Kaalratri books and stories free download online pdf in Gujarati

કાળરાત્રી

પ્રસ્તાવના :

દુનિયાના ઇતિહાસમાં લખાયેલા બધા જ પુસ્તકોમાં કેટલાક પુસ્તકો માનવજાત માટે બહુ અગત્યના છે. આ પુસ્તકો માનવજાતે સાચવીને રાખવા પડશે. આ એવા પુસ્તકો છે જે માનવજાત જયારે માનવતા ભૂલશે ત્યારે અરીસો ધરશે. આવા પુસ્તકોમાં એક પુસ્તક છે ઈલાઈ વિસેલ(Elie Wiesel)નું "નાઈટ". આ પુસ્તક તેમની પોતાની હૃદય દ્રાવક સંઘર્ષ કથા પર આધારીત છે. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જયારે નાઝી સૈન્યએ તેમના આખા પરીવારને ઓસચવિત્ઝ અને બુચેનવાલ્ડના કોન્સ્ટ્રેશન કેમ્પમાં મોકલી આપ્યા ત્યારની આ કથા છે. આ પુસ્તક તેમની યાતનાઓનો હૃદયદ્રાવક ચીતાર છે. આ પુસ્તક નાઝીઓ દ્વારા યહુદીઓ પર ગુજારવામાં આવેલા અત્યાચારોનો એહવાલ છે.

ગુજરાતી ભાષામાં આ પુસ્તકનો અનુવાદ નથી થયો. કદાચ થયો હોય તો મને ખ્યાલ નથી. ભારત જેવો દેશ જ્યાં હજુ પણ નાત-જાત અને ધર્મના વાડાઓ બનાવીને જીવતા લોકો માટે આવા પુસ્તકો વાંચવા બહુ જરૂરી છે. માનવતાને ભૂલીને ધર્મ કે નાત -જાતના ભેદભાવને પ્રધાન્ય આપવાથી કેવો વિનાશ થાય છે તેનું અહીં હૃદયદ્રાવક ચિત્રણ છે. માનવ રૂપી પશુઓએ વેરેલા વિનાશની આ કથા છે. કેટલાક વર્ણનો અરેરાટી પૂર્ણ છે. જયારે તમે વિચારો કે આ બધું સાચે જ બન્યું હતું ત્યારે આ પુસ્તક તમને ધ્રુજાવી દે છે.

લેખક આ પુસ્તક લખ્યા પછી ઘણા પ્રકાશકો પાસે તેને પ્રકાશિત કરવા લઇ ગયા હતા પણ કોઈ તેને પ્રકાશિત કરવા તૈયાર નોહતું થયું. ઘણા પ્રયત્નો અને કાપકૂપ પછી એક પ્રકાશકે તેને પ્રકાશિત કર્યું. પુસ્તક આખા વિશ્વમાં ખુબ વખણાયું. ઈલાઈ વિશેલ સમગ્ર વિશ્વમાં એક જાણીતું નામ બની ગયું. લેખકને તેમના માનવતાપૂર્ણ કામો માટે 1986માં શાંતિનું નોબલ પારિતોષિક પણ મળ્યું છે. 2016માં તેઓ મૃત્યુ પામ્યા.

બીજા વિશ્વયુદ્ધના ઉતરાર્ધમાં જયારે નાઝી જર્મનીએ હંગેરી પર કબજો જમાવ્યો ત્યારથી આ પુસ્તકની કથા શરૂ થાય છે. લેખક પોતે ત્યારે તેર વર્ષની ઉંમરના હતા અને તેમના માતા પિતા તેમજ ત્રણ બેહનોના પરીવાર સાથે ત્યારના હંગેરીના એક નાના ગામમાં રહેતા હતા. ત્યાર પછીની ઘટનાઓ સાચે જ માનવતાના નામ પર કલંક છે. આ ઘટનાઓ શું હતી તે જાણવા વાંચો...

પ્રકરણ- 1

તેઓ તેને મોઈઝ-પાદરીનો આસિસ્ટન્ટ કેહતા જાણે તેની પોતાની કોઈ અટક જ ન હોય.તે યહુદીઓના ગિરજાઘરના બધા જ કામો જાણતો . સીગેટના યહૂદીઓને તે ગમતો.સીગેટ એક ટ્રાન્સલવેનિયા(ત્યારનું હંગેરી અત્યારનું રોમાનિયા)માં આવેલું એક નાનું ગામ છે જ્યાં મારુ બાળપણ વીત્યું હતું. મોઈઝ ખુબ ગરીબ હતો અને બીજાની દયા પર જીવતો.નિયમો પ્રમાણે જીવતા મારા ગામના લોકો જરૂરિયાતમંદ લોકોને મદદ તો કરતા પણ તેમને પસંદ ન કરતા પણ મોઈઝ તેમાં અપવાદ હતો. તે લોકોને નડતો નહીં. તે લોકોના ધ્યાનમાં નહીં આવવાની કળામાં પારંગત હતો.

શારીરિક રીતે તે એક જોકર જેવો હતો.તેની વિચિત્ર હરકતોને કારણે લોકો હસતા. મને તેની મોટી શૂન્યમાં તાંકી રહેતી આંખો ગમતી. તે બહુ ઓછું બોલતો ક્યારેક બબડતો, ક્યારેક ગાતો. તે બબડતો ત્યારે બહુ ઓછા શબ્દો સમજાતા. તે મોટે ભાગે યહૂદિઓના ધર્મ ગ્રન્થોની વાતો બબડતો. તે હંમેશા યહૂદીઓને પડેલા દુઃખોની વાતો કરતો. તે કેહતો કે દુઃખો ભોગવવામાં જ સાચી મુક્તિ રહેલી છે.

હું તેને 1941 માં પેહલીવાર મળ્યો હતો. જયારે મારી ઉમર તેર વર્ષની હતી અને મને લોકોનું અવલોકન કરવું ગમતું. દિવસે હું તાલમુન્ડ(યહૂદીઓનો ધર્મગ્રંથ) ભણતો અને રાત્રે સિનેગોગ(યહૂદીઓનું ગિરજાઘર)માં જઈને પ્રાર્થના કરતો.

એક દિવસ મેં મારા પિતાને મારા માટે ધાર્મિક વિષયોના ભણતર માટે એક ગુરુ શોધવાનું કહ્યું. તેમણે મને પેહલા જે વિષયો હું સમજી શકું તેમાં ધ્યાન આપવાની શિખામણ આપી. તેઓ માનતા કે હું આવી બાબતો માટે ઘણો નાનો છું.

મારા પિતા એક સુશિક્ષિત પણ સ્વભાવે સખ્ત વ્યક્તિ હતા. તેઓ પોતાની લાગણીઓ ક્યારેય વ્યક્ત ન કરતા તેમના પરિવાર સામે પણ નહિ. તેમને સામાજિક જવાબદારીઓ નિભાવવી વધારે ગમતી . તેઓ પોતાના પરિવાર કરતા બીજાની ફિકર વધારે કરતા. સીગેટના યહૂદીઓ તેમને ઘણું માન આપતા . ઘણા સામાજિક અને અંગત પ્રશ્નોમાં તેમની સલાહ લેવામાં આવતી. અમે તેમના ચાર સંતાનો હતા. સૌથી મોટી મારી બહેન હિલ્ડા, પછી બીજી બહેન બીઆ, ત્રીજો અને એકમાત્ર પુત્ર હું અને સૌથી નાની ઝીપોરા.

મારા માતા-પિતા એક નાનકડી દુકાન ચલાવતા. હિલ્ડા અને બીઆ તેમને મદદ કરતી. જયારે મારુ કામ ભણવાનું રહેતું.

મારી ધાર્મિક વૃત્તિને જોઈને મારા પિતા ઘણીવાર મને સમજાવતા પણ હું મારા માટે ગુરુ શોધવા માટે મક્કમ હતો. અંતે મેં પેલા મોઈઝને મારો ધાર્મિક ગુરુ ગણી લીધો.

એક સાંજે મોઈઝે મને પ્રાર્થના કરતી વખતે રડતા જોઈને પૂછ્યું," તું પ્રાર્થના કરતી વખતે કેમ રડે છે?"

"મને ખબર નથી." મારો જવાબ હતો. સાચે જ મને ખબર નોહતી કે હું કેમ રડું છું? હું માત્ર એટલું જ જાણતો કે મારા અંદર કશુંક એવું હતું જે મને પ્રાર્થના કરતી વખતે રડવાનું કેહ્તું.

"તું પ્રાર્થના કેમ કરે છે?" એ તેનો બીજો સવાલ હતો.

કેવો વિચિત્ર પ્રશ્ન હતો એ. મારા માટે જેમ શ્વાસ લેવો અને જીવવું હતું તેમ જ પ્રાર્થના પણ હતી.

હું હંમેશા તેને કેહતો કે મને નથી ખબર કે હું પ્રાર્થના શા માટે કરું છું?

અમે રોજ સાંજે સિનેગોગમાં બધા ચાલ્યા જાય પછી પણ બેઠા રહેતા. તેણે મને સમજાવ્યું કે દરેક પ્રશ્નમાં એક શક્તિ હોય છે જે તેના જવાબમાં નાશ પામે છે. માણસ પ્રશ્નો દ્વારા જ ભગવાનની નજીક આવે છે. માણસના પ્રશ્નોનો જવાબ ભગવાન પોતાની રીતે આપે છે જે માણસ ક્યારેક નથી સમજી શકતો. આપણા પ્રશ્નોના જવાબો આપણી અંદર જ હોય છે. આપણે માત્ર આપણી અંદર દ્રષ્ટિ કરવાની જરૂર છે.

"તું શા માટે પ્રાર્થના કરે છે?" હું પણ તેને પૂછતો.

"હું એ માટે પ્રાર્થના કરું છું કે ભગવાન મને સાચા પ્રશ્નો પૂછવાની શક્તિ આપે." તેનો જવાબ રહેતો.

આ રીતે મોઈઝ મારો ધાર્મિક ગુરુ બની ગયો જેની સાથે હું ઈશ્વરને સમજવાના અને મુક્તિ પામવાના સપના જોવા લાગ્યો.

***

એક દિવસ અચાનક સીગેટ ગામમાંથી બધાજ વિદેશી યહૂદીઓને હાંકી કાઢવામાં આવ્યા. કમનસીબે મોઈઝ પણ એક વિદેશી યહૂદી હતો.

એક પશુઓ ભરવાના ગાડામાં તેમને ખીચોખીચ હંગેરીયન પોલીસે ભર્યા. તેઓ રડતા રહ્યા અમે પણ તેમની સાથે સ્ટેશનના પ્લેટફોર્મ પર રડ્યા. બધાને પશુઓની જેમ ટ્રેઈનમાં ભરવામાં આવ્યા. અમે એ ટ્રેઈનને જતી જોઈ રહ્યા.

મારી પાછળ કોઈક બોલ્યું," તમે યુદ્ધ દરમ્યાન બીજી આશા પણ શું રાખી શકો?"

ધીરે ધીરે લોકો દેશનિકાલ પામેલાઓને ભૂલી ગયા. સીગેટમાં જનજીવન ફરીથી સામાન્ય થઈ ગયું. કોઈક સમાચાર લાવ્યું કે સરકાર બધાને બાજુના ગામમાં મજુરી કરવા લઇ ગઈ છે. બધા ત્યાં બહુ ખરાબ જીવન જીવી રહ્યા છે. દિવસો, અઠવાડિયાઓ અને મહિનાઓ વીતી ગયા લોકોને પેલા યહૂદીઓ યાદ ન રહ્યા.

અચાનક એક દિવસ સિનેગોગના દરવાજે મેં મોઈઝને જોયો. તેની હાલત ખરાબ હતી. તેના કપડાં ફાટેલા હતા. તે લોકોને પોતાની આપવીતી કહી રહ્યો હતો.

મોઈઝ અને તેના સાથીઓને ટ્રેઈનમાં હંગેરિયન પોલીસ દ્વારા પોલેન્ડની સીમા પર લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને ગેસ્ટાપો(જર્મનીની કુખ્યાત પોલીસ)ને સોપીં દેવામાં આવ્યા. ગેસ્ટાપોએ તેમને ટ્રેઈનમાંથી ઉતારીને પશુઓની જેમ ટ્રકોમાં ભર્યા. તેમને જંગલમાં લઇ ગયા જ્યાં તેમની પાસે જર્મન સેના માટે બંકરો બનાવવાના કામમાં જોતરવામાં આવ્યા. જયારે તેમનું કામ પૂરું થયું ત્યારે ગેસ્ટાપોએ પોતાનું કામ શરૂ કર્યું. કોઈ પણ જાતના ખચકાટ વગર ગેસ્ટાપોએ આ કેદીઓને મારવાનું શરૂ કર્યું. એક પછી એક તેમને બંકરો સામે ઉભા રાખવામાં આવતા અને ગોળીએ દેવામાં આવતા. નવજાત શિશુઓને હવામાં ફેંકીને મશીનગન વડે ટાર્ગેટ પ્રેક્ટિસ કરવામાં આવતી. મોઈઝના પગે ગોળી વાગી હતી. તેને મરેલો ધારી લેવામાં આવતા તે બચી ગયો.

મોઈઝ દિવસો સુધી યહૂદીઓના ઘરે જતો અને પોતાની તથા પોતાના હતભાગી સાથીઓની આપવીતી કેહતો. તે એક છોકરીની વાત કેહતો જે ગોળી વાગતા ત્રણ દિવસ સુધી રિબાઈને મૃત્યુ પામી હતી. તે એક દરજીની પણ વાત કરતો જેણે પોતાના દીકરાઓ પેહલા પોતે ગોળી ખાવાનું પસંદ કરીને મોત વહાલું કર્યું હતું.

મોઈઝ પેહલા જેવો નોહતો રહ્યો. તેની આંખોમાંથી ખુશી ગાયબ થઇ ગઈ હતી. તેણે ગાવાનું પણ છોડી દીધું હતું. તેણે પ્રાર્થના કરવાનું પણ છોડી દીધું હતું. તે માત્ર પોતાની આપવીતી લોકોને કેહતો રહેતો પણ લોકો તેની વાત સાંભળવા રાજી ન થતા. તેમને તેની વાતો ગપ્પા લગતી. ઘણા તો એમ પણ કેહતા કે તે ગાંડો થઇ ગયો છે અને તેમની દયા માટે આ નાટક કરે છે.

મોઈઝ રડતો અને કેહતો," મારે તમારી દયા કે પૈસા નથી જોઈતા. તમે માત્ર મારી વાત સાંભળો."

મને પણ લાગતું કે મોઈઝ ગાંડો થઇ ગયો છે. હું ઘણીવાર સાંજની પ્રાર્થના પછી તેની પાસે બેસતો એને તેનું દુઃખ સમજવાનો પ્રયત્ન કરતો.

"લોકો તારી વાત માને કે ન માને તને શો ફેર પડે છે?" હું તેને પૂછતો.

"એલિઝાર, તને ખબર છે હું કેમ બચી ગયો?" તે બોલતો. " કારણ,કે મારે અહીં પાછા ફરીને તમને બધાને ચેતવવા હતા જેથી તમે બધા જે આવી રહ્યું છે તેના માટે સમય રહેતા તૈયાર રહો. મને મારા મોતની નથી પડી. હું તો માત્ર ઈચ્છું છું કે તમે મારી વાતો પર વિશ્વાસ કરો."

એ સમય હતો 1942ના અંત નો.

તેના પછી જીવન પાછું પૂર્વવત થઇ ગયું. લંડન રેડીઓ, જે અમે રોજ રાત્રે સાંભળતા, જર્મની અને સ્ટાલિનગ્રાડ પર બોમ્બિંગના સમાચાર આપતું. જર્મની સામે રશિયા બીજો મોરચો ખોલી ચૂક્યું હતું. અમે સીગેટના યહૂદીઓ સારા દિવસો પ્રત્યે આશાવાદી હતા.

મેં ફરી અભ્યાસમાં મન લગાવ્યું હતું. મારા પિતા તેમના વ્યવસાય અને સામાજિક જવાબદારીઓમાં વ્યસ્ત થઇ ગયા હતા. વેકેશનમાં મારા દાદા અમને મળવા આવ્યા હતા. મારી માં એ મારી મોટી બેન માટે યોગ્ય મુરતિયો શોધવાનું પણ શરૂ કરી દીધું હતું.

આ રીતે 1943નું વર્ષ પસાર થઇ ગયું.

1944ની વસંત ઋતુ : રશિયન મોરચેથી સારા સમાચાર હતા. જર્મની હારી રહ્યું હતું. હવે થોડા મહિનાઓ કે અઠવાડિયાઓનો જ સવાલ હતો. લોકો કહી રહ્યા હતા,"રશિયન લશ્કર ઝડપથી આગળ વધી રહ્યું છે. હિટલર ધારે તો પણ આપણને નુકસાન પોહચાડી શકે તેમ નથી...."

કેટલાક આશાવાદીઓને તો હિટલરની યહૂદીઓનો નાશ કરવાની ઈચ્છા વિષે પણ શંકા હતી. વીસમી સદીમાં એક આખા સમાજનો નાશ કોઈ કેવી રીતે કરી શકે? તેઓ તેમની વાતના ટેકા માટે રાજકીય, ધાર્મિક અને વ્યૂહાત્મક દલીલો કરતા. તેમને તેમના ભાગ્ય પર પૂરો ભરોસો હતો.

મોઈઝ પણ શાંત થઇ ગયો હતો. તે લોકો સાથે ભળતા કતરાતો. તે શેરીઓમાં એકલો રખડતો રહેતો. તે લોકો સાથે નજરો મેળવવાનું ટાળતો.

"ક્યાંક બીજે જઈને નવી જિંદગી શરૂ કરવા માટે હું બહુ વૃદ્ધ છુ." એ બબડતો.

બુડાપેસ્ટ રેડીઓએ એનાઉસમેન્ટ કરી કે હંગેરીનું શાસન ફાસિસ્ટ પક્ષના હાથમાં આવી ગયું છે. અત્યારની સરકારને દેશનું શાસન જર્મની તરફી ફાસિસ્ટ પક્ષને આપવાની ફરજ પડી છે. તેમ છતાં અમે બધા નિશ્ચિંન્ત હતા. અમે ફાસિસ્ટ પક્ષ વિષે બહુ જાણતા નહીં. અમારા માટે એ માત્ર એક સામાન્ય સતાપલટો હતો.

તેના બીજા જ દિવસે એક ભયાનક સમાચાર આવ્યા. હંગેરીની નવી સરકારે જર્મન સેનાને પોતાની સીમામાં પ્રવેશવાની મંજૂરી આપી દીધી હતી.

અંતે લોકો ગભરાવા લાગ્યા. મારો એક મિત્ર જે બુડાપેસ્ટથી પાછો ફર્યો હતો તેણે જણાવ્યું કે બુડાપેસ્ટના યહૂદીઓ ભયમાં જીવી રહ્યા છે. વંશીય હિંસાની ઘટનાઓ વધી ગઈ છે. ફાસિસ્ટ પક્ષના લોકો યહૂદીઓના ધર્મસ્થાનો અને ધંધાના સ્થળો પર હુમલાઓ કરી રહ્યા છે.

સમાચાર આગની જેમ આખા સીગેટ ગામમાં ફેલાઈ ગયા. લોકો આ વિષય પર જ વાતો કરવા લાગ્યા. પણ એ લાબું ન ચાલ્યું. લોકોનો આશાવાદ ફરી પાછો ફર્યો. તેઓ બોલવા લાગ્યા," જર્મન થોડા આટલા દૂર અહીંયા આવશે? તેઓ બુડાપેસ્ટમાં જ રહેશે, માટે આપણે સુરક્ષિત છીએ." પોતાની વાતના સમર્થનમાં તેઓ ફરી પાછી રાજકીય અને વ્યુહાત્મક દલીલો કરતા.

ત્રણ દિવસની અંદર જર્મન લશ્કરી વાહનો અમારી શેરીઓમાં ફરી રહ્યા હતા.

જર્મન સૈનિકોની અમારી પર પેહલી છાપ એટલી ખરાબ નોહતી. કેટલાક જર્મન ઓફિસરો લોકોના ઘરમાં પણ રોકાયા હતા. તેમનું વર્તન યજમાન પ્રત્યે સાલસ અને નમ્ર હતું. તેઓનો વ્યહવાર ઘરના સભ્યો પ્રત્યે સારો હતો. કેટલાક ઓફિસરો યહૂદીઓના ઘરમાં પણ રોકાયેલા હતા. અમારા ઘરની સામે રહેતા યહૂદી મિસ્ટર કહાનના ઘરમાં પણ એક જર્મન ઓફિસર રોકાયો હતો. અમને કહેવામાં આવ્યું હતું કે તેનો સ્વભાવ બહુ સારો છે. એક દિવસ તે મિસિસ કહાન માટે ચોકલેટનું બોક્સ પણ લાવ્યો હતો. આશાવાદીઓ ફરીથી ખુશ હતા. તેઓ કહી રહ્યા હતા," લો, અમે નોહતા કેહતા કે જર્મનોના ઘાતકી વ્યહવારની વાતો ખોટી છે. તમે બધા ખોટો ડર રાખી રહ્યા હતા."

જર્મનો અમારા શહેર સુધી પહોંચી ગયા હતા. ફાસિસ્ટ પાર્ટી સતામાં આવી ગઈ હતી. તેમ છતાં સીગેટના યહૂદીઓ ખુશ હતા.

(શું સીગેટના યહૂદીઓનો આશાવાદ સાચો ઠરશે? લેખકના પરિવાર સાથે શું થશે? જાણવા માટે વાંચો ભાગ બીજો...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED