21મી સદીનું વેર - 38 hiren bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

21મી સદીનું વેર - 38

21મી સદીનું વેર

પ્રકરણ-38

પ્રસ્તાવના

મિત્રો એક સામાન્ય કુટુંબ નો માણસ જ્યારે સંજોગોવસાત એક વેરના વમળમાં ફસાઇ જાય છે ત્યારે તેના વેર ને તે કેટલી ઉંચાઇ પર લઇ જઇ શકે અને એક વેરમાંથી શરુ થયેલી લડાઇમાં એક સામાન્ય માણસ કેટલો વીર અને વિચારશીલ નીકળે છે અને મહાન વિચાર પ્રગટાવી જાય છે તેની આ એક કથા છે. મિત્રો મારી આ પહેલી જ નવલકથા છે તેથી મારી આ નવલકથા તમને કેવી લાગી તેના સુચનો જરૂર મારા વ્હોટ્સ એપ નંબર પર મોકલજો.

***

સવારે ઉઠીને કિશને ગગનને ફોન કરીને કહ્યુ “મે ત્યાં હોસ્પીટલમાં એક માણસ મુક્યો છે જે હોસ્પીટલમાં શું ચાલે છે તે જાણશે. પણ તારે તેની સાથે કોઇ પણ જાતની વાતચીત કરવાની નથી. તને કોઇ પણ જરૂર હોય તો તારે મને ફોન કરવાનો હું તેને કહી દઇશ. અને આજે તું મને એકાદ વાગે તળાવ પર આવેલ સહીદ ગાર્ડનમાં મળવા આવજે. હું તને ફોન કરીશ એટલે તું આવી જજે. ”

“પણ આજે અહી સપના પાસે કોઇ નથી મારા બા પણ ગામ ગયા છે. ”

“એ તું ચિંતા ના કર. મે તને કહ્યુને કે ત્યા મારો માણસ છે તે બધુજ સંભાળી લેશે. અને મને કાલે એક બે વાત પરથી એવુ લાગે છેકે સપના જુનાગઢ રમતોત્સવમાં આવેલી ત્યાંજ કંઇક પ્રોબ્લેમ થયો છે એટલે તારી સાથે થોડી વાત કરવી છે. તું અડધા કલાકમાં તો પાછો હોસ્પીટલ પહોંચી જઇશ. અને મારે તને વારંવાર હોસ્પીટલમાં મળવુ યોગ્ય નથી. નહીતર કોઇને ધ્યાનમાં આવી જશે તો તે લોકો સાવચેત થઇ જશે. ઓકે”

“સારૂ હું આવી જઇશ. ” ગગને કહ્યુ.

ત્યારબાદ કિશને ફોન મુકી અને ગણેશને ફોન કર્યો અને કહ્યુ

“ગગન મને 1 વાગ્યાની આજુબાજુ મળવા આવશે ત્યારે તું તેની બહેનની આજુબાજુજ રહેજે. અને સાવચેત રહેજે. ”

ત્યારબાદ કિશન કોર્ટ પર જવા નીકળ્યો.

બપોરે કિશન ગાર્ડનમાં પહોચ્યો ત્યારે ગગન ગેટ પર તેની રાહ જોઇનેજ ઉભો હતો. કિશન કોર્ટમાંથી એકાદ વાગે ફ્રી થયો હતો એટલે તેણે નીકળતા પહેલાજ ગગનને ફોન કરી ગાર્ડન પર આવી જવા કહ્યુ હતુ. કિશને ગાર્ડન પાસે બાઇક પાર્ક કરી અને પછી ગગન સાથે અંદર ગયો અને ગાર્ડનના છેડે મુકેલી બેંચ પર જઇને બેઠા.

કિશને વાતની શરૂઆત કરતા કહ્યુ “કાલે મે તારી આખી વાત પર ફરીથી વિચાર કર્યો તો મને એવુ લાગ્યુ કે ક્યાંક કંઇક એવુ છે જે નોર્મલ નથી. આ કેસમાં કોઇ જગ્યાએ કંઇક ખોટુ છે એટલે મે ઘણીવાર વિચાર કર્યો. ત્યારે મને અમુક પ્રશ્નો થયા છે. એટલે મે તને થોડી ખુટતી માહિતી લેવા માટેજ અહી બોલાવેલો છે. અને પહેલા એક વાત સમજીલે કે આજથી આ પ્રશ્ન તારો એકલાનો નથી. તે મારો પણ છે. એટલે કોઇ જાતની ચિંતા કરતો નહી. ”

“ ચિંતા તો મને સપનાની થાય છે કે તેને શું થયુ હશે?” ગગને થોડી ઉદાસીથી કહ્યુ.

“એ માટેજ હું મહેનત કરૂ છુ કે સપનાને આપણે જલદી સારી કરી શકીએ. ” કિશને ગગનને હિંમત આપતા કહ્યુ અને પછી પ્રશ્નો પુછવાની શરૂઆત કરતા કહ્યુ

“ કાલે તે મને કહેલુ કે તારી બહેન કોઇ રમતોત્સવમાં ભાગ લેવા જુનાગઢ આવેલી અને પછી તેને દુઃખાવો ઉપડ્યો હતો. તેથી તેનુ ઓપરેશન કરાવવુ પડ્યુ હતુ. તો એ રમતોત્સવમાં તે એકલી તો નહીજ ગઇ હોય તેની સાથે કોઇ છોકરી તો ગઇ જ હશે ને. તને તેના વિશે કોઇ ખબર છે?”

આ સાંભળી ગગને થોડીવાર વિચાર કરીને કહ્યુ “હા કોઇ બાજુના ગામ ડુંગરપુરની છોકરી હતી. પણ તેનુ નામ કે કંઇ મને અત્યારે યાદ નથી. ”

આ સાંભળી કિશન ચમક્યો. તેને હવે વિશ્વાસ થઇ ગયો કે તે સાચા રસ્તે આગળ વધી રહ્યો છે. એટલે તેણે ગગનને કહ્યુ “કંઇ વાંધો નહી. હું તને જે કંઇ પણ પુછુ છું તેમા તને જેટલુ યાદ આવતુ હોય તે મને કહે. અને બાકીનુ સપનાને પુછીને ફોન પર મને જણાવી દેજે. પણ એટલુ યાદ રાખજે કે જેટલી વધુ માહિતી મળશે એટલુ જલદી આપણે આગળ વધી શકીશુ. ”

એમ કહી કિશને ગગનને ફરીથી પર પ્રશ્ન પુછ્યો “ તે ત્યાં રમતોત્સવમાં ગઇ હતી તો તેની સાથે શાળાના કોઇ શિક્ષક પણ ગયાજ હશે. તેના વિશે તને કંઇ યાદ છે?”

“હા,શિક્ષકતો હતાજ. તેણે જ અમને ફોન કરી ત્યાં બોલાવેલા પણ તેનુ નામ પણ મને અત્યારે યાદ નથી એ હુ તમને ફોન પર કહીશ. ”

“તું જ્યરે હોસ્પીટલ પહોચ્યો તો ત્યાં કોઇ બીજુ હતુ?”

“હા, ત્યાં બીજા બે ત્રણ શિક્ષકો પણ હતા. પણ તે બધુ મને અત્યારે કંઇ યાદ આવતુ નથી. ”

“કાંઇ વાંધો નહી તું સપના ને પુછી અને એક કાગળ પર લખી લેજે અને પછી મને ફોન પર જણાવજે. ” એમ કહી કિશન થોડુ વિચારવા રોકાયો અને પછી બોલ્યો

“ તને એક્ઝેટ યાદ નથી કે કયુ વર્ષ હતુ ત્યારે?”

“ના ચોક્કશ તો યાદ નથી. પણ લગભગ 2007 કે 2008 હતુ?”

“ ઓકે હવે છેલ્લો સવાલ કે સપના પાસે તે રમતોત્સવનું કોઇ પ્રમાણપત્ર છે?”

“એ તો મને ખબર નથી. ”

આ સાંભળી કિશને કહ્યુ “સારૂ તને મારા બધા પ્રશ્નો યાદ છેને?”

“હા એતો મને યાદ છે હું હમણા જઇને સપનાને પુછીને તમને ફોન કરીશ. ”

“ના એવી કોઇ ઉતાવળ નથી. તે આરામ કરતી હોય તો કરવા દેજે. તને જ્યારે શાંતિથી વાત કરવા મળે ત્યારેજ કરજે અને મને એકાદ દિવસમાં જણાવજે. ”

એમ કહી કિશન ત્યાંથી નીકળી ગયો.

કિશન ત્યાંથી નીકળી સીધો ઓફીસ ગયો. ઓફીસ પર પહોંચી તેણે થોડાં કામના ફોન કોલ્સ પતાવ્યા. ત્યાં નેહા આવી. તેને કોર્ટના કાગળો આપી કામ સમજાવી દીધુ એટલે તે કોમ્પ્યુટર પર કામે લાગી ગઇ અને કિશન ફરીથી પોતાના કામમાં પરોવાઇ ગયો. થોડીવાર થઇ ત્યાં કિશનના મોબાઇલમાં રીંગ વાગી. કિશને જોયુ તો મોહિતનો ફોન હતો. એ સાથેજ કિશનના મગજમાં એક વિચાર ઝબક્યો અને કિશનના મોં પર સ્માઈલ આવી ગયુ. કિશને ફોન ઉંચક્યો એ સાથે જ સામેથી મોહિતે કહ્યુ

“શું વકીલ સાહેબ બહું મોટા માણસ થઇ ગયા છો ને મિત્રોને યાદ પણ નથી કરતા. ”

“અરે ના ભાઇ અમારા જેવા નાના માણસો મજુરીમાંથી નવરા પડે તો કંઇ યાદ કરેને. ” કિશને પણ સામે મજાક કરી.

“હા ભાઇ, ગર્લફ્રેંન્ડને મળવાનું અને રખડવાનું આવી મજુરી તો અમારા નસીબમાં ક્યાં છે”

“ના ભાઇ એવુ કાંઇ નથી આતો કામકાજમાંથી નવરા પડતા નથી. ” કિશને હસતા હસતા કહ્યુ

“બસ હવે ખોટા ગપ્પા નહી માર. તું સુરત કેવા જલસા કરી આવ્યો છે અને બીજુ પણ શું શું કરી આવ્યો છે એ બધાજ રીપોર્ટ મારી પાસે છે. ” મોહિતે કહ્યુ

“હા ભાઇ, તારા જેવા મહાન રીપોર્ટર પાસે રીપોર્ટના હોય તો પછી કોની પાસે હોય?, પણ ભાઇ મિત્રોને તમારી ક્યારે જરૂર હોય છે તે રીપોર્ટ કેમ તારી પાસે હોતો નથી?”

“અરે બોલને શુ જરૂર છે? તારા માટે તો જાન હાજર છે પણ તને ક્યાં ભાન છે?”

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો “ભાઇ તું તો શાયર બની ગયો હો. ”

“ બસ હવે ક્યારે મળે છે એ બોલ?” મોહિતે હસતા હસતા કહ્યુ.

“તું કહે ત્યારે. બોલને ક્યારે મળવુ છે?”

“ઓકે તો સાંજે મળીએ અને હું મનીષને પણ કહી દઉ છું આપણા અડ્ડા પર 9 વાગે આવી જાય. ”

“ ઓકે હું પહોંચી જઇશ. અને હવે સાંભળ તારૂ એક કામ હતુ. ”

“હા બોલને શું કામ છે?”

“તારી પાસે આજે ટાઇમ હોય તો મારે થોડી માહિતી જોઇતી હતી. ”

“એલા એ બધુ છોડ તું કહેને તારે શુ જોઇએ છે એટલે મળી જાશે. બાકી મગજનો અઠો નહી કર. ”

“ઓકે તો સાંભળ,2006 થી 2009 વચ્ચે જીલ્લા કક્ષાના રમતોત્સવ ની માહિતી જોઇતી હતી. ”

“કેમ તને રમતોત્સવમાં શું રસ પડ્યો?”

“એ હું તને પછી કહીશ પણ આ ત્રણેય વર્ષના રમતોત્સવનાં સ્પર્ધકોના નામનું લીસ્ટ અને તેના શિક્ષકો, આયોજકો અને જે પણ કાંઇ માહિતી મળે તું મને આજે આપજે. ”

“પણ એક્ઝેટ કયાં વર્ષનો ડેટા જોઇએ છે તે કહે તો કામ સહેલુ બને. ”

“એ એક્ઝેટ વર્ષ નથી ખબર એટલે તો ત્રણ વર્ષનો ડેટા માંગુ છું. અને જો તારા ન્યુઝપેપર પણ તપાસજે તે દિવસોની આસપાસના દિવસના ન્યુઝમાં કાંઇ રમતોત્સવ વિશે છપાયુ છે કે નહી તે તપાસ કરજે. ”

“અરે યાર મારી ભુલ થઇ ગઇ કે તને ફોન કરી દીધો. તે તો મારો આખો દિવસનો વર્કલોડ વધારી દીધો. ઓકે ચાલ રાત્રે મળીએ અડ્ડા પર. ”

કિશને હસતા હસતા કહ્યુ “બાય” અને ફોન મુકી દીધો.

ત્યારબાદ ફરી પાછો કામ કરવા લાગ્યો. થોડીવાર બાદ ફરીથી તેના ફોનની રીંગ વાગી. કિશને કામ કરતા કરતાજ ફોન ઉચક્યો. શિખરનો ફોન હતો. ફોન ઉચકતાજ શિખરે કહ્યુ “એલા ભાઇ તું

કાઇ જ્યોતિષ જાણે છે કે શું?”

“કેમ,શું થયું?” કિશનને કંઇ સમજાયુ નહી એટલે તેણે પુછ્યુ.

“ તે કાલે કહ્યુ હતુ એજ થયુ. આજે શિતલનો ફોન હતો. યાર મને વિશ્વાસ નથી આવતો કે મે આજ છોકરીને પ્રેમ કર્યો હતો. તે કેટલી હદે નીચે ઉતરી ગઇ છે. ”

“કેમ શુ થયુ? શુ કહ્યુ શિતલે?”

“એજ જે તે કહ્યુ હતુ. રૂપીયા માંગ્યા. એને થોડી પણ શરમ ન આવી સીધીજ તેણે મારી પાસે માંગણી કરી. મને તો હજુ પણ વિશ્વાસ નથી આવતો કે આ એજ શિતલ છે જેને મે સાચા દિલથી પ્રેમ કર્યો હતો. અને જેણે મારી સાથે 2 વર્ષનુ સુખી લગ્નજીવન ગાળ્યુ છે. ”

“જો શિખર તું મારી વાત સાંભળ એ બધીજ તેની એક્ટીંગ હતી. આજ તેનુ સાચુ રૂપ છે. અને હવે તેને જ્યારે ભીંસ પડી ગઇ છે અને તેનો આખો પ્લાન જ્યારે ફેઇલ થાય એવી પરીસ્થિતી ઊભી થઇ છે ત્યારે તે શરમમાં થોડી રહે. તું ખોટો ઇમોશનલ થતો નહી. નહીંતર આપણો આખો પ્લાન ફેઇલ થઇ જશે. ”

“હા,યાર તારી વાત સાચી છે હું જ ઇમોશનલ ફુલ છું. એટલે તો આ મને આટલી હદે છેતરી ગઇ. ”

“જો બધાજ શિતલ જેવા નથી હોતા. અને તુ શાંતિ રાખ. હવે થોડો જ સમય છે. તું તેને એવો વિશ્વાસ કરાવી દેજે કે તું ડરી ગયો છે અને તેને ચોક્કસ પૈસા આપવાનો છે. તેણે કેટલા રૂપીયા માંગ્યા છે?”

શિખર થોડા ગુસ્સામાં બોલ્યો. ” 1 કરોડ”

“તો તે પૈસા ઘટાડવા માટે તે કંઇ કહ્યુ નહી?”

“મે તેને કહ્યુ કે એટલા બધા તો નહી થાય. પણ કેટલા થાય એમ છે તે હું તને બે ત્રણ દિવસમાં કહીશ. એટલે શિતલે કહ્યુ મારે કંઇ સાંભળવુ નથી. હું તને બે ત્રણ દિવસમાં ફોન કરીશ. નહીતર પછી તારી ઇજ્જત જાશે. એમ કહી તેણે ફોન કટ કરી નાખ્યો. ”

આ સાંભળી કિશને કહ્યુ “કોઇ વાંધો નહી. હવે પછી ફોન આવે તો તારે કહેવાનું કે મારી પાસે 80 લાખની વ્યવસ્થા થઇ શકે એમ છે. અને એ માટે મારે 15 દિવસનો ટાઇમ જોઇશે. અને તે ના પાડે તો તારે થોડી આજીજી કરી તેને મનાવી લેવાની. આમ પણ તેને તો રૂપીયાની ખુબ જરૂર છે. એટલે થોડીવાર માથાકુટ કર્યા પછી તે માની જશે. પણ તે તને કદાચ પૈસા વહેલા આપવાનું કહેશે. તો તારે કહેવાનું કે આટલી મોટી રકમની વ્યવસ્થા કરવા 15 દિવસ તો જોઇએ જ. ગમે તેમ કરીને તારે હવે પછી 15 દિવસની મહોલત નાખી દેવાની. જેથી મારી આપેલી સમય મર્યાદા પુરી થઇ જાય. ”

આ સાંભળી શિખર થોડો ગુસ્સે થઇ ગયો અને બોલ્યો “મને તો તેના પર એટલો ગુસ્સો આવે છેકે તેને એક તમાચો મારી દઉ. અને તું મને તેની સામે આજીજી કરવા કહે છે. ”

“જો શિખર તને મારા પર ભરોશો છેકે નહી?”

“યાર કેમ આવુ પુછે છે? તારા પર તો મને પુરો ભરોશો છે. ”

“તો બસ જો તારે શિતલને પગ પર પડી માફી માગતી જોવી હોય તો હું કહુ છું તેમ કર. બાકી હું સંભાળી લઇશ. ”

“ ઓકે ચાલ હું કરી લઇશ. પણ એક વાત યાદ રાખજે જ્યાં સુધી હું તેને મારી માફી માગતી નહી જોઇ લઉ. ત્યાં સુધી હ મને ચેન નહી પડે. ”

“મે તને કહ્યુ ને કે શિતલ તારી પાસે રડતી રડતી માફી માંગશે. તું ખાલી મે કહ્યુ તેમ કર. ”

“ઓકે. એડવોકેટ સાહેબ. બીજુ કંઇ કહેવાનુ હોય તો બોલો. ”

આ સાંભળી કિશને કહ્યુ “ના,અત્યારે તો આટલુજ ઘણુ છે. ”

ત્યારબાદ ફોન મુકી દીધો.

કિશન બાલવી પહોંચ્યો ત્યારે મોહિત અને મનીષ તેની રાહ જોઇને બેઠા હતા. આ સ્થળને તે લોકો અડ્ડો કહેતા. અને દર વખતે અડ્ડા પર મળતા. કિશને બાઇક સાઇડમાં પાર્ક કરી અને તે લોકો બેઠા હતા. ત્યાં જઇને બેઠો એટલે મોહિતે ચાનો ઓર્ડર આપ્યો અને કિશનને કહ્યુ

“શું સાહેબ જલસા છે હો તમારે તો. ગર્લફ્રેંડને મળવા સુરત જવાનું અને અઠવાડીયુ તેની સાથે ગાળી આવવાનું. અને પાછા જુનાગઢમાં આવી મન ફાવે તેમ એકલા રખડવાનું. આવી ગર્લફ્રેંડ તો નસીબદારને જ મળે ભાઇ. ”

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો. ” કેમ એલા. તું વહેલો પરણી ગયો એટલે મારી ઇર્ષા આવે છે. અમે તને કહ્યુ હતુ કે ખાડામાં પડ ભાઇ. તને બહુ શોખ હતો એટલે તે આંખો મિચીને ઝંપલાવ્યુ. તો હવે ભોગવ. ”

આ સાંભળી મનિષે મોહિતને કહ્યુ “હા, આ બધુ તુ બોલે છે ને ભાભીને કહેવાદે એટલે જો તારો વારો નીકળી જાય છે કે નહી. ”

“અરે ભાઇ તેને કહો તો પણ હવે કોઇ ફેર પડતો નથી. તેને પણ ખબર પડી ગઇ છે કે મારો પનારો નપાવટ જોડે પડ્યો છે. ”મોહિતે હસતા હસતા કહ્યુ.

આ સાંભળી કિશન હસી પડ્યો અને બોલ્યો “ એલા હું તો ભાભીને હજુ સુધી મળ્યો જ નથી. કોઇક વાર ઓફીસે લઇને આવ એટલે ઓળખાણ થાય. અમારા વાંઢાના રૂમ પર તો આવી શકાય એવુ ના હોય. ”

“એલા ભાઇ તું તારી પેલી હિરોઇનને મળવામાંથી નવરો પડે તો તને મારી ઘરવાળી સાથે મળાવુને. અને તારી ઓફીસે આવવાની જરૂર નથી એકાદ દિવસ મારા ઘરે જ બધા મળીએ અને સાથે જમીએ. એટલે મારી ઘરવાળીને પણ ખબર પડે કે દુનિયામાં હું એકજ ખરાબ નથી. મારા કરતા પણ વંઠેલા પડ્યા છે. ”

આ સાંભળી બધા ખડખડાટ હસી પડ્યા. ત્યારબાદ વાતનો ટોપીક બદલતા કિશને મોહિતને કહ્યુ

“એલા મે તને કામ સોપેલુ તેનુ શું થયુ?”

“અરે તું કામ સોપે ને હું ના કરૂ તે કોઇ દિવસ બને. ભલે મારે મારા ફ્રી ટાઇમનો ભોગ આપવો પડ્યો પણ તારી માહિતી તો લઇ જ આવ્યો. મારા મોબાઇલમાં તેની PDF ફાઇલ છે. દરેક વર્ષની એક ફાઇલ છે. તને વોટ્સએપ કરી આપુ છું. ”

એમ કહી મોહિતે તેનો મોબાઇલ લઇ કિશનને ચારેય ફાઇલ સેંડ કરી અને બોલ્યો.

“પણ મને એ ના સમજાયુ કે તને અચાનક આ રમતોત્સવમાં કેમ રસ પડ્યો?”

“ યાર, ખોટુ નહી લગાડતો પણ હું તને સમય આવ્યે આખી વાત કહીશ. તું હમણા મને કંઇ પુછતો નહી. તારાથી કંઇ છુપુ નથી રાખવુ પણ થોડી મજબુરી છે. ”

આ સાંભળી મોહિત બોલ્યો “એલા ભાઇ કંઇ વાંધો નહી તને જ્યારે ઇચ્છા થાય ત્યારે કહેજે પણ જ્યારે કંઇ જરૂર હોય તો ચોક્કસ યાદ કરજે. ”

“હા, જરૂર હશે તો તમારા સિવાય કોને યાદ કરીશ. તમે જ તો છો મારા મદદગાર. ”

આ સાંભળી મનિષ વિચારમાં પડી ગયો કે એવી કંઇ બાબત હશે જે કિશન તેનાથી પણ છુપાવવા માગે છે. અત્યાર સુધીની તેના જીવનની બધીજ વાતો તે અમારી સાથે શેર કરતો. તો હવે આ એવી કંઇ બાબત હશે.

ત્યા કિશનને કંઇક યાદ આવતા તેણે મોહિતને કહ્યુ “મે તને કહ્યુ હતુ કે તે રમતોત્સવ વિશે ન્યુઝપેપરમાં કંઇ છપાયુ હોય તો તેની પણ માહિતી લેતો આવજે. તો તેનુ શું થયુ?”

“હા,પણ તેનો મને સમય ના મળ્યો એ હું તને કાલે આપીશ. ”

“જો આ ત્રણેય રમતોત્સવ ની તારીખો છે તેની આગળ પાછળના 15 દિવસના છાપા ખાસ જોજે. ”કિશને કહ્યુ.

આ સાંભળી મોહિતનો પત્રકાર જીવ તરતજ સતેજ થઇ ગયો. તેણે વિચાર્યુ કિશનની મારે તપાસ કરવી પડશે કે તે શું કામ આ માહિતી મંગાવે છે. અને આમ પણ તેને મદદ પણ કરી શકાશે.

ત્યારબાદ બધા સામેની લારી પર ગયા અને ગરમા ગરમ ગાંઠીયા ખાઇને પછી છુટા પડ્યા. કિશન તેના રૂમ પર ગયો અને નાઇટ ડ્રેસ પહેરી તે રીડીંગ ટેબલ પર બેઠો અને મોબાઇલમાં તેણે મોહિતે મોકલેલી ફાઇલ જોવા લાગ્યો. તેને ચારેય ફાઇલ જોઇ પણ તેને કોઇ જગ્યાએ કશી લીંક મળી નહી. તેથી તેણે ફરીથી બીજી વખત બધાજ સ્પર્ધકો શિક્ષકો આયોજકો અને બધાજ નામો જોવા લાગ્યો અને અચાનક એક નામ પર આવી તેની નજરચોટી ગઇ.

***

કિશન અને ઇશિતાની લવ સ્ટોરીનું શું થશે? શિતલ અને રૂપેશ હવે શું કરશે? કિશનનો શું પ્લાન છે? આ બધુ જાણવા માટે આગળના પ્રકરણ વાંચતા રહો.

***

મિત્રો તમે બધા મારી નવલકથા વાંચો છો અને મને રીવ્યુ પણ મોકલો છો તે માટે તમારા બધાનો ખુબ ખુબ આભાર . મિત્રો આ મારી પહેલી નવલકથા છે તેથી તમારા પ્રતિભાવ મારા whatsapp no જરૂર મોકલજો.

હિરેન કે ભટ્ટ- whatsapp no - 9426429160