અરીસો Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અરીસો

“અરીસો”

ચોવીસ કલાક કાળી મજૂરી કરીને, થાકીને લોથપોથ શંકર રૂમે પહોંચ્યો. વધારે તાપ અને પોષણની અછતના કારણે સુકાભઠ્ઠ થયેલા વૃક્ષ જેવા શરીરને હવે આરામની જરૂર હતી.

પથારીમાં ફસડાયો, બીજીજ મીનીટે ગાઢ નિંદ્રાની એ અનુઠી દુનિયામાં ખોવાઇ ગયો.

“શંકર, શકર, ઓ શંકર... ઊઠ, શંકર... ઊઠ”.

દસ મીનીટના સતત પ્રયત્ન બાદ શંકરે આંખ ખોલી.

“ગામથી કોઇ મિત્રનો ફોન છે”

“અરે યાર, કહી દે પછી ફોન કરે” અકળામણ વ્યક્ત કરતા એણે કહ્યું

“એવું કહે છે કે અર્જન્ટ કામ છે”

અર્જન્ટ સાંભળતા ચેતાતંત્ર સહેજ સજાગ થયું. મનમાં પહેલો વિચાર આવ્યો તે “બા ગઇ!”

“હા, કોણ?”

“બ્રીજમોહન, શંકર તુ જલ્દીથી ગામ આવી જા”

શંકર તરતજ બેઠો થઇ ગયો. ચેતાતંત્ર સંપૂર્ણપણે સજાગ થઇ ચૂક્યું હતું.

“કેમ, થયું શું?”

“યાર ભાભી....”

“શું થયું મંજરીને?” બોલતા શંકર ઊભો થઇ ગયો. ઘબકારા વધી ગયા

“કાલે મે ભાભીને પેલા જ્ઞાનેશ્વર સાથે.....”

“જ્ઞાનેશ્વર સાથે શું?” શંકરના શબ્દોમાં અધિરાઈ વર્તાતી હતી

“બન્ને જણ... એકબીજા... ભાભી હવે પવિત્ર નથી રહ્યા”

શંકર જ્યાં ઊભો હતો ત્યાં ને ત્યાં ફસડાઇ પડ્યો. આ બાજુ બ્રીજમોહન બોલ્યા જતો હતો, એકપણ શબ્દ હવે શંકરના કાને નહોતો પડતો. ફોન એના હોથેથી છટકી નીચે પડી ગયો. એ બન્ને હાથ માથે રાખી રડવા લાગ્યો. ધીરે ધીરે આંસુ અને દુઃખ, ધ્રૂણા અને ગુસ્સામાં પરિવર્તિત થવા લાગ્યા. આજે જ બપોરની ગાડી પકડી એણે ગામ જવાનું નક્કી કરી લીધું. મનમાં વિચારો નું એક વંટોળ ઊઠેલું જેમાં પહેલો સવાલ હતો કે

“એણે મારી સાથે, આવું કેમ કર્યું? મારા પ્રેમનો એણે આ બદલો આપ્યો? એના માટે તો છેલ્લા પાંચ વર્ષથી અહીંયાં કાળી મજૂરી કરું છું, એણે મારી સાથે આવુ કેમ કર્યું?”

એ અંદરથી સખત ધૂંધવાયેલો હતો. એ વિચારી રહ્યો હતો કે મંજરીને રૂમમાં પૂરીને બરાબર મારશે અને એકજ સવાલ પૂછશે “તે મારી સાથે આવુ કેમ કર્યુ?”. મંજરી ભલે રડતી રડતી એના પગે પડી માફી માંગે પણ એ નિષ્ઠુર થઇ બસ માર્યા જ કરશે જ્યાં સુધી એ થોકે નહીં ત્યાં સુધી.

પછી તો બસ છૂટાછેડા, એના સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. સમાજમાં મારી ઇજ્જતનું શું? મારા મિત્રો, એ લોકો મારી પાછળ હસશે.

તરત જ બીજો એક વિચાર આવી ચડ્યો.

“એના માં બાપ તો છે નહિ, જશે ક્યાં?” હ્રદયના ખૂણામાં સંતાડેલા પ્રેમે માથુ ઊંચક્યુ પણ તરતજ એને દાબી દેવામાં આવ્યો.

“જશે એને જ્યાં જવું હોય ત્યાં, એ તો એને આવું કરતા પહેલા વિચારવા જેવું હતું ને”

***

સામાન્ય કોચ ના એ કંમ્પાર્ટમેન્ટમાં 15 જણા હતા. બધાથી અલગ શંકર એકદમ શાંત બેઠો હતો છાતીમાં દાવાનળ દબાવીને. એનુ ધ્યાન કંમ્પાર્ટમેન્ટમાં થતી વાતચીત પર જરાય નહોતું પણ એક વાત તરફ એનુ ધ્યાન ખેંચાયુ.

“પેલા સુંદરે એની પત્નીને મારી નાંખી” એક

“કેમ?” બીજો

“બીજા જોડે પકડાઇ ગઇ હતી” એક

“બરાબર છે મારીજ નાંખવી જોઇએ, પતિ અહીંયાં કાળી મજૂરી કરે અને એ ત્યાં રંગરલીયા મનાવે, હું તો કહું છે સુંદરે બરાબર કર્યું. બીજી પત્નીઓ માટે એ બોધપાઠ બની ગયો. જો જે એના ગામમાં થોડો સમય બધી પત્નીઓ આવુ કરતા પહેલા સો વખત વિચારશે”

બધા એ વાતમાં સહમત થયા પણ ખૂણામાંથી એક સવાલ પૂછાયો જેનો જવાબ કોઇની પાસે નહોતો બસ દંભથી ભર્યા તકલાદી કુતર્ક હતા.

“તમારામાંથી કેટલાં વેશ્યા પાસે નથી ગયા?”

આખા ટોળા એકજ સૂરમાં આ પ્રશ્નને વખોડી કાઢ્યો અને ચર્ચા તો થઇ પણ સવાલ કરવાવાળી વ્યક્તિના અવાજ દબાવી દેવામાં આવ્યો. એ ચર્ચાનો ટોળા પાસે એકજ બચાવ હતો અને એ હતી સ્ત્રીની પવિત્રતા અને એના પર આપણી માલિકી.

શંકરમાં મનમાં તરત એક જ નામ આવ્યું “પુષ્પા”. જ્યારે શંકરને મંજરીની યાદ આવતી, જાતીય આવેગો વધવા લાગતા કે પડખું સૂનુ લાગતું ત્યારે પુષ્પા પાસે જઈ આવતો.

“લગભગ પાંચ વર્ષ થવા આવ્યા, તું લગ્નનાં એકજ મહિનામાં પાછો અહીં આવી ગયો હતો, આ પાંચ વર્ષમાં તુ તો ઘણીવાર પુષ્પા પાસે જઈ આવ્યો પણ મંજરી...” હ્રદયના કોઇ એક ખૂણામાં સંતાડેલો પ્રેમે ફરી માથુ ઊંચક્યું

“એ સ્ત્રી છે, એનો ધર્મ છે પવિત્રતા, સ્ત્રી તો ઘરની આબરૂ કહેવાય, એણે આવુ નહોતું કરવા જેવું” ફરી પાછો દુઃખ, ગુસ્સો અને ધ્રૂણા

શંકરનુ મન થોડુ તો પીગળ્યું હતું પણ હજી એનુ મન સ્વીકારવા તૈયાર નહોતું કે એની પત્ની પરપુરુષ સાથે.... એ પોતાને તો પુષ્પાની બાહોમાં કલ્પી શકતો, એને માણી પણ શકતો. પરંતુ જ્યારે મંજરીને પરપુરુષના બાહુપાશ કલ્પતો તો તરતજ આંખો ખૂલી જતી, માથુ ઘુણાવી વિચારને બહાર ફેંકવાનો પ્રયત્ન કરતો, મન આકુળ વ્યાકુળ થઇ ઊઠતું, મંજરી પ્રત્યે ધ્રૂણા થતી, મનને વાળવાનો પ્રયત્ન કરતો, છેલ્લે કંઇ ના કરી શકવાને કારણે ગુસ્સો કરતો, હાથની મુઠ્ઠી ધ્યાન બહાર વળી જતી, ગળાની નસો ખેંચાવા લાગતી, શરીર અક્કડ થઇ જતુ.

જેમ જેમ ગામ નજીક આવતું ગયું એમ એમ એના મનમાં વિચારોના વહેણની તીવ્રતા વધવા લાગી. ફોન આવ્યો ત્યારથી માંડીને, ટ્રેનમાં થયેલી ચર્ચા, પુષ્પા, પવિત્રતા, આબરૂ, માલિકી બધુ એક પછી એક એના મનને ઘમરોળવા લાગ્યું.

બ્રીજમોહનને કહ્યું હતું કે પહેલા મારે ઘરે આવજે. એ અસમંજસ માં હતો કે શું કરવું? ગુસ્સો ઓછો તો થઇ ગયો હતો પણ દુઃખ તો હતું. એ ઉપડ્યો મિત્રનાં ઘર તરફ. માથુ નીચું નાખીને ચાલ્યા જતો હતો એટલામાં એને કુતરાની કીકીયારીઓ સંભળાઇ, એણે આજુબાજુ જોયું તો એક માણસ કુતરાને બેહરહેમીથી મારી રહ્યો હતો અને એના હાથ માંથી લોહી ટપકી રહ્યું હતું. શંકર એની પાસે ગયો.

“કુતરાને કેમ મારે છે, મનલાલ?”

“અલા શંકર તુ? સાલીને ખવડાવી, પીવડાવી, આટલી સાચવી તોય એક કુતરા માટે મને કરડી”

“કેમ? તો અહીંયાં શું કરે છે? દવાખાને જા!!”

“છોડને, સાલી પેલા ગલીના કૂતરા જોડે ચાલુ પડી ગયેલી, મે આગળના બે પગ પકડીને ખેંચી તો બચકું ભરી લીધું”

“મનલા, ભાદરવો મહિનો ચાલે છે, કુદરતી છે, એમના સંભોગનો મહિનો છે”

“તો શું, હું એનો માલિક છું, મારી મરજી વગર, ના ના, કુદરતી ફૂદરતી આપણે ના સમજીએ”

“તુ માલિક છે એ બરાબર પણ આ તો કુદરતી છે, એના પર કોઇનું નિયંત્રણ નથી”

“હા હા, તુ તો હવે એવુંજ કહેવાનો”

મનલાલ કટાક્ષ માં હસતો હસતો નીકળી ગયો. શંકરનુ મન દ્રવી ઉઠ્યું. એની આંખો ગુસ્સામાં લાલાચોળ થઇ ગઇ. શરીરમાં કમકમાટી વ્યાપી ગઇ. પરસેવો છૂટવા લાગ્યો.

ઘરે પહોંચ્યો. માં એ દરવાજો ખોલ્યો.

“મંજરી ક્યાં છે?”

“જે બેટા, આમ તો મે એને રૂમમાં પૂરી દીધી છે પણ એકવાર એની સામે જોજે, એમાં એનો વાંક નથી.... વધારે ના મારતો” માં એ આજીજી કરતા કહ્યું

એ સીધો મંજરીના રૂમમાં ઘૂસ્યો. મંજરી એના પગમાં પડી માફી માંગવા લાગી. જે થોડોઘણો ગુસ્સો, શરમ અને ધ્રૂણા હતી એ પણ હવે જતી રહી. એણે મંજરીને બાવળાથી પકડી ઊભી કરી અને એકજ વાક્ય બોલ્યો.

“તારી કોઇ ભૂલ નથી, વાંક મારો છે, મને માફ કરી દેજે, તુ સામાન બાંધ અને ચલ મારી સાથે” એ મંજરીને ભેટી પડ્યો, બન્નેની આંખોમાંથી આંસુ સરવા લગ્યા.

મંજરીને સમજાતું નહોતું કે શું જવાબ આપે. એકીટસે એ શંકરની આંખોમાં તાકી રહી.

ચેતન ગજ્જર

વડોદરા,

9879585712