કાળરાત્રી-18 Narendrasinh Rana દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કાળરાત્રી-18

(આગળના પ્રકરણમાં આપણે વાંચ્યું કે કેવી રીતે લેખકનો પગ પાકતા ઓપરેશન કરાવવું પડ્યું. રશિયન સેના તેમની નજીક પહોંચી હોવાના સમાચારે તેમને મુક્તિની આશા બંધાવી. હવે, આગળ વાંચો...)

જે રાત્રે અમને તોપોની ગર્જના સાંભળવાનું શરૂ થયું તેના પછીના દિવસે બપોરે ચાર વાગ્યે બધા જ બ્લોક પ્રમુખોને મિટિંગ માટે બોલાવવામાં આવ્યા. તેઓ જયારે પાછા આવ્યા ત્યારે તેમના ચહેરા પર ગભરાટ હતો. તેમણે માહિતી આપી કે અમારે કેમ્પ છોડી દેવાનો હતો. જર્મનો અમને કોઈ બીજી જગ્યાએ ખસેડવાના હતા. રશિયન સેના નજીક હોવાના સમાચાર સાચા હતા.

"આપણે ક્યારે નીકળવાનું છે?"

"આવતી કાલે રાત્રે."

"રશિયન સેના આપણે કેમ્પ ખાલી કરીએ તે પહેલા પહોંચી જશે?"

"કદાચ..."

બધા જાણતા હતા કે તેવું બનવાની શક્યતા નહિવત હતી.

કેમ્પમાં દોડાદોડી થવા લાગી. બધા જ કેદીઓ મુસાફરીની તૈયારી કરવા લાગ્યા. બધા જ બ્લોકમાં અરાજકતાનું વાતાવરણ હતું.

ડોક્ટર હોસ્પિટલમાં અમારી પાસે આવીને બોલ્યો, "આવતી કાલે રાત્રે કેમ્પ ખાલી કરી દેવામાં આવશે. એક પછી એક બ્લોકના કેદીઓ રાત્રે પોતાની મુસાફરી શરૂ કરશે. જે બીમાર કેદીઓ છે તેમણે અહીં રહેવું હોય તો રહી શકે છે. તેઓ સાથે આવવા બાધ્ય નથી."

આ સમાચાર અમારા માટે નવાઈ પમાડનાર હતા. શું એસ.એસ. સાચે જ સેંકડો બીમાર કેદીઓને રશિયન સેના દ્વારા છોડાવવા માટે પાછળ મૂકી જવાની હતી?

મારી બાજુની પથારીવાળો કેદી બોલ્યો, "કદાચ તેઓ બધા જ કેદીઓને મારતા જશે અથવા બધાને એક સાથે ભઠ્ઠીમાં ફેંકતા જશે."

"તેઓ દર્દીઓ સાથે આખો કેમ્પ સુરંગ દ્વારા ઉડાવીને જવાના હશે." બીજો એક દર્દી બોલ્યો.

મને મૃત્યુના વિચાર આવ્યા પણ હું મારા પિતાથી અલગ થવા નહોતો માંગતો. હું મારા પગની પરવાહ કર્યા વગર લંગડાતો લંગડાતો હોસ્પિટલની બહાર નીકળ્યો. બહાર ચારે તરફ બરફ હતો. કાતિલ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. મેં મારા પિતા પાસે પોંહચીને પૂછ્યું, "આપણે શું કરશું?"

મારા પિતા ચૂપ રહ્યા. તેઓ વિચારવા લાગ્યા. ઘણા સમય પછી પેહલી વાર અમારું ભાગ્ય અમારા હાથમાં હતું. હું મારા પિતાને ડોક્ટરની મદદથી હોસ્પિટલમાં દર્દી તરીકે દાખલ કરી શકું તેમ હતો. પછી કદાચ રશિયન સેના અમને છોડાવે. અમારે નક્કી કરવાનું હતું કે દર્દી તરીકે હોસ્પિટલમાં રહેવું કે બીજા કેદીઓ સાથે કેમ્પ છોડી દેવો?

મારા પિતા વિચારી રહ્યા હતા.

"ચાલો, બધા સાથે કેમ્પ છોડીને જઈએ." મેં નક્કી કરી લીધું.

"પણ તારો પગ?" મારા પિતા મારા પગ સામે જોઈને બોલ્યા.

"હું ચાલી શકું તેમ છું. વાંધો નહીં આવે." મેં તેમને વિશ્વાસ આપ્યો.

"ભગવાનને પ્રાર્થના કર કે આપણને આ નિર્ણય માટે ભવિષ્યમાં પસ્તાવો ન થાય." તેઓ ધીરેથી બોલ્યા.

યુદ્ધ પત્યા પછી મને તે દિવસે જે હોસ્પિટલમાં રહી ગયા હતા તેમનું શું થયું હતું એ જાણવા મળ્યું. હોસ્પિટલમાં રહી ગયેલા બધાને અમારા કેમ્પ છોડ્યાના બે દિવસ પછી રશિયન સેનાએ છોડાવ્યા હતા. કમનસીબે મારો નિર્ણય ખોટો હતો.

તે દિવસે મારા પિતાને મળ્યા પછી હું હોસ્પિટલમાં પાછો ન ગયો. હું મુસાફરીની તૈયારી કરવા લાગ્યો. મારા પગનો ઘાવ ખુલી ગયો હતો. હું ચાલુ એટલે મારા પગ નીચેનો બરફ લાલ રંગે રંગાઈ જતો.

બ્લોક પ્રમુખોએ બધાને મુસાફરી માટે બે ટાઈમનું જમવાનું સાથે આપ્યું. બધાને સ્ટોર રૂમમાંથી જોઈએ તેટલા કપડાં લઇ લેવાની છૂટ આપી.

બહાર કાતિલ ઠંડી હતી. અમે બધા અમારી પથારીઓમાં સુઈ જવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તોપની ગર્જનાઓ થોડી થોડીવારે સંભળાતી રહેતી. રશિયનો અમારી નજીક હતા. શું અમે કેમ્પ છોડીએ તે પહેલા રશિયન સેના પોંહચી જવાની હતી? શું અમે બચી જવાના હતા? બધા આશા રાખી રહ્યા હતા.

તે અમારી બુનાના કેમ્પમાં છેલ્લી રાત હતી. છેલ્લી રાત...અમારા ઘરની છેલ્લી રાત, ઝૂંપડપટ્ટીની છેલ્લી રાત, ટ્રેનના પશુઓ ભરવાના વેગનમાં પસાર કરેલી છેલ્લી રાત, હવે આ કેમ્પમાં છેલ્લી રાત...ભગવાન જાણે હજું કેટલી "છેલ્લી રાતો" અમારે જોવાની હતી.

"હવે, સુઈ જાઓ. કાલે આપણે લાંબી મુસાફરી કરવાની છે." કોઈ પોતાની પથારીમાંથી બોલ્યું. મને મારી માના શબ્દો યાદ આવી ગયા. તેણે પણ ઝૂંપડપટ્ટીમાં અમે ગાળેલી છેલ્લી રાતે આમ જ કહ્યું હતું.

પણ હું ન ઊંઘી શક્યો. મારા પગમાં જબરદસ્ત પીડા થઇ રહી હતી.

સવારે કેમ્પ વિચિત્ર લાગી રહ્યો હતો. કેદીઓએ એક ઉપર એક કપડાં પહેર્યા હતા. ઠંડીથી બચવા બધાએ જે મળે તે પહેરી લીધું હતું. બધા જોકર જેવા લાગી રહ્યા હતા. કોઈ એક બીજાને જોઈને હસતું નહોતું.

મેં મારા ઓપરેશન થયેલા પગ માટે બહુ મોટા માપનું બુટ શોધવાનો નિષ્ફ્ળ પ્રયત્ન કર્યો. અંતે મેં મારો ધાબળો કાપીને મારા પગની આસપાસ વીંટ્યો. મને આશા હતી કે ધાબળો મારા પગને બરફથી બચાવશે. મેં બ્રેડ અને બટેટા પણ રસ્તામાં ખાવા માટે શોધવાનો પ્રયત્ન કર્યો. કેમ્પમાં કોઈ જ જાણતું નોહતું કે જર્મનો અમને ક્યાં લઇ જઈ રહ્યા છે?

બપોરે બે વાગ્યે જબરદસ્ત બરફવર્ષા શરૂ થઇ. દિવસ ઝડપથી આથમી રહ્યો હતો.

અચાનક અમારા બ્લોક ઓફિસરને બ્લોક સાફ કરવાનું યાદ આવ્યું. બ્લોક કોના માટે સાફ કરવાનો? હવે, કોણ તેમાં રહેવા આવવાનું હતું? બ્લોક ઓફિસરનું કેહવું હતું કે રશિયન સેના જયારે અહીં આવે ત્યારે તેમને લાગવું જોઈએ કે અહીંયા માણસો રહેતા હતા, પ્રાણીઓ નહીં. અમારી ગણતરી હજુ માણસોમાં થઇ રહી હતી. અમે અમારા બ્લોક સાફ કર્યા.

સાંજે છ વાગ્યે ઘંટડી વાગી અને અમને હરોળમાં ગોઠવવાની પ્રક્રિયા શરૂ થઇ. એક પછી એક બ્લોક ખાલી થતા ગયા અને કેદીઓ હરોળમાં ગોઠવાતા ગયા. એસ.એસ.ના સેંકડો સૈનિકો તેમના કુતરાઓ સાથે આ કામમાં લાગી ગયા.

બરફવર્ષા હજુ પણ ચાલુ જ હતી. અમે ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યા હતા. કેમ્પના મુખ્ય દરવાજા ખોલી નાખવામાં આવ્યા. બહારનું અંધારું જાણે અમને બોલાવી રહ્યું હતું. અમે જાણે કોઈ ભયાનક સપનામાં પગ મુકવા જઈ રહ્યા હતા.

મારા બન્ને ખિસ્સામાં બે બ્રેડના ટુકડાઓ હતા. મને તેમને ખાવાનું મન થયું પણ હું જાણતો હતો કે તે માટેનો સમય હજુ આવ્યો નહોતો.

અને અમારી કૂચ શરૂ થઇ. પહેલા બ્લોકના કેદીઓ મુખ્ય દરવાજાની બહાર નીકળ્યા. મારો બ્લોક નંબર સતાવન હતો. છપ્પન બ્લોક દરવાજાની બહાર નીકળે ત્યાં સુધી અમારે રાહ જોવાની હતી.

એકાવન...બાવન...

અંતે અમારા બ્લોકનો નંબર આવ્યો. નંબર સતાવન ગેટની બહાર...આદેશ આવ્યો.

અને એ કાતિલ ઠંડી અને બરફવર્ષા વચ્ચે અમારું દુઃસ્વપ્ન શરૂ થયું.

(ક્રમશ:)