Kaalratri books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી-4

પ્રકરણ - 4

(આગલા પ્રકરણમાં આપણે વાંચ્યું કે લેખકે તેમની સાથે રહેતા લોકોને જર્મનો દ્વારા કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જતા નિહાળ્યા. શું હવે લેખક અને તેમના પરિવારનો તેમનું ઘર છોડવાનો વારો હતો? જાણવા માટે વાંચો...)

અમે આખો દિવસ ખોરાક વગર વિતાવ્યો. અમને ખરેખર ભૂખ પણ નોહતી. અમે ખુબ થાકેલા હતા.

મારા પિતાજી બધાને વળાવવા દૂર સુધી ગયા.

સૌથી પેહલા તેમને મુખ્ય સિનેગોગ(યહૂદીઓનું ચર્ચ) સુધી લઇ જવામાં આવ્યા જ્યાં તેમની ફરીથી જડતી લેવામાં આવી જેથી કોઈ સંતાડીને સોનુ કે બીજો કોઈ સમાન નથી લઇ જતાને એ ખબર પડે.

"આપણો વારો ક્યારે આવશે?" મેં મારા પિતાને પૂછ્યું.

"કદાચ પરમ દિવસે...સિવાય કે કોઈ ચમત્કાર થાય."

કોઈને ખબર નહોતી કે બધાને ક્યાં લઇ જવામાં આવ્યા છે?

પછી રાત પડી. તે સાંજે અમે વહેલા સુઈ ગયા.મારા પિતાએ અમને કહ્યું,"શાંતિથી સુઈ જાઓ. પરમદિવસ એટલે કે મંગળવાર સુધી કંઈ જ થવાનું નથી."

સોમવાર જલદીથી પસાર થઇ ગયો.

અમે સફરની તૈયારીમાં બધું જ ભૂલી ગયા. તે રાત્રે મારી માં એ અમને શક્તિ બચાવવા વહેલા સુવડાવી દીધા.

એ રાત અમે અમારા ઘરમાં વિતાવેલી છેલ્લી રાત હતી.

હું સૂર્યોદય સમયે ઉઠ્યો. મારા પિતા મારા પેહલા ઉઠી અને ગામમાં સમાચાર જાણવા ગયા હતા. તે આંઠ વાગે પાછા આવ્યા. સમાચાર સારા હતા. અમારે તે દિવસે રવાના થવાનું ન હતું. અમારે માત્ર નાની ઝૂંપડપટ્ટી (Ghetto) માં જવાનું હતું ત્યાંથી સૌથી છેલ્લે અમે રવાના થવાના હતા.

નવ વાગ્યે પેલા દિવસનું દ્રશ્ય ફરીથી ભજવાયું. પોલીસ ફરીથી ડંડા પછાડતી આવી. અમને બધાને ફરીથી બહાર કાઢવામાં આવ્યા. હું મારા માતા પિતા સામે નજર કરવા નોહતો માંગતો. મારે તેમની સામે રડવું નોહતું. અમને પેલા દિવસની જેમ જ ફરીથી અમને શેરી વચ્ચે બેસાડવામાં આવ્યા. ફરીથી એ જ ગરમી અને ફરી પછી એ જ તરસ. ફરક માત્ર એટલો જ હતો કે અમને પાણી આપવા માટે કોઈ જ નોહતું.

મેં મારા ઘર સામે જોયું કે જેમાં મેં વર્ષો વિતાવ્યા હતા. હું આ ઘરમાં જ મારા ભવિષ્યના સપના જોતો હતો. તેમ છતાં હું દુઃખી નોહતો. મારી લાગણીઓ જાણે મરી પરવારી હતી.

"ચાલો, હવે હાજરી પુરાવો."

અમે ઉભા થયા. અમારી ગણતરી કરવામાં આવી. અમે બેસી ગયા. અમારી વારંવાર ગણતરી કરવામાં આવી. અમે રાહ જોતા રહ્યા કે ક્યારે અમને અહીંથી ચાલવાનો આદેશ આપવામાં આવશે. અંતે લાંબી રાહ બાદ એ આદેશ આવ્યો.

મારા પિતા રડી રહ્યા હતા. મેં ક્યારેય તેમને રડતા જોયા નોહતા. એ મારા માન્યામાં આવે એવી બાબત નોહતી. મેં મારી માં તરફ જોયું.તે ચુપચાપ ચાલી રહી હતી. તેના ચેહરા પર કોઈ ભાવ નોહતા. મેં મારી સૌથી નાની સાત વર્ષની બહેન તરફ નજર કરી. તેના સોનેરી વાળ વ્યવસ્થિત ઓળેલા હતા. તેનો લાલ કોટ તેણે હાથમાં પકડ્યો હતો. તેની પીઠ પરનો થેલો તેની ઉમર પ્રમાણે વધારે વજનદાર હતો. તે ચુપચાપ તે થેલાનું વજન ઉંચકી રહી હતી. તેને ખબર હતી કે ફરીયાદ કરવાનો કોઈ અર્થ નોહતો. પોલીસ આડેધડ ડંડાઓ વીંઝી રહી હતી. તેઓ જલદી ચાલવા માટે કહી રહ્યા હતા. મારા પગમાં જાણે શક્તિ જ નોહતી રહી. હજુ તો અમે ચાલવાનું શરૂ કર્યું હતું અને મને નબળાઈ લાગી રહી હતી.

"જલદી ચાલો, જલદી ચાલો, નબળા માણસો..." હંગેરીયન પોલીસવાળા રાડો પાડી રહ્યા હતા.

ત્યારે મેં તેમને પહેલીવાર ધિક્કારવાનું શરૂ કર્યું. તેઓ અમને પીડા દેવા વાળા પ્રથમ લોકો હતા. તેઓ અમારા નર્કની શરૂઆતના પહેરેદારો હતા. હું આજે પણ તેમને એ જ ધિક્કારથી યાદ કરું છું.

તેમણે અમને દોડવાનો આદેશ આપ્યો અને અમે દોડવા લાગ્યા. અમને પણ અમારામાં અચાનક આવેલી શક્તિ માટે આશ્ચર્ય થયું. અમે ગામના રસ્તાઓ પર દોડી રહ્યા હતા ત્યારે અમારા બીજા બિનયહૂદી ગામલોકો પોતાની બારીઓ પાછળથી અમને જોઈ રહ્યા હતા.

અંતે અમે એ નાની ઝૂંપડપટ્ટીમાં પોહચી ગયા. ઘણા પોંહચતા જ પોતાના સમાન સાથે જમીન પર પડ્યા.

"હે, ભગવાન. અમારા પર થોડી તો દયા કર." ઘણા પ્રાર્થના કરી રહ્યા હતા.

નાની ઝૂંપડપટ્ટી કે જે હજુ થોડા દિવસો પેહલા જ આબાદ હતી અત્યારે કોઈ ભૂતિયા વસ્તી જેવી લાગી રહી હતી. ત્રણ દિવસ પેહલા જે વસ્તુઓ અને સામાન બીજાની માલિકીની હતી તે હવે અમે વાપરી રહ્યા હતા. અમે જાણે તેમના અસ્તિત્વને સાવ ભુલી જ ગયા હતા.

અહીંયા મોટી ઝૂંપડપટ્ટી કરતા પણ વધુ અવ્યવસ્થા હતી. તેમાં રહેવાવાળાઓને અચાનક જ તે જગ્યા છોડવી પડી હતી. મેં મારા અંકલ જે ઓરડાઓમાં રહેતા હતા તેમની મૂલાકાત લીધી. ટેબલ પર સૂપનું અડધું બાઉલ એમ જ પડેલું હતું. એક તરફ લોટ બાંધેલો પડ્યો હતો. ઓરડાની ભોંય પર પુસ્તકો વિખરાયેલા પડ્યા હતા. શું મારા અંકલ તેમને સાથે લઇ જવા માંગતા હતા?

અમે તે ઘરમાં જ સ્થાયી(?) થયા. હું લાકડા શોધી લાવ્યો. મારી મોટી બહેને આગ સળગાવી. મારી માંની તબિયત ખરાબ હોવા છતાં તેણે જમવાનું બનાવ્યું. તે સતત બોલી રહી હતી,"આપણે હિંમત ન હારવી જોઈએ."

લોકોનો જુસ્સો હજુ સાબૂત હતો. અમને આ પરિસ્થિતિની પણ આદત પડી ગઈ. કેટલાક લોકો ફરીથી આશાવાદી થઇ ગયા.

તેઓ કહી રહયા હતા કે,"જર્મનો પાસે આપણને ખસેડવાનો સમય નહીં હોય એટલે આપણે કદાચ સુરક્ષિત છીએ. જે લોકોને અહીંથી લઇ જવામાં આવ્યા તેઓ કમનસીબ હતા. આપણને જર્મનો અહીં યુદ્ધના બાકીના દિવસો કાઢવા દેશે."

એ ઝૂંપડપટ્ટીમાં ચોકીપહેરો નોહતો માટે લોકો અંદર આવ જા કરી શકતા. અમારી જૂની નોકરાણી મારીયા અમને મળવા આવી. તેણે રડતા રડતા મારા પિતાને જણાવ્યું કે તેણે પોતાના ગામડે અમારા બધાની સંતાઈને રહેવા માટે વ્યવસ્થા કરી છે. પણ મારા પિતા તૈયાર ન થયા. તેમણે મને અને મારી બે બહેનોને જવાની રજા આપી પણ તે મારી માતા અને નાની બહેન સાથે ત્યાં જ રહેશે તેમ જણાવ્યું. સ્વાભાવિક રીતે અમે તેમનાથી અલગ થવા રાજી ન થયા. મારીયા નિરાશ થઈને ચાલી ગઈ.

***

રાત પડતી ત્યારે કોઈ તે રાત પુરી થાય તેમ નોહતું ઇચ્છતું. આકાશમાં ચમકતા તારાઓ જાણે આગ ઓકતા હોય એવું લાગતું. એ આગ જાણે અમને સૌને ભરખી જવાની હોય એવું લાગતું. કદાચ એ આગ અમને કાયમ માટે ખતમ કરી નાખશે. અમે પણ બુઝાઈ ગયેલા તારાઓની જેમ નાશ પામીશું.

દિવસ ઉગ્યો અને ફરીથી લોકોનો મિજાજ સારો થવા લાગ્યો. મિજાજ ફરીથી આશાવાદી બન્યો. લોકો પાછા આશાવાદ વ્યક્ત કરવા લાગ્યા. તેઓ કહી રહ્યા,"જર્મનો આપણી સુરક્ષા માટે જ આપણને અહીંથી ખસેડી રહ્યા છે. યુદ્ધ મોરચો નજીક આવી રહ્યો છે. થોડાદિવસમાં તોપોનો ગડગડાટ પણ કદાચ સાંભળવા મળશે."

"આ બધું માત્ર ને માત્ર આપણી સંપત્તિ પડાવવા માટે જ છે. જર્મનોને ખબર છે કે આપણે બધું સોનુ અને કિંમતી વસ્તુઓ દાટી દીધી છે. આપણી હાજરીમાં તેઓ ખોદવા નથી માંગતા માટે આપણે જયારે વેકેશન પર હોઈએ ત્યારે તેઓ ખોદીને લઇ શકે માટે તેઓ આપણને અહીંથી ખસેડી રહ્યા છે."

વેકેશન-કેવો હાસ્યાસ્પદ વિચાર હતો તે.

આવી હાસ્યાસ્પદ અને ધડ માથા વગરની વાતો અમને દિવસ પસાર કરવામાં મદદ કરતી. અમે ત્યાં ગાળેલા બહુ થોડા દિવસો શાંતિથી પસાર થયા હતા. અહીં બધા જ એક સમાન હતા. કોઈ જ ગરીબ કે અમીર નોહતું. બધા જ એક અજ્ઞાત ભવિષ્ય તરફ ગતિ કરી રહ્યા હતા.

શનિવાર અમારી હકાલપટ્ટી માટે નક્કી કરવામાં આવ્યો.

શુક્રવારે રાત્રે હું મારા પરિવાર સાથે જમવા બેઠો. અમે રોજની જેમ પ્રાર્થના કરી અને ચુપચાપ જમ્યા. અમને જાણે અંદાજ આવી ગયો હતો કે પરિવાર તરીકે એક સાથે આ અમારું છેલ્લું ભોજન હતું. હું આખી રાત ઊંઘી ન શક્યો. મેં આખી રાત જૂની વાતો યાદ કરવામાં વિતાવી.

મળસ્કે અમે બધા ફરીથી શેરીઓમાં જવા માટે તૈયાર ઉભા હતા. આ વખતે હંગેરિયન પોલીસ હાજર નોહતી. યહૂદી પંચાયતે બધી કામગીરી હાથમાં લીધી હતી.

અમારો કાફલો મુખ્ય સિનેગોગ (યહૂદી ચર્ચ) તરફ આગળ વધ્યો. ગામ ભેંકાર લાગી રહ્યું હતું. પણ અમને ખબર હતી બંધ બારણાઓ પાછળ રહેલા અમારા ભૂતપૂર્વ મિત્રો અમને જતા જોઈ રહ્યા હતા જેથી તેઓ અમારા ઘરોમાં પછી લૂંટફાટ કરી શકે.

મુખ્ય સિનેગોગનું વાતાવરણ કોઈ મોટા રેલવેસ્ટેશન જેવું થઇ ગયું હતું. ચારેતરફ સામાન હતો અને લોકોની આંખોમાં આંસુઓ હતા. અમારી સંખ્યા તે મકાન પ્રમાણે ઘણી વધારે હતી. બધા એ સાંકડી જગ્યામાં સમાઈ નોહતા રહ્યા. ભીડને લીધે શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી. અમે ત્યાં ગાળેલા ચોવીસ કલાક ભયાનક હતા. પુરુષો નીચેના માળે હતા જયારે સ્ત્રીઓ ઉપરના માળે. બહાર નીકળવાની સખત મનાઈ હોવાના કારણે લોકો ખૂણાઓમાં પેશાબ કરી રહ્યા હતા.

બીજે દિવસે અમારો કાફલો સ્ટેશન તરફ ચાલ્યો. અમને રેલવેસ્ટેશન પર પશુઓ ભરવાના રેલવે વેગનોમાં ભરવામાં આવ્યા. દર એક વેગનમાં એંશી લોકોને પશુઓની જેમ પુરવામાં આવ્યા. દરેક વેગનમાં એક ગાર્ડ મુકવામાં આવ્યો. તેને આદેશ હતા કે ભાગવાનો પ્રયત્ન કરનારને ગોળીએ દેવા. દરેક વેગનમાં થોડી બ્રેડ અને પાણીની ડોલ આપવામાં આવી. પ્લેટફોર્મ પર જર્મન ગેસ્ટાપોના અધિકારીઓ જાણે બહુ મોટું કામ કરી રહ્યા હોય તેમ હસી રહ્યા હતા.

વેગનોના દરવાજાઓ સીલ કરવામાં આવ્યા અને એક લાંબી સીટી વાગી. ગાડીના પૈડાઓ ધીરે ધીરે ફરવાના શરૂ થયા અને અમારો પ્રવાસ શરૂ થયો.

(લેખક અને તેમના પરિવારને આ પ્રવાસ ક્યાં લઇ જશે? જાણવા માટે વાંચો… આગળનું પ્રકરણ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED