(આપણે આગળના પ્રકરણમાં વાંચ્યું કે કઈ રીતે લેખક અને તેમના પિતાએ ઓસચવિત્ઝના કેમ્પમાં પોતાનું જીવન શરૂ કર્યું. કેવી રીતે તેઓ અલગ અલગ બેરેકો માંથી પસાર થયા. હવે આગળ વાંચો...)
અમારી બેરેકના પ્રમુખ જીપ્સીએ અમને ફરી દોડવાનો આદેશ આપ્યો. અમે બેરેકની બહાર નીકળ્યા અને પાંચ પાંચની હારમાં દોડવા લાગ્યા. બીજા ઇન્ચાર્જ કેદીઓ પેલા જીપ્સીની સાથે અમને મારવામાં જોડાયા. હું તેમના મારથી બચવા ટોળાની વચ્ચે ઘુસવાનો પ્રયત્ન કરવા લાગ્યો.
સવારના અજવાળામાં કેમ્પનું દ્રશ્ય થોડું અલગ દેખાઈ રહ્યું હતું. પેલી ચીમનીઓના પડછાયા કેમ્પને ઘેરી રહ્યા હતા. પેલા કેદીઓ હજુ ખાડાઓ ખોદી રહ્યા હતા. હું આસપાસનું દ્રશ્ય જોવા થોડો ધીમો પડ્યો.
"ચાલ, જલ્દી ચાલ." મારા પિતાએ મને ખેંચ્યો. તે મને અમારા પર વરસી રહેલી લાઠીઓથી બચાવવા માંગતા હતા.
અમે અલગ અલગ ગેટ માંથી પસાર થતા ગયા. એક પછી એક ગેટ અમે વટાવતા ગયા. જગ્યાએ જગ્યાએ સફેદ કલરમાં રંગેલા ડેન્જર લખેલા બોર્ડ લટકાવેલા હતા. જેમના પર લખેલું હતું, "સાવધાન, મૃત્યુની શક્યતા." એ બોર્ડ જાણે અમારા પર કટાક્ષ કરી રહેલા હોય તેમ લાગતું હતું. અમારા માટે તો આખા કેમ્પમાં દરેક જગ્યાએ મોતની હાજરી હતી.
અમે ફરી મશીનગનધારી એસ.એસ.ના સૈનિકોના હવાલે કરવામાં આવ્યા. ધીરે ધીરે બરકેનાઉં કેમ્પની કંટાળી વાડ પાછળ છૂટતી ગઈ. અમે હવે ઓસચવિત્ઝના મુખ્ય કેમ્પ તરફ જઈ રહ્યા હતા. અમને અમારી સાથે રહેલા એસ.એસ.ના સૈનિકો પોતાના કુતરાઓ સાથે દોરી રહ્યા હતા. એ મે મહિનાનો દિવસ હતો. વસંત ઋતુ પોતાનો પ્રભાવ વાતાવરણમાં જમાવી રહી હતી. સુરજ ધીરે ધીરે આથમી રહ્યો હતો.
થોડીવારમાં અમેં ઓસચવિત્ઝના મુખ્ય કેમ્પ પર પહોંચી ગયા હતા. સામે મુખ્ય કેમ્પનું મોટું બોર્ડ હતું. જેના પર મોટા અક્ષરે લખેલું હતું, "ઓસચવિત્ઝ : કામ તમને મુક્તિ આપે છે."
મુખ્ય કેમ્પમાં કેટલીક વસ્તુઓ સારી હતી. અહીં બરકેનાઉં જેવી લાકડાની બેરેકને બદલે સિમેન્ટની બનેલી બબ્બે માળની ઇમારતો હતી. અમને એવી જ એક ઇમારતની સામે બેસાડવામાં આવ્યા. અમારે ફરીથી રાહ જોવી પડી. વારાફરતી અમને ફરીથી નવડાવવામાં આવ્યા. આ પ્રક્રિયામાંથી અમારે વારંવાર પસાર થવું પડતું. એક કેમ્પમાંથી બીજા કેમ્પમાં દાખલ થતા પેહલા અમને ફરજીયાત નવડાવવામાં આવતા જાણે અમને અડકવાથી પણ તેઓ માંદા પડવાના હોય.
ફરી અડધી રાતે અમે ઠંડીમાં અમારા કપડાં વગર ધ્રુજતા ઉભા હતા. અમને નવા કપડાં આપવાનો વાયદો કરવામાં આવ્યો.
અડધી રાત્રે અમને ફરી દોડવાનો આદેશ મળ્યો. અમે ફરી એ ઠંડીમાં દોડ્યા. "જેટલું તમે દોડશો તેટલા જ જલ્દી સુઈ જશો." એક ઓફિસર બોલી રહ્યો હતો.
થોડી મિનિટોની દોડ પછી અમને ફરી એક નવી બિલ્ડિંગમાં લઇ જવામાં આવ્યા. અમારી આ નવી બેરેકનો વડો એક નાની ઉંમરનો યુવાન હતો. તે અમને જોઈને હસ્યો અને અમને સંબોધીને બોલવા લાગ્યો. અમારા થાક છતાં અમે તેને શાંતિથી સાંભળવા લાગ્યા.
"તમે અત્યારે ઓસચવિત્ઝના મુખ્ય કેમ્પમાં છો. તમે બહુ નસીબદાર છો. તમે ચીમની માટેની પ્રાથમિક પસઁદગીમાંથી બચી ગયા છો. તમે તો જોયું જ હશે કે ચીમનીઓમાં કેવી રીતે બધાને જીવતા બાળવામાં આવી રહ્યા છે. તમારો આગળનો રસ્તો હજુ બહુ વિકટ અને યાતનાઓ ભરેલો છે પણ તમે આશા રાખજો. તમે હિંમત ન હારતા. નર્ક કાયમી નથી હોતું. શ્રદ્ધા રાખજો. અહીં તમારે તેની બહુ જરૂર પડશે. આપણે બધા ભાઈઓ છીએ. ચાલો, આ મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ કરીએ. અહીં જીવતા રહેવાનો આ જ એક માત્ર રસ્તો છે. તમે બધા બ્લોક નંબર 17 માં છો અને મારી જવાબદારી અહીં વ્યવસ્થા જાળવવાની છે. કોઈને પણ કોઈ જ જાતની તકલીફ હોય તો મને મળવું. હવે તમે સુવા જઈ શકો છો. દરેક પથારીમાં બબ્બે વ્યક્તિઓને સુવાનું છે. ગુડ નાઈટ."
અમને કેમ્પમાં સાંભળવા મળેલા તે પેહલા માનવતાપૂર્ણ શબ્દો હતા.
અમે બધા ડબલ ડેકર બંક બેડ પર ચડ્યા અને સુઈ ગયા.
સવારે અનુભવી કેદીઓએ અમને કોઈ જ જાતની નિર્દયતા દેખાડ્યા વગર આવકાર્યા. અમને ફરી નવડાવવામાં આવ્યા અને કપડાં આપવામાં આવ્યા. તેઓ અમારા માટે કાળી કોફી પણ લાવ્યા.
આશરે દસ વાગ્યે અમે અમારો નવો બ્લોક છોડ્યો જેથી તેની સાફસફાઈ થઇ શકે. અમે બહાર ગરમીમાં ઉભા રહ્યા. અમારો જુસ્સો થોડો વધ્યો હતો.એક રાતની નીંદરે તેનું કામ કર્યું હતું. અમે અમારા મિત્રોને અને સગા સંબંધીઓને શોધ્યા. એક બીજા સાથે જે હંમેશ માટે ચાલ્યા ગયા છે તેમના ઉલ્લેખ વગર વાતો થઈ. બધા એવું માનતા હતા કે યુદ્ધ જલદી ખતમ થઈ જવાનું હતું.
બપોરે અમારા માટે સૂપ આવ્યું. અમે બધા ભૂખ્યા હતા. અમે છેલ્લે ક્યારે જમ્યા હતા એ પણ અમને યાદ નોહતું. તેમ છતાં મેં સૂપને હાથ પણ ન લગાડ્યો. હું હજુ એ જ બગડેલો છોકરો હતો. મારા પિતા મારા ભાગનું સૂપ પી ગયા.
આશરે બાર વાગે અમે બિલ્ડિંગના છાંયે એક નીંદર લીધી. પેલી કાદવવાળી બેરેકમાં એસ.એસ. ઓફિસરે અમને ખોટી માહિતી આપી હોય એમ લાગ્યું. ઓસચવિત્ઝ એટલું ખરાબ નોહતું લાગી રહ્યું.
બપોરે અમને લાઈનમાં ઉભા રાખવામાં આવ્યા. ત્રણ જુના કેદીઓએ ટેબલ ગોઠવ્યા. અમને વારાફરતી બાંયો ચડાવીને એ ટેબલ સામે બેસાડવામાં આવ્યા. અમારા હાથ પર ટેટૂ પાડવામાં આવ્યા. હું હવે કેદી નંબર A-7713 બની ગયો. મારી જુની ઓળખ ભૂંસાઈ ગઈ.
સાંજે બધાને મેદાનમાં હાજરી માટે ભેગા કરવામાં આવ્યા. હજારો કેદીઓએ લાઈન લગાવી. એસ.એસ. ઓફિસરોએ તેમની હાજરી પુરી. હાજરી પુરી થતા જુના કેદીઓ નવા આવેલાઓમાં પોતાના સગાઓને શોધવા લાગ્યા. દિવસો પસાર થતા ગયા. સવારે બ્લેક કોફી, બપોરે સૂપ. ત્રીજા દિવસથી હું ચુપચાપ જેવું મળે તેવું સૂપ પીવા લાગ્યો. રોજ સાંજે છ વાગ્યે હાજરી લેવામાં આવતી. તેના પછી જમવા માટે બ્રેડ સાથે કોઈ વસ્તુ આપવામાં આવતી.
આઠમા દિવસે જયારે હું અને મારા પિતા હાજરી પછીની તે પુરી થવાની માહિતી આપતી ઘંટડી વાગવાની રાહ જોતા હતા ત્યારે એક બટકો ચશ્માવાળો માણસ બધાને પૂછી રહ્યો હતો."સીગેટના વિસેલ કોણ છે તમારા માંથી?"
અમે તેને અમારી પાસે બોલાવ્યો. તે અમારી સામે જીણી આંખો કરીને બોલ્યો,"તમે મને ન ઓળખ્યો? હું તમારો સંબંધી સ્ટેઇન. તમારી પત્ની મારી પત્નીની માસી થાય. મેં સાંભળ્યું કે સીગેટથી બધાને લાવવામાં આવ્યા છે એટલે હું મળવા આવ્યો. તમારી પત્ની અમને નિયમિત રીતે કાગળ લખતી હતી."
મારા પિતાએ તેને ઓળખ્યો નોહતો. તે હંમેશા પોતાના સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેતા માટે કૌટુંબિક બાબતો અને અમારા સગાઓ વિષે તે બહુ ઓછું જાણતા. એકવાર તો અમારી એક માસી એક અઠવાડિયા સુધી અમારી સાથે રહી પછી મારા પિતાને ખબર પડી કે તે અમને મળવા આવી છે. પણ હું તે વ્યક્તિને ઓળખી ગયો હતો. બેલ્જિયમ તરફ ભાગી જતા પેહલા તેમના પત્ની અને પુત્ર સાથે અમારી સાથે થોડા દિવસ રહ્યા હતા.
"હું 1942 માં અહીં આવ્યો. તમારી પાસે મારી પત્ની કે પુત્રની કોઈ માહિતી છે?" તેણે અમને પૂછ્યું.
મારી પાસે તેમના વિષે કોઈ માહિતી નોહતી પણ હું ખોટું બોલ્યો, "હા, તેઓ સલામત છે."
તે સારા સમાચાર સાંભળીને રડવા લાગ્યો. તે હજુ ઘણું પૂછવા માંગતો હતો પણ અમારા તરફ આવતા એક એસ.એસ. ઓફિસરને જોઈને તે ફરી મળવાનું કહીંને ચાલ્યો ગયો. ઘંટડી વાગી અને અમે અમારા સાંજના ભોજન માટે ગયા. હું મારા ભાગની બ્રેડ ફટાફટ જમી ગયો. મારા પિતાએ મને ટપાર્યો, "હજું કાલ પડવાની છે ધીરે ધીરે ખા." તેમની સલાહ મેં ન માની. તેમણે પોતાના ભાગની બ્રેડને હજુ હાથ પણ નોહતો લગાડ્યો. મેં તેમની તરફ જોયું તેઓ બોલ્યા, "મને ભૂખ નથી."
(ક્રમશ:)