ચટકો ચટાકો ને ઉબાડિયું....!
એક માણસ તો એવો બતાવો કે, જેને કોઈપણ જાતનો ચટકો કે ચટાકો લાગ્યો જ નહિ હોય ? જો કે ચટકાના અનુભવ ખાસ કરીને પરણેલાને હોય. કુંવારાના નશીબમાં શોધવા પડે. કેટલાંક પરણેલાને તો એવાં ‘ હોલસેલ ‘ ચટકા હોય કે, પોતાને જ ખબર નહિ કે એ ઘરમાં ઘરમાં રહે છે, કે આંદામાન નિકોબારની જેલમાં....!
ચટકો હોય કે, ચટાકો બંને મારગ શૂરાના તો ખરા....! એમાં ચટાકો રાખવો ને ગર્લફ્રેન્ડ રાખવી, એ બંને સરખા..!. બંનેનું એપિક સેન્ટર આપણા ક્રેડીટ કાર્ડ ઉપર જ હોય. ક્રેડીટ કાર્ડ ઘસી નાંખવામાં બંને એક્ષપર્ટ. એ નટખટ પણ ખરૂ ને નફ્ફટ પણ ખરૂ. ભાવતી વસ્તુ દેખાવી જ જોઈએ, એટલે જુનું ખરજવવું ઉભરે, એમ ‘ચટાકો ‘ ઉભરવા જ માંડે. ભલે ને ટાઈ-શુટ ચઢાવ્યા હોય ? એ વખતે આપણે આપણી ઈમેજને પણ નહિ સંભાળી શકીએ, એવું તો આત્મવિલોપન કરી દઈએ કે, ‘માંડવાનું ઉબાડિયું પણ ઝાપટી નાંખીએ, ને લારીની ચા પણ ઠોકી નાંખીએ. રસ્તાનો લોચો પણ ચાવી નાંખીએ ને ભજીયાનો ભુક્કો પણ બોલાવી દઈએ. તેલ પીવા જાય આપણી પ્રેસ્ટીજ. ખુન્નસ ચઢી આવે દાદુ....! જો કે, લારીના માલમાં કોઈ કમાલ હોય તો જ આવું થતું હશે ને ? એટલે તો દુકાનદારના પાટિયા ઢંકાય જાય એટલી લારીઓ પણ બજારમાં જીવે. એમાં અમુક લારી ઉપરની ચા, લારી ઉપરની પાણીપુરી ને લારી ઉપરનું ઉબાડિયું ખાવાની મઝા તો કદાચ ફાઈવ સ્ટાર હોટલમાં પણ નહિ આવે. અમુક લારીને તો સરકારે ‘ફાઈવ સ્ટાર ‘ લારીના નામ આપી અપગ્રેડ કરવી જોઈએ. લઘુ-ધંધાને પણ ઉતેજન મળે બીજું શું ?
ટ્રમ્પસાહેબનું જો મારાં ઘરે આવવાનું થાય તો, મારે એને ડુંગરીવાળા બાબુભાઈનું ઉબાડિયું ચખાડવા લઇ જવા છે. ને કહેવું પણ છે કે, હથિયારોના વેપલા માંથી નવરા પડો, ને અમારાં ઉબાડીયાની એક ફ્રેન્ચાઈસી અમેરિકામા નાંખો. ઉતર કોરિયાના ભીંગડા જ્યારે નીકળવાના હશે ત્યારે નીકળશે. જરાક ધંધામાં પણ ધ્યાન આપો. ગરીબનું માનો તો, લાસવેગાસની દુનિયાની મોંઘામાં મોંઘી હોટલ ‘ બેલાગિયો હોટલ એન્ડ કસીનો ‘ મા અમારું ઉબાડિયું એકવાર મુકો પછી જુઓ કે, અમારી કાળા વાલની પાપડી કેવું જોર કરે છે ? તમારી ધોળી પાપડીના પણ વાલ વેરાય જાય....! લોકો પ્લેનમાં માત્ર ઉબાડિયું ખાવા આવે, ને એ બહાને તમારા સંબંધો વધે તે અલગ. ઉતર કોરિયા પણ અણુબોમ્બ કરવાના ધડાકા ભૂલી જાય,...! અમારો વાપી થી તાપીનો હાઈવે એનો પુરાવો છે. એની ચટાકેદાર સુગંધ દાઢમાં રહી જાય ત્યારે પાષાણ હૃદયના માનવીમાં પણ કવિતાના કુંપણ ફૂટી નીકળે.
ફાટેલો ઝભ્ભો, સફેદીના ચમકાટ વગરનો મેલોદાટ ઝોલો, ને વધી ગયેલી દાઢીમાં કોઈ એ રસ્તે ભટકાય જાય, તો માની જ લેવાનું કે, એ અમારો ‘ ઇન્સ્ટન્ટ ‘ ઉબાડીયા કવિ ચમનચડ્ડી જ હોય...! ભલે કવિની જમાતમાં એની કોઈ ‘ વેલ્યુ ‘ નથી, છતાં કવિઓની પ્રણાલિકા પ્રમાણે ‘ કવિ કડકા બાલુસ ‘ નું તખલ્લુસ પણ રાખેલું ને, કવિના લેબાશમાં ૨૪ કલાક ‘ સ્ટેન્ડબાય ‘ પણ હોય....!. કવિતા તો એવી લખે કે એને સમઝવી હોય, તો ખુદ સાહિત્ય પરીષદવાળાએ પણ, ‘ ગાઈડ ‘ કરવો પડે...! આમ તો આ બધાં એને મળેલા ઉબાડીયા ના વાઈબ્રેશનના પરિણામ છે. કારણ એના ઘરની બાજુમાં જ ઉબાડીયા સેન્ટર આવેલું.
હવે તો એની કવિતામાં પણ મંદી આવવાની. કારણ પાપડીના ખેલ પુરા થવા આવ્યાં, ઉબાડીયાના ખાલી માટલા ઉંધા થવા માંડ્યા. ને ઉબાડીયાના આ વરસના અવતાર પણ પુરા થવા આવ્યાં. એટલે ઉબાડીયા છંદમાં છેલ્લી કવિતા લખી કે, “ ખુશ્બુ મૂકી જાય કેવી ખુશ્બુ મૂકી જાય, કાળજાનું કલેજું ઉબાડિયું કેવી ખુશ્બુ મૂકી જાય....! “ આને કહેવાય ચટાકા ના અગનખેલ....! .
ઉબાડીયા ની સુગંધમાં એવો દમ છે મામૂ...! ઉબાડીયાનું પડીકું જેવું ઘરમાં દાખલ થાય એટલે ઘર ‘ સુ-ગંધવા ‘ માંડે. તે ગમે તે કંપનીનું ‘ એર-ફ્રેશર ‘ ઘરમાં છાંટો ને, કારેલું એની કડવાસ નહિ છોડે ને ઉબાડિયું એની સુવાસ નહિ છોડે. ગંધમાં પાવર જ એવો સોલ્લીડ કે, અત્તરની ડોલમાં ન્હાયા હોય તો પણ, ઉબાડિયું ની સુગંધ ફીટે નહિ. ડાકણની જેમ વળગેલી રહે....! ઉબાડીયાનું ઉઠમણું થયાં પછી પણ એવી સોલ્લીડ વળગેલી રહે, કે ઉબાડીયા વગર બેચેની લાગે. જાણે કારણ વગરનો ચીકન ગુનિયા ના થયો હોય ? પાડ માનો કે, આપણું ઉબાડિયું, દેવલોક સુધી વાઈરલ થયું નથી. નહિ તો કંઈ કેટલી દેવીઓએ ડુંગરીનું ઉબાડીયું લઇ આવવા દેવોને ધંધે લગાવ્યા હોત...!
દીકરીના લગન પત્યાં પછી જેમ માંડવા ઉખડવા માંડે, એમ પાપડી નો ખેલ પૂરો થયાં પછી, ઉબાડીયાના માંડવા પણ ઉખડવા માંડે. ક્ન શક્કરીયા બટાકાનો એ પાપડી માટેનો કેવો પ્રેમ કહેવાય ? એનો વિરહ સહન જ ના કરી શકે. પાપડી હોય કે પત્ની એનો સ્નેહ ગયો, એટલે શુનકાર. એનું સ્થાનક ગયું એટલે એ સ્થાન સ્મશાનવત બની જાય. પાપડી તો જો કે રીટર્ન ટીકીટ લઈને જ આવે, પણ વાઈફ જો પિયરવટુ કરી નાંખે, તો આપણું ઉબાડિયું થઇ જાય. ઉબાડિયું જાય તો ચટાકો જાય, પણ વાઈફ જાય તો પળે પળે ચટકા પડવા માંડે. એકમાં ગમે એવાં મુચ્છડ પતિને પણ પરસેવો આવી જાય મામૂ....!
લેટેસ્ટ ભાષામાં કહીએ તો, વાઈફ એ પતિનું વેન્ટીલેટર છે. સંસાર રથનું એક પૈડું પિયર ગયું, એટલે સમજો કે એ રથ ખોડો. પિયરવટાની આ મિશાલ કદાચ રાજા-મહારાજાના સમયકાળમાં ભરપુર હશે. કદાચ એ કારણવશ જ એ લોકો પત્નીનો સ્ટોક વધારે રાખતાં હોય તો કોને ખબર ? સંશોધન કરવા જેવું તો ખરૂ મામૂ....!
***