પ્રેમની વ્યાખ્યા Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમની વ્યાખ્યા

પ્રેમની વ્યાખ્યા

“તુ આઝાદ છે, હુ તને રોકીશ નહિ, પણ તને સાચો રસ્તો બતાવવાનો પ્રયત્ન જરૂર કરીશ, એ મારી ફરજ છે” પીયુશ

“તુ મને ચાહે છેજ ક્યાં, બસ ખાલી ફરજ જ નીભાવે છે” કામીનીએ ટોંટ માર્યો

“એ છોકરો તને નથી ચાહતો, તારા દેહને ચાહે છે, જે દિવસે એનુ મન ધરાઇ જશે, એ તને છોડી દેશે” પીયુશ

“બસ, તમને પ્રેમ કરતા આવડતો નથી એટલે બીજાના ચારીત્ર પર લાંછન લગાડી પોતાના પ્રેમને સાચો સાબીત કરવાનો પ્રયત્ન ના કરશો”

“પ્રેમ આવડવાની વસ્તુ નથી, એ સ્વયંસ્ફુરીત છે”

“તારા ફંડા તુ તારી પાસે રાખ”

“તો તે નક્કિ કરી લીધુ છે?”

“હા, મારે તલાક જોઇએ છે, મે મારી જીંદગીના કિંમતી છ વર્ષ તારા પ્રેમની આશામા બરબાદ કરી નાખ્યા પણ બસ હવે નહિ”

“લગ્ન પહેલા આપણે ત્રણ વર્ષ રીલેશનશીપમા હતા, ત્યારે નહોતુ સમજાયુ?”

“હુ આંધળી હતી”

“હતી નહિ, થઇ ગઇ છે”

કામીની એકીટસે પીયુશ સામે જોઇ રહી.

“તને તો હજી પણ એવુજ છે કે તુ દુનિયાનો સૌથી પ્રેમાળ પતિ છે”

“એવુ તો નથી પણ એજ સત્ય છે કે હુ તને ચાહુ છુ, ફરક ખાલી એટલો છે કે તારી અને મારી પ્રેમની વ્યાખ્યા અલગ છે”

“વ્યાખ્યા, વ્યાખ્યા, વ્યાખ્યા, હુ કંટાળી ગઇ છુ, મને રોમાન્ટીક પતિ જોઇએ છે જે મારા વખાણ કરે, મને પેમ્પરીંગ કરે, મને સરપ્રાઇઝીસ આપે, ગીફ્ટ્ઝ આપે,”

“અને પ્રેમ?”

કામીની અટકી ગઇ.

“તુ તો બીલકુલ અનરોમાન્ટીક છે. અમરમાં તારી ખૂબીઓ તો છે સાથે સાથે એ રોમાન્ટીક પણ છે, અને એ મને ખૂબ ચાહે છે”

“હુ આશા રાખુ કે એ તને પ્રેમ કરતો હોય અને તને ખુબ ખુશ રાખે”

“મને તલાક જોઇએ છે”

“જો તે વિચારીજ લીધુ હોય તો બીજો કેઇ રસ્તો નથી, તુ આઝાદ છે”

“છે ને, જો તુ મને ચાહતો હોત તો મને આમ જવા ના દેત”

“હુ તને સમજાવી શકુ છુ, રોકી શકતો નથી, એજ મારો પ્રેમ છે, તુ મારી સાથે ખુશ નથી તો આ બંધનમાથી તને મુક્ત કરવી એજ મારો પ્રેમ છે, તુ ઇચ્છે તો તારો નિર્ણય બદલી શકે છે”

“હુ હવે એક પણ મીનીટ તારી સાથે રહેવા નથી માંગતી”

કામીની નીકળી ગઇ. એણે પાછા વળીને ના જોયુ પણ પીયુશ ત્યાંજ બેસી રહ્યો અને ભૂતકાળને વાગોળવા લાગ્યો.

બંન્નેના પ્રેમ લગ્ન હતા. પીયુશના આદર્શો, સ્ત્રીઓ પ્રત્યેનો એનો આદર, એના ઉદાર વિચારો કામીનીને આકર્ષી ગયા. પીયુશ કામીનીને પૂરી આઝાદી આપતો. એ ના ટોકતો, ના એને રોકતો. પીયુશ સેલ્ફમેઇડ મેન હતો, એ કોઇના પર નિર્ભર નહોતો, એ પોતાની નાની દુનિયામા ખૂબજ ખુશ હતો કારણ કે એ કોઇની પાસે કોઇ આશા રાખતો નહોતો બસ રોમાન્ટીક નહોતો. એને ના તો પેમ્પરીંગ આવડતુ, ના પ્રેમભરી ખોટી ખોટી વાતો કરતા. એ સાચા બોલો માનસ હતો. એ ના તો ખોટા વખાણ કરી જાણતો, ના તો ખોટુ કોઇ પ્રોમીસ કરતો. જેટલુ ફીલ કરતો એટલુજ કહેતો, ના થોડુ ઓછુ, ના થોડુ વધારે. એ સાચુ બોલતો અને જે બોલતો એ દિલથી બોલતો.

જ્યારે કામીની વાસ્તવિકતાથી દૂર, સપનાની દુનિયામા જીવવાવાળી. એને સાચુ નહિ, એને જે ગમે એજ સાંભળવુ ગમતુ. એ એવી આશા રાખતી કે પીયુશ એજ કરે જે એ કરાવા માંગે છે, પીયુશ એજ કહે જે એ સાંભળવા માંગે છે, પીયુશ એજ વિચારે જે એ વિચારાવા માંગે છે અને એ બધુ પણ એક્સ્ટ્રા લાર્જ. એને સાચી લાગણી નહિ, પ્રેમના ખોટા દેખાડામા રસ હતો.

કામીનીને પીયુશથી એક કંમ્પલેઇન હંમેશા રહેતી કે તુ મારા બર્થડે પર, આપણી એનીવર્સરી પર ફેસબૂક પર મારા વખાણ નથી કરતો, આપણા પ્રેમને દર્શાવતી એકદમ રોમાન્ટીક પોસ્ટ કેમ નથી મુકતો. પીયુશ એકજ જવાબ આપતો કે હુ તને ચાહુ છે એ મારે દુનિયાને બતાવવાની જરૂર નથી. મારા ફીલીંગ્સને સાર્વજનિક કરવામા મને કોઇ રસ નથી.

નક્કિ કરેલા દિવસે બંન્ને દિવસે બંન્ને મળ્યા. પીયુશે છેલ્લી વાર કામીનીને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ કામીની ના માની.

“લગ્ન ક્યારે કરે છે?” સહજતાથી પૂછ્યુ

“હજી તારીખ નક્કિ નથી કરી?” જવાબ આપવામા રસ નહોતો

“તો ત્યાં સુધી ક્યા રહીશ?”

“અમર સાથે, માબાપ પણ હવે તો ઘરમા રાખવા તૈયાર નથી”

“લગ્ન વગર?”

“હા, હુ હવે જીંદગીને ખૂલીને જીવવા માંગુ છુ”

“તુ બઉ લાગણીશીલ છે, તુ જલ્દી તૂટી પણ જાય છે, જલ્દી હાર માની લે છે, નિરાશાવાદી છે”

“મને ખબર છે, તુ મને હજારો વખત કહી ચૂક્યો છે”

“એટલેજ, જીંદગી કોઇપણ પડાવ પર તને એવુ લાગે કે હવે મારુ આ દુનિયામા કોઇ નથી, કોઇ રસ્તો નથી, હતાશામા તને એકજ રસ્તો દેખાતો હોય આત્મહત્યાનો ત્યારે મને યાદ કરી લેજે, મારા હ્રદયના દ્વાર તારા માટે હંમેશા ખુલ્લા રહેશે”

એક મીનીટ માટે શાંતિ પ્રસરી ગઇ,

“હુ નથી ઇચ્છતો કે એ દિવસ આવે, તુ ખુશ રહે એમાજ હુ ખુશ છુ”

કામીનીનો અલ્લડ મિજાજ થોડો પીગડ્યો. એણે પીયુશને ગળે લગાળ્યો.

“તુ પણ લગ્ન કરી લેજે”

પીયુશ નીકળી ગયો. એણે પાછા વળીને ના જોયુ. એની આંખના ખૂણા ભીંજાઇ ગયા હતા. એ રાત્રે જ્યા એકબાજુ નવા સંબંધોનો જલસો ચાલતો હતો તો કોઇ એ સોનેરી યાદોના એ અખૂટ સમુદ્રમા આમતેમ આથડતો હતો. એક તરફ અનહદ ઉલ્લાસ હતો તો બીજી તરઇ આંશ્રુધારા, એક તરફ બે હૈયા એક થઇ રહ્યા હતો તો બીજી તરફ ક્ષણેક્ષણ એક હૈયુ પોતાનુ અસ્તિત્વ ગુમાવી રહ્યુ હતુ.

એ રાત્રે પીયુશ મન મુકીને રડ્યો. બધી વેદના, પીડા આંસુ બની આખી રાત અવિરત વહ્યા કરી. પીયુશને સામાન્ય થતા વધારે વાર ના લાગી.

આ બાજુ કામીની જીંદગીની સુવાસ મનભરીને લૂંટી રહી હતી. બંન્ને હજી પણ ફેસબૂક પર એકબીજાના ફ્રેન્ડલીસ્ટમાં હતા. એ લોકો કેરાલા ફરવા ગયા હતા એના ફોટા મુક્યા જેમા એ બઉજ ખુશ લાગતી હતી. કોઇક કોઇક વાર અમર એના માટે કોઇ રોમાન્ટીક પોસ્ટ કરતો, પીયુશ કામીનીનો ખુશીથી તરબતર ચહેરો ઇમેજીન કરતો તો એને થતુ કે ચલો એને જે જોઇએ એ મળી ગયુ.

એમને એમ એક વર્ષ વીતી ગયુ. ધીરે ધીરે બંન્ને પોતપોતાની દુનિયામા વ્યસ્ત થઇ ગયા. ફેસબૂક પર આવતી કામીનીની પોસ્ટ્સ બંધ થઇ ગઇ. કામીનીની જીંદગી પણ બદલાઇ ગઇ હતી. એકવાર પીયુશે હિંમત કરીને મેસેજ કર્યો.

“કેમ છે?”

“મજામા”

“લગ્ન કરી લીધા?”

કામીનીનો કેઇ રીપ્લાઇ ના આવ્યો. પીયુશ આકુળવ્યાકુળ થઇ ગયો. કામીનીને મળવા જવાનુ મન બનાવી લીધુ.

કામીનીની જીંદગી બદલાઇ ચુકી હતી. પ્રેમનો નશો ઉતરી ચુક્યો હતો, પ્રેમનો પરપોટો ફૂટવાની અણી પર હતો. પ્રેમની વસંત હવે આથમવા લાગી હતી.

અમરે ખાલી લગ્નની વાતોજ કરી પણ કર્યા નહિ. પહેલા બધુ સરસ ચાલ્યુ પણ ધીરે ધીરે અમર એનો રંગ બતાવા લાગ્યો. અમર ઘણીવાર અઠવાડીયા સુધી આવતો નહોતો, ફોન ના ઉપાડતો, અને જો કામીની કમ્પ્લેઇન કરતી તો અમર ગુસ્સે થઇ જતો. અમરે હવે કામીનીનુ શરીર ભોગવી લીધુ હતુ. એ ધરાઇ ગયો હતો એટલે હવે એને કામીનીમા રસ નહોતો રહ્યો. બંન્ને વચ્ચે ઝઘડા ક્યારનાય શરૂ ચુક્યા હતા.

એકવાર અમર એક મહિના સુધી ના દેખાયો. મકાન માલીક ભાડુ માંગવા આવ્યા અને કામીની પાસે પૈસા નહોતા એણે એક ફ્રેન્ડ પાસેથી પૈસા લઇને મેનેજ કરી લીધુ. એક દિવસ અમર આવ્યો ખરો પણ બંન્ને વચ્ચે ઝઘડો થયો એટલે જતો રહ્યો અને ફરી પાછો ના આવ્યો. ફરી પાછો આવતા મહિને એજ પ્રશ્ન. કામીની માટે સરવાઇવ કરવુ હવે મુશ્કેલ લાગતુ હતુ. માબાપ તો મોઢુ જોવાય તૈયાર નહોતા. મિત્રો ક્યા સુઘી મદદ કરે. બધા રસ્તા બંધ થઇ ચુક્યા હતા.

એવામા પીયુશનો મેસેજ આવ્યો. એને ખુબજ પસ્તાવા થયો. એણે ખૂબજ વિચાર્યુ. એને પીયુશે કહેલા એ શબ્દો યાદ આવ્યા.

“જીંદગી કોઇપણ પડાવ પર તને એવુ લાગે કે હવે મારુ આ દુનિયામા કોઇ નથી, કોઇ રસ્તો નથી, હતાશામા તને એકજ રસ્તો દેખાતો હોય, આત્મહત્યાનો, ત્યારે મને યાદ કરી લેજે, મારા હ્રદયના દ્વાર તારા માટે હંમેશા ખુલ્લા રહેશે”

કામીનીને ફેંસલો લેતા બઉ વાર ના લાગી એ બેગ પેક કરી નીકળી ગઇ એજ જીંદગી તરફ જેને એ એક વર્ષ પહેલા છોડીને આવી હતી. એને ચિંતા નહોતી કે હુ પીયુશને કેવીરીતે ફેસ કરીશ, હુ એની સાથે નજરો કેવીરીતે મીલાવીશ, શુ વાત કરીશ, એ મારા માટે શુ વિચારશે. મને સ્વીકારશે કે નહિ એનો તો સવાલજ નહોતો, ના તો એ શંકા હતી કે એ મને પહેલા જેવુ રાખશે કે નહિ.

“એ વિશ્વાસજ પ્રેમ હતો”.

પીયુશના ઘરની બહાર ભીડ જામેલી હતી. બધા સફેદ કપડા પહેરીને ઊભા હતા. જેવી એ લોકોએ કામીનીને જોઇ બણબણાટ શરૂ થઇ ગયો.

”શુ લેવા આઇ છે નખ્ખોદીયણ“

“આનેજ મળવા જતો હતો ને રસ્તામા ટ્રક સાથે અથડાઇ ગયો”

“આ રાંડે આપણા પીયુશને આટલુ દુખ આપ્યુ તો પણ પીયુશે તો એની ખુશીનુજ વિચાર્યુ”

“હજી તો હમણાજ ગયો છેને આઇ ગઇ મિલકત પર હક જમાવવા”

“આપણો પીયુશ પણ બઉ ભોળો, અડધી મિલકત આ ડાકણના નામે કરી ગયો છે”

કામીની ની આંખો કોરીજ રહી ગઇ. ના એ રડી શકી ના કંઇ બોલી શકી.