પ્રકરણ - 6
(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે, લેખક અને તેમનો પરિવાર ઓસચવિત્ઝના કુખ્યાત બર્કનાઉં કેમ્પમાં પોહચી ગયા. હવે, આગળ વાંચો...)
અમે અમારો બધો જ સામાન અમારી ભ્રમણાઓ સાથે રેલવે વેગનોમાં છોડી ચુક્યા હતા.
થોડા થોડા અંતરે એસ.એસ. (હિટલર દ્વારા સ્થાપવામાં આવેલું કુખ્યાત સશસ્ત્ર સંગઠન) ના માણસો તેમની મશીનગન સાથે ઉભા હતા. તેમની મશીનગનો અમારા પર તકાયેલી હતી. અમે એકબીજાના હાથ પકડીને સમૂહમાં આગળ વધ્યા.
એક સૈનિક અમારા પર લાકડીઓ વિંઝતો આગળ વધ્યો. તેણે આદેશ આપ્યો,"સ્ત્રીઓ જમણી તરફ અને પુરુષો ડાબી તરફ."
સાત શબ્દો. કોઈ પણ જાતની લાગણીઓ વગર બોલાયેલા આ સાત શબ્દો. આ સાત શબ્દોએ મારી માંને મારાથી હંમેશ માટે અલગ કરી દીધી. આ સાત શબ્દોનું મહત્વ તે ક્ષણે મારા માટે કઈં જ નોહતું. અમારી પાસે સમય નોહતો. મારા પિતાએ મારો હાથ જોરથી પકડ્યો. હું મારી બહેનો અને માંને જમણી તરફ જતા જોઈ રહ્યો. મારી નાની બહેને મારી માંનો હાથ પકડ્યો હતો. મારી માં તેના સોનેરી વાળ પર હાથ ફેરવી રહી હતી. જાણે તેનું રક્ષણ કરવાનો પ્રયત્ન કરી રહી હોય. હું મારા પિતા અને બીજા પુરુષો સાથે ડાબી તરફ ચાલ્યો. આ એ ક્ષણ હતી જયારે મેં મારી નાની બહેન અને મારી માંને છેલ્લી વાર જોયા. એ ક્ષણનું મહત્વ મને આજે સમજાય છે. જો મને ખબર હોત કે હું મારી માં અને નાની બહેનને ફરી ક્યારેય નથી જોવાનો તો હું થોડી વાર ઉભો રહીને તેમને થોડો વધુ સમય નિહાળેત.
મારી પાછળ ચાલી રહેલો એક વૃદ્ધ પડી ગયો. તરત જ પાસે રહેલા એસ.એસ.ના સૈનિકે પોતાની રિવોલ્વર કાઢી.
મેં મારા પિતાનો હાથ જોરથી પકડ્યો. હું તેમનાથી દૂર જવા નોહતો માંગતો. મારે તેમને ગુમાવવા નોહતા.
"પાંચ પાંચની લાઈન બનાવો." અચાનક આદેશ છૂટ્યો.
ફરી અફરાતફરી મચી ગઈ. હું મહાપ્રયત્ને મારા પિતાની સાથે રહી શક્યો.
અચાનક ત્યાં રહેલા કેદીમાંથી એક કેદી અમારી પાસે આવ્યો. હું અંધકારમાં તેનો ચેહરો નોહતો જોઈ શકતો પણ તેનો અવાજ સાંભળી શકતો હતો. તેણે મને પૂછ્યું,"એય છોકરા, કેટલા વર્ષનો છે તું ?"
"પંદર."
"ના, તું અઢાર વર્ષનો છે. હવેથી કોઈ તને પૂછે તો તું કહીશ કે 'હું અઢાર વર્ષનો છું. '"
"પણ હું તો પંદર વર્ષનો છું."
"મેં કહ્યું ને તને તારે જીવવું હોય તો આજથી તું અઢાર વર્ષનો છે."
તે પછી મારા પિતા તરફ ફર્યો.
"તમે કેટલા વર્ષના છો?"
"પચાસ."
"નહીં, આજથી તમારી ઉંમર ચાલીસ વર્ષની છે. યાદ રાખજો અઢાર અને ચાલીસ."
તે અમને સલાહ આપી અંધકારમાં ઓગળી ગયો. ફરી એક કેદી અમારી પાસે આવ્યો અને બોલવા લાગ્યો,"તમે બધા અહીં કેમ આવ્યા ? તમને ખબર નથી કે અહીં શું ચાલી રહ્યું છે ? તમને કોઈ જ જાણકારી નથી કે ઓસચવિત્ઝના કેમ્પમાં શું કરવામાં આવી રહ્યું છે ?"
અમારા માંથી કોઈએ હિંમત કરીને જવાબ આપ્યો," તને શું લાગે છે અમે અહીં આવવા માટે જર્મનોને કહ્યું હતું ? અમે થોડા અમારી મરજીથી અહીં આવ્યા છીએ. અમને અહીં લાવવામાં આવ્યા છે."
પેલો કેદી ગુસ્સાથી બોલ્યો,"અહીં આવવા કરતા તો તમારે બધાએ આત્મહત્યા કરી લેવાની જરૂર હતી. તમને અહીં ઓસચવિત્ઝમાં શું ચાલી રહ્યું છે તે ખબર છે ?"
તે સાચો હતો અમને સાચે જ ખબર નોહતી. જયારે તેણે જાણ્યું કે અમને સાચે જ ઓસચવિત્ઝ વિષે ખબર નોહતી ત્યારે તેને વિશ્વાસ ન આવ્યો.
"ત્યાં...ત્યાં તમને ચીમની અને આગની જ્વાળાઓ દેખાય છે ?" તેણે ચીમની તરફ આંગળી ચીંધી.
"ત્યાં તમને બધાને લઇ જવામાં આવશે અને વારાફરતી એ આગમાં ફેંકવામાં આવશે. ત્યાં જ તમે રાખમાં ફેરવાઈ જશો. તમે બધા જીવતા સળગીને રાખ થઇ જવાના છો એ આગમાં..."
અમે બધા સ્તબ્ધ થઇ ગયા.શું સાચે જ આ બની રહ્યું હતું ? કે આ એક ખરાબ સપનું હતું ?
મારી આસપાસ ગણગણાટ ચાલુ થયો,"તેઓ આપણને પશુઓની જેમ મારી નાખે એ પેહલા આપણે કઈંક કરવું જોઈએ."
ટોળામાં રહેલા યુવાનો કે જેમની પાસે છરીઓ હતી, બધાને હથિયારધારી સૈનિકો પર હુમલો કરવા સમજાવી રહ્યા હતા. તેમને ખબર હતી કે એમ કરવા જતા જાન ગુમાવવાની આવશે પણ તેઓ આગના હવાલે થવા નોહતા માંગતા.
કેટલાક વડીલોએ તેમને સમજાવ્યા કે આપણે આપણા છેલ્લા શ્વાસ સુધી આશા ન છોડવી જોઈએ. થોડીવારની ઉગ્ર ચર્ચા પછી વિદ્રોહની આગ ઠરી ગઈ.
અમને આગળ ધકેલવામાં આવ્યા જ્યાં બે રસ્તા પડતા હતા. એક ડાબી તરફ અને એક જમણી તરફ. ત્યાં જ બરોબર વચ્ચે ઉભો હતો એક ઓફિસર. એ હતો કુખ્યાત ડો.મેન્ગલ (ડો.મેન્ગલ કેદીઓ પર પાશવી પ્રયોગો કરવા માટે કુખ્યાત હતો). તે દેખાવમાં કોઈ પણ બીજા એસ.એસ. ઓફિસર જેવો જ લાગતો હતો. ફર્ક માત્ર એટલો હતો કે એ બીજા બધા કરતા વિદ્વાન દેખાતો હતો. તેની આંખો પર ચશ્મા હતા. તેના હાથમાં એક લાકડી હતી. તે લાકડી ચલાવીને લોકોને ડાબી અને જમણી બાજુ મોકલી રહ્યો હતો.
થોડી જ ક્ષણોમાં હું તેની સામે ઉભો હતો.
"તારી ઉંમર કેટલી છે ?" તેણે મને પ્રેમથી પૂછ્યું.
"અઢાર." મારો અવાજ ધ્રુજતો હતો.
"તારું સ્વાસ્થ્ય કેવું છે ?"
"સારું."
"તારો વ્યવસાય શું છે ?"
હું કેહવા માંગતો હતો કે હું વિદ્યાર્થી છું પણ મેં "ખેતી" કહ્યું.
અમારી વચ્ચેનો આ વાર્તાલાપ બહુ ટૂંકો હતો પણ મને સમય જાણે થંભી ગયો હોય એમ લાગ્યું.
તેણે પોતાની લાકડી ડાબી તરફ ચીંધીને મને ડાબી તરફ મોકલી આપ્યો. હું થોડો આગળ જઈને થંભી ગયો. મારે મારા પિતાને કઈ તરફ મોકલે છે એ જોવું હતું. જો તેમને જમણી તરફ મોકલે તો મેં દોડીને તેમની પાસે પોંહચી જવાની તૈયારી કરી લીધી હતી. પણ લાકડી ફરી ડાબી તરફ ચીંધાઇ અને મને રાહત થઇ.
અમને ખબર નોહતી કે ડાબી તરફ સારી હતી કે જમણી. ડાબી તરફનો રસ્તો કેદખાના તરફ જતો હતો કે સ્મશાનગૃહ તરફ ? મારા માટે તે ક્ષણે મારા પિતા મારી સાથે હતા તે બાબતથી વધુ મહત્વનું કંઈ જ નોહતું. હું ખુશ હતો કે એ મારી સાથે હતા. અમારો કાફલો ધીરે ધીરે આગળ વધ્યો.
ફરી એક કેદી અમારી પાસે આવ્યો અને બોલ્યો,"સંતોષ થયો ?"
અમારા માંથી કોઈએ હા પાડી."બિચારા, તમને ખબર છે કે આ રસ્તો સ્મશાનગૃહ તરફ જાય છે ?"
એ સાચું બોલી રહ્યો હતો. અમારા કાફલાથી થોડે દૂર એક મોટા ખાડામાંથી આગની જ્વાળાઓ ઉઠી રહી હતી અને અમે બધા ધીરે ધીરે એ જ્વાળાઓ તરફ આગળ વધી રહ્યા હતા.
(શું આ રાત લેખક અને તેમના પિતા માટે સાથે રેહવાની છેલ્લી હશે ? શું લેખક પોતાના પિતાને હંમેશ માટે ગુમાવી દેશે ? જાણવા માટે વાંચો હવે પછીનું પ્રકરણ...)