશે. ”

આ સાંભળી મને થોડી લાલચ જાગી એટલે મે તે કામ કર્યુ અને સપનાને ઇંફેક્શનની સારવાર આપી સાજી કરી. છેલ્લે જ્યારે ડીસ્ચાર્જ આપવાનુ થયુ ત્યારે સપનાના ભાઇએ મને રીપોર્ટસ આપવાનુ કહ્યુ અને મારે અમદાવાદ સિવિલમાં બતાવવા જવુ છે તે કહ્યુ એટલે મે તેને બધા રીપોર્ટસ આપવાની ના પાડી પણ તેણે તેના કોઇ સંબંધી વકીલને વાત કરી તો તે વકીલે ફોન કરી મને ધમકી આપીકે તમે સાચો રીપોર્ટ્સ નહી આપોતો તમારી નોકરી જતી રહેશે. આ સાંભળી હું ગભરાઇ ગયો એટલે મે ડૉ. જૈનને ફોન લગાવ્યો અને તેને આ વાત કરી તો તેણે કહ્યુ “ તમે તેને ખોટો રીપોર્ટ્સ બનાવી આપીદો તે અહી આવશે તો હું બધુ સંભાળી લઇશ. ” પણ હવે મને ડર લાગતો હતો એટલે મે કહ્યુ “સર પણ તે લોકો બીજી કોઇ જગ્યાએ જશે તો હું ફસાઇ જઇશ. ”

આ સાંભળી ડો. જૈને કહ્યુ “તમે ચિંતા નહી કરો. આપણી સાથે બહુ મોટા માથા જોડાયેલા છે. હું તમને કંઇ થવા નહી દઉં. અને તમને આ કામનું ફળ પણ મળશેજ. આમાં મિનિસ્ટર પણ સામેલ છે. તમે આ કેસ પતાવી આવતા મહિને અમદાવાદ આવજો એટલે તમને બધીજ ખબર પડી જશે. ”

આ સાંભળી મને લાલચ જાગી છતા મે તેને કહ્યુ “ જોજો સાહેબ હું આ કામ તમારા ભરોશે જ કરૂ છું. ”

અને પછી મે તે ખોટો રીપોર્ટ્સ બનાવી આપ્યો જે અત્યારે તમારી પાસે છે. ત્યારબાદ એક વખત ડો. જૈનનો ફોન આવેલો તેણે મારો આભાર માન્યો હતો. અને મને ટુંક સમયમાં તેનુ ફળ મળશે એવુ કહ્યુ હતુ. એ પછી મને કંઇ ખબર નથી. ” આમ કહી ડોક્ટર હરીશ સોલંકીએ વાત પુરી કરી અને આખો ગ્લાસ પાણી એક સાથે પી ગયો.

કિશને થોડીવાર તેને રીલેક્ષ થવા દીધો પછી પુછ્યુ “આ ડો. જૈનને તમે પુછ્યુ નહી કે તે આ કામ કોના માટે કરે છે?”

“હા મે પુછેલુ પણ તેણે વાત ઉડાવી દીધેલી. ” ડૉ. સોલંકીએ કહ્યુ.

“તમે આ ડો. જૈન વિશે કંઇ વધારે જાણો છો?તેના ભુતકાળ વિશે અથવા બીજી કોઇ વાત. ” કિશને પુછ્યુ

“ ના બીજીતો કંઇ ખબર નથી પણ એટલી ખબર છે કે તે આઠેક વર્ષ પહેલા અહી સિવિલમાંજ હતા. ” આ સાંભળી કિશન ચોંકી ગયો પણ તેણે તરતજ બીજો સવાલ પુછ્યો “આજથી દશેક વર્ષ પહેલાના રીપોર્ટસ કે કોઇ પેશન્ટની હિસ્ટરી જેવીકે તેનું ઓપરેશન કોણે કર્યુ હતુ? શું થયુ હતુ? વગેરે જાણવુ હોય તો મળી શકે કે નહી. ”

“હા એ તો મળી શકે પણ તેના માટે બધા જુના રીપોર્ટસ શોધવા પડે. ” ડૉક્ટરે કહ્યુ.

એટલે કિશને કહ્યુ “જો ડૉક્ટર તમે ડૉક્ટર જૈનની ચાલમાં પુરા ફસાઇ ગયા છો. જો કોઇ સાબીત કરી આપે કે આ તમે ખોટો રીપોર્ટ આપ્યો છે એટલે એ સાબિત થઇ જાય છે કે સપનાની કિડની પણ તમે જ કાઢી લીધી છે. અને તેને લીધે જે પણ સજા થાય તે તમને થાય. ડૉક્ટર જૈન અને તેનો બોસ બચી જાય. તેમા તમે એવુ કોઇ રીતે સાબિત કરી શકો એમ નથી કે આ તમે ડૉક્ટર જૈનના કહેવાથી કર્યુ છે. ” આ સાંભળી ડૉ. સોલંકીને પરસેવો વળી ગયો અને તે બોલ્યા “તમારી વાત સાચી છે. હું આમા બહુજ ખરાબ રીતે ફસાઇ ગયો છું. પ્લીઝ તમે મને આમાંથી બચાવી લો. ”

“જો હું કહુ તે તમે એક કામ કરો તો તમારી બચવાની શક્યતા છે. તમે એક કામ કરો હોસ્પીટલના રેકોર્ડ તપાસો 2008માં આ જ છોકરી સપનાનું એક ઓપરેશન સિવિલમાં કરાવ્યુ હતુ. તમે તેની બધીજ તપાસ કરો. તે ઓપરેશન કયાં ડૉક્ટરે કરેલુ છે? તેની સાથે કોણ કોણ હતુ? અને શેનુ ઓપરેશન કરેલુ છે? વગેરે બધીજ માહિતી મેળવો. આ માહિતી જ તમને આમાંથી નિર્દોશ છોડાવી શકે એમ છે. આ બધી માહિતી તમે મને આપશો તો હું ચોક્કસ તમને બચાવવા માટે મહેનત કરીશ. ”

આ સાંભળી ડૉક્ટરે કહ્યુ “હા હું ચોક્કસ આ માહિતી શોધી આપીશ. પણ પ્લીઝ તમે મને બચાવી લેજો. ”

“અને ખાસ ધ્યાન રાખજો કે આ રેકોર્ડ તમે શોધો છો તે કોઇને ખબર ના પડવી જોઇએ કેમકે તમારી આસપાસ કોઇ ડૉ. જૈનનો માણસ હોઇ શકે. ”

પછી થોડુ રોકાઇને કિશને કહ્યુ “અને ડૉક્ટર તમે ખરા દિલથી મને સાથ આપો એજ તમારા હિતમાં છે. બાકી આ ફોટા જોઇલો એટલે તમને સમજાઇ જશે કે તમે આમાં કોઇ પણ છેતરપીંડી કરવાની કોશિસ કરી છે તો માત્ર તમારી નોકરી જ નહી પણ તમારા ફેમીલીની જીંદગી પણ ખતરામાં આવી જશે. ” આમ કહી કિશને એક કવર ડૉકટરને આપ્યુ. ડૉક્ટરે ધ્રુજતા હાથે એ કવર લીધુ અને અંદરથી ફોટા કાઢીને જોયા એ સાથે જ તેને જાણે લકવો થઇ ગયો હોય તેમ હાથ સ્થીર થઇ ગયા અને તે કિશન સામે તાકી રહ્યો. આ જોઇ કિશને કહ્યુ “ડૉક્ટર ચિંતા નહી કરો. જો તમે દગો દેવાનું વિચારો તોજ મારે ના છુટકે આ પગલુ ભરવુ પડશે પણ જો તમે સાચા દિલથી સાથ આપશો તો તમારા ફેમીલીને કંઇ નહી થાય. તમે મારો નંબર અને નામ લખીલો. ” એમ કહી કિશને તેને મોબાઇલ નંબર લખાવ્યો અને જેવુ કિશન તેનું નામ બોલ્યો કે તરતજ ડોકટરને યાદ આવી ગયુ કે આતો તે વકીલજ છે જેણે મને ફોન કર્યો હતો. તે કંઇ કહેવા જાય તે પહેલાજ કિશને કહ્યુ “હા ડૉક્ટર હું એજ વકીલ છું જેણે તમને સાવચેત કર્યા હતા. પણ તમે તેને ધ્યાનમાં ના લીધુ. ઓકે ડૉક્ટર હવે આપણે મળશુ નહી તમે મને માત્ર કોલ કરીનેજ જાણ કરજો અને કોલ પણ બને ત્યાં સુધી તમારા મોબાઇલમાંથી ન કરતા અને ઇમરજન્સીમાં કંઇ કામ હોય તો આ હોટલના માલિક જશાભાઇને મળજો. ” એમ કહી કિશન ઉભો થયો એટલે ડોક્ટર પણ ઉભો થયો અને કિશન સાથે હાથ મિલાવીને જવા માટે બહાર નીકળ્યો.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે. તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no-9426429160

Email id:- hirenami. jnd@gmail. com

Facebook id:-hirenami_jnd@yahoo. in