ચોકીદાર Chetan Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચોકીદાર

ચોકીદાર

અઠવાડીયાંની રજા ભોગવી હું ફરી નોકરી ચઢ્યો ત્યારે સીક્યુરીટી કેબિનમાં નવો ચહેરો દેખાયો. એક ક્ષણ માટે હું ત્યાં થોભી ગયો. મનમાં પહેલો સવાલ થયો કે

“કાકા ક્યાં ગયા?”

અમે એમને કાકા કહેતા ઉંમરમાં મોટા જો હતા, કદાચ મારા પિતાજી ની ઉંમરના હશે પણ બાંધો ખડતલ હતો. ઉંમરને કારણે બીમાર રહેતા પણ કોઇની હિંમત નથી કે એમની હાજરીમાં ફેક્ટરીમાં ઘૂસી શકે. મિજાજના કડક પણ અમારી સાથે એકદમ નરમ.

કાકાની પ્રામાણિકતા પર કોઇ સવાલ ના કરી શકે. છેલ્લા 10 વર્ષથી એ કંમ્પનીના ચોકીદાર હતા. એમની ફરજ 24 કલાકની હતી. કંમ્પનીમાંજ રહેતા. છેલ્લા 10 વર્ષમાં કંમ્પનીમાંથી એક ટાંકણી જેટલી વસ્તુ પણ ચોરાઇ નહોતી. સ્ટાફમાંથી પણ કોઇ ગેરકાનૂની કામ કરવાનો પ્રયત્ન કરે, કે પછી પરવાનગી વગર કોઇ મિત્રને લઇને આવે તોપણ કાકા એને ફેક્ટરીમાં ઘૂસવા ના દે અને જો ચડસાચડસીમાં ઉતરે તો સાહેબને ફરીયાદ કરી દે.

***

“અરે યાર કાકા ક્યાં ગયા?” મે મારા સહકર્મી અને મિત્ર રાકેશને પૂછ્યું જે સીક્યુરીટી નો ઇન્ચાર્જ પણ હતો.

“કાકા ગયા” એણે સંવેદનહીનતાથી કહ્યું

“ક્યાં ગયા?” મે આતુરતાથી પૂછ્યું

“એમને નોકરીમાંથી કાઢી મુક્યા”

“કાઢી મુક્યા કે છોડી દીધી?”

“કાઢી મુક્યા, એમણે ચોરી કરી હતી”

“ચોરી?”

“આમપણ સાહેબ કેટલાય દિવસથી કહેતા હતા કે આ કાકો હવે બીમાર રહેવા લાગ્યો છે જો કોઇ જીવલેણ બીમારીમાં સપડાશે તો આપણે જ એની દવા કરાવવી પડશે. સમજ કે સાહેબને ચોરીનું કારણ મળી ગયું”

“હું નથી માનતો એમણે ચોરી કરી હોય”

“એમણે સ્વીકાર્યું છે”

મન ખૂબજ વિચલિત થઇ ઊઠયું આટલા વર્ષો સુધી પ્રામાણિકતાથી, કંપનીને વફાદાર રહીને કામ કર્યું, એકજ ભૂલ અને પાણીચું પકડાવી દીધુ.

હું એમને છેલ્લા 8 વર્ષથી ઓળખતો હતો. મને હજુ વિશ્વાસ નહોતો કે કાકાએ ચોરી કરી હોય. કદાચ એમને નોકરી પરથી કાઢવા સાહેબની ચાલ હોઇ શકે. મારી જિજ્ઞાસા વધવા લાગી, મન આકુળ વ્યાકુળ થઇ ઊઠયું. મે આખા કિસ્સાના મૂળ સુધી પહોંચવાનો નિર્ધાર કર્યો.

બીજા દિવસે નોકરી થી છૂટ્યા પછી તરતજ શનાકાકાના ગલ્લે ગયો. શનાકાકા અને કાકા બન્ને હમઉમ્ર હતાં અને ખાસ મિત્રો પણ. કાકા એમની સાથે પોતાના સુખ દુઃખ બધુ વહેંચતા. મને વિશ્વાસ હતો કે શનાકાકા મને સત્ય સુધી પહોંચાડી દેશે.

“મારે જાણવું છે કે કાકા સાથે શું થયું હતું”

“તુ શું કરીશ? તુ તો એ દિવસે હતો પણ નહિ, જે લોકો ઊભા હતા એમણે તો એક શબ્દ પણ નહોતો ઉચ્ચાર્યો”

“કાકા, અમે બધા જવાબદારીઓના ગુલામ છીએ, જે અમને રોટલો આપે છે એના વિરુદ્ધ અમારા થી કેવીરીતે બોલાય”

“તો પછી સત્ય જાણીને તારે શું કરવું છે?” શનાકાકા મંદમંદ હસ્યા

“મારુ મન કહે છે કે કાકા ચોરી ના કરે, એમના ઉપર ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે”

“કાળુ એ ચોરી કરી હતી”

એક મીનીટ હું સ્તબ્ધ થઇ ગયો.

“મને વિશ્વાસ નથી”

“એણે ચોરી કરી હતી અને મેજ એનો સાથ આપ્યો હતો, મેજ એને હિંમત આપી હતી ચોરી કરવાની, મેજ એને ઉશ્કેર્યો હતો”

મારી પાસે હવે કહેવા કે પૂછવા કંઇજ નહોતું. શનાકાક સત્ય કહી ચૂક્યા હતા, કાન સાંભળી ચૂક્યા હતા પણ હજી મન સ્વીકારવા તૈયાર નહોતું.

“તને નથી સમજાતું ને કે કેમ મે આવુ કર્યું?”

“મારાથી એની તકલીફ જોવાતી નહોતી, એને પૈસાની તાતી જરૂર હતી. એની દિકરીના સાસરે પ્રસંગ હતો અને કાળુ એ વ્યવહાર પેટે 10000 આપવાના હતા. એની દીકરી કહીને ગઇ હતી કે જો તમે પૈસા નહીં પહોચાડો તો મારે આત્મહત્યા કરી લેવી પડશે”

“પહેલા વખત એણે વાત કાઢી ત્યારે મેં પણ એજ કહેલું કે સાહેબ પાસે થોડો ઉપાડ માંગી લે, પણ તારા સાહેબે ઉપાડ આપવાની ચોખ્ખી ના પાડી દીધી”

“વ્યાજે પૈસા લાવવાનો તો સવાલજ નથી, પછી બિચારો ખાય શું? તારો સાહેબ પગાર કેટલો આપે છે, ખાલી 6000 રૂપિયા”

“અને આ તારો સાહેબ જે નવાને લાવ્યો છે ને, તું થોડો સમય જવા દે, તારા સાહેબની બઉ મોટી ટોપી પહેરાવીને જશે ત્યારે તારા સાહેબને કાળુની કદર થશે, બિચારા કાળુને 8000 પગાર આપી દીધો હોત તે એ હોંશેહોંશે કામ કરતો”

“મે એના માટે બીજી નોકરી શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ ઉંમર પર આવીને વાત અટકી જતી”

“પણ જે થયું એ સારા માટેજ થયું, કાળુનેય સારી નોકરી મળી ગઇ, 8000 રૂપિયા પગાર છે”

એ દ્રશ્ય જેનો હું સાક્ષી બન્યો હતો એ મારી આંખો સમક્ષ તરવરવા લાગ્યું. દર વર્ષની જેમ બધાને પગાર વધારો આપવામાં આવતો હતો. છેલ્લે કાકાનો વારે આવ્યો. કાકાના હાથમાં 6000 રૂપિયા સાહેબે મુક્યા.

“સાહેબ ખાલી 200 રૂપિયાનો વધારો”

“હું તમને આટલુંજ આપી શકું છું”

“પણ સાહેબ જરા મોંઘવારી તો જુઓ”

“એ બધું વુચારીનેજ વધારો આપ્યો છે”

“500 રૂપિયાની આશા રાખું ને?”

“આનાથી વધારે નહીં આપી શકું”

થોડી રકજક થઇ પણ સાહેબ ટસ ના મસ ના થયા. એ સમયે કાકાનો ચહેરો મને હજી પણ યાદ છે, આંસુ જાણે આંખની સરહદે વહેવા તૈયાર હતા, ઉદાસીને કારણે ચહેરો સાવ ફિક્કો પડી ચૂક્યો હતો. હાથમાં ખેરાત અને મનમાં હજારો ફરીયાદો, પ્રશ્નો અને એના સંભવિત જવાબો, એનાથી ઉત્પન્ન્ થવાવાળી પરિસ્થિતિનો તાગ મેળવતા કાકા એકદમ ઘીમી ગતિએ ચાલ્યા જતા હતા. પણ એ ફરીયાદો, એ પ્રશ્નો, એ પરિસ્થિતિઓ એ બધી એમની હતી, બીજા કોઇની નહિ. એના જવાબો પણ એમનેજ શોધવાના હતા, બીજા કોઇએ નહિ. આને સમાજની નીષ્ઠુરતા કહો કે સમાજનો વ્યવહારિક અભિગમ.

પણ મને સંતોષ હતો કારણ કે કાકાને બીજી નોકરી મળી ચૂકી હતી. કદાચ એમની દિકરીને હવે આત્મહત્યા કરવાની જરૂર નહીં પડે. એમને મળવાની ઇચ્છા તો હતી. કદાચ હું એમને કંઇક મદદરૂપ થઇ શકું.

બેએક મહિનામાં એજ થયું જે શનાકાકાએ કહ્યું હતું. નવા ચોકીદારે મોટુ ફૂલેકુ ફેરવ્યું. એ ગયો, બીજો આવ્યો, ત્રીજો આવ્યો. કોઇ ટક્યું નહિ તો કોઇને સાહેબે કાઢી મુક્યા. એમ કરતા કરતા લગભગ એક વર્ષમાં છ જણ બદલાયા.

એક દિવસ સવારે ઓફિસ પહોંચ્યો તો ગણવેશધારી ચોકીદાર ઊભો હતો. મને જોઇને સલામ ઠોકી.

“શું વાત છે રાકેશ તારા રાજમાં હવે અમનેય લોકો સલામ કરવા લાગ્યા”

રાકેશ મારી સામે જોઇ હસ્યો

“સાહેબે કેટલામાં રાખ્યા? એમને તો આ લોકો મોંઘા લાગતા હતાને!!!”

“22000 રૂપિયા એ પણ બે જણ ના”

“કાકા શું ખોટા હતા?”

“કોણ સમજાવે એમને?”

એમને એમ દિવસો વીતવા લાગ્યા. હું કાકાને ભૂલા ગયો પણ આ લોકોના આવી ગયા પછી રાકેશનુ કામ વધી ગયું હતું પણ ચાલ્યા કરતુ હતુ.

એમને એમ લગભગ એક વર્ષ વીતી ગયું. કંમ્પનીએ એક દિવસ અચાનક પોલીસ આવી ચઢી. ફરજ પર જે ચોકીદાર હતો એને મારી મારી ને લઇ જવા લાગી. રાકેશ અને હું નીચે ગયા અને વાત કરી તો ખબર પડી કે છેલ્લે જે કંમ્પનીમાં હતો ત્યાં બે બાઇકની ચોરી થઇ હતી એમાં આ ભાઇએ પૂરો સાથ આપેલો.

બીજા દિવસે સવારમાં જ સાહેબે મને બોલાવ્યો

“કાકા સાથે તારે સંબંધ સારા હતા ને? તો જરા એને બોલાય, મારે નોકરી માટે વાત કરવી છે”

“મે પણ ઘણા સમયથી વાત નથી કરી અને એમને નોકરી મળી ગઇ હતી અને પગાર પણ સારો હતો”

“આપણે એના કરતાંય વધારે આપીશું”

“સારું, શનાકાકાને વાત કરું, મારી પાસે એમનો ફોન નંબર નથી”

હું ઊભોજ હતો ત્યાં સીક્યુરીટી કંમ્પનીનો સુપરવાઇઝર આવ્યો.

“તમે કંઇપણ બોલો એ પહેલા મારી વાત સાંભળો, સાહેબ હું બીજા એક માણસને લાવ્યો છું અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે તમને ફરીયાદ કરવાની એકપણ તક એ નહીં આપે”

હજી તો સાહેબ કંઇ બોલે એ પહેલા

“કાકા” સુપરવાઇઝરે બૂમ મારી

“બસ ખાલી અહીં રહેવાની વ્યવસ્થા કરી આપવી પડશે, આ કાકા 24 કલાક અહીંજ રહેશે, સાહેબ એકદમ પ્રામાણિક માણસ છે”

જેવા એ કાકા અંદર પ્રવેશ્યા. મારા ચહેરા પર અચંબિત સ્મિત હતું અને સાહેબનો ચહેરો તો પૂછોજ નહીં. 6300 રૂપિયામાં કામ કરવા રાજી માણસ માટે 22000 રૂપિયા ચૂકવવાના હતા.

કાકા સાહેબના ટેબલ પાસે આવ્યા. ખીસ્સામાં હાથ નાખ્યો. પૈસાની એક નાનકડી થપ્પી સાહેબના હાથમાં મુકી

“10000 છે, જેટલાની મે ચોરી કરેલી, ગયા મહીનેજ પૂરા ભેગા થઇ ગયા એટલે... સંજોગ જુઓ આજેજ મારો બોજો હલકો થઇ ગયો...”

બધા એકદમ ચૂપ. સાહેબના ચહેરાનો રંગ ફીક્કો પડી ગયો. કંઇક બોલવા માંગતા હતા પણ બોલી ના શક્યા.