Kaalratri - 17 books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-17

(આગળના પ્રકરણમાં વાંચ્યું કે લેખકના પિતાની પસંદગી ભઠ્ઠી માટે થઇ હતી. હવે, આગળ વાંચો...)

કેમ્પમાંથી મજૂરી માટે બહાર નીકળ્યા બાદ અમે અમારી કામ કરવાની જગ્યાએ પહોંચ્યા. મારુ આખો દિવસ મારા પિતાની ચિંતામાં કામમાં મન ન લાગ્યું. અમારી ટુકડીના પ્રમુખે પણ મને તે દિવસે સહેલું કામ આપ્યું. યોશી અને ટીબી સહીત બધા મારી સાથે જાણે હું અનાથ થઇ ગયો હોય તેમ વર્તતા હતા. હું આખો દિવસ મારા પિતાના જીવન માટે પ્રાર્થના કરતો રહ્યો. સાંજે જયારે અમે કામ પરથી પાછા ફર્યા ત્યારે મેં ગેટ તરફ દોડ લગાવી. મારા માટે મારા પિતાના જીવન સિવાય બીજી કોઈ બાબત મહત્વની નહતી.

હું તેમના બ્લોક તરફ દોડ્યો. એ ત્યાં જ હતા. તેઓ પસંદગીની બીજી પ્રક્રિયાથી બચી ગયા હતા. હું તેમને વળગીને રડી પડ્યો. મેં તેમને પેલી ચમચી અને ચપ્પુ પાછા આપ્યા.

અમારી વચ્ચેથી લોકગીતો ગાતા અકીબા નામના ગાયકે વિદાય લીધી હતી. તેની પસંદગી ભઠ્ઠી માટે થઇ હતી. તેને સળગતી ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવ્યો હતો. થોડા દિવસો પેહલા જ તે અમારી વચ્ચે બોલ્યો હતો કે તે આ સંઘર્ષથી થાકી ગયો છે. તે અમને કહી રહ્યો હતો કે તેનું શરીર ઘણું અશક્ત હતું. તેને ચાલવામાં પણ તકલીફ પડતી હતી. તેણે જીવતા રહેવાનો સંઘર્ષ છોડી દીધો હતો. અમે તેને સમજાવવાનો પ્રયત્ન કરતા પણ તે સતત પોતે થાકી ચુક્યો છે તેમ બબડતો રહેતો.

પસંદગીની પ્રક્રિયા દરમ્યાન સંઘર્ષથી હારી ગયેલા લોકોમાં એક પાદરી પણ હતો. જે ખુબ વૃદ્ધ હતો. તે કમરેથી વાંકો વળી ગયેલો હતો. તે આખો દિવસ પ્રાર્થના કરતો. ધીરે ધીરે તે અત્યાચારોથી કંટાળ્યો. એક દિવસ તે બોલ્યો, "મને લાગે છે કે આ દુનિયામાં ભગવાન નથી."

તે નિરાશ હતો. એક જીવનથી હારેલો વ્યક્તિ જેણે પોતાનું આખું જીવન ભગવાનની સેવામાં સમર્પિત કર્યું હતું તેને ભગવાનના અસ્તિત્વ વિશે હવે શંકા હતી. તે પોતાની નજર સામે થઈ રહેલા અત્યાચારોને કારણે ભગવાન પરથી વિશ્વાસ ગુમાવી ચુક્યો હતો.

કેમ્પમાં જે સંઘર્ષ કરવાનો છોડી દેતા તે ચીમનીમાં આગને હવાલે થતા. અકીબા પણ ચીમની માંથી નિકળતી જ્વાળાઓને જોઈને બબડતો, "હવે, બે ત્રણ દિવસમાં હું પણ આગને હવાલે થઈશ. તમે મારા ગયા પછી મારી પાછળ પ્રાર્થના કરજો."

જો અકીબાએ પોતાનો વિશ્વાસ ટકાવી રાખ્યો હોત તો કદાચ બચી ગયો હોત. ભઠ્ઠી માટે પસંદગીની પ્રક્રિયા શરૂ થઇ ત્યારે તરત જ તેની પસંદગી થઇ. તે ચુપચાપ આગળ આવ્યો. તેના ચહેરા પર જીવવાની કોઈ જ ઈચ્છા નહોતી.

ત્રણ દિવસ પછી જયારે ચીમની માંથી નીકળતા ધુમાડા અમે જોયા ત્યારે અમને અકીબા યાદ આવ્યો. અમે બધા ભેગા થયા અને તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

તેના મૃત્યુ પછીના દિવસો અમારા માટે બહુ કપરા હતા. અમને ખોરાક ઓછો અને માર વધુ મળવા લાગ્યો.

શિયાળો શરૂ થઇ ચુક્યો હતો. દિવસો ટૂંકા અને રાત લાંબી થવા લાગી હતી. પરોઢિયે ઠંડો પવન અમને ચાબુકના ફટકાની જેમ પીડા પોંહચાડતો. અમે બધા ઠંડીમાં ઠુંઠવાતાં. અમને ઠંડી માટેના કપડાં તરીકે માત્ર એક વધારાનો શર્ટ આપવામાં આવ્યો હતો જેનું કાપડ પ્રમાણમાં જાડું હતું. તે ઠંડા પવનો સામે રક્ષણ આપવા અસમર્થ હતો. જુના કેદીઓ અમને કેહતા, "હવે, તમને કેમ્પની મુશ્કેલીઓની સાચી ખબર પડશે."

અમારે વેહલા ઉઠીને મજૂરી કામ માટે જવું પડતું. ઠંડા પવનો અને બરફ વચ્ચે ચાલવું નર્કમાં ચાલવા બરાબર લાગતું. અમારે ઉપાડવા પડતા પથ્થરો ખુબ જ ઠંડા હતા. અમારા હાથ જાણે તેમની સાથે ચોંટી જતા હોય તેમ લાગતું.

ક્રિસમસ અને નવા વર્ષના દિવસે રજા જાહેર કરવામાં આવી. અમને ઉજવણીમાં થોડું જાડું સૂપ આપવામાં આવ્યું.

જાન્યુઆરીની શરૂઆતમાં મારા જમણા પગમાં ઠંડીના કારણે સોજો આવવા લાગ્યો. મને અસહ્ય પીડા થવા લાગી. પીડા સહન ન થતા હું કેમ્પના ડોક્ટર પાસે ગયો. તે પણ અમારી જેમ જ એક યહૂદી કેદી હતો. તેણે પગ જોઈને કહ્યું કે, "ઓપરેશન કરવું પડશે. જો આપણે વધારે રાહ જોઈશું તો કદાચ આંગળા અને ત્યાર બાદ પગ સુધી સડો પ્રસરી જાય. કદાચ પગ પણ કાપવો પડે."

હું ગભરાઈ ગયો. ડોક્ટરે ઓપરેશનનો નિર્ણય લઇ લીધો હતો. હું તેમાં કંઈ કરી શકું તેમ નહોતો. તેમણે મને હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાં પથારી સારી હતી. પથારી પર ચાદર પાથરેલી જોઈને મેં, છેલ્લે ક્યારે ચાદર વાળી પથારીમાં સૂતો હતો તે યાદ કરવાનો પ્રયત્ન કર્યો. હોસ્પિટલમાં પરિસ્થિતિ સારી હતી. અહીં જમવા માટે સારી બ્રેડ અને જાડું સૂપ મળતું. હું મારા જમવા માંથી થોડું ચોરીને મારા પિતાને મોકલાવતો.

મારી બાજુની પથારીમાં એક યહૂદી હતો જેને મરડો થયો હતો. તેનું શરીર હાડપિંજર જેવું હતું. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી. પહેલી નજરે તે કોહવાઈ ગયેલી લાશ જેવો લાગતો. તે જયારે બોલતો ત્યારે જ ખબર પડતી કે તે જીવે છે.

"બહુ ખુશ ન થા, છોકરા. અહીં પણ ભઠ્ઠી માટે પસંદગી કરવામાં આવે છે. બહાર કરતા અહીંથી વારંવાર દર્દીઓને ભઠ્ઠીમાં ફેંકવા માટે લઇ જવામાં આવે છે. જર્મનોને બીમાર પડેલા યહૂદીઓની કોઈ જ જરૂર નથી. થોડા દિવસમાં મારો વારો આવશે. મારી સલાહ માન અને અહીંથી જેમ બને તેમ જલ્દી નીકળી જા." તેણે મને ચેતવણી આપી.

તે સાચો હતો. હોસ્પિટલ બહુ નાની હતી. નવા આવતા દર્દીઓ માટે જગ્યા કરવી પડે તેમ હતું માટે જર્મનો જુના અશક્ત કેદીઓને ભઠ્ઠીના હવાલે કરી દેતા હતા.

મને એવો પણ વિચાર આવ્યો કે મારો હાડપિંજર જેવો પડોશી કદાચ મને ડરાવી રહ્યો હતો. હું ડરીને હોસ્પિટલ છોડી જાવ તો એક પથારી ખાલી થાય અને તેની ભઠ્ઠી માટે પસંદગી થવાની શક્યતા ઘટે. મેં ચુપચાપ રાહ જોવાનું નક્કી કર્યું.

બીજે દિવસે ડોકટરે મને કહ્યું કે, "આજે દસ વાગે તારું ઓપરેશન છે."

તેઓ મને દસ વાગે ઓપરેશન માટે લઇ ગયા. મારુ ઓપરેશન એક કલાક ચાલ્યું. તેમણે મને બેભાન ન કર્યો. હું ઓપરેશનની શરૂઆતમાં ડોક્ટરને જોઈ રહ્યો હતો. થોડીવાર પછી અસહ્ય પીડાને કારણે હું બેભાન થઇ ગયો.

હું જયારે ભાનમાં આવ્યો ત્યારે ડોક્ટર મારી પાસે ઉભો હતો.

"તારે બે અઠવાડિયા અહીંયા આરામ કરવો પડશે. બે અઠવાડિયા સુધી તું અહીં રહીશ." તે બોલ્યો.

મારુ ધ્યાન તેના તરફ નોહતું. મેં મારો પગ હલાવવાનો પ્રયત્ન કર્યો પણ મેં પગમાં કોઈ જ સંવેદના ન અનુભવી. હું ડરી ગયો. મને પરસેવો વળી ગયો.

"ડોક્ટર, હું ચાલી તો શકીશ ને?" મેં હિંમત કરીને ડોક્ટરને પૂછ્યું.

"તારા પગના તળિયામાં રસી થઇ ગઈ હતી. મારે તારા પગના તળિયાની ચામડી દૂર કરીને બધી રસી કાઢવી પડી. તું પંદર દિવસ આરામ કરીશ એટલે બીજા લોકોની જેમ જ ચાલી શકીશ." ડોક્ટર હસીને બોલ્યો.

મારા ઓપરેશનના બે દિવસ પછી કેમ્પમાં અફવા ફેલાવા લાગી કે યુદ્ધ મોરચો નજીક આવી ગયો છે. રશિયન સેના બુના તરફ આવી રહી છે. થોડા જ દિવસોમાં તે બુના પોહંચી જશે.

અમે આ પેહલા પણ ઘણી અફવાઓ સાંભળી હતી, રેડ ક્રોસ અમારી આઝાદી માટે મથી રહ્યાની અફવા, કોઈ તારણહારના જન્મવાની અફવા...વગેરે. આવી અફવાઓ અમારા માટે મોર્ફીનના ઇન્જેક્સનો જેવું કામ કરતી અને અમે અમારી પીડાઓ ભૂલી જતા.

પણ આ વખતે અમને રશિયન સેનાની અમારા તરફ કૂચની અફવા સાચી લાગતી હતી. એક રાત્રે અમને તોપોની ગર્જના પણ સંભળાવા લાગી.

મારો હાડપિંજર જેવો પડોશી તોપોની ગર્જના સાંભળીને બોલ્યો," છોકરા, બહુ આશા ન બાંધ. હિટલરે પોતે હારે તે પેહલા બધા જ યહૂદીઓને ખતમ કરી નાખવાનું નક્કી કરી લીધું છે અને તે તેમ કરીને જ રહેશે."

"હિટલર થોડો કોઈ ભગવાન છે." હું ગુસ્સામાં બોલ્યો.

તે હસીને બોલ્યો, "મને ભગવાન કરતા હિટલર પર વધુ વિશ્વાસ છે. તેણે યહૂદીઓને આપેલા બધા જ વચન પાળ્યા છે."

(ક્રમશ:)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED