Pruthvivallabh - 30 books and stories free download online pdf in Gujarati

પૃથિવીવલ્લભ - 30

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩૦. વિલાસ કેમ છૂટી ?

ભોજ પચીસ ડગલાં ચાલ્યો, અને તેનું માથું ફરતું અટક્યું ને તેને ભાન આવ્યું.

તે ચમક્યો; વિલાસ તેને હલકી લાગી. તેણે હોઠ કરડી સ્વાસ્થ્ય મેળવવા પ્રયત્ન કર્યો.

તેને ધ્રાસ્કો પડ્યો. તેનો જમણો હાથ વિલાસના પીઠના ભાગ નીચે હતો. તેમાં પાણી આવતું લાગ્યું. પાણી - લોહી - આટલું બધું ! ભોજનું હૃદય થંભી ગયું. તેના પગ ધ્રૂજવા માંડ્યા - તે ઊભો રહી ગયો.

તેણે મહામુશ્કેલીએ વિલાસને સીધી કરી, ક્યાંથી લોહી આવે છે તે જોવા હાથ કર્યો ને કારમી ચીસ પડી સુરંગ ગજવી.

વિલાસના ખભાની ઉપરનો ભાગ શરીર પર હતો જ નહિ.

ભોજનો હાથ રુધિરમાં તરબોળ થઈ રહ્યો. જ્યાં વિલાસનું ડોકું હોવું જોઈએ ત્યાંથી ધગધગતું લોહી બહાર વહેતું હતું.

ભોજને ભાન આવ્યું : હાથમાં માત્ર વિલાસનું ધડ જ હતું.

તેનાં રોમેરોમ કંપી ઊઠ્યાં તેના હાથમાંથી ધડ ભોંય પર પડી ગયું.

એ દિગ્મૂઢ જેવો ઊભો રહ્યો. તેના હૃદયમાં અનિર્વાચ્ય શોક પ્રસર્યો. તેણે લોહિયાળ હાથ માથે દઈ પોક મૂકી.

એકદમ સામેથી દોડતાં આવતાં પગલાં સંભળાયા અને મશાલનો ઉજાસ આવ્યો. થોડી વારે સામેથી મશાલ લઈ ધનંજય આવતો દેખાયો. તેની પાછળ થોડા કવિઓ હતા. ભોજને આવતાં વાર થઈ એટલે તે શોધ કરવા આવતા હતા : ‘મહારાજ ! મહારાજ !’

ધનજંય પાસે આવ્યો, પોક સાંભળી અટક્યો; થોડો આગળ આવ્યો ને ચીસ પાડી ઊઠ્યો : ‘ઓ મારા બાપ રે !’ તેના હાથમાંથી મશાલ પડી ગઈ.

તેની નજર આગળ લોહીથી ખરડાયેલું કોઈ ઊભું હતું. ભોંય પર એક શબમાંથી લોહીની ધારા વહેતી હતી.

ધનંજય હિંમતવાન હતો - જ્યાં માનુષી હિંમતનું કામ હોય ત્યાં. અત્યારે તેને લાગ્યું કે સાક્ષાત્‌ ભૈરવ તેની સમક્ષ ઊભો હતો.

પણ ભોજે તેને ઓળખ્યો : ‘ધનજંય ! ધનંજય ! ભાઈ !’

ધનંજયને ભાન ને હિંમત આવ્યાં એટલે તેણે મશાલ ઊંચકી.

‘કોણ યુવરાજ ? શું કહો છો ?’

‘ધનંજય ! આ જોયું ?’ કેમે કરી ભોજે કહ્યું અને વિલાસના ધડ તરફ આંગળી કરી.

‘શું છે ?’

‘વિલાસનું ધડ.’

‘પણ મહારાજ ક્યાં ?’

‘મહારાજ કારાગૃહમાં. જેવો હું ભોંયરામાં ગયો કે અકલંકચરિત અને તેના માણસો બારણું ઉગાડી તૂટી પડ્યા. મહારાજ પકડાઈ ગયા. હું પથ્થર દઈ નાઠો. અકલંક મારી પૂંઠે પડ્યો.’ તે શ્વાસ ખાવા થોભ્યો.

‘પછી ?’

‘હું ઝપાટાબંધ લક્ષ્મીદેવી પાસેથી વિલાસને લઈ નાઠો. તે બેભાન થી ગઈ હતી. તેને ઊંચકી હું મંદિરની સુરંગમાં પેઠો... મારી પાછળ અકલંક આવ્યો. આ ભોંયરામાં દ્વંદ્વયુદ્ધ થયું. હું જીત્યો, મેં એને છોડી દીધો. એણે દગો નહિ રમવાનું વચન આપ્યું. પાપી ગયો. પણ જતાં જતાં મારી વિલાસનું ડોકું કાપી લઈ ગયો.’

‘હેં !’ ધનંજય ને તેની પાછળના કવિઓ ચકિત થઈ ગયા.

‘મને હવે સમજ પડી. એ કમજાત અથડાઈ પડ્યો તે જ વખતે એણે કામ ર્યું. ચાલો જોઈએ.’ કહી તેણે મશાલ લીધી ને તે પાછો ફર્યો.

તેઓ થોડે ચાલ્યા એટલે તેના યુદ્ધનું સ્થાન મળ્યું. પણ ત્યાં બે તલવારમાંથી એક જ તલવારની મૂઠનો ભાગ ને બે તલવારના અગ્ર ભાગ પડ્યા હતા. એક ખૂણે જ્યાં વિલાસને સુવાડી હતી ત્યાં લોહીનું ખાબોચિયું હતું.

મૂંગે મોઢે બધા પાછા ફર્યા, વિલાસનું ઘડ ઊંચક્યું અને થોડી વારે સુરંગની બહાર આવ્યા.

ત્યાં બધા ઘોડા પર બેઠા ને ઝપાટાબંધ મુસાફરી કરતા ગોદાવરી સમીપ આવી લાગ્યા.

ત્યાં ચિતા ખડકી વિલાસના ધડને ભોજે અગ્નિદાહ આપ્યો. ભોજને રોમેરોમ અગ્નિ વ્યાપી રહ્યો. જેવી અગ્નિની આંચ વિલાસના ધડને લાગી કે તે મનમાં બોલ્યો : ‘આનાં લોહીનાં ટીપાએ - ટીપાનો હિસાબ લઈશ. યાદ રાખજે !’

બીજી પળે તેને વિલાસ યાદ આવી. તે નિર્દોષ કાવ્યરસિકાનું મ્લાન પણ મનોહર વદન નજર આગળ ખડું થયું. તેનું હૈયું ભરાઈ આવ્યું. ને તે ધ્રુસકાં ખાઈ રડવા લાગ્યો.

‘યુવરાજ ! પણ હવે શું ?’ ધનંજયે પૂછ્યું.

‘હવે શું ? અવંતીનો રસ્તો.’

‘પણ મહારાજનું શું ?’

ગમગીનીમાં ભોજે ડોકું ધુણાવ્યું : ‘કાંઈ નહિ. રુદ્રાદિત્યનું વચન હતું તે સત્ય થયું : મુંજ ગોદાવરી એક જ વાર ઓળંગશે, બીજી વાર નહિ. એ તો હવે માન્યખેટમાં જ મરવાના.’

‘આપણે કંઈ ખબર તો કાઢવી જોઈએ. એક કામ કરીએ. ગોદાવરી ઓળંગી છૂપે વેશે બે-ચાર દિવસ રહી ભાળ કાઢીએ.’

‘હા, મને વાંધો નથી. પણ હવે મહારાજને છોડાવી શકાય એમ લાગતું નથી.’

વિલાસની રાખ ગોદાવરીમાં વિસર્જન કરી તેઓ ગોદાવરી ઓળંગી પાસે ગામ હતું તે તરફ ગયા.

આ ગામ જુદા-જુદા રસ્તાના મથક પર હતું. ત્યાં ઊતરી તેઓએ થાક ખાધો - ન ખાધો એટલામાં ગોદાવરીને પેલે તીરે બસો-ત્રણસો માણસની એક ટુકડી આવી લાગી.

ભોજ ને તેના માલવી યોદ્ધાઓએ આ ટુકડી જોઈ ને તેમનાં હાંજાં ગગડી ગયાં. તેમને લાગ્યું કે તૈલપે આ માણસો તેમને પકડવાને મોકલ્યા હતા. પણ જેવા તે નદીને તીરે આવી લાગ્યા કે ધનજંયે આગળ આવતો યોદ્ધો ઓળખ્યો : ‘મહાસામંત !’

‘લક્ષ્મીદેવી !’ ભોજે કહ્યું.

બધા માલવીઓ જોઈ રહ્યા. સામે આવતાં માણસોની આગળ બે ઘોડા પર મહાસામંત ને લક્ષ્મીદેવી હતાં.

પણ બધાંનો દેખાવ વિકરાળ હતો. મહાસામંતના એક હાથમાં પરશુ હતી અને બીજા હાથમાં એક મહા ખડ્‌ગ હતું. તેમના મોઢા પર લોહિયાળ ઘા હતા, તેમનો ઘોડો પણ લોહીલુહાણ હતો.

લક્ષ્મીદેવીનું સ્વરૂપ ચંડિકા સમું ભયાનક હતું : તેમના એક હાથમાં રક્તથી લાલ બનેલી તલવાર હતી, તેમના શરીર પર લોહીના ઓઘરાળા હતા. તેના જીન સાથે એક ડોકું બાંધેલું હતું. જેવો આ બેનો દેખાવ હતો તેવો જ તેમના સૈનિકોનો હતો. દેરકની મુખમુદ્રા પણ ભયાનક હતી.

‘ધનંજય ! આ આપણને પકડવા નથી આવતા, પણ યુદ્ધમાંથી આવતા લાગે છે.’ ભોજે કહ્યું.

એટલામાં મહાસામંતે ‘જય સ્યૂનેશ્વર’ કહીને ઘોડાને એડી મારી નદીમાં ઝંપલાવ્યું. તેમની પાછળ લક્ષ્મીદેવી ને તેમના બધા અનુચરોએ પણ તે જ પ્રમાણે કર્યું.

આ તરફ ભોજ ને તેના સવારો ઘોડા પર ચડી નાસી જવું કે નહિ તેની સમજ ન પડવાથી જોઈ રહ્યા અને જેવા મહાસામંત નદીને આ પાર આવ્યા કે તેમણે ભોજને ઓળખ્યો.

‘રસનિધિ !’

‘મહાસામંત ! તમે ક્યાંથી ?’ કહી તેણે પોતાનો ઘોડો મહાસામંતના ઘોડા પાસે લીધો.

‘હું સ્યૂનદેશ જાઉં છું.’

એટલામાં લક્ષ્મીદેવીનો ઘોડો નદી તરી ત્યાં આવી લાગ્યો.

‘ભોજરાજ ! હવે એ મહાસામંત નથી. સ્યૂનદેશના મહારાજાધિરાજ ભિલ્લમરાજ છે.’

લક્ષ્મીદેવીની આંખો લાલ ને ફાટેલી હતી. તેના હોઠ દબાયેલા હતા. તેનાં અંગેઅંગે ઝનૂન ને ક્રોધ વ્યાપેલાં હતાં. રસનિધિ આ ભયંકર મૂર્તિ જોઈ રહ્યો અને જોતાં તેની નજર લક્ષ્મીદેવીના જીન પર લટકાયેલા શિર પર ગઈ.

વિકરાળ લક્ષ્મીદેવીએ ભયંકર રીતે હસીને ચોટલો પકડી તે શિર ઊંચું કર્યું.

‘ને આ સ્યૂનાધિશનો વિજયધ્વજ,’ લક્ષ્મીદેવી ખડખડ સ્મશાનનું કારમું ભૂત હસે તેમ - હસી પડી.

ભોજે એ મુખ જોયું - ઓળખ્યું, તે મુખ ઉપર - વિલાસની મુખમુદ્રાની છાપ હતી.

તેને કમકમાં આવ્યાં. આંખે અંધારાં આવ્યાં અને બેભાન થઈ તે ઘોડા પરથી ધરણીએ ઢળ્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED