kaadratri books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-3

પ્રકરણ - 3

(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે જર્મનોએ લેખકના ગામનો કબજો લેતા ગામના બધા યહૂદીઓ પર અલગ અલગ પ્રતિબંધો લાદવામાં આવ્યા. એક રાત્રે લેખકના પિતાને પંચાયતની બેઠકમાં બોલાવીને જણાવવામાં આવ્યું કે યહૂદીઓને સવારે ત્યાંથી બીજે ખસેડવામાં આવશે. લેખકની ઝૂંપડપટ્ટી(Ghetto)માં અચાનક ગતિવિધિઓ તેજ થઇ ગઈ. હવે, આગળ વાંચો...)

ધીરે ધીરે આખી ઝૂંપડપટ્ટી (Ghetto) ઉઠી ગઈ. દરેક ઘરમાં પ્રકાશ થવા લાગ્યો.

હું મારા પિતાજીના એક મિત્રને ઉઠાડવા માટે તેમના ઘરે ગયો. મેં તે ધોળી દાઢીવાળા અને પાછળ ખૂંધ ધરાવતા સજ્જનને ભરઊંઘમાંથી ઉઠાડ્યા અને કહ્યું," જાગો, આપણને કાલે અહીંથી કાઢી મુકવામાં આવશે. આપણે કાલ માટે તૈયાર થવાનું છે. તમારે પણ તૈયાર રહેવું પડશે. ક્યાં જવાનું છે એ મને ન પૂછશો. કેમકે મને પણ એ ખબર નથી."

પેલા વૃદ્ધ સજ્જન અડધી ઊંઘમાં મારી સામે જાણે હું ગાંડો હોઉં તેમ જોઈ રહ્યા. તેમની આંખોમાં ભય હતો. તેમને એમ લાગ્યું કે હું મજાક કરું છું. હમણાં હું હસીને બોલી ઉઠીશ કે, સુઈ જાવ હું તો મજાક કરતો હતો. એ આશાએ તે બેઠા રહ્યા.

મારુ ગળું સુકાઈ રહ્યું હતું. મારા હોઠ ફફડી રહ્યા હતા. હું બીજું કાંઈ પણ તેમને કહી શકું તેમ નોહતો.

અંતે તેમને પરિસ્થીતી સમજાઈ. તેઓ ધીરેથી ઉઠ્યા અને કપડા પહેરવા લાગ્યા. તે જ્યાં તેમની પત્ની સુઈ રહી હતી તે પલંગ પાસે ગયા અને ધીરેથી પોતાની પત્નીના કપાળ પર હાથ ફેરવ્યો. તેમની પત્ની જાગી અને તેમની સામે હસી, પછી બન્ને પોતાના સુતેલા બાળકોને જગાડવા અંદરના ઓરડામાં ચાલ્યા ગયા. હું પણ ત્યાંથી પાછો ફર્યો.

સમય ખુબ ઝડપથી પસાર થઈ રહ્યો હતો. સવારના ચાર વાગી ગયા હતા. મારા પિતા આમ તેમ આંટા મારી રહ્યા હતા. તેઓ ખુબ થાકેલા લગતા હતા. તેઓ પોતાના મિત્રોને સાંત્વના આપી રહ્યા હતા. તે થોડી થોડીવારે પંચાયતના સભ્યોને પૂછી રહ્યા હતા કે છેલ્લી ઘડીએ આદેશ રદ તો નથી થયો ને? લોકો છેલ્લી ઘડી સુધી આશાવાદી હતા.

સમગ્ર ઝૂંપડપટ્ટીમાં ઘમાસાણ મચેલું હતું. સ્ત્રીઓ જમવાનું બનાવી રહી હતી. કેટલીક સાથે લઇ જવાના થેલાઓ સાંધી રહી હતી. બાળકો કારણ વગર આમતેમ આંટા મારી રહ્યા હતા અને મોટાઓની અડફેટે આવી રહ્યા હતા.

અમારા ઘરનું ફળિયું જાણે એક ચોરબજાર બની ગયું હતું. લોકો પોતાના ઘરમાં રહેલી કિંમતી વસ્તુઓ ધડાધડ અમારા ફળિયામાં ઠાલવી રહ્યા હતા.

આંઠ વાગ્યા સુધીમાં શારીરિક થાક જાણે અમારી નસો અને મગજમાં પીગળેલા શીશાની જેમ ઠરી ગયો. જયારે શેરીઓમાંથી અવાજ આવવાના શરૂ થયા ત્યારે હું સવારની પ્રાર્થના કરી રહ્યો હતો.હું ઝડપથી બારી પાસે બહાર શું થઇ રહ્યું છે તે જોવા પહોંચી ગયો. હંગેરિયન પોલીસ ઝુંપડપટ્ટીમાં પ્રવેશી ચુકી હતી અને પોલીસ અધિકારીઓ જોર જોરથી બૂમો પાડી રહ્યા હતા,"બધા જ યહૂદીઓ બહાર નીકળો, જલદી..."

તેમની પાછળ જ જર્મનો દ્વારા નીમવામાં આવેલા યહૂદી પોલીસ અધિકારીઓ પણ પ્રવેશ્યા. તેઓ બોલી રહ્યા હતા,"સમય આવી ગયો છે. તમારે બધા એ આ બધું છોડીને જવું પડશે."

હંગેરિયન પોલીસે પોતાની બંદૂકના ગુંદાઓ અને અણીઓ વડે બાળકો, સ્ત્રીઓ અને અપંગોને મારવાનું શરૂ કર્યું.

વારાફરતી બધા જ ઘર ખાલી થવા લાગ્યા. શેરીઓ, પીઠ પાછળ લટકાવેલા બિસ્તરાઓ લઈને ઉભેલા લોકો વડે ભરાવા લાગી. દસ વાગ્યા સુધીમાં બધા જ બહાર હતા. પોલીસ હાજરી લઈ રહી હતી. એક વાર, બે વાર, ત્રણ વાર...આશરે વીસ વાર હાજરી લેવામાં આવી. તેઓ કોઈ રહી ન જાય તેમ ઇચ્છતા હતા. ગરમી અસહ્ય હતી. લોકોના શરીર પરથી પરસેવો નદીઓની જેમ વહી રહ્યો હતો.

નાના છોકરાઓ પાણી માટે બૂમો પાડી રહ્યા હતા.

પાણી, હાં પાણી તો દરેક ઘરમાં હતું પણ લાઈન તોડવાની મનાઈ હોવાથી પાણી લેવા કોઈ ઘરોમાં જઈ શકતું નહીં.

"માં, મારે પાણી પીવું છે." લગભગ દરેક લાઇનમાંથી નાના બાળકોના અવાજો આવી રહ્યા હતા.

કેટલાક યહૂદી પોલીસના માણસો છુપાઈને બાળકોને પાણી આપી રહ્યા હતા. હું અને મારી બહેનો સૌથી છેલ્લી લાઈનમાં હતા માટે અમે હરીફરી શકતા હતા. અમે અમારાથી બનતી મદદ કરવાનો પ્રયત્ન કર્યો.

અંતે બપોરે એક વાગ્યે ચાલવાનો આદેશ આવ્યો.

અચાનક લોકોના ચહેરા પર ખુશી આવી. તેમને કદાચ એવું લાગ્યું હશે કે ભરબપોરે પાણી અને ખોરાક વગર તપતિ ગરમીમાં શું થશે તે જાણ્યા વગર ઉભા રહેવા કરતા મોટી કોઈ યાતના નહીં હોય. તેઓ આ યાતનામાંથી છૂટ્યા હતા માટે તેઓ ખુશ થયા હતા. તેઓ પોતાની પાછળ છૂટી ગયેલા ઘરો સામે નજર પણ નાખ્યા વગર ચાલતા થયા. દરેકની પીઠ પર બિસ્તરા હતા. દરેકની આંખોમાં આંસુ અને નિરાશા હતી. ધીરે ધીરે બધા ઝૂંપડપટ્ટીના મુખ્ય દરવાજા તરફ આગળ વધ્યા.

હું ત્યાં ફુટપાથ પર ઉભો ઉભો આ બધાને મારી સામેથી પસાર થતા જોઈ રહ્યો હતો. મારી સામેથી અમારા મુખ્ય પાદરી પણ પસાર થયા. તેમનો દાઢી વગરનો ચહેરો, વળેલી પીઠ અને પીઠ પરનો બિસ્તરો અલગ જ દ્રશ્ય ઉભું કરતા હતા. તેમની આ ટોળામાં હાજરી માત્ર જ આખા દ્રશ્યને સ્વપ્નવત બનાવવા માટે પૂરતી હતી. તે આખું દ્રશ્ય કોઈ ઐતિહાસિક નવલકથાના ફાટેલા પાના જેવું લાગતું હતું.

તેઓ મારી સામેથી વારાફરતી પસાર થયા. મારા શીક્ષકો, મારા મિત્રો, એવા લોકો કે જેમનાથી હું ડરતો હતો, જેમને હું સામાન્ય ગણતો હતો, જેઓ મારા જીવનનો એક ભાગ હતા-એક પછી એક મારી સામે પોતાની પીઠ પર બિસ્તરાઓ બાંધીને પસાર થઇ રહ્યા હતા. તેમના ચેહરા પર અને ચાલમાં હાર હતી. તેઓ હારેલા અને મૂળથી ઉખડેલા લોકો હતા જે પોતાના ઘરબાર છોડીને જઈ રહ્યા હતા.

તેઓ મારી સામેથી માર ખાધેલા કુતરાઓની જેમ પસાર થયા. તેમાંથી કોઈએ પણ મારા તરફ નજર ન કરી. કદાચ તેમને મારી ઈર્ષા આવી હશે.

તેઓ ચાલતા ચાલતા મારી નજર સામેથી દૂર થયા ત્યાં સુધી હું તેમને જોતો રહ્યો. તેમના ગયા પછી શેરીઓ ભેંકાર થઇ. શેરીઓમાં અનેક વસ્તુઓ વિખરાયેલી પડી હતી. ખાલી સુટકેસો, થેલાઓ, નાના ચપ્પાઓ, કાગળિયા, ફાટેલા ફોટાઓ વગેરે શેરીઓમાં આમતેમ પડેલા હતા. તેમનું હવે કોઈ મહત્વ ન હતું. તેમના માલિકો તેમને છોડી ચુક્યા હતા.

મોટા ભાગના ઘરના બારણાઓ ખુલ્લા હતા. ખુલ્લી બારીઓ જાણે અનંતમાં જોઈ રહી હતી. હવે આ ઘરો જાહેર મિલ્કત હતા. કોઈપણ તેમનો કબજો લઇ શકે તેમ હતું. એ ખુલ્લી કબરો જેવા લાગતા હતા.

(શું લેખક અને તેમનો પરિવાર પણ આ જ રીતે પોતાનું ઘર છોડી દેશે? કે તેઓ જર્મનોના સકંજામાંથી ભાગવામાં સફળ થશે? જાણવા માટે વાંચો...આગળનું પ્રકરણ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED