સમય વરતે સાવધાન Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમય વરતે સાવધાન

સમય વરતે સાવધાન...!

આ લેખ લખતાં પહેલાં, મને કવિ ચિનુ મોદી ‘ ઈર્શાદ ‘ ની આ પંક્તિ વાગોળવાનું મન થાય છે...!

આ શ્વાસની રમતમાં હારી ગયો છું તો પણ

મારાં ઘરે પધારો ઓ ગંજીપાની રાણી

ક્યારેક કાચ સામે ક્યારેક સાચ સામે

થાકી જવાનું કાયમ તલવાર તાણી તાણી

આ પંક્તિ, ને જેની સાથે સેટ કરવી હોય, તેની સાથે થાય. વાંદરી પાનાની માફક...! જેમ કે, આ બંદાએ ક્ષમા યાચના સાથે લગન સાથે મેળ પાડ્યો. ગોડ નોઝ...કે આપણામાંથી સેન્સ ઓફ મેરેજ હ્યુમરનો દુકાળ ક્યારે દુર થશે ? લગનના લ્હાવાને દર લગન જયંતીએ લુંટવાને બદલે, અમુક તો ખાટલે બેસીને કુકરની સીટી જ ગણતા હોય...! ક્યાં તો પાણીચા અથાણાં જેવું મુખારવિંદ કરીને હાઉ...હાઉ જ કરતા હોય. જાણે અસ્સલ ડાઘિયો...! લગન વખતે જેવાં ધૂમ ધડાકા કરેલાં, એમાનું હરામ બરાબર જો એકાદ સુરસુરિયું સળગાવવા પણ બહાર નીકળતા હોય તો...! લગનની ચાર-પાંચ ઓવર તો એ મઝેની કાઢે. વાઈફ આગળ ‘ કાનુડો ‘ એવો મરણતોલ થઇ જઈ જાય કે, એના વખાણ કરતા નહિ થાકે. શું તારું સક્કરટેટીની ચીરી જેવું કપાળ છે, શું એના ઉપર ચેરી જેવો ચાંદલો છે, શું બદામના પીસ જેવી તારી આંખ છે, શું અખરોટ જેવું તારું નાક છે, શું સફરજનની છાલ જેવાં તારાં ગાલ છે, ને શું દાડમની કળી જેવાં તારાં દાંત છે...! પછી જેવાં પંચાંગના પાના ફાટવા માંડે, એટલે ફ્રુટસેલાડ ખાટો લાગવા માંડે...! એક બહેને તો સાહસ કરીને વરસ દહાડે પૂછી નાંખેલું કે, ‘ પરણ્યા ત્યારે તો તમે એવું કહેતાં કે, ‘ તું તો મારી અંગુર રબડી છે, રસમલાઈ છે, બરફીનો ટુકડો છે, અને હવે કેમ એવું કહો છો કે, તું તો ખાટો દૂધપાક છે ? ‘ હવે એ બહેનને કોણ સમઝાવે કે, દુધની મીઠાઈ બહુ દિવસ થોડી ચાલે ? આ તો એક જોક...!

આમાં કોઈનો વાંક નથી, વાંક છે લગન કરાવવાવાળાનો. એ તો લગન વખતે આપણું ધ્યાન નથી હોતું એટલે, બાકી છાશવારે એ તો બોલતાં જ હતાં કે, “ સમય વર્તે સાવધાન....! “ એટલે તો લગન જેવી જયંતીએ પણ, બાપાની પુણ્યતિથી હોય એમ છોગીયું મોઢું કરીને બેઠો હોય. એક બાજુ એનું મોઢું જુઓ, ને બીજું બાજુ પાણીચું જુનું અથાણું જુઓ, બંને સરખા લાગે. ત્યારે એ ખુમારી સાથે વાઈફને નથી કહેતો કે, “ ઉઠો જાગો ને ચાલો, બેન્ડવાજા સાથે સાત ઘોડાની બગીમાં બેસીને આપણે પાણીપુરી ખાવા જઈએ.....! “ લુખ્ખો થઇ ગયો હોય એટલે ફાઈવ સ્ટાર હોટલની ફેંકવી નિરર્થક કહેવાય....!! આપણે પણ જાણીએ...!

મને ખબર છે કે, તમને ટેન્શન થવાનું, મામૂને આજે એકદમ લગ્ન જયંતીની ક્યાંથી ઉપડી ? પણ મૂળ મામલો છે મારાં મિત્ર ચમન ચક્કીનો, ઉર્ફે ચમનિયાનો…!, મિત્રના મૂંઝારામા જો મિત્ર કામ નહિ આવે તો એ મિત્ર શું કામનો ? એને ગેસનો ખાલી બુલો કહેવાય....! મૂળ વાત એવી છે કે, જેમ આવડતની જાત નહિ, ને પાર્ટી ચૂંટણી લડવા ટીકીટ ફાળવી દે, એમ લગનનું મુદ્દલે બેઝીક નોલેજ નહિ, બાપાએ એને ઠેકાણે પાડી દીધેલો. આઈ મીન....... પૈણાવી દીધેલો. જ્યારે પગમાં નવી નકોર મોજડી, કેડમા કહેવાતી બુઠ્ઠી તલવાર, હાથમાં છોલેલું નાળીયેર, માથે સવા શેરનો સાફો, જરકસી જામાનો સરકસી ડ્રેસ, ને મોઢાના ગલોફામાં ૧૨૦ નું પાન પધરાવીને એની જાન કાઢવા એને બહાર કાઢ્યો, ત્યારે પણ એને નોલેજ નહિ કે, આટલા બધાં સરસામાન સાથે આ લોકો મને લઇ જાય છે ક્યાં...? દુનિયાના કરોડો સવાલોના ઉતર આજે એની પાસે છે, પણ કયા ગુન્હાસર એને પરણાવેલો, એનો ઉતર શોધવા હજી એ ફાંફા મારે છે. ભગવાન શ્રી રામે કૈકયીના વેણથી વનવાસ વ્હોરેલો, એમ બાપના બોલે એ ઘોડે ચઢી ગયેલો...! બસ ત્યારથી લોકો તાવીજ બાંધીને ફરે એમ, એ વાઈફને લઈને ફરે છે....! પેલી મોજડી, તલવાર, સાફો નાળીયેર ને જરકસી જામાવાળો સરકસી ડ્રેસ, દર લગન જયંતીએ બહાર કાઢે, ને તડકો લગાવી પાછો મૂકી દે. હજી પણ એનું માનવું છે કે, લગનની ખાઈમા નાંખવા માટે આ બધાં પણ મારાં બાપા જેટલા જ જવાબદાર છે....!

પાછો અક્કરમીનો પડિયો તો એવો કાણો કે, જે દિવસે ચંદ્ર ગ્રહણ ફૂટ્યું એ જ દિવસે એની લગ્ન જયંતી આવી. મને કહે, ‘ રમેશીયા...! ગ્રહણો પણ મારો પીછો મુકતા નથી. શરૂ શરૂમાં મેઘધનુષ નીકળ્યું તે નીકળ્યું, પછી તો સુરજના ગ્રહણ પુરા થાય તો ચંદ્રના ગ્રહણ શરૂ થાય, ને બંનેના ગ્રહણ પુરા થાય એટલે ઘરવાળી ગ્રહણ શરૂ થાય. માણસ આટલી બધી સહન શક્તિ લાવે ક્યાંથી ? ચંદ્ર ગ્રહણના માહોલમાં લગ્ન જયંતી ઉજવવા વાઈફના ખભે હાથ નાંખીને મકાઈ ખાવા જઈએ તો સારું લાગે ? મૂડ આવવાને બદલે, કોઈએ મૂઢમાર માર્યો હોય એવી પીડા થાય. ગ્રહણમાં સાપ ક્યાંથી નીકળ્યો, એવો લોકો ટોણો મારે તે જુદું....! બાપૂની પુણ્યતિથી પોષાય, પણ ગ્રહણમાં લગન જયંતી આવે એ નહિ પોષાય. વીજળીના જીવતાં તાર પકડાય ગયાં હોય, એવી હાલતમાં મિત્ર સપડાયો હોય, ત્યારે મિત્રની પડખે તો રહેવું જ પડે ને મામૂ....?

લોકો પણ પાછાં સીધાં નહિ. લગન જયંતીએ એવાં વ્હોટસેપ કરે કે, આ વખતે તો લગન જયંતી પણ ચંદ્રગ્રહણમા આવી, એટલે ભાભીને લઈને ચંદ્ર પર જવાના હશો નહિ ? એના કપાળમાં કાંદા ફોડું....! તો વળી કેટલાંક લખે કે, ‘ ‘ લગન જયંતિ મુબારક હો....! પાર્ટીમાં બોલાવજો યાર...? એકલાં એકલાં લગનની જયંતી નહિ ઉજવતાં....! ‘ તે શું તારાં પ્રમુખસ્થાને એનો જાહેર ઉત્સવ મનાવવાનો છે કે....? એકાદે તો એવું પણ લખ્યું કે, “ એમાં એકાદે તો એવી બદામ ફોડી કે, ‘ ભગવાને શું રાધા-કૃષ્ણ જેવી તમારી જોડી બનાવી છે ? “ હવે એ ઝેરવાવરાને કોણ સમઝાવે કે, આ રાધા-કૃષ્ણની જોડી પણ બાધા-કૃષ્ણની છે...! એક પૈંડું ટ્રેક્ટરનું ને બીજું બુલેટનું હોય તો એ રથ નહિ કહેવાય લોથ કહેવાય....! ખોડગાતાં રથને અહિયા સુધી કેમ ખેંચી લાવ્યો, એ તો ખેંચનારો જ જાણે....!

પણ લોકોને શું ? લોકોએ તો, લગ્ન જયંતીના બહાને પારકા ચાંદલાના ગુણગાન જ ગાવાના ને ? વ્હોટ ગોઝ હીસ ફાધર....? જોડો સાલો ક્યાં અને કેટલો ડંખે છે એ તો એનો કાનખજુરો જ જાણે ને...? મારી જ વાત કરૂં તો, આ દેશ જે દિવસે આઝાદ થયેલો, એ દિવસે હું ગુલામ થયેલો. ભારતને અડધી રાતે આઝાદી મળેલી, ને મારાં લગન દિવસે થયેલાં એટલે હું ધોળે દહાડે ગુલામ બનેલો. દેશે ગુલામીની જંજીર તોડેલી, ને મે એ દિવસે પહેરેલી...! બાકી આ લગન જયંતીમાં શુભેચ્છા મોકલવાનું તો એક કાવતરું જ છે કે, આપણાવાળો પરણેલાના ઘેનમાંથી બહાર ન આવવો જોઈએ.

હજી મોડું નથી થયું. સરકારે તો એમની ચિંતન શિબિરની માફક, ‘ પૂર્વ સંસાર તાલીમ કેન્દ્રો ‘ કાઢવા જોઈએ. જેથી પરણેલા જીવને મધદરિયે મૂંઝારો નહિ આવે. ને લગન જયંતીએ પણ હસતો રહે. ભલે આકાશમાં ચંદ્રગ્રહણ હોય, તો પણ પ્રેમથી કહે, ‘ ચલો દિલદાર ચલો ચાંદકે પાર ચલો....! ને પેલી પણ હરખઘેલી બનીને કહે કે, ‘ હમ ભી તૈયાર ચલો… હોહોઓઓઓઓ...! ‘

***