Pruthvivallabh - 31 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 31

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩૧. લક્ષ્મીદેવીએ તૈલંગણ કેમ છોડ્યું ?

અકલંકચિરતના ગર્વિષ્ઠ સ્વભાવને કારી ઘા લાગ્યો. હાર ખાધાથી તે અત્યારે નિરાધાર થઈ ગયો હતો. એના હૃદયમાં હળાહળ ઝેર વ્યાપ્યું.

એટલામાં તેણે ઠોકર ખાધી. અને પડતાં ભાંગેલી વલવારનું એક અડધિયું હાથ લાગ્યું. તે લઈ આગળ ચાલ્યો. બે ડગલાં આગળ ચાલતાં એણે ફરી ઠોકર ખાધી અને બેભાન વિલાસના શરીર પર પડ્યો.

હાર ખાધી એ માનભંગ સહ્ય હતો. પણ ભોજ વિલાસને લઈ જાય એ માનભંગ અસહ્ય હતો. વેર વાળવા ઉત્સુક બનેલા તેને એક વિચાર આવ્યો; વિચાર આવતાં તેને તેણે અમલમાં મૂક્યો : તલવારના અડધિયા વતી વિલાસનું ડોકું કાપી તેણે હાથમાં લીધું.

આ ઘોર કર્મ કરીને તે આગળ વધ્યો. તેના હૈયાનો ભાર ઓછો થયો - એક ઘાથી પાપી ભોજ અને નિમકહરામ વિલાસ બંનેને તે શિક્ષા કરી શક્યો.

થોડું આગળ જતાં જશાલ લઈ તેને શોધવા નીકળેલા સૈનિકો મળ્યા. વિલાસનું શિર હાથમાં લઈ લોહીભીના કુંવરને આવતો જોઈ તેઓ ચમકીને ઊભા રહ્યા; તેમનાં સખત હૃદયો પણ કંપી ઊઠ્યાં.

‘પાછા ચાલો.’ કુંવરે કહ્યું.

આ હુકમને માન આપી સૈનિકો પાછા ફર્યા અને ધીમે-ધીમે મંદિરમાં પાછા આવ્યા. ત્યાં તૈલપ અને ભિલ્લમ થોડા યોદ્ધાઓ સહિત વાટ જોઈ ઊભા હતા. કુંવરને લોહીથી ખરડાયેલો અને હાથમાં ટપકતું માથું લઈ આવતો જોઈ બધા ગભરાઈ પાછા હઠ્યા.

‘આ શું ?’ તૈલપે ભવાં ચડાવી પૂછ્યું.

‘આ - ‘ કહી અકલંકે માથું ધર્યું. ‘જે પાપિણી મને છોડી ભોજ

સાથે નાસી જતી હતી તેનું માથું.’

‘વિલાસ -’ ડોળા ફાળી ભિલ્લમે કહ્યું.

‘હા ! તૈલંગણની ભાવી સમ્રાજ્ઞી.’ કઠણ હૈયાના કુંવરે ક્રૂરતાપૂર્ણ હાસ્યથી કહ્યું. ‘એના કાકાને નસાડવામાં ભોજ ન ફાવ્યો એટલે આને લઈ નાસી જતો હતો. મેં એને પકડવા પ્રયત્ન કર્યો. પણ ઊલટો એણે મને પકડ્યો અને મને હરાવી છૂયો મૂક્યો. પાછા આવતાં હું આનું માથું કાપી લાવ્યો.’

‘કોનું માથું ?’ મૃણાલવતીનો અવાજ આવ્યો. તે, જક્કલાદેવી અને લક્ષ્મીદેવી થોડા સૈનિકો સહિત અહીંયાં આવ્યાં હતાં.

‘વિલાસનું,’ કહી મશાલના અજવાળામાં તેણે તે ઊંચું ધર્યું. વિલાસનું મુખ ભયાનક નિશ્ચલતાથી બધા સામે જોઈ રહ્યું.

એક પળ ભયાનક શાંતિ પ્રસરી રહી.

સ્યૂનરાજ હોઠ પર હોઠ દાબી, અંધકારભર્યા હૃદયથી મૂઢ જેવો ડોળા ફાડી જોઈ રહ્યો. તેની વિચારશક્તિ બહેર મારી ગઈ હતી.

મશાલોના ઉજાશના વર્તુળમાં કોઈ કૂદ્યું અને અકલંકના હાથમાંથી વિલાસનું માથું ઝૂંટવી લીધું.

‘મારી વિલાસનું માથું !’ લક્ષ્મીદેવીએ ગર્જના કરી.

તેણે માથું ઊંચું કર્યું અને ધીમેથી વિલાસનું નિર્દોષ મુખ, સુકોમળ મુખરેખા, સુંદર નયનોની નિર્જીવ નિશ્ચલતા જોયાં. બધાં તેને જોઈ રહ્યાં - વચ્ચે બોલવાની કોઈની હિંમત ચાલી નહિ.

લક્ષ્મીદેવીની મૂર્તિ અત્યારે મહિષાસુરમર્દિની જેવી થઈ રહી હતી. તેની ફાટેલી આંખોમાંથી અગ્નિ વર્ષતો હતો; તેના મુખ પર વિશ્વસંહારક કોપનો દુઃસહ પ્રતાપ દેખાતો હતો. શબ સમાન શ્વેત થઈ રહેલી તે માત્ર શરીરમાં પ્રગટી રહેલ ક્રોધની જ્વાળાથી બધાંને બાળતી હતી.

‘મારી દીકરીને તેં મારી ?’ તેણે એકદમ કુંવરને પૂછ્યું.

કુંવર એકદમ જવાબ ન દઈ શક્યો.

‘ચાલો હવે -’ તૈલપરાજ આવતું તોફાન શમાવવા બોલવા લાગ્યા.

લક્ષ્મીદેવી વચ્ચે બોલી ઊઠી : ‘ભિલ્લમરાજ ! જોયું ? અકલંકચરિતના પગની રજ માથે મૂકો કે તમારી એકની એક દીકરીની આ દશા કરી !’ તે ડોળા ફાડી પોતાના પતિ સામે જોઈ રહી. તે બિચારો યોદ્ધો દિગ્મૂઢ બની જોયા કરતો હતો. તે જુસ્સાભેર તેના તરફ ફરી : ‘ધિક્કાર છે તમારા જેવા બાયલાને ! તમારા હાથ ક્યાં બળી ગયા છે ? તમારાં આયુધો ક્યાં વેચી આવ્યા ? આ પિશાચે આ એકની એક દીકરીનું શિર છેદ્યું ને તમારામાં એનું શિર છેદવાની શક્તિ નથી ? શું જુઓ છો ? જુઓ છો શું ?’ તેના અવાજમાં અનિવાર્ય તિરસ્કાર અને ક્રોધ સમાયાં હતાં.

ભિલ્લમના કપાળ પર કરચલી વળી. પણ તે કાંઈ બોલીચાલી શક્યો નહિ; માત્ર લક્ષ્મીદેવીના મુખ સામે જોઈ રહ્યો.

‘લક્ષ્મી ! આ શું બકે છે ?’ મૃણાલવતીએ પોતાની હંમેશની ટેવથી સત્તાવાહી અવાજે કહ્યું, ‘જરા ભાન રાખ !’

‘ભાન ! ભાન !’ લક્ષ્મીદેવીના ઝનૂનથી મૃણાલ પર અંજાઈ ગઈ. ‘મારી દીકરીએ શો ગુનો કર્યો હતો ? અત્યારે મુંજની જોડે માળવા તો તમે નાશી જવાનાં હતાં ! તમારું ડોકું ધડ પર છે, કારણ કે તમે તૈલપરાજનાં બહેન; ને આનું ડોકું ધડ પર નથી, કારણ કે એ સ્યૂનદેશના કંગાળ ને કાયર રાજાની છોકરી, કેમ ?’

વીજળી પડી હોય તેમ બધાં ચમક્યાં ને એકમેકનાં મોં સામે જોઈ રહ્યાં. તૈલપ સૌથી પહેલાં સ્વસ્થ થયો. એને લાગ્યું કે સૈનિકોના દેખતાં આ ફજેતો થાય તે ઠીક નહિ. તેણે ભિલ્લમને કહ્યું : ‘મહાસામંત, લક્ષ્મીદેવીને લઈ જાઓ.’

‘ક્યાં ?’ એક ડગલું આગળ આવી, ગાંડી થઈ ગઈ હોય તેવી લક્ષ્મીદેવીએ તૈલપની સામે ડોળા ફાડી બરાડો માર્યો, ‘ભિલ્લમરાજ, લઈ જાઓ મને - હા, મારે સ્યૂનદેશ. હવે આ ભૂમિનું અન્ન-જળ ઝેર સમાન છે. પણ તમે શું કરશો ? તમે તો દાસ છો. હાથે ચૂડીઓ પહેરી છે. હીજડાઓની હારમાં બેઠા છો. તમે શું લઈ જવાના હતા ? હું જઈશ. હું ચાલુક્ય મહારાજાઓની કુંવરી છું, હજાર વીરાંગનાઓનું ઝનૂની લોહી મારી રગમાં છે; હું એકલી બસ છું - મારી દીકરી મારી - મારો દેશ ડુબાવ્યો તેનું લોહી પીવા.’ તે અકલંક તરફ ફરી : ‘નરપિશાચ ! ચંડાલ ! ને તારું લોહી પીઉં ત્યારે જ હું ખરી.’

ભિલ્લમની આંખમાં ભયંકર તેજ આવ્યું અને સાથે બોલવાની શક્તિ પણ આવી : ‘દેવી ! હમણાં તો ચાલો.’

‘હા; ચાલો સ્યૂનદેશ. આ પાપભૂમિમાં પલવાર પણ રહેવું નથી.’ સત્તાથી લક્ષ્મીએ કહ્યું.

‘ભિલ્લમ !’ જરા આગળ આવી તૈલપે કહ્યું, ‘આને લઈ જાય છે કે નહિ ?’

‘ખબરદાર !’ ધીમેથી ભિલ્લમ આગળ આવ્યો ને લક્ષ્મીદેવી અને તૈલપ વચ્ચે ઊભા રહી તેણે કહ્યું. તેનું પ્રચંડ શરીર સ્વસ્થ ને શાંત હતું. તેનો અવાજ ખોખરો પણ ભયંકર હતો. ‘દેવી ખરું કહે છે. ચાલો આપણે દેશ.’ કહી તેણે લક્ષ્મીદેવીનો હાથ પકડ્યો ને તેને ખેંચી જવા લાગ્યો.

એટલામાં તેની નજર ભોંયર પર પડેલા શંખ પર પડી. તેણે તે લીધો ને પોતાના સૈનિકોને બોલાવવાનો ઘોષ કર્યો.

તૈલપ આ ઘોષનો અર્થ સમજ્યો ને ગુસ્સાભર્યો આગળ આવ્યો.

‘ભિલ્લમ ! આ શું કરે છે ? તું પણ ગાંડો થયો છે ?’

ભિલ્લમ તૈલપથી એક હાથ ઊંચો હતો. તેણે એક જબરી મૂઠી તૈલપના માથા ઉપર ધરી.

‘શું ?’

તૈલપ બે ડગલાં પાછળ ખસ્યો ને હોઠ કરડી બોલ્યો : ‘અત્યારે માન્યખેટ નહિ છોડાય.’

‘જોઉં છું, કોણ આડે આવે છે ?’ આમ કહી ભિલ્લમ શંખનાદ સાંભળી દોડી આવેલા તેના સૈનિકો તરફ ફર્યો : ‘ઘોડા લાવો, આપણે સ્યૂનદેશ જવું છે,’ કહી તે લક્ષ્મીદેવીને લઈ ચાલતો થયો. વચમાં પડવાની કોઈની તાકાત ચાલી નહોતી. કારણ કે ભિલ્લમનું પ્રચંડ બાહુબળ જગજાણીતું હતું. થોડી વાર બધાં ચિત્રવત્‌ ઊભાં રહ્યાં.

‘અકલંક ! રાજગઢ ને ગામનાં બારણાં બંધ કરાવ.’ તૈલપે કહ્યું.

જવાબમાં સ્યૂનરાજનો શંખનાદ દૂરથી સંભળાયો અને મહેલમાં યોદ્ધાઓની દોડાદોડી થઈ રહી. જોતજોતામાં સ્યૂનરાજના યોદ્ધાઓ સજ્જ થયા. લક્ષ્મીદેવીની ભયંકર મુખમુદ્રા અને વિલાસના શિરના વિજ્યધ્વજથી દરેકના રોમેરોમમાં ઝનૂન વ્યાપી રહ્યું. તે જોતજોતામાં ઘોડે ચડ્યા ને શંખનાદના વિજયી ઘોષ કરતા આગળ વધ્યા, અકલંકે બને તેટલા યોદ્ધાઓને તૈયાર કરી આ યોદ્ધાઓને જતા અટકાવવા મોકલ્યા. સ્યૂનરાજ અને તેના યોદ્ધાઓ ઝનૂનના પૂરમાં આગળ વધ્યા અને માન્યખેટના દરવાજા આગળ યુદ્ધ થયું. ભિલ્લમરાજ અને લક્ષ્મીદેવીએ કેર વર્તાવ્યો. તેમના સૈનિકોએ શૌર્યની સીમાએ પહોંચી શોણિતની સરિતાઓ વહેવડાવી તે સરિતા પાર કરી આ નાનું સૈન્ય માન્યખેટ છોડી આગળ વધ્યું અને ગોદાવરી ઊતરતાં ભોજને મળ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED